Download this page in

માનવભાવોની સંકુલતાઓનું વાર્તાવિશ્વ : 'વન્સ અગેઈન'
'વન્સ અગેઈન', લે.અજય ઓઝા, પ્ર.લટૂર પ્રકાશન, ૨૦૧૮, કિ.૧૭૦/૦૦

વાર્તા લખવી એ અજય ઓઝાનો પ્રથમ લગાવ છે. અજય ઓઝા ગુજરાતી અને હિન્દીમાં સાતત્યપૂર્ણ વાર્તાલેખન કરતાં પ્રવર્તમાનકાળના નોંધપાત્ર વાર્તાકાર છે. ગદ્યસભા ભાવનગર અને 'સુજોસાફો'ની વાર્તાલેખન પ્રવૃત્તિઓએ અજય ઓઝાની વાર્તાકાર પ્રતિભાને બળ પુરું પાડ્યું છે. 'છીપ' (૨૦૦૨), 'આરામખૂરશી' (૨૦૦૭) અને 'ક્રીમેટોરિયમ'(૨૦૧૩) જેવાં ગુજરાતી વાર્તાસંચયો અને 'સિતારો કી ધૂપ' (૨૦૧૦) અને 'મંથન'(૨૦૧૪) જેવાં હિન્દી ગ્રંથોમાં અજય ઓઝાની વાર્તાકલાનો હિસાબ મળે તેમ છે. તાજેતરમાં અજય ઓઝાનો ચોથો ગુજરાતી વાર્તાસંગ્રહ 'વન્સ અગેઈન' (૨૦૧૮) પ્રગટ થયો છે. આ સંચયની પ્રસ્તાવનામાં અજય ઓઝા પોતાની વાર્તાલેખનની નિસબત સ્પષ્ટ કરતાં લખે છે, 'મારા સર્જનકાર્યમાં જીવનના આસપાસના માહોલને પ્રકાશિત કરવાની મારી કોશિશ રહી છે. માનવજીવનમાંથી સૂક્ષ્માતિસૂક્ષ્મ તત્ત્વનું જે દર્શન મને થયું છે, મારા ભાવકોને પણ એ જ દર્શન કરાવવાના મારા પ્રયત્નો હોય છે, એક કાંટાના ડંખ જેમ વ્યથાનું બીજ મનમાં આપોઆપ વવાય જતું હોય છે. ને પછી શબ્દોના સહારે કથા બનીને બહાર આવે છે, ત્યાં સુધી પીડા આપે છે. બહાર નિકળ્યા પછીની વેદના તો ખરી જ ! પરંતુ આ સમગ્ર પ્રસવ-પ્રકિયા આપમેળે જ બને છે.' (પ્રસ્તાવનામાંથી)

આ રીતે પોતાની વાર્તાઓની વસ્તુ-સામગ્રી અને તેની પ્રક્રિયાના સંદર્ભમાં સંકેતો આપી આ વાર્તાઓમાં ભાવકને પ્રવેશ કરવાનું નિમંત્રણ આપતાં અજય ઓઝાની વાર્તાઓને આસ્વાદમૂલક અભિગમથી તપાસવાનો અહીં અભિગમ છે.

પ્રથમ પુરુષ એકવચનની કથનરીતિમાં રચાયેલી 'એકલો' વાર્તા મનુષ્યની એકલ સ્થિતિની નિયતિને આલેખે છે. 'ગભરાઈશ નહિ બેટા,તું એકલો નથી હો !' એવા શબ્દોથી સતત પોતાને એકલો ન અનુભવનાર વાર્તાનાયક-કથકને સતત પોતાના એકાકીપણાની પીડા ડંખે છે. અભ્યાસ, નોકરી, છોકરી, લગ્નજીવન, સંસાર, સંઘર્ષ એમ બધી જ જગ્યાએ એકલા ન હોવાનો દંભ પંપાળતો વાર્તાનાયક પત્નીની ગંભીર બીમારીનો ઈલાજ કરવા રૂપિયા દસ લાખની વ્યવસ્થા કરવા અસમર્થ હોઈ, પત્નીના જ સૂચનથી તેની સાથે ચાલતી ટ્રેનમાંથી કૂદી પડવાનું સ્વીકારે છે.પરંતુ યમદૂત જણાવે છે કે મૃત્યુંને સ્વીકારીને જીવનથી મુક્ત થવામાં પણ પત્નીએ સાથ ન આપ્યો અને તે એકલો જ એકલવીર યાત્રી બનીને નીકળી પડે છે. વાર્તાને અંતે આવતું વાર્તાનાયકનું વિધાન ' ના હવે તો હું ખરેખર એકલો નથી –આજથી, અત્યારથી હું જ મારી સાથે છું! હંમેશા.. ને સતત !' એક નવું જ સત્ય પ્રગટ કરે છે. આમ, 'તું એકલો નથી હો !' ના અન્ય કથનથી શરુ થયેલી વાર્તા 'હું જ મારી સાથે છું' ના આત્મવિશ્વાસી સ્વકથન સાથે પૂર્ણ થાય છે. જેમાં આત્મા જ આપણો હંમેશનો સાથી-સંગાથી છે અન્ય કોઈ નહિ એવું જીવનસત્ય સહજ પમાય છે.

'રહેવા દે મા, તને એ બધું નહિ સમજાય.' એવા નિશાના સતત પડઘાતા ધ્રુવવાક્યની સાથે ગૂંથાતી જતી વાર્તા 'એટેચમેન્ટ' છૂટી ગયેલાં કહો કે 'ડિસએટેચેમેન્ટ' થઈ ગયેલા સહજ-સાચુકલાં પૂર્વજીવન અને બનાવટી સુખના વર્તમાનજીવન વચ્ચેના વિરોધને વાર્તાનાયિકા નિશાના કથનકેન્દ્ર્થી વ્યક્ત કરવામાં આવ્યું છે. સાસરે દીકરીને મળવા આવેલી મા દીકરીના સુખ-વૈભવને જોઇને રાજી તો થાય છે પરંતુ ' એ બધું તને નહિ સમજાય'- એવાં દીકરીના વારંવારના કથનમાં મા પામી જાય છે કે નિશાના જીવનમાંથી શું વિચ્છેદ થઈ ગયું છે. નિશાની લાલ પૂંઠા વાળી ડાયરી લઈને આવેલી મા વાર્તાને અંતે દીકરીની પીઠ પર હાથ ફેરવતા ધીમા-ભીનાં અવાજે કહે છે, 'રહેવા દે નિશું, એ બધું મને નહિ સમજાય !'- ત્યારે વાર્તા એક ઘેરી કરુણાને વ્યંજિત કરે છે.

પ્રણયવૈફલ્યની ભાવસ્થિતિને કથક-નાયકના પક્ષેથી 'પહેલાં અને પછી' વાર્તામાં આલેખવામાં આવી છે. શિવાની સાથેના સંબંધની પૂર્વસ્થિતિ અને મોબાઈલ નંબર સિવાયનું બધું જ પરિવર્તન સ્વીકારીને જીવનાર નાયકની મન:સ્થિતિને વાર્તાનો ઘાટ આપવાનો વાર્તાકારનો પ્રયાસ ખાસ કોઈ વિશેષતા પ્રગટાવતો નથી.

'ધ અધર સાઈડ' માનવજીવનનાં બીજી બાજુના સત્યને ઉજાગર કરતી વાર્તા છે. વાનપ્રસ્થાશ્રમ ભવનનું સંચાલન કરતો વાર્તાનાયક, વૃદ્ધાશ્રમ પ્રવેશ માટે વૃદ્ધ-દંપતિની અધીરાઈ જોઇને આશ્ચર્ય અનુભવે છે, તેનાંથી ય વિશેષ આશ્ચર્ય તો એ જ દંપતિનો પુત્ર વૈભવ જયારે વૃદ્ધાશ્રમને એક લાખ રૂપિયાનું દાન આપે છે ત્યારે અનુભવે છે. વાર્તાકથક સ્વયં વૈભવના ઘરે એક દિવસ રહીને ખાનગીમાં વૃદ્ધ-દંપતિ સાથેના દીકરા અને પુત્રવધુના વર્તન-વ્યવહારને જૂએ છે ત્યારે તેને જીવનની બીજી બાજુનું સત્ય પ્રત્યક્ષ થાય છે. પોતે પણ મા અને બહેનની વાતોમાં આવીને પત્ની ઉપાસનાને કરેલો અન્યાય યાદ આવી જાય છે. વૃદ્ધ-દંપતિને વૃદ્ધાશ્રમમાં પ્રવેશ આપવાનો નિર્ણય કરી લે છે અને તેમની સમક્ષ જ ઉપસ્થિત થઈ તેઓને વૃદ્ધાશ્રમ લઈ જવાનો નિર્ધાર પ્રગટ કરે છે. પોતે આ વાનપ્રસ્થાશ્રમ બનાવીને કોઈ ભૂલ નથી કરી પણ એક પેઢીને બીજી પેઢીના ત્રાસમાંથી મુક્ત કરવાનું કાર્ય કર્યાનો સંતોષ અનુભવે છે. વૃદ્ધાશ્રમો માટે સંતાનો જ જવાબદાર હોય એ સાર્વત્રિક સમજને વાર્તાકારે આ વાર્તામાં બીજી દિશાના સત્ય સમેત ઉજાગર કરવાનો કલાકીય પ્રયાસ કર્યો છે.

'ફોબિયા' વાર્તા તેનાં શીર્ષક મુજબ ફોગટલાલના કાલ્પનિક ભયને હળવી શૈલીએ આલેખતી વાર્તા છે. કબજિયાતથી શરુ કરીને હૃદયની બીમારી, ગળાની બીમારી, રોગપ્રતિકારક શક્તિ ઘટી જવાનો ઈલાજ, અસુરક્ષિત જાતીય સંબંધોથી થતાં એઇડ્સની ચિંતા, સ્વાઈન ફ્લુ અને છેલ્લે મનોચિકિત્સા વિભાગ સુધીની બીમારીના કાલ્પનિક ભયમાં જીવતા ફોગટલાલનું વ્યંગ્યભર્યું વ્યક્તિચિત્ર અને 'પીકૂ' ફિલ્મના નાયકની માનસિકતા સમાનતા લાગે પણ વાર્તા પહેલા રચાઈ છે ને ફિલ્મ પછી બની એ સત્ય સ્વીકારવું રહે. હળવી રીતે કહેવાયેલી મનોગ્રંથિની ગંભીર સ્થિતિને વાર્તાકારે 'ઈસબગુલ'થી થતું કામ પરાણે 'એનીમા' લઈને શા માટે કરવું?- એવા બૌદ્ધિસત્ત્વ સાથે પૂરી કરી છે.

પિતા-પુત્રના ભાવાત્મક સંબંધની વાર્તા છે 'કિરદાર'. લાંબા સમયથી માંદગીના બિછાને અને આંખ, કાન અને પગ અંશત: ગૂમાવી ચૂકેલા પિતાની વખતોવખતની હરેક ઈચ્છાઓની પૂર્તિ અર્થે પુત્ર ટપાલી, ડોક્ટર, મોટોભાઈ – કિરદાર (પાત્રો) બનીને આવે છે. પિતાને છેતરવાનું પુત્રને દુઃખ છે. પત્ની મિતા અને પુત્ર સંજૂ 'કિરદાર'ની રમતમાં સધિયારો તો આપે છે પરંતુ પત્ની જયારે વાર્તાનાયકને પિતાના અવસાનની વેળાએ દીકરાની ફરજ નિભાવવાની ઘડી આવી હોવાનું યાદ કરાવે છે ત્યારે વાર્તાનું શીર્ષક 'કિરદાર' વધુ ધારદાર રીતે વ્યંજિત થાય છે.

'વંઢાપો' સામાજિક સમસ્યાનો નિર્દેશ કરતી વાર્તા છે. વાર્તાકારે 'બુઢાપો', 'રંડાપો'ના પ્રાસમાં 'વંઢાપો' શીર્ષક રચ્યું હોવાનું અનુમાન કરી શકાય છે. વાર્તાનાયક વિજય-૩૮ વર્ષનો લગ્નોત્સુક કુંવારો (વાંઢો) છે. મેરેજ બ્યુરોના માધ્યમે જીવનસાથી પસંદ કરી જિંદગીમાં સ્થિર થવા ઝંખે છે. પરંતુ નસીબ તેનાથી બે ડગલાં આગળ ચાલે છે. લગ્નનો મેળ પડતો નથી. ગરજ અને લાલચને કારણે મેરેજ બ્યુરોમાં ખૂબ રૂપિયા પણ વેડફે છે, છેતરાય પણ છે. આખરે મેરેજ બ્યુરોના પ્રસ્તાવ મુજબ પ્રોફાઈલની કૉલમમાં સજાતીય લગ્નની જગ્યા સામે 'હા' લખવાનું પણ સ્વીકારે છે. વાર્તાકારે ચતુરાઈથી મેરેજ બ્યુરોના સંચાલકના સ્ત્રૈણ વાણી-વર્તનને અંતની ચમત્કૃતિ માટે રચનાગત પ્રયુક્તિથી યોજયા છે. વાર્તાને અંતે આવતો વિજયનો ઉદ્દગાર- 'શરત એ છે કે ગે-મેરેજ કર્યા પછી હું ને મારા 'લાઈફ-પાર્ટનર' એક દીકરીને જન્મ આપી તો શકીશું ને? હેં ? ?'- ઘેરા કરુણને વ્યંજિત કરે છે. સમાજમાં દીકરીઓ (સ્ત્રીઓ) વિનાનું પુરુષોનું જીવન કેવું બની જાશે તેના ભાવિ વર્તારા જેવી આ વાર્તા સાંપ્રત સમયની સામાજિક સમસ્યાનો વાર્તાગત સંકેત આપે છે.

'લવસ્ટોરી' સામાન્ય વાર્તા છે. વાર્તા લખવાની હથોટીથી લખાયેલી. પુત્રની નિષ્ફળ લવસ્ટોરી પાછળ લેખક-પિતાની પણ એક 'લવસ્ટોરી' હોવાનું રહસ્ય વાર્તાનાં અંતે ખૂલે છે. પુત્ર પ્રતીકની લવસ્ટોરીથી ઊઘડતી વાર્તા અંતે પિતાની લવસ્ટોરીની રહસ્યમય ચમત્કૃતિ સાથે પૂર્ણ થાય છે.

સંગ્રહના શીર્ષકનું સન્માન પામેલી વાર્તા 'વન્સ અગેઈન' સર્જક અજય ઓઝાના સશક્ત વાર્તાકર્મનો પરિચય કરાવે છે. વાર્તાનાયિકા શેફાલી અને 'વન્સ અગેઈન' રેડિયો કાર્યક્રમના આર.જે. ઉમંગ વચ્ચેના સંબંધની આ વાર્તા ઉત્તેજનાસભર ચઢાવ-ઉતાર સાથે અંતે એક બિન્દુએ અટકે છે. પોતાના વિકાસ માટે ભાવનગર જેવું નાનું શહેર છોડીને મુંબઈ-ગ્લેમર વર્લ્ડમાં સેટલ થવા પહોંચેલી શેફાલીને થોડાં જ સમયમાં મુંબઈની ભ્રામક દુનિયાનો અનુભવ થઈ જાય છે. વિરાગ સાથે લગ્ન કર્યા પછીય પરસ્પરના સંઘર્ષોએ સંબંધોની મર્યાદા દર્શાવી આપી. શેફાલીને પૂર્વપ્રેમી ઉમંગ યાદ આવ્યો.તેની સાથે જિંદગી ફરી શરુ કરવા ભાવનગર દોડી આવી. પણ ઉમંગના ઘરે પડેલી ડોક્ટરની ફાઈલ પરથી ઉમંગને ગળાનું કેન્સર થયાનું અનુમાન લગાવતી શેફાલીએ ફરી રંગ બદલ્યો અને પોતે વિરાગ સાથે સુખી હોવાનું સ્વીકારે છે. પરંતુ ઉમંગ શેફાલીના આ રંગ બદલતાં વ્યક્તિત્વને પારખી ચૂક્યો હોવાથી કહે છે, ' યા વન્સ અગેઈન, યુ નો, આઈ એમ સર્વાંઈલ્ડ... વન્સ ગેઈન..' તેમાં વાર્તાની તિર્યક વ્યંજના સચોટ રીતે ઉપસી છે.

'ટ્રેડમીલ' વાર્તાની વિષય સામગ્રી પરિચિત છે પણ વાર્તાની શૈલી પોસ્ટ મોર્ડન છે. મનુષ્યની મૂળભૂત પ્રકૃતિ ગમે તેટલા વિકાસ-પ્રગતિ પછી પણ કોઈને કોઈ સ્વરૂપે યથાવત જ રહે છે. વિજ્ઞાનના અનેક સંશોધનો-વિકાસ અને સુવિધા-સગવડો છતાં બે વર્ગ વચ્ચેનું અંતર હંમેશા સંઘર્ષ જન્માવે છે. સાકારવાદી કે નિરાકારવાદી, જલપંથી કે હવાપંથી,ધરતીમાર્ગી કે આકાશમાર્ગી – વિગ્રહ તો રહ્યા જ હતા, રહ્યા જ છે અને રહેવાના જ. વાર્તાનાયક સેથોન અને તેના દાદાજીને કેન્દ્રમાં રાખતી આ વાર્તા સમગ્ર માનવજાતની માનસિકતાનો સંકેત આપે છે. 'ટ્રેડમીલ' જેવું પ્રતીકાત્મક શીર્ષક વાર્તાને પ્રભાવક બનાવે છે. સમય પસાર જરૂર થાય પણ અંતર ક્યારેય ન કપાય એવી 'ટ્રેડમીલ'ની લાક્ષણિકતા અને માનવજાતની સ્વભાવગત પ્રકૃતિના વાસ્તવને વાર્તાકારે વાર્તામાં ઢાળવાનો નોંધપાત્ર પ્રયાસ કર્યો છે.

શિક્ષક-વિદ્યાર્થીના સંબંધને ભાવાત્મક સ્તરેથી આલેખતી 'રોલ નંબર નવ'- વાર્તા અંતે જતાં કથળી ગઈ છે. જેને સાંભળવાની શક્તિ નથી અને બોલવાની અધકચરી ક્ષમતા છે તેવો વિદ્યાર્થી વિક્રમ, વાર્તાનાયક-શિક્ષકની સહાનુભૂતિ અને પ્રેમનું કેન્દ્ર તો બને છે. બીજા લોકો માટે તોફાની 'મૂંગલો' વાર્તાનાયક માટે તો લાડકો છે. પણ વાર્તાને અંતે શિક્ષકના પ્રેમ અને પ્રયાસથી મૂંગો-વિક્રમ બોલતો થયો તેની સાથે વાર્તાકાર એક બીજું રહસ્ય ઉમેરી વાર્તાને ચોટ આપવાનો જે પ્રયાસ કરે છે તે અસ્વાભાવિક લાગે છે.

'ભિખારી' માનવવૃત્તિને ઉજાગર કરતી વાર્તા છે. ઓફિસમાં સહકર્મી ગ્રીષ્મા તરફ આકર્ષિત થયેલો વાર્તાનાયક દર્પણ તેનાં સ્નેહને પામવા રોજ જુદાં જુદાં તરીકાઓ અપનાવે છે. બીજી તરફ ઓફિસના દરવાજે બેસી ભીખ માંગતા ભિખારીને દર્પણ રોજ હડધૂત કરે છે. વાર્તાકારે દર્પણની મન:સ્થિતિ અને ભિખારીની ભાવસ્થિતિને ગ્રીષ્માના મધ્યબિન્દુથી પ્રગટ કરી છે. ગ્રીષ્માનો બોયફ્રેન્ડ હોવાનું જાણ્યાં પછી પીડા અનુભવતા દર્પણને દાઝ્યા પર ડામ દેતો હોય તેમ પેલો ભિખારી ગ્રીષ્મા દ્વારા મળેલી સો રૂપિયાની નોટ દર્પણને બતાવી અંગૂઠો બતાવે છે ત્યાં વાર્તાની વેધકતા ઉપસી આવે છે.

'એસ્કોર્ટ' મેટ્રોપોલિટન શહેરોની સામાજિક વિષમતાને આલેખતી વાર્તા છે. મલ્ટીનેશનલ કંપનીઓમાં મોટા હોદ્દા પર કામ કરતાં કે પછી તેના માલિક હોય તેવી વ્યક્તિઓના લગ્નેત્તર સંબંધોની સંકુલતાઓને વ્યક્ત કરતી આ વાર્તા વિષય સામગ્રીની દૃષ્ટિએ અનુઆધુનિક અભિગમ ધરાવે છે. એંજલ એસ્કોર્ટ એજન્સીમાં કામ કરતી સારા અને હંમેશા તેની જ કંપની ઈચ્છતા જિગરના વ્યાવસાયિક સંબંધોની આ વાર્તા છે. સારાનાં શારીરિક સહવાસની જિગરની અપેક્ષા સંતોષાતી નથી કારણ કે સારાએ પોતાના પ્રોફેશનલ ઈથિક્સને જાળવીને એંજલ એસ્કોર્ટ એજન્સીમાંથી રાજીનામું આપી પોતાની સ્વતંત્રતાને અકબંધ રાખી. સાંપ્રત સમયમાં સ્ત્રી-પુરુષ સંબંધોનું જુદું જ ગણિત ઉજાગર કરતી આ વાર્તા અજય ઓઝાની પ્રતિભા પ્રગટાવે છે.

'પિત્ઝાબોય' પણ મલ્ટીનેશનલ કંપનીઓમાં બહારથી 'દેખાતાં' બિઝનેસની પશ્ચાદ્દભૂમાં ચાલતા લોહીના વેપારની દારુણ સ્થિતિને આલેખતી વાર્તા છે. 'પેટનેમ' અર્ણવથી જાણીતો 'પિત્ઝાબોય'(પુરુષ-વેશ્યા) ઓર્ડર મુજબ મિસિસ મિત્તલ શર્માની સર્વિસમાં પહોંચી તો જાય છે પરંતુ મિત્તલને જોઇને અર્ણવ પોતાની ગુમાવેલી 'ઓળખ' પાછી મેળવતો હોય તેવું અનુભવે છે. અર્ણવ ત્યાંથી નાસી છૂટે છે. મિત્તલે પોતાને ઓળખવાની કોશિશ ન કરી નહીંતર શું થાત? એમ વિચારી હાશકારો અનુભવે છે. આમ માનવશરીર અને માનવ સંબંધોના રહસ્યમય માનોવેગોની આ વાર્તા અજય ઓઝાની 'રેન્ઝ'-પરિસીમા દર્શાવી આપે છે.

સંગ્રહની અંતિમ વાર્તા 'આસ્થા' આપણી જાણીતી સામાજિક માનસિકતા કુટુંબના વારસદારની અપેક્ષાને રજૂ કરે છે. પતિ અને સાસુની સાથે આસ્થા પૂરી કરવા બાર-પંદર કિલોમીટરનું દુર્ગમ ચઢાણ સગર્ભાવસ્થામાં ચડવા જતી વાર્તાનાયિકા અકસ્માતે ભયથી ભાગેલી ભીડના પગ નીચે ચગદાય છે. હોસ્પિટલમાં નર્સના મુખે માતાજીની માનતા અધુરી ન રખાય પૂરી તો કરવી જ પડે એવું સાંભળતી વાર્તાનાયિકાનું મનોગત ચિત્કાર કરી ઊઠે છે. તેની ચીસથી દવાખાનું ધ્રુજી ઊઠે છે અને અંતે વાર્તાનાયિકા આંખો બંધ કરી દે છે. વાસ્તવજીવનમાં બનેલી ઘટનાનો આધાર લઈને વાર્તાકારે પોતાનો કસબ બતાવ્યો છે. પ્રથમ પુરુષની કથન રીતિ અને સ્વપ્ન-વાસ્તવની ટેકનિકને કારણે વાર્તાનું સંવેદન ધારી અસર ઉપસાવે છે.

અજય ઓઝાની આ વાર્તાઓ સમકાલીન માનવસમાજનું સંકુલ ભાવજગત આલેખે છે. તેમની વાર્તાઓ મુખ્યત્વે નગરજીવનને તાકે છે. શહેરીસમાજ, તેમાંય શિક્ષિત-વર્ગની માનસિકતા અને સમસ્યાઓ આ વાર્તાઓની સામગ્રી બની છે. સંગ્રહની પંદર પૈકીની નવ વાર્તાઓ અંગ્રેજી શીર્ષક ધરાવે છે. અહીં મલ્ટી-કલ્ચરલ અને મેટ્રો-પોલિટન શહેરમાં જીવતાં માનવીઓની સંવેદના છે, તો કસ્બાઓ જેવાં શહેરોમાં કણસતાં માનવીઓની પીડા પણ છે. પ્રથમ પુરુષની કથનરીતિ પ્રત્યે અજય ઓઝાને વિશેષ લગાવ હોય તેમ લાગે છે. સંગ્રહની નવેક જેટલી વાર્તાઓમાં પ્રથમ પુરુષની રીતિ નિરુપિત થઈ છે. તેણે કારણે વાર્તાઓની સંવેદનામાં વાસ્તવજીવનનો રંગ ભળ્યો છે. વાર્તાકારની ભાષા મોટેભાગે શિષ્ટ-પ્રશિષ્ટ સ્તરની રહી છે. અંગ્રેજી ભાષાનાં શબ્દપ્રયોગો સહજ આવ્યાં છે તેથી રચાતું વાતચીતનું ગદ્ય ધ્યાન ખેંચે છે. શીર્ષકોની પ્રતીકાત્મકતા સર્જકના કલા-કસબનો પરિચય કરાવે છે. મોટાભાગની વાર્તાઓ કરુણરસની છે. 'ફોબિયા' અને 'વંઢાપો' જેવી વાર્તામાં આવતું મર્માળુ વ્યંગ્ય હાસ્યરસની સબળ અનુભૂતિ કરાવે છે પરંતુ અંતે તો કરુણની લકીર જ ઉપસાવે છે. સાંપ્રત ગુજરાતી ટૂંકીવાર્તા અનેકવિધ પ્રયોગો અને સર્જનશીલતા સાથે સમૃદ્ધ થઈ રહી છે ત્યારે અજય ઓઝાનું સાતત્યપૂર્ણ વાર્તાલેખન હજી આવનારા વર્ષોમાં ગુજરાતી ભાષાને સીમાસ્તંભરૂપ વાર્તાઓની ભેટ આપશે તેવી અપેક્ષા રાખવી ઉચિત ગણાશે.

ડૉ.વિપુલ પુરોહિત, આસિસ્ટન્ટ પ્રોફેસર, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી, ભાવનગર મોબા. ૯૪૨૮૧૨૪૧૪૧ e-mail : v13purohit@gmail.com