Included in the UGC-CARE list (Group B Sr. No 172)
‘અ ડોલ્સ હાઉસ’ નાટકનો આસ્વાદ

વિશ્વના સાહિત્યમાં નાટકે મહત્વનું સ્થાન હાંસલ કર્યું છે. તેમાં પાશ્વાત્ય નાટ્યસ્વરૂપ સતત વિકસતું રહ્યું છે. શેક્સપિયર, ગટે, ચેખોવ, ઇબ્સન, બનોર્ડ શો તથા પછીના સેમ્યુઅલ બેકેટ, આયનેસ્કો અને હેરાલ્ડ પિન્ટર જેવા નાટ્યકારોએ નાટકને ઉચ્ચ સ્થાને બેસાડ્યું છે. શેક્સપિયરના નાટકો એટલા લોકપ્રિય છે કે આજે પણ ભજવાય છે. તેમાંય હેન્રિક ઇબ્સન અને જોર્જ બનોર્ડ શોએ પોતાના નાટકો દ્વારા સામાજિક સમસ્યાઓને ઉકેલવાના પ્રયત્નો કર્યા છે.

અન્ય એક નામ હેન્રિક ઇબ્સન છે. તેમનું નામ નાટ્યસ્વરૂપમાં માનભેર લેવાય છે. હેન્રીક ઇબ્સન નાટ્યસાહિત્યમાં ઉજળા થયા એનું કારણ એમનો વાસ્તવિકતા સાથેનો ઘનિષ્ઠ સંબંધ છે. તેઓ સમસ્યાને મૂળથી જાણતા હતા અને તેમાંથી પસાર થયેલા છે. તેમના અનુભવમાંથી સર્જકતત્વ ઘડાયું છે. તેઓ નોર્વેથી ડેન્માર્ક, જર્મની, ઇટલી જેવા જુદા જુદા વાતાવરણ અને સર્જનમાં પોતાનું જીવન વ્યતીત કર્યું હોવાથી તેમના નાટકમાં આ બધાના સારા તત્વોનો નીચોડ રહેવા પામ્યો છે. તેઓના સર્જનનો પ્રારંભ કવિતાથી થાય છે. પણ તેમાં નરી અવાસ્તવિકતા લાગતા તેમાંથી તેઓ નીકળી જાય છે અને ભવિષ્યમાં તેમને વિશ્વફલક પર અમર કરનાર એવા નાટ્યસ્વરૂપમાં આવી જાય છે. તેઓએ જીવનના દરેક રંગો, સુખ-દુ:ખ અને ગરીબી, સંઘર્ષ, સમસ્યાઓ વગેરે પોતાના જીવનમાં જોયું અને અનુભવ્યું હોય છે. આથી તેમના નાટકમાં આ બધું આવે છે. તેથી જ સમસ્યાપ્રધાન નાટકના પિતા કહેવાય છે. નાટકમાં સમસ્યા પ્રધાનવાદની વિચારધારા તેઓ લઈને આવે છે જેની અસર બર્નાર્ડ શો જેવા મોટા નાટ્યકાર પર પડી છે. ઇબ્સનની આ વિચારધારા ‘ઇબ્સનીઝમ’ તરીકે પ્રખ્યાત થઇ છે. નોર્વેજિઅન નાટ્યકાર ઇબ્સન સમસ્યાપ્રધાન નાટકમાં સમસ્યાને કેન્દ્રમાં રાખીને યોગ્ય કથાગૂંથણી કરી તેમાં ઉચિત પાત્રો એવી રીતે વહેતા મૂકી દે છે કે જાણે કે એ આપણી આસપાસ જ બનતી ઘટના બની જાય છે. ‘અ ડોલ્સ હાઉસ’ નાટકમાં નારીસમસ્યા કેન્દ્રસ્થ છે. હેન્રી ઇબ્સન કૃત ‘અ ડોલ્સ હાઉસ’ નાટક ઈ.સ.૧૮૭૯ માં પ્રકાશિત થાય છે અને તેની સાથે જ સમગ્ર યુરોપમાં પછી સમગ્ર વિશ્વમાં એના પડઘા સંભળાયા કરે છે.

હેન્રીક ઇબ્સનને શેક્સપિયર પછીના મહાન નાટ્યકાર તરીકે ઓળખાવતા પ્રસિદ્ધ નાટ્યકાર લૂઈ પિરાન્દેલો કહે છે કે; ‘After Shakespeare, without hesitation ! Put Ibsen first.’

સમગ્ર વિશ્વસાહિત્યમાં નાટ્યક્ષેત્રે શેક્સપિયર બાદ હેન્રીક ઇબ્સન જ આવે છે. સમસ્યા જે સમાજમાં પ્રવર્તતી હોય છે, જે દરેક માનવીને સ્પર્શતી હોય અને વાસ્તવિક હોય તેને નાટકમાં ઢાળવાની તેમની કોઠાસૂઝ ગજબની રહી છે. તેઓ નાટક તરફ વિશેષ ઢળેલા રહ્યા ‘નોર્વેજિયન રંગભૂમિ’ ને કારણે. આ નાટ્યકંપની સાથે તેઓ ઘનિષ્ઠ રીતે સંકળાયેલા રહ્યા અને તેમાં નાટ્યલેખનથી માંડીને નાટ્યનિર્માણ સુધીની કામગીરી કરતા રહ્યા.

હેન્રીક ઇબ્સને પચીસેક નાટકો લખ્યા છે. તેમના વિપુલ નાટકોમાંથી ‘અ ડોલ્સ હાઉસ’, ‘ઘોસ્ટ’, અને ‘પીલર્સ ઓફ સોસાયટી’ તો સુખ્યાત છે જ. ઉપરાંત ‘લેડી ક્રોમ ધ સી’, ‘હેડા ‘ગેબ્લર’, ‘એનિમી ઓફ ધ પિપલ’, ‘વાઈલ્ડ હક’ જેવા નાટકોનું સ્થાન પણ અવિસ્મરણીય છે. આમાંથી ઇબ્સન તો પોતાના ‘એમ્પરર એન્ડ ગેલેલિયન’ નાટકને પોતાનું ઊંચા દરજ્જાનું નાટક ગણે છે. તેમની આ કીર્તિદા નાટ્યકૃતિઓ દ્વારા ઇબ્સન નાટ્યકક્ષાએ સમસ્યાપ્રધાન નાટકના પિતા તરીકેનું સ્થાન પ્રાપ્ત કરી શક્યા છે.

ઇબ્સને પોતાના વિશે કહ્યું છે કે, “હું કેવળ નારીના અધિકારો કે સ્વાતંત્ર્યનો પ્રચારક નથી. પરંતુ હું તો સમસ્ત માનવજાતનો પ્રચારક છું. હું આપણા યુગની વિકટ સમસ્યાઓને મારા નાટકના માધ્યમ દ્વારા રજૂ કરવા ઈચ્છું છું.”

હેન્રી ઇબ્સન કૃત ‘અ ડોલ્સ હાઉસ’માં નારીચેતના કેન્દ્રસ્થ છે. આ એક સમસ્યાપ્રધાન નાટક છે. તેમાંયે મુખ સમસ્યા તરીકે નારીની બંધનમુક્તિને વણી લીધી છે. અહીં સમસ્યાપ્રધાન નાટક ‘અ ડોલ્સ હાઉસ’ને તપાસવાનો ઉપક્રમ છે.

હેન્રી ઇબ્સને નારીને કેન્દ્રમાં રાખી છે. અત્યારે પણ પુરુષથી સ્ત્રી દબાયેલી છે. તો એ સમયની તો કલ્પના શું કરવી! એ સમયમાં તો સ્ત્રીઓને કાયદાઓથી પણ અધિકારો મળ્યા ન હતા. આથી તેમની ઉપર શોષણ, જૂલ્મ-અત્યાચાર વધુ હતા. ઇબ્સને તેમના સમયમાં જે મુખ્ય સમસ્યા છે એને જ આ નાટકમાં વણી લીધી છે. તેઓ માનવતાવાદી અને નારીવાદી અભિગમ ધરાવતા નાટ્યકાર છે. તેમાંયે નારીવેદના એ હંમેશા સળગતો પ્રશ્ન રહ્યો છે. આથી ઇબ્સને નોરાને કેન્દ્રસ્થ રાખીને નારીની વેદનાને વાચા આપવા માટે નારીમુક્તિની સમસ્યાને વસ્તુ તરીકે પસંદ કરી છે. ‘અ ડોલ્સ હાઉસ’માનું કથાવસ્તુ ઇબ્સનના સંપર્કમાં આવેલી લોરા નામની એક યુવાન લેખિકાના જીવનમાંથી પસંદ કરવામાં આવ્યું છે. લોરા અને નોરા (નાયિકા)નાં નામોમાં પણ ઉચ્ચારની સમાનતા જોઈ શકાય છે. ઇબ્સને લખેલા આ નાટકથી બંનેના સંબંધમાં થોડી કડવાશ આવી ગઈ હતી. જો કે ઇબ્સને ઘણા ફેરફારો સાથે, અમુક ઘટના-પ્રસંગના ઉમેરણ સાથે આ નાટકનું સર્જન કર્યું છે.

ગુજરાતીમાં ઈ.સ.૧૯૮૬ માં ડૉ. બળવંત જાનીએ આ વિશ્વકક્ષાના નાટકનો અનુવાદ ‘ઢીંગલીઘર’ નામે કર્યો છે.

‘અ ડોલ્સ હાઉસ’ નાટક ત્રણ અંકોમાં વિભાજીત છે. નોરા અને ટોરવાલ્ડ હેલ્મરના દામ્પત્યજીવનમાંથી ઉદભવતી નોરાની સંકુલ સમસ્યાઓ આ નાટકનો મધ્યવર્તી વિષય છે. પ્રથમ અંકમાં ગૃહિણી નોરાની વિપત્તીઓનું વર્ણન જોવા મળે છે. નાટકનો આરંભ બજારમાંથી સામાન ખરીદીને પાછી આવતી નાયિકા નોરાનાં પ્રવેશથી થાય છે. તે પોતાના બાળકો માટે રમકડા અને પોતાના પતિ માટે કંઇક સોગાત લાવી હોય છે. નોરાનો પતિ હેલ્મર સૌન્દર્યપ્રેમી, સ્વપ્રતિષ્ઠા અંગે સભાન અને વધુ ખર્ચા ન કરવાના મતવાળો એવો બેંક કર્મચારી છે. તે નોરાને પૈસાની બાબતમાં ઉડાઉ ગણે છે. નોરા એને મન ‘Singing Bird’, “Skylark’ કે ‘Little Squirrel’ છે. એ નોરાને વાતવાતમાં આવા પ્રતીકાત્મક નામોથી જ સંબોધે છે. નોરાને ઘરમાં પતિને પૂછયા વિના કોઈ ખર્ચ કરવાનો અધિકાર ધરાવતી નથી. કદાચ ખરીદી કરી પણ હોય તો શો જવાબ આપવો એની ચિંતા નોરાને રહેતી હોય છે. પ્રથમ અંકમાં નાતાલનો તહેવાર આવે છે. જે આનંદ-ઉલ્લાસના પ્રતિક સમાન છે. આ અવસર પ્રસંગે નોરા ઘરમાં ખૂટતી વસ્તુઓ લાવે છે તેમજ રમકડાં અને ભેટ લાવે છે ત્યારે તેમજ ઘરની સજાવટ પ્રસંગે પ્રયોજાયેલા નોરા-હેલ્મર વચ્ચેના સંવાદોમાંથી ઘરમાં હેલ્મરનું આધિપત્ય પ્રતીત થાય છે. નોરા પોતાના બાળકો ઇવાર, બોબ, એમીને ખૂબ ચાહે છે.

આ અંકમાં મિસીસ લિન્ડ (ક્રિસ્ટીન) નોરાને મળે છે. જે તેની બાળપણની સખી છે. નોરા પોતાના લગ્નજીવનની બધી વાતો કરીને પોતાના હદયનો ભાર હળવો કરે છે. આ અંકમાં હેલ્મર બીમાર પડે છે. તેને હવાફેરની જરૂર છે જેથી તેની બીમારી મટી શકે. નોરા-હેલ્મરનો પરિવાર સુખી હોય છે. પણ હેલ્મરની બીમારીની અણધારી આફત આવી પડે છે. હેલ્મરની માંદગી નોરાને માટે દુ:ખદાયક બની રહે છે. હેલ્મરને હવાફેર માટે બીજે સ્થળે લઇ જવા નોરાને મોટી રકમની જરૂર પડે છે. તેને કોઈ રસ્તો સૂઝતો નથી. છેલ્લે નાછૂટકે બેંકમાંથી પૈસા ઉપાડે છે અને આ માટે એણે એના પિતાની Security આપવાની છે. પણ બહારગામ રહેતા અને માંદા પિતાને હેરાન નહિ કરવાના ખ્યાલે તેણે પિતાની સહી જાતે કરી અને ચેક પર ખોટી સહી –Forgery કરી. આ એના માટે પિડાદાયક બની રહે છે. આથી બેંકનો ક્લાર્ક ક્રોગ્સ્ટેડ નોરાને બ્લેકમેઈલ કરવાનું ચાલુ કરે છે.

દ્વિતીય અંકમાં નોરાની દુ:ખદ પરિસ્થિતિ જોવા મળે છે. પૈસા લીધે આઠ-નવ વર્ષો વીત્યા છે, પણ નોરાએ પતિને પૈસા લીધાની વાત કરી નથી. પોતે ભરીને, ગૂંથીને, ઘરમાં કરકસર કરીને પ્રેમને ખાતર થઈને હપ્તે હપ્તે આ પૈસા ભરતી ગઈ છે. પોતાનો હેતુ શુદ્ધ હતો કે આ પૈસા લઈને પતિની માંદગી ઘટાડવી છે અને એને સ્વબચત કરીને પૈસા ભરવાની ખાતરી છે. પોતાનો હેતુ શુદ્ધ છે એ માટે નોરા નિશ્ચિત છે પણ પોતાના પતિને કહેવું નથી. કદાચ પતિનો અહં ઘવાય તો?

બીજા અંકમાં મિસીસ લિન્ડ અને ડૉ. રેન્કનું પાત્ર પણ મહત્વનું બની રહ્યું છે તેમજ મિસીસ લિન્ડ અને ક્રોગ્સ્ટેડ વચ્ચેના પ્રણયનો પણ અહીં નિર્દેશ થયો છે. તેઓ પૂર્વપ્રેમીઓ હોય છે પણ ક્રોગ્સ્ટેડની આર્થિક સ્થિતિને કારણે પ્રણય લગ્નમાં પરિવર્તિત થઇ શકતો નથી. આ બાજુ ડૉ. રેન્કનું પાત્ર છે- જે વિલક્ષણ પ્રકારનું છે. ડૉ. રેન્કને પોતાના પિતા તરફથી માંદગી વારસામાં મળી છે અને તે હવે થોડા દિવસના મહેમાન છે એવો નિર્દેશ છે એનું પ્રતિક તેમને કાળી ટોપી પહેરી એ છે. બીજી બાજુ ક્રોગ્સ્ટેડની બેંકક્લાર્કની નોકરી જોખમમાં છે કારણ કે તેણે પણ નોરાની જેમ ખોટી સહી કરીને બેંકમાંથી પૈસા મેળવ્યા હોય છે અને આની જાણ હેલ્મર, જે બેંકમેનેજર બનવાનો છે એને થઇ જાય છે. આથી ક્રોગ્સ્ટેડને એમ લાગે છે કે હેલ્મર તેને નોકરીમાંથી કાઢી મૂકશે. આથી ક્રોગ્સ્ટેડ નોરાના પેલા ખોટી સહીવાળા કાગળથી બ્લેકમેઈલ કરે છે અને પોતાની નોકરી બચાવવાના ખોટા પ્રયત્નો કરે છે. ક્રોગ્સ્ટેડની નોકરી જતી રહે છે અને તેની જગ્યાએ હેલ્મર મિસીસ લિન્ડને બેંકમાં નોકરી અપાવવાની ખાતરી આપે છે. બેંકમાંથી ખોટી સહી માટે ક્રોગ્સ્ટેડને dismiss કરવામાં આવ્યો છે અને એ જ હવે નોરાને કહે છે કે તારા પતિ હેલ્મર દ્વારા મને ફરીથી એ જ બેંકમાં નોકરી અપાવ. નહિ તો તારી ‘Forgery’ પેલા ‘Security Bond’ પરની ખોટી સહીની વાત જાહેર કરી તારા પતિની પ્રતિષ્ઠા પર કલંક લગાડીશ. નોરા હેલ્મરને કહે છે કે મારા ખાતર- આપણી ખાતર તો ક્રોગ્સ્ટેડને નોકરીએ રાખી લો. આ એક પૂર્વસંકેત છે કે ભવિષ્યમાં શું થવાનું છે. પણ હેલ્મર ચોખ્ખી ના પાડી દે છે. છેવટે એક દિવસ ક્રોગ્સ્ટેડ ખોટી સહીવાળો કાગળ હેલ્મરના લેટરબોક્સમાં નાખી ચાલતો થાય છે. બીજી બાજુ નોરા કોઈપણ ભોગે બહાના કાઢીને હેલ્મરને લેટરબોક્સ ખોલવા દેતી નથી.

ત્રીજા અંકમાં આશ્ચર્યજનક પ્રસંગો બને છે. મિસીસ લિન્ડ અને ક્રોગ્સ્ટેડ એ પૂર્વપ્રેમીઓ છે અને મિસીસ લિન્ડ વિધવા હોવાથી અને ક્રોગ્સ્ટેડ વિધુર હોવાથી બન્ને લગ્ન કરી લે છે. મિસીસ લિન્ડ ક્રોગ્સ્ટેડને નોરા-હેલ્મરની બાબતમાં સાચી હકીકત જણાવે છે. પણ મિસીસ લિન્ડ માને છે કે નોરા-હેલ્મર વચ્ચે ભલે પરિસ્થિતિ સ્પષ્ટ થઇ જાય. આથી મિસીસ લિન્ડ નોરાને સાચી હકીકત પતિને જણાવી દેવા કહે છે. પાડોશીને ત્યાં એક ઉત્સવમાં, નોરા ડાન્સ કરતી હોય છે. આટલે સુધી નોરા કાગળથી, પતિથી પોતાને બચાવે છે. ડાન્સ પત્યા બાદ ઘરે આવીને હેલ્મર લેટરબોક્સમાંથી પેલો કાગળ વાંચે છે. થોડી જ ક્ષણોમાં હેલ્મર પત્ર વાંચી લે છે. નોરાના જૂઠ અને ગુના બદલ એ એને ભાંડે છે. તે નોરાને ‘પાખંડી’, ‘અપરાધિની’, ‘વિશ્વાસઘાતી’, ‘ધર્મરહિત’ જેવા કઠોર શબ્દોમાં ધમકાવે છે. વધારામાં હેલ્મર નોરાને તેના પિતાના અવગુણ તારામાં આવ્યા છે તેમજ બાળકો પર આવી ખરાબ અસર થશે ત્યાં સુધી નોરાને કહી દે છે. આ પરિસ્થિતિમાં નોરાને પોતાના દામ્પત્યજીવનની નિષ્ફળતાનો તીવ્ર અહેસાસ થાય છે. હેલ્મર માટે નોરા હમણાં જ કોયલ જેવી હતી એ અપરાધી બની જાય છે – આ જ હેલ્મરનો બનાવટી પ્રેમ બતાવે છે. નોરા હેલ્મર માટે Doll-Wife બની રહે છે. આખી જિંદગી નોરાએ પોતાના પતિ માટે પોતાની જાત ઘસી નાખી છે. ઓરડો બંધ કરીને રાતોની રાતો નકલ કરતી, ખર્ચ કાપ કરતી એ ક્રિસ્ટીનને કહે છે: ‘એ સમયે મારો આત્મવિશ્વાસ કેળવાઈ ગયો હોય છે.’ પરંતુ આ ઘટના પછી નોરાને પતિ તરફના બનાવટી-સગવડિયા પ્રેમની જાણ થઇ જાય છે. ક્રોગ્સ્તેદમાં પરિવર્તન આવે છે અને તેને એક નોકર દ્વારા પેલું Security Bond મોકલી દીધું છે અને બનેલી ઘટના માટે શોક પ્રગટ કર્યો છે. હેલ્મર સામાજિક કલંકમાંથી ઊગરી ગયો ત્યારે એકાએક હેલ્મર બોલી ઊઠે છે;
‘I am saved ! Nora. I am saved.’
અને સામે નોરા પ્રશ્ન પૂછે છે;
‘And I?’
હેલ્મર આશ્વાસતો કહે તો છે કે,
‘We are both saved.’

પરંતુ નોરાને સચ્ચાઈની પરખ થઇ ગઈ હોય છે. નોરાને એમ હતું કે મેં જે આઠ-નવ વર્ષ પતિ માટે બલિદાન આપ્યું છે. તેનાથી મારો પતિ ખુશ થઈને મને પ્રેમથી ભીંજવી દેશે પણ આનાથી ઊલટું જ થાય છે. આથી નોરાને હેલ્મર પરથી વિશ્વાસ ઊઠી જાય છે અને જે પતિ પોતાને ‘કોયલડી’ જેવા વહાલા શબ્દથી પ્રેમ કરતો, એ જ ‘અપરાધી’ કહીને તુચ્છકરે છે. ત્યારે આ ક્ષણે નોરામાં પરિવર્તન આવે છે. નોરાને પેલો પોતાના પતિનો સ્વાર્થ ખટકે છે. હેલ્મરને પ્રતિષ્ઠા-સમાજ પહેલા ને નોરા પછી- કદાચ પછી પણ કંઈ નહિ. તે નોરાને એક Doll-રમકડું જ સમજતો હોય છે. જેમ તે રમાડે એમ રમે એવું. નોરા કહે છે; “પિતાને ત્યાં Doll-Child અને પતિને મન Doll-Wife. કન્યા તરીકે પિતાને આધીન, પત્ની તરીકે પતિને આધીન, વિધવા બને ત્યારે પુત્રને આધીન. સ્ત્રીનું પોતાનું કંઈ જ નહિ.” આવું નોરા વિચારે છે. નોરા ગૃહત્યાગનો અફર નિર્ણય હેલ્મરને જણાવે છે. હેલ્મર એને પત્ની અને માતા હોવાનું યાદ દેવડાવે છે પણ એ તો ઘર છોડવાનો નિર્ણય કરી ચુકી છે. હેલ્મર એને ધર્મની આણ આપે છે. પણ નોરા માનતી નથી અને કહે છે કે: “I cannot spend the night in a strange man’s room.” નોરા જાય છે અને પાછળ એના ગયા પછીના બારણાના અથડાવાના અવાજ સાથે નાટકનો અંત આવે છે. જાણે કે સમયની આખી યુરોપીય સભ્યતા (સમગ્ર દુનિયા) સામેનો આ અથડાટ હતો. આવા અંતને કારણે ઈબ્સનકૃત ‘અ ડોલ્સ હાઉસ’ નાટક સમગ્ર વિશ્વમાં નોંધપાત્ર બન્યું હતું.

સંદર્ભ

  1. પ્રસ્તાવના, અ ડોલ્સ હાઉસ, અનુ. બળવંત જાની, પાર્શ્વ પબ્લિકેશન, બીજી આવૃત્તિ : ૨૦૦૬
  2. પ્રતિમુખ, સતીશ વ્યાસ, પૃષ્ઠ- ૧૦-૨૦માંથી, આવૃત્તિ : ૨૦૦૬

આનંદ એમ. પરમાર, anandmanishparmar@gmail.com, 9724691445