Included in the UGC-CARE list (Group B Sr. No 172)
ડાયસ્પોરિક કવિ પન્ના નાયક

‘ડાયસ્પોરા’- ‘ડાયસ્પોરિક’ સંજ્ઞા અને ‘ડાયસ્પોરિક સાહિત્ય’ એટલે શું? આ ચર્ચા ખૂબ જૂની છે. કોઈપણ સાહિત્યની સંજ્ઞા વિશે સમયાન્તરે તેમાં વધારો-ઘટાડો થતો રહે છે. એવું જ ‘ડાયસ્પોરિક સાહિત્ય’ વિશે બન્યું છે. દેશ છોડીને ગયેલો મનુષ્ય પોતાની અસલિયતને છોડી શકતો નથી. દેશ-પ્રદેશને છોડવાનું કારણ પછી ગમે તે હોય. દેશીવાદ પણ આ વાતની સાખ પૂરે છે કે પોતાના મૂળને મનુષ્ય ભૂલી શકતો નથી. વૃક્ષને પોષણ તેના મૂળિયાં આપે છે. સંસ્કૃતિ, સમાજ, ભાષા, પરિવેશ વગેરેથી દૂર રહીને મનુષ્યનો વિકાસ નહીવત છે. સ્થળાંતર થતી પ્રજા પોતાના મૂળને ભૂલી શકતી નથી. ‘ડાયસ્પોરિક સાહિત્ય’માં આ વાત પહેલેથી જોવા મળી છે. જે પ્રજા ભારત (ગુજરાત) છોડીને ગઈ છે. પણ તેમના સાહિત્યમાં સંસ્કૃતિ, સમાજ, ભાષા, પરિવેશ વગેરેની ઝંખના સતત જોવા મળે છે. શરીરથી તે દૂર છે પણ મનથી–હૃદયથી તે દેશ સાથે જોડાએલી હોય છે. દેશ-પ્રદેશ છોડ્યાનો વસવસો તેમના સાહિત્યમાં જોવા મળે છે. ‘ડાયસ્પોરિક વાર્તાઓ’ નામના પુસ્તકમાં ડાયસ્પોરિક સાહિત્ય કોને કહેવાય? તેની ચર્ચા કરી છે. તે આ મુજબ છે.

  1. જે સર્જકો પૂર્વે, કોઈ કાળે આફ્રિકામાં જઈ વસ્યા હતા અને રાજકીય પરિસ્થિતિ બદલાતાં, યુરોપ-અમેરિકા જઈને પુનર્વસવાટ કર્યો હતો – એ સર્જકોનાં, માદરે વતન તેમ જ આફ્રિકા-વસવાટનાં સ્મરણો-સંવેદનોને નિરૂપતું સાહિત્ય.
  2. વિદેશવાસી થયા પછીય, મોટે ભાગે પોતાનાં દેશ-પ્રદેશ અને સમાજ-સંસ્કૃતિની અવિસ્મૃત પરંપરામાં શ્વસતા રહીને વતન-ઝુરાપાને જીવતાં સર્જકોનાં સ્મરણ-સંવેદનોને નિરૂપતું સાહિત્ય.
  3. સ્વદેશ છોડીને વિદેશ વસી, સ્થિર થવા ચાહતા અને એ માટેની મજબૂત મથામણ કરતાં કરતાં વસવાટી ભૂમિ અને તેની સંસ્કૃતિનો પ્રભાવ ઝીલી-સ્વીકારીને, એ પ્રક્રિયાની પીડા અને આનંદથી સમૃદ્ધ થયેલા સર્જકનાં સંવેદનોને નિરૂપતું સાહિત્ય.
  4. વસવાટી દેશ-પ્રદેશની આબોહવા, એના પરિવેશમાં પગ ખોડીને ઊભેલા અને સ્વદેશ-વિદેશની સાંસ્કૃતિક-સાહિત્યિક પરંપરામાં આદાનપ્રદાનથી સમૃદ્ધ થયેલા સર્જકોનાં સંવેદનોને નિરૂપતું સાહિત્ય.

(‘ડાયસ્પોરિક વાર્તાઓ’, સં. વિપુલ કલ્યાણી, અનિલ વ્યાસ, ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર, પ્રસ્થાવના) આ ચર્ચા ને આધારે ચિરાગ ઠક્કર’જય’એ તેની વિભાવના આ મુજબ આપી છે. ‘એક ભૂમિ અને/અથવા સંસ્કૃતિમાં જન્મ અને ઉછેર પામીને બીજી ભૂમિ અને/અથવા સંસ્કૃતિમાં સ્થિર થયેલા કે સ્થિર થવા મથતાં સર્જકના સંવેદનતંત્રમાં બે ભૂમિ અને/અથવા સંસ્કૃતિઓના અવનવા મિશ્રણ થકી સર્જાતી ઊથલપાથલ એટલે ડાયસ્પોરિક સાહિત્ય.’ (લેખ-‘ડાયસ્પોરિકવાર્તાઓ’ ચિરાગ ઠક્કર ‘જય’, ઓપિનિયન, મેં-૨૦૧૨, પૃ.૨૧) જ્યારે સુમન શાહે ‘અનુઆધુનિકતાવાદ અને આપણે’ નામના પુસ્તકમાં ‘ડાયસ્પોરિક લિટરેચર’ નામના લેખમાં જણાવે છે કે,
‘વિદેશ વસતો ભારતીય અંગ્રેજી લેખક, માનો કે ભારતીય ગુજરાતી લેખક બે જગતોમાં જીવતો હોય છે. કે પછી ‘લિમ્બો’માં એટલે કે- ત્રિશંકની અવસ્થામાં. રશદીની ત્રિશંકુ અવસ્થા રંજાડગ્રસ્ત છે, પ્રાણઘાતક છે. એ હકીકત એમને ડાયસ્પોરા લિટરેચરના કોઈપણ લેખકથી જુદી દર્શાવી આપે છે. વિદેશવસવાટનું એક પરિણામ તે ઓળખલોપ, વ્યક્તિતાલોપ: તમે ભારતીય નથી, બિનભારતીય છો. પણ બિનભારતીય એટલે શું? કશું નહીં ! અંદરથી ભારત છૂટ્યું ન હોય તેથી નિરન્તરની લાગણી એ જ હોય કે હું ભારતીય છું. પણ એવા ભારતીય હોવું એટલે શું? કશું નહીં ! ક્રમે ક્રમે બધું સ્મૃતિવિશેષ થતું આવે- માતૃભૂમિ માતૃસંસ્કૃતિ વગેરે ઘસતાં ચાલે. વિદેશવસવાટનું બીજું પરિણામ તો, જીવવા માટેની નવી નવી જુક્તિઓનો સહારો લઈ નવી દુનિયા ઊભી કરવી તે છે. પરંતુ એ દુનિયા ‘નવી’ તે કેટલી? વળી, ‘દુનિયા’ પણ કેટલી? પરિણામ: વેદના અને ઉત્તરોત્તરની સભાનતાથી તેની તીવ્ર થતી સંવેદના- ભટકાર અને તેની લાધતી નિભ્રાંતિનો સતત વિકસ્યા કરતો અનુભવ.’ (પૃ.૨૨૨) સુમન શાહ જણાવે છે તેમ તે બિનભારતીયની વાત ભારત સાથે જોડે છે. બે દેશની સંસ્કૃતિની તુલના તેના માનસમાં થયા કરે છે. તે વિશેનો સંઘર્ષ સતત તેના સાહિત્યમાં પણ થયા કરે છે.

જયારે ડૉ. દર્શિની દાદાવાલા ‘ડાયસ્પોરા’ સંજ્ઞા વિશે નોંધે છે કે, ‘ડાયાસ્પોરા એટલે મૂળ સ્થળ સાથે જોડાએલી અને નાના ભૌગોલિક પટ પરના જુદા-જુદા સ્થળોએ વિખરાયેલી પ્રજા. ડાયાસ્પોરાનો એક અર્થ એમ પણ થાય છે કે મૂળ વતનથી અન્ય સ્થળ પર જવાની સ્થળાંતરની પ્રક્રિયા.’ (લેખ- “‘ડાયાસ્પોરા’ વિશે”, ડૉ. દર્શિની દાદાવાલા, IJRAR-international journal of research and analytical reviews, issue-3, july-sept. 2018, page-385) આ ઉપરાંત ડૉ. દર્શિની દાદાવાલાએ તેમના આ પેપરમાં ‘ડાયસ્પોરા’ વિશે એક મહત્વની વાત એ પણ છેડી છે કે ‘ક્યારેક સ્થળાંતર કરનાર ડાયાસ્પોરાનો ભાગ બને છે? આ પ્રશ્નનો ઉત્તર આપવો હવે આજના સમયમાં સંકુલ બની ગયો છે કારણ કે, માતૃભૂમિ પાછા ફરવા માટેનાં કારણોનો અભાવ અને નવી ભૂમિ પર શિક્ષણ, વેપાર કે કૌટુંબિક અર્થે સ્થિર થયેલી ડાયાસ્પોરામાં ગણવી કે કેમ એ પ્રશ્નનો ઉત્તર આપવો અનિવાર્ય થઇ પડે છે. પહેલાના સમયમાં સ્થાનાંતરની પ્રક્રિયા અનિચ્છાએ થતી પણ હવે એ પ્રક્રિયા સ્વેચ્છાએ થવા લાગી છે. આ ઉપરાંત, મૂળ ભૂમિ છોડ્યા પછી, નવી ભૂમિ પર સ્થિર ન થઈને સતત નવા-નવા દેશોમાં ફરતા રહેવાની વૃત્તિ પણ ડાયાસ્પોરાની વ્યાખ્યાને મૂળથી જ જુદી રીતે વિચારવા માટે પ્રેરે છે.’ (એજન, પૃ.૩૮૬) તેમની વાત ‘ડાયાસ્પોરા’ સંદર્ભે વિચાર કરવા પ્રેરે તેમ છે. આજના સમયમાં પણ આ સંજ્ઞા વિશે, તેની વિભાવનામાં વધારો- ઘટાડો થતો રહે છે. ‘ડાયાસ્પોરા-ડાયસ્પોરિક સાહિત્ય’ની ચર્ચા બાદ હવે મારે ‘પન્ના નાયક’ વિશે વાત કરવી છે.

ડાયસ્પોરિક કવિ પન્ના નાયકનો જન્મ ૨૮ ડિસેમ્બર ૧૯૩૩ના રોજ મુંબઈમાં ધીરજલાલ મોદી અને રતનબેનને ત્યાં થયો હતો. ઇ.સ. ૧૯૫૪માં તેમણે મુંબઈ યુનિવર્સિટી સાથે સંલગ્ન સેંટ ઝેવિયર્સ કૉલેજમાંથી ગુજરાતી અને સંસ્કૃત વિષયોમાં બી.એ. અને ૧૯૫૬માં એમ.એ.ની પદવીઓ મેળવી. લગ્ન પછી(૧૯૬૦) તેઓ યુનાઇટેડ સ્ટેટ્સ ખાતે સ્થાયી થયા. ઇ.સ. ૧૯૬૨માં ફિલાડેલ્ફીઆની ડ્રેક્ષલ યુનિવર્સિટીમાંથી એમ.એસ.એલ.એલ.ની લાયબ્રેરી સાયન્સની ડિગ્રી અને ૧૯૭૨માં ફિલાડેલ્ફીઆની પેન્સિલવેનીઆ યુનિવર્સિટીમાંથી એમ.એસ.ની પદવીઓ મેળવી. ઇ.સ.૧૯૬૪ થી ૨૦૦૩ દરમિયાન તેઓ પેન્સિલવેનીઆ યુનિવર્સિટીની વેન પેલ્ટ લાયબ્રેરીમાં દક્ષિણ એશિયાનાં ગ્રંથસૂચિકાર તેમજ ૧૯૮૫ થી ૨૦૦૨ દરમિયાન ગુજરાતીના પ્રાધ્યાપક તરીકે રહ્યા. ૨૦૦૪માં તેમના પતિ નિકુલ નાયકનું અવસાન થયું હતું. ત્યારબાદ તે એકલા જીવન વિતાવે છે. સાહિત્ય સર્જનમાં વાત કરીએ તો વાર્તા અને કવિતા ક્ષેત્રે તેમનું પ્રદાન મહત્વનું છે. તેમના કાવ્યસંગ્રહોમાં વાત કરીએ તો “પ્રવેશ(૧૯૭૫), ફિલાડેલ્ફીઆ(૧૯૮૦) નિસ્બત(૧૯૮૫), અરસપરસ(૧૯૮૯), કેટલાક કાવ્યો(૧૯૯૦), આવનજાવન(૧૯૯૧), વિદેશિની (૨૦૦૦), ચેરી બ્લોસમ(૨૦૦૪), રંગ ઝરુખે(૨૦૦૫), અત્તર અક્ષર વગેરે છે. અહીં મારે ‘ડાયસ્પોરિક કવિ પન્ના નાયક’ની વાત કરવી છે.

આધુનિકોત્તર ગુજરાતી કવિતામાં પન્ના નાયક જાણીતું નામ છે. તેમની કવિતામાં ડાયસ્પોરિક સંવેદના તથા નારીના મનોભાવો સચોટ નિરૂપાયા છે. આ ઉપરાંત વતનપ્રેમ, વતનવિચ્છેદ, સ્વજનો, મા-પિતાના સાથેના શૈશવના સ્મરણો, ખાલીપો વગેરે ભાવોને તેની કવિતામાં કવયિત્રીએ નિરૂપ્યા છે. દેશ-વતન છૂટ્યાનો ભાવ ‘છતાંય’ નામના કાવ્યમાં જોવા મળે છે. જેમકે,
‘જન્મે મળેલા
ને પછી ખોયેલા
શરીરના
એકાદ અવયવ વિના
જીવી શકાય
અને છતાંય
એની ખોટ સતત સાલે
એમ
હું જીવું
ભારત વિના...!’ (નિસ્બત, પૃ.૯૩)

આગળ ચર્ચા થઈ એમ મૂળ સાથે માણસ નજીકથી જોડાએલ હોય છે. કવયિત્રી માટે દેશ-ભારત એ શરીરના અવિભાજ્ય અંગ સમાન છે. જેમ શરીરનું કોઈ અંગ ન હોય અને તેની ખોટ સતત મનુષ્યને થયા કરે છે. તેવી જ રીતે ભારત દેશની ખોટ સતત સાલે છે. નોકરી-ધંધા અર્થે વિદેશ વસ્યા પણ જે દેશે પોતાના હાડ-માંસ ઘડ્યા છે તેને ભૂલી શકાતું નથી. આવો જ ભાવ કવિએ રજૂ કર્યો છે. ‘તો ?’ નામ કાવ્યમાં પ્રકૃતિ અને કવિતાનો આભાર માને છે. દેશ ભૂલી ગયા કે છોડી દીધો એવું કોણ કહે છે? તેના જવાબ ‘કોણ કહે છે?’ નામના કાવ્યમાં કવયિત્રી આ રીતે આપે છે.
‘અમેરિકાના
અને બીજા આંતરરાષ્ટ્રીય સમાચારમાંય જાણે
શોધું છું કેવળ ભારતને...
કોણ કહે છે
મેં વર્ષોથી ભારત છોડી દીધું છે?’ (નિસ્બત, પૃ.૯૫)

કવયિત્રીના પ્રશ્નમાં જવાબ છે. ભારત સાથેનો- વતન સાથેનો નાતો અતૂટ છે. સ્થળથી વતન-દેશ છૂટ્યો છે પણ મનથી ક્યારેય નથી છૂટ્યો નથી તેનો જવાબ કવિતાના માધ્યમથી કવયિત્રી આપે છે.

વતનની વસ્તુ પ્રત્યેનો પ્રેમ, જોડાણ પન્ના નાયકની ‘ડયુટિએબલ આઇટમ્સ’ કાવ્યમાં જોઈ શકાય છે.
‘ઈન્ડિયાથી અમેરિકા આવતાં
ભરવાનું હોય છે.
કસ્ટમ ડેક્લેરેશન ફોર્મ
અને
ડીક્લેર કરવાનું હોય છે
ડયુટિએબલ્સ આઇટમ્સ
ફિલોડેલ્ફિઆના એરપોર્ટ પર
મારા ભરેલાં ફોર્મ
અને
ચહેરાના હાવભાવ જોઈ
કસ્ટમ ઓફિસરને
શક ગયો મારા પર
કે
જરૂર કંઈ સંતાડું છું
એણે
ઉઘડાવી ઓગણત્રીસ ઈંચની બેગ
ફંફોળી
બેગને છેક તળિયેથી
હાથ આવ્યું
એક પરબીડિયું
જેમાં સંતાડ્યા હતાં
અંધેરીના ઘરના બગીચાનાં
સૂલાયેલાં ગુલાબના, ગુલમહોરને બોરસલીનાં ફૂલો...
ઓફિસર આંકી ન શક્યો
ડ્યુટીનો આંક...’ (‘અંતિમે’, પૃ.૮૦, ૮૧)

ઓફિસરની શંકા સાચી હતી પણ બેગમાંથી જે મળ્યું તે માટે શું કહેવું? તે ચૂપચાપ ત્યાં ચાલ્યો જાય છે. સુકાઈ ગયેલા ફૂલોમાં વતનપ્રેમ બરોબર વ્યક્ત થયો છે. વતનના સ્થળો સાથેનો ઘરોબો ‘બે શહેર’ કાવ્યમાં રજૂ થયો છે. તેનું ઉ.દા. જુઓ,
‘મુંબઈ મારી જન્મભૂમિ છે
અને એણે જે આપ્યું છે
તે
મારી અકબંધ મિરાત છે
જેને સાચવીને રાખી છે
મેં હૃદયના એક
ખૂણામાં
ફિલાડેલ્ફીઆનાં
અતિશય વહાલાં
ચેરીબ્લોસમ્સ
અને
ડેફોડિલ્સનું મહત્વ
આંખોમાં અંજાયેલાં
અંધેરીના ગુલમહોર જેટલું જ છે.’ (ગુલમહોરથી ડેફોડિલ્સ, પૃ.૩૩/૩૪)

અહીં કાવ્યમાં જન્મભૂમી અને કર્મભૂમિ બંનેયનું મહત્વ કવયિત્રીના મનમાં છે તે રજૂ થયું છે. કાવ્યસંગ્રહની પ્રસ્થાવનામાં નોંધે નોધે છે કે, ‘અંધેરીના ગુલમહોરનું મહત્વ ફિલાડેલ્ફીઆના ડેફોડિલ્સ કરતાં સહેજ ઊતરતું નથી એટલે જ શીર્ષકમાં મેં આ પુષ્પોને ગૂંથી લીધાં છે.’ (ગુલમહોરથી ડેફોડિલ્સ, પન્ના નાયક, ઈમેજ પબ્લિકેશન, મુંબઈ, પ્રથમ આવૃત્તિ-૨૦૧૨, પ્રસ્તાવનામાં)

આમ, કવિ બંનેય શહેરનું મહત્વ આંકે છે. આવું મહત્વ અન્ય કાવ્યોમાં કવયિત્રીએ વતન, વતનની પ્રકૃતિને યાદ કરી છે. તેની સાથેનો નાતો સ્પષ્ટ કર્યો છે. ‘Homesickness’ નામના કાવ્યમાં કવયિત્રી જે છોડને ઉખેળીને બીજી જગ્યાએ રોપે છે ને તે જીવવાના નિર્ધાર સાથે ઉગી નીકળે છે. કવયિત્રીનો પ્રકૃતિ સાથેનો સંબંધ નીકટનો છે તે આ કાવ્યમાં દેખાય છે. સુરેશ દલાલે પન્ના નાયકની ડાયસ્પોરિક કવિતાના સંદર્ભે નોંધ્યું છે કે ‘આત્મલક્ષીપણું એ એની વિશિષ્ટતા છે. જીવનકથાની અવેજીમાં એ કવિતા નથી લખતી પણ જીવાતા જીવનનાં સંદર્ભમાં જે અનેક પરિસ્થિતિઓ છે, મનના અનેક મિજાજો છે, એનાં પ્રતિબિંબ પન્નાની કવિતામાં પડ્યાં કરે છે. ભારત છોડીને પરદેશમાં રહેવું એ એક ફ્લાવરવાઝમાંથી બીજા ફ્લાવરવાઝમાં ફૂલો ગોઠવવા જેટલી સહેલી વાત નથી પણ એક આખુંને આખું વૃક્ષ ઉખેડીને પારકી ભૂમિમાં રોપવા જેવી વાત છે. સ્વાભાવિક છે કે આ પરિસ્થિતિની પણ વેદનાને સંવેદના પ્રગટ થયા કરે છે.’ (કવિ અને કવિતા કેટલાંક કાવ્યો, લે. સુરેશ દલાલ, સં. પન્ના નાયક, ગુજરાત સાહિત્ય અકાદમી, અમદાવાદ, પ્ર.આ.૧૯૯૦) સુરેશ દલાલના શબ્દો પન્ના નાયકની કવિતામાંથી પસાર થતા સાચા લાગે છે. ગામ, વતન, દેશ, પ્રકૃતિ, સ્વજન, પરિવેશ બધું છોડીને પરદેશમાં વસવું ખરેખર ફૂલદાનીમાં ફૂલો બદલા જેટલું સહેલું નથી. એક વૃક્ષને બીજી જગ્યાએ રોપવા જેટલી કઠીન બાબત છે. મા –બા સાથેનું જોડાણ, તેના સ્મરણો એકથી વધુ કવિતામાં ભાવસભર રીતે આલેખાયા છે. તેનું એક ઉદાહરણરૂપ ‘શોધું છું’ કવિતા જોઈએ.
‘હું
નાની હતી ત્યારે
મારાં બા
મારાં વાળ ઓળતાં
હાથમાં અરીસો આપીને
એમની આગળ પલાંઠી વળાવીને બેસાડતાં
છુટ્ટા વાળમાં
એ ઘસી ઘસીને
ઘેર બનાવેલું બ્રાહ્મીનું તેલ નાખતાં
...
તપાસતાં
કે
વાળ બરાબર ઓળાયા છે કે નહીં?
...
આજે
મારા વાળ સાવ ટૂંકા છે
તેલ વિનાના સૂકા, બરછટ છે
નપુંસક ગુસ્સાથી પીડાતી હું
શોધું છું
બા...
બાનો હાથ...’ (અરસપરસ, પૃ. ૨૩/૨૪)

‘બા’ વિશેની એક વધુ રચના-
‘મારી ફ્રોક પહેરવાની ઉંમરને વરસો વહી ગયાં
અને બા પણ હવે નથી રહ્યાં
હવે
ઘણું બધું ફાટી ગયું છે
સોય-દોરા સામે છે
પણ દોરો પરોવાતો નથી
કોણ જાણે ક્યારે
સાંધી શકાશે
આ બધું? (ગુલમહોરથી ડેફોડિલ્સ, પૃ.૧૬)

આમ બા, ઘર, વતન, દેશ વગેરે વિશેની ડાયસ્પોરિક સંવેદના કવયિત્રીની કવિતામાં નિરૂપાઈ છે. વતન વિચ્છેદ, નારીની વ્યથા એકથી કાવ્યોમાં સચોટ રજૂ થઈ છે. તેમની રચનાઓ અછાંદસ છે. દીર્ધ છે. પરતું કવિતામાં જોવા મળતો લય ભાવકને સ્પર્શી જાય છે. સહજરીતે પોતાના ભાવોને રજૂ કરવાની પન્ના નાયકામાં આવડત છે. ભાષા આ માટે તેમને બરોબર રજૂ કરી છે. માટે તેમનો અવાજ પોતીકો લાગે છે. તેમની કવિતા સંદર્ભે જયંત ગાંડીત નોંધે છે કે ‘પરદેશમાં આધુનિક નગરસંસ્કૃતિ અને તેની સગવડો વચ્ચે જીવતી એક સ્ત્રીના મનોગતને પ્રગટ કરતી આ કવિતા છે. કોઈ સંઘર્ષ, વિસ્મય કે તાણ વગરના, ભૌતિક સુખસગવડથી ભરેલા એકવિધ જીવનમાં અનુભવાતાં સુસ્તી ને કંટાળો, એ વચ્ચે મૃતપ્રાયઃ બનતી ચેતના ને તેમાંથી જન્મતો વિષાદ-એ આ કાવ્યોના કેન્દ્રવર્તી ભાવ છે. આ ભાવથી બંધાયેલી કવિની દ્રષ્ટિ પોતાના દાંપત્યજીવનમાં, પોતાની આસપાસના જીવનમાં એકલતાનો, પારાયાપણાનો, ઉષ્માવિહીનતાનો અનુભવ કરે છે. એ ઝંખે છે વતનને અને સ્નેહસભર જીવનને. સરળ તોપણ ભાવક્ષમ ભાષા આ કવિતાની લાક્ષણિકતા છે.’ જયારે તેમના કાવ્યસંગ્રહમાંથી પસાર થતાં સુરેશ દલાલ નોંધે છે કે, ‘ગુજરાતી કવિતામાં પન્ના નાયકનો પોતીકો અવાજ છે. પરદેશમાં રહીને કાવ્યના માધ્યમ દ્વારા કવયિત્રી ગુજરાતી ભાષાની સાધના કરે છે. માતૃપ્રેમ અને માતૃભૂમિ આ બંને વિશે પણ પન્નાએ સંવેદનાને વાચા આપી છે.( અરસપરસ, પન્ના નાયક, એસ.એન.ડી.ટી. મુંબઈ, પ્ર.આ.૧૯૮૯, પ્રસ્થાવનામાં) આમ વિદેશ રહીને પોતાની દેશની ભાષા, સંસ્કૃતિ, પરિવેશ વગેરેને કાવ્યના માધ્યમથી રજૂ કરતી પન્ના નાયક અનુઆધુનિક સમયની મહત્વની કવયિત્રી છે.

સંદર્ભ-

  1. ડાયસ્પોરિક વાર્તાઓ’, સં. વિપુલ કલ્યાણી, અનિલ વ્યાસ, ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર, પ્રસ્થાવના
  2. ગુલમહોરથી ડેફોડિલ્સ, પન્ના નાયક, ઈમેજ પબ્લિકેશન, મુંબઈ, પ્રથમ આવૃત્તિ-૨૦૧૨
  3. આવન જાવન, પન્ના નાયક, એસ.એન.ડી.ટી. મુંબઈ, પ્ર.આ.૧૯૯૧
  4. અરસપરસ, પન્ના નાયક, એસ.એન.ડી.ટી. મુંબઈ, પ્ર.આ.૧૯૮૯
  5. કવિ અને કવિતા કેટલાંક કાવ્યો, સં. સુરેશ દલાલ, ગુજરાત સાહિત્ય અકાદમી, અમદાવાદ, પ્ર.આ. ૧૯૯૦
  6. અંતિમે, પન્ના નાયક, ઈમેજ પબ્લિકેશન, મુંબઈ, પ્રથમ આવૃત્તિ-૨૦૧૪
  7. ચેરી બ્લોસમ્સ, પન્ના નાયક, ઈમેજ પબ્લિકેશન, મુંબઈ, પ્રથમ આવૃત્તિ-૨૦૦૪
  8. નિસબત, પન્ના નાયક, મિહિકા પ્રકાશન, મુંબઈ, પ્ર.આ.૧૯૮૪
  9. લેખ-‘ડાયસ્પોરિકવાર્તાઓ’ ચિરાગ ઠક્કર ‘જય’, ઓપિનિયન, મેં-૨૦૧૨,
  10. લેખ- “‘ડાયાસ્પોરા’ વિશે”, ડૉ. દર્શિની દાદાવાલા, IJRAR-international journal of Research and Analytical reviews, issue-3, July-Sept. 2018
  11. સ્ત્રી –સંવેદનાની વિવિધ છાયાઓની ઝાંખી, મીનળ દવે, પરબ-જુલાઈ, વર્ષ-૨૦૦૧
  12. પન્ના નાયકનું ડાયાસ્પોરા સાહિત્ય વિશ્વ, સં. ડૉ. બળવંત જાની, પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ, પ્ર.આ.૨૦૧૨
  13. આધુનિકોત્તર ગુજરાતી કવિતા પ્રવાહ:એક અભ્યાસ(પસંદગીના કવિઓ સંદર્ભે), ડૉ. મૂકેશ કાનાણી, સરદાર પટેલ યુનિવર્સિટી, વિદ્યાનગર, ૨૦૧૮


ડૉ. નીતિન રાઠોડ, આસિસ્ટન્ટ પ્રોફેસર-ગુજરાતી વિભાગ, ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ સરકારી કોલેજ, સિલવાસા- 396230, યુ.ટી. ઓફ દાદરા એન્ડ નગર હવેલી. મો. 9879779580 Email: ngr12687@gmail.com