Download this page in

ગુલાબનું સૂકાયેલું ફૂલ

મનની મનાઈ છતાં દિલના આવજને અનુસરવા તમે વિવશ થઈ જ ગયા નિત્ય. કબાટના ચોરખાનામાં પડેલી એ ડાયરી તમે બહાર કાઢી. દિલના એક ખૂણે સંતાડી દીધેલી એક મીઠી મધુરી યાદે તમારા સમગ્ર મનોમસ્તિષ્ક પર કબજો જમાવી દીધો. કોઈના મુલાયમ હાથોનો સ્પર્શ તમારા આંગળાઓમાં ફરીથી ઝંકૃત થઈ ઊઠ્યો નિત્ય, અને તમે ધીરે ધીરે ડાયરીના પાનાઓને એ જ મૃદુતાથી સહેલાવવા લાગ્યા જેવી રીતે એક વર્ષ પહેલાં…
સાવ કોરીકટ ડાયરીમાં એક વર્ષ પહેલાંનો સમય સજીવન થઈને શબ્દરૂપે અવતરવા લાગ્યો હોય એમ તમે એક એક પળને માણતા પાનાઓમાં ન લખેલા અક્ષરોને ઉકેલતા રહ્યા. ડાયરીનું ફરતું એક એક પાનું તમને વર્તમાનમાંથી અતીતમાં ખેંચી રહ્યું હતું. ક્યારેક દિવસો તો ક્યારેક મહિનાઓ પાછળ જતું રહેતું તમારું આખુંય અસ્તિત્વ જુની યાદોમાં ભીંજાઈ નવપલ્લવિત થવામાં જ હતું ત્યાં જ એક ખરબચડો સ્પર્શ તમને અંદર સુધી હચમચાવી ગયો નિત્ય. સૂકાઈ ગયેલું ગુલાબનું ફૂલ તમારા એક વર્ષ પહેલાં વિરાન થઈ ગયેલા સંબંધની સાક્ષી પૂરતું ડાયરીના બે પાના વચ્ચે હજી ય સચવાયેલું પડ્યું હતું. એક તબક્કે મધમધતું આ ગુલાબ અત્યારે કેવું નીરસ લાગતું હતું! એક પળ તમે એ રસહીન ગુલાબને તાકી રહ્યા. તમે પણ આની જેમ જ તો…
અત્યાર સુધીના બધા જ મીઠા સ્મરણોને આ એક કડવી યાદ અતિક્રમી ગઈ નિત્ય. તમે તો હજી ય સમયના એ ખંડમાં જ તરફડતા હોત પણ ત્યાં કોઈએ તમારો ખભો હલાવીને તમને ઢંઢોળ્યા.
“સર...સર...આર યુ ઓલરાઇટ?” પોયણી, તમારી સ્માર્ટ, ગોર્જીયસ સેક્રેટરી તમને પૂછી રહી હતી.
“મેં મારી કેબિનમાંથી જોયું સર. તમે આ ડાયરી હાથમાં પકડીને ક્યા વિચારમાં ખોવાઈ ગયા હતા?” પોયણીનો ચિંતાગ્રસ્ત આવાજ તમને અજબ શાતા આપી રહ્યો નિત્ય. છેલ્લા છ મહિનાથી એ તમારી ઓફિસમાં જોડાઈ હતી, પણ આજે પહેલી વાર તમારા બોલાવ્યા વિના એ તમારી કેબિનમાં આવી હતી, અને એ પણ કોઈ કામ વિના. ખબર નહિ કેમ પણ એનું તમારી પાસે હોવું આજે તમને બહુ જ ગમી રહ્યું હતું નિત્ય. અત્યાર સુધી તમે એક અંતર જાળવીને જ એની સાથે વાત કરી છે નિત્ય, પણ એનો તમારા માટેનો અહોભાવ તમારી નજરોથી અજાણ તો નથી જ રહ્યો ને? કોઈ ને કોઈ બહાને કેબિનમાં આવવું, સમયાંતરે ચા, કોફી માટે પૂછતાં રહેવું, આખા સ્ટાફમાં તમારા સાલસ સ્વભવને વખાણવો…. આ બધું જ તમે જાણી જોઈને ઇગ્નોર કરતાં હતાં નિત્ય.
“સર… ઇફ યુ ફિલ કમ્ફર્ટેબલ ટુ ટેલ મી… આઈ મીન ઇફ યુ વોન્ટ ટુ શેર…” પોયણી અચકાતાં બોલી રહી હતી.
“પોયણી, બરાબર એક વર્ષ પહેલાં આજના દિવસે મારી પ્રેમિકાએ મને તરછોડી દીધો. દિલ ફાડીને પ્રેમ કરતો હું એને. મારો પ્રેમ એની જરૂરિયાત હતી, જે સમય આવ્યે બદલાઈ ગઈ.” એક ટીસ ઊઠી આવી તમારા અવાજમાં નિત્ય.
“સર…”
“ પોયણી, સૂકાઈ ગયેલું ગુલાબનું આ ફૂલ એક એવી ડાળીની તલાશમાં છે જેના પર વીંટળાઈ એ ફરીથી નવપલ્લવિત થઈ શકે. તું બનીશ મારા જીવનની એ ડાળ?” તમે એની આંખોમાં આંખો પરોવીને પૂછી રહ્યા નિત્ય. પોયણી તો નાજુક વેલ માફક તમને વળગી જ પડી. તમારી પૌરુષ સભર બાહોમાં સમાઈને એણે તમારા પ્રસ્તાવને સ્વીકારી લીધો.
છેલ્લા છ મહિનાથી લઈને અત્યારની આ ક્ષણ સુધી કરેલી મહેનત આખરે ફળી ખરા, બરાબર ને નિત્ય? શાંત, ધીર ગંભીર, સજ્જન બોસનો અફલાતૂન અભિનય કરીને તમે આજે ફરી એક વાર મેદાન મારી ગયા નિત્ય. સર્વાંગ સુંદર પોયણીના રૂપને આંખોથી પીવાની જે તલબ તમે છ મહિનાથી છુપાવી રાખી હતી, આજે એને મનભરીને માણવા તમે મનોમન હરખાઈ રહ્યા છો, સાચું ને નિત્ય? પણ મારું માનો તો હજી એક વાર વિચાર કરી જુઓ. આજે સાવરથી તમે જે પ્રેમભગ્ન આશિકનો અભિનય કરી રહ્યા હતા એ ફક્ત પોયણીને દેખાડવા માટે જ હતો એ વાત પોયણી પણ બહુ સારી રીતે જાણે છે નિત્ય. આજની તમારી એક એક હરકત, સૂકાયેલા ગુલાબને આગળ ધરીને મૂકેલો પ્રેમનો પ્રસ્તાવ… આ બધું જ પોયણી પહેલેથી જ જાણતી હતી. તમને કદાચ યાદ નહિ હોય પણ તમારી બે વર્ષ પહેલાંની પ્રેમિકા પૃથા મહેતા સાથે પોયણીનો બહુ નજદીકનો સંબંધ છે. પોતાના પ્રેમી તરફથી દગો મળ્યા બાદ આત્મહત્યા કરી લેનાર પૃથાએ હોસ્ટેલમાં રહીને ભણતી પોતાની નાની બહેન પોયણીને તમારા વિશે બધું જ કહી દીધું છે!
એટલે જ કહું છું નિત્ય, દર વખતની જેમ આ વખતે તમારી જાળ થોડી ચોકસાઈથી બિછાવજો, ક્યાંક શિકારી ખુદ શિકાર ન બની જાય!

શ્રદ્ધા ભટ્ટ