નવલકથા ક્ષેત્રેમાં અશ્વિની ભટ્ટ લોકપ્રિય નવલકથાકાર તરીકે પોંખાયા છે. તેમણે ગુજરાતી સાહિત્યમાં નવાપ્રકારની નવલકથાઓ આપીને નોખો ચીલો ચાતર્યો છે. તેમાં ફાસલો, ઓથાર, લજ્જા સન્યાલ, આશકા માંડલ, શૈલજા સાગર, કરામત જેવી નવલકથાઓ આપી છે. તેમની નવલકથાઓ લંબાણ પૂર્વક પણ રસિક છે. આશકા માંડલ નવલકથામાં સવાર સાંજ અને મધ્યાહનનું આહલાદક વર્ણન જોવા મળે છે. નવલકથાની પ્રસ્તાવનામાં જ રણની વાત માંડતા અશ્વિની ભટ્ટ નોંધે છે કે અહર્નિશ તપતા સૂરજના ધીખતા ચંદરવા હેઠળ. સદીઓથી ધબકતી ધરા પર સર્જાતા એક લોહિયાળ પ્રસંગની આ ગાથા છે. રણદ્વીપમાં ઉગેલા સૂરજમુખીની તાજગી, તેનો રુઆબ, તેની પ્રસન્નતા, શહેરમાં બનાવેલા ઉદ્યાનમાં ખીલેલા ફૂલથી કંઈક નોખી હોય છે. નવલકથાના આરંભથી રણની રમણીયતા જોવા મળે છે.
રાજસ્થાનમાં આવેલ હમીરગઢથી ત્રીસેક માઈલ દૂર એ નાનકડો રણદ્વીપ છે. ત્યાં કોઈ વસ્તી નથી. પણ કચ્છ-સિંધ કે પશ્ચિમ તરફ જનારા વટેમાર્ગુઓ માટે એ સ્વર્ગ સમી જગ્યા એ થોરાડની વીરડી હતી. રેગિસ્તાનમાં પણ સવાર ખૂબ જ આહલાદક હોય છે. હમીરગઢની આજુબાજુ થોડી રળિયામણી છે. આવળ, કેરા અને બોરડીનાં ઝાડથી મઢેલો ચરો. રેગિસ્તાનમાં તો કાશ્મીરના શાલીમાર જેવો લાગે. હમીરગઢમાં લીંબડાના ઝાડનું જતન તો જાણે સાક્ષાત્ ઈશ્વરના સ્વરૂપ જેવું થાય છે. તળાવ વટ્યા પછી રેગીસ્તનની ધરતી શરૂ થતી. અઢી માઈલ જેટલા એ લાંબા પટમાં થોડાં ખેતરો, પછી ખડકાળ ધરતી શરૂ થાય. રેતીના પહેલાં ટિંબા, હમીરગઢથી સાત માઈલથી શરૂ થાય છે. કયાંક પંદર ફૂટતો કયાંક બસ્સો બસ્સો ફૂટ ઊંચી રેતીના ઢગલા! ઝીણી રેતીમાં ઊંટના પગ અડધો ફૂટ ખૂંતી જતા. આપણે તો ચાલી પણ ન શકીએ. દસ વાગતાં તો સૂરજનાં કિરણો અંગપર દાહ લગાડતાં હોય છે.
સૂરજ ઊગતાંની સાથે દરિયાનાં મોજાંની જેમ પથરાયેલી રેતીના તોતિંગ ઢગલા અને ઢોળાવની વચ્ચેની દર્શમાંથી પસાર થવું સહેલું પડતું હોય છે. આહલાદક લાગતો વાયરો ધીરે ધીરે ગરમ થતો. રેતીના ઢેર પરથી હવાના ઝોલા સાથે રેતી ઊડતી હતી. થોરાડ એક અજબ જગ્યા છે. ફ્લોરિડાના બીચ પરથી કોઈ હોટેલના પ્રાંગણ જેવી જ એ જગ્યા લાગે. દક્ષિણ-પશ્ચિમ બાજુએ બરાબર તોતિંગ બાંકડા જેવો, પા માઈલ લાંબો લગભગ અને સો મીટર પહોળો એક ખડક આવેલો છે. તેની ઓતરાદી બાજુએ અને નીચાણમાં ધરતી ફોડીને જાણે કોઈ શાપિત અપ્સરા બહાર આવતી હોય તેમ એક નાનકડો ઝરો બહાર આવે છે.ત્યાં પથરાયેલ લગભગ પચાસેક ચોરસ મીટર ખડકાળ ધરતીમાં એક કુંડ જેવી જગ્યામાં એ પાણી ભરાય છે. લોકવાયકાતો એવી છે કે સરસ્વતીનાં પાણી પેટાળમાંથી બહાર આવ્યાં છે. ગમે તેમ પણ એ પાણી, જાણે રણવિસ્તારમાંના વટે માર્ગુઓ માટે આશીર્વાદ સમાન છે. ત્યાં કોઈ વસ્તી નથી. એક તરફ ખડકાળ ભૂમિ છે. ખડકની સામે લગભગ પાંચસો ફૂટ ઊંચો રેતીનો ઢગલો જેને જાયંટ ડયૂન કહે છે, તેવો ઢગલો છે. પૃથ્વીરાજ ચૌહાણના વખતમાં રચવામાં આવેલી એક નાનકડા ગઢ જેવી ચોકી પણ પેલાં બાંકડા જેવા ખડકની પશ્ચિમ ધારે બાંધેલી છે. તેની હાલત ખંડેર જેવી છે, પણ દીવાલો હજુ ઊભેલી છે. મનને લોભાવે તેવું તાદૃશ થાય છે.
થોરાડની વીરડી પર ચોકીના ખંડેરથી નીચાણમાં પેલો ઝરો અને કુંડ છે. તેના પાણીમાં ગંધકની વાસ આવે છે. તેની ઉત્તરે અને રેતીના ઢેરની તળેટીમાં લગભગ અડધો ચોરસ માઈલમાં ખજૂરનાં ઝાડ છે. કેરડા અને થોરનું નાનકડું જંગલ છે. નવાઈની વાતતો એ છે કે આખોય એ વિસ્તાર મહાકાય રેતીના ઢગલાથી વીંટળાયેલો છે. પરંતુ પવનની રોજિંદી દિશા એવી છે કે પશ્ચિમ તરફ આવેલા ખડકને કારણે એ જગ્યા સલામત રહી છે. રેતીના તોફાનોમાં તે આજ સુધી ક્યારેય દટાઈ નથી. જાણે એક રહસ્યમય સ્થળ હોય તેવો આભાસ થાય છે.
રણમાં રાત દિવસ થતા ફેરફારો જોવા મળે છે. પવનની સાથે જ રેતીનો ઢગલો વેરણ છેરણ થતો અને ધૂળનું આખું વાદળ, મોટા ટેકરા સાથે અથડાતું અને જમા થતું. એક ઢગલો અદ્રશ્ય થતો અને બીજો રચતો. રાતના પાછલા પહોરે રેતીનું તોફાન હળવું અને પવન ઓછો થતો. ગોરાડું રેતીનાં વાદળો વિખરાયાં હતાં. અને ઠેર ઠેર રેતીના ટેકરાઓ પર લીસા ઢોળાવો બની ગયા હતા. ક્યાંક ક્યાંક તો આખે આખો રેતીનો ટીંબો જાણે તાજો જ લીંપ્યો હોય તેમ તેના પર રેતીનાં મોજાંની લહેરો અંકિત થઈ ગઈ હતી. દુરથી તો એમ જ લાગે કે જાણે કોઈ ખડક પર, કોઈ અજબ શિલ્પીએ દરિયાનાં મોજાં કંડાર્યા ન હોય! રણના સૌદર્યનો અદ્ભુત નજરો જોવા મળે છે.
રણમાં કોઈ વ્યક્તિનું અવસાન થાય ત્યારે ધીરે ધીરે તેનું શરીર રેતીમાં ઢંકાઈ જાય છે. માટીમાં માટી મળી જશે એ વાત જેટલી રેગિસ્તાન માટે સત્ય છે એટલી કદાચ કોઈ જગ્યા માટે સાચી નથી. દરિયાની માફક જ રણમાં મૃત્યું પામ્યા પછી તેનું શરીર સમય સાથે લુપ્ત થઈ જાય છે.
રેગિસ્તાનમાં સવાર કરતાં રાત રોમાંચક હોય છે. ચંદ્રનું અજવાળું જ્યારે રેતીના ઢેર પર ફેલાતું હોય છે. ત્યારે સોનાગેરુ જેવી ઝીણી રેતીની રૂપેરી કણો ચમકી ઊઠે છે. ઘડીભર તમે પૃથ્વીની બહાર કોઈ અજબ, ઠંડા અને શાંત ગ્રહ પર આવી ગયા હોય તેવી અનુભૂતિ થાય છે. ધૂંધળા કાપડની જવનિકા પાછળથી કોઈ આછી પ્રકાશિત રંગમંચની સૃષ્ટિ નિહાળતા હોય તેમ અફાટ ધરતી પર ફેલાયેલા રેતીના ટીંબા નજરે પડે છે. આવું વર્ણન જાણે રાત્રીના રોકાણની જિજીવિષા રૂપ બને છે.
સ્થળનો ઉલ્લેખ અવલોકનથી નિરુપયો છે. ખત્રપની જગ્યા પાસેના રેતીના ટીંબાઓ નીચે થોડી ખડકાળ ભૂમિ હતી. તે ટીંબાઓ બસ્સો બસ્સો ફૂટથીય વધુ ઊંચા જોવા મળે છે. ત્યાં રણની ધરતીની ભૂગોળ બદલાતી હતી.
જ્યારે રણમાં બપોરના સાડા બાર થતા, ત્યારે તો કાળઝાળ ગરમી શરીરને શેકી નાખતી હતી. આંખનું પોપચું માંડ એક ઈંચ જેટલું ઊંચકી શકાતું. ઘડિયાળો એટલી ગરમ થઈ ગઈ હતી કે કાંડા પર ચંદા પડી જતા હતાં. ધાતુ તો ઠીક પણ કપડાં એવાં ગરમ થઈ ગયેલાં કે જાણે કોઈએ સગડીમાં તપાવીને પહેરાવ્યાં ન હોય! અસહ્ય તાપ સાથે રેતીમાં પણ ગરમી પસરેલી જોવા મળે છે.
સૂરજ જયારે મધ્યાહને પહોંચે ત્યારે રણમાં મૃગજળ જેવો ભાસ થાય છે. અપરંપાર રેતી... દ્રષ્ટિ પહોંચે ત્યાં સુધી રેતીના ઢેરના ઢેર... ગોરાડું રેતીના ડુંગરોથી જ આ પૃથ્વી બની હોય તેમ અનંત ક્ષિતિજ સુધી રેતીનો સાગર હિલોળા લેતો હતો. આખી ક્ષિતિજ અજબ રીતે હલતી હતી. કોઈ અલૌકિક નદી વહેતી હોય તેમ રેતીના એ ઢગલાઓ પર ચળકતું, આહ્લાદક પાણી દેખાતું, એ પાણીમાં સૂરજના તાપથી વળી વધુ જાંબલી-સફેદ, ચળકાટ ઝગતો. આકાશગંગા જાણે એ ભૂખી, વેરાન, શુષ્ક ધરતીને ભીંજાવા નાખવા આવી હોય. તેવો ભાસ થતો હતો. આકાશમાં ગોળાકારે ફરતા ગીધો માણસ ક્યારે ઢળી પડે તેની રાહેજ જાણે ઉડતા હતા. રણમાં સાપ પણ જોવા મળે છે.
અશ્વિની ભટ્ટે ‘આશકા માંડલ’ નવલકથામાં રણનું ગજબનું વર્ણન કર્યું છે. રાત-દિવસમાં આવતા પલટાઓ, અચાનક ફૂંકતા પવનોની આંધી, રેતીમાં ઊઠતા ઢુવાઓનું આલેખન અવિસ્મરણીય પાસું બની રહે છે. રણની વેરાનતા અને અસહ્ય તાપનું વર્ણન અપૂર્વ રીતે આલેખાયું છે. રણની ભવ્યતા પણ ઝિલાઈ છે. રણનો તાપ માણસને કેવો તો દઝાડે છે, ભૂખ-તરસથી તરફડતો માણસ ઢળી પડે એની રાહમાં જોતાં ગીધોનું વર્ણન ચિત પર અમીટ છાપ પાડનારું બન્યું છે. વિષયની માવજત કાબિલેદાદ છે. ભાવકને રણપ્રદેશ મનમોહિત બનાવે છે. આ નવલકથા એમની અદ્ભુત સર્જકતાની પરિચાયક છે.
સંદર્ભ ગ્રંથ