ધ ઇન્ડિયન એન્ટિક્વેરી સામયિકમાં ગુજરાતના લોકસાહિત્ય ક્ષેત્રે જેમ્સ બર્ગેસ અને આર. ઇ. એન્થોવનનું પ્રદાન
આપણા સાહિત્યનો વારસો મૌખિક પરંપરામાંથી હસ્તલિખિત પરંપરામાં, હસ્તલિખિત પરંપરામાંથી મુદ્રિત પરંપરામાં અને મુદ્રિત પરંપરામાંથી આજે ઈલેક્ટ્રોનિક પરંપરારૂપે સચવાઇ રહ્યો છે. સાહિત્યનાં પ્રસાર, પ્રચાર અને વિસ્તારમાં સામયિકોની ખૂબ મોટી ભૂમિકા રહી છે ગુજરાતી ભાષાના સામયિકોની જ વાત કરીએ તો તેમાં જુદા જુદા વિષયોના સ્વરૂપગત, ગદ્ય અને પદ્ય, ભાષારીતિ, સમીક્ષા, લોકસાહિત્ય, સાહિત્યિક અહેવાલો તથા અન્ય બાબતોને લગતા લેખો પ્રકાશિત થતા રહ્યા છે. ઘણાં સામયિક એવા છે કે જે સંપૂર્ણપણે લોકસાહિત્યને જ વરેલાં હોય છે. તેમાં ‘લોકગુર્જરી’, ‘વીરડો’, ‘ઢોલ’, ‘આદિલોક’, ‘ઊર્મિ નવરચના’, ‘લખારા’, ‘પૂર્વપરા’, ‘શારદા’, ‘વહી’, ‘રીતિ’, ‘કંઠસંપદા’ વગેરેને ગણાવી શકાય. ૧૯મી સદીમાં શરૂ થયેલ ‘ધ ઇન્ડિયન એન્ટિક્વેરી’ એવું પ્રથમ સામયિક છે કે જેમાં ગુજરાતનું લોકસાહિત્ય અંગ્રેજી ભાષામાં પ્રગટ થયું હોય. આ સામયિક ઈ.સ. ૧૮૭૨થી ઈ.સ. ૧૯૩૩ એમ કુલ ૬૨ વર્ષ સુધી પ્રગટ થતું રહે છે. તેમાં ગુજરાતના લોકસાહિત્યક્ષેત્રે કુલ ૯ સંશોધક–સંપાદકોએ પ્રદાન કર્યું છે. જેમ્સ બર્ગેસ, મેજર જે. ડબલ્યુ. વોટ્સન, કેપ્ટન ઇ. વેસ્ટ, ઇ. જી. ક્વ્ફોર્ડ અને આર. ઇ. એન્થોવન જેવા યુરોપિયનો તથા પૂતળીબાઈ ધનજીભાઈ વાડિયા, શોરાબજી કાવસજી ખંભાતા, ગિજુભાઈ બધેકા અને કે. રઘુનાથજી જેવાં ગુજરાતી-ભારતીય સંશોધક-સંપાદકોએ પોતાનો ફાળો આપ્યો છે. અહીં ‘ધ ઇન્ડિયન એન્ટિક્વેરી’ સામયિકમાં ગુજરાતના લોકસાહિત્ય ક્ષેત્રે જેમ્સ બર્ગેસ અને આર. ઇ. એન્થોવને જે પ્રદાન કર્યું છે તે અંગે વિસ્તારથી વાત કરવાનો આશય છે.
જેમ્સ બર્ગેસ :
જેમ્સ બર્ગેસનો જન્મ ૧૪ ઓગસ્ટ ઈ.સ. ૧૮૩૨ના રોજ કિર્કમાહો, ડમ્ફીશાયર ઈંગ્લેડમાં થયો હતો. શરૂઆતનું શિક્ષણ તેમણે ડમ્ફીશાયરમાં લીધું. ત્યારબાદ ગ્લાસગો યુનિવર્સિટી અને એડિનબર્ગ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો. તેઓ ભારતીય ઇતિહાસ, પુરાતત્વવિદ્યા અને સ્થાપત્યકલાના પ્રકાંડ સ્ક્રોટિશ વિદ્ધાન હતા. ઈ.સ. ૧૮૫૫ની સાલમાં તેઓ ભારતમાં ક્વેટન કૉલેજ, કલકત્તામાં ગણિતના અધ્યાપક તરીકે આવ્યા અને ૬ વર્ષ સુધી અધ્યાપક તરીકેની જવાબદારી નિભાવી. ત્યારબાદ મુંબઈની ‘સર જમશેદજી જીજીભાઈ પારસી બેનેવોલન્ટ’ સંસ્થાના પ્રમુખપદે નિમાયા. આ સમયગાળા દરમિયાન તેમણે ‘ટેમ્પલ્સ ઑવ શત્રુંજય’ (૧૮૬૯) અને ‘રોક્ક્ટ ટેમ્પલ્સ ઑવ એલિફન્ટા’ (૧૮૯૧) જેવા મહત્વના સંશોધનગ્રંથો આપ્યા. ઈ.સ. ૧૮૬૮થી ઈ.સ. ૧૮૯૩ દરમ્યાન બોમ્બે જિયોગ્રાફિકલ સોસાયટીના સેક્રેટરી રહ્યા. તેઓ ઈ.સ. ૧૮૭૩માં પશ્ચિમ ભારત અને ઈ.સ. ૧૮૮૧માં દક્ષિણ ભારતના આર્કોલોજિકલ સર્વેના વડા રહ્યા. ઈ.સ. ૧૮૮૬થી ઈ.સ. ૧૮૮૯ના સમયગાળામાં ‘આર્કોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા’ના ડાયરેકટર જનરલ તરીકેની ફરજ બજાવી. તેમણે મુંબઈમાં ઈ.સ. ૧૮૭૨માં ‘ધ ઇન્ડિયન એન્ટિક્વેરી’ સામયિકની શરૂઆત કરી અને ઈ.સ. ૧૮૭૨થી ઈ.સ. ૧૮૮૪ દરમિયાન આ સામયિકના તંત્રી તરીકે રહ્યા. ઈ.સ. ૧૮૭૪માં ભારત સરકારે ભારતીય પુરાવસ્તુ સર્વેક્ષણના પશ્ચિમ વિભાગના સર્વેક્ષક તરીકે તેમની નિયુક્તિ કરી. ઈ.સ. ૧૮૭૪થી ઈ.સ.૧૮૮૧ દરમિયાન તેમણે વિવિધ પ્રાચીન સ્થળોના અવશેષોની નોંધ કરી અને જુદા જુદા સ્મારકોના નકશા તેની અભ્યાસનોધ સાથે પ્રગટ કર્યા. એમાં કાઠિયાવાડ અને કચ્છ, બેલગાંવ, બીડર, બેલુર, ઔરંગાબાદ, અમરાવતી, જગ્ગ્યપેટ, ડભોઇ, અમદાવાદ વગેરે સ્થળો મુખ્ય છે. પશ્ચિમ ઉપરાંત દક્ષિણ ભારતીય પુરાવસ્તુ સર્વેક્ષણનો પણ તેમને હવાલો આપવામાં આવતા મધ્ય પ્રદેશ અને દખ્ખણ ઉપરાંત દક્ષિણના અનેક સ્થળોના સ્થાપત્યકીય સર્વેક્ષણો પ્રગટ કર્યા. ઈ.સ. ૧૮૮૬માં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના મહાનિર્દેશક તરીકે તેમની નિમણૂક થતા તેમણે આ ખાતાની કામગીરીમાં અમુલ પરિવર્તન આણ્યુ. પ્રાચીન અભિલેખોને પ્રગટ કરવા માટે તેમણે ‘એપિગ્રાફિયા ઇન્ડિકા’ નામની પત્રિકા શરૂ કરાવી. જેમ્સ બર્ગેસની પ્રેરણા લઈ હેન્રી કઝીન્સ, અન્સર્ટ હુલત્શ, રાઈશ જેમ્સ ફર્ગ્યુસન વગેરે વિદ્ધાનોનું સંશોધન જૂથ તૈયાર થયું. ભારતીય પુરાવસ્તુ સર્વેક્ષણના દરવર્ષે પ્રગટ થતા રિપોર્ટમાં સંશોધનગ્રંથો પ્રકાશિત કરાવ્યા. તેના પરિણામે ‘ઈમ્પીરિયલ સિરીઝ’ના ૭ ગ્રંથો પ્રકાશિત થયા.
ઈ.સ. ૧૮૮૧માં એડિનબર્ગ યુનિવર્સિટીએ તેમને ‘ડી.લીટ’ની માનદ પદવી આપી. ઈ.સ. ૧૮૯૪માં ‘રોયલ સોસાયટી ઓફ એડિનબર્ગ’માં ફેલો તરીકે ચૂંટાયા અને ઈ.સ. ૧૯૦૮ થી ઈ.સ.૧૯૧૪ દરમિયાન ત્યાં જ ઉપપ્રમુખ તરીકેની સેવા આપી. જિનિવામાં ઈ.સ. ૧૮૮૪માં ભરાયેલ ‘પ્રાચ્યવિદ્ર્યા પરિષદ’માં તેઓ ભારતના પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રહ્યા. ઈ.સ. ૧૮૮૫માં તેમને ‘કંપેનિયન ઑવ ધી ઇન્ડિયન એમ્પાયર’નો પદક પ્રાપ્ત થયો હતો. ઈ.સ. ૧૮૮૯માં મહાનિર્દેશકના હોદ્દા પરથી નિવૃત થતા તેઓ સ્વદેશ ગયા અને ત્યાં રહીને ભારતીય પુરાતત્વવિદ્યાને લગતા ગ્રંથોનું લેખનકાર્ય કરતા રહ્યા. ઈ.સ. ૧૮૮૯માં તેમનું ‘કીથ પદક’ દ્વારા બહુમાન થયું. ત્રીજી ઓક્ટોબર ઈ.સ. ૧૯૧૬ના રોજ એડિનબર્ગ ઈંગ્લેન્ડ ખાતે તેમનું અવસાન થયું
ભારતીય પુરાતત્વવિદ્યા, ભારતીય કાલગણના પદ્ધતિ, પ્રાચીન શિલાલેખો અને જ્યોતિષ વિશેના જેમ્સ બર્ગેસના ઘણા લેખો ‘આર્કિયોલોજિકલ રિપોર્ટ્સ’, ‘ફિલોસોફિકલ મેગેઝીન’, ‘ધ ઇન્ડીયન એન્ટિક્વેરી’, ‘એપીગ્રાફિયા ઇન્ડિકા’ વગેરેમાં પ્રકાશિત થયા છે. આ ઉપરાંત તેમની પાસેથી નીચે મુજબના શોધલેખો-પુસ્તકો મળે છે.
- ‘ટેમ્પલ્સ ઑવ સોમનાથ, જૂનાગઢ એન્ડ ગિરનાર’ (ઈ.સ. ૧૮૭૨)
- ‘ધ રૉક ટેમ્પલ્સ ઑવ અજંટા’ (ઈ.સ. ૧૮૭૯)
- ‘ધ ટેમ્પલ્સ ઑવ શત્રુંજય’
- ‘બુદ્ધિસ્ટ આર્ટ ઇન ઇન્ડિયા’ (ઈ.સ. ૧૯૦૧)
- એન્શ્યન્ટ ટેમ્પલ્સ એન્ડ સ્કલ્પચર્સ ઓવ ઇન્ડિયા’ (ઈ.સ. ૧૮૮૦ - ફર્ગ્યુસન સાથે સહલેખન)
- ઑન હિન્દુ એસ્ટ્રોનોમી’
- નોટ્સ ઑન અજંતા પેંટિંગ્સ’
- ‘એન્ટિક્યુટી ઑફ ડાભી’
- આર્કોલોજિકલ સર્વે ઓફ વેસ્ટન ઇન્ડિયા’
આ ઉપરાંત જેમ્સ બર્ગેસે ‘ધ ઇન્ડિયન એન્ટિક્વેરીમાં ગુજરાતના લોકસાહિત્ય વિષયક બે લેખ આપ્યા છે. તેમાં જાન્યુઆરી ૧૮૭૨માં ‘A Legend Of Serpent Worship from Bhavnagar In Kathiyawad’ નામનો લેખ મળે છે તેનો ટૂંકસાર આ પ્રમાણે છે.
એક રાજાને સાત રાણી હતી તેમાથી છ માનીતી હતી અને એક અણમાનીતી હતી. તે રાણીના પિયરમાં પણ કોઈ જીવતુ હતુ નહિ. સાસરીમાં સાસુ અને દેરાણીનો ત્રાસ સહન કરવો પડતો તથા ઘરનું આખુ કામ કરવા છતાં વધેલું ઘટેલું ભોજન મળતું. એક દિવસ ઘરમાં કરેલી ખીર ખાવા ન મળતા વાસણમાં ચોટેલી ખીર એકઠી કરી નદી કિનારે મૂકી નાહવા ગઈ, ત્યાં એક નાગણ આવીને ખીર ખાઈ ગઈ. રાણીએ આવીને વાસણમાં ખીર ન જોતાં કહ્યું ‘ખાનારનું પેટ ઠરજો’ આ સાંભળી નાગણે બહાર આવી રાણીને તેના ઘરે જઈને તેના સાસરિયાને તેનું સીમંત ઉજવવા જણાવ્યું. તેમાં કંકોત્રી છપાવી આકડા સાથે બાંધવાનું કહ્યું. રાણીએ તે મુજબ કરતા નાગપુત્ર મોસાળુ અને પહેરામણી લઈ આવ્યો. તેણે ધર્મની બહેન અને તેના સાસરિયાંને ઘણી ભેટ-સોગાદો આપી તથા ધર્મની બહેનને નાગલોકમાં લઈ ગયો. ત્યાં રાણીને પુત્ર થયો. એક દિવસ રાણીના હાથમાથી ફાનસ પડી જતાં નાગભાઈઓને ઇજા થઈ ને એક કાણીયો અને બીજો બાંડિયો બન્યો.
સાસરે ગયા પછી રાણીએ પોતાના પુત્ર માટે સાસુ પાસે દૂધની માંગણી કરી ત્યારે સાસુએ રાણીને તેના પિયરથી ગાયોને ભેસો લઈ આવવા કહ્યું. આથી નાગણે રાણીને ત્યાં ગાયો અને ભેંસો મોકલી. બહેનને આટલું બધુ આપ્યું એ જાણી કાણિયો અને બાંડીયો ગુસ્સે થયા અને બહેનને કરડવા માટે તેના ઘરના પાણિયારામાં ને રસોડામાં સંતાયા. રાણીને કળશો ભરવા જતાં ઠેસ વાગી અને તે તરત જ બોલી ‘મારો કાણિયો અને બાંડીયોભાઈ સલામત રહેજો’ આ સાંભળી બંને ભાઈ ખુશ થયા અને બીજા દિવસ પોતાની ધર્મની બહેનને ઘણી ભેટો આપી. આ રીતે રાણીએ બાકીની જિંદગી સુખ અને આનંદમાં વિતાવી.
જુલાઈ ઈ.સ. ૧૮૭૪ના અંકમાં જેમ્સ બર્ગેસ પાસેથી The Gohels And Dabhis નામનો લેખ મળે છે. તેમાં કાઠિયાવાડમાં ડાભીઓ અને ગોહેલો વિશે જે દંતકથા પ્રચલિત છે તેની વાત કરવામાં આવી છે. તેનો ટૂંકસાર આ મુજબ છે:
રતલામ પાસેના ટૂકટોદરમાં ચૌહાણ રાજકુંવર રાજ્ય કરતો હતો. તે સમયે ગોહેલોને ડાભીઓ તેના સેવકો હતા. થોડાક સમય પછી ડાભીઓ માનીતા થયા અને ગોહેલો અણમાનીતા થયા. આથી ગોહેલોએ રાજાને મારી નાખ્યો અને પોતે ગાદીએ આવ્યા. નવા રાજાના ભાઈએ એક ઉજાણી ગોઠવી તેમાં ડાભીઓ અને ગોહેલોને ભેગા કર્યા. પછી કપટથી ગોહેલોને માર્યા. તેમાંથી થોડાક ગોહેલ તેમના નેતા સાથે ભાગી નીકળ્યા અને વઢવાણના વાઘેલા રાજા પાસે ગયા. ત્યાં તેમને રાજાએ પાંચાલ દેશના માલિક બનાવ્યા. ભાગી આવેલા ગોહલોમાં સેજો અને વેજો નામના બે ભાઈ હતા. તેમાંથી સેજો ગોહેલે સેજકપુર વસાવ્યું. સેજકપુરથી ચાંદલપુર ચાર કોશ દૂર છે. જ્યાં ધંધુલીમલ ગોંસાઇ રહેતો હતો. સિદ્ધરાજની માતા મીનળદેવી તીર્થયાત્રાએ નિકળ્યા હતા તે સમયે તેમને સુવાવડ આવવાની હતી. આથી ચાંદલપુર પાસેના અડાલુ તળાવ પાસે તેમણે આશ્રય લીધો. રાજાની કીર્તિ સાંભળી તેઓ રાજા પાસે ગયા અને તે મહેલમાં સિદ્ધરાજનો જન્મ થયો. સિદ્ધરાજ મોટો થતા ત્યાં તળાવ બંધાવ્યું. આ તળાવ સુધી વાઘેલાઓનો દેશ હતો અને ત્યાંથી પશ્ચિમમાં જૂનાગઢના રાજાનો પ્રદેશ હતો. એક વખત જૂનાગઢનો રાજકુંવર ફરવા નિકળ્યો અને અડાલુ તળાવ પાસે આવ્યો. સેજકપુરના ગોહેલને એવી જાણ થઈ કે તે યુદ્ધ કરવા આવ્યો છે પછી બંને વચ્ચે યુદ્ધ થયું. અંતે કુંવર પકડાયો પણ તે જૂનાગઢનો રાજકુંવર છે તે જાણી સેજા ગોહેલે તેને મુક્ત કર્યો તથા વેજા ગોહેલની પુત્રીને તેની સાથે પરણાવી, તથા પહેરામણીમાં ઘણી ભેંટ-સોગાતો આપી. જૂનાગઢના રાજાએ પણ ગોહેલોને ૧૨૫ ગામ ભેટ આપ્યા જે લાઠી પ્રદેશમાં આવ્યા. આ રીતે સેજો સેજકપુરમાં રહ્યો અને વેજો લાઠી પ્રદેશમાં રહ્યો. તેથી આજે પણ એના વંશજો લાઠી અને પાલીતાણામાં જોવા મળે છે. તેવી જ રીતે સેજાનો પુત્ર રાણગોહેલ કે જેણે રાણપુર વસાવ્યું અને ધારમેરની પુત્રીને પરણ્યો તેણે ‘ખાસ’ ગામ મેળવ્યું ને ખસિયા કોળીઓનો પૂર્વજ બન્યો.
તે સમયે વાલા અને તળાજામાં એભલવાળો રાજ્ય કરતો હતો. તેણે પોતાના રાજ્યના બ્રાહ્મણોને ખૂબ દુ:ખ આપ્યું અને બ્રહ્મહત્યા કરી. આથી બ્રાહ્મણો ધંધુકા ગયા જ્યાં ધાનમેર રાજાએ આશ્રય અને આજીવિકા આપ્યાં. પછી ધાનમેરે મોટું લશ્કર લઈ એભલવાળા પર હુમલો કર્યો ને તેને ભગાડયો, અંતે તેનો વધ થયો. તેનું રાજ્ય ધાનમેરે પોતાના જમાઈ રાણજી (રાણગોહેલ)ને આપ્યું. રાણજી પછીના વંશજોએ રાણપુરમાં રાજ્ય કર્યું. પણ મુસલમાનોના બાદશાહના લશ્કરે તેનો નાશ કર્યો. આ રીતે તેમનો અંત આવ્યો.
જેમ્સ બર્ગેસે લોકસાહિત્ય વિષયક લેખોની સાથે અન્ય વિષયના લેખો ‘ધ ઇન્ડિયન એન્ટિક્વેરી’ સામયિકમાં આપ્યા છે. તેમાં Narayan swami (Nov-1872), Papers On Satrunjaya (Jan-1873), On The Vallabhi Chronology (Aug-1874), Papers On Satrunjaya and The Jainas (July-1884), The Satrunjaya Mahatmyam (Jun-1901) વગેરે જેવા વ્યક્તિ વિષયક, સ્થળ વિષયક અને ઇતિહાસ વિષયક લેખો તેમની પાસેથી મળે છે.
આર. ઇ. એન્થોવન:
‘ધ ઇન્ડિયન એન્ટિક્વેરી’ સામયિકમાં પ્રદાન કરનાર મહત્વના સંપાદકોમાં આર. ઇ. એન્થોવનનું નામ લેવું પડે. તેમનો જન્મ ૨૩ નવેમ્બર ઈ.સ. ૧૮૬૯ના રોજ ઇંગ્લેન્ડમાં થયો હતો. તેઓ જેમ્સ અને મરિયમ એન્થોવનના પાચમા પુત્ર હતા. તેમનું પૂરું નામ ‘રેગિનાલ્ડ એડવર્ડ એન્થોવન’ હતું. તેમણે વિલંગ્ટન કૉલેજમાં શિક્ષણ લીધું. પછી ઓક્સફોર્ડમાં ભણવા ગયા. ઈ.સ. ૧૮૮૭માં સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરીને ‘ઇન્ડિયન સિવિલ સર્વિસ’માં નિયુક્ત થયા અને ઈ.સ. ૧૮૮૯ની પહેલી ડિસેમ્બરે ભારત આવ્યા. શરૂઆતમાં તેઓ બોમ્બેમાં મદદનીશ જિલ્લા કલેકટર અને પછી આસિસ્ટન્ટ મેજીસ્ટ્રેટ તરીકે નિમાયા. ઈ.સ. ૧૮૯૬માં બઢતી મળતા ‘સેકંડ આસિસ્ટન્ટ’ તરીકેની ફરજ ઈ.સ. ૧૯૦૦ સુધી બજાવી. ઈ.સ. ૧૯૦૨માં તેઓ ફર્સ્ટ આસિસ્ટન્ટ અને અંડર સેક્રેટરી તરીકે રહ્યા ઈ.સ.૧૯૦૧ની વસ્તી ગણતરીમાં બોમ્બેની અંદર તેઓ ‘પ્રાંતીય અધ્યક્ષ’ ( પ્રોવિન્સિયલ સુપ્રિન્ટેન્ડેન્ટ ) તરીકે રહ્યા બાદ જનરલ ઓફ સ્ટેટિસ્ટિકના ડિરેક્ટર બન્યા. ઈ.સ. ૧૯૦૪માં ‘રોયલ સ્ટેટિસ્ટિકલ સોસાયટી’ના ફેલો તરીકે ચૂંટાયા. ઈ.સ. ૧૯૫૨માં તેમનું અવસાન થયું.
‘ધ ઇન્ડિયન એન્ટિક્વેરી’માં તેમણે ‘The Folklore Of Gujarat’ શીર્ષક હેઠળ ૧૬૦ પાનાનો મોટો લેખ આપ્યો છે. તેમણે જુદા જુદા ૧૧ પ્રકરણોમાં ગુજરાતના લોકસાહિત્યની વિસ્તારથી વાત કરી છે. પ્રથમ પ્રકરણ ‘Nature Power’માં હિન્દુ ધર્મના તહેવારો તથા તેના સાથે જોડાયેલી કથાઓ આપી છે હિન્દુમાસ પ્રમાણે આવતા બધા તહેવારોની વાત કરી છે. સાથે સાથે સૂર્યદેવની પૂજા અર્ચનાનું મહત્વ તથા સૂર્યના અન્ય નામોની સમજૂતી પણ આપી છે. તેમણે નીચે મુજબનો સંસ્કૃત શ્ર્લોક આપ્યો છે
“आदित्यो भास्करो भानू रवि: सूर्यो दिवाकर:।
षण्नाम स्मरेभित्यं महापातकनाशनम् ।।
આ લેખમાં શીતળામાતા, ગનઘોર, હનુમાનજી, હરસિદ્ધિમાતા, હિંગળા, શક્તિ, શૂરો-પૂરો, ટોડલિયા, ગોગા પીર વગેરેની માહિતી આપી છે. સાથે સાથે હિન્દુ ધર્મના માતાજી કે ભગવાન શિવ, વિષ્ણુજી વગેરેની ૫, ૭, ૨૧, કે ૧૦૮ વખત પ્રદક્ષિણા કરવાનો રિવાજ છે તથા પ્રદક્ષિણા સમયે જે શ્ર્લોક બોલાય છે તેની પણ વિસ્તૃત વાત કરી છે. જેમ કે,
पापोडहं पापकर्माडहं पापात्मा पापसंभव: ।
त्राहि मां पुण्डरीकाक्ष सर्वपापहरो भव ।।
यानि कानि च पापानि जन्मांतर कृतानि च ।
तानि तानि पिनश्यन्तु प्रदक्षिण पदपदे ।।
હિન્દુ ધર્મની બાર રાશિઓ તથા તેના પ્રતિકો ઇન્દ્ર, વરુણદેવ, વાયુ, અગ્નિ, અને ચંદ્રદેવ શેના પ્રતિક છે. તથા તેમની પૂજાનું શું મહત્વ છે? તેમની સાથે સંકળાયેલ કથાઓ કે માન્યતાઓ, સ્ત્રીઓના વ્રત જેવા કે ઋષિપંચમી, ગૌરીપૂજન, શિતળાપૂજન વગેરેની ચર્ચા અને ગિરનાર, આબુ, પાવાગઢ વગેરેનું ધાર્મિક મહાત્મ્ય વગેરે બાબતોની આ લેખમાં ખુબ જ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. ‘Herolc Godhings’ પ્રકરણમાં હનુમાનજીને કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે. તેમની સાથે સંકળાયેલી જુદી જુદી કથાઓ, તેમના પરક્રમોની વાત વગેરે આ પ્રકરણમાં કરવામાં આવી છે. ‘Disease deities’ પ્રકરણમાં જુદા જુદા રોગોના દેવતા, તેમની સાથે જોડાયેલી દંતકથાઓ, માન્યતાઓ, રોગોના ઉપચાર માટે કરવામાં આવતી દેવતાઓની પૂજા-ઉપાસના, વિધિઓ વગેરેની વાત છે. ‘Worship of Ancestors and saints’ માં પૂર્વજો અને સંતોની પૂજાનું મહત્વ દર્શાવ્યું છે. ગુજરાતમાં આવેલ પૂર્વજોની પૂજા માટેના પ્રસિદ્ધ સ્થાનો જેવા કે દાતારપીર, રામદેવપીર, મહાબલી, દાદાપીર, માંગલિયોપીર, હિંદવાપીર, ગંજપીર વગેરે વિશે ચર્ચા કરી છે.
‘Worship of The Malevolent Dead’માં સપના આવવાના કારણો, સપના દ્ધારા મળતા સંકેતો તથા તેની સાથે જે માન્યતાઓ જોડાયેલી છે, તેની વાત કરી છે. ‘The Evil Eye And The scraring Of Ghosts’માં કોઈની ખરાબ નજર લાગે અને ભૂત વળગે ત્યારે કેવા કેવા ઉપાય કરવામાં આવે છે તેની ચર્ચા કરી છે. ‘Tree and serpent worship’માં વૃક્ષો અને નાગપૂજાની વિસ્તૃત વાત કરી છે. પવિત્ર વૃક્ષોની પૂજા તથા તેને કાપવાથી લાગતા પાપ જેમ કે પીપળાનું વૃક્ષ કાપવાથી બ્રહ્મહત્યા જેટલું જ પાપ લાગે છે તેવી માન્યતાની વાત કરી છે. આ ઉપરાંત બધા વૃક્ષોનું ધાર્મિક મહત્વ, તેની સાથે જોડાયેલ દેવતા અને તેની પાછળ રહેલ કથા, સાપનું ઝેર ઉતારવાના ઉપાયો, જુદા જુદા સાપોની પૂજા વગેરેની વાત આ પ્રકરણમાં કરવામાં આવી છે. ‘Totemism and Fetishism’ માં કુળપ્રતીકો અને અંધશ્રદ્ધાની ચર્ચા કરી છે. ‘Animal Worship’માં પશુ-પક્ષીઓની કરવામાં આવતી પૂજાની વાત કરી છે. તેમાં ગાય, ઘોડો, હાથી, સિંહ, વાઘ, બળદ, વાનર, કૂતરો, બકરી, બિલાડી, રીંછ, માછલી, મગર, કાગડો, કલહંસ, મરઘો, મરઘી, પોપટ વગેરે પશુ-પક્ષીઓની પૂજાવિધિ અને તેમની સાથે જોડાયેલ શુભ સંકેતોને આવરી લીધાં છે. ‘Witchcraft’માં મેલીવિદ્યાની વાત કરી છે. છેલ્લું પ્રકરણ ‘General’ છે. તેમાં ખેતી, ઔષધીઓ, વાવણીની પ્રક્રિયા, પશુઓ સાથે જોડાયેલી માન્યતાઓ, હોળીનો તહેવાર જેવા જુદા જુદા વિષયોને આવરી લીધા છે.
આ ઉપરાંત તેમની પાસેથી નીચેના પુસ્તકો મળે છે:
- ગેઝેટિયર ઑફ ધ બોમ્બે પ્રેસિડેન્સ ( સર જેમ્સ એમ કેમ્બલ અને આર. ઇ. એન્થોવન)
- ધ કોટન ફેબ્રિક ઑફ ધ બોમ્બે પ્રેસિડેન્સ-૧૮૯૭
- બોમ્બે-૧૯૦૨
- ફોકલૉર ઑફ ધ કોંકણ, બોમ્બે-૧૯૧૪
- ફોકલૉર ઑફ ગુજરાત -૧૯૧૧
- રિલેજિંગ એન્ડ ફોકલૉર ઑફ નોર્થન ઇન્ડિયા (વિલિયમ કૂક, આર. ઇ. એન્થોવન)
સંદર્ભ ગ્રંથ :
- ‘ધ ઇન્ડિયન એન્ટિક્વેરી’ સામયિક વોલ્યુમ-૧ (૧૮૭૨), વોલ્યુમ-૩ (૧૮૭૪)
- ‘ધ ઇન્ડિયન એન્ટિક્વેરી’ સામયિક વોલ્યુમ-૪૬ (૧૯૧૭)
- ગુજરાતી વિશ્વકોષ - ખંડ-૧૩