ગુજરાતી સાહિત્ય પરિષદના બારમા અધિવેશનના પ્રમુખ મોહનદાસ કરમચંદ ગાંધી પાસેથી કેટલાંક નોંધપાત્ર પુસ્તકો પ્રાપ્ત થાય છે. તેમાં આજથી ૧૧૦ વર્ષ પહેલાં મૂળ ગુજરાતી ભાષામાં લખાયેલું ‘હિંદ સ્વરાજ’ મહત્ત્વનું પુસ્તક છે. તેમની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ અને ‘હિંદ સ્વરાજ’માંના લખાણે હંમેશા મને આકર્ષિત કર્યો છે. સત્યને શોધવાનો અને સત્યને પામવાનો તેમનો અભિગમ હૃદયગમ છે. સત્યાગ્રહી એટલે શું એ સમજાવતા તેઓ કહે છે કે, સત્યાગ્રહી થવા માટે મનુષ્યે બ્રહ્મચર્ય પાળવું જોઈએ, ગરીબાઈ ધારણ કરવી જોઈએ, નિર્ભય બનવું જોઈએ અને સત્યનું તો સેવન કરવું જ પડે. પછી ભલેને ગમે તેટલું નુકશાન થતું હોય તોપણ સત્યને છોડવું ન જોઈએ. અને આ બધું કરવા માટે પોતાના મન પર કાબુ મેળવવો જરૂરી છે.
‘હિંદ સ્વરાજ’ લંડનથી દક્ષિણ આફ્રિકા પાછા ફરતાં આગબોટ પર લખાયું છે. આ પુસ્તક એક અનોખી પ્રયુક્તિ રૂપે લખાયેલું છે. એ પ્રયુક્તિ એટલે સંવાદની પ્રયુક્તિ. પ્રાચીનકાળમાં ગુરુ-શિષ્ય વચ્ચે સંવાદ થતો. ગીતામાં પણ કૃષ્ણ-અર્જુનનો સંવાદ જોવા મળે છે. ગાંધીજી સામયિકના તંત્રી હતા એટલે પોતે અધિપતિરૂપે સામયિકના વાચક સાથે સંવાદ કરે છે. આ નાનકડાં પુસ્તકમાં આપણને ગાંધીજીનો ખરો પરિચય મળી રહે છે. ગાંધીજી વિશે તથા તેમના વિચારોને જાણવાની ઈચ્છા ધરાવનાર માટે આ પુસ્તક ઘણું ઉપયોગી છે, કારણ કે તે ગાંધીવિચારનું પાયાનું પુસ્તક છે. ને એટલે જ લૉર્ડ લોધિયને પણ કહ્યું છે કે, “ગાંધીજી અત્યારે જે કંઈ ઉપદેશી રહ્યાં છે તે આ નાનકડી ચોપડીમાં બીજરૂપે પડેલું છે, અને ગાંધીજીને બરાબર સમજવા માટે એ ચોપડી ફરી ફરી વાંચવી ઘટે છે.”(પૃ. 110) ગાંધીજીએ ‘મારી વાણી એ જ મારું જીવન’ એ સૂત્રને ચરિતાર્થ કરી બતાવ્યું છે. તેમણે આ પુસ્તકમાં માત્ર પોતાના વિચારો પ્રગટ કર્યાં છે એટલું જ નહીં, એ વિચારોને પોતાના જીવનમાં ઉતાર્યાં પણ છે.
ગાંધીજીએ આ પુસ્તકમાં ‘સ્વરાજ’ અંગેની પોતાની કલ્પના રજૂ કરી છે. તેમના મતે સ્વરાજ એટલે આપણાં મનનું રાજ્ય. અને આ સ્વરાજ વિષયક તમામ પાસાંઓની વિચારણા રજૂ કરી છે. આપણે એમ માનીએ છીએ કે ‘સ્વરાજ’ એટલે અંગ્રેજો આપણાં દેશમાંથી જતા રહે તે. પરંતુ ગાંધીજીને મતે અંગ્રેજો જતા રહે એ જ માત્ર સ્વરાજ નથી, આપણી ઉપર આપણે રાજ્ય ભોગવીએ તે જ સ્વરાજ છે. આપણી પોતાની ગુલામી જાય તો હિંદુસ્તાનની ગુલામી ગઈ એમ સમજવું. ટૂંકમાં તેઓ આપણા દેશને ‘ઇંગ્લિસ્તાન’ નહીં, પણ ‘હિંદુસ્તાન’ બનાવવા માંગે છે. આવું સ્વરાજ ક્યારે પ્રાપ્ત થાય ? જ્યારે પ્રજામાં જાગૃતિ આવે ત્યારે. લૉર્ડ કર્ઝને બંગાળાના ભાગલા પાડ્યા એટલે આપણે તેને હિંદુસ્તાનનો દુશ્મન માનીએ છીએ. ગાંધીજીનો મત કંઈક જૂદો છે. પ્રજામાં જાગૃતિ આવી એની પાછળ લૉર્ડ કર્ઝનને તેઓ જવાબદાર ગણે છે. કર્ઝને સત્તાના કેફમાં આગળ-પાછળનું કંઈ જ વિચાર્યા વિના બંગાળના બે ભાગ કર્યાં, ને એથી પ્રજામાં જાગૃતિનો સંચાર થયો. ભાગલાના કારણે જ પ્રજામાં સહનશક્તિ વધી અને નવો જુસ્સો આવ્યો. સ્વરાજ મેળવવા માટે પ્રજામાં આવી જાગૃતિ અનિવાર્યં હતી.
ગાંધીજી સ્પષ્ટવક્તા હતા. અંગ્રેજોમાં શુદ્ધ ભાવ અને શુદ્ધ પ્રામાણિકતાનો અભાવ છે એમ તેઓ નિર્ભય બનીને કહેતા. એટલું જ નહીં, આધુનિક સુધારાને ‘કુધારો’ કહેતા પણ ખચકાયા નથી. રહેવા માટે ઝૂંપડાંમાંથી સારું ઘર બનાવવું, ચામડાના વસ્ત્રની બદલે મોટા લેંઘા ને અવનવા કપડાં પહેરવાં, ભાલાની જગ્યાએ ‘બંદૂકડી’ વાપરવી, ઉપરાંત મનુષ્ય દ્વારા પોતાના હાથપગને કષ્ટ આપ્યા વિના થતા અનેક મોજ-શોખ... વગેરેને ગાંધીજી સુધારો ગણતા નથી. તેમના મતે આ બધામાં સુધારો નથી, માત્ર શરીરસુખ રહેલું છે. તેઓ આવા સુધારાને ઘાસણી(ક્ષય)ના રોગ જેવો ગણે છે, જે ઉપરથી દેખાય તેવી ઈજા કરતો નથી, પણ છેવટે તો માણસનું મૃત્યુ થાય જ છે. તો અંગ્રેજો દ્વારા મળેલી શાંતિ કરતા ઠગ, પીંઢારા, ભીલ વગેરેના ત્રાસને તેઓ પસંદ કરે છે. કારણ કે, અંગ્રેજોની શાંતિએ માણસોને નામર્દ, બાયલા અને ભીરુ બનાવી દીધા છે. નામર્દ બની રહેવા કરતા તેઓ ભીલના તીર-કામઠાથી મરવાનું વધુ પસંદ કરે છે. ટૂંકમાં જેને આપણે સારું ગણીએ છીએ, સુધારો ગણીએ છીએ તેના પર ગાંધીજીએ પ્રહારો કર્યાં છે.
ગાંધીજીના મતે હિંદુસ્તાનને કંગાલ બનાવવામાં ત્રણ બાબતોનો ફાળો રહેલો છે : રેલવે, વકીલ અને ડૉક્ટર. હિંદુ અને મુસલમાન વચ્ચે થયેલા વિરોધનું મૂળ પણ તેઓ આ ત્રણમાં જ જૂએ છે. બાપુનું રેલવેપુરાણ ઘણુંબધું કહી જાય છે. તેમાં તેમણે રેલવેને કારણે થતા નુકશાનો પર પ્રકાશ પાડ્યો છે. જેમ કે, રેલવેથી મરકી ફેલાય છે, દુષ્કાળ વધ્યા છે, દુષ્ટતા વધી છે અને પવિત્ર સ્થાનો અપવિત્ર થયાં છે. જો રેલવે ન હોત તો અમુક જ માણસો એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકત, જેથી ચેપી રોગો આખા દેશમાં ન ફેલાત. ઉપરાંત રેલવેના કારણે કેવી રીતે દુષ્કાળ તથા દુષ્ટતા વધી છે અને પવિત્ર સ્થાનો કેવી રીતે અપવિત્ર બન્યાં છે તેની માર્મિક સમજૂતી આપીને રેલવેનો ત્યાગ કરવાનો સંદેશ આપ્યો છે. ગાંધીજી પોતે વકીલ હતા છતાં વકીલોનો-જે વકીલાતને માત્ર પૈસા કમાવવાનો ધંધો ગણે છે તે- પણ વિરોધ કરે છે. કારણ કે વકીલોએ જ અંગ્રેજી સત્તા વધારીને હિંદુસ્તાનને ગુલામી અપાવી છે અને હિંદુ-મુસલમાનના ઝઘડા વધાર્યાં છે. તેઓ વકીલ અને જજને માસિયાઈ ભાઈ કહે છે. વળી ડૉક્ટરો વિશેનો તેમનો અભિપ્રાય પણ સમજવા જેવો છે. તેઓ કહે છે કે, ડૉક્ટરો માત્ર આડંબરથી લોકોની પાસેથી મોટી ફી લે છે. એટલું જ નહીં, પરંતુ પ્રજાનો ધર્મભ્રષ્ટ પણ કરે છે, કારણ કે ઘણીખરી દવામાં ચરબી અથવા દારૂ હોય છે. એટલે તેઓ પુસ્તકના અંતમાં વકીલ અને ડૉક્ટરે કેવી રીતે પોતાની ફરજ બજાવવાની છે તેની વિગતે ચર્ચા કરે છે. વળી તેઓ નોંધે છે કે, “એક શહેરમાં જ્યારે પૈસાની તંગી આવી ત્યારે ટ્રામની, વકીલની તથા દાક્તરની આવક ઘટી ને લોકો તંદુરસ્ત થયા.” (પૃ. 95) અલબત્ત એ શહેર કયું તેનો તેઓ કોઈ ઉલ્લેખ કરતા નથી.
આધુનિક સુધારાની મુખ્ય નિશાની એટલે યંત્રો-સંચો. પરંતુ બાપુ તો તેને સુધારો નહીં, મહાપાપ ગણે છે. તેમને મન સંચો એક પ્રકારનો રાફડો છે, જે રાફડામાં સેંકડો સર્પ રહે છે. આજનો માનવી પૈસા પાછળ ગાંડો થયો છે. બાપુ એ પૈસાને કે વિષયને સર્પના દંશ કરતાં વધુ ભૂંડો/નુકશાનકારક માને છે. કારણ કે સર્પ કરડે ત્યારે દેહ લઈને છૂટકો કરે છે, જ્યારે પૈસો અથવા વિષય કરડે ત્યારે દેહ, જીવ, મન બધું લેતાં પણ છુટકારો થતો નથી. ને એટલે તેઓ સ્વદેશી વસ્તુઓ જ વાપરવાની હાકલ કરે છે. તેમને બીજાનું-વિદેશી ખપતું નથી. આપણે સ્વદેશી ક્યારે થઈશું ? જ્યારે બધી જ વસ્તુઓ આપણી વાપરીશું ત્યારે જ સ્વદેશી બનીશું. અને આમ કરવા માટે બીજાની રાહ જોવાની નથી, શરૂઆત તો પોતાનાથી જ કરવાની છે. તો જ આપણને જોઈને બીજા એમ કરશે. અર્થાત્ આમ કરવાથી જ સંચાકામ/વિદેશી વસ્તુઓને જળમૂળથી ઉખેડી શકીશું. ને તો જ ખરા અર્થમાં આખો દેશ સ્વદેશી બનશે.
ગાંધીજીએ કેળવણી વિષયક પણ ઊંડી ચર્ચા કરી છે. તેમના મતે લોકો લખતાં, વાંચતાં, હિસાબ ગણતાં શીખે એ જ મૂળ અથવા પ્રાથમિક કેળવણી છે. આપણે અંગ્રેજી કેળવણી લેવાની નથી, કારણ કે અંગ્રેજી કેળવણી આપણને ગુલામ બનાવે છે. તેથી સ્વભાષામાં આપણે કેળવણી લેવી ઘટે. દરેક ધર્મે પોતાની ભાષામાં જ કેળવણી લેવી જોઈએ એમ તેઓ સ્પષ્ટપણે જણાવે છે. જેમ કે, હિંદુએ સંસ્કૃત, મુસ્લિમે અરબી, પારસીએ પર્શિયન અને આ દરેકને હિંદીનું જ્ઞાન તો અચૂક હોવું જોઈએ. અને તેમાં પણ ધર્મકેળવણી અને નીતિકેળવણી પહેલાં હોવી જોઈએ. દીર્ઘદ્રષ્ટા ગાંધીજીના આ વિચારો પ્રમાણે આપણે કેળવણી મેળવીએ તો જ ખરા અર્થમાં સ્વરાજની પ્રાપ્તિ થાય.
ગાંધીજીએ સ્વદેશ, સુધારા, સંચાકામ વિશે રજૂ કરેલા કેટલાંક વિચારોમાં હું સમંત નથી. યંત્રનો કરેલો આત્યંતિક વિરોધ શક્ય છે ? એ માની લેવો જોઈએ ? તેમના મતે, “આપણા પૂર્વજોએ જોયું કે સંચા વગેરેની જંજાળમાં માણસો પડશે તો પછી ગુલામ જ બનશે ને પોતાની નીતિ તજશે.” ( પૃ. 63) નર્મદ, નવલરામ વગેરેએ યંત્રોના સહારે સામયિક પ્રકાશિત કર્યા અને પ્રજામાં જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો છે, તે ખોટો છે ? તો ગાયની રક્ષા બાબતે રજૂ કરેલો તેમનો મત આશ્ચર્ય પમાડે છે. તેઓના મતે મુસલમાન ન માને અને ગાયનો વધ કરવા અડગ રહે તો પોતાનો પ્રાણ દેશે પણ મુસલમાનનો પ્રાણ નહીં લે. હું ગાય માટે મુસલમાનનો પ્રાણ લેવા કહેતો નથી, પરંતુ માત્ર હાથ જોડીએ અને તે ન માને તો હું ગાયને જતી ન કરું, એકાધિક પ્રયત્નો કરીને પણ ગાયના પ્રાણ બચાવું. તેમનો ચોર વિષયક મત પણ અજૂગતો છે. તેઓ કહે છે કે જેવો ચોર એવું તેમને ભગાડવાનું સાધન. હવે આપણે ચોર કોઈપણ હોય, તેને ભગાડવા તેના જ પ્રમાણેનું સાધન શોધવા જતા નથી. જે-તે સમયે જે મળ્યું એના દ્વારા જ આપણે એને ભગાડવાનો પ્રયત્ન કરીએ છીએ. વળી તેઓ તો ચોરને સુધારવા માટે દરવાજા ખુલ્લા રાખવાનું કહે છે. આ શક્ય છે ? અત્યારના સમયમાં તો નથી જ. ચોરને એકવાર કંઈક મળે તો તો એ વારંવાર આવે. કહેવાય છેને કે તમે આંગળી આપો તો એ તમારો આખો હાથ લઈ લે. એટલે ગાંધીજીના અન્ય વિચારોને નમન કરું, પણ આ હું સ્વીકારી શકતો નથી. આવા આત્યંતિક વિચારો તેઓ કઈ રીતે કરી શક્યા અને કેમ કર્યા, એની પાછળ રહેલી ભૂમિકા પણ જાણવી જરૂરી છે. વળી ગાંધીજીએ પ્રસ્તાવનામાં ચોખવટ કરી છે કે, મારા વિચાર ખોટા નીવડે તો તેને પકડી રાખવાનો તેઓ આગ્રહ રાખતા નથી. અહીં તેમના નિખાલસ વ્યક્તિત્વનો પરિચય થાય છે.
આ પુસ્તકની ભાષાની વાત કરીએ તો કેટલાંક શબ્દો ખટકે છે. જેમ કે, ‘તમે જરા ખામોશ પકડશો તો તમને જે જોઈએ છે તે જ મળશે’ માંનો ‘ખામોશ’ (પૃ. 24), ‘નિમકવેરો’ (પૃ. 28), ‘ઇંગ્લંડ’ (પૃ. 34), ‘ગલત’ (પૃ. 43), ‘જડજ’ (પૃ. 58) વગેરે શબ્દો બદલી શકાય. ઉપરાંત ગાંધીજી પ્રસ્તાવનામાં જણાવે છે કે એક અંગ્રેજ મહિલા મિત્રના કહેવાથી પાર્લમેન્ટ માટે વાપરેલો શબ્દ ‘વેશ્યા’ સુધારવા ઈચ્છે છે, પણ પુસ્તકમાં શરતચૂકથી સુધારી શક્યા નથી. પરંતુ પુનમના ચંદ્રમાં રહેલા કાળા ધબ્બાથી/ડાઘાથી તેની સુંદરતા ઓછી થતી નથી તેમ આવા કેટલાંક શબ્દોથી પુસ્તકની સુંદરતામાં કોઈ ઘટાડો થતો નથી. ને એમાં પણ પોતાની વાત સમજાવવા જરૂર પડે ત્યાં પ્રયોજેલી કહેવતો પુસ્તકની સુંદરતામાં ઓર વધારો કરે છે. કેટલાંક ઉદાહરણ જોઈએ. ‘ઉતાવળે આંબા ન પાકે’ (પૃ. 24), ‘મન ચંગા તો ઘેર બેઠે ગંગા’ (પૃ. 49), ‘મિયાંને ને મહાદેવને ન બને’ (પૃ. 60) વગેરે...
આમ, ‘હિંદ સ્વરાજ’માં ગાંધીજીએ દેશ માટે ઉપયોગી એવા પ્રાથમિક મુદ્દાઓ તરફ આપણું ધ્યાન ખેંચ્યું છે. મૃગજળ અને વાસ્તવિક જળ વચ્ચે જેવો ભેદ છે એવો ‘સુધારો’ તથા ‘કુધારો’ અને ‘સ્વરાજ’ તથા ‘કુરાજ’ વચ્ચે રહેલો ભેદ સમજાવ્યો છે. વળી, બ્રિટિશ સરકારની પદ્ધતિને સખત રીતે વખોડી છે. ટૂંકમાં કહીએ તો સત્ય અને અહિંસાના સિદ્ધાંતોના સ્વીકારમાંથી અંતે શું શું ફલિત થાય છે તેનો ચિતાર આ નાનકડા પુસ્તકમાં આપેલો છે.
સંદર્ભ :