Included in the UGC-CARE list (Group B Sr. No 172)
ગુજરાતનો જય ઐતિહાસિક નવલકથાનું મૂલ્યાંકન

પ્રવર્તમાન સમયમાં સંશોધનક્ષેત્રે આવેલા પરિવર્તનોનો બહોળો પ્રભાવ જોવા મળે છે. નૂતન પ્રવાહનો સમાવેશ થતા દરેક વિષયમાં નવી શાખાઓ ઉદ્‌ભવતી જોવા મળે છે. વર્તમાન સમયમાં સંશોધનના ક્ષેત્રે દરેક વિષયનો અનુબંધ થતો જોઈ શકાય છે. જેની અસર સાહિત્ય અને ઇતિહાસ પર પણ જોઈ શકાય છે. ઇતિહાસવિદો અને સાહિત્યકારો એક-બીજાના પૂરક બની સંશોધનની નવી દિશા ઉઘાડતી નજરે પડે છે. આથી સંશોધકો અને ઇતિહાસવિદોએ સાહિત્યમાં ધરબાયેલ ઇતિહાસ ખોળી કાઢવાનું બિડું ઝડપ્યું છે. અને તે માટે ઐતિહાસિક નવલકથાઓ તપાસી તેનાં મૂલ્યાંકન અને વિવેચન તરફ ડગ મંડાય છે. જેથી નવલકથામાં વર્ણવાયેલ ઇતિહાસની યથાર્થતા ચકાસી શકાય.

અત્રે જાણીતા લોકસાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીની નવલકથાઓ પર દૃષ્ટિ માંડતા તેમની ઐતિહાસિક નવલકથાઓ નજરે પડે છે. મેઘાણીએ મુખ્ય ત્રણ ઐતિહાસિક નવલકથાઓ આપી છે. જેમાં ‘સમરાંગણ’, ‘રા’ગંગાજળિયો’ અને ગુજરાતનો જય ખંડઃ૧,ર’ આ નવલકથાઓમાં ગુજરાતનો જય ૧-ર, ૧૩ વખત પુનઃ પ્રકાશિત થઈ છે. આથી કહી શકાય કે તેણે વાચક વર્ગનાં મનોરાજ્ય પર બહોળો પ્રભાવ પાડેલો છે.

આ ઐતિહાસિક નવલકથાઓ ૧રમાં સૈકાનાં ગુજરાતની સ્થિતિ મુકવામાં આવી છે. જેમાં તે સમયના તેજસ્વી મંત્રીઓ વસ્તુપાળ અને તેજપાળને કેન્દ્રમાં રાખી સમગ્ર કથા વર્ણવાઈ છે. જેમાં મેઘાણીએ વાચકવર્ગને ધ્યાનમાં રાખી કાવ્યાત્મક શૈલીના રંગ છાંટણા દ્વારા યથોચિત ઇતિહાસ જાળવી રાખવાનો સમૂળગો પ્રયાસ કરેલો દેખાય છે.

આ નવલકથામાં ઇતિહાસ અકબંધ રહે તે માટે મેઘાણીએ તેનાં નિવેદનમાં જ યથાયોગ્ય સ્પષ્ટતાઓ મુકેલી પણ જોવા મળે છે. અત્રે મેઘાણી રચિત ઐતિહાસિક નવલકથા ગુજરાતનો જય ૧,ર ને સવિશેષ મૂલ્યાંકન જોઈએ.

‘ગુજરાતનો જય ખંડ-૧,ર ’: ઐતિહાસિક દૃષ્ટિએ

ઝવેરચંદ મેઘાણી રચિત ગુજરાતનો જય-૧,ર ઐતિહાસિક નવલકથામાં ઇતિહાસને જાળવી રાખવાનો સવિશેષ પ્રયાસ થયેલો જોવા મળે છે. અને આ બાબતની પુષ્ટિ મેઘાણીએ નવલકથાની પ્રસ્તાવનામાં જ આપેલી છે. મેઘાણીના જણાવ્યા પ્રમાણે આ નવલકથાની ઐતિહાસિકતાનો આધાર મુનિ જિનવિજય સંપાદિત “વસ્તુપાલ-તેજપાલ પ્રબંધ”, “જૈન સાહિત્ય સંશોધક” (ત્રિમાસિક) નો સં.૧૯૮૩નો અંક, “પ્રબંધ કોશ” (રાજશેખરસુરી કૃત) “પ્રબંધચિંતામણી” (મેરુતુંગાચાર્યકૃત), ‘પુરતન પ્રબંધ સંગ્રહ”, “હમ્મીરમદ મર્દન નાટક”, (જયસિંહ સૂરિ રચિત), ‘નરનારાયણ મહાકાવ્ય’ (વસ્તુપાલકૃત) ‘વસંત વિલાસ મહાકાવ્ય’ (બાલચંદ્રસૂરિ કૃત) અને ‘કીર્તિકૌમુદી’ (સોમેશ્વરદેવ કૃત) છે. આ રીતે ગુજરાતનો જય ખંડ-૧,રનો ઐતિહાસિક પાયો સબળ હોવાની પ્રતીતિ મેઘાણી આપણને કરાવે છે.

પ્રસ્તુત નવલકથા ઐતિહાસિક દૃષ્ટિએ સ્થળનામ માટે ધ્યાનાકર્ષિત છે. આ નવલકથામાં પાટણ મુખ્ય સ્થળ તરીકે જોઈ શકાય. જ્યારે વસ્તુપાલ-તેજપાલ ધોળકાના છે. જે મંત્રીપદ માટે નિયુક્ત થાય છે. ઉપરાંત મંત્રીવીરો વિષયક પ્રાપ્ય સામગ્રીનાં અધ્યયનથી જણાય છે કે, વસ્તુપાલ ખંભાતમાં મંત્રીપદ પર નિયુક્ત થયા હશે. અને શામ, દામ, દંડ, ભંદ એ ચારેય રાજનીતિનો પ્રયોગ કરી સુરાજ્ય સ્થાપવા પ્રયાસ કરેલો. આ ઉપરાંત લાટના શંખ અને ગોધરાના ધૂધૂલને હરાવ્યાની વાત આવે છે. આ ઉપરાંત વંથળી અને આબુનો પણ ઉલ્લેખ જાવા મળે છે. જેના આધારે કહી શકાય કે આખા ગુજરાત પર વસ્તુપાલ અને તેજપાલે વીરતા અને કડકાઈનો છીડો બેસાડી દીધેલો. ઉપરાંત સિંધના મીર કાસિમને પણ હરાવ્યાની કથા ‘હમ્મીરમદ મર્દન’માં પણ વર્ણવેલી છે.

તેઓ વીર અને મુત્સદ્વી હોવા ઉપરાંત ધર્મ વિશે પણ હતા. તેમણે વિશાળ સંઘો કાઢી શંત્રુજ્ય તીર્થ અને રેવતગિરિ (ગિરનાર)ની યાત્રાઓ કરેલી તથા જૈન અને હિંદુ મંદિરો માટે વિપુલ દાન આપેલા આવા દાન માત્ર ગુજરાતમાં નહી પરંતુ ભારતભરમાં તેનો પ્રવાહ કરેલો આવીરીતે સર્વધર્મ સમભાવના કારણે દૂધ સર્કરાયોગ સાધેલો.

વસ્તુપાલ વીર, મુત્સદ્દી, દાનેશ્વરી ઉપરાંત સાહિત્ય પ્રેમી પણ હતો. અનેક કવિઓનો આશ્રયદાતા બનીને તે ‘લઘુભોજ’ નું બિરુદ પામી જાય છે. તેનાં આશ્રય અને પ્રોત્સાહનનાં કારણે એનાં સમયમાં અનેક સાહિત્યિક રચનાઓ થઈ. ટૂંકમાં કહીએ તો વસ્તુપાલનાં સમયમાં ‘શ્રી’ અને ‘સરસ્વતી’નો સુભગ સમન્વય જોવા મળે છે.

આ ઉપરાંત વસ્તુપાળ-તેજપાળે કેટલાક બાંધકામો પણ કરાવેલા જોવા મળે છે. તેનાં સાહિત્યિક મંત્રીનાં બલિદાનની યાદમાં એક મંદિર બંધાવ્યું તથા આબુમાં દેલવાડાના દેરા બંધાવ્યા. તથા ગિરનાર પર આવેલા મંદિરોનો જિર્ણોદ્ધાર કરાવે છે.

ટૂંકમાં કહીએ તો વસ્તુપાલનો સમય ગુજરાતમાં ઐતિહાસિક અને ગૌરવમય રહ્યો છે.

પાત્ર પરિચય

મેઘાણી રચિત ગુજરાતનો જય -૧,રમાં મુખ્ય સાત પાત્રો કેન્દ્રસ્થાને છે. આ પાત્રો આજુબાજુ સમગ્ર કથા વણાયેલી જોવા મળે છે. મેઘાણીના પ્રથમ ખંડના નિવેદન અનુસાર બધા જ પાત્રો ઐતિહાસિક છે. અને ખંડ-રનાં નિવેદન અનુસાર તેમાં ત્રણ પાત્રો કાલ્પનિક મુકવામાં આવ્યા છે. જે ચકાસતા યથોચિત જણાય છે. આ સાત પાત્રોમાં મુખ્ય વસ્તુપાલ-તેજપાલ છે. આ બંને વણીક બંધુઓ ગુજરાતના ગૌરવ માટે ઝઝુમતા ચિત્રાયા છે. તેમની વિરતા, મુત્સદ્દીગીરી અને સુયોજ્ય રાજનીતિને લઈને સમગ્ર નવલકથા વણાયેલી છે.

આ કથામાં લવણપ્રસાદ અને વીરધવલ આ પિતા-પુત્રનો પ્રવેશ પ્રથમ ખંડથી જ થાય છે. જે પણ અગત્યના છે. આ ક્ષત્રીય વીરો પોતાનો રાજધર્મ નિભાવવામાં પાછી પાની કરતા નથી. તેઓ બખૂબી ક્ષત્રિયધર્મ નિભાવે છે. મેઘાણીએ વીરધવલનાં પાત્રને પિતા કરતા પણ ચડિયાતું બતાવ્યું છે. તેમના માટે ક્ષત્રિયવટની સવિશેષ પ્રશંસા જોવા મળે છે.

આ નવલકથામાં સ્ત્રી પાત્રો પણ અગત્યનું સ્થાન ભોગવે છે. અનુપમાદેવી અને જેતલદેવી તેમના બલિદાન અને કરુણામૂર્તિથી બીજા પાત્રોને ઝાંખા પાડી દે છે. તે સતત પ્રેરણાસ્રોત બની શકે છે. અને બલિદાનની ત્યાગમૂર્તિઓ છે જેને મેઘાણીએ ખૂબ જ સારી રીતે વર્ણવેલ છે.

આ કથામાં સોમેશ્વરનું પાત્ર પણ ધ્યાનાકર્ષિત છે. તે વિદ્યાપ્રેમી અને ભોળો બ્રાહ્મણ વસ્તુપાળ-તેજપાળની પ્રગતિમાં સવિશેષ પથદર્શક રહ્યો છે તથા દેવરાજ પદકિ અને મદનરાણીના પાત્રો પણ કથાવર્ણનમાં ઘણાં યોગ્ય છે.

ગુજરાતનો જય ખંડ-૧, રઃ દેશદાઝ અને મુત્સદ્દગીરીની કથા

પ્રસ્તુત ઐતિહાસિક નવલકથાના ખંડ-૧ અને રમાં મળીને કુલ ૬૧ પ્રકરણો છે. જે મેઘાણીની નવલકથાઓમાં સૌથી લાંબી છે. આ નવલકથામાં કુલ સાત મુખ્ય પાત્રો છે. જેની સ્પષ્ટતા મેઘાણીએ કરેલી છે. આ કથામાં ગૂર્જરદેશનાં પુનરુદ્ધારની ઘટનાઓ વર્ણવવામાં આવી છે.

ગુજરાતનો જય માં રાણા લવણપ્રસાદ અને તેનાં પુત્ર વીરધવલની બહાદુરી અને પ્રજા વત્સલતાની વાત કરવામાં આવી છે.

લવણપ્રસાદ તેની રાણી મદનરાણીને ઘરમાં બેસાડનાર દેવરાજ પટકિલને મારવા જાય છે. પરંતુ વીરધવલ પ્રત્યેનો તેનો ભાવ જોઈને લવણ પ્રસાદ દેવરાજને માર્યા વગર પાછો ફરે છે. જે તેની ગુણગ્રાહ્યતા દર્શાવે છે. તે ભીમદેવ સોલંકીની કાયરતા પર ખેદ કરે છે. જ્યારે ગુજરાતનું સર્વાધીકારી પદ મળે છે. શૂન્યમાંથી સર્જ કરવાની તક ઝડપે છે. “મારી આશિષ તો મારી તલવાર છે. તેમને જ્યારે તેનો ખપ પડે ત્યારે કે જો હું તો એક એવા દિવસની વાટ જાઉં છું કે, જે દિવસ ગૂર્જર દેશ માટે કાયાના કટકા થાય” આ વાક્યો દ્વારો તે વીરપુરુષ તરીકે ઉભરી આવે છે.તે ભીમદેવની કાયરતા પર ખેદ પણ કરે છે. તેને જ્યારે સર્વાધીકાર મળે છે ત્યારે તે સાદાઈમાં જીવવાનું પસંદ કરે છે. તે શૂન્યમાંથી સર્જન કરવા ગુજરાતને ફરી બેઠુ કરવા રાજવીઓને સંગઠીત થવા સમજાવે છે. ઉપરાંત તે માણસ પરખુ ઝવેરી છે. ધોળકામાં પ્રજાને ઉશ્કરનાર વસ્તુપાલ-તેજપાલને જ મંત્રીપદ સોંપે છે.

રાણા લવણપ્રસાદનો પુત્ર વીરધવલ પણ પિતાથી જરાયે ઉતરતો નથી. જ્યારે તેને જાણ થાય છે કે તેનો રાણો બાપ બીજા છે. અને તેની જનેતા તેને ત્યજીને દેવરાજનાં ઘરમાં બેઠી છે ત્યારે તે શેષમાં દેવરાજનું માથુ ઉડાવી દેવા વિચારે છે. પણ દેવરાજ અને મદનરાણીની મહાનતાની જાણ થતા માતાના પગ પકડી લે છે. ધોળકાની પ્રજાને ઉશ્કેરનાર વસ્તુપાલનો ભેટો થાય છે ત્યારે પણ તે ક્ષત્રિયોચિત વિવેક અને ઉદારતાથી વર્તતો દેખાય છે. તે પણ પિતાની જેમ માણસ પારખુ અને કદરદાન વ્યક્તિ છે. તેમાં ક્ષાત્રવટની કસોટી વંથળી પરની ચડાઈ સમયે થાય છે પુત્રને સાળાના સકંજામાંથી છોડાવા માટે નમી જવાને બદલે યુદ્ધ કરે છે અને જીતે છે અને સાચા ક્ષત્રિયનો રંગ બતાવે છે. આ રીતે મેઘાણીએ રાણા વિરધવલને પિતા કરતા પણ ચડિયાતા બતાવ્યો છે.

આ નવલકથાના મુખ્ય પાત્રો વસ્તુપાલ-તેજપાલ છે. તેમને કેન્દ્રમાં રાખીને આખી નવલકથા સર્જાઈ છે. નાતરુ કરેલી વિધવા માતાના એક મગની બે ફાડ સમા પુત્ર તેજસ્વી પાત્રો છે. મેઘાણીએ આ બંને બાંધવોને વીર, મુત્સદ્દી તરીકે ચિત્રિત કર્યા છે.વસ્તુપાલ કવિદેવ અને સુરાજ્ય રાજ્યનીતિ વાળા છે. જે ખાલી ખજાનાવાળું મંત્રીપદ સ્વીકારી મુત્સદ્દીગીરી અને વીરતાથી ગુજરાતને સબળ અને સમૃદ્ધ કરવા મથતા નજરે પડે છે. તેઓ દીર્ઘ દૃષ્ટિથી ‘વંઠકોને વીર’ બનાવે છે. તેઓ કદરદાન, વીર, મુત્સદ્દી અને વિદ્યાપ્રેમી તરીકે નજરે પડે છે. તેઓ ‘જેવા સાથે તેવા’ અને ‘સઠપતિ સાઠ્ય’ની નીતિ પણ અપનાવતા દેખાય છે. તે યથાયોગ્ય દંડ પણ કરે છે અને વીરતાથી ગુજરાત પર કડકાઈ પણ મુકે છે.

આમ સમગ્ર રીતે જોઈએ તો વસ્તુપાલ અને તેજપાલને ગુજરાતના હિત માટે ઝઝુમતા બે વીર, ધીર, મુત્સદ્દી અને ગૌરવવંતા પાત્રો રૂપે આલેખાયા છે. આ પાત્રાલેખનમાં મેઘાણી પુરેપુરા સફળ રહ્યા છે.

બે મહત્વના નારી પાત્રો પણ નવલકથામાં વણાઈ જાય છે. એક તેજપાલની પત્ની અનુપમા અને વીરધવલની રાણી જેતલદેવી જે સમય આવ્યે પોતાની ચુડલાની ચિંતા કર્યા વિના રાજધર્મ નિભાવવા સતત પ્રેરતી રહે છે. અનુપમા દેવી કરુણામૂર્તિ અને આ બંધુઓની પથદર્શિકા રહી છે. જ્યારે જેતલદેવજી ખુદ પોતાના પિયર જંથળી પર ચડાઈ કરીને રાજધર્મ નિભાવવા પ્રેરણા આપે છે. આ સ્ત્રીઓના રાજધર્મ આગળ પોતાના અંગત સંબંધને સમુળગા ત્યજતી દેખાય છે. જે ત્યાગમૂર્તિ તરીકે મેઘાણીની કલમે ચિતરવામાં કોઈ ઉણપ નથી રાખી.

અહીં સોમેશ્વરનું પાત્ર વિદ્યાપ્રેમી, દેશપ્રેમી અને ભોળા બ્રાહ્મણનું છે. જે વસ્તુપાલ જ તેજપાલની પ્રગતિમાં સવિશેષ ફાળો આપતું નજરે પડે છે.

અત્રે આ મુખ્ય સાત પાત્રો જેને સાંકળીને સમગ્ર નવલકથા ગૂંથાયેલી છે. જેઓમાં ફૂટી ફૂટીને દેશપ્રેમ અને મુત્સદ્દીગીરી ભરેલા છે. જે ગૂર્જરદેશને સમૃદ્ધ કરવા શામ, દામ, દંડ, ભેદની નીતિનો છૂટથી ઉપયોગ કરે છે.

સિદ્ધિ અને મર્યાદાઓ

ગુજરાતનો જય ખંડ-૧,રની કથાવસ્તુ અતિ સબળ અને કાવ્યમય છે. એમાં કેવળ શસ્ત્ર સંચાલનની વિરતાભરી વાતો નથી. શૌર્ય, પ્રેમ, ધર્મભાવ, અને વિદ્યાવિનોદની રસગંગા રેલાતી જાવા મળે છે. આ નવલકથામાં પણ મેઘાણીએ ઝીલેલા પોતાના સાંપ્રતકાળના રાષ્ટ્રીય ચેતનાના ભાવો, દેશભક્તિની ભાવના અત્ર-તત્ર દ્વારા અવિરત થતી જણાય છે. આ નવલકથાના નિવેદનમાં જ મેઘાણીએ વાર્તાનું ‘એકપણ પાત્ર કલ્પિત નથી’ એવી સ્પષ્ટતા કરી છે. જે ખંડ તપાસતા યથાર્થ જણાય છે. જ્યારે ખંડ-રમાં નિવેદનમાં રેવતી, ચંદ્રપ્રભા અને સોમેશ્વરનાં પત્ની એ ત્રણ કલ્પિત પાત્રો-ઉમેર્યાનું પ્રથમથી જણાવે છે. છતાંય ઝીણી નજરે જોઈશું તો થોડી ઐતિહાસિક વિસંગતતા આ નવલકથામાં જાવા મળે છે.

મેઘાણી આ નવલકથામાં વસ્તુપાલના સમયમાં ‘પઢિયારો’ હોવાનું જણાવે છે. ત્યારે ઇતિહાસ એ સમયે વંથળીમાં રાઠોડો હોવાનું કહે છે.

બીજી ક્ષતિ કાળક્રમની દર્શાવે છે.ગુજરાતનો જય ખંડ-૧માં પ્રકરણ-ર૧માં જાંબાલીપુરનાં ત્રણ ચૌહાણભાઈઓ મંત્રી વસ્તુપાલને મળે છે. ‘જે કરણીજી’ એવા જુહાર શબ્દ ઉચ્ચારે છે.

હવે જોઈએ તો વસ્તુપાલનો અવસાનકાળ વિ.સં.૧ર૯૮ છે. અને તેજપાલનો નિર્વાણકાળ વિ.સં.૧૩૦પ છે. એ સમયે રાજસ્થાની ચૌહાણભાઈએ જુહાર શબ્દ દ્વારા જય બોલાવી તે કરણીજીનો જન્મ પણ નહોતો થયો કેમ કે, સો વર્ષનું આયુષ્ય ભોગવી કરણીજી વિ.સં.૧પ૧પ માં નિર્વાણ પામેલા. આથી કરણીજીનાં જન્મ અને વસ્તુપાલના અવસાન સમયે વચ્ચે ૧૧૧ વર્ષનો ગાળો રહે છે.

અને બીજી વાત એ કે કરણીજી રાઠોડોનાં શ્રદ્ધેય દેવી છે. એટલે ઝાલોરનાં ચૌહાણોનાં મુખમાં ‘જે કરણીજીરી’ મુકવું ઠીક ન ગણાય. આ વિગતની પુષ્ટિમાં એક દુહો પણ છે.
“આવડ તૃડી યાદવો, વ્યકરણી રાઠોડાંક
વરડી તૃડી શિશોદિયા, ત્યું ગીગાઈ ગોડાડું”
(અચારણ દેવી આઈ આવડ યદુકુળ (જાડેજા, ભટ્ટી અને ચુડાસમાઓ) પર રિઝયાં, ચારણદેવી કરણીજી રાઠોડ ક્ષત્રિયો પર પ્રસન્ન થયા. તો સિસોદિયા (મેવાડપતિ) રાજપૂતો માથે ચારણદેવી વરુડી ત્રઠ્યાં, એ જ રીતે ગાંઠ શાખાના ક્ષત્રિયો પર ચારણદેવી ગીગઈ રીઝયાં.

આવી થોડી નાની-નાની ક્ષતિઓ બાદ કરતાં મેઘાણીએ ‘ગુજરાતનો જય ખંડ-૧,ર’ માં આદીથી અંત સુધી ઇતિહાસ નિષ્ઠા બરાબર નિભાવી છે.

સમગ્ર ચર્ચાને ટૂંકમાં સમેટતા કહી શકાય કે, મેઘાણીની ઐતિહાસિક નવલકથામાં ગુજરાતનો જય-૧, ર શ્રેષ્ઠ રહી છે. આ નવલકથામાં મેઘાણી ઇતિહાસનું જતન અને કથાનકથા માવજત વિષયનિષ્ઠ રહીને કરી શક્યા છે. આથી ગુજરાતનો જય ૧,ર તેમના માટે યશોદાયી બની છે.

અંતે મેઘાણીએ પોતાની કલ્પના વડે ઇતિહાસને વફાદાર રહી અદ્‌ભૂત આલેખન દોરવાનો પ્રયત્ન કરેલો છે. તેમાં સફળતા કે વિફળતા હોવા છતાં એક તારણ પર આવી શકીએ કે, મેઘાણીને વાર્તારસ પીરસવો છે. અને તેમને વાચકવર્ગને કેન્દ્રમાં રાખવાનો છે. અતઃ સમગ્ર નવલકથા ઐતિહાસિક દૃષ્ટિએ સફળ રહી છે.

સંદર્ભ સૂચિ:

  1. મેઘાણી, ઝવેરચંદ, ગુજરાતનો જય ખંડ-૧, પ્રથમ આવૃત્તિ, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ-૧૯૪૦
  2. મેઘાણી, ઝવેરચંદ, ગુજરાતનો જય ખંડ-ર, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ
  3. જોષી, ઉમાશંકર, મેઘાણી ગ્રંથ-ર, પ્રથમ આવૃત્તિ, સંસ્કાર સાહિત્ય મંદિર, ભાવનગર-૧૯પર
  4. મોરી, વર્ષાબેન જે, ઝવેરચંદ મેઘાણીની ઐતિહાસિક નવલકથાઓ, પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ
  5. જાની, કનુભાઈ મેઘાણીરચિત, પ્રથમ આવૃત્તિ, ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદ-ર૦૦ર


કંચનબેન એમ.મકવાણા, વિદ્યાવાચસ્પતિ, ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગ, મહાદેવ દેસાઈ સમાજસેવા સંકુલ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ-૧૪ સંપર્ક-9714800969, ઈમેલ-kanchanmakwana82@gmail.com