બપોરના દોઢ થ્યા. બધાની હાર્યે પણ સ્સ...હે...જ જુદી સમજુડી ખાવા બેઠી.
ઘેરથી લાવેલું ભાત છોડ્યું. ખેતરવાળાએ શાક – છાશ આપ્યા. બે કોળિયા હેઠે ઉતાર્યા કે પાડોશવાળાના છોકરાના લગનની વાત યાદ આવી ને ત્રીજો કોળિયો કેમેય હેઠે નો’ ઉતર્યો. છોકરાને હજી પૈણાવ્યો ત્યાં તો જુદા થાવાની વાતું કરવા માંડ્યો. જુદો પણ થઇ ગ્યો.
રવલો બે વરહનો હતો તંય એના બાપ ‘દેવ’ થઇ ગ્યા પછી પોતેય બાવળના કાંટા જેવી જીંદગીમાં ઘડીકેય ક્યાં હાહ ખાવા હેઠે બેઠી’તી ! પગ વાળીને બેહે ઇ બીજું, સમજુડી નંઇ.
રાત્ય દિ’ એક કરીને રવલાને મોટો કર્યો. ટેકો આપે એવો થ્યો ને એના લગ્ન લીધા. મનમાં એમ કે વવ આવે ને કાંક સાંતા મળે.
પૈણાવ્યા પછી રવલો વવ પાંહે માખણ જેવો ને મા પાંહે પાણકા જેવો થઇ ગ્યો. નંઇ તો જુદું થાવા જેવું ક્યાં હતું પણ તોય ઇ એમ કરીને જ રયો.
ત્રીજો કોળિયો માંડ ગળે ઉતારતાંક સમજુડી બબડી : ‘ મા – બાપ હું છોકરાવને જુદા થાવા હારું જ તે પૈણાવતાં હશે ?’