“ના છુટકે” – નવલકથામાં સમાજજીવન
સમાજશાસ્ત્રમાં ‘સમાજ’ વિષયવસ્તુ તો હોય છે, સાથો સાથ સમાજ સાહિત્યમાં પણ નીરુપયેલો હોય છે. અને તેથી જ તો દરેક સમાજનું પ્રતિબિંબ તેનાં સાહિત્યમાં જોવા મળે છે. સાહિત્યની રચના પણ સમાજની સાંપ્રત પરિસ્થિતિઓને આભારી હોય છે. ઇતિહાસના વિવિધ તબક્કા તપાસીએ તો જોવા મળશે કે જે તે સમયગાળાની સાંપ્રત ઘટનાઓ અને પરિસ્થિતિઓની અસર પ્રતિબિંબ રૂપે તે સમયના સાહિત્યમાં જોવા મળે છે.
છપ્પનીયા દુષ્કાળ સમયમાં સાહિત્યસર્જનમાં આ દુષ્કાળની સમાજ લોક-જીવન પરની અસરને રજુ કરવમાં આવી છે, તો સ્વતંત્રતા સમયના સાહિત્યમાં ‘દીપુ’ જેવા અમરપાત્ર દ્વારા આઝાદીના લોક માનસને સમજવા મળે છે, અને તેથી જ સાહિત્યને સમાજનું દર્પણ માનવામાં આવે છે.
સાહિત્યમાં સામાજિક રીવાજો, પરંપરાઓ, રીતિઓ, વિચારધારાઓ, માન્યતાઓ, રહેણીકરણી, વલણો, આંતરક્રિયાઓ, સંબંધો અને અન્ય સામાજિક પાસાઓનું નિરૂપણ થઇ રહ્યું હોય છે. સાહિત્યમાં વર્ણવામાં આવેલું ગ્રામીણજીવન તે સમાજની ગ્રામીણ વ્યવસ્થા કેવી હશે તેની સમજ આપવાનું કાર્ય કરી શકે છે.. એવામાં પણ સાહિત્યકાર જ્યારે સમાજજીવનના રંગે રંગાયેલ હોય ત્યારે તે કૃતિ ઉત્કૃષ્ટ બની રહેતી હોય છે.
પન્નાલાલ પટેલ ગુજરાતી સાહિત્યના આ પ્રકારનાં જ જીવંત સાહિત્યકાર છે. તેમની કલમે લખાયેલી પ્રત્યેક કૃતિમાં જીવંત સામાજિક નિરૂપણો જોવા મળે છે અને તેથી માત્ર સાહિત્યના રસિકો જ નહીં સામાજિક સંશોધકો પણ તેમનાં સાહિત્યને વાંચવા મજબુર બને છે, અને વાંચવાની સાથે સાથે તે સમાજ જીવનને માણવાનો લહાવો પણ મેળવે છે. પન્નાલાલ પટેલની અનેક કૃતિઓ પૈકીની એક કૃતિ છે – ‘ના છુટકે’.
૧૯૫૫માં રચાયેલી આ કૃતિ સાહિત્યના સંદર્ભમાં તો તેનાં શિર્ષકને સાર્થક કરે જ છે, સાથો સાથ સમાજશાસ્ત્રના અભ્યાસુને પણ ‘ના છુટકે’ શબ્દનાં ભાવાર્થ દ્વારા ઘણીબધી પરીસ્થીતીઓનાં વમળો વચ્ચે વિચારવા દિશા સૂચન કરી આપે છે.
સમાજશાસ્ત્રની ગામડાની પરિકલ્પના:
શ્રીનિવાસની ગ્રામીણ શબ્દની વ્યાખ્યાને શબ્દની આંખ દ્વારા જોવું હોય તો પન્નાલાલ પટેલ રચિત ‘ના-છુટકે’ નવલકથાના પ્રથમ પ્રકરણ- ‘મેવલિયો માથે ચડ્યો’ ના ચોરા ડુંગરી ગામનાં પરિચયના વર્ણનમાં જોઈ શકાય છે.
સમાજશાસ્ત્રની શ્રીનિવાસે ગામડાની વ્યાખ્યા આપતા પહેલા જો આ કૃતિનું વાંચન કર્યું હોત તો તેમની નજર સમક્ષ ગ્રામીણ સમાજની કલ્પનાનું દ્રશ્ય ખડું થઇ જાય.
ગામડું એટલે માત્ર લોકો ભૌતિક અંતરથી જ નજીક હોય તેવું નથી, અહીના લોકો વચ્ચેના અંતર ‘અંતરથી’ નજીક હોય છે તેવું આ કૃતિમાં સ્પષ્ટ જણાઈ આવે છે.
સમાજશાસ્ત્રીઓની ગામડાની પરિકલ્પનામાં રહેલું પ્રકૃતિનું તત્ત્વ ‘નાછૂટકે’ નવલકથાના પ્રથમ પાના પર જ દેખાય છે, અને તેથી જ કહી શકાય કે સમાજ અને ગામડું એકબીજા પર આધારિત છે.
સામાજિક પરંપરા અને માન્યતાઓ:
“અલબત્ત, વર્ષોના સહચર સરખો પેલો પવન તો બબ્બે મહિના લગી તરખાટ મચાવી, વંટોળ, વાવાઝોડું, ભૂત વગેરે વિશેષણો મેળવ્યા પછી આજ રિસાઈને નદીને સામે કાઠે આવેલી પેલી ચોરાડુંગરીમાં લોપ થઇ ગયો હતો.”-
લેખક દ્વારા લખાયેલ આ કથનમાં તે સમયના સમાજ જીવનમાં વ્યાપ્ત માન્યતાઓનો પરિચય મળે છે. આ સમયના સમાજ જીવનમાં ‘ભૂત’ જેવી માંન્યાતો લોક જીવનમાં પ્રવર્તતી હશે તેમ કહી શકાય. આ શબ્દનું પ્રયોજન જે ભાવાર્થમાં થયું છે તેનાં આધારે કહી શકાય કે વધુ પડતા ઉન્માદી વર્તન કરનાર સમાજનાં લોકો માટે ભૂત શબ્દનાં ઉપનામ કે વિશેષણનો પ્રયોગ કરવામાં આવતો હશે, અને તેથી જ લેખકે ઉન્માદી અણસમજુ કે ધૂની જેવી પરિસ્થિતિઓને એક શબ્દમાં વર્ણવવા માટે ‘ભૂત’ શબ્દનું પ્રયોજન કરેલ હોય તેમ જણાય છે.
ગ્રામીણ સમાજમાં જ્ઞાતિ વ્યવસ્થા:
“આ આખાય ગામને એક રીતે તો પેલો વચ્ચે પડેલો ધોરી રસ્તો બે ભાગમાં વહેચી જ નાખતો હતો પણ બીજી રીતેય એ વહેચાયેલું હતું. ઉગમણી દિશા આખીય ડામોર કટારાની હતી તો આથમણી દિશામાં પેલા પટેલ અને બીજા લોકોનાં હળ ફરતા. કુદરતે પણ આ લોકો તરફ સમભાવ દાખવ્યો હતો.”(ના-છુટકે, પ્રકરણ-૨, છરીની સાખે, પાના નંબર: ૧૨, પરથી)
પન્નાલાલ પટેલના આ વર્ણનમાં ગ્રામીણ સમાજની વસવાટની વ્યસ્વ્થા અને સમાજ વ્યવસ્થાનો પરિચય થાય છે. તે સમયમાં સમાજમાં જ્ઞાતિ આધારિત વસવાટની વ્યસ્વ્થા હશે તેવું જણાય છે. સમાન જ્ઞાતિના લોકો નજીક-નજીક અને એક વિસ્તારમાં રહેતા હોય તેમ જણાય છે. આમ સમાજ વ્યવસ્થા જ્ઞાતિના પાયા પર રચાયેલો જોવા મળે છે.
ગ્રામીણ સમાજમાં રાજનીતિ:
“આ યુવાન છોકરાના માબાપને પણ પણ આનું ભાન ન હતું એમ નહીં, પણ શું કરે ? ગઈ સાલ જ આ લોકોને પરણાવી દેત પણ ત્યાં તો ઠાકોરના કાવાદાવાને લઈને દરિયાવ-રૂમાલના બાપને ઉગમણી મેર આવેલા પેલા મગરીયા ડુંગરમાં ભરાવું પડ્યું હતું.”(ના-છુટકે, પ્રકરણ-૨, છરીની સાખે, પાના નંબર: ૧૪, પરથી)
‘ના-છુટકે’ નવલકથામાં નિરુપત ઉપરોક્ત વર્ણન સમાજ વ્યવસ્થામાં રાજનીતિના પાસાને અભિવ્યક્ત કરે છે. લેખકે ખુબ જ ટૂંકાણમાં સમગ્ર ચિત્રણનું વર્ણન કરી દીધું છે. ‘ઠાકોરના કાવાદાવા’ શબ્દ દ્વારા તત્કાલીન ગ્રામીણ સમાજમાં વ્યાપ્ત રાજકારણનો ખ્યાલ આપવાનો પ્રયત્ન લેખક દ્વારા કરવામાં આવ્યો છે.
કાર્લમાર્કસની મૂડીવાદી વ્યવસ્થાનો પરિચય આ વર્ણન અને પ્રસંગમાં જોવા મળે છે. સમકાલીન સમાજ વ્યવસ્થામાં ‘ઠાકોર’ (મૂડીપતિ-સત્તાપક્ષ) દ્વારા સામાન્ય માણસોના શોષણને અભિવ્યક્ત કરતો આ પ્રસંગ સામાજિક આંદોલનોને પણ વાચા આપવાનું કાર્ય કરે છે.
સમાજનો શોષિત વર્ગ જ્યારે અન્યાય સામે લડવા નીકળે છે ત્યારે તે સમયના સમાજની આંદોલનાત્મક પ્રવુંતીઓ ગણી શકાય. બારવટિયાનો ખ્યાલ તે સમયની સમાજ વ્યવસ્થામાં સત્તાપક્ષ તરફનો વિરોધ ગણી શકાય.
આમ, સમાજ વ્યવસ્થામાં રાજનીતિ, સત્તાપક્ષ, અન્યાય, શોષણ અને આંદોલન જેવા અનેક સામાજિક પાસાઓને સર્જકે પોતાનાં નાનાં એવા વર્ણન દ્વારા રજુ કર્યા છે. અર્થાત સમકાલીન સમાજમાં આ બધા પાસાઓ અસ્તિત્વ ધરાવતાં હશે તેવો ચિતાર રજુ કર્યો છે.
ગ્રામીણ સમાજ વ્યવસ્થામાં બેઠક વ્યવસ્થા:
“આખાય ચોખળાની સભા ભરાઈ છે. દલા જેવા વાંકડી મૂછોવાળા ખોળામાં બંદુકો રાખી સૌના માનમરતબા પ્રમાણે ગોઠવાઈ ગયા છે.”(ના-છુટકે, પ્રકરણ-૩, ઊભે પાણીએ મશુરો, પાના નંબર: ૨૬,પરથી)
ભારતીય સસ્ન્કૃતિમાં બેઠક વ્યવસ્થા અને સામાજિક દરજ્જાઓ વચ્ચે સંબંધ જોવા મળે છે, એવી જ બાબતની રજૂઆત લેખક દ્વારા અહી કરવામાં આવી છે. કોઈ પણ પ્રસંગે અથવા રાજ-દરબારમાં કે સામાજિક મેળાવડામાં બેઠક વ્યવસ્થાનો નિશ્ચિત ક્રમ કે પરિરૂપ હતું. આ બેઠક વ્યવસ્થામાં સમાજમાં સર્વોચ્ચ સ્થાન કે દરજ્જો ધરવનાર વ્યક્તિ કેન્દ્ર સ્થાને રહેતો અને અન્ય લોકો કરતા તેનું આશન ઊંચું રહેતું. ત્યારબાદ તબક્કા મુજબ આસનની ઊંચાઈ ઘટતી જતી અને તે રીતે આસન પર બેસનાર વ્યક્તિની પ્રતિષ્ઠા અને પદ પણ ઘટતા જતા. આમ, આ સમાજવ્યવસ્થાનું દર્શન પ્રસ્તુત નવલકથાના પ્રકરણ-૩ માં ઉપરોક્ત વર્ણનમાં પણ જોવા મળે છે.
ઉપરોક્ત વર્ણનમાં લેખક જણાવે છે કે, સૌના માનમરતબા પ્રમાણે ગોઠવાઈ ગયા છે, અર્થાત સમાજમાં જાહેર બેઠક વ્યવસ્થામાં વ્યક્તિ પોતાનાં સામાજિક દરજ્જાને આધારે પોતાનું સ્થાન ગ્રહણ કરતો હતો. આમ, સામાજિક મેળાવડામાં પણ દરજ્જા આધારિત વ્યવસ્થા હોવાનું પ્રતીત થાય છે.
સમકાલીન આઝાદીની ચળવળ:
“પેલો લાલો લુહાર કે’ છે છાવણીના ગોરા અમલદારના કૃપાપાત્ર બનેલા રતના- દલાએ તળાવમાં નાહવા ગયેલા સાહેબે મઢમના બૂટ ઉપાડવાનું કહ્યું”(ના-છુટકે, પ્રકરણ-૪, મગરીયાની મુલાકાત,પાના નંબર: ૩૦,પરથી)
પ્રસ્તુત નવલકથામાં તે સમયના સમાજની રાજકીય પરિસ્થિતિનું પણ પ્રતિબિંબ જોવા મળે છે. ઉપરના વર્ણનમાં ‘ગોરા અમલદાર’ શબ્દનાં પ્રયોજન દ્વારા સૂચિતાર્થ થાય છે કે તે સમયે દેશમાં અંગ્રેજોનું સાશન હતું, અને અંગ્રેજો દ્વારા ચાલતી અમલદારશાહી વ્યવસ્થા અમલમાં હતી. આ વ્યવસ્થામાં અંગ્રેજો દ્વારા ભારતીય લોકો પાસે સ્વમાનને ઠેસ પહોચે તેવી કામગીરી પણ કરાવવામાં આવતી હશે.
“નાહવા ગયેલા સાહેબે મઢમના બૂટ ઉપાડવાનું કહ્યું”
આ વાક્ય તે દર્શાવે છે કે તે સમયે સમાજમાં વેઠપ્રથા જેવી વ્યવસ્થાઓ પણ અસ્તિત્વમાં હશે.
“લાલો લુહાર કે’ છે એમ એમણે જ દરબારના પેલા જમણા હાથ સરખા એ.ડી.સી.ની જાન લુંટાવીને એમણે જ રતન-દલાને માથે એ ઓઢાડ્યું. ઓછુ હોય તેમ ઝડતી લેતા દલાના ઘરમાંથી પેલી ગાંધીટોપી નીકળી,”(ના-છુટકે, પ્રકરણ-૪, મગરીયાની મુલાકાત,પાના નંબર: ૩૧,પરથી)
ના-છુટકે નવલકથામાં વર્ણિત ઉપરનું વર્ણન સાંપ્રત સમયની કથળેલી કાયદા વ્યવસ્થાને પણ ઉજાગર કરે છે,
-જાન લુંટાવીને- અર્થાત જાન લુંટવા જેવી અપરાધિક ઘટનાઓ તે સમયમાં જોવા મળતી હશે તે બાબતને ફલિત કરે છે.
-દલાના ઘરમાંથી ગાંધીટોપી નીકળી- ગાંધીટોપી, એ સમયે સ્વાતંત્ર્ય સંગ્રામના સમયગાળાની વિશિષ્ટ ઓળખ છે, અર્થાત આ સમયગાળો સ્વાતંત્ર્ય ચળવળનો સમકાલીન ગણી શકાય. દલાના ઘરમાંથી ઝડતી લેતા ગાંધીટોપી નીકળી આ વાક્ય સૂચિતાર્થ કરે છે કે તે સમયમાં સમાજમાં ગાંધીજીનાં વિચારોને અનુસરવું અથવા તેને સમર્થન આપવું તે અપરાધ માનવામાં આવતો હતો, વ્યક્તિનાં વૈચારિક સ્વાતંત્ર્યની કલ્પના આ સમયગાળામાં સુષુપ્ત અવસ્થામાં હશે.
“તે વખતે અમદાવાદમાં નજરે જોયેલી પ્રભાતફેરીઓ ને પીકેટીંગ તથા દાંડીકૂચનું એ ભવ્ય દર્શન વગેરે એને, -
ઉપર્યુક્ત વર્ણનમાં આવતી ઐતિહાસિક બાબતોને લેખકે પોતાનાં કથાવસ્તુ સાથે ખુબ જ સુંદર રીતે જોડી દીધી છે. પ્રભાતફેરીઓ, પીકેટીંગ અને દાંડીકૂચના શબ્દ પ્રયોજન દ્વારા લેખકે સમકાલીન સમાજ જીવનનું ચિત્રણ રજુ કરેલ છે. એક તરફ રતનાના મનમાં ચાલતો ગાંધીમાર્ગ બીજી તરફ ઠાકોર તરફનું બહારવટિયુ અને ત્રીજી તરફ સંતાનો તરફની જવાબદારી આમ સમયદ્વીપના કિનારે ઉભેલા મંથન કરતા માનવીની મનોવ્યથાને સુંદર રીતે આલેખવામાં આવી છે. સાથો સાથ આ સમયનો સમાજ અને સમાજમાં લોકો કેવી પરિસ્થિતિઓમાંથી પસાર થતાં હશે તેનો પણ ખ્યાલ વાંચકને આપે છે.
આમ, આ નવલકથા સમાજજીવનના વિભિન્ન નિરૂપણ અને વર્ણનના માધ્યમ દ્વારા સમાજજીવનની ઝાંખી કરાવે છે અને સાથો સાથ સમાજશાસ્ત્રના વિષયવસ્તુને અનુરૂપ વિષય સમગ્રી આપી ‘ના-છુટકે’ નવલકથાને સમાજશાસ્ત્રીય અભ્યાસનો વિષય બનાવે છે.
:સંદર્ભ:
- પન્નાલાલ પટેલ, ‘ના-છુટકે’,