‘નિદ્રાચર’ના નારીપાત્રો
ચિનુ મોદીની ‘નિદ્રાચર’ ને નવલકથા કરતાં લઘુનવલ કહેવી વધુ યોગ્ય છે. ‘82’ પાનાંમા અને 12 પ્રકરણમાં રચાયેલી રાજુ અને સંધ્યાના પ્રેમ પ્રકરણની કહાણી છે. રાજુ અને સંધ્યા એ બંને પાત્રો લઘુનવલના આરંભથી તે અંત સુધી એક સાથે એક પછી એક રીતે આવ્યા જ કરે છે. એ જોતા એમ કહી શકાય કે પુરુષપાત્રમાં મુખ્ય રાજુ છે તો સ્ત્રીપાત્ર તરીકે મુખ્ય સંધ્યા છે. સંધ્યાની પ્રેમ કહાની સાથે જોડાયેલી કથાને આપણે સંધ્યાના પાત્ર દ્વારા સમજીએ.
સરકારી ખાતામાં એ પણ કાયદા ખાતામાં ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતા બદ્રીપ્રસાદ ઝાલા અને સૌદામિનીનું એક માત્ર સંતાન એટલે તેમની દીકરી ‘સંધ્યા.’ સંધ્યા એક સુખી સંપન્ન પરિવારમાં કાળજીપૂર્વક ઉછરેલી યુવતી હતી. સંધ્યા પણ અન્ય યુવાન હૈયું ધરાવતી યુવતીઓની જેમ પોતાની યુવાનીમાં કોઈને દિલ આપી બેસે છે. 21 વર્ષની આ સંધ્યા રાજુ નામના યુવક સાથે પ્રેમ કરતી હોય છે. લઘુનવલની શરૂઆતથી જ રાજુ અને સંધ્યા સાથે ભાગવાનો પ્લાન કરતા જોવા મળે છે. સંધ્યાના પિતા દીકરીના બદલાયેલા વર્તનથી પરિસ્થિતિને સમજી જતા સૌદામિનીનું ધ્યાન દીકરી તરફ દોરતા રહે છે. પતિની ટકોર સૌદામિનીને પહેલા અયોગ્ય તો લાગે છે પણ પછી તે પણ પતિની વાત સાથે સહમત થાય છે. માતા-પિતા કોઈ વ્યૂહરચના ઘડે તે પહેલા જ સંધ્યા તો રાજુ સાથે ભાગી જાય છે. સંધ્યા અને રાજુને સારી રીતે ખબર હોય છે કે તેના પિતાની માત્ર અમદાવાદમાં જ નહીં પણ આખા ગુજરાતમાં નામના ખૂબ મોટી હોવાથી તે જે ક્ષણે લગ્ન કરવા જાય તે પહેલા તેની જાણ તેમને થઈ જાય એમ હતી. માટે રાજુ અને સંધ્યા રાજસ્થાન જઈને કોર્ટ મેરેજ કરવાનું નક્કી કરે છે. બંને જણા ટ્રેનમાં બેસીને રાજસ્થાન જવા નીકળે તો છે પણ ત્યાં લેખક કથાનો અંત લાવતા નથી પણ વાચકના મનમાં હવે પછી શું થયું હશે ? એવો પ્રશ્ન ઉદભવે એ પ્રકારનું કથાનક આગળ ધરીને વાચકોના રસને રહસ્યમય રીતે પોષવાનું કાર્ય કરે છે. રાજુને સંધ્યા સાથે જ હોવાથી હવે કોઈ ડર ન હોવાથી શાંતિથી ગાડીમાં ઊંઘી જાય છે. આંખ ખૂલે છે ત્યારે સંધ્યા તેને મળતી નથી. આબુ પહોંચ્યા પછી તેને સંધ્યાના ન હોવાની જાણ થતાં તે બધી જ જગ્યાએ તપાસ કરી લે છે ને અંતે સંધ્યા ન મળતા તે ત્યાંથી બધા જ સ્ટેશન પર જઈ તેની શોધ કરવાનું વિચારે છે. આ માટે તે એક ટેક્સી કરી શોધ શરૂ કરવાનો પ્રયત્ન કરે છે. રાજુના કહેવા મુજબ મહેસાણા આવ્યા પછી તેને સંધ્યા ટ્રેનમાં જોવા મળી ન હતી. હવે અહીંથી કહાણીમાં રહસ્ય બતાવાયું છે. વાચક તરીકે એમ અનુભવાય કે સંધ્યા રાજુને પ્રેમ કરતી હતી માટે જ તે તેની સાથે ભાગી હતી તો પછી તે ગઈ તો ક્યાં ગઈ ? બીજો સવાલ થાય તો એ કે તેને કોઈ કીડનેપ તો નહીં કરી ગયું હોય ને ? પણ આ પ્રશ્નોમાંથી એક પણ પ્રશ્ન સંધ્યા સાથે લાગુ પડતો નથી.
સંધ્યાની આ કહાણીના રહસ્યમાં વચ્ચે રાજુનું ટેક્સીમાં જવું સંધ્યાને શોધવા, ત્યાં રસ્તામાં તેના પિતાની ગાડીને અકસ્માત થયેલો જોવો, પોલીસ ઇન્સ્પેક્ટરના હાથે પકડાવું, આ બધું કાવતરું સંધ્યાના પિતાનું હોવાની તેને જાણ થવી, તેમાંથી બચવા તેના જીજુ જીતુભાઈ જેઓ વ્યવસાયે વકીલ હતા તેમને જાણ કરવી વગેરે જેવી વાતો કથામાં ઉમેરાતી રહે છે. બીજી બાજુ સંધ્યા ચિત્રાસણી રેલવે સ્ટેશન પર ઉતરી સ્ટેશન બહાર જતી હોય છે ત્યારે સ્ટેશન પર કામ કરતો કર્મચારી ગુલાબસિંહ તેને જોઈ જાય છે અને તેને રોકવાની કોશિશ કરે છે. સંધ્યાને પકડીને પૂછે છે કે તે ક્યાં જઈ રહી હતી ? તે પછી સંધ્યા ઊંઘમાંથી ઝબકીને જાગી ગોય તેમ તે પોતે જ પેલા માણસને પૂછે છે કે તે ક્યાં છે ? તે પછી ગુલાબસિંહ પરિસ્થિતિ સમજી જતા સ્ટેશન માસ્તર પાસે લઈ જાયછે. સ્ટેશન માસ્તરની દાનત તો સંધ્યાને જોયા પછી બગડી જ હોય છે પણ ગુલાબસિંહ બધું સંભાળી લે છે. આગળના સ્ટેશન પર જાણ થઈ જાય છે કે કોઈ યુવતી તેમને મળી છે. સમાચાર અંતે સંધ્યાના પિતા સુધી પહોંચે છે ને તેઓ પોતાની દીકરીને મળવા માટે અધીરા બને છે. બરાબર ભાનમાં આવેલી સંધ્યા સમજી જાય છે કે તેના સ્ટેશન પર ઉતરવાનું કારણ તેની ઉંઘમાં ચાલવાની ટેવ હોય છે જેના કારણે તેને કંઈ જ ખબર રહેતી નથી. સંધ્યાનું નારીરૂપ અને સ્ત્રીશક્તિકરણ વાળું રૂપ તો પિતાને મળ્યા પછી જોવા મળે છે.
સંધ્યા પિતાને જોતા રડી પડે છે. પિતાને તો પોતાની આબરૂની પડી હોવાથી તેને ધમકાવવા લાગે છે ને ગમે તેમ બોલવા લાગે છે. સંધ્યા તેમના આ રૂપને લાંબા સમય સુધી સહન કરી શકતી નથી. તે તેના પિતાને ખૂબ જ ધિક્કારે છે અને પોતાની માતાને માન આપતા કહે છે કે ‘મારી માનું પદ કોઈનું ય મોહતાજ નથી સમજ્યા ?(’1) બાપ-દીકરી વચ્ચે ઉગ્ર બોલાચાલી ચાલે છે. સંધ્યા પોતાનો નિર્ણય બાપને જણાવતા કહી દે છે કે ‘તમને એવું કોણે કહ્યું કે હું તમારી સાથે આવીશ ? હું એકવીસ વર્ષની છું – હવે હું મારા નિર્ણય મારી રીતે લઈ શકું છું. હું રાજુને પરણીને તમારે ઘેર આવીશ સમજ્યા ? રાઠોડ સાહેબ, ઝાલાસાહેબને સમજાવો કે હું સ્વતંત્ર ભારતની નાગરિક છું – મતદાર છું. હું મારા ભાગ્યનો ફેંસલો મારી જાતે કરીશ.’(2) ઉપરોક્ત વાક્ય બોલનારી સંધ્યાએ કદી પપ્પાની સામે એક શબ્દ પણ ઉચ્ચાર્યો ન હતો અને આજે તે આટલું બધું કહેતા અચકાતી પણ નથી. અહીં સંધ્યાનો રાજુ પ્રત્યેનો પ્રેમ હોય, વિશ્વાસ હોય કે વફાદારી હોય કે પછી પિતા પ્રત્યેની નફરત હોય કે તેમના પરનો ગુસ્સો હોય તે બધું ઉપરોક્ત વાક્યમાં તેની ખુમારી રૂપે કે રોષરૂપે પ્રગટ થયેલું જોવા મળે છે. દીકરીનું રૌદ્રરૂપ જોયા પછી તો ઓફિસર પિતા ઝાલા પણ અવાક બની જાય છે. તે પછી ઇન્સપેક્ટર રાઠોડ કે જેમના હાથમાં આ આખો કેસ હોય છે તેમને મોબાઈલ વાપરવા આપવા સંધ્યા કહે છે ત્યારે ઝાલા મોબાઈલ ખૂંચવી લે છે ત્યારે ફરી પાછી ગુસ્સે થતી સંધ્યા બાપને કહે છે કે, ‘હું તમારા વિરુદ્ધ ફરિયાદ કરીશ રાઠોડને – સ્ત્રીશક્તિકરણનો કાયદો તો ખબર છે ને ?’(3) દીકરીના મુખે બોલાયેલા શબ્દો પછી ઝાલા સમજી જાય છે કે હવે કોઈ પણ જાતની શક્તિ વાપરી શકાય એમ નથી. પાણી હવે માથા ઉપર વહેલા લાગ્યું છે તેથી હવે ચૂપ રહીને જ એનો રસ્તો કાઢી શકાય. તે પછી સંધ્યા નઝમાનો સંપર્ક કરી અને રાજુ સુધી પોહંચવાનો પ્રયત્ન કરે છે. રાજુનો સંપર્ક થાય ત્યાં સુધીમાં તે માતા સાથે પણ વાતચીત કરી લે છે. સંધ્યાની માતા પરિસ્થિતિને સમજી જતા તેના પતિને સમજાવવાનો પ્રયત્ન કરે છે. અંતે રાજુ અને સંધ્યા પાલનપુર મળે છે. રાજુ સાથે તેના જીજુ જીતુભાઈને જોયા પછી એક આદર્શ દીકરી જેમ પોતાના વડીલોને પગે લાગીને આર્શીવાદ લે એમ સંધ્યા પણ પોતાના ભાવિ સસરા એવા જીતુભાઈને પગે લાગે છે. અંતે જીતુભાઈ રાજુને પણ સસરાને પગે લાગવાનું કહે છે ને ઝાલા પણ પોતાના જમાઈ તરીકે રાજુનો સ્વીકાર કરે છે.
એકદમ ટૂંકાણમાં રજૂ થતી આ કથામાં રોચકતા અને રહસ્યમયતા ભરપૂર જોવા મળે છે. મુખ્ય કથા તો રાજુ અને સંધ્યાના પ્રેમની જ છે. પણ આ કથામાં સંધ્યા રાજુથી છૂટી પડે છે તેનું રહસ્ય જાણવું મહત્વનું થઈ જાયછે. બંને એકમેકને ખૂબ ચાહતા હોય છે પણ આમ અચાનક સંધ્યા ટ્રેનમાં ન મળતા રાજુને પોતાનો નિર્ણય ખોટો હતો એમ વિચારવા દિલ મજબૂર કરે છે. કેમ કે સંધ્યાના ન મળવાથી તેને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અંતે સંધ્યાના ટ્રેનમાં ન મળવાનું કારણ પણ એકદમ અજુગતુ લાગે તેવું છે. તેની રાત્રે ઊંઘમાં ચાલવાની ટેવને કારણે તે રાજુથી છૂટી પડી ગઈ હોય છે. એમ જોતા લઘુનવલનું શીર્ષક ‘નિદ્રાચર’ ત્યાં તેની સાર્થકતા પ્રગટ કરે છે. તેનો અર્થ પ્રગટ કરે છે. સંધ્યાના પાત્રની પણ વિશેષતા જોઈએ તો તે રાજુને પ્રેમ કરે છે પણ પોતાના ઓફિસર બાપના રોફથી ડરતી નથી. પ્રેમ કરે છે તો નિભાવી પણ જાણે છે ને વખત આવતા બાપને પણ કાયદાને તેના નિયમો પણ બતાવતાં ડરતી નથી. એક શિક્ષિત, સંસ્કારી, કાયદાનું જ્ઞાન ધરાવતી, ભરપૂર આત્મવિશ્વાસ ધરાવતી, નિડરતાથી પરિસ્તિતિનો સામનો કરનારી આ યુવતી સ્ત્રીસશક્તિકરણના નમૂનારૂપે રજૂ થતું આ ઉત્તમ નારીપાત્ર છે.
આ લઘુનવલમાં સંધ્યા ઉપરાંત અન્ય સ્ત્રીપાત્રો જોઈએ તો. સૌ પ્રથમ નઝમાનું આવે.
નઝમાનું પાત્ર માત્ર બે કે ત્રણ વખત લઘુનવલમાં આવતું જોવા મળે છે. સંધ્યા અને રાજુને ઘરેથી ભાગવામાં અને તેમની ઘડેલી વ્યૂહરચનાઓમાં પારંગત થવામાં નઝમાનું શ્રેય વધારે છ. નઝમાની મદદથી જ રાજુથી છૂટી પડેલી સંધ્યા તેના સુધી પહોંચે છે. આમ, નઝમાનું પાત્ર અહીં પરમ મિત્ર એટલે કે બેસ્ટ ફ્રેન્ડના ગુણો ધરાવતું પાત્ર તરીકે ઉપસી આવે છે. રાજુ અને સંધ્યાના મિલન, વિરહ અ પુનઃમિલનની કહાનીમાં સાંકળરૂપ બનતું આ પાત્ર છે.
સૌદામિની સુશીલ અને કેળવણી પામેલી સ્ત્રી છે. દીકરીની હરકતોથી વાકેફ હોય છે પણ પતિની જેમ તે દીકરી પર સખતાઈ કરતી નથી. પતિ અને દીકરીની વચ્ચે હંમેશા સંતુલન જળવાઈ રહે એ માટેના પ્રયત્નો કરતી જોવા મળે છે. પતિ જ્યાં ખોટા હોય ત્યાં તેમને અટકાવતા સમજદારીપૂર્વક વાત કરીને તેમને સમજાવવાનો પ્રયત્ન પણ કરે છે. સૌદામિનીની સમજણનો આ ઉત્તમ નમૂનો જુઓ –
“આજે મારું કહ્યું માનો ને અભિમાનમાં આબરૂના લીરેલીરા કર્યા વગર છાણ પર ધૂળ વાળી દો. નાગર છો – વિચક્ષણપણું આપણ લોહીમાં છે, રાયજી. દીકરીની વાણીમાં જે આત્મવિશ્વાસ છે એથી ડરજો અને સમજાવી-પટાવી-સમાધાન કરી દીકરીને ઘરે લાવજો. તમારી આવડતમાં મને શ્રદ્ધા છે.”(4) આવું કહેનારી આ સ્ત્રી દીકરીની જીદ્દને તો સમજી ગઈ છે પણ સાથે સાથે ઘરને સ્વર્ગ બનાવીને રાખવાવાળી આ સ્ત્રી ઘરની વાતો ઘરમાં જ રહે એવી ઈચ્છા રાખતી આ ગુણિયલ સ્ત્રી પતિને શિખામણ તો આપે જ છે સાથે સાથે તેમની આવડતમાં વિશ્વાસ છે એમ કહીને પતિના માનને વધારતી અને પતિના ગુસ્સાને ઠંડો પાડવાની ટેકનિક પણ જાણતી હોય છે. આવી સ્ત્રી સાચી ગૃહિણીની સમજદારી શું હોય ને શું હોવી જોઈએ ? તેનો ઉત્તમ નમૂનો રજૂ કરતું નારીપાત્ર છે.
આ ઉપરાંત અન્ય સાવ અતિ ગૌણ નારીપાત્ર તરીકે રાજુની દીદી ‘ઉષા’નું કહી શકાય નિઃસંતાન દંપતી રાજુનો ઉછેર પુત્રની જેમ કરતા હોય છે. ઉષાનું પાત્ર અન્ય નારીપાત્રોની જેમ વર્ણવાયેલું જોવા મળતું નથી.
લેખકે 12 પ્રકરણમાં લખેલી આ લઘુનવલનો વિષય તદ્દન નવો જ છે. રહસ્યમયતા સાથે કથાનું નિરૂપણ કરવું તે લેખકની વિશેષતાને પ્રગટ કરે છે. આ ઉપરાંત સાદી, સરળ, ભાષા, ભાષામાં પણ અંગ્રેજી અને હિન્દી ભાષાના વાક્યોનો પ્રયોગ કરવો. ક્યાંક ક્યાંક કહેવતનું આલેખન પણ લઘુનવલની વિશેષતામાં વધારો કરે છે. આ ઉપરાંત નાવિન્ય સભર નારીપાત્રો પણ લઘુનવલની વિશેષતામાં ઉમેરો કરે છે.
સંદર્ભ:
- ચિનુ મોદી – નિદ્રાચર, રન્નાદે પ્રકાશન, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ-2008, પ્રકરણ-11, પૃ.71
- એજન પૃ.72, પ્રકરણ-11
- એજન પૃ.73, પ્રકરણ-11
- એજન પૃ.74, પ્રકરણ-11