‘હયવદન' : પૂર્ણતાને પામવાની અપ્રતિમ ઝંખનાને વ્યક્ત કરતું નાટક
૧૯૯૮નો જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર ગિરીશ કર્નાડ નાટયકાર ઉપરાંત કુશળ અભિનેતા અને દિગ્દર્શક છે. તેમનો જન્મ ૧૯ મે ૧૯૩૮ માં માથેરાન મહારાષ્ટ્રમાં થયો હતો. મૂળે ગણિતશાસ્ત્રના વિદ્યાર્થી છે. પ્રતિષ્ઠિત રોહડજ સ્કોલરશીપ મેળવી ઓક્સફોર્ડમાંથી ઉપાધિ મેળવનાર ગિરીશ કર્નાડ પોતાના જીવનની કારકિર્દી નાટક, રંગમંચને સમર્પિત કરી દીધી છે. જેમ નાટકના ક્ષેત્રમાં તેમ ફિલ્મના ક્ષેત્રમાં પણ એમનું મહત્વનુ પ્રદાન છે. પૂણેના ફિલ્મ ઈન્સ્ટિટ્યૂટના નિર્દેશક રહી ચૂક્યા છે. દિલ્હી સ્થિત સંગીત - નાટક અકાદમીના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. શ્યામ બેનેગલની ફિલ્મ ‘નિશાન્ત'માં પહેલા એક્ટર તરીકે ‘સંસ્કાર' અને ‘વંશવૃક્ષ' જેવી ફિલ્મોનું દિગ્દર્શન કરી એમને નામના મેળવી છે. ટી.વી.ના પરદે પણ તેઓ અનેક શ્રેણીઓમાં દેખાય છે. આવા અત્યંત પ્રતિભાસંપન્ન ગિરીશ કર્નાડ સાતમા કન્નડ સાહિત્યકાર છે, જે જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત થયા છે.
ગિરીશ કર્નાડ પાસેથી ‘યયાતિ'(૧૯૬૧), ‘તુઘલક'(૧૯૬૪), ‘હયવદન'(૧૯૭૧), ‘અંજુ મલ્લિગે'(૧૯૭૭), ‘હિટ્ટીનાં હુંજા'(૧૯૮૦), ‘નાગમંડળ’(૧૯૮૮), ‘તાલેડાંડા’(૧૯૯૦), ‘અગ્નિ મટ્ટ માલે' (૧૯૯૫) વગેરે નાટકો ઉપરાંત ‘નિશાદા'(૧૯૬૪) એક રેડિયો નાટક મળે છે. ભોળાભાઈ પટેલ કહે છે કે, “ગિરીશ કર્નાડ એવા નાટ્યકાર છે, જે કન્નડાની પ્રાદેશિક સીમા વટાવી દેશ-દુનિયામાં પહોંચી ગયા છે. કન્નડના ગિરીશ કર્નાડ, મરાઠીના વિજય તેંદુલકર, હિન્દીના મોહન રાકેશ, બાંગળીના બાદલ સરકાર આ બધાએ જાણે આધુનિક ભારતીય રંગમંચની સ્થાપના ન કરી હોય, એમ એમના નાટકો પરત્વે ભાષાભેદ ભુંસાઈ ગયા છે.”[1] નાટયકાર ગિરીશ કર્નાડની વિદ્ધતાને દર્શાવતા “આજ કે રંગ નાટક નામના સંપાદનની પ્રસ્તાવનામાં ઈબ્રાહીમ અલ્કાઝોએ સાચું જ કહ્યું છે કે ‘ભારતીય રંગભૂમિના ઈતિહાસમાં સૌ પ્રથમ જ વાર એવું બન્યું છે કે, એક નાટ્યકારે પોતાની માતૃભાષામાં કરેલી રચનાઓ થોડાકજ મહિનાઓમાં રાષ્ટ્રીય સ્તર પર દર્શક સમુદાય મેળવી લીધો હોય. પોતાના નાટકોની ઓછામાં ઓછી ડઝનેક મુખ્ય દિગ્દર્શકો દ્વારા અભિવ્યક્તિ થઈ હોય અને શ્રેષ્ઠતાનાં રાષ્ટ્રિય પુરસ્કારો પણ પ્રાપ્ત થયા હોય.”[2] આવા વિદગ્ધ નાટયકાર ગિરીશ કર્નાડની નત્યકૃતિ ‘હયવદન' ની મારે વાત કરવી છે.
ગિરીશ કર્નાડનું બહુચર્ચિત નાટક ‘હયવદન' ૧૯૭૧માં લખાયું. આ નાટકનો આરંભ કર્ણાટકની લોકનાટયશૈલીથી થાય છે. નાટકનું કથાનક વૈતાલ પચ્ચીસી તેમજ તેનો સ્ત્રોત આપણા પ્રસિધ્ધ ‘કથાસરિત્સાગર'ની ‘મસ્તક વિનિમયની' કથામાં છે. જર્મન નવલકથાકાર થોમસ માને એ કથા પરથી લખેલી મનોવૈજ્ઞાનિક નવલકથા જર્મનમાંથી અંગ્રેજીમાં ‘Transposed heads' તરીકે જાણીતી છે. કર્નાડના નાટકને આ નવલકથાનો લાભ પણ મળ્યો છે. આ નાટકનો હિન્દી અનુવાદ બી.વી. કારન્તે કર્યો છે અને ગુજરાતી અનુવાદ ચિનુમોદીએ કર્યો અને નિમેષ દેસાઈના દિગ્દર્શનમાં અમદાવાદમાં ભજવાયો હતો.
‘હયવદન' નાટક બે ભાગમાં છે, પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ. બંને ભાગ એક-બીજાના પૂરક છે. પૂર્વાર્ધમાં હયવદનની વીતકકથા અને ઉત્તરાર્ધમાં મસ્તકની અદલાબદલીથી સર્જાતી વિટંબણા નાટ્યકારે સુપેરે આલેખી છે. ‘હયવદન' નાટકની શૈલી વિશે ગિરીશ કર્નાડ રાજીન્દરનાથ સાથેની વાત-ચીતમાં કહે છે કે, "હયવદન યક્ષગાનશૈલીમાં નથી પણ યક્ષગાનના બે તત્વો (1) ભાગવત ચરિત્ર અને (2)અર્ધપટ્ટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ભાગવત સૂત્રધારનું નામ છે, અને તે સૂત્રધાર યક્ષગાનમાં જ નહીં પણ અનેક પ્રકારની નાટ્યશૈલીમાં જોવા મળે છે. જ્યારે અર્ધપટ્ટીનો ઉપયોગ અક્ષગાનથી વધારે કથકલીમાં થતો જોવા મળે છે.”[3] ‘હયવદન' નાટકનો પ્રારંભ ગણેશસ્તુતિથી થાય છે. અને સૂત્રધાર ભાગવત પ્રવેશ કરે છે. સૂત્રધાર ભાગવત નાટકના કથાવસ્તુની માંડણી કરતાં કહે છે કે ધર્મપુરી નામે એક નગર હતું. આ નગરમાં બે મિત્રો કપિલ અને દેવદત્ત રહેતા હતાં. ભાગવત બંનેના વખાણ કરતાં કહે છે કે,દેવદત્ત પિતા જેવો પ્રકાંડ પંડિત, રૂપવાન, કવિજીવ. જ્યારે કપિલ કુસ્તીબાજ, બલિષ્ઠ દેહ ધરાવતો વનમાનુસ છે. ભાગવત આવી introductory speech આપતા હોય છે, ત્યાંજ નટ-(1) દોડતો આવે છે. હયવદની મનુષ્યને જોતાં જ તે ફફડી ગયો છે. તે કહે છે કે, પોતે મૂત્ર વિષર્જન અર્થે માર્ગના કિનારે બેસતાં જ એક અવાજે એને રોક્યો. એણે જોયું તો કોઈ મનુષ્યની વાણી બોલતો ઘોડાનું મુખ ધરાવતો મનુષ્ય હતો. નટની આ વાત આરંભે ભય, હાસ, કુતૂહલની સૃષ્ટિ રચી આપે છે. તેમજ શ્રોતાઓને રંગમંચ તરફ ધ્યાન કેન્દ્રિત કરવા મદદરૂપ બને છે. હયવદનની મનુષ્યને જોઈ ડરી ગયેલ નટની ભાગવત ઠેકડી ઉડાવે છે. ત્યાંજ એ અશ્વમુખી મનુષ્ય રંગભૂમિ ઉપર આવે છે. હયવદન પોતાની આ દશાની વીતકકથા કહે છે, કે તેની માતા પોતાના સ્વયંવરમાં કોઈ રાજકુંવરને પસંદ કરવાને બદલે વીર્યવાન ઘોડાને પસંદ કરે છે. તેમજ તેની સાથે પંદર વર્ષ સંતોષી જીવન પસાર કરે છે. આમ મનુષ્ય અને અશ્વના અટ-પટા સંયોગથી જન્મેલો અડધો અશ્વ અને અડધો મનુષ્ય તે ‘હયવદન.’ આવી અપૂર્ણતામાંથી છુટકારો મેળવવા ભાગવત એને ચિત્રકૂટની મહાકાળી પાસે મોકલે છે અને મૂળ નાટક આગળ ચલાવે છે.
રૂપરૂપના અંબારસમી પદ્મિનીને જોતાંજ દેવદત્ત ઘાયલ થાય છે. અને તે કપિલને પદ્મિની વિશે વાત કરે છે. અને કહે છે કે પદ્મિની પ્રાપ્ત થાય તો કમળપૂજા કરીશ એવો સંકલ્પ કરે છે. દેવદત્તની તડપન જોઈ કપિલ મિત્રપ્રેમથી પ્રેરાઈ બંનેનો મેળાપ કરાવે છે. પદ્મિનીના લગ્ન સુધી કપિલ વાત પહોંચડે છે. લગ્ન બાદ પેલી દબાએલિ સંવેદના જોર કરવા માંડે છે. કપિલ-દેવદત્તમાંથી પદ્મિનીને વિશેષ કપિલ પાસે જ રહેવાનુ ગમવા લાગે છે. એક વખત ત્રણેય ઉજ્જૈન ફરવા જાય છે ત્યારે દેવદત્તને પોતાનો સંકલ્પ સાંભરે છે. કપિલ અને પદ્મિની ના જાણે તેમ દેવદત્તે દેવીને પોતાનું શિર ધરી દીધું. દેવદત્તની તપાસમાં નીકળેલા કપિલે મિત્રાઘાતે વ્યથિત થઈ દેવદત્તનું અનુકરણ કરી પોતાનો શિરચ્છેદ કર્યો. બંનેને શોધવા આવેલી પદ્મિની બંનેની આત્મહત્યાથી વ્યથિત થઈ તે પણ મરવા તૈયાર થાય છે. ત્યાંજ દેવી પ્રગટ થાય છે અને પદ્મિનીને અટકાવે છે. બંનેના મસ્તક ધડ ઉપર મૂકી દેવાથી બંને પુનઃ જીવિત થશે એવું કહી દેવી અંતર્ધ્યાન થયાં. ઉતાવળમાં પદ્મિનીથી મસ્તકની અદલા-બદલી થઈ જાય છે. “નાયિકા પદ્મિનીની પૂર્ણ પુરુષને પામવાની અદમ્ય ઝંખના, એ ઝંખના જ એની પાસે બુધ્ધિમાન દેવદત્ત અને બલિષ્ઠ કપિલના મસ્તકની અદલા-બદલી કરાવે છે. આમુખ્ય કથા સાથે જેનું માથું ઘોડાનું છે પણ શરીર માનવીનું છે એવા હયવદનની પૂર્ણ મનુષ્ય બનવા માટેની અતૃપ્ત એષણાનું નિરૂપણ કરતું ગૌણ કથાનક પણ કલાત્મકરીતે ગુંથી લેવામાં આવ્યું છે. આમ, અહીં એક તરફ છે મસ્તકની અદલા-બદલીનું કથાઘટક અને બીજી બાજુ છે ‘હય’ અર્થાત અશ્વ અંગેની દંતકથા.”[4] મસ્તકની અદલા-બદલી થતાં કપિલ અને દેવદત્ત વચ્ચે દ્વંદ્વ ઊભો થાય છે. પદ્મિનીનો અસલી પતિ કોણ? આ પ્રશ્નમાં જ પૂર્વાર્ધ પૂર્ણ થાય છે.
નાટકના ઉત્તરાર્ધમાં ભાગવત ગાતાં-ગાતાં પ્રવેશે છે, અને પદ્મિનીનો પતિ કોણ તેનો ઉત્તર આપતા ઋષિ કહ્યાં પ્રમાણે જણાવે છે કે મનુષ્યના શરીરનો મુખ્ય ભાગ મસ્તક છે માટે કપિલદેહિ દેવદત્ત પદ્મિનીનો પતિ ગણાય. પદ્મિનીને તો બંને તરફ આકર્ષણ છે તેથી તે સ્પષ્ટ જવાબ આપી શકતી નથી. અને તે ઋષિવચનને સહર્ષ સ્વિકારી લે છે. કાળક્રમે પરિવેશની અશરથી કપિલદેહી દેવદત્ત મૂળ દેવદત્ત જેવોજ થઈ જાય છે. આથી પુનઃ પદ્મિની કપિલ માટે ટળવળે છે. દેવદત્ત ઉજ્જૈન જાય છે ત્યારે મોકો મળતા પદ્મિની દેવદત્તદેહિ કપિલને મળવા વનમાં જાય છે. દેવદત્તદેહી કપિલ પણ કાળક્રમે પરિવેશની અશરથી મૂળ વનમાનુષ કપિલ થઈ ગયો છે. કપિલને મળવા જંગલમાં આવેલી પદ્મિનીને કપિલ આવવાનું કારણ પૂછે છે ત્યારે એ કહે છે – “મારો દીકરો જાણતો ન હતો કોઈ નદીની સાથે કેમ વાતો કરે, પગમાં કાંટા કેમ વાગે, એ એને દેખાડવા લાવી છું.” દેવદત્ત પદ્મિનીને શોધતો શોધતો ત્યાં આવી જાય છે અને કપિલ સાથે સંઘર્ષ કરે છે. યુદ્ધમાં બંને હણાય છે. અહીં ગિરીશ કાર્નાડે નાટ્યાત્મક વક્રતા સિદ્ધ કરી છે. દેવદત્ત અને કપિલ દેવીના મંદીરમાં જાતેજ પોતાનો શિરચ્છેદ કરતાં આત્મહત્યાને વરે છે. તેવી જ રીતે કપિલદેહિ દેવદત્ત અને દેવદત્તદેહિ કપિલ પરસ્પર હણાય છે. અહીં તેઓ એક બીજાની હત્યા કરેછે કે આત્મહત્યા? પદ્મિનીની સામેજ બંને મૃત્યુને વરે છે પણ પદ્મિની કંઈજ કરી શકતી નથી. અને આખરે તે કપિલદેહિ દેવદત્તથી થયેલું સંતાન ભાગવતને સોંપીને સતી થાય છે. આમ,પૂર્ણતાને પામવાના નિષ્ફળ પ્રયત્નોમાં જ ત્રણેય મોત ને વરે છે.
મૂળ નાટકના સમાંતરે ચાલતું હયવદનનું ઉપાખ્યાન આરંભ અને અંતે લાવવામાં આવે છે. પદ્મિની સતી થતાં નાટક પુરું થવાની તૈયારીમાં જ હતું, ભાગવત મંગળગીત ગાવાની તૈયારીમાં જ હતાં ત્યાંજ નેપથ્યમાં નટ-(2)ની બૂમ સંભળાય છે. તેને પૂર્ણાગ ઘોડો મનુષ્ય બોલી બોલતો દીઠો તેથી ભયનો માર્યો અહીં આવ્યો છે. એ ઘોડો રાષ્ટ્રગીતો જ ગયા કરે છે. ઘોડો નટ(2)ની પાછળ પાછળ રંગભૂમિ પર આવે છે. ભાગવત ઓળખી જાય છે કે આતો પેલો હયવદન જ છે. હયવદન પોતાની વીતકકથા કહે છે કે મેં દેવી પાસે પૂર્ણાગ થવાનું વરદાન માંગ્યું! મનુષ્યવાણી બોલવું રહી ગયું, તેથી એ પૂર્ણાંગ અશ્વ થયો. પણ વાણી મનુષ્યની જ રહી, એને મનુષ્યવાણી ગમતીજ નથી. કોઇકે કહ્યું રાષ્ટ્રગીતો ગાવાથી ગળું ખરાબ થઈ શકે ત્યારથી બસ રાષ્ટ્રગીતો જ ગાયાં કરે છે. ત્યાંજ નટ(1) પદ્મિનીના પુત્રને જે બોલતો નથી, હસતો નથી તેને લઈને આવે છે. એ બાળક ઘોડાને જોઈને ખુશ થઈ જાય છે. બધાં એને અશ્વ પર બેસાડે છે, ત્યાંજ અશ્વને હણહણાટી અને બાળકને વાણી પ્રાપ્ત થાય છે. પંડિત વિદ્યાધર શર્માને દેવદત્તનો પુત્ર આવ્યો છે તેવા સમાચાર કહેવડાવે છે ત્યાં નાટક પુરું થાય છે.
આ નાટકમાં ત્રણેય પાત્રોના સંવાદો અને સ્વગોક્તિમાં એમની વ્યથાને આકાર મળ્યો છે. કપિલ-દેવદત્ત ના ધડની અદલા-બદલીથી જે પ્રશ્નો સર્જાય છે તેને નાટ્યાત્મક રીતે વ્યક્ત કરવામાં સર્જક સફળ રહ્યાં છે. પદ્મિનીનો નાટકમાં પ્રવેશ એના સ્વભાવને અનુરૂપ ભાષા દ્વારા થયો છે. એની ભાષામાં કપિલ તરફનું અદમ્ય આકર્ષણ કે દેવદત્ત પ્રત્યેની વસલ્યભાવ પ્રેરિત દયા બરાબર વ્યક્ત થઈ છે. દેવદત્ત પ્રેમમાં પડતાં જે ભાષા બોલે છે એનાથી કપિલ પરિચિત હોઈ એની સાથેજ સહસંવાદમાં જોડાઈ જતાં રમુજ પડે છે. દેવદત્તના અધૂરા વાક્યો કપિલ પૂરા કરે છે એવી નાટયયોજના રસપ્રદ છે. ભાગવત (સૂત્રધાર)નો વિનિયોગ પણ નાટકને લવચિક બનાવે છે. કથાવસ્તુને એના નિમિત્તે સંપાદિત કરી શકાયું છે. તે પ્રેકક્ષકોને સજાગ રાખતા રહે છે. કેટલીક વાર એના નિમિત્તે પાત્રના અંતરમનસની રજૂઆત કરવાની તક પણ સર્જકે ઝડપી છે. નાટકમાં આવતું દેવીનું પાત્ર તેના વર્તન અને ચેષ્ઠાઓ દ્વારા સર્જક મદ્યકાલીન અંશોને નિર્લેપ રીતે રજૂ કરી ભાવક સમક્ષ મૂકે છે. દેવીનું આળસ-બગસાં ખાવાં, ઘોર ઉંઘમાં હોવું નાટકને હળવું બનાવે છે.
ગિરીશ કાર્નાડે નાટકમાં ઢીંગલીઓનો પાત્રો તરીકે ઉપયોગ કર્યો છે. બંને ઢીંગલીઓના સંવાદોનું પ્રતિકાત્મક આલેખન કરીને પદ્મિનીના મનોવ્યાપાર અને અસમંજસને નાટ્યાત્મકરીતે રજુ કરે છે. ‘ડૉ. શિવશંકર એચ. જોશી જણાવે છે કે ગિરીશ કર્નાડ નાટકના કેન્દ્રિય ભાવને તીવ્રતાથી પ્રગટ કરવા ઢીંગલીઓનો સુંદર વિનિયોગ કર્યો છે. તેના દ્વારા પાત્રોની મનસ્થિતિ અને મનોભાવો સુપેરે પ્રગટાવ્યાં છે. ગિરીશ કર્નાડ ઢીંગલીઓની સ્પર્શન્દ્રિયનો અનુભવ સંવેદનશીલ સામાજીકો સુધી સક્રાંત કર્યો છે.’[5] પદ્મિની દેવદત્તના લગ્નને પણ માત્ર વિવાહસૂચક સંગતથી જ સૂચવીને સર્જક પોતાની રંગભૂમિપરક અભિજ્ઞતાનો પરિચય આપ્યો છે. ઢીંગલીઓના પાત્ર તરીકેનો ઉપયોગ સૂચક છે. એમને જૂની થતાં બદલી શકાય પરંતુ દેવદત્ત જૂનો થતાં બદલી શકાય? એવું પદ્મિનીના વર્તનમાં સૂચિત છે. પદ્મિની-કપિલ-દેવદત્તની ઉજ્જૈન યાત્રા વેળાએ આવતું સુહાગનું ફુલ અને પદ્મિનીના પિતૃગૃહે દ્વારે બે માથાવાળા પક્ષીનું ચિત્ર હોવું તે પ્રતિકાત્મક બની રહે છે.
ગિરીશ કાર્નાડે ‘હયવદન’ નાટકની અંદર ૧૨ જેટલા ગીતોનો ઉપયોગ કર્યો છે. અને આ ગીતો દ્વારા મૂળ કથાવસ્તુને વેગ આપવામાં આવ્યો છે. માર્મિક અર્થ પ્રગટ કરતાં ગીતો વિશે ભરત મહેતા કહે છે કે
‘ભાગવત દ્વારા ગવાતાં ગીતો સંદર્ભિત છે. કન્નડ ભાષામાં એની જે નજાકત હશે તે તો અનુવાદમાં આવે નહીં.’[6]
ગિરીશ કાર્નાડે ‘હયવદન’ નાટકમાં કપિલ-દેવદત્ત-પદ્મિનીની કથા સાથે હયવદનના ઉપાખ્યાનને જોડીને તખ્તા પર મનુષ્યની પૂર્ણતા તરફથી આંધળી દોટ ને રજૂ કરી છે. હયવદન પૂર્ણાંગ બનવા ઘણું ફર્યો, ઘણા ઉપાયો કર્યા પણ આખરે તે પૂર્ણ મનુષ્ય ના બનતા પૂર્ણ પશુ બની જાય છે. અહીં Drammatical-tragedy જોવા મળે છે. “કદાચ પૂરેપૂરા પશુ થઈ જઈશું તોજ પૂર્ણ થઈશું, માણસ રહીશું તો અધૂરા રહીશું. આ પ્રકારનો સંકેત આવા અંત દ્વારા કદાચ કર્નાડ આપવા માગે છે. પશુત્વમાં જ પૂર્ણતા હશે. પશુત્વ એટલે આદિમતાના અર્થમાં જંગલિયતના અર્થમાં નહીં. આદિમતાના અર્થમાં, કેમકે ઘણીવાર આપણે જ્યાં પુરા પશુ થવાનું હોય છે ત્યાં પશુ નથી થઈ શકતાં. પુર્ણ મનુષ્યતો નથી જ થઈ શકતાં. થઈ શકશું કે કેમ એ પણ એક પ્રશ્ન છે, પદ્મિનીની જેમ.”[7]
આમ, નાટકના અંતે એવું લાગે કે તે સુખાંત રીતે પૂર્ણ થાય છે. પરંતુ મનુષ્યની પૂર્ણતાને પામવાની અપ્રતિમ ઝંખના અને તેના કારણે સર્જાતી વિટંબણા નાટકના ગર્ભમાં ટ્રેજેડી છોડી જાય છે.
સંદર્ભ:
- આવ,ગિરા ગુજરાતી, પૃ. ૯૧, ભોળાભાઈ પટેલ.
- દેશ વિદેશની રંગભૂમિ, પૃ. ૭૫-૭૬, ઉત્પલ ભાયાણી.
- હયવદન, પૃ. ૧૧, અનુ.બી.વી.કારંન્ત.
- સ્વર્ણિમ રંગગુર્જરી, પૃ. ૧૦૯, મહેશ ચંપકલાલ.
- શબ્દસૃષ્ટિ,પૃ. ૭૧, અંક – ૮, ઑગષ્ટ ૨૦૧૬.
- નાટ્યનાંદી, પૃ. ૧૦૮, ભરત મહેતા.
- અસ્મિતાપર્વ : વાક્ધારા -૨, પૃ. ૨૦૦, લે.સતીશ વ્યાસ, સં.હર્ષદ ત્રિવેદી.