Download this page in

!! તત્વાર્થધિગમસૂત્રમાં તત્વમીમાંસા !!

જૈનદર્શનનો મૂળ સ્ત્રોત આગમ છે. પરંપરા અનુસાર ભગવાન મહાવીરે પ્રબળ સાધનાથી જે સૂક્ષ્મ સત્યોનો સાક્ષાત્કાર કર્યો છે તે આગમો છે. સમયસાર, સન્મતિતર્કપ્રકરણ, વિશેષાવશ્યભાષ્ય, તત્વાર્થધિગમસૂત્ર જેવા દાર્શનિક ગ્રંથો આગમોના મૂળ સુધી જોડાયેલા છે. આ દાર્શનિક ગ્રંથોમાં અન્વેષિત તત્વને તર્ક દવારા પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

જગતમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ ચાર પુરૂષાર્થોમાં મોક્ષ પરમ પુરૂષાર્થ છે. આથી અહી તત્વાર્થધિગમસૂત્રમાં શ્રીઉમાસ્વાતિ મહારાજ પ્રથમ મોક્ષમાર્ગનો ઉપદેશ આપે છે. કારણ કે મોક્ષમાં દુઃખની આત્યન્તિક નિવૃતી થાય છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક જ્ઞાન અને જીવાદિ પદાર્થોનુ યથાર્થ જ્ઞાન. પ્રસ્તુત ગ્રંથમાં જીવાદિ સાત તત્વોનું વર્ણન છે. મોક્ષાર્થે સાત તત્વો જાણવા જરૂરી છે. પ્રસ્તુત ગ્રંથને આધારે સાત તત્વ વિશે જોઇએ તો
जीवाजीवाश्रवबन्धसंवर निर्जरा मोक्षस्तत्वम ॥१-४॥
જીવ, અજીવ, આસ્ત્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ એ સાત તત્વો છે.

(૧) જીવ :

જે પ્રાણોને ધારણ કરે તે જીવ. જીવના બે મુખ્ય ભેદ છે. संसारिणो मुक्ताश्च (२-१०) જે જીવ કર્મવશ બની નરકાદિ ચાર ગતિમાં પરિભ્રમણ કરે છે તે સંસારી જીવ અને જે જીવ કર્મના બંધનથી મુકત બનીને મોક્ષમાં સ્થિર રહે છે તે મુકત જીવ. સંસારી જીવના સંજ્ઞી અને અસંજ્ઞી ઉપરાંત સ્થાવર તથા ગતિ કરનાર એમ બે પ્રકારના જીવો છે. મનવાળા જીવ સંજ્ઞી, મન વગરના જીવો અસંજ્ઞી, પૃથ્વીકાર્ય-અપકાય-વનસ્પતિકાય જીવો સ્થાવર અને તે ઉકાય- બેઇન્દ્રિય, ત્રીઇન્દ્રીય, ચઉઇન્દ્રીય, પંચીન્દ્રીય જીવો ગતિશી છે.
उपयोगो लक्षणम (२-८)[1]

ઉપયોગ અને જીવનો સાધારણ ગુણ લક્ષણ છે. જેમ સોનુ અને ચાંદી વર્ણભેદથી જુદા પડે છે તેમ જીવ અને શરીર એકક્ષેત્ર હોવા છતાં તેના ઉપયોગ લક્ષણ વડે જુદા પડે છે. જીવ અને પુદલગને અનાદિથી એકક્ષેત્રવગાહરૂપ સબંધ હોવાથી અજ્ઞાનતામાં બંને એકરૂપ ભાસે છે. શરીર અને જીવ અનંત પરમાણુઓનુ બનેલુ છે, તેમાં અનંત પુદગલો અને એક જીવ છે. તેથી ઘણાં મળેલા પદાર્થોમાંથી એક જીવ પદાર્થને જુદો જાણવા માટે ઉપર્યુકત લક્ષણ આ૫યુ છે. (સર્વાર્થસિધ્ધ, ભાગ-ર, પ.ર૭-ર૮)

ઔપશમિક, ક્ષાયિક, મિશ્ર, ઔદાયિક, પારિણામિક એ પાંચ ભાવો જીવના સ્વતત્વ છે. જે પ્રાણોને ધારણ કરે તે જીવ. પ્રાણના અહીં દ્રવ્ય અને ભાવ એમ બે ભેદ આપવમાં આવ્યા છે. પાંચ ઇન્દ્રીયો, ત્રણ યોગ (મન-વચન-કાયા), શ્વાચ્છોશ્વાસ અને આયુષ્ય એ દશ દ્રવ્યપ્રાણ છે. આત્માના જ્ઞાનદર્શન આદિ સ્વાભાવિક ગુણો અને ભાવ પ્રાણ છે. સંસારી જીવોને બંને પ્રકારના પ્રાણ હોય છે, જયારે સિધ્ધ જીવોને કેવળ ભાવપ્રાણ હોય છે.

જીવનો ઔદાયિક ભાવ તે જ સંસાર છે. અજ્ઞાનતમાં ઔદાયિક ભાવ હોય ત્યારે જીવને શુભ અને અશુભ ભાવો હોય છે. શુભભાવનુ ફળ દેવપણું તથા અશુભ ભાવની તીવ્રતાનું ફળ નારકીપણું. શુભાશુભ ભાવના મિશ્રપણાંનું ફળ મનુષ્યપણું અને માયાનું ફળ તિર્યંચપણું છે. જીવ અનાદિથી અજ્ઞાનવશ અશુધ્ધ ભાવોને કારણે તેનું ભ્રમણ થયા કરે છે.[2] જીવની નરકાદિગતિ તથા તિર્યંચ ક્ષેત્રોનું વર્ણન પ્રથમ અધ્યાયમાં તેમજ ભ્રમણ તથા તેનો શરીર અને ક્ષેત્ર સાથેના સંયોગનું વર્ણન ત્રીજા અને ચોથા અધ્યાયમાં કર્યુ છે.

(ર) અજીવ :

જેનામાં ચૈતન્ય (પ્રાણ) ન હોય તે અજીવકાય કહેવાય.
अजीवकाया धर्मिधर्मकाशपुद्गला (५-९)[3]

ધર્મ, અધર્મ, આકાશ અને પુદગલ એ ચાર અજીવકાય છે. ધર્માદિ તત્વો પ્રદેશોનો સમૂહરૂપ અસ્તિકાય કહેવાય છે. દિગમ્બરામ્નાયમાં પ્રદેશ પ્રચય પણ કહેવાય છે. કાળ અને જીવાદિ પાંચ દ્રવ્યોના વર્તન સ્વરૂપ પર્યાયાત્મક હોવાથી દ્રવ્ય ગણેલ નથી. તેમજ કાળ નામનું સ્વતંત્ર દ્રવ્ય શ્વેતામ્બરામ્નાયામાં નથી. તેમજ द्रव्याणि जीवा: ઉપર્યુકત ચાર અજીવકાય અને જીવદ્રવ્ય એમ કુલ પાંચ દ્રવ્ય છે. द्रवती - ापूर्वपूर्वपयान प्राप्नोतीति द्रव्यम જે નવા નવા પર્યાયોને પામે તે અનુસ્યૂત પદાર્થને દ્રવ્ય કહેવાય છે. ચાર દ્રવ્યમાં પુદગલે રૂપી અને વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ્યુકત છે. જયારે ધર્મસ્તિકાય આદિ અરૂપી અને વર્ણાદિત રિહત છે. રૂપી દ્રવ્ય જો સ્થૂલપરિણામી હોય તો ચક્ષુઆદિ ઇન્દ્રિયોથી જાણી શકાય અને જો સૂક્ષ્મપરિણામી હોય તો ઇન્દ્રિયોથી અભિજ્ઞ છે. આપણને જે કંઇ દ્રષ્ટવ્ય છે તે સર્વ પુદગલરૂપ અજીવ તત્વ છે.

ધર્મસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય ત્રણેના સ્કંઘ, દેશ અને પ્રદેશ એમ ત્રણ ભેદો છે તથા પુદગલના દેશ, પ્રદેશ, સ્કંધ અને પરમાણુ એમ ચાર ભેદ છે. એક કુલ અજીવ તત્વના અહી કુલ ૧૩ ભેદ દર્શાવ્યા છે, જયારે નવતત્વપ્રકરણ ગ્રંથમાં અજીવકાયના ૧૪ ભેદ જણાવ્યા છે.

આ છ દ્રવ્યોની હોવાપણાંની અન્ય પ્રકારે સિધ્ધિ બુધ્ધિસાગરજીએ મોક્ષસૂત્ર[4]માં આપેલી છે.

(૩) આસ્ત્રવ :

स: आस्त्रव: (६-२)[5]
તે (યોગ) આસ્ત્રવ છે.

આસ્ત્રવ એટલે કર્મોને આત્મામાં આવવાનુ દવાર અને આસ્ત્રવ છે. જેમ બારી દવારા મકાનમાં કચરો આવે છે, તેમ યોગ દવારા આત્મામાં કર્મો આવે છે, માટે યોગ પણ આસ્ત્રવ છે. પવનરૂપ યોગ દવારા આવતી કર્મરૂપી રજ કષાયરૂપ પાણીથી ભીનાં આત્માના સઘળાં પ્રદેશમાં ચોંટી જાય છે. યોગથી કર્મનો આસ્ત્રવ, કર્મના આસ્ત્રવથી બંધ, બંધથી કર્મોનો ઉદય, કર્મના ઉદયથી સંસાર, માટે સંસારથી મુકિત મેળવવી હોય તો આસ્ત્રવનો ત્યાગ કરવો જોઇએ યોગરૂપી છિદ્રો દવારા જીવરૂપ નૌકામાં કર્મરૂપ જળનો પ્રવેશ થવાથી સંસારરૂપી સાગરમાં ડૂબી જવાય છે.

આસ્ત્રવનો દ્રવ્યભાવની દ્રષ્ટિએ વિચારીએ તો મન-વચન-કાયાની શુભ-અશુભ પ્રવૃતિ (યોગ) એ દ્રવ્યઆસ્ત્રવ છે. મન-વચન-કાયાની પ્રવૃતિથી ઉત્પન્ન થતા જીવના શુભ-અશુભ પરિણામ તે ભાવ આસ્ત્રવ છે. शुभ: पुण्यस्य: (६-३) શુભ કર્મોનો આસ્ત્રવ તે પુણ્ય. અહિંસા દેવ-ગુરૂ ભકિત, દયા, દાન વગેરે શુભ કાય યોગ છે. સત્ય અને હિતકરવાણી, દેવ-ગુરૂ આદિની સ્તુતિ, ગુણ-ગુણીની પ્રશંસા વગેરે અશુભ વચનયોગ છે. અહિંસા, સત્ય અસ્તેય, બ્રહમચર્ય, દેવ ગુરૂ ભકિત, દયા, દાન વગેરેના વિચારોનો તે મનોયોગ છે.

अशुभ पापस्य: (६-४) અશુભ યોગ પાપનો આસ્ત્રવ છે. હિંસા, ચોરી, વ્યભિચાર, પરિગ્રહ વગેરેની પ્રવૃતિ અશુભ કાયયોગ છે. અસત્ય વચન, કઠોર અને અહિતકર વચન, પૈશૂન્ય નિંદા વગેરે અશુભ વચન યોગ છે. હિંસા, અસત્ય, ચોરી, વ્યભિચાર, પરિગ્રહ વગેરેના વિચારો તથા રાગ, દવેષ, મોહ, ઇર્ષ્યા વગેરે અશુભ મનોયોગ છે.

જીવે તેને કેવા માને છે તે અંગે કહયુ છે કે, આસ્ત્રવ તત્વમાં જે હિંસા વગેરે પાપ આસ્ત્રવ છે તેને હેય અને અહિંસારૂપ વગેરે પુણ્ય આસ્ત્રવ છે તેને ઉપાદેય માને છે. બંને આસ્ત્રવો હોવાથી કર્મબંધના કારણ બને છે. તેમાં ઉપાદેયપણુ માનવું એ જ મિથ્યાદર્શન છે. બંને આસ્ત્રવ ત્યાજય છે, માટે હિંસાદિની માફક અહિંસાદિને પણ ગંધના કારણરૂપ જાણી હેય માનવા, પણ જયાં જીવ વિતરાગ થઇ દ્રષ્ટા જ્ઞાતારૂપ પ્રવર્તે ત્યાં જ નિર્બંધતા છે, માટે ઉપાદેય છે.[6]

આસ્ત્રવના બે ભેદ સકષાય અને અકષાય છે. તેના પ્રસ્તુત ગ્રંથમાં ૩૯ ભેદ છે. પરંતુ આસ્ત્રવ તત્વના સ્વરૂપ જણાતા તત્વવિચાર[7] માં ૪૨ ભેદ જણાવે છે. કેટલાક જીવો કષાયનો અર્થ ક્રોધ, માન, લોભ, માયા કરે છે તે પ્ર્યાપ્ત નથી. મોહન ઉદયમાં જોડતા જીવને મિથ્યાત્વ ક્રોધાદિભાવ તે કષાય છે. આપણને પ્રશ્ન એ થાય કે આસ્ત્રવ જાણવાની જરૂર છે ? તો જયાં સુધી મિથ્યાત્વાદિક ભાવ દુઃખમય છે એમ જીવ જયાં સુધી ન જાણે ત્યાં સુધી તેનો અભાવ પણ જીવ ન કરે અને દુઃખ જ રહે માટે તેને જાણવો આવશ્યક છે.

આમ, સમ્યક દ્રષ્ટિથી મિથ્યાત્વ ટળી જવાથી અનંતાનુબંધી કષાયનો તેમજ અનંતાનુબંધી કષાયની સાથે સબંધ રાખતા અવિરીત અને યોગભાવનો અભાવ થઇ જાય છે. (શ્રીસમયસાર, પૃ.૨૨૫ માં તેની વિગતે ચર્ચા કરવામાં આવી છે.)

(૪) બંધ :

सकषायत्वजिजीव: कर्मणो योग्यान पुद्गलनादते (८-२)[8]
કષાયના કારણે જીવ કર્મને યોગ્ય પુદગલોને ગ્રહણ કરે છે.

બંધના બે પ્રકાર છે. ભાવબંધ અને દ્રવ્યબંધ. પ્રસ્તુત ગ્રંથમાં આઠમા અધ્યાયના પ્રથમ બે સૂત્રમાં જીવના ભાવબંધનું અને ત્યાર પછીના સૂત્રમાં દ્રવ્યબંધનુ અસરકારક વર્ણન કરવામાં આવ્યુ છે. કર્મ પુદગલોનો આત્માની સાથે ક્ષીરનીરવત એકમેરૂપે સબંધ તે દ્રવ્યબંધ અને દ્રવ્યબંધમાં કારણભૂત આત્માનો પરિણામ તે ભાવબંધ.

मिथ्यादर्शनाविरतिप्रमादकषाययोगबन्ध हेतव: (८-९)[9]
મિથ્યાદર્શ્ન, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગના ભેદોને જીવ બાહયરૂપથી જાણે પણ અંતરંગ ભાવોને ઓળખે નહી તો મિથ્યાત્વ ટળે નહી. અન્ય કૂદેવાદિના સેવરૂપ ગૃહિત મિથ્યાત્વને તો મિથ્યાત્વ જાણે પરંતુ અગૃહિત મિથ્યાત્વને જાણે નહી. તેમજ બાહય-ત્રસ-સ્થાવરની હિંસાને તથા ઇન્દ્રિયમનના વિષયમાં પ્રવૃતિને અવિરતિ જાણે પણ હિંસામાં પ્રમાદ પરિણતિમૂળ તથા વિષયસેવનમાં અભિલાષામૂળ છે તે અવલોકે નહિ તો ખોટી માન્યતા ટળે નુહી.

આમઆમ ધુર્મમાં પ્રવેશ કરતા જીવો, ઉપદેશકો જયાં સુધી કર્મબંધના કારણો અને બંધનો મર્મ ન સમજે ત્યાં સુધી તે મહાન ભુલ કરે છે.

(૫) સંવર :

आस्त्रव निरोध: संवर (९-९)[10]
આસ્ત્રવનો નિરોધ એ સંવર છે.

સંવરનો અર્થ જીવના નવા પુણ્ય અને પાપ ભાવ રોકવા. આત્મામાં આવતા કર્મોને જે રોકે તે સંવર. જીવ જયારે આસ્ત્રવ ભાવને રોકે ત્યારે જીવમાં કોઇ ભાવનો ઉત્પાદ થતા આસ્ત્રવ ભાવ રોકાય તે સંવરભાવ. સંવરના બે પ્રકાર છે. સર્વસંવર અને દેશસંવર. સર્વસંવર એટલે સર્વ પ્રકારના આસ્ત્રવનો અભાવ અને દેશસંવર એટલે અુમક થોડા આસ્ત્રવોનો અભાવ. સંવર તત્વના કુલ ૫૭ ભેદ છે.

આસ્ત્રવ રોકતા આત્મામાં જે પર્યાયનો ઉત્પાદ થાય છે તે શુધ્ધોપયોગ છે. તેથી ઉત્પાદ અપેક્ષાએ સંવરનો અર્થ શુધ્ધોપયોગ થાય છે. ઉપયોગ સ્વરૂપ શુધ્ધાત્મામાં ઉપયોગનુ રહવું, ટકવું તે સંવર છે. (સમયસાર ગાથા : ૧૮૧)

પંડિત ઉગ્રસેનકૃત ટીકા, પા.૨૧૮ માં સંવરનો અર્થ નીચે પ્રમાણે છે.
!! જિન પુણ્ય-પાપ નહીં કિના, આતમ અનુભવ ચિત દીના,
તિન હિ વિધિ આવત રોકે સંવર, લહિ સુખ અવલોકે. !!

જે જીવોએ પોતાના ભાવને પુણ્ય-પાપરૂપ કર્યા નથી અને આત્મ અનુભવમાં પોતાના જ્ઞાનને જોડયુ છે તેઓએ કર્મોને આવતા રોકયા તે સંવરની પ્રા૫તિરૂપ સુખને અવલોકે છે.

સમયસારજીની ૧૮૬ મી ગાથામાં કહયુ છે - શુધ્ધા આત્માને અનુભવ જીવ શુધ્ધ આત્માને અને અશુધ્ધ આત્માને જાણતો- અનુભવતો જીવ અશુધ્ધ આત્માને પામે છે.

स गुप्तिसमितिधर्मानुप्रेक्षापरिषहजचारित्रे (९-२)
(ત્રણ) ગુપ્તિ, (પાંચ) સમિતિ, (દશ) ધર્મ, (બાર) અનુપ્રેક્ષા, (બાવીસ) પરિષહજય અને (પાંચ) ચારિત્ર એ છ કારણોથો સંવર થાય છે. પ્રસ્તુત ગ્રંથમાં કુલ ૫૭ ભેદોથી સંવર તત્વ સમજાવ્યુ છે. સમિતિ, ગુપ્ત આદિ દ્રવ્યસંવર છે. દ્રવ્યસંવરથી ઉત્પ્ન્ન થતા આત્માના પરિણામ એ ભાવસંવર છે અથવા કર્મોનુ આત્મામાં ન આવવું તે દ્રવ્યસંવર અને દ્રવ્યસંવરમાં કારણભુત સમિતિ ગુપ્તિ વગેરે ભાવસંવર.

(૬) નિર્જરા :

बन्धेहत्वभाव - निर्जराभ्याम (१०-२)[11]
બંધના હેતુઓનો અભાવ થવાથી અને જુના કર્મોની નિર્જરા થવાથી કર્મોનો ક્ષય થાય છે.

કર્મબંધના મિથ્યાવાદિ પાંચ હેતુઓ છે. તેનો અભાવ થવાથી નવા કર્મો બંધાતા ન હોવાથી સંવરભાવ થાય છે તથા જુના બાંધેલા આ ચારે ઘાતીકર્મોનો ક્ષય થયેલ હોવાથી નિર્જરા થઇ કહેવાય. સંવર અને નિર્જરાના સેવનથી કર્મોનો ક્ષય થાય છે. નિર્જરા બે પ્રકારની છે. દ્રવ્યનિર્જરા અને ભાવનિર્જરા. કર્મ પુદગલોનું આત્મપ્રદેશથી છુટા પડવું અને દ્રવ્યનિર્જરા અને દ્રવ્યનિર્જરાના કારણભુત આત્માના શુધ્ધ પરિણામ તે ભાવનિર્જરા છે. આમાં ભાવનિર્જરા જ મુખ્ય છે. ભાવનિર્જરા વિના થતી દ્રવ્યનિર્જરાથી આત્મા સર્વથા કર્મમુકત બની શકતો નથી. દ્રવ્યનિર્જરા બે કારણોથી થાય છે. (૧) કર્મની સ્થિતિના પરિપાકથી અને (ર) આત્માના શુધ્ધ પરિણામરૂપ ભાવનિર્જરાથી. દ્રવ્યનિર્જરાના આંશિક અને સંપૂર્ણ એમ બે ભેદો છે. અમુક થોડા કર્મોનો ક્ષય તે આંશિક નિર્જરા છે અને સઘળાં કર્મોનો ક્ષય તે સંપૂર્ણ નિર્જરા છે. સંપૂર્ણ નિર્જરામાં સઘળાં કર્મોનો ક્ષય થતો હોવાથી તેનો મોક્ષતત્વમાં સમાવેશ થાય છે. તત્વવિચાર[12] માં બે પ્રકારની નિર્જરા ઉપરાંત સકામ નિર્જરા અને અકામ નિર્જરા બે પ્રકાર આ૫યા છે. નિર્જરાના ૧૨ ભેદ અને ૬ પ્રકારના બાહયતપ જેવા કે, अनसन, उणोदरिका, वृतिसंक्षेपतप, रसत्याग, कायललेशतप, संलीनतातप તથા છ પ્રકારના अभ्यनतर तप, प्रायश्रिततप, विनयतप, वैयाचचध्यतप, स्वाध्यायतप અને ध्यानतप વગેરેનું વર્ણન આપેલ છે.

બાહય અને આભ્યંતર તપ એ સંવર અને નિર્જરાનું કારણ હોવાથી મોક્ષમાર્ગના સાધકે તેનું અવશ્ય સેવન કરવું જોઇએ, પરંતુ આપણને પ્રશ્ન એ થાય કે તપ એ નિર્જરાનુ કારણ કેવી રીતે બને ? તેમાં પણ બાહય તપથી નિર્જરા કેમ થાય ? બાહય તપથી કેવળ કાયા પર અસર થતી હોય તેનાથી આત્મશુધ્ધિ કેવી રીતે થાય ? તો હકીકત જો બાહય તપની આત્મા ઉપર અસર ન થાય તો માત્ર કાયકલેશ છે. આથી પ્રસ્તુત ભાષ્યમાં કહેવાયું છે કે, सम्यक योग................ सम्यक શબ્દનુ અનુસંધાન લેવું. અહી જયાં સુધી દેહનો મમત્વ ભાવ, આહારની લાલસા, ઇન્દ્રિયોનો અસંયમ, સંસારસુખનો રોગ વગેરે દોષો દુર ન થાય ત્યાં સુધી બાહય તપની ભાવના ન થાય. જેમ બાહય તપનું સેવન વધારે તેમ મમત્વાદિ દોષો નાશ પામે અને આત્મામાં શુધ્ધ પરિણામની વૃધ્ધિથી નિર્જરાની વૃધ્ધિ થાય છે. આમ બાહય અને આભ્યન્તર તપ નિર્જરાનું કારણ છે. આત્માની વિશુધ્ધિ જેમ વધારે તેમ નિર્જરા અધિક થાય છે. આમ બંધાયેલ કર્મરુપી રોગને દુર કરવા માટે ઔષધરૂપ નિર્જરાનુ સેવન કરવુ અનિવાર્ય છે.

(૭) મોક્ષ :

कृत्सन कर्मक्षयो मोक्ष : (१०-३)13
મોક્ષ થતાં જન્મ-મરણ આદિ દુઃખનો વિચ્છેદ થાય છે. જેમ બીજ બળી જવાથી અંકુરની ઉત્પતિ થતી નથી તેમ કર્મરૂપી બીજ બળી જવાથી દુ:ખની ઉત્પતિ થતી નથી.

सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्ग (१) સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચરિત્ર એ ત્રણેય મોક્ષપ્રાપ્તિના ઉપાય છે. बंधहेत्वाभावनिर्जराजयां कृत्स्नकर्मावप्रमोक्षो मोक्ष: ॥२॥ બંધના કારણો (મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ) નો અભાવ તથા નિર્જરા વડે સમસ્ત કર્મોનો અત્યંત નાશ તે મોક્ષ.

મોક્ષ યત્નથી સાધ્ય છે. જીવ પોતાના પુરુષાર્થથી મિથ્યાત્વ ટાળીને સમ્યક દર્શન પ્રગટ કરે છે અને પછી વિશેષ પુરૂષાર્થથી વિકાર ટાળી મુકત થાય છે. જો આત્મા બે ઘડી પુદગલ દ્રવ્યથી ભિન્ન પોતાના શુધ્ધ સ્વરૂપનો અનુભવ કરે, પરિષહ આવ્યે અડગ રહે તો ઘાતી કર્મોનો નાશ કરી કેવળ જ્ઞાાન ઉત્પન્ન થતાં મોક્ષને પામે છે.14 કેટલાક જીવો અજ્ઞાનતામાં સ્વર્ગ અને મોક્ષના સુખને એક ગણે છે. પરંતુ સ્વર્ગમાં તો વિષયાદિ સામગ્રીજનીત ઇન્દ્રિયસુખ હોય છે. જયારે મોક્ષમાં વિષયાદિ સામગ્રીનો અભાવ હોય છે. પરંતુ મહાપુરૂષો મોક્ષના સુખને ઉત્તમ ગણે છે.15

સંપૂર્ણ વિશ્વમાં મોક્ષસુખ સમાન કોઇ અનુપમ સુખ નથી. મોક્ષસુખ અરિહંતોને પ્રત્યક્ષ છે. માટે જ તેમણે બુધ્ધિમાન પુરુષોને મોક્ષસુખનો સ્વીકાર કરવાનો ઉપદેશ આપ્યો છે.

તત્વનું પ્રયોજન :

તત્વોને સમ્યક રીતે જાણીને હોય તત્વોનો ત્યાગ અને ઉપાદેય તત્વોનુ ગ્રહણ એ પ્રસ્તુત ગ્રંથમાં તત્વજ્ઞાનનું પ્રયોજન છે. જીવ, સંવર, નિર્જરા અને મોક્ષ એ ચાર ઉપાદેય તથા આસ્ત્રવ, અજીવ અને બંધ એ ત્રણ હોય તત્વો છે. નવ તત્વોની અપેક્ષાએ પાપ સર્વથા હોય અને પુણ્ય અપેક્ષા પ્રમાણે હોય તથા ઉપાદેય પણ છે. અશુધ્ધ પુણ્ય સર્વથા હેય અને શુધ્ધ પુણ્ય વ્યવહારથી અમુક કક્ષા સુધી ઉપાદેય છે. શુધ્ધ પુણ્ય ભોમિયાની ગરજ સારે છે. જેમ મુસાફરોને વિકટ પંથે જવામાં ભોમિયો રાહબર બને છે તેમ શુધ્ધ પુણ્ય જીવનો આધ્યાત્મિક વિકાસ સાધી કાર્ય પૂર્ણ થતા વિદાય લે છે. તેથી શુધ્ધ પુણ્ય ઉપાદેય છે. પણ નિશ્ચયથી શુધ્ધ પુણ્ય હોય છે. કારણ કે કર્મમાત્ર જીવની સ્વતંત્રતા રોકતા હોવાથી બેડી સમાન છે. પાપ કર્મ લોખંડની બેડી સમાન છે. તો પુણ્યકર્મ સુવર્ણની બેડી સમાન છે.

તત્વનો પરસ્પર સબંધ :

જીવ તત્વમાં અજીવ કર્મતત્વનો આસ્ત્રવ થવાથી બંધ થાય એટલે કે જીવની સામે અજીવ કર્મ પુદગલો ક્ષીરનીરવત એક બની જાય છે. કર્મોદય થવાથી જીવનું પરિભ્રમણ અને દુઃખનો અનુભવ થાય છે. આમ દુઃખનુ ઉદગમ સ્થાન આસ્ત્રવ તત્વ છે. માટે દુઃખ દુર કરવા આસ્ત્રવનો નિરોધ એટલે સંવર જરૂરી છે અને પૂર્વે બંધાયેલા કર્મોનો નાશ કરવા માટે નિર્જરા જરૂરી છે. સંવરથી કર્મોનો બંધ થતો નથી તેમજ નિર્જરાથી આત્મા સર્વથા કર્મરહિત બને છે. આમ મોક્ષ માટે આત્માની કર્મરહિત અવસ્થા જ યોગ્ય છે.16

તત્વોને જાણવાના સાધનો :

प्रमाणनयैरधिगम: (१-६)17
! પ્રમાણ અને નયોથી તત્વોના અધિગમનો બોધ થાય છે. ! પ્રમાણ અને નય બંને જ્ઞાાનરૂપ છે. કારણ કે કોઇ પણ વસ્તુનો નિર્ણયાત્મક બોધ (જ્ઞાન) પ્રમાણ અને નય દવારા જ થાય છે. છતાં પણ બંનેમાં ભેદ છે. જેનાથી વસ્તુનો નિત્ય-અનિત્ય આદિ અનેક ધર્મોનો નિર્ણયાત્મક બોધ તે પ્રમાણ. જેનાથી વસ્તુનો નિત્ય કે અનિત્યમાંથી કોઇ એક ધર્મના નિર્ણયાત્મક બોધ તે નય. પ્રમાણથી વસ્તુનો પૂર્ણ અને નયથી વસ્તુનો આંશિક બોધ થાય છે. આમ નય-પ્રમાણનો અંગ હોવાથી બંને વચ્ચે અંગાંગી ભાવ છે. જેમ કે આત્મા નિત્ય છે કે અનિત્ય છે તે બાબતમાં ! આત્મા નિત્યાનિત્ય છે !! એ પ્રમાણ વાકય છે અને !! આત્મા નિત્ય છે અથવા અનિત્ય છે ! તે વાકય નય વાકય છે. એવી જ રીતે ज्ञानक्रियाभ्यां मोक्ष: । એ પ્રમાણ વાકય તેમજ ज्ञानेन मोक्ष क्रियया मोक्ष: । એ નય વાકય છે.

તત્વોનું જ્ઞાન પ્રમાણ અને નયથી થાય છે. પરંતુ વિશેષ રૂપે પ્રસ્તુત ગ્રંથમાં તત્વસબંધી અધિગમ જ્ઞાાન કરવાના દવારોનો નિર્દેશ કરે છે.

निर्दशस्वामित्वसाधनाधिकरणसिथतिविधानत:॥१-७॥ सत्संख्याक्षेत्रस्पर्शनकालानतरभावाल्पबहुत्वैश्च ॥१-८॥
નિર્દેશ, સ્વામિતત્વ, સાધના, અધિકરણ, સ્થિતિ અને વિધાન એ છ દવારોથી તત્વોનું જ્ઞાન થઇ શકે છે. સત, સંખ્યા, ક્ષેત્ર, ર્સ્પશના, કાલ, અંતર, ભાવ અને અલ્પબહુત્વ એ આઠ દવારોથી તત્વનું જ્ઞાન થઇ શકે છે.

તત્વોના સ્વરૂપ, ઉત્પતિ સાધન, સ્થાન, કાળ, પ્રકાર, વિવિક્ષિત તત્વની જગતમાં વિધમાનતા, તત્વો તથા તેના માલિકની સંખ્યા, ક્ષેત્ર વિચારણા, પ્રાપ્તિ બાદ તેનો વિયોગવધિ, ઔદાયિક ભાવમાં વિવિક્ષિત તત્વ વિચારણા, સમ્યક દર્શન આદિ તત્વોનો સ્વામીને આશ્રયીને ન્યૂન અધિકનો વિચાર વગેરે તત્વોને જાણી શકાય છે.

આમ, પૂ.શ્રી ઉમાસ્વાતિજી રચિચ !! તત્વાર્થધિગમસૂત્ર !! માં અસરકારક ભાષામાં અનેક જગ્યાનો લૌકિક ઉદાહરણોના માધ્યમથી અલૌલિક તત્વોનું સચોટ નિરૂપણ કરવામાં આવ્યુ છે. અન્ય ગ્રંથોમાં નિરૂપિત તત્વચર્ચાને સુત્ર ગૂંથીને રજૂ થયેલી તત્વમીમાંસા સર્વને માટે અત્યંત ઉપયોગી અને મોક્ષદાયિની છે.

પાદટીપ::

  1. તત્વાર્થસૂત્ર (મોક્ષસૂત્ર) પૃ.૧૮૮
  2. તત્વાર્થસૂત્ર (મોક્ષસૂત્ર) પૃ.૨૩૮
  3. તત્વાર્થધિગમસૂત્ર - અધ્યાય-૯, પૃ.૧૨૫
  4. તત્વાર્થસૂત્ર (મોક્ષસૂત્ર) પૃ.૩૭૩
  5. તત્વાર્થધિગમસૂત્ર - અધ્યાય-૯, પૃ.૧૬૪
  6. તત્વાર્થસૂત્ર (મોક્ષસૂત્ર) પૃ.૩૯૬
  7. તત્વવિચાર, પૃ.૯૪
  8. તત્વાર્થધિગમસૂત્ર - અધ્યાય-૮, પૃ.૨૩૨
  9. તત્વાર્થધિગમસૂત્ર - અધ્યાય-૮, પૃ.૨૩૧
  10. તત્વાર્થધિગમસૂત્ર - અધ્યાય-૯, પૃ.૨૬૩
  11. તત્વાર્થધિગમસૂત્ર - અધ્યાય-૧૦, પૃ.૩૧૬
  12. તત્વવિચાર, પૃ.૧૦૯
  13. તત્વાર્થધિગમસૂત્ર (ગુજ.) વિ.રાજશેખરવિજયજી, પૃ.૩૧૭
  14. તત્વાર્થસૂત્ર (મોક્ષસૂત્ર) પૃ.૬૧૦
  15. તત્વાર્થસૂત્ર (મોક્ષસૂત્ર) પૃ.૬૧૮
  16. તત્વાર્થધિગમસૂત્ર (ગુજ.) વિ.રાજશેખરવિજયજી, પૃ.૩૧
  17. તત્વાર્થધિગમસૂત્ર (ગુજ.) વિ.રાજશેખરવિજયજી, પૃ.૩૩
સંદર્ભ ગ્રન્થો :
  1. તત્વાર્થધિગમસૂત્ર - લે.ઉમાસ્વાતિજી, વિવેચક : શ્રી રાજશેખરવિજયીજી મહારાજ, પ્રકા.શ્રીમદ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા અને શ્રી જૈન શ્રેયસ્કર મંડળ, મહેસાણા, પ્રથમ આવૃતિ, ઇ.સ.૧૯૭૫
  2. તત્વાર્થધિગમસૂત્ર - લે.ઉમાસ્વાતિજી, વિ.ધીરજલાલ મહેતા,(ગુજરાતી વિવેચન) પ્રકા.શ્રી જિન શાસન આરાધના ટ્રસ્ટ મુંબઇ, વિ.સં.૨૦૫૮
  3. તત્વવિચાર - લે.મુનિશ્રી બુધ્ધિસાગરજી, પ્રકા. શ્રી જૈન જ્ઞાન પ્રસારક મંડળ, મુંબઇ, વિ.સં.૧૯૬૦
  4. તત્વાર્થસૂત્ર - લે.ઉમાસ્વાતિ, ટીકા સંગ્રહ : રામજી માણેકચંદ દોશી (મોક્ષશાસ્ત્ર) પ્રકા. કાનજી સ્વામી સ્મારક ટ્રસ્ટ, દેવલાલી (મહારાષ્ટ્ર) ગુજ.ટીકા પાંચમી આવૃતિ, વિ.સં.૨૦૪૭

બાલધા નયના જી. (પીએચ.ડી.છાત્રા) સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ