લઘુકથા
તમે જ કહો
‘સ્પંદન તું મને શાંતિથી કામ કરવા દઈશ?’
એ થોડી વાર ચૂપ. વળી પાછું ગણગણ કરતા હોમવર્ક શરુ કર્યું. મે અણી સામે જોયું. એણે મારી સામે જોતા-જોતા નેણ ઊંચા કર્યાં ને સ્મિત કર્યું. મારા હોઠ ગોળ થઇ ગયા આપોઆપ. મે નેણ ઊંચા કર્યાં.એણે શરુ કર્યું, ‘વક્ર સપાટી.’ મે ધ્યાન આપ્યું. ‘સમતળ સપાટી.’ મને કહે, ‘ટેબલ એટલે સમતળ સપાટી.’ મને ભણાવતો હોય તેમ તેણે આગળ ચલાવ્યું,’સફરજન વક્ર સપાટી. અર્ધું, કાપેલું સફરજન સમતળ-વક્ર સપાટી.’ હું એને સાંભળતો હતો એનાથી એને મજા આવી. મને કહે,’ખરુંને ડેડ્ડી?’
મે હા પાડી.વળી અટકી ગયો.મે કહ્યું, ‘કેમ ભાઈ? આગળ ચગળવો.’
મને કહે, ‘પ્રશ્ન છે.’
‘બોલો.’
‘ડેડ્ડી માણસની સપાટી કઈ?’
હું એને જોઈ રહ્યો. મારી પાસે કોઈ જવાબ નહોતો. મને કહે, ‘બોલો.’
હું શું બોલું?