શું બની રહ્યું છે એ એનાથી કળી શકાતું ન્હોતું. એણે ઉભડક મનથી તાલ જોયા કર્યો. એક લઘર – વઘર ડોસો એના મંદબુદ્ધિ દીકરાને લઇ અંબાજી જતી બસમાં ચડ્યો. એની બાજુની ખાલી સીટ પર દીકરાને બેસાડીને પૂછ્યું.
“ ભાઇ, ક્યાં જાવાના તમે ?”
“ અંબાજી.” એણે જવાબ આપ્યો.
“ મારું એક કામ કરશો ?”
“ શું ?” એણે આંખ ઝીણી કરી પૂછ્યું.
“ આ મારા ભોળિયાને માતાજીના આંગણે હારે લેતા જાશો ?”
“ ને તમે ?”
ડોસો જવાબ આપ્યા વિના ઉતરી ગયો. બાપાને નીચે ઉતરતા જોઇ ગાંડો ઘેલો દીકરો ય એની પાછળ ઉતર્યો. ડોસાએ એને ફરીથી બેસાડ્યો ને પોતે પાછો ઉતર્યો ને દીકરો ય એની પાછળ ફરીથી ઉતર્યો. ત્રણેક વખત આવું બન્યું. એ અકળાયો. ન રહેવાયું એટલે ડોસાને પૂછી બેઠો.
“ જેને પોતાની જાતનું ય ભાન નથી એવા દીકરાને કોને ભરોસે એકલો અંબાજી મોકલશો ?”
“ માના ભરોસે.”
“છોકરો મંદબુદ્ધિનો છે એટલે રેઢો મૂકી દેવાનો ? તમારી કોઇ જવાબદારી નહિ ? એ સાજો સારો હોત તો તમે અત્યારે એના આશરે પડ્યા હોત. બાપ થઇને છોકરાને તરછોડતા જીવ કેમ ચાલે છે તમારો ?” એ ધૂંવાફૂંવા થઇ ગયો. એની વાતે ડોસો ફસકાઇ પડ્યો.
“ભાઇ, એની માને ગયા વરસો થઇ ગયા. હું ને આ મોટાની ભેળા પડ્યા રઇ. મોટાનોય વસ્તાર વધ્યો. બધાનું પૂરું પડતું નથી. હું તો ટંક બે ટંક ખાધા વિના રોડવી લઉં પણ આ બાપડો ભૂખ્યા પેટે ઘરમાં તોફાને ચડે ને અન્નને બદલે માર ખાધા કરે. હવે નથી જોયું જાતું. માતાજીના આંગણે રે’શે તો એનું પેટ તો ભરાતું રે’શે. એને લઇ જાવ ભાઇ. મા કરશે એના રખોપા. એને માના આંગણે પોગાડવા જેટલી સેવા કરી દ્યો ભાઇ.” ડોસો બે હાથ જોડી આજીજી કરી રહ્યો.
કંડક્ટરે બસની ઘંટડી વગાડી. ડોસાએ દીકરાની અને એની સામે જોયું. આંખમાં ઝળઝળિયા લઇ એ બસમાંથી ફટાફટ નીચે ઉતરી ગયો. બસ ચાલી. એનાથી અનાયાસે ભોળિયાનો હાથ હાથમાં લેવાઇ ગયો.