[‘દે દામોદર, દાળમાં…!’- કિશોર વ્યાસ, હર્ષ પ્રકાશન, પ્ર.આ- ૨૦૧૬, મૂલ્ય: ૮૦]
‘ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી’- મકરંદ દવેના આ શબ્દો જેમના માટે પ્રયોજી શકાય એવા સર્જક એટલે કિશોર વ્યાસ. ગુજરાતી સાહિત્યમાં વિવેચક, કોશકાર, બાળવાર્તાકાર તરીકેની પોતાની આગવી ઓળખ ઊભી કરનાર કિશોર વ્યાસ હાસ્યસ્વરૂપમાં પણ નોંધનીય પ્રદાન આપે છે. તેઓ સતત અભ્યાસી જીવ રહ્યાં છે. ગુજરાતી સાહિત્યમાં શાસ્ત્રીય ઢબે સૂચિનું કામ કરનારાઓમાં કિશોર વ્યાસ મોખરે છે. સૂચિ (Bibliography) સંશોધક માટે ભોમિયાનું કામ કરે છે અને મહેનત માંગી લે એવું આ કામ તેઓ ખંતથી કરતા રહ્યાં છે. તેમના વિવેચન પુસ્તકો/લેખોને શ્રી રામનારાયણ પાઠક પારિતોષિક, પ્રમોદકુમાર પટેલ વિવેચન પુરસ્કાર તેમજ ગુજરાત સાહિત્ય અકાદમીનાં પુરસ્કાર પ્રાપ્ત થયા છે. ‘કુમાર’માં પ્રસિદ્ધ થયેલ ‘સુધારક યુગના મૈત્રી સંબંધો’ને અનુલક્ષીને ૨૦૧૪માં બાવનમો ‘કુમાર સુવર્ણચંદ્રક’ પણ એનાયત થાય છે. આ ઉપરાંત, ૨૦૧૬માં રતિલાલ બોરીસાગર ફાઉન્ડેશન દ્વારા ‘દર્શક એવોર્ડ’ પૂ.મોરારિબાપુના હસ્તે પ્રાપ્ત થાય છે. ‘ભૂમિપુત્ર’માં પ્રકટ થયેલી લેખમાળા ‘ટ્રેનમાં ગાંધીજી’ ઘણી લોકપ્રિય બની રહી. વતનના સંસ્મરણો આલેખતું ‘દેવળાને ઝાંપે’ પુસ્તક ધ્યાનાર્હ બન્યું છે. તેઓ ‘ગુજરાત મિત્ર’ વર્તમાનપત્રમાં ‘અક્ષરની આરાધના’ નામક કૉલમમાં વિધવિધ પુસ્તકોનો રસાસ્વાદ કરાવે છે. હાલ તેઓ નવલકથા ઉપર કામ કરી રહ્યા છે. આશા રાખીએ કે, એક ઉત્તમ વિવેચક ઉત્તમ નવલકથાકાર પણ બની રહે. પણ, આજે આપણે વાત તેમના હાસ્ય સર્જન અંગે કરીશું.
દેખાવે ગંભીર પ્રકૃતિના લેખકનું હાસ્ય તરફ પ્રયાણ એ એક સુખદ ઘટના છે. ૨૦૧૬માં તેઓ ‘દે દામોદર, દાળમાં…!’ નામક હાસ્યપુસ્તક આપે છે. જેમાં, ‘ચશ્માં વિનાનો એક દિવસ’ થી લઈને ‘પાક્કું સરનામું’ સુધીના ચૌદ હાસ્યલેખો સમાવિષ્ટ છે. તેમના આ લેખો સમયાંતરે ‘શબ્દસૃષ્ટિ’, ‘પરબ’, ‘સ્ત્રી’, ‘કુમાર’ અને ‘અખંડઆનંદ’ જેવા સામયિકોમાં પ્રકટ થયેલા છે. ઉપર્યુક્ત સંગ્રહના પ્રકાશન માટે પ્રખ્યાત હાસ્યકાર રતિલાલ બોરીસાગર પ્રેરણારૂપ બન્યા, એ પણ નોંધવા યોગ્ય બાબત છે. લે-આઉટ, લેખનપદ્ધતિ, સ્વચ્છ મુદ્રણ, અરૂઢ વિષય તેમજ અનોખા શીર્ષક- આમ દરેક પાસાથી આ પુસ્તક ભાવકોને આકર્ષી શકે છે.
પુસ્તકની પ્રસ્તાવના પણ એક હાસ્યલેખ જ બની રહે છે. જેમાં, સર્જક પુસ્તકના નામકરણનો અર્થ હળવી રીતે મૂકી આપે છે. નાના બાળકને દૂધ જાડું પડે માટે તેમાં પાણીનું ઉમેરણ થાય છે, તેમ હવે દાળમાં પાણી રેડાતું જાય છે. પાતળી દાળનો મહિમા વધ્યો છે. જમણવાર વખતે દાળ ખૂટી પડે ત્યારે એમાં પાણી ઉમેરવાનો વ્યંગ રજૂ કરતી કહેવત છે- ‘દે દામોદર, દાળમાં પાણી…’ પોતાના આ પ્રથમ હાસ્યપુસ્તકની સમર્થ હાસ્યલેખકો આગળ દાળ ગળશે ખરી? એ અર્થમાં તેઓ કહેવતને જ શીર્ષક બનાવે છે.
માનવજગતની વિવિધ ખાસિયતો, કુટેવો, સમસ્યાઓને વિષય બનાવીને ભાવકને હાસ્યજગતમાં લઇ જાય છે. સંગ્રહમાનો પ્રથમ નિબંધ ‘ચશ્માં વિનાનો એક દિવસ’ માનવજાતની એક નબળાઈની ક્ષણને પકડીને મંદમંદ હાસ્ય રેલાવે છે. નાયક કે જે અધ્યાપક છે, તે આડે હાથે ચશ્માં ક્યાંય મૂકી દે છે, પછી તેને શોધવાની મથામણ કેવી આપત્તિકર નીવડે છે, તેનું રસિક વર્ણન કર્યું છે. પરિવારના અસહકારથી વિકટ બનતો જતો ચશ્માંનો પ્રશ્ન એક સમયે તેમની જિંદગીનો પ્રશ્ન બની જાય છે. એ અઠવાડિયાથી ખરીદવા ન ગયા હોય તે શાકભાજીવાળાને પૂછવું, ચશ્માં વિના સાડા અગિયારને સાડા દસ જોવા, બસનો નંબર ૭૭ને બદલે ૯૯ દેખાય- એ બધું તો સમજ્યા પણ જયારે તેઓ પોતાના બદલે ‘સેવક’ના ખાનામાં સહી કરી દે છે ત્યારે તેમની પરીસ્થિતિ ‘માણવાલાયક’ બની રહે છે. અંતે, ‘ચશ્માં ઉતારવાના સો ઉપાયો’ પુસ્તકની વચ્ચેથી તેમને ચશ્માં મળી આવે છે અને પોતાની ભૂલી જવાની આદતને જાણે બિરદાવતા ન હોય એમ અંતે કહે છે- ‘હવે હું પ્રોફેસર સાચ્ચો.’ આમ, ચોટદાર ઉકતિથી અંત આવે છે.
‘પુસ્તક પ્રકાશન: એક જોખમી ધંધો’ પણ યાદગાર લેખ બની રહે છે. નાયકની પુસ્તક પ્રકાશન માટેની ઘેલછા અહીં કેન્દ્રસ્થ છે. પોતાની વાતને અનુરૂપ ઉદાહરણો આપવામાં કિશોર વ્યાસ ક્યાંય પણ પાછા પડતા નથી. લેખની શરૂઆતમાં આવતું વાક્ય, ‘જેમ જળ વિના મત્સ્ય તરફડે…’ તેનું ઉદાહરણ છે. પુસ્તક પ્રકાશનને લગ્ન-વિવાહ સાથે સાંકળીને આ ક્ષેત્ર આજે ખર્ચ-લાભની દ્રષ્ટિએ સહેજ પણ સંતોષકારક રહ્યું નથી, એ વાત તરફ ઈશારો કરે છે. ‘મારા સાહિત્યિક મિત્રોમાં મોટાભાગના કવિઓ હતાં જેથી એમની પાસે રૂપિયાની આશા રાખી શકાય તેમ ન હતી.’- હાસ્યકાર હાસ્ય નિપજાવવા ગંભીર પણ રહી શકે છે, એની આ સાબિતી છે. નાયકને આશા છે કે, પોતાનું પુસ્તક પ્રકટ થાય કે ગરમાગરમ ભજિયાંની જેમ ચપોચપ ઉપડી જાય. કિલન્ટનની આત્મકથા ખરીદવા અમેરિકામાં રસિકજનો લાઈનમાં ઊભાં રહે, એવું કંઈક એમના પુસ્તક માટે પણ બને, એવી તેમને ખેવના છે. તેઓ જાણીતા પ્રકાશક પાસે જાય છે ત્યારે કહે છે, ‘પ્રકાશકનો દેખાવ દળદાર ગ્રંથ જેવો હતો.’ આ ઉપમા ભાવકને હસાવવા સક્ષમ છે. ત્યારબાદ, નાયક-પ્રકાશકનો સંવાદ હાસ્યસભર બની રહે છે. પ્રકાશક, સાહિત્યના પુસ્તક માટે વીસ હજારનો આંકડો આપે છે, પાછી ચોપડી વેચવા બીજા વીસેક હજાર વધારાના. આ જાણીને નાયક કહે છે-‘આટલા રૂપિયામાં તો હું અમેરિકા જઈ શકું…’ ત્યારે પ્રકાશક કહે છે, ‘રોયલ્ટી તો જે પુસ્તકો વેચાય છે એને આપવાની હોય. વધારાના રૂપિયા તો તમારા પુસ્તકને અહીં સાચવી રાખવાના ભાડા પેટે છે.’ અંતે નાયક તાંબા-પિત્તળના વાસણોનો ઉદ્ધાર કરીને ખૂટતી રકમ મેળવી લે છે.
આ સિવાય, ‘બૂટની બળતરા’ પણ સ-રસ હાસ્ય નિબંધ બની રહે છે. બૂટ જેવા તુચ્છ લગતા વિષયમાંથી પણ સર્જક હાસ્ય નીપજાવી શકે છે, એ તેમની હથોટી છે. લેખની શરૂઆતમાં સૂચવતો વ્યંગ ઘણો જ સૂચક બની રહે છે- ‘પગરખાની દશા રાજકારણીઓએ ચારે તરફથી કોતરી કાઢેલા આપણા દેશ જેવી થઇ જતી. મને લાગે છે કે, તોય બૂટની હાલત સારી હશે!’ બૂટ વિષે તો ઘણું લખાયું હશે પણ બૂટથી ત્રાસીને તો ભાગ્યે જ લખાયું હશે! બૂટ ખોવાયા બાદ, લગ્નની ભીડમાં બૂટ ચોરવાની કોશિશ અને પકડાય જવા પર આખું સાહિત્ય ભૂલી જતા લેખક, આપણને હસવા મજબૂર કરી દે છે. અંતમાં, નાયક બૂટ પ્રત્યે વૈરાગ્ય ભાવ કેળવી લે છે. નાયક બૂટને છોડી શક્ય પણ આ લેખને આસાનીથી છોડી શકાય એમ નથી.
આ હાસ્યપુસ્તકને વજનદાર બનાવતો અને આ પુસ્તકની આગવી ઓળખરૂપ બની રહેલ હાસ્યલેખ એટલે, ‘મન ‘મોલ’ બની થનગનાટ કરે.’ મૂળે મેઘાણીની ઉક્તિ ‘મન મોર બની થનગનાટ કરે’ માં ‘મોર’ના સ્થાને ‘મોલ’ શબ્દ મૂકી સર્જકે મેઘની શૈલીનું નિસત્ય અનુકરણ કરી હાસ્ય જન્માવ્યું છે. હાસ્ય નિષ્પન્ન કરવા પેરોડી પણ મહત્વનો ભાગ ભજવી શકે છે. આ લેખમાં, લોકોની ખરીદવૃત્તિની ઘેલછાને નિરૂપી છે તેમજ લોકોની મફત મેળવવાની લાલસા પ્રત્યે પણ હળવેકથી દિશાસૂચન કરી આપ્યું છે. મોલમાં નાયકની સ્થિતિ કેવી કષ્ટદાયક બની રહે છે, એ નિરૂપણ ભાવકને સતત હળવા મૂડમાં રાખે છે. ‘ઉપલો માલ ખાલી છે’- એ વાક્યપ્રયોગને પણ કેટલી સહજતાથી ઉપસાવ્યો છે. શ્રીમતીજીનાં ફરમાનને કારણે નાયકને રવિવારની રજા શાંતિથી ઉંઘવાને બદલે મોલમાં ગાળવી પડે છે. મોલમાં લોકોને લાંબી સર્પાકારે જતી લાઈનમાં બેગ લઈને ઉભેલા જોઇને નાયકને થાય છે કે, નક્કી અહીં કંઇક મફત મળતું હશે પણ એ લાઇન તો બિલ ચૂકવવા માટેની છે, એ જાણ્યાં બાદ તેમની ધારણા પર પાણી ફરી વળે છે. આ લેખમાંથી પસાર થયા બાદ થયું કે, જો આ મોલ થોડા વર્ષો પહેલા આવી ગયા હોત તો પહેલાની આપણી ફિલ્મો કંઈક જૂદી જ હોત… તેમાં બે બાળકો કુંભના મેળામાં નહિ પણ મોલના ટોળામાં ખોવાઈ જાત.
પ્રિયતમાનો બાબુ અને સરકારી બાબુ વચ્ચે પાયાનો ફરક એ કે, પછીના બાબુની આગતા-સ્વાગતા કરવા સૌ ચાહ્યે-નચાહ્યે તૈયાર જ હોય. ‘ફરતો પંખો’ લેખમાં, આવા જ એક બાબુની આગતા-સ્વાગતની વાત છે. એક નાનકડા ગામમાં આવનારા સાહેબની મહેમાનગતિ સાચવવા માટે જે ધમાચકડી થાય છે તે, આ પુસ્તકમાં યશકલગી સમાન છે. ‘વીજળીરાણી’ મોટેભાગે કોપભુવનમાં જ રહે- આ એક વાક્ય દ્વારા સર્જક અંધકારને કેટલી સહજતાથી ‘ઉજાગર’ કરી દે છે. સરકારી બાબુને ગરમી ના લાગે તે માટે પંખો ખરીદવા માટે ફાળાથી લઈને છેલ્લે લોકો એ પંખાનો વિધવિધ પ્રસંગે કેવો લાભ લે છે- તેનું વર્ણન હકીકતે સમાજનું દર્પણ બની રહે છે. સરકારી બાબુ તો શરદીના દર્દી નીકળે છે, તેથી પંખો કમળપાંખડીની જેમ આખા ગામમાં વહેંચાઈ જાય છે. આ મથામણમાં નાયકને ‘પંખાવાળા સાહેબ’ની ઉપાધિ મળી જાય છે.
આપણા દેશમાં એકલા સરનામાં પરથી જે-તે સ્થાન શોધવું આજેય સાહસયાત્રાથી કમ નથી. આ જ વાત સર્જક ‘પાક્કું સરનામું’ નામક લેખમાં જરા જૂદી રીતે કરે છે. ભારતમાં તો, આની સામે, આની ઉપર, આ ચકલે, આ મંદિર તળે… વગેરે લટકણિયાં વગર સરનામાં પૂરા થતા જ નથી. વિદેશમાં આવું હોતું નથી. પોતાના સરનામાં અંગે ટપાલખાતા જોડે થયેલી રકઝક લેખકની રમૂજવૃત્તિનું પ્રમાણ આપે છે. એમાંય ભળતા ગામના નામો તો…વાત જ જવા દો. આજેય ગુગલમાં લેખકની કર્મભૂમિ કાલોલ ટાઇપ કરો તો કલોલ જ દેખાય. સર્જકને તો લાગે છે કે, કદાચ આ ખોટા સરનામાંને લીધે જ અલી ડોસાએ મરિયમના પત્રથી વિમુખ રહેવું પડ્યું હશે. લાગે છે કે, ‘વાડ થઈને ચીભડાં ગળે’ને બદલવાનો સમય હવે આવી ગયો છે. હવે કહેવું જોઈએ કે, ‘સરનામું થઈને ગુમરાહ કરે.’
‘મારી પશુસવારીઓ’ લેખમાં, હાસ્યની જાદુઈ લાકડી ફેરવીને રોચક કલ્પના ઉડ્ડયન કર્યું છે. બકરી પર સવાર થવાનો આનંદ લેવા જતાં બકરીએ શિંગડાં ઉછાળીને લેખકને ઝાડ પર ચડવાની કેળવણી અઆપેલી તે વર્ણન તેમજ લગ્ન વખતે વરઘોડો કાઢવા ઉત્સુક કુટુંબીજનો અને લેખકની ભીતિનું આલેખન પ્રસન્નકર બની રહે છે. અંતે કહે છે કે, ‘હું પશુ પર અને પશુ મારા પર સવાર ન થઇ જાય એની કાળજી રાખવાથી મારું ગાડું સારી રીતે ગબડે છે.’ આ સિવાય, ‘રૂમાલ મારો લેતા જજો’, ‘વાચનરોગ’ અને ‘ઘર બદલવાનું કારણ’ પણ આસ્વાદ્ય રચનાઓ છે.
આ પુસ્તકમાં સર્જકે બાળગીતો, કહેવતો, રૂઢિપ્રયોગો, અલંકાર, તેમજ પૌરાણિક સંદર્ભોને જરૂર જણાય ત્યાં આવરી લીધા છે. લેખમાંના અમુક વાક્યો તો એવા વેધક અને સુંદર છે કે, આપણે એ એક વાક્ય પરથી વિચાર-વિસ્તાર પણ કરી શકીએ. જેમકે, ‘…સાહેબના બોલ તો મને પોખરણના ધડાકા જેવા લાગ્યા’ (‘ફરતો પંખો’), ‘…મારાં ઊંચાં વિચારોને કારણે એ વિમાનો ખૂબ ઊંચાં ઉડેલાં એમ બાળકો કહેતા હતાં.’ (‘મારું ડાયરીપુરાણ’). હાસ્યકાર અનેકવિધ પ્રયુક્તિ થકી હાસ્ય ઉપજાવી જાણે છે પરિણામે, આ પુસ્તક સૌને સંતોષ આપે તેવું બન્યું છે. ૨૦૧૬માં આ પુસ્તકની સાથે જ તેમના ગુરુ રમણ સોનીનું ‘સાત રંગ, આઠ નંગ’ નામક હાસ્યપુસ્તક પણ પ્રકટ થાય છે. બંને હાસ્યકારોનું મૂળ વિવેચનનું રહ્યું છે, છતાં હાસ્ય તરફનું તેમનું પ્રયાણ હાસ્યાસ્પદ તો નથી જ નથી!