ઊજમશી પરમારની વાર્તાઓમાં ગદ્યશૈલી
પ્રસ્તાવના:
ઊજમશી પરમારના ‘ઊંચી જાર નીચા માનવી’ (૧૯૭૫), ‘ટેટ્રાપૉડ’ (૧૯૮૪), ‘પટારો’ (૧૯૯૮), ‘લાખમાંથી એક ચહેરો’ (૨૦૦૯) ‘હારોહાર’ (૨૦૧૫) આદિ વાર્તાસંગ્રહોમાંથી પસાર થતાં ખ્યાલ આવે છે કે, તેમની મોટાભાગની વાર્તાઓ ગ્રામ્ય પરિવેશ લઈને આવે છે. તેમ છતાં આ વાર્તાઓ કોઈને કોઈ રૂપે નગરસંસ્કૃતિમાં શ્વસતા મનુષ્ય માત્રને સ્પર્શે છે. અહીં તેમની ગદ્યશૈલી અનુસંગે કલ્પન-પ્રતીકોનો વિનિયોગ, ભાષાની પ્રૌઢિ, લય-લહેકા અને પ્રાદેશિક તળની આગવી વિશેષતાઓને તપાસવાનો મારો અભિગમ છે. અભ્યાસુઓને આ લેખ વાર્તાકારની ગદ્યશૈલી સમજવામાં ઉપયોગી નીવડશે એવી મારી ધારણા છે.
વાર્તાકાર ઊજમશી પરમારની કુલ ૧૧૭ વાર્તાઓ પૈકી ‘ચોકી એક શબની’, ‘રખેવાળ’, ‘સમાંતર રેખાઓ’, ‘છનિયા તારી મર્દાનગી’, ‘મૃત્યુ’, ‘ધરતી’ (ઊંચી જાર નીચા માનવી), ‘વરસોવરસ’, ‘તળાવ’, ‘અવાજે મારેલો માણસ’, ‘છેલ્લે છેલ્લે’, ‘ટેટ્રાપૉડ’ (ટેટ્રાપૉડ), ‘ભેલાણ’, ‘પડઘા’, ‘જરાક આંખ ભરીને’, ‘કળણ’, ‘સોના કોરકુ’ (પટારો), ‘ગળાબૂડ અંધારામાંથી’, ‘સમતાભાવનો વારસ’, ‘એક સુંદર શિલ્પ સમો ચહેરો’, ‘ભૂલ્યા ત્યાંથી’, ‘વખત: સારો કે ખરાબ ?’ (લાખમાંથી એક ચહરો), ‘સાયરન’, ‘કિન્નર’, ‘છેલ્લી નજર’, ‘નવો અધ્યાય’, ‘આટલી અમથી વાત’, ‘વયા જવાનો વખત’, ‘જાણતલ જોષી’, ‘બીજો સંબંધ’ (હારોહાર) વગેરે જેવી કેટલીક વાર્તાઓને બાદ કરતાં બાકીની બધી વાર્તાઓમાં તળપદી બોલીનો અસરકારક પ્રયોગ કર્યો છે. ગ્રામ પરિવેશની આ વાર્તાઓમાં પ્રયોજાયેલ ભાષામાં લીંબડી અને સુરેન્દ્રનગર જીલ્લાનો તળપદસમાજ આબેહૂબ જીવંત થાય છે. ‘ઉમરાવજાન’ (ઊંચી જાર નીચા માનવી), ‘તનહાઈ’ (ટેટ્રાપૉડ), ‘લોકમાતા’ (પટારો), ‘મનમાં સુકુન’ (લાખમાંથી એક ચહેરો), ‘કદરદાન’, ‘સાંઢ’, ‘તિતલી-કીટલી’, ‘બડી બૂરી ચીજ’ જેવી કેટલીક વાર્તાઓમાં અરબી, ફારસી, હિન્દી મિશ્રિત ગુજરાતી ભાષા પ્રયોજાય છે.
‘ટેટ્રાપૉડ’ સંગ્રહની ભાષા વિશે બિપિન પટેલે નોંધ્યું છે કે : “પોતાની ગામઠી ભાષાના વળગણથી લેખક છૂટ્યા છે ને તે છતાં તળપદી ભાષાનો સમુચિત ને બળકટ ઉપયોગ સુઝ સમજથી કરતા રહ્યા છે.” (દૃષ્ટિપાત.પૃ.૨૬)
સહ્રદય ભાવક લેખકની પોતીકી તળભાષામાંથી સ્વાનુભવનો રણકાર ચોક્કસપણે સાંભળી શકે. ઈલા નાયક પણ ‘પટારો’માંની વાર્તાઓ સંદર્ભે નોંધે છે કે : “વાર્તાઓને વાર્તામૂલ્ય પ્રાપ્ત કરવામાં લેખકને ભાષા સહાયક બની છે. ભાષાની શક્તિથી આ વાર્તાઓને એક વિશેષ પરિમાણ સાંપડ્યું છે. મોટેભાગે વસ્તુબોધ શબ્દ અનેક ભાવસંદર્ભોને વ્યંજિત કરે છે. શબ્દને વળગેલા ગ્રામપ્રજાના સંસ્કાર અધ્યાસો પાત્રોનાં સંવેદનોને ધ્વનિત કરવામાં સફળ રહ્યા છે. આલંકારિક અને કલ્પનારંગી વર્ણનો દ્વારા ઉચિત વાતાવરણ ઊભું થયું છે.” (વિશેષ.પૃ.૮૫-૮૬)
ઊજમશી પરમારની વાર્તાઓમાં પ્રયોજાયેલ કેટલાક તળપદ શબ્દો જોઈએ: – બિહામણું, પાધરી, જરાક, ભાળો, માસ્તર, મનખો, આણીપા, છેટે, પડખે, વગદા, સોડમ, પોગી, દન, પોહાય, અબશાત, કાયા, આંહુડાં, પાડ, હરખ, વિસવા, એબ, દહ, પઈયે, ગોઠણ, દૃશ્ય, વહરાં, વાંહે, હાલો, પોરો, મોંકાણ, અસ્તરી, તાગ, વાટ, કાજે, કાયમ, હંધાય, ભો, સાટુ, હેઠું, ભાળ, માંયલો, હેત, હેઠે, રાવ, બૈરી, આનીકોર, સકલ, રાત્યે, આભલું, રિઝાતાં, ગરાહ, કાવડિયું, આશરવા, દેઈ વગેરે (ઊંચી જાર નીચા માનવી). કાવડિયાં, સુવાણ્ય, દાકતર, અંજીશન, હોધાઈ, મનોરથ, નકર, હમણેં, ઈમને, ભીતિ, નેહ, અળખામણો, થાનક, ચંત્યા, ઢૂંકડી, આઘા, ધણી, અડ્યા, ઘલઢેરા, વહમી, પોગી, ડિલ, કોઠે, વેતી, વરતાય, કળાવું, મત્ય, ગોઠવું, હખ વગેરે (ટેટ્રાપૉડ). વેકરો,હંધેવો, વેળા, અવશાત, રેઢાં, લૂગડાં, નાહોલિયો, રૂઠે, ગણ, રૂદિયા, પોગાડવા, લમણે, મરદ, એંઠી, માણા, વચ્ચાર, બોકાહાં, આયખું, અથરા, વયાં, કાજ, ગાતર, સવારથ, અણહારોય, માલીકોર, ઝટ, પળોજણ, વાન, ઊજળો, મરમ, વાવડ, વરણ, અહુરવેળા, માઠાં, થાપ, લગરીકેય, વરહે, એંધાણ, ફદિયાં, અભરખા, મોયલી, મતીરાં, ઓસાણ, વખ, કવેણ, ભેળું, પાંહે, તાકવું, મનેખ, વગેરે (પટારો). ઓલ્યું, હાલ્યું, જેદુની, જંઈ, લગી, જીવતર, અમથા, હેવાં, ખાવું, પેઠાં, વાહર, દખ, રેઢો, ઉપાધિ, વટાવી, કળશિયો વગેરે (લાખમાંથી એક ચહેરો). ટાંટિયા, ઘહવાં, રૂસણાં, જોંહાણું, પ્રાછત, પાધરું, ધખના, શબદ, આંહુડાં, કવ, આંય, શેતર, પંડ્ય, જણ્યો, કલેશ, હામ, વિપદા, હેડી, આંઈકણે, ધરવ, ગજું, હારે, તડામાર, ગજવું, ટાણાં, કરાગ, કલેવર, ઓહડ, કાજે, થાનોલે, મોવડ, વખત, મોભી, વહારે, વેપલો, હામી, મોરિયો, સીમ, વાંસે, નવરાઈ, મંઈ, ઝંખવું, જશ, હરખ, રૂંવાડું, વાખવું, જન્મારો, નીંદર, બોન, વસ્તાર, ઝુરાપા, રંડાપો, ઓલીકી ફેરાય, અજુકી, આંશ્યો, પાહે, મરજાદ, નભે વગેરે (હારોહાર).
એવી જ રીતે કેટલીક વાર્તાઓમાં પ્રયોજાયેલ તળપદબાની કેટલાક ઉદાહરણથી જોઈએ : ‘પગીનું ટીલવું’ વાર્તામાં પોતાના પ્રિય ટીલવાની પાંખ કાપનાર બિલાડા પર રોષે ભરાયલો પગી માસ્તરને કહે છે : “માસ્તર, ભલભલાં ઝેરી જીવ મારી ગંધથી ઊભી પૂંછડીએ ભાગે ને આ ઢીંચણ જેવડું બિલાડું બે દી’થી ખેધે પડ્યું છે. હવે ઘાએ ચડે એટલી વાર છે.” (પરમાર.પૃ.૧૮) પગી અશિક્ષિત વર્ગનું પાત્ર હોય. તેના મુખમાં મૂકાયેલી તળભાષા તેના, પારદર્શી વ્યક્તિત્વને સહજતાથી પ્રગટ કરે છે. (ઊંચી જાર નીચા માનવી)
‘તાગ’ વાર્તામાં ઓધવજીભાઈ બહારગામ કડીયાકામે જવાના હોય ત્યારે પત્ની સંતોકના ચિત્તમાં અનેક પ્રશ્નો ખડા થાય છે. આ મૂંઝવણને પામી જતા તેઓ પત્નીને કહે છે: “તમારે બૈરાંનો જીવ જ એવો ટૂંકો કે જાતે તો જીવને ઉપાધિમાં નાખો, પણ આદમીને ય રઘવાયો કરી નાખો ! ” (પરમાર.પૃ.૮૦) તળપાત્રોના મુખે મૂકાયેલી ભાષા પાત્રવ્યક્તિત્વને સારી રીતે પ્રગટ કરે છે. (લાખમાંથી એક ચહેરો)
‘વાડ’ વાર્તામાં બાપીકી સંપત્તિના ભાગ પાડતી વખતે પોતાના ગત થઈ ગયેલા મોટા ભાઈના દીકરા ભત્રીજા મગનને જે ભાગ જોઈએ તે આપવા જીવાડોસા રાજી છે. તે જવલડોસીને કહે છે : ‘જો આટલી નાની વાતમાં ઈનું મન દૂભવીએ તો કર્યાં હંધાયની માથે પાણી ફરે ને મારા બાપનો આતમા દખી થાય.’ (પરમાર.પૃ.૭૯) પાત્રની ભાષા તેમના હ્રદયની વિશાળતા-નિખાલસતાનું દર્શન કરાવે છે.
તળબાનીના રુઢિપ્રયોગોનો અસરકારક પ્રયોગ કર્યો છે. જેમકે- થર થર કાંપવું (ચોકી એક શબની.પૃ.૧૦), થાપ આપવી (પગીનું ટીલવું.પૃ.૧૩), મનખો કાઢવો (પૃ.૧૪), રવાડે ચડવું (પૃ.૧૬), ખેધે પડવું, ઘાએ ચડવું (પૃ.૧૮), કાટલું કાઢવું (લાખી તારી ઝાંઝરી.પૃ.૨૪), જીભ સિવાઈ જવી (રખેવાળ.પૃ.૩૧), ધોળા આવવા (પૃ.૩૮), દાઝે ભરાવું, (વેવલી.પૃ.૪૩), ગામતરે હાલી નીકળવું (પૃ.૫૧), માયા લગાડવી (પૃ.૫૨), કળ વળવી (ઊંચી જાર નીચા માનવી.પૃ.૮૦), રોડાનો જવાબ રોડાથી (પૃ.૯૫), માથે માછલાં ધોવા (મેહની ધારે.પૃ.૧૭૬), લાકડાં ભેગાં થવું (પૃ.૧૭૮),નામનું પાણી મેલવું (પૃ.૧૮૧), ખપ લાગવું (પૃ.૧૮૪), રાજીના રેડ થઈ જવું (ગુંદિયા કંકુની શીશી.પૃ.૧૮૭), ગમ નો પડવી (પૃ.૧૯૧) (ઊંચી જાર નીચા માનવી). છતો કરવો (સૂકા તલસરાનું સ્વપ્ન.પૃ.૧૦), સોં ન રહેવી (ઘરચોળું ઘર લઈને હાલ્યું.પૃ.૬૩), વારી જવું,(પૃ.૬૫), મન કાઠું કરવું (પૃ.૬૭), મદાર બાંધવો, (પૃ.૬૮), અડપલું કરવું (ફૂલ કેરે દડુલિયે.પૃ.૭૦), પેટે વસ્તાર વળગવો (પૃ.૭૪), ખટરાગ થવો (આવનારા કાજે...પૃ.૭૮), પિત્તો જવો (છેલ્લે છેલ્લે.પૃ.૮૯), (ટેટ્રાપૉડ). ખોળો પાથરવો (રાતે ઊગ્યા દિવસ.પૃ.૧), સુકાઈને સલો થઈ જવું (પૃ.૬), ઓછું આવવું (રહબહ.પૃ.૬), કટક-બટક કરવું (પૃ.૧૨), નજર ઠરવી (ભેલાણ.પૃ.૧૬), પગ વાળીને બેસવું (પડઘા.પૃ.૨૪), ડઘાઈ જવું (પૃ.૨૯), ઝંખવાણા પડવું (આદમી જેવો આદમી.પૃ.૩૧), આભા થઈ રહેવું (પૃ.૩૪), તમા ન રહેવી (અભાગિયો.પૃ.૪૩), મીટ માંડવી (ઠામ વગરનો માણસ.પૃ.૫૩), ગાતર ગળવા (પૃ.૫૫), પેટનું પાણીય ન હલવું (લોહીઝાણ.પૃ.૬૪), છળી જવું (ઊભા તે બસ ઊભા.પૃ.૭૭), રામ રમી જવા (કરડે કાળો નાગ.પૃ.૮૦), હથેળીના છાંયા (હથેળીઓના છાંયે.પૃ.૧૧૬), લાંબી જાતરાએ હાલી નીકળવું (છૂંદણું ત્રોફતો જાજે.પૃ.૧૨૭), ઘર માંડવું, (પૃ.૧૨૯), સુધ ના રહેવી (હાકા બાકા.પૃ.૧૩૩), વખ ઘોળવું ((ધજાગરો.પૃ.૧૫૪), ખર્યું પાન (ખાલી કાગળિયા જેવું જીવતર.પૃ.૧૭૮) (પટારો). ભીંહ પડવી (વેણ વરસે મેહુલિયાની જેમ.પૃ.૧૧), મીઠડાં લેવા (પૃ.૧૫), ઘૂસ મારવી (મેહ શરૂ થઈ ગયો.પૃ.૧૭), પિત્તો જવો (પૃ.૪૧), પરલોકે સિધાવવું (રળિયાત મારી જિંદગી.પૃ.૪૭), ટંટાનું મૂળ ઘાલવું (મનોકામના.પૃ.૫૩), હરામ હાડકાની (પૃ.૫૬), વાત માંડ માંડ થાળે પડવી (થોડી ક્ષણો પહેલાં અને પછી.પૃ.૬૮), લાકડાં ભેગા થવું (ચાંગળું સુખ.પૃ.૭૫), રોટલો રળવો, ખેપ ખેડવી (તાગ.પૃ.૭૯), દિવાસળી ચાંપવી (પૃ.૮૨), પડખું સેવવું (પૃ.૮૩), રાગ નો આવવો (ઠાકર પૂછે.પૃ.૮૬), ગળા લગીની ખાતરી, હીજરાયા કરવું, (પૃ.૮૭), બારે વહાણ બૂડવા (સમતાભાવનો વારસ.પૃ.૯૨), નમતું જોખવું (ભૂલ્યા ત્યાંથી.પૃ.૧૦૬) (લાખમાંથી એક ચહેરો). જીવમાં જીવ આવવો (રઝળપાટ.પૃ.૧૦), કાળજું બળવું (કદરદાન.પૃ.૨૩), ખેધે પડવું (પૃ.૨૭), ભાર વેંઢારવો (પૃ.૪૧), હોડ બકવી (પાછું વળી ગયું સાચ.પૃ.૪૭), ખોરંભે પાડવું (ઘંટીનું પડ.પૃ.૬૬), હસી-હસીને બેવડ વળી જવું (પહેલું ઘર.પૃ.૭૨), આડા ફાટવું (વાડ.પૃ.૭૮), કળ વળવી (પૃ.૮૪), પગમાં પડવું (છેલ્લી નજર.પૃ.૮૭), કાણી કોડી (પૃ.૮૯), સોનાનો સૂરજ ઊગવો (નવો અધ્યાય.પૃ.૯૩), દૂધ લાજવું, (પૃ.૪૮), આભા બની જવું (શામળિયા દેવ.પૃ.૯૮), દિવસે તારા બતાવવા (પૃ.૬૩), ટોણો મારવો (ધોળા ધરમેય.પૃ.૧૦૬), સાતેય કામ પડ્યા મૂકવાં (આટલી અમથી વાત.પૃ.૧૦૯), પારકી ઘો ઘરમાં લેવી (જગનદાસ.પૃ.૧૧૭), છતી આંખે આંધળા (પૃ.૧૧૯), ઝીંક ઝીલવી (પૃ.૧૨૦), વળતાં પાણી થવા, (પૃ.૧૨૭), ધામા નાખવા (વયા જવાનો વખત.પૃ.૧૩૦), માયા બંધાવી (પૃ.૧૩૫), ઘાંઘા થવું (પૃ.૧૩૯), ઊલમાંથી ચૂલમાં (પૃ.૧૫૭), બેઠી ભોં ઉખાડવી (તરફડાટ.પૃ.૧૭૮), થાપ ખાવી (બીજો સંબંધ.પૃ.૧૮૧), દિવાળિયું જોવી (મા એટલે.પૃ.૧૮૭), ઊંચા સાદે બોલવું (પૃ.૧૮૮), ફાળ પડવી (લત.પૃ.૧૯૪), પાડ માનવો (પૃ.૧૯૬) (હારોહાર). વગેરે... વગેરે.
રોજિંદાં જીવનમાં વપરાતી તળબોલીની કહેવતોનો પણ અસરકારક વિનિયોગ સધાયો છે જેમ કે – ‘બાવો બેઠો તપે, જે આવે ઈ ખપે’ (લાખી તારી ઝાંઝરી.પૃ.૨૭), ‘જાનમાં કોઈ જાણે નહીં ને હું વરની ફોઈ’ (ઊંચી જાર નીચા માનવી.પૃ.૯૩), ‘કરતા હોય ઈ કરીએ ને છાશની દોણી ભરીએ’ (પૃ.૯૩), ‘આગળ ઉલાળ નથી ને વાંહે ધરાળ નથી’ (પાંચની નોટના કટકા.પૃ.૧૦૮), પગ નીચે બળતું આવે તંયે ખરી ખબરું પડે’ (જન્મારો કેમ કરીને જાશે !.પૃ.૧૧૩), ‘પરણ્યા ન હોઈએ તો જાનમાં તો ગયા હોઈએ ને ?’ (મૃત્યુ.પૃ.૧૪૦), ‘કીધો કુંભાર ગધાડે ન ચડે’ (મેહની ધારે.પૃ.૧૭૯), ‘ઘરડું મનેખ ને અબૂધ છોરુ, બેય સરખાં’ (પૃ.૧૮૪), (ઊંચી જાર નીચા માનવી). ‘તેલ જો ને તેલની ધાર જો’ (ભેલાણ.પૃ.૧૭), ‘કોથળામાં પાંચશેરી ઝૂડવી’ (પૃ.૨૨), ‘નમાજ પઢતા મસ્જિદ કોટે વળગવી’, ‘ગાંઠનું ખાઈને ગાંડા હારે જવું’ (પડઘા.પૃ.૨૫), ‘પોતે જ પોતાના પગ ઉપર કુહાડા દેવા’ (પૃ.૨૬), ‘સાહેબનું કોઈ સાહેબ છે !’ (જરાક આંખ ભરીને.પૃ.૩૯), ‘રઈના પહાડ રાતે ગયા’ (પૃ.૪૨), ‘ગામના મોઢે પછી ગયણું થોડું બંધાય છે !’ (લોહીઝાણ.પૃ.૬૬), ‘વળ્યો તો વહાણ ને પડ્યો તો પથરો’ (છૂંદણું ત્રોફતો જાજે.પૃ.૧૨૧), ‘ધરમીને ઘેર ધાડ’ (પૃ.૧૨૮), ‘પડ્યા ઉપર પાટું’ (પૃ.૧૨૯), ‘નવી નવ દહાડા !’ (હાકાબાકા.પૃ.૧૩૪), ‘સૂરજ કાંઈ એમ છાબડે ઢાંક્યો થોડો રહે ?’ (પૃ.૧૪૦), ‘જેને માથેથી ધણીનું છત્તર ગયું, ઈની માથે તે વળી બીજું કોણ છાંયો કરી શકવાનું ?’ (ખાલી કાગળિયા જેવું જીવતર.પૃ.૧૮૦), (પટારો). ‘કર્યા કરમ તો ભોગવવાં જ પડે’ (મેહ શરૂ થઈ ગયો.પૃ.૨૧), ‘પાણી પહેલાં પાળ બાંધવી’ (પૃ.૮૪), ‘પેટની બળેલી ગામ બાળે’ (મુકતા.પૃ.૯૯), (લાખમાંથી એક ચહેરો). ‘ચેતતા નર સદા સુખી’ (રઝળપાટ.પૃ.૧૦), ‘વાર્યા નો રયે, ઈ હાર્યા રયે’ (પૃ.૧૪), ‘નાગાના કુલે નગારા’ (પૃ.૨૭), ‘સંઘ કાશીએ ન પહોંચવો’, ‘પડશે એવા દેવાશે’ (પૃ.૨૯), ‘એક સાંધે ત્યાં તેર તૂટે’ (પાછું વળી ગયું સાચ.પૃ.૪૬), ‘ધાર્યું ધણીનું થાય’ (પૃ.૪૭), ‘આ પાર કે પછી પેલે પાર’ (પૃ.૪૮), ‘ભાગતા ભૂતની ચોટલી ભલી’ (પૃ.૫૩), ‘ખાટલે મોટી ખોટ’ (પૃ.૫૪), ‘ચણાના ઝાડ પર ચડાવવા’ (કિન્નર.પૃ.૬૨), ‘નાગાને ન્હાવું શું ને નિચોવવું શું ?’ (પૃ.૬૪), ‘એક ઘા ને બે કટકા’ (પહેલું ઘર.પૃ.૭૨), ‘ધોલ મારીને ગાલ લાલ રાખવા, કૂકડા વગરેય વ્હાણું તો વાશે જ’ (વાડ.પૃ.૮૦), ‘દુઃખે છે પેટ અને કૂટે છે માથું (પૃ.૮૨), ‘દૂધ પાઈ પાઈને કાળોતરો ઊછેર્યો છે’ (પૃ.૮૨), ‘વખતનાં વાજાં વખતે જ વાગે’ (આટલી અમથી વાત.પૃ.૧૧૨), ‘ભેંશનાં શિંગડાં ભેંશને ભારે’ (પૃ.૧૧૫), ‘સબસે ભલી ચૂપ’, ‘હાલતા બળદના શિંગડાંમાં માથું ભરાવવું’ (ખાલી ખોયું.પૃ.૧૪૯), ‘ડરી ગયા તે મરી ગયા !’ (પૃ.૧૫૨), ‘લાકડે માંકડું વળગાડવું’ (અંતરિયાળ.પૃ.૧૫૬), ‘દોડવું હતું ને ઢાળ આવ્યો’ (કાગળિયો.પૃ.૧૬૮), ‘બાયડી તો પગની જૂતી બરોબર’ (તરફડાટ.પૃ.૧૭૩), ‘લોકોને કંઈ મોઢા આડે હાથ દેવા જવાય’, ‘આંગળી પકડવા દ્યો તો આખો હાથ ખાઈ જાય’ (પૃ.૧૭૩), ‘કેટલી વીસે સો થાય ?’ (પૃ.૧૭૭), ‘કાણાને પાછો કાણો ના કહેવાય’ (બીજો સંબંધ.પૃ.૧૮૦), ‘દૂઝતી ગાયની તો પાટુય સારી લાગે’, ‘એક સળી તોડીને બે કટકાય કરવા નહીં’ (મા એટલે.પૃ.૧૮૯), ‘દેખવુંય નહીં ને દાઝવુંય નહીં !’ (લત.પૃ.૨૦૦) (હારોહાર).
કેટલીક જૂજ વાર્તામાં અંગ્રેજી શબ્દો પણ પ્રયોજ્યા છે જોઈએ : લંચબૉકસ, સર્વિસ, ઑફીસ, સ્કેચ, ટોર્ચ, સૉરી, ડીસ્ટ્રીકટ, લાઈફ, માઈન્ડ, ડ્રામા, કૉમિક, પબ્લિક, બોર્ડ, ક્લાસ, કોર્ટ, મૂડ, બેરીસ્ટર, ટ્રેઈન, કૉલેજ (ઊંચી જાર નીચા માનવી). એબૉશન, ટિકિટ, કંડકટર, ઈન્જેકશન, ડૉકટર, મોર્નિંગ, વૉક, (ટેટ્રાપૉડ).સેન્ટર, ગેસ્ટ હાઉસ, બેકસાઈડ, સાઈડ, એડવાન્સ, પાર્ટી, મોડેલિંગ, એશટ્રે, (પટારો). પાર્ક, પેઈન્ટીંગ, મિટિંગ, વનમૅન શૉ, આર્ટ ગેલેરી, ચેકબુક,મૅકઅપ, કોમેન્ટ, એપાર્ટમેન્ટ, બ્લૅકમેઈલર, ડૉરબેલ, હૅટ, ગેરંટી, લોકર, ઍરપાર્સલ, સિવિલડ્રેસ, હાર્ટએટૅક, મેરેજબ્યુરો, ફૂલટાઈમ, કૅન્સલ, રેટ, ડિનર, ગિફ્ટ, ફૅશન. (હારોહાર).
અરબી-ફારસી ભાષાના પણ કેટલાંક શબ્દો ખપમાં લીધા છે. જેમ કે – ખાવિંદ, મિયાં, લબ્ઝ, માશાલ્લાહ, શોહર, (ઊંચી જાર નીચા માનવી). બીબી, જબાન, દહેશત, દોઝખ, નેક, બંદા, નમાઝ, પરવરદિગાર, રહમ, મૈયત, માયૂસ, (લાખમાંથી એક ચહેરો), જુલ્ફાં, વાલિદ, જન્નતનશીન, ખાલાજાન, ઔલાદ, ઈશ્ક મહોબ્બત, સયાનો, હુસ્નવાલી, મહેરબાન (હારોહાર).
કેટલીક વાર્તાઓમાં હિન્દી વાક્યાવલિ પણ પ્રયોજી છે જેમકે – ‘લોકમાતા’ વાર્તામાં યમુના નદીના કિનારે એક ગરીબ વૃદ્ધા કોઈકે ફેંકેલ ગુંદીના બેચાર દાણા આરોગે છે ત્યાં મંદિરનો ઘંટ સંભળાય છે. વૃદ્ધા સ્વગત : ‘દેખ, જમુનાબાઈ કી આરતી હો રહી હૈ, બચપન સે સૂનતી આ રહી હૂ, કિતની શામેં ઢલ ગઈ, ફિર ભી જમુનાબાઈ કે જિસમ પે કભી શામ ઢલતે દેખી ? વો તો વૈસી કી વૈસી જવાન !’ (પરમાર.પૃ.૧૪૭) અહીં પ્રયોજાયેલી ભાષા પાત્રાનુસાર જણાય છે.(પટારો)
રવાનુકારી શબ્દોનો પણ સૂઝપૂર્વકનો પ્રયોગ કર્યો છે. જેમકે- ઘટક ઘટક (રખેવાળ.પૃ.૩૦), (ઊંચી જાર નીચા માનવી). ગણણ્ ગણણ્ (ચારેકોર ચકામાં.પૃ.૪૦), તબડાક્ તબડાક્ (પૃ.૪૨), ખળભળ ખળભળ (ઘરચોળું ઘર લઈને હાલ્યું.પૃ.૬૯), (ટેટ્રાપૉડ). ટપ્ ટપ્ (રાતે ઊગ્યા દિવસ.પૃ.૪), ત્રમ-ત્રમ (અભાગિયો.પૃ.૪૬), સમ્-સમ્ (લોહીઝાણ.પૃ.૬૫), (પટારો). ટપક...ટપક... (મનોકામના.પૃ.૫૧), (લાખમાંથી એક ચહેરો). ખમ્મક ખમ્મક, કચૂડ... કચૂડ... કચૂડ... (હારોહાર.પૃ.૭), ખણન્ ખણન્ (પહેલું ઘર.પૃ.૭૬), સટાક્ સટાક્ (છેલ્લી નજર.પૃ.૮૮), ધબ ધબ (ખાલી ખોયું.પૃ.૧૪૯) (હારોહાર).
વાર્તાઓમાં ક્યાંક વાસ્તવદર્શન પણ પીરસ્યું છે જેમકે –
• બાળકનો જીવ છે ને, જયાં પ્રેમ ભાળે ત્યાં દોડી જાય. (પડઘા.પૃ.૨૭) (પટારો)
• વિઘ્નસંતોષીઓ હરકોઈ જગ્યાએ અને હરકોઈ ક્ષેત્રમાં હોય જ છે. (સમતાભાવનો વારસ.પૃ.૯૧)
• માતાઓ હંમેશા દીકરીની ચિંતા કરવા માટે અને દીકરીને હરક્ષણે સાચવી સાચવીને રહેવા માટે જ સર્જાઈ હોય છે. (ભૂલ્યા ત્યાંથી.. પૃ.૧૦૭) (લાખમાંથી એક ચહેરો)
• સુંદર સ્ત્રીઓને કદી પણ બાહ્ય ઠઠારાની જરૂર પડતી નથી. (સાયરન.પૃ.૩૪) (હારોહાર)
ક્યાંક માનવમનનું વૈચિત્ર્ય પણ નજરે પડે છે જેમકે-
• તે માથાના દુખાવા જેવો ને આઘેરો વયો જાય તો બામની ડાબલી જેવો ! (કવળી.પૃ.૨૬) (હારોહાર)
વાર્તાઓમાં ક્યાંક ચિંતન પણ નજરે પડે છે. સમષ્ટિલક્ષી ચિંતન વાર્તાકારનાં એક અન્ય ગોપિત પાસાને ખોલી આપે છે જેમકે –
• પતિ-પત્નીના સંબંધોના તાણાવાણા કેટલા સૂક્ષ્મ અને સંવેદનશીલ હોય છે. (સુંદર શિલ્પ સમો ચહેરો .પૃ.૯૪)
• વાતને વણસવા માટે વધારે કારણોની જરૂર નથી પડતી. એકાદું ઊંબાડિયું જ આખી ગંજીને સળગાવી મારતું હોય છે. (મુકતા.પૃ.૧૦૨) (લાખમાંથી એક ચહેરો)
• સારપથી તો ગમે એવા નૂગરાની ગાડીય પાટે ચડી જાય ! (વાડ.પૃ.૮૪)
• પોતાના માણસો માટે પૈસા વાપરવાની જે મજા છે, ઈ પોતાના કાજે વાપરવામાં ક્યાંથી હોય ? (વયા જવાનો વખત.પૃ.૧૩૪)
• વખત ભલભલાં દુઃખ વિસારે પડાવી દે છે. (ખાલી ખોયું.પૃ.૧૪૭)
• ગુસ્સા બડી બૂરી ચીઝ હૈ, જિંદગી મેં ના કભી ગુસ્સે હોના, ઔર ના કભી કિસી કો ગુસ્સા દિલાના... (બડી બૂરી ચીજ.પૃ.૧૬૪) (હારોહાર)
હાસ્ય-કટાક્ષમયશૈલીનો અસરકારક પ્રયોગ ‘હારોહાર’, ‘રઝળપાટ’ (હારોહાર) જેવી વાર્તાઓમાં થયેલો જોવા મળે છે. કેટલાંક ઉદાહરણથી જોઈએ-
• વાટ જોનારું હોત તો-તો સવાલ જ ક્યાં હતો ? એકના સાટે બે રાત રોકાઈ જાત, નથી ઈની તો હંધીય મોંકાણ છે !
• ના માડી, પગમાં કળતર તે જરાક હીંચકે...
કંઈ વાંધો નહીં ભઈ, ઈ તો હવે ઉંમર થતી જાય ને ઈમ...
• આંઈ હવે અરીસા ગોતવા કયાં જાવું ? હું શું હવે ઉંમરવાળો દેખાતો હઈશ માડીને ? આ માડી તો ધરપત આલી ગ્યા કે પછી ધારિયાના ઝાટકે દઈ ગ્યાં ? (હારોહાર.પૃ.૭)
‘રઝળપાટ’ વાર્તામાં કથાનાયક મદન પરિણીત હોવા છતાં અન્ય સ્ત્રી સાથે રહેવા સ્ટાફના જ માણસ ચમનભાઈની સોસાયટીમાં મકાન ભાડે લે છે, ત્યારે ચમનભાઈને મદન એ બાઈનો પરિચય આપતાં ‘સિસ્ટર’ છે એવું કહે છે ત્યારે-
• પણ મોંઢાનો અણસાર કાં નથી આવતો ?
અરે ભઈ, માસીનાં દીકરી છે.
હા હા, હશે.
હશે નહીં છે.
સારું બાપલા છે, બસ ! (રઝળપાટ.પૃ.૧૨)
િસ્ટર કહીએ છીએ તોય હાહ ખાતા નથી. અરે ભઈ, બીજું કંઈ નહીં તો આવા પવિતર શબદની તો લાજ રાખો. (રઝળપાટ.પૃ.૧૩)
વાર્તાકારે ક્યાંક વ્યંજનાત્મક ભાષા પણ પ્રયોજી છે જેમકે-
‘કવળી’ વાર્તામાં વાર્તાકારે સર્વજ્ઞ કથકના મુખે વ્યંજનાત્મક ભાષા પ્રયોજી છે. કવળી જેનું ઘર માંડવાના સપના જોતી હતી તે અમરત તો તેનો સોદો કરે છે. ભેદ પામી જતાં કવળી એવા નામર્દનું ઘર માંડવા તૈયાર નથી. છેલ્લે તે અમરતને મારતી નથી પણ હડસેલો મારી નીકળી જાય છે એટલે લખ્યું છે : આ ફાનસના દિ’ ભરાઈ ગ્યા લાગે છે ! ડચકાં ખાતાં ફાનસને ઓલવેય કોણ ? (પૃ.૩૨)
ક્યાંક પ્રતીકાત્મક ભાષા પણ પ્રયોજી છે જેમકે-
• રૂપા કાચ ઉપર પડેલી તરડને એને આવરી લેતા ચોકડી આકારમાં એકબીજાને કાપતા સળિયા ઉપર મીટ માંડી રહી. બેય કાચને અડતા હતા, પણ એક કદાચ કાચને અડવા છતાંય નહોતો અડી શક્યો. (પાંચની નોટના કટકા.પૃ.૧૦૪)
ઊજમશી પરમારની ઘણી વાર્તાઓમાં વિશેષત: ઉપમા, ઉત્પેક્ષા અને ક્યાંક સજીવારોપણ અલંકારનો સાર્થ વિનિયોગ થયો છે. કેટલાંક ઉદાહરણ જોઈએ-
- એના ચહેરાનું સૂકાઈ ગયેલું ચોકઠું જાણે બોલતું હતું. (શીંગડા.પૃ.૧) (ઉત્પ્રેક્ષા)
- અંધારું પણ એવું જામવા માંડ્યું છે જાણે કોઈ મહાકાય રાક્ષસે પોતાની કાળી ડૂબડી હથેળી સમગ્ર વિસ્તાર પર બિછાવી રાખી હોય. (ચોકી એક શબની.પૃ.૮) (ઉત્પ્રેક્ષા, સજીવારોપણ)
- શાળાના મકાનમાં દાખલ થતાં જ જોયું તો છોકરાં બધાં ભયભીત શાં આંગણામાં ઊભા હતાં. (પગીનું ટીલવું.પૃ.૧૪) (ઉપમા)
- સૂર્યનાં કુણા તડકામાં પણ જાણે તાજગીના બદલે વ્યથાભરી બેચેની વરસતી હતી. (પગીનું ટીલવું.પૃ.૧૮) (ઉત્પ્રેક્ષા)
- લાખી એટલે નવયૌવનની તાજી તાજી પાંગરતી મધુરિમા જાણે ! (લાખી તારી ઝાંઝરી.પૃ.૨૦) (ઉત્પ્રેક્ષા)
- વિરા ભનાની ખડકી એટલે જાણે બળદ, ભેંસો, ગાયોને બકરાંનો શંભુમેળો. (ઊંચી જાર નીચા માનવી.પૃ.૮૯) (ઉત્પ્રેક્ષા)
- એની ભ્રકૂટિ ખેંચાયેલા તીરની પણછ માફક તંગ બનીને અવનવા વળ ખાઈ રહી. (ઊંચી જાર નીચા માનવી.પૃ.૯૧) (ઉપમા)
- વાવંટોળમાં સપડાયેલી ત્રસ્ત હરિણીઓની જેમ બધી છોકરીઓ ને બાઈઓ ભાગી. (નડતર.પૃ.૧૨૪) (ઉપમા)
- એક સુંદર સોનેરી સંધ્યા લાલ હિંગળોકિયા રંગની ચૂંદડી ઓઢીને પશ્ચિમને આંબવા સરકતી હતી. (મૃત્યુ.પૃ.૧૫૦) (સજીવારોપણ)
- અસલ સોટા જેવી ને વાન જુવો તો બગલાની પાંખ જેવો. (ધરતી.પૃ.૧૫૮) (ઉપમા)
- સમતાના પગ નીચેથી જાણે ધરતી ખસી ગઈ હોય એમ એ ફાટી આંખે એના તરફ જોઈ રહી. (ધરતી.પૃ.૧૭૦) (ઉપમા)
- ‘છબિયા, લા છબિંલ્યા...!’ એમનો નરવો સાદ મંદિરની ઝાલર પેઠે રણકી ઊઠ્યો. (મેહની ધારે.પૃ.૧૭૯) (ઉપમા)
- સરસતી સુંડલી ઉતારવા નીસરણી છાપરે માંડતી ને એનો બાપ જાણે ગોળનાં ગાડાં મળ્યાં હોય એમ રાજીનો રેડ થઈ જાતો. (ગુંદિયા કંકુની શીશી.પૃ.૧૮૭) (ઉત્પ્રેક્ષા) (ઊંચી જાર નીચા માનવી)
- કૂવાનું પાણીય કેવું મીઠું ટોપરા જેવું હતું ! (ઘરચોળું ઘર લઈને હાલ્યું.પૃ.૬૩) (ઉપમા) (ટેટ્રાપૉડ)
- અજવાળિયાની રાતે નદીનો વેકરો લારીના બરફ જેવો ટાઢોબોળ થઈ ગયો હોય. (રાતે ઊગ્યા દિવસ.પૃ.૧) (ઉપમા)
- કદીક નદી વચાળેની મોટી હાથણી જેવડી કરાલ શિલા ઉપર ચડી બેસીને, શિલા એ જાણે શિલા નહીં, પણ ભેંશ કે હાથણી હોય તેમ તેનો ડેબો થપથપાવીને ‘બાપ્પો-બાપ્પો’ બોલી ઊઠે, જાણે અવેડા આગળ ઢોરાંને પાણી પાવા ઊભો હોય. (રાતે ઊગ્યા દિવસ.પૃ.૧) (ઉપમા, ઉત્પ્રેક્ષા)
- મેનાની છાતીમાં છવ્વીસ વરસની ઉંમરમાં આજ પહેલી વાર ધડકારાનું લશ્કર પડ ગજાવવા લાગ્યું હતું. (ભેલાણ.પૃ.૧૬) (માનવભાવોનું આરોપણ)
- આંબાનાં ઝુંડ જાણે સામે આવીને ભેટતાં હોય અને તેનાં પંખી મધમીઠા સૂરે ઢળતા બપોરની નિર્જનતામાંય ગાણાં ગાઈને વધામણાં કરતાં હોય એવી હવા તેમને વીંટળાતી ગઈ. (જરાક આંખ ભરીને.પૃ.૪૧) (ઉત્પ્રેક્ષા, સજીવારોપણ, માનવભાવોનું આરોપણ)
- ખોરડાનાં નળિયાંમાંથી ચળાઈને એક ચાંદરડું તેના ગાલ ઉપર ઊતરી આવ્યું હતું, તે લાગે એવું કે જાણે ફૂલની ઉપર ફૂલ ખીલ્યું ! (ઠામ વગરનો માણસ.પૃ.૫૩) (ઉત્પ્રેક્ષા)
- આખું ખોરડું જાણે મોભ-વળીઓ, ખપાટો અને નળિયાસોતું આવીને છાતી ઉપર પડ્યું હોય એવો પરબતનો જીવ અમૂંઝાતો હતો. (ઠામ વગરનો માણસ.પૃ.૫૩) (ઉત્પ્રેક્ષા)
- ખડકી ઊઘડી તે જાણે કોઈ અવાવરું રસ્તાના સગડ ઊઘડ્યા. (ઠામ વગરનો માણસ.પૃ.૫૪) (ઉત્પ્રેક્ષા)
- સામે ખાતરના ઢગલામાં ઊભેલો આકડો માણસની જેમ આળસ મરડતો આમ તેમ હલવા માંડ્યો. (ઠામ વગરનો માણસ.પૃ.૫૪) (ઉપમા, માનવભાવોનું આરોપણ)
- એક દરિયો જાણે ઊભરાઈ ગયો હતો, આ ખોબા જેવડા ખોરડે ! (ઠામ વગરનો માણસ.પૃ.૫૮) (ઉત્પ્રેક્ષા,ઉપમા)
- સમ્-સમ્ વીંઝાતી હવાય કોકડું વળીને મોં સીવી ગઈ. (લોહીઝાણ.પૃ.૬૫) (સજીવારોપણ)
- કાંઈક અઘટિત બન્યાના અણસારે છેક ખભા સુધી ઝૂલતાં તેના કાનનાં સોનાનાં એરિંગ પણ જાણે ઘડીક માટે થંભી ગયાં. (ઝોહરા.પૃ.૭૩) (ઉત્પ્રેક્ષા, સજીવારોપણ)
- કપાળમાં મોટી સોપારી જેવડી રસોળી અને માથે શેઢીના શિહોળિયા જેવા ઊભા ને ઊભા રહેતા વાળ, પાછું ઊંટ જેવી લાંબી ડોક ને છછુંદર જેવી ઝીણી ચૂંચી આંખો ! (ઊભા તે બસ ઊભા.પૃ.૭૫) (ઉપમા)
- આવી રીતે ધોળી-સબાણ બગલાની પાંખ જેવી ચાદરમાં ઢંકાઈને મોટાઓના ખભે ઝૂલતાં ઝૂલતાં જાવાનું, ઉપર પાછો ફૂલડાંનો પથારો ! (કરડે કાળો નાગ.પૃ.૮૨) (ઉપમા)
- રાતના તો તલાવડી જાણે પન્નર વરહની ભીલકન્યા જેવી એવી મીઠી ઝણન ઝણન તમરાંના અવાજની ઝાંઝરી ઝણકાવતી વાયરો ઢોળે. (બળ્યો-જળ્યો આદમી.પૃ.૮૫) (ઉત્પ્રેક્ષા,ઉપમા)
- તેના માથાનાં જટિયા તેના ચીંથરાળા ફાળિયામાંથી બહાર ડોકાતાં સોમલીનાં અંગે-અંગ જાણે ઠાકરિયા વીંછીની જેમ ચટાકા દેવા લાગ્યાં. (છૂંદણું ત્રોફતો જાજે.પૃ.૧૨૦) (ઉત્પ્રેક્ષા,ઉપમા)
- વહુ તો હતી મોયલી વહુ (પહેલાની) સોનાના કટકા જેવી. (હાકા બાકા.પૃ.૧૪૦) (ઉપમા)
- રેવાના માથે જાણે આભ તૂટી પડ્યું. (ધજાગરો.પૃ.૧૫૩) (ઉત્પ્રેક્ષા)
- પાદરના પાળિયા મોઢાં વકાસીને તાકી રિયા’તા. (પટારો.પૃ.૧૮૪) (સજીવારોપણ) (પટારો)
- પુલ ઉપરથી રેલગાડી ભૂખી થયેલી કાળઝાળ રીંછડી જેવી ધસમસાટ કરતી દોડી આવી ! (ઉમળકાનાં પૂર.પૃ.૨૯) (ઉપમા,સજીવારોપણ)
- જમાઈ છે તે જમ જેવો. (રળિયાત મારી જિંદગી.પૃ.૪૮) (ઉપમા, વર્ણાનુપ્રાસ)
- આ વશરામો જે દીથી ભાગી ગ્યો છે ને તે દીથી વહુ તો જારના સાંઠા ઘોડ્યે સુકાતાં ચાલ્યાં છે. (મનોકામના.પૃ.૫૨) (ઉપમા)
- દાડી દિને ખાઈપીને હેડમ્બા જેવી તો થાતી જાય છે. (મનોકામના.પૃ.૫૩) (ઉપમા)
- તઈણ ટેમ ખાવું ને ઠોબરાં ઊટકીને પછેં ભૂંડણની ઘોડ્યે ઘોરાં તાણવાં. (મનોકામના.પૃ.૫૩) (ઉપમા)
- ને થોડીકવારમાં તો એય પડતું મૂકીને કોઈ સ્થિતપ્રજ્ઞ યોગિની જેવી સોય જાણે સમાધિસ્થ હોય એમ સાવ સ્થિર થઈ ગઈ. (મનોકામના.પૃ.૫૫) (ઉપમા,ઉત્પ્રેક્ષા)
- તોય આકાશના ટુકડાને જોવા જતાં ગગનચુંબી બહુમાળી ઈમારતો હાથ આડા ધરીને ઊભી રહે છે. (સપનાનું મકાન.પૃ.૭૦) (સજીવારોપણ)
- ઊકળતા તેલના તવામાં જાણે પોતાના ઝારાથી ઉથલાવીને તેનું સમગ્ર રક્ત ઉપરતળે કરતા હતા. (સપનાનું મકાન.પૃ.૭૨) (ઉત્પ્રેક્ષા)
- પત્નીનો થાકેલો અવાજ ઉકળતા તેલના તવામાં પાણીની જેમ રેડાયો. (સપનાનું મકાન.પૃ.૭૨) (ઉપમા)
- પાણી પહેલાં પાળ બાંધવી. (તાગ.પૃ.૮૪) (વર્ણાનુપ્રાસ)(લાખમાંથી એક ચહેરો)
- લ્યા, સામે આંખો તો જો એની, મોટી મોટી લીંબુની ફાડ જેવી. (રઝળપાટ.પૃ.૧૧) (ઉપમા)
- પવન પણ કેવો પડી ગયો હતો, જાણે ફેરથી કોઈ દિવસ ઊભો જ થવાનો ના હોય ! (રઝળપાટ.પૃ.૧૨) (ઉત્પ્રેક્ષા)
- માથે ઝાડ પણ જાણે હવે શું - હવે શુંની ધખનામાં એકીટસે ઝીણી નજરે ઝળૂંબી રહ્યું હતું. (રઝળપાટ.પૃ.૧૨) (ઉત્પ્રેક્ષા, સજીવારોપણ)
- નાનીનાની ખોલીઓ જેવાં સળંગ ગાળાનાં ઘર રસ્તા જાણે ઓછા સાંકડા હોય તેમ ઘર બહાર બકરીઓ બાંધી હોય. (કદરદાન.પૃ.૧૯) (ઉત્પ્રેક્ષા)
- તેમણે રિસીવર ફોન ઉપર એવી રીતે મૂકી દીધું કે જાણે છાતી ઉપરથી પહાડ ઉતાર્યો હોય. ((કદરદાન.પૃ.૧૯) (ઉપમા)
- તે બીધેલા સસલાની જેમ થરથર કાંપતો હતો. (કવળી.પૃ.૩૧) (ઉપમા)
- તેની છાતીના ધડકારા જાણે કવળીને સંભળાતા હતા. (કવળી.પૃ.૩૧) (ઉત્પ્રેક્ષા)
- મણના ભારે જાણે તેનાં પોપચાં ઢળી પડ્યાં હતાં. (કવળી.પૃ.૩૨) (ઉત્પ્રેક્ષા)
- તેમને કપાળઢંક સાડલો ઓઢીને આવતાં જોયાં ત્યારે તે થાંભલાની જેમ હતો, ત્યાં જ ખોડાઈ ગયેલો. (કહેવું હતું પણ.પૃ.૩૭) (ઉપમા)
- શાંતાબહેનની તાતા તીર જેવી આંખો સામે તે વધુ વાર જોઈ શક્યા નહીં ને આંખો નીચી ઢળી પડી. (પાછું વળી ગયું સાચ.પૃ.૪૫) (ઉપમા)
- જાલમનો ચેતક કાંઈ જેવો તેવો નહીં, પાણીદાર ઘોડો છે, ધોળો સબાણ, બગલાંની પાંખ જેવો, ઊડીને આંખે વળગે એવો. (પાછું વળી ગયું સાચ.પૃ.૪૬) (ઉપમા)
- માથે હાથ ફેરવો તો જાણે રુંવાટી નહીં, રેશમ ઉપર હાથ ફેરવો છો એવું લાગે. (પાછું વળી ગયું સાચ.પૃ.૪૭) (ઉત્પ્રેક્ષા)
- જાલમનું મોં જાણે કે બુઝાઈ ગયેલું લાગતું હતું. (પાછું વળી ગયું સાચ.પૃ.૪૮) (ઉત્પ્રેક્ષા)
- લંબગોળ ગૌર ચહેરા પર આસમાની કીકીઓ ધરાવતી મોટી મોટી આંખો તો જાણે પાણીમાં છલબલાટ કરતી રૂપેરી માછલીઓ. (કિન્નર.પૃ.૬૧) (ઉત્પ્રેક્ષા)
- દેવેન અને મેઘા તો જમીન ઉપર જાણે ચાલતાં નહોતાં ઊડતાં હતાં. (આટલી અમથી વાત.પૃ.૧૧૪) (ઉત્પ્રેક્ષા)
- ભેંશનાં શિંગડાં ભેંશને ભારે. (આટલી અમથી વાત.પૃ.૧૧૫) (વર્ણાનુપ્રાસ)
- સાત ભાયડા ભાંગીને ભગવાને તેને ઘડી છે. (જગનદાસ.પૃ.૧૨૦) (વર્ણાનુપ્રાસ)
- આખી રાત પાણી વિનાની માછલીની જેમ તે પથારીમાં તરફડતા રહ્યા. (જગનદાસ.પૃ.૧૨૧) (ઉપમા)
- માજી એકદમ હળવાંફૂલ થઈને કહ્યાગરી બાળકીની જેમ ડબ્બામાંથી નીચે ઉતરી ગયાં. (તમે કહો છો એટલે.પૃ.૧૨૯) (ઉપમા)
- પૈસો તો પાણીની જેમ દૂઝે છે. (વયા જવાનો વખત.પૃ.૧૩૪) (ઉપમા)
- તેના ઊજળા દૂધ જેવા દાંત મેં પહેલી જ વાર જોયા. (જાણતલ જોષી.પૃ.૧૪૨) (ઉપમા)
- ખોયાંનાં કાપડમાં બાળકના અવારનવાર બાથરૂમ કરવાથી પડી ગયેલું બદામી રંગનું ધાબું જાણે આંખોમાં છપાઈને ચોંટી ગયું હોય એવું લાગ્યું. (ખાલી ખોયું.પૃ.૧૪૪) (ઉત્પ્રેક્ષા)
- ગંગાકાકી ખાટલે ઊભા થાય એમાં તો જાણે આખું આકાશ હેઠે પડવાનું હોય એટલો બધો દેકારો મચાવે. (ખાલી ખોયું.પૃ.૧૪૫) (ઉત્પ્રેક્ષા)
- આંખોએ એક અદભુત દૃશ્ય જોયું ને હું હતો ત્યાં ને ત્યાં જ થાંભલાની જેમ સજ્જડ થઈ ગયો. (અંતરિયાળ.પૃ.૧૫૪) (ઉપમા)
- તેની આંખોમાંથી જાણે તિખારા ઝરવા લાગ્યા. (લત.પૃ.૧૯૭) (ઉત્પ્રેક્ષા)(હારોહાર)
ઊજમશી પરમારની વાર્તાઓમાં આવતા વર્ણનકળાનાં થોડા નમુના જોઈએ : ‘પગીનું ટીલવું’ વાર્તામાં પગીના કૂબાનું વર્ણન કર્યું છે : ‘બરૂનાં ઝૂંડમાંથી સોટીઓ કાપી લાવીને બનાવેલાં નાના એવા એ ગોળ કૂબામાં પગીનું રસોડું, શયનગૃહ અને નાગણીનું પ્રસૂતિગૃહ. કૂબામાં દીવાના ઝાંખા અજવાળામાં એક બાજુ મોટું ગોળ તગારું પડયું હતું જેમાં નાનાં-મોટાં થઈને દસ-બાર સાપોલિયાં બહાર નીકળવાં ઉછળી રહ્યાં હતાં.’ (પરમાર.પૃ.૧૬)
‘રખેવાળ’ વાર્તામાં બંધાણીનું પાત્રવર્ણન કથાનાયકના મુખે આ રીતે થયું છે : ‘આખા ગાલને છાવરીને મોટી લાલઘૂમ આંખોના ખૂણા સુધી પહોંચતી કાળી ભમ્મર મૂછોના થોભિયા, પાડાની કાંધ જેવી કદાવર ગરદન... અત્યારે મૂછો એવી જ હતી પણ ધોળી બતકનાં પીછાં જેવી, કાયા તો એવી ને એવી જ અડીખમ પણ આંખોનાં નૂર ખૂટ્યાં લાગે એમ આંખે હાથનું નેજવું કરે.’ (પરમાર.પૃ.૩૨)
‘ઊંચી જાર નીચા માનવી’ વાર્તામાં ગામ બહાર નીકળેલી જાનનું વર્ણન આ શબ્દોમાં મળે છે : ‘જાનૈયાઓમાં બે ચાર પીપળાના છાંયે પોતપોતાના જોડાની ઉપર ફાળિયાના ઓશીકા કરીને જરા આડા પડખે થયા હતા. બાજુમાં વરરાજાનાં રેશમી ગોદડાં ઉપર સરખેસરખા બે-ચાર જુવાનિયા શહેરમાંથી લવાયેલા વરરાજાના નાયલૉનનાં મોજાં બાબત ભાવની ચર્ચા કરી રહ્યા હતા.’ (પરમાર.પૃ.૮૨)
‘ધરતી’ વાર્તામાં ગામડાગામની નિશાળનું સુંદર વર્ણન કર્યું છે જોઈએ : ‘થોડી વારમાં તો વીસ-પચીસ છોકરા-છોકરીઓ ભેગાં થઈ ગયાં. બહુ ઓછાં પાટી પેન લઈને આવ્યાં હતાં ને બાકીનાં પોતાનાં નાના ભાઈબહેનને કેડે નાખીને આવ્યાં હતાં. એક-બેના હાથમાં રોટલાનાં બટકાં હતાં, અમુકના મોં ઉપર લીંટનાં કારણે માખીઓ બણબણતી હતી.’ (પરમાર.પૃ.૧૬૧) (ઊંચી જાર નીચા માનવી)
‘ઊભા તે બસ ઊભા’ વાર્તામાં કથાનાયક ઈશ્વરલાલના બાહ્ય શારીરિકરૂપનું જે વર્ણન થયું છે જોઈએ : ‘ગાલમાં સોપારી સમાય એવડા ખાડા હોઠ સિવાય ભિડાવા છતાંય તેમાં નહીં સમાઈ શકતા પીળારેડ દાંત, કપાળમાં મોટી સોપારી જેવડી રસોળી અને માથે શેઢીના શિહોળિયા જેવા ઊભા ને ઊભા રહેતા વાળ, પાછું ઊંટ જેવી લાંબી ડોક ને છછુંદર જેવી ઝીણી ચૂંચી આંખો !’ (પરમાર.પૃ.૭૫)
‘મનોકામના’ વાર્તામાં નાયિકા ચંપા પોતાના પતિ પ્રત્યેના સાસુમાના ઓરમાયા વર્તનને કારણે દુઃખી અને નારાજ છે. એ પાત્રસ્થિતિને અનુરૂપ વાતાવરણ વર્ણનાત્મક શૈલીએ રજૂ થયું છે જોઈએ : ‘રસોડામાંથી બાજરાનો રોટલો ઘડવાના ટપકારા સંભળાઈ રહ્યા હતા. નાની વહુ ચંપા રોટલા ઘડી રહી હતી. લંબગોળ, ઘઉંવર્ણો ચહેરો સહેજ જમણા ખભા તરફ નમેલો હતો. સાળુની કોર અરધા કપાળને ઢાંકતી હતી, અને તંદુરસ્ત ભર્યા ભર્યા ગાલ પરથી આંસુની ધારાઓ હડપચી સુધી આવીને છાતી પર ટપકતી હતી. શિવલિંગ પર જળધારીમાંથી ટીપાં ટપકે એમ ટપક...ટપક...’ (પરમાર.પૃ.૫૧) (લાખમાંથી એક ચહેરો)
‘અંતરિયાળ’ વાર્તામાં કથાનાયકના મુખે ખંડેરનું જે વર્ણન થયું છે તે જોઈએ– ‘આમ તો ઉકરડા જેવો જ વિસ્તાર હતો. ભૂંડનાં ટોળાં ગંદા પાણીનાં ખાબડામાં આળોટતાં હતાં. નાકે હાથ દબાવવો પડે એવી ભયાનક દુર્ગંધ, કચરાના ઢગલા અને તેની વચ્ચે સ્થાપત્યના બેજોડ નમૂના જેવું આછા ગુલાબી પથ્થરનું એક વિશાળ મહાલયનું ખંડેર જર્જર હાલતમાં ઊભું હતું.’ (પરમાર.પૃ.૧૫૫)
‘મા એટલે’ વાર્તામાં ૮૦-૮૫ વર્ષના માજીનું જે વર્ણન આપ્યું છે તે જોઈએ : ‘રિક્ષામાંથી ઘેરદાર ઘેરા લીલા રંગનો ઘાઘરો અને ઘેરો લાલ કબજો ને માથે ગુલાબી બાંધણીનો કટકો ઓઢેલી જે બાઈ ચપળતાથી ઊતરી પડી, તેની પહેલાં તો પીઠ જ દેખાતી હતી. કાળો સીસમ જેવો વાન, શેરડીના સાંઠા જેવી ઊંચી ને પાતળી કાયા ધરાવતી તે થયું કે હશે વીસ-બાવીસ વરસની, અને વળી તેનો ઠસ્સો પણ કાંઈક એવો જ હતો. પગમાં ચાંદીનાં ભારે કડલાં, બાવડે સોનાના પતરે મઢેલું ત્રાંબાનું કડું, કાંડામાં સોનાની બેવડી ચીપવાળી ચૂડલી, પણ જયાં તે મોઢું ફેરવીને સામે દેખાઈ કે તરત તેના માથે ધોળા ધોળા વાળ, કરચલિયાળું મોઢું, ઊંડી ઊતરી ગયેલી ચૂંચી આંખો, કપાળમાં પાછો ઘેરા કથ્થાઈ રંગનો ચાંદલો ચોડેલો તે પણ તેના ભીના વાન સાથે ભળી જવાથી ઝટ દેખાય નહીં.’ (પરમાર.પૃ.૧૮૬)
ઊજમશી પરમારની બધી જ વાર્તાઓના અભ્યાસને અંતે એટલું તારણ ચોક્કસપણે કાઢી શકાય કે, પાત્રગત મન:સંચલનોને પ્રગટ કરવામાં વાર્તાકાર મહ્દઅંશે સફળ રહ્યાં છે. તળપદબાનીના વિનિયોગથી પાત્રના આંતર-બાહ્ય વ્યક્તિત્વને સારો ઉઠાવ આપી શકયા છે. પાત્રોચિત સંવાદોથી જે-તે પાત્રને પૂર્ણપણે ખોલી શક્યા છે. પાત્ર-પ્રસંગાનુરૂપ વાતાવરણ પ્રયોજન વાર્તાઓને અનોખું પરિમાણ બક્ષે છે.
સંદર્ભ સૂચિ ::
પુસ્તકો
- ચૌધરી, રઘુવીર અને દવે, રમેશ.ર. ૧૯૯૮. “કર્તા-કૃતિ પરિચય.” ગૂર્જર ગ્રામચેતનાની નવલિકાઓ, અમદાવાદ: ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. ૨૫૧-૨૬૪.
- નાયક, ઈલા.૨૦૦૭. “માણસના ભીતરી ઘમસાણની વાર્તાઓ”. વિશેષ, અમદાવાદ: પાર્શ્વ પબ્લિકેશન. ૮૩-૮૬.
- પરમાર, ઊજમશી. ૧૯૭૫. ઊંચી જાર નીચા માનવી. ૧-૧૮૬.
- પરમાર, ઊજમશી. નવેમ્બર ૧૯૮૪. ટેટ્રાપૉડ, સુરત: શ્રી ગાયત્રી પુસ્તક ભંડાર. ૧-૯૯.
- પરમાર, ઊજમશી. ડિસેમ્બર ૧૯૯૮. પટારો, અમદાવાદ: અરુણોદય પ્રકાશન. ૧-૧૮૩.
- પરમાર, ઊજમશી.મે ૨૦૦૯. લાખમાંથી એક ચહેરો, રાજકોટ: ભરાડ ફાઉન્ડેશન. ૧૧-૧૧૯.
- પરમાર, ઊજમશી. ૨૦૧૫. હારોહાર, અમદાવાદ: હર્ષ પ્રકાશન. ૧-૨૦૦.
- બ્રહ્મભટ્ટ, પ્રસાદ.૧૯૯૭. “સુષુપ્ત શક્તિની સંભાવના”. વાર્તાવારિધિ, અમદાવાદ: ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય. ૮૭-૯૦.
- ત્રિવેદી, હર્ષદ.સં.ઓક્ટો-નવે-૨૦૦૯. “વાર્તા હાડોહાડ” ઊજમશી પરમાર. શબ્દસૃષ્ટિ, દીપોત્સવી વિશેષાંક ટૂંકીવાર્તા અને હું, ૨૬(૧૦-૧૧):૨૮-૩૬.
- બ્રહ્મભટ્ટ, ભગીરથ. જાન્યુ-માર્ચ ૨૦૦૦. “અતૃપ્ત ઓરતાની સંતૃપ્ત માવજત”. પ્રત્યક્ષ, ૩૩(૯):૧૩-૧૫.