Download this page in

‘ધ્રુસ્વામિનીદેવી’ એક પાત્ર, બે નાટક – તુલનાત્મક અભ્યાસ

ભારતીય નાટ્ય પરંપરામાં કહેવાયું છે काव्येषु नाटकं रम्य –નાટકને એક રમણીય કાવ્યપ્રકાર કહેવાયું છે. મારો હેતુ ગુજરાતી અને હિંદી ભાષાના બે ઐતિહાસિક નાટકો વિશે અભ્યાસ કરવાનો છે. ગુજરાતી સાહિત્યમાં ક.મા. મુનશી એક સફળ નવલકથાકાર, નાટ્યકાર છે. ઐતિહાસિક નવલકથા ક્ષેત્રે અભૂતપૂર્વ સફળતા મેળવનાર મુનશી એક જ ઐતિહાસિક નાટક આપે છે ‘ધ્રુવસ્વામિની દેવી’. અન્ય પાંચ પૌરાણિક અને નવ સામાજિક નાટકો આપ્યા છે. હિંદી સાહિત્યમાં જયશંકર પ્રસાદ કવિ છે, વાર્તાકાર છે, નવલકથાકાર છે, નાટ્યકાર છે. પ્રસાદજીએ 14 નાટકો આપ્યા તેમાંથી ‘ધ્રુવસ્વામિની’ એમનું અંતિમ નાટક છે.

અહીં આપણે બે જુદી-જુદી ભાષામાં નાટકની તુલના કરવાનો ઉપક્રમ છે. તેમાં સૌપ્રથમ બંને નાટકોની કથાવસ્તુ જોઇ લઇએ.

ક. મા. મુનશી કૃત ‘ધ્રુસ્વામિની દેવી’ની કથાવસ્તુ ચાર અંકોમાં વિભાજિત છે. પહેલા અંકમાં સમુદ્રગુપ્તના અવસાન પછી તેનો મોટો પુત્ર રામગુપ્ત મગધની ગાદીએ બેઠો છે. અચ્યુતદેવની દીકરી ધ્રુવદેવી મહાદેવીનું પદ ભોગવે છે. રામગુપ્તુનો નાનો ભાઇ ચંદ્રગુપ્ત પિતાના જીવતાં જ યુધ્ધમાં ગયો છે અને તે મગધ પાછો ફરે છે. મગધની ગાદીએ બેઠેલા રામગુપ્તને મળવા ઇચ્છે છે પણ એને મુલાકાત મળતી નથી. રાણી ધ્રુવદેવીને મળે છે પણ તે ભવ્ય પ્રાસાદોમાં એકલી અટૂલી લાગે છે. સોમદત્ત ગુરુદક્ષિણા માગવા આવ્યો એનું અપમાન કરી રામગુપ્તદેવ એને કાઢી મૂકે છે. રામગુપ્ત મોજમજામાં ડૂબેલો છે. મગધ ઉપર મહાક્ષત્રપ રુદ્રસેનની ચડાઇથી ચંદ્રગુપ્ત રામગુપ્તને તેના સૈનિકને પ્રેરવા કહે છે પણ રામગુપ્ત કહે છે ‘પરાક્રમદેવના દિવસો ગયા. હવે હું જગતનો નાથ છું. તું એમના સૈન્યને પ્રેર. હું એમની રાજ્યલક્ષ્મી ભોગવું છું.’ પિતાની ભૂતકાળની કીર્તિ રામગુપ્તને કનડે છે. ‘હું મરેલાની કીર્તિ માટે રાજ્ય કરતો નથી. મારી મોજ માટે કરું છું. આ ચંદ્રને કીર્તિ જોઇએ તો ભલે એ કપાઇ મરે. મેં ના કહી છે ? પણ મારે આ પંચાત ન જોઇએ.’ આવા પતિ માટે ધ્રુવદેવીને પારાવાર ખેદ થાય છે. ધ્રુવદેવી શકોની સામે લડવા તૈયાર છે અને ચંદ્રગુપ્ત પ્રત્યે છુપુ આકર્ષણ છે. બીજા અંકમાં રામગુપ્ત રુદ્રસેન આગળ હાર કબૂલ કરે છે. મહાદંડનાયક સેનાપતિઓ રામગુપ્તથી નારાજ છે. સંધિમાં તે ધ્રુવદેવીની માગણી કરે છે. ચંદ્રગુપ્ત આકરો થઇ કહી દે છે કે, ‘રુદ્રસેન, આ શકબાલા નથી. આર્યોની મુકુટમણિ છે’ પણ રામગુપ્ત તે પ્રસ્તાવ સ્વીકારવા તૈયાર છે. છેવટે ચંદ્રગુપ્ત સ્ત્રીવેશે રુદ્રસેનની શિબિરમાં જઇ હુમલો કરે છે અને જીત મેળવે છે. ધ્રુવદેવી ચંદ્રગુપ્ત માટે કહે છે. ‘આ બધામાં એક જ નરવીર, એક જ પુરુષ છે.’ બીજી બાજુ રામગુપ્તના ગૃહસેન વગેરે માણસો ધ્રુવદેવીને બળજબરીથી ઉપાડી જાય છે. ત્રીજા અંકમાં ચંદ્રગુપ્ત રામગુપ્તના ખૂની પેંતરાથી બચવા ગાંડા થવાનું નાટક રચે છે અને ધ્રુવદેવીને મળે છે. ધ્રુવદેવી સંમોહિત થઇ કહે છે. ‘મને મળવા માટે આ સાહસ કર્યું!’ ત્યાં રામગુપ્ત આવી ચડે છે અને ચંદ્રગુપ્ત રામગુપ્તને ગાંડાના સ્વાંગમાં ગળે ટૂંપો દઇ દે છે. મગધમાં ધ્રુવદેવીની આણ ફેરવવામાં આવે છે. ચોથા અંકમાં ધ્રુવદેવી સામે ચંદ્રગુપ્તના સાવકાભાઇ સ્કંધ માટે એક રાજજૂથ બળવો પોકારે છે. રાજમહેલ ચારે તરફથી ઘેરાય છે. ત્યાં ચંદ્રગુપ્ત આવી ચડે છે. પારીવલ્ક્યને પોતાનું અને ધ્રુવદેવીનું લગ્ન કરાવી દેવા વિનંતી કરે છે. પારીવલ્ક્ય આ પ્રેમલગ્નને વધાવે છે. ચંદ્રગુપ્ત ઘેરાયેલા રાજમહેલને ખોલી નાખે છે. સ્કંધ અને તેના માણસો ચંદ્રગુપ્ત અને ધ્રુવદેવીની સત્તાનો સ્વીકાર કરે છે.

જયશંકર પ્રસાદ કૃત ‘ધ્રુવસ્વામિની’ની કથાવસ્તુ આ પ્રમાણે છે. ચંદ્રગુપ્ત સમ્રાટ સમુદ્રગુપ્તનો રાજદંડ ન સ્વીકારીને પોતાના મોટાભાઇ રામગુપ્તને રાજા બનાવે છે. ધ્રુવસ્વામિની મહાદેવી બને છે. રામગુપ્ત વિલાસી, કાયર છે અને પત્ની ધ્રુવદેવી પર શંકા કરતો રહે છે, કારણ કે વિવાહ પૂર્વે ધ્રુવસ્વામિની ચંદ્રગુપ્તની પ્રિયતમા અને વાગ્દત્તા પત્ની હતી. રામગુપ્ત ધ્રુવસ્વામિનીની આસપાસ પોતાના માણસો ગોઠવી દે છે. રામગુપ્તના કઠોર નિયંત્રણને કારણે ધ્રુવસ્વામિનીનું મન ચંદ્રગુપ્ત તરફ વધુ આકર્ષિત રહે છે. ચંદ્રગુપ્ત વીરતા અને પરાક્રમની મૂર્તિ છે. ધ્રુવસ્વામિની રામગુપ્તના સકંજામાંથી મુક્ત થવા પ્રયત્ન કરે છે. આ સમયે શકરાજ રામગુપ્તની શિબિર પર આક્રમણ કરી વિજય મેળવે છે. સંધિપ્રસ્તાવમાં તે ધ્રુવદેવી અને તેના સામંતો માટે પણ મગધની સ્ત્રીઓ માગે છે. શિખરસ્વામિનીની સલાહથી રામગુપ્ત શકરાજના પ્રસ્તાવને સ્વીકારે છે તેનાથી ચંદ્રગુપ્ત ક્રોધિત થાય છે અને ચંદ્રગુપ્ત સ્ત્રીવેશે શકરાજની શિબિરમાં પહોંચે છે. ધ્રુવદેવી પણ સાથે જાય છે. ચંદ્રગુપ્ત શકરાજની હત્યા કરે છે અને ધ્રુવદેવીની સાથે વિજય પામી પાછો ફરે છે. શકરાજના શબને લઇને જતાં આચાર્ય મિહિરદેવ અને તેની કન્યા કોમાની માર્ગમાં રામગુપ્તના સૈનિકો હત્યા કરી નાખે છે. તેનાથી ક્રોધિત થઇ સામંતકુમાર વિદ્રોહ કરે છે. રામગુપ્તનું મગધસમ્રાટ અને ધ્રુવદેવીના પતિ બની રહેવામાં આપત્તીના એંધાણ દેખાય છે. પુરોહિત રામગુપ્ત અને ધ્રુવદેવીના સંબંધવિચ્છેદની આજ્ઞા આપે છે અને પરિષદ રાજ્યસિંહાસન પણ જૂટવી લે છે. રામગુપ્ત તેનાથી ક્રોધિત થઇ ચંદ્રગુપ્ત પર હુમલો કરે છે પણ સામંતકુમાર ચંદ્રગુપ્તને બચાવી રામગુપ્તનો વધ કરી નાખે છે. અંતે ચંદ્રગુપ્ત અને ધ્રુવસ્વામિનીના રાજસિંહાસનના સ્વીકાર સાથે નાટક પૂરું થાય છે.

હવે આ બન્ને નાટકો વચ્ચે રહેલું સામ્ય જોઇ લઇએ.

  1. ‘ધ્રુવસ્વામિની દેવી’ અને ‘ધ્રુવસ્વામિની’ બન્ને ઐતિહાસિક નાટકો છે.
  2. ‘ધ્રુવસ્વામિની દેવી’ અને ‘ધ્રુવસ્વામિની’ બન્ને નાયિકા પ્રધાન નાટકો છે.
  3. ‘ધ્રુવસ્વામિની દેવી’ અને ‘ધ્રુવસ્વામિની’ બન્ને નાટકોમાં ધ્રુવદેવીના રામગુપ્ત સાથેના વિવાહિક સંબંધમાં દામ્પત્યજીવનની વિસંગતિ પ્રગટે છે.
  4. ‘ધ્રુવસ્વામિની દેવી’ અને ‘ધ્રુવસ્વામિની’ બન્ને નાટકોમાં મુખ્યતયા નારીસંવેદના કે નારીસમસ્યાનો મુદ્દો કેન્દ્રમાં રહેતો લાગે છે.
  5. ‘ધ્રુવસ્વામિની દેવી’ અને ‘ધ્રુવસ્વામિની’ બન્ને નાટકોનો મુખ્યસ્રોત વિશાખદત્તનું ‘દેવીચંદ્રગુપ્ત નાટક’ છે.
  6. નાયિકા ધ્રુવસ્વામિની બન્ને નાટકોમાં દુ:ખી છે.
  7. રામગુપ્ત બન્ને નાટકમાં ભોગવિલાસી, કાયર, ડરપોક અને મોજીલો બતાવાયો છે.
  8. ‘ધ્રુવસ્વામિની દેવી’ અને ‘ધ્રુવસ્વામિની’ બન્ને નાટકોમાં રામગુપ્ત અને ધ્રુવદેવી વચ્ચે મનમેળ સધાતો નથી.
  9. નાયક ચંદ્રગુપ્ત બન્ને નાટકમાં વીર, સાહસી અને પરાક્રમી છે.
  10. ‘ધ્રુવસ્વામિની દેવી’ અને ‘ધ્રુવસ્વામિની’બન્ને નાટકોમાં રામગુપ્તે હાર કબૂલવી પડે છે.
  11. ‘ધ્રુવસ્વામિની દેવી’ અને ‘ધ્રુવસ્વામિની’બન્ને નાટકોમાં સંધિપ્રસ્તાવમાં ધ્રુવદેવીની માગણી કરવામાં આવે છે.
  12. ‘ધ્રુવસ્વામિની દેવી’ અને ‘ધ્રુવસ્વામિની’બન્ને નાટકોમાં સ્ત્રીવેશે ચંદ્રગુપ્ત શકરાજનું ખૂન કરે છે.
  13. ‘ધ્રુવસ્વામિની દેવી’ અને ‘ધ્રુવસ્વામિની’બન્ને નાટકોમાં રામગુપ્તનો વધ થાય છે.
  14. ‘ધ્રુવસ્વામિની દેવી’ અને ‘ધ્રુવસ્વામિની’બન્ને નાટકોના અંતે ચંદ્રગુપ્ત અને ધ્રુવદેવીનું મિલન થાય છે.
  15. ‘ધ્રુવસ્વામિની દેવી’ અને ‘ધ્રુવસ્વામિની’બન્ને નાટકોમાં ભોગવિલાસી રામગુપ્તના યુધ્ધમાં ન જવાના નિર્ણયથી ખિન્ન ધ્રુવદેવી ખુદ લડવા તૈયાર બતાવાઇ છે.
  16. ‘ધ્રુવસ્વામિની દેવી’ અને ‘ધ્રુવસ્વામિની’બન્ને નાટકો રંગમંચ ક્ષમતા ધરાવતા નાટકો છે.
  17. ‘ધ્રુવસ્વામિની દેવી’ અને ‘ધ્રુવસ્વામિની’ બન્ને નાટકોમાં કલ્પનાનું તત્વ છે.
  18. ‘ધ્રુવસ્વામિની દેવી’ અને ‘ધ્રુવસ્વામિની’ બન્ને નાટકો એક જ સમયગાળા દરમિયાન લખાયેલા મળી આવે છે.
આ બન્ને નાટકોમાં રહેલા સામ્યને તપાસ્યા પછી હવે આ બન્ને વચ્ચે રહેલા વૈષમ્યને પણ જોવું પડે એમ છે.
  1. ક. મા. મુનશીનું નાટક ગુજરાતી ભાષામાં લખાયેલું છે જ્યારે પ્રસાદજીનું નાટક હિંદી ભાષામાં રચાયેલું છે.
  2. મુનશીનું નાટક ચાર અંકમાં વિભાજિત છે જ્યારે પ્રસાદજીનું નાટક ત્રણ અંકમાં વહેંચાયેલું છે.
  3. મુનશીના નાટકની ધ્રુવદેવી શાંત છે જ્યારે પ્રસાદજીના નાટકમાં ધ્રુવદેવી સાહસી અને પરાક્રમી છે.
  4. મુનશીના નાટકમાં ધ્રુવદેવી પર રામગુપ્ત શંકા કરતો નથી જ્યારે પ્રસાદજીના નાટકમાં ધ્રુવદેવી પરની શંકાના કારણે તેની આસપાસ માણસો ગોઠવી તેના પર નજર રાખવામાં આવે છે.
  5. મુનશીના નાટકમાં મગધ પર આક્રમણ કરનારને રુદ્રસેન એવી નામ આપવામાં આવ્યું છે, જ્યારે પ્રસાદજીના નાટકમાં શકરાજ તરીકે ઓળખવામાં આવે છે.
  6. મુનશીના નાટકનો રામગુપ્ત રાજ્યલક્ષ્મી ભોગવવામાં મશગૂલ છે જ્યારે પ્રસાદજીના નાટકનો રામગુપ્ત રાજ્યલક્ષ્મી પર ધ્યાન ન આપતા ધ્રુવદેવી પર ચાંપતી નજર રાખી રહ્યો છે.
  7. મુનશીના નાટકમાં ધ્રુવદેવીને રામગુપ્તના ગૃહસેન વગેરે માણસો બળજબરીથી ઉપાડી જાય છે. પ્રસાદજીના નાટકમાં ધ્રુવદેવીનું અપહરણ થતું નથી.
  8. મુનશીના નાટકમાં સંધિપ્રસ્તાવમાં માત્ર એક ધ્રુવદેવીની જ માગણી કરવામાં આવે છે જ્યારે પ્રસાદજીના નાટકમાં ધ્રુવદેવી ઉપરાંત અન્ય સામંતો માટે પણ સ્ત્રીઓની માંગણી કરવામાં આવે છે.
  9. મુનશીના નાટકમાં ચંદ્રગુપ્ત એકલો સ્ત્રીવેશે રુદ્રસેનની શિબિરમાં જાય છે. પ્રસાદજીના નાટકમાં ચંદ્રગુપ્ત સ્ત્રીવેશે શકરાજની શિબિરમાં જાય છે ત્યારે ધ્રુવદેવી પણ તેની સાથે જાય છે.
  10. મુનશીના નાટકમાં ચંદ્રગુપ્ત ગાંડો થવાનું નાટક રચે છે જ્યારે પ્રસાદજીના નાટકમાં ગાંડો થવાનું સ્વાંગ રચતો નથી.
  11. મુનશીના નાટકમાં રામગુપ્તનો વધ ચંદ્રગુપ્ત કરે છે, પ્રસાદજીના નાટકમાં રામગુપ્તનો વધ સામંતકુમાર કરે છે.
  12. મુનશીના નાટકમાં રામગુપ્તના મૃત્યુ પછી ચંદ્રગુપ્તના સાવકાભાઇ સ્કંધ માટેના રાજજૂથના બળવાનો પ્રસંગ નિરૂપાયો છે. પ્રસાદજીના નાટકમાં રામગુપ્તના અવસાન સાથે નાટક પૂરું થાય છે.
  13. મુનશીના નાટકમાં નાટકના અંતે ચંદ્રગુપ્ત અને ધ્રુવદેવીના પ્રેમલગ્ન કરાવ્યા છે, જ્યારે પ્રસાદજીના નાટકમાં ધ્રુવદેવીના લગ્ન બતાવાયા નથી.

આમ, અહીં બન્ને નાટકો વચ્ચે રહેલું સામ્ય-વૈષમ્યને તો સ્પષ્ટ કરી દીધું. પણ આમ માત્ર સામ્ય-વૈષમ્ય ચીંધી બતાવવું એ તુલનાત્મક અભ્યાસ નથી. એ કૃતિમાં રહેલ આંતરવિદ્યાકીય અભિગમની તપાસ પણ તુલનાત્મક અભ્યાસ અંતર્ગત જ આવે. આ સંદર્ભે આપણે આ બન્ને નાટકોને સામાજિક, ધાર્મિક, રાજકીય, ઐતિહાસિક, ઉદ્દેશ્ય અને કલ્પનાની દ્રષ્ટીએ પણ સરખાવવા જ પડે.

મુનશી અને પ્રસાદજીના નાટકમાં સમાજદર્શન કઇ રીતે અભિવ્યક્ત થાય છે તે જોઇએ. મુનશીના નાટકમાં પરિણીતા સ્ત્રીનો પર પુરુષ સાથે પ્રેમ, છૂટાછેડા અને પુનર્વિવાહના પ્રશ્નો પ્રમાણમાં કૂટ પ્રશ્નો હતા. સમાજને સ્પર્શતી આ સમસ્યાઓને મુનશી ધ્રુવસ્વામિની અને ચંદ્રગુપ્તના પ્રેમપ્રસંગમાં ઉકેલવાના પ્રયાસો કરે છે. મુનશી દંભી અને છલના પર અવલંબિત દામ્પત્યને બદલે સચ્ચાઇપૂર્ણ સ્વસ્થ પ્રેમસંબંધને વધારે મહત્વ આપે છે. વિધવાવિવાહની વકિલાત પણ કરી છે. આવા પ્રસંગોમાં સમાજચિત્ર ઉપસી આવે છે. પ્રસાદજીના નાટકમાં છૂટાછેડા અને સ્ત્રી અત્યાચાર જેવી સમસ્યાઓ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. પુરુષો સદીઓથી સ્ત્રીની મહત્તાના ગુણગાન ગાતા આવ્યા છે, પણ વ્યવહારમાં સ્ત્રીની અવગણના કરે છે. પુરુષોએ હંમેશા સ્ત્રીને મનોરંજનનું સાધન સમજી તેના પર જુલ્મ ગુજાર્યો છે. સ્ત્રી પણ પુરુષોનો અત્યાચાર સહન કરતી રહી છે અને પતિને જ પરમેશ્વર માની પૂજતી રહી છે, પણ યુગપરિવર્તન થતાં તેનામાં નવી ચેતના આવી અત્યાચાર સહન કરવા તૈયાર નથી, પુરુષની સમાન અધિકાર માગે છે. આમ પ્રસાદજીએ પ્રાચીનકાળમાં પણ અર્વાચીનનારીનું આલેખન કર્યું છે.

ધાર્મિકતાનો મુદ્દો કંઇ રીતે બન્ને નાટકો સાથે સંબંધ ધરાવે છે તે વિશે વિચારીએ. મુનશીના નાટકમાં રામગુપ્ત અને તેના કપટી માણસો ગૃહસેન વગેરે અધર્મનું આચરણ કરે છે. ચંદ્રગુપ્ત રાજ્યધર્મના કારણે જ સ્ત્રીવેશે રુદ્રસેનની છાવણીમાં જાય છે. ધ્રુવદેવીનો પ્રણયસંતાપ અને ચંદ્રગુપ્તનો સંસારત્યાગનો સંકલ્પ વગેરે અને અંતે ધર્મશાસ્ત્ર મુજબ ધ્રુવદેવી અને ચંદ્રગુપ્તના પ્રણયલગ્ન વગેરેમાં ધાર્મિકતાના અણસારો મળે છે. પ્રસાદજીના ‘ધ્રુવસ્વામિની’માંથી પસાર થતાં ઘણાં ધાર્મિકતાના અંશો નજરે પડે છે. ધ્રુવસ્વામિની ભારતીય સંસ્કારોનો ભંગ કરતીનથી. તે પતિ જ્યારે તેને પર પુરુષને સોંપવાનો નિર્ણય કરે છે ત્યારે તેના પર ગુસ્સે થાય છે અને તેના પતિના પગ પકડી પોતાની સુરક્ષા માટે ભીખ માગે છે અને પોતાના પતિને કહેવા પ્રમાણે તે પરપુરુષ પાસે જાય છે. અહીં ‘પતિવ્રતા ધર્મ’ના દર્શન થાય છે. તો નાટકના અંતે પુરોહિત ધર્મશાસ્ત્ર આધારે નિર્ણય કરે છે. ‘मैं स्पष्ट करता हूं की धर्मशास्त्र रामगुप्त से ध्रुवस्वामिनी के मोक्ष की आज्ञा देता है l’ આમ આ સંવાદોમાં ધાર્મિકતાના દર્શન થાય છે.

મુનશી અને પ્રસાદજીના નાટકોનું ઐતિહાસિક દ્રષ્ટિએ તુલના કરીએ. મુનશીએ એમના નાટકને ‘એક ખોવાયેલા નાટકનું નવદર્શન’ કહીને ઓળખાવે છે. તેમના નાટકમાં કલ્પના ઉપરાંત ઐતિહાસિક તથ્યો પણ મળે છે. રુદ્રસેનનો ઉજ્જયિની પર હુમલો, ગુપ્તોનો પરાજય, રામગુપ્ત દ્વારા પત્ની શકોના હવાલે કરવાની તત્પતા – વગેરે જેવી નાટકની મુખ્ય ઘટનાઓને ઐતિહાસિક આધાર પ્રાપ્ત છે. જ્યારે પ્રસાદજીના નાટક મુજબ ધ્રુવદેવીનું પ્રથમ શકરાજ સાથે સગપણ થયેલું આ ઘટનાને ઐતિહાસિક આધાર નથી. સંધિપ્રસ્તાવમાં દુતની ઘટનાને પણ ઐતિહાસિક આધાર નથી. વળી, ચંદ્રગુપ્ત રાજાના ક્રોધનો શિકાર બનેલો તેના કોઇ પુરાવા પણ મળતા નથી. પ્રસાદજીએ આરંભથી જ કથાને પોતાની મરજી મુજબ વળાંક આપે છે. પ્રસાદજીએ મગધ પર આક્રમણ કરનારને કોઇ નામ આપ્યું નથી જે ઇતિહાસકારોના મતાનુસાર રુદ્રસેન તૃતીય હતો.

રાજકીય સંદર્ભે બન્ને નાટકને તપાસવા હોય તો મુનશીના નાટકમાં રાજકીય સંદર્ભ ઘણી બધી રીતે ચિત્રિત થાય છે. નાટકના આરંભે ભોગવિલાસી રાજા દ્વારા લડાઇમાં ન જવાના નિર્ણયથી રાણી લડાઇ કરવા તૈયાર છે. રુદ્રસેન પ્રથમ ઘણી બધી ધનસામગ્રીની માગણી કરે છે અને પછી માત્ર ધ્રુવદેવીની માગણી કરે છે. અંતે રામગુપ્તના મરણ પછી રાજકીય સંઘર્ષ ચિત્રિત થયો છે. પ્રસાદજીના નાટકમાં આરંભથી જ રાજકીય કાવાદાવાઓ નજરે પડે છે. રામગુપ્ત ધ્રુવદેવી પર નજર રાખે છે. મંદાકિની, કોમા, મિહીરદેવ વગેરેના સંવાદોમાં રાજકીય સંદર્ભ છતો થાય છે. ધ્રુવદેવીને સોંપતા પહેલા રાજકીય ચર્ચા ઘણી મહત્વની છે. રામગુપ્તને રાજકીય સંઘર્ષોને કારણે જ ગાદી છોડવી પડે છે.

બન્ને નાટકોના ઉદ્દેશ પણ જુદા જુદા છે. મુનશીએ નાટકમાં ‘ધર્મ ત્યાં જય’ની ભાવનાના સ્થાપનનો ઉદ્દેશ સાર્થક કરે છે. આ ઉપરાંત સ્ત્રીશોષણ અને છૂટાછેડાના પ્રશ્નોના નિવારણનો ઉદ્દેશ પણ સ્પષ્ટ જોઇ શકાય છે. જ્યારે પ્રસાદજીના નાટક રચવા પાછળનો ઉદ્દેશ દેશભક્તિ છે. સામાજિક સ્થિતિ નિરાશાજનક હતી, તેથી અતીતને ગૌરવસભર ઘટના-પાત્રોના આલેખન દ્વારા પરાજિત રાષ્ટ્રને પુન: જાગૃત કરવાનો આશય હતો. સ્ત્રીઓમાં પડેલી શક્તિને પણ જાગૃત કરવાનો ઉદ્દેશ છે.

કલ્પનાની દ્રષ્ટિએ જોઇએ તો મુનશીએ નાટકમાં કેટલુંક કાલ્પનિક ઉમેરણ પણ કર્યું છે. ચંદ્રગુપ્ત અને ધ્રુવદેવીનો પ્રણય મુનશીની કલ્પનાનું જ છે. ચંદ્રગુપ્ત ગાંડા બનવાનો સ્વાંગ રચે છે તે પણ કાલ્પનિક છે. મુનશીના નાટકની સરખામણીએ પ્રસાદજીના નાટકમાં કલ્પનાનું ઉમેરણ ઘણું બધુ છે. આરંભમાં ધ્રુવદેવીની નજરબંધી અને ખડગધારિણીની નિયુક્તિ કાલ્પનિક છે. રામગુપ્ત અને ધ્રુવદેવીનો વાર્તાલાપ સંપૂર્ણપણે કાલ્પનિક છે. રામગુપ્તનું અવસાન પણ સામંતકુમારના હાથે કરાવી કલ્પનાનો ઘોડો દોડાવ્યો છે.

એકન્દરે આ બન્ને નાટકો એક જ વિષય આધારિત હોવાથી અનેક શક્યતાઓને ચીંધે છે. આપણે અહીં આ બન્ને નાટકોનો તુલનાત્મક દ્રષ્ટિએ અભ્યાસ કર્યો છે. આ બે નાટકો વચ્ચે સામ્ય-વૈષમ્ય પણ જોયું અને સાહિત્ય સિવાય અન્ય આંતરવિદ્યાકીય અભિગમોથી પણ નાટકોને તપાસી જોયા છે. બે ભિન્ન-ભિન્ન ભાષાના ભિન્ન-ભિન્ન સર્જકોની સર્જકપ્રતિભાનો અદકેરો પરિચય મળી રહે છે.

સંદર્ભ :

  1. ધ્રુવસ્વામિનીદેવી, ક.મા. મુનશી, ગુર્જર પ્રકાશન, પુનર્મુદ્રણ ૨૦૦૦
  2. ध्रुवस्वामिनी, जयशंकर प्रसाद, ध्रुमिल प्रकाशन, संस्करण २००५.

ડૉ. હીરજી સિંચ, ગુજરાતી વિભાગ, સરકારી વિનયન કૉલેજ, રાણાવાવ જિલ્લો – પોરબંદર, ગુજરાત. મોબાઇલ નં. 97238 94438