[‘ઓ રે મારું અંતર જાગી જાય !’ (ગોવિંદ સ્વામીના કાવ્યો) સં. ઉત્પલ પટેલ, પ્રકા. ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર. પ્ર.આ. 2018, કિ.100, પૃ.101]
ઉત્પલ પટેલ એક સારા અધ્યાપક છે. એની સાથે-સાથે વિવેચક અને ઉત્તમ સંપાદક પણ છે. એમની પાસેથી ‘દિગીશ મહેતાની શબ્દસૃષ્ટિ’, ‘મારી વિવેચનપળો’ અને ‘દુધે ભરી તળાવડી’ જેવા વિવેચન ગ્રંથો પ્રાપ્ત થાય છે. તેમજ ‘લઘુનવલઃ સાચાસમણા’, ‘કૃતિસમીપે’ વગેરે આઠ જેટલાં સંપાદન ગ્રંથો પણ મળે છે. તો વળી ગુજરાતની ઘણી યુનિવર્સિટીઓનાં અભ્યાસક્રમમાં સ્થાન પામેલું ‘ગુજરાતી વાર્તાસૃષ્ટિ’ જેવું ગણનાપાત્ર સંપાદનનું પુસ્તક એમની પાસેથી પ્રાપ્ત થાય છે. સંપાદક તરીકે એમનું મહત્વનું કાર્ય એ છે કે તેઓ મુખ્ય ધારામાંથી છૂટી ગયેલા, પણ મુખ્ય ધારા જેટલા જ મહત્વના અને ઓછું જીવન જીવીને પણ સાહિત્યમાં પોતાના સર્જનને કારણે એક નોખી છાપ ઊભી કરી શક્યાં છે એવા કવિઓ-સર્જકોને પ્રકાશમાં લાવે છે. ને તેઓ આ કાર્ય પ્રતિષ્ઠિત સંસ્થા સાથે રહીને કરે છે એ મોટી સિધ્ધિ છે. આવા ગ્રંથોમાં એમની પાસેથી પાંચેક વર્ષ પહેલાં ગીરીન ઝવેરીના કાવ્યોનું સંપાદન ‘છે મુત્યુ એનું કવિતા ભરેલું’ મળે છે. અને વર્ષ 2018માં ગોવિંદ સ્વામીના કાવ્યોનું સંપાદન ‘ઓ રે મારું અંતર જાગી જાય !’ નામે પ્રાપ્ત થાય છે. આ બંને એમના સમયમાં મહત્વના કવિઓ. જે અલ્પ જીવન જીવ્યા ને એમની પાસેથી સર્જન પણ અલ્પ જ મળ્યું, પરંતુ એમનું સર્જન કલાની ર્દષ્ટિએ નોંધપાત્ર રહ્યું. એમના સમયમાં આ કવિઓ મુખ્ય કવિઓના પ્રભાવને કારણે પ્રકાશમાં ન આવ્યાં ત્યારે આવા સંપાદનો દ્વારા ફરી આજે આજના સમયમાં આ કવિઓની કવિતાનો નવેસરથી અભ્યાસ થાય એ ખૂબ જરૂરી હતું. જે ઉત્પલ પટેલે આવા સંપાદનો દ્વારા કરી આપ્યું છે. આ પ્રકારના ઉત્તમ સંપાદનો થાય એ ગુજરાતી સાહિત્ય માટે ખુબ જ ઉપયોગી છે. આશા રાખીએ ઉત્પલ પટેલ પાસેથી આવા બીજા અતિ મહત્વના સંપાદનો પ્રાપ્ત થશે. હવે વાત કવિ ગોવિંદ સ્વામીની અને એમની કવિતાની.
ગોવિંદ સ્વામી ગઈ સદીના ચોથા- પાંચમાં દાયકાના નોધપાત્ર કવિ હતા. એમનો જન્મ 6/4/1921ના રોજ થયો હતો. માંડ બાવીસ વર્ષ અને અગિયાર મહિનાનું આયુષ્ય ભોગવી શકેલા. આ કવિની સર્જક શક્તિ જોઈને આપણે ત્યાં ગુજરાતી સાહિત્યમાં જેમના જીવનનો સૂર્ય ઉગતા પહેલાં જ આથમી ગયો છે એવા કવિઓ કલાપી, ગજેન્દ્ર બુચ, ગિરિન ઝવેરી, મણિલાલ દેસાઈ, રાવજી પટેલ વગેરે સહજ યાદ આવી જાય. તેઓ હાઇસ્કૂલના છેલ્લા બે-ત્રણ વર્ષથી કાવ્ય લેખનની શરૂઆત કરે છે. પણ એમના મિત્ર પ્રજારામ રાવળ કહે છે તેમ ‘એ પાંગરી તો પાટણમાં!’ એટલે કૉલેજના વર્ષોમાં. અને એ જ સમયગાળામાં આથમી પણ ગઈ. લોક સેવા કરવાની નેમ સાથે વૈદિકનો ઉચ્ચ અભ્યાસ શરૂ કર્યો ને એના ફળ સ્વરૂપે અમદાવાદમાં પોતે રહેતા હતાં એ ભંડેરી પોળમાં જ સાર્વજનિક દવાખાનું શરુ કર્યું ને એનો લાભ લોકોને આપ્યો. લોક સેવામાં પોતાના જાતની દરકાર ન રાખનાર કવિને ટાઈફોડ થાય છે. વૈદિકનો લાભ લોકોને આપનાર કવિ સમય વધુ વિતી જવાના કારણે પોતે જ એનો લાભ ન લઈ શક્યાં ને પરિણામે 5/3/1944ના રોજ એમના જીવનનો સૂરજ અસ્ત થાય છે.
કવિ ગોવિંદ સ્વામી પાસેથી એમનાં કાવ્યોનો કોઈ સંગ્રહ પ્રાપ્ત થતો નથી. પરંતુ પાંચમાં દાયકામાં (1948) એમના કાવ્યોનું એક સંપાદન ‘પ્રતિપ્રદા’ નામે સંયુક્ત રૂપે સુન્દરમ્, ઉમાંશંકર જોશી અને પ્રજારામ રાવળ પાસેથી પ્રાપ્ત થાય છે. એ સમયમાં કવિના કાવ્યોનું સંપાદન મૂર્ધન્ય સર્જકોને હાથે થવું એ નાની સૂની વાત નથી. આ સંપાદન જ બતાવે છે કે એમના કાવ્યો કલા દ્રષ્ટિએ મહત્વના છે. આથી જ આ કવિનું અને એમની કવિતાનું ઐતિહાસિક મહત્વ જળવાઈ રહે એવી નેમ સાથે ઉત્પલ પટેલ પાસેથી 2018માં ગોવિંદ સ્વામીના કાવ્યોનું સંપાદન ‘ઓ રે મારું અંતર જાગી જાય!’ પ્રાપ્ત થાય છે. એમાં 66 કાવ્યો ગ્રંથસ્થ કરવામાં આવ્યાં છે. આ સંગ્રહના મોટાભાગના કાવ્યોને સંપાદકે રચના તારીખ પ્રમાણે ગોઠવ્યા છે. તો વળી કેટલાક કાવ્યોની રચના તારીખ મળતી નથી પણ સંપાદકે એને ત્યાં કેમ મૂક્યું છે એની કોઈ સ્પષ્ટતા એમના નિવેદનમાં પ્રાપ્ત થતી નથી. આ ઉપરાંત સંપાદકે આ કાવ્યો ક્યાંથી મળ્યાં ? એમના કુલ કેટલા કાવ્યો મળે છે ? એમાંથી કેટલા આ ગ્રંથમાં સંપાદિત કર્યા ? આ સંપાદન અગાઉ પણ ‘પ્રતિપદા’ નામનું સંપાદન થયું હતું તો એનાથી આ સંપાદન કેવી રીતે જુદું છે ? એમણે કેવી રીતે આ સંપાદન કર્યું ? આવા મહત્વના સંપાદનો કરતા કેવી મુશ્કેલી પડી ? જેવી અતિ મહત્વની વિગતો તેઓ નિવેદનમાં નોંધી શક્યા હોત, પણ તે પ્રાપ્ત થતી નથી.
કવિ ગોવિંદ સ્વામીના આ સંગ્રહમાં પ્રાપ્ત કાવ્યોમાં ઊર્મિકાવ્ય, સૉનેટ અને ગીત જેવા સ્વરૂપો મળે છે. આ કાવ્યોના વિષય જોઈએ તો યુદ્ધસંવેદના, પ્રકૃતિ, પ્રણય, મૈત્રી અને મૃત્યુ છે. કવિના જીવનમાં અને એમની કવિતામાં ઊડીને આંખે વળગે એવું તત્વ પ્રકૃતિનું છે. એમના મોટાભાગના કાવ્યોમાં પ્રકૃતિનું અને એના સૌંદર્યતત્વોનું નિરૂપણ સોળે કળાએ ખીલી ઊઠે છે. એમ કહો કે એમની કવિતા પ્રકૃતિ વર્ણનમાં ઉન્નત શિખરો સર કરે છે. ‘ઠંડી’ નામના કાવ્યમાં કવિ ઠંડી પડવાને કારણે પશુ, પક્ષીઓ, તરુવરો ને જીવસૃષ્ટિ કેવી બેહાલ બની ગઈ છે. અને વળી આકાશમાં રહેલા ‘તારલા યે બીચારા’ બની ગયા છે. ઠંડીની ક્રુરતાનું આ શબ્દચિત્ર જુઓ,-
‘‘પંખીઓ યે કલરવ મૂકી શાંત થૈને ભરાયાં.
માળાઓ ને દ્રુમતણી બખોલો મહીં કૈં છુપાયાં.
ને આ મોટાં પશુ પણ નિરાધાર થૈને ઊભેલા.
સૌયે ઠંડી ક્રૂર લહેરિયોથી મૃતપ્રાય થાતાં’’
(‘ઓ રે મારું અંતર જાગી જાય !’. પૃ. ૧૩)
શિયાળાના ઠંડીની ક્રુરતાની સાથે એમની કવિતા ઉનાળાના ગ્રીષ્મના સંવેદનને પણ ઝીલે છે. ગ્રીષ્મના કારણે સુકાઈ ગયેલા વૃક્ષોની-પવનની સ્થિતિ વર્ણવતા કહે છે,-
‘‘મહા ખખડધજ્જ વૃક્ષ પણ રુક્ષ શા ગ્રીષ્મમાં
પ્રશાંત રજનીમહીં ધરી સુષુપ્તિ સર્વે ઊભા.
સમીર પણ શાંત નીરવ પદે ક્યહી લ્હેરતો :
શીળી મધુર લ્હેરથી ઘડીક સર્વ ડોલાવતો.’’ (એજન,પૃ. ૧૫)
અહીં ગ્રીષ્મના કારણે વૃક્ષોની સ્થિતિનું મનોહર ને તાર્દશ વર્ણન મળે છે. કવિના કાવ્યોની આ તો વિશેષતા છે. એમના કાવ્યોમાં પ્રકૃતિનો ગહન અનુભવ વર્તાય છે. આથી તો સુંદરમ્ કહે છે કે ‘‘ગોવિંદના વર્ણનો તાદર્શ અને પારદર્શક છે, તેની સહજોક્તિમાં એક લાક્ષણિક ચમત્કૃતિ છે.’’ (પૃ.-૯૧) કવિના આ શબ્દોની પ્રતીતિ માટે સંધ્યા ઢળ્યા પછીની સૃષ્ટિનું આહલાદક વાતાવરણ કવિની કલમે કેવું નિરાળું ખિલી ઊઠયું છે :
‘‘સંધ્યા ઢળુંઢળું થતી હમણાં ઢળી ગૈ.
ઝાંખા પ્રભા કનકવર્ણીય ઓસરી ગૈ.
અંધારશોકતણી ઓઢત ઓઢણીઓ
નિઃશ્વાસ નાખતી ઊભી સઘળી દિશાઓ’’ (એજન,પૃ- ૨૦)
પ્રકૃતિના આવા રમણીય દર્શનથી કવિ પસન્નતા અનુભવે છે. નિત્ય પ્રકૃતિના દર્શન એમને હૂંફ અને પ્રેરણા આપે છે. રિસાયેલી પ્રિયતમાને મનાવવા પ્રેમી નીત નવા વસ્ત્રો લાવે કે નવી કોડીલી વધૂ શુંગાર સજે એમ પ્રકૃતિ પણ કવિને નિત્ય નવી શુંગાર સજેલી લાગે છે:
‘‘ન્ય્હાળી નિત્યે અધિક નવલા સૃષ્ટિના રાગરંગ,
એકાકી આ ઉરમહીં કશા જાગતા ભાવભંગ!’’ (એજન,પૃ- ૩૧)
કવિના આ કાવ્યોમાં પ્રકૃતિના તત્વો અને કવિનું સંવેદન તત્વ પરસ્પર એક બની રહે છે. જાણે બેય મળીને એક સંવેદનવ્યાપાર રચે છે. કવિના હૃદયનો ભાવ જાણે પ્રકૃતિનો પોતાનો જ અનુભવ બની રહે છે.
કવિ ગોવિંદ સ્વામીનાં કાવ્યોમાં યુદ્ધ સંવેદના ધ્યાન ખેંચે છે આ સંવેદનાની પાછળ એમનો માનવતા પ્રેમ છૂપો નજર પડે છે. એમના કાવ્યોમાં ને જીવનમાં આ માનવતા પ્રેમ જ્યાં ત્યાં વર્તાય છે. એમનું હૃદય દલિત-પીડિતને જોઈને દ્રવી જતું હતું. આથી તો એમણે વૈદિકનો અભ્યાસ કર્યો. ને સેવા કરવા દવાખાનુ પણ ખોલ્યું. આ માનવતા પ્રેમ જ એમને કિસાન સંઘના કાર્યકર્તા બનાવ્યા અને એણે જ તે વખતની વિશ્વની સાંપ્રત સમસ્યા- યુદ્ધ સંવેદનાના કાવ્યોનું સર્જન કરાવ્યું. કવિ પાસેથી એ વખતના મહાવિનાશક, હિંસક, યુઘ્ધખોર બળોના પ્રતિનિધિ એવા ફાંસીવાદી સામે, ફેસિસ્ટો સામે લડવાની ને જીતવાની તીવ્ર ઇરછા ને બીજા વિશ્વયુદ્ધ અંગેના કાવ્યો પ્રાપ્ત થાય છે. એમાં ‘જગ ક્યારે?’, ‘ઝૂકી પુછત આશા’, ‘1998ની વૈશાખી મધરાતે’જેવા કાવ્યોનો સમાવેશ થાય છે. હજારો વર્ષોથી સતત વિશ્વમાં યુદ્ધના ભડકા થઈ રહ્યા છે. મનુષ્યના હૈયા વિધાય રહ્યા છે. ત્યારે કવિ ચિંતા વ્યક્ત કરે છે કે આ જગતમાં આ બધું શાંત ક્યારે થશે-
‘‘જગે ક્યારે શીળાં ઝરણ ફૂટશે, આગ શમશે?
મહાનંદે પૃથ્વી પ્રિય પ્રણયમંત્રો ધ્વનવશે ?’’ (એજન,પૃ 26)
સોવિયેત રશિયાએ જગતની મુક્તિ કામી પ્રજાઓના પ્રતિનિધિ તરીકે જગત ફાંસીવાદને હાર આપેલી એ ઘટના પર પણ ઇતિહાસના સમયના થર બાઝી ગયા છે. આજે એ નગરનું નામ સ્ટાલિનગ્રાડ નથી પણ કવિના આ ‘ચલ વિજય-મંઝિલે’ કાવ્યની પદાવલિમાં જે છલકાય છે તેને તો જરાયે ઝાંખપ અડી નથી. વીરરસને પ્રભાવક રીતે પ્રગટાવવામાં કવિને ઝૂલણાં છંદ પ્રભાવક બની રહ્યો છે જુઓ-
‘‘ચલ વિજય-મંઝિલે,
દુષ્ટ ફેસિસ્ટને જેર કરવા
મુલ્કને મુક્ત- આઝાદ કરવા
સોવિયટ સાથમાં, ચીનના હાથમાં
હાથ રાખી ચલો કૂચ કરીએ
વિશ્વને પૂર્ણ આઝાદ કરીએ’’. (એજન,પૃ- ૬૯)
માનવતાવાદી કવિ ગુલામીના ચંગુલમાંથી વિશ્વને પૂર્ણ પણે આઝાદ કરાવવાની નેમ ધરાવે છે. યુધ્ધ સંવેદનાનાં કાવ્યોમાં વિશ્વ સંવેદનાનો ભાવ પ્રગટાવે છે.
કવિ ગોવિંદ સ્વામીના કાવ્યોમાં બીજો ધ્યાન ખેંચતો વિષય છે પ્રણય અને મૈત્રીનો. કવિ એ હજુ યૌવનને જોયું નથી પણ યૌવનના ઉંબરે ઉભા રહીને પ્રણયની સંવેદનાઓ અનુભવી છે એ એમના કાવ્યોમાં પ્રબળ રીતે પ્રગટી છે. કવિનો એકાકી જીવ પથ વગરનો ક્યાંય કોઈ દિશા વિના વન, નગર ભટક્યાં કરે છે ને ત્યાં જ કવિના જીવનમાં પ્રિયતમાનું આગમન થાય છે એના આગમનથી જ દિશા ફંટાઈ જાય છે એકાકી જીવમાં પ્રાણ ફૂકાંય છે ને જીવન આનંદિત બની ગયું છે જુઓ,-
‘‘તહીં તેં આવીને સ્મિતઝરમુખે હસ્ત ગ્રહિયો
અને મારા હૈયે તુજ પ્રણયના રમ્ય પડઘા
ઉર ધબકમાં મેં અનુભવ્યા:
જીવનધન કોષો ભરી લીધા.’’(એજન,પૃ-૨૯)
કવિના એકાકી જીવનમાં પ્રિયતમાના આગમનથી જીવન આનંદિત તો થઈ જાય છે પણ કવિને પ્રશ્ન થાય છે કે પ્રિયતમાને ચાહી નથી છતાં તન,મન ને નયન આ બધા જ અંગો એની અનુભૂતિ કેમ અનુભવે છે? એ કવિને સમજાતું નથી ને કાવ્યાંતે ‘તને મેં ચાહી'તી?’ પ્રશ્ન સાથે કહે છે,-
‘‘ ‘તને મેં ચાહી'તી?’ અવશ ઉરમાં પ્રશ્ન ઊઠતો
‘તને મેં ચાહી'તી’ ઉર કણકણો સૌ વદી ઉઠે’’ (એજન,પૃ-૩૧)
કવિનું આ હૃદય નિત્ય પ્રિયતમાને નિહાળે છે. ને નવી નવી સંવેદનાઓ અનુભવે છે. અંતે કવિ પ્રિયતમામાં પ્રકૃતિની સર્વ સૌન્દર્ય છટાઓ નિહાળે છે જુઓ,-
‘‘નિહાળું તારામાં પ્રકૃતિ શિવસૌન્દર્યની છટા:
સખા, હું નિહાળું ત્યાં મુજ જીવનની આશ્રયઘટા!’’ (એજન,પૃ-૩૪)
કવિ ગોવિંદ સ્વામીનાં કાવ્યોની પ્રણયની આ અનુભૂતિ ને ઉત્કંઠા છે પણ પ્રણયના આ ધ્વાર કોઈ કારણસર બંધ થઈ જાય છે ત્યારે કવિનું હૃદય એ વાત સ્વીકારવા તૈયાર નથી. જુઓ,-
‘‘રે કિન્તુ આ ઉર હજી ક્યમ માનતું ના!
રે વ્યર્થ એ મૃગજળે ઘસતું હજી કાં?
એને હજીય રસપાનની ઘેલછાઓ!
ન્ય્હાળી શકે ન રસજામ ફૂટી ગયેલો’’ (એજન,પૃ-૩૦)
કવિનું મન આ ઘટનાને સ્વીકારવા તૈયાર નથી. કેમ કે હૃદય હજુ એને ચાહે છે. પરંતુ કવિનું યૌવન એમને સાથ આપવા તૈયાર નથી-
‘‘કિન્તુ, ગયું યૌવન મારું આથમી
ખીલ્યું ન ખીલ્યું ત્યહીં લુપ્ત થૈ ગયું
ને, ખીલવાની કંઈ કૈં મનીષા
અમાસના ઘોર તમિસ્ત્રમાં મળી.’’ (એજન,પૃ -૩૫)
આકાશના યૌવનની સાથે સાથે કવિનું યૌવન પણ આથમી ગયું છે અને હવે પોતે વધારે જીવવાના નથી એનો અણસાર પણ અહીં વર્તાય છે. છતા કવિના પ્રણયની આ જીજીવિષા છે,-
‘‘બચપણ ગયું છો ને, કિન્તુ પ્રમત્ત યુવાનીનાં
લલિતતમ તું ગીતો છોડી જાતી નહિ કોકિલા!’’ (એજન,પૃ-૬૪)
પ્રણયના આવા મધુર સંવેદનો કવિએ કાવ્યમાં નિરુપ્યાં છે કવિને પ્રજારામ સાથે અતૂટ મિત્રતા હતી એનો ભાવ એમની કવિતામાં ઝિલાયો છે. મિત્રએ સદાય હૂંફ ને પ્રેમ આપ્યો છે જુઓ, -
‘‘સદાય તારી પાસે,
અનેરા ઉલ્લાસે-
ભર્યુ હૈયુ હાસે; મુજ સકલ સૃષ્ટિ નવરસે
હસે, કોષે કોષે નવલ કવિતાનંદ વિલસે’’ (એજન,પૃ-૫૦)
આવા પરમ મિત્રની સાથે નિત્ય આનંદ કરીએ અને પ્રેમની પ્યાલીઓ ગટગટાવીએ ત્યારે સાચી કવિતા સ્ફૂરશે જુઓ,-
‘‘ને, ત્યારે અંગેઅંગથી સત્યનાં કાવ્ય સ્ફુરશે,
હૈયાને પારણે કૂણી કવિતા મત્ત ઝૂલશે’’ (એજન, પૃ-૫૧)
કવિ મિત્રની સાથે પ્રકૃતિના તત્વોનું રસપાન કરવાનું કહે છે ને ત્યારે સાચી કવિતા પ્રગટ થશે એવી વાત કરે છે એટલે જ ઉમાશંકર જોશીની આ પંક્તિ સહજ યાદ આવી જાય,-
‘‘સૌંદર્યો પી ઉરઝરણ ગાશે પછી આપ મેળે’’ (ઉમાશંકર જોશી)
કવિ ગોવિંદ સ્વામીના કાવ્યોમાં એમણે મૃત્યુના સંવેદનને પણ અભિવ્યક્ત કર્યું છે ‘આકાશનું યૌવન આથમી ગયું’ કાવ્યમાં આકાશના યૌવનની સાથે-સાથે મારું યૌવન પણ આથમી રહ્યું છે. એ સંવેદન રજૂ થયું છે તો વળી, બીજા એક કાવ્યમાં કવિની મરણની ઝંખના પણ મધુર છેઃ
‘‘પરિક્રમણથી સંતોસાઈ રહું બસ હાલ તો
હૃદય ગમતા પંથે ઝિંદાદિલે નિત જીવતાં
મરણ મધુરું પામું, ઝંખી રહ્યો બસ આ જ આ’’ (એજન,પૃ.-૯૪)
કવિના જીવન વિશેની આ કલ્પના અક્ષરશઃ સાચી છે એમને મૃત્યુ પણ એમની કલ્પના અનુસાર જ મધુર મળ્યું છે. માટે તો કહેવાય છે કે કવિ ક્રાંતદર્શી હોય છે તે આ અર્થમાં યથાર્થ ને યોગ્ય છે.
કવિ ગોવિંદ સ્વામીના કાવ્યોમાં સંવેદન વિશ્વની જેમ જ એમનું અભિવ્યક્તિ વિશ્વ પણ બળવાન છે. એમના સમયમાં પ્રયોજાતા કાવ્યના મોટેભાગે તમામ સ્વરૂપોમાં એમણે પ્રદાન કર્યું છે. એટલુ જ નહિ એમાં તેઓએ પોતાની રીતે ફેરફાર કરીને પ્રયોગો પણ કર્યા છે. એમની પાસેથી ઊર્મિકાવ્ય, ગીત, ગઝલ, સૉનેટ અને અછાંદસ વગેરે જેવા સ્વરૂપોમાં રચનાઓ પ્રાપ્ત થાય છે. ઊર્મિકાવ્ય અને ગીત જેવા સ્વરૂપો પાસેથી એમણે ધાર્યું કામ કઢાવ્યું છે. તેમજ ઊર્મિકાવ્યમાં કવિએ મિશ્ર છંદનો પણ સફળ વિનિયોગ કર્યો છે. તો વળી વિચાર-ઊર્મિને વ્યકત કરવા માટે એમણે સૉનેટ પાસે જવું પડ્યું છે. કવિએ સૉનેટના સ્વરૂપમાં એનું બંધારણ, છંદ, વળાંક-ચોટ વગેરે ઘટકો બરાબર સાચવ્યા છે. ક્યાંક સંવેદનને વ્યકત કરતાં ચૌદ પંક્તિના બંધારણથી આગળ પણ કવિ ગયા છે. ‘૧૯૯૮ની વૈશાખની મધરાતે’ જેવા કાવ્યમાં તેઓ સૉનેટના ચૌદ પંક્તિના બંધારણને નથી સાચવી શક્યા પણ કાવ્યના ભાવને બરાબર સાચવ્યો છે. સૉનેટના ત્રણેય પ્રકારોની રચનાઓ તેમના આ સંગ્રહમાં છે. પરંતુ સૌથી વધુ શેક્સપિયરસાઈ પ્રકારના બંઘારણવાળા કાવ્યો છે. કવિએ ક્યારેક કાવ્યના ભાવ-વિશ્વને અનુરૂપ પંક્તિઓનું વિભાગીકરણ પણ કર્યું છે.
કવિ ગોવિંદ સ્વામીના કાવ્યોની ઊંડીને આંખે વળગે એવી વસ્તુ કાવ્યમાં પ્રગટતું શબ્દસૌંદર્ય અને છટાદાર બાની છે. એમની કવિતામાં એ સર્વત્ર પથરાયેલા છે. આ શક્ય બન્યું છે એમના વિશેષ અભ્યાસને કારણે. કવિએ મિત્ર પ્રજારામ રાવળ સાથે વાત કરતાં કહ્યું છે કે-, ‘‘કવિતા ન લખાય તો કૈં નહિ; એનો આ સંપર્ક પામી શકીએ છીએ તે ઓછું છે ? ખરે જ ઘણું છે !’’ (એજન, પૃ.-97) કવિની કવિતા પ્રત્યેની આ નિસ્બતને કારણે જ આ શક્ય બન્યું છે. એમના કાવ્યોમાં શિખરિણી, પૃથ્વી, હરિણી, મંદાક્રાંતા, ઉપજાતિ, સ્ત્રગધરા, દ્રુતવિલંબિત, માલિની, અનુષ્ટુપ, વસંતિલકા, જેવા છંદોના સફળ વિનિયોગની સાથે સાથે ખંડ શિખરિણી, ખંડ પૃથ્વી, ખંડ ઝુલણા વગેરે છંદોના પ્રયોગો પણ કર્યા છે. જુઓ-,
‘‘કરી તાણાવાણા તમસદ્યુતિનાં, કૈં ભરી લઈ
હીરા નીલાધોળા ઝગમગ થતા, સ્વચ્છ ઊજળા
અને સ્વર્ગગાને રજત-કસબે રમ્ય વચમાં
ગૂંથી, આછો સાળુ અજબ કંઈ નક્ષત્રથી ખચ્યો
ધરી લૈને અંગે
નિશા આ ઉમંગે નિજ શયનખંડે પગ ધરે.
અરવ પગલે શી અભિસરે !’’ (એજન, પૃ.-28)
કવિને છંદનું વિશેષ જ્ઞાન હોવાને કારણે કાવ્યમાં આ રીતે કોઈપણ છંદને સફળતાપૂર્વક પ્રયોજી શકે છે. આ તથ્ય એમની કવિતામાંથી પસાર થતાં કહી શકાય છે. આ ઉપરાંત એમની કવિતામાં શબ્દસૌંદર્ય, વાગ્છટા અને અલંકારનું સૌંદર્ય અદભૂત છે. આટલી નાની વયે પોતાની આગવી પ્રતિભાથી કવિ કાવ્યમાં ભાષાનું બળ પ્રગટાવી શક્યા છે. માટે આજે આપણે એમની કવિતાને આસ્વાદીએ છીએ. એમની કવિતામાં ભાષાનું સૌંદર્ય પ્રગટાવતા આ ર્દષ્ટાંતો જુઓ-,
‘‘ચલ વિજય-મંઝિલે,
દુષ્ટ ફૅસિસ્ટને જેર કરવા
મુલ્કને મુક્ત - આઝાદ કરવા
સોવિયટ સાથમાં, ચીનના હાથમાં
હાથ રાખી ચલો કૂચ કરીએ.
વિશ્વને પૂર્ણ આઝાદ કરીએ.’’ (એજન, પૃ.-69)
કવિ પ્રકૃતિના સૌંદર્યને ગજબની શાંતિથી એના ઘુટને પીધા કરે છે. કવિની એની કલ્પના અને શબ્દ પસંદગી નિરાળી છે જુઓ-
‘‘કણેકણ સજીવ વાત મુજ સાથ મૂંગી કરે,
સુખાદ્ર હ્દયેથી કૈં ઝરણ ઊર્મિ કેરું સરે.
બની કણ નિસર્ગનો અજબ શાંતિથી હું શ્ર્વસું,
અને પ્રકૃતિભવ્ય ર્દશ્ય અમીઘૂંટ પીઘા કરું.’’ (એજન, પૃ.-18)
અને વળી મનુષ્યની હજારો વર્ષોની વેદનાની આ કલ્પના તો –
‘‘હજારો વર્ષોથી સતત સળગે યુદ્ધભડકા
મનુષ્યોના હૈયે અતિશય ભર્યા આગકટકા
ધખેલા અંગારા જરીય હજુ તો શાંત ન થતા,
તહીં રાતા રંગે સળગી ઊઠતા નિત્ય બમણા.’’ (એજન, પૃ.-26)
કવિને નવા જીવનના ભણકારા વાગી ઉઠે છે તે જુઓ-
‘‘જોને પેલા તારલા ગાણાં ગાય !
કાજળકાળી રાતલડીમાં તેજનાં ગાણાં ગાય
જોને સહુ તારલા ગાણાં ગાય
ઓ રે મારું અંતર જાગી જાય !
ધારણના થર નજ્જર તોડી ચેતનાનાં ગીત ગાય,
નવાંનવાં જોબનના ગીત ગાય. ’’ (એજન, પૃ.-66)
અને પ્રકૃતિની આ કલ્પનાનું આ સૌંદર્ય મનમોહક છે-
‘‘ત્યાં ચોમેરે નિબિડધન અંધાર ઘેરો છવાય,
વૃક્ષો, શૃંગો તિમિર-બુરખા પૂઠળે જૈ છુપાય.
ધોળા રેતીકણ જલપટે કાલિમાં ઉભરાય.
અંધારી નીરવ રજની પ્રસ્પંદ ત્યાં સંભળાય !’’ (એજન, પૃ.-81)
કવિ ગોવિંદ સ્વામીનાં કાવ્યોમાં આ તો નમુનારૂપ ઉદાહરણ છે. એમની કવિતામાંથી પસાર થતાં આવા તો અઢળક ર્દષ્ટાંત મળી આવે એમ છે. આ લેખ થકી સહદય ભાવક એમની કવિતાનો વધુ સઘન અભ્યાસ કરશે અને એનું રસપાન કરશે એવી આશા રાખું છું. કવિ ગોવિંદ સ્વામીના કાવ્યો વિશે કવિ સુંદરમ્ કહે છે તે વાત ટાંકીને મારી વાતને અહીં પુરી કરું છું.- ‘‘આટલી નાની ઉંમરનાં ગોવિંદની કલમમાંથી આવી પક્વ સુભગ રચનાઓ કેમ ટપકી શકી તેનો ખુલાસો તેના આ ગંભીર કાવ્યપરિશીલનમાંથી, કાવ્યની દેવીને પોતાના અનન્ય આત્મસમર્પણમાંથી મળી આવે છે.’’ (એજન, પૃ.-83)
સંદર્ભો-