Download this page in

મહિલા/મહિલા-સાહિત્ય અને ગુજરાતી સાહિત્ય પરિષદ પ્રમુખોનાં ભાષણો : એક વિશ્લેષણ

“હવે આ બહેનો પૂછે છે કે અમને આવાં સુંદર વર્ણનો આપીને છેતરે છે શા માટે? અમે છીએ એવી શા સારુ નથી ચીતરતા? અમે નથી રંભાઓ અને અપ્સરાઓ કે નથી અમે ગુલામડી દાસીઓ. અમે પણ તમારા જેવાં સ્વતંત્ર મનુષ્યો છીએ. શા માટે તમે અમને ઢીંગલી તરીકે વર્ણવો છો?... સ્ત્રીઓને અશિક્ષિત ગણી તેમનો અવાજ કાઢી નહિ નાખતા...” - સ્વ. મહાત્મા મોહનદાસ કરમચંદ ગાંધી

*****

મહિલા-સાહિત્ય અને ગુજરાતી સાહિત્ય પરિષદ પ્રમુખોનાં ભાષણો – આ લેખમાં મહિલા-સાહિત્યને લક્ષમાં રાખીને ગુજરાતી સાહિત્ય પરિષદનાં પ્રમુખોનાં ભાષણોનો વિશ્લેષણાત્મક અભ્યાસ અભિપ્રેત છે. એક વ્યાપક સાંસ્કૃતિક ચળવળના ભાગરૂપે જ્યારે નારીસશક્તિકરણનો મહિમા વિશ્વમાં ચારેતરફ ઉજવાઈ રહ્યો છે ત્યારે ગુજરાતી સાહિત્યમાં મહિલા-સાહિત્ય સંદર્ભે કેવી સ્થિતિ પ્રવર્તે છે એ અંગેની એક ઉત્સાહપૂર્ણ જિજ્ઞાસાથી પ્રેરાઈને આ ઉપક્રમ હાથ ધર્યો છે. આ લેખ ચાર વિભાગમાં વિભાજિત કર્યો છે.
૧. સાહિત્ય અને મહિલાઓ- સર્જનાત્મક સંબંધનો અવકાશ
૨. ગુજરાતી સાહિત્ય પરિષદ અને પ્રમુખીય ભાષણો
૩. પ્રમુખીય ભાષણોમાંથી મહિલા/મહિલા-સાહિત્ય સંદર્ભે અંશો
૪. વિશ્લેષણ અને પ્રતિક્રિયા

*****

૧. સાહિત્ય અને મહિલાઓ – સર્જનાત્મક સંબંધનો અવકાશ

સાહિત્ય એટલે શું? – કેટકેટલી રીતે ઉત્તર આપી શકાય! વૈવિધ્યપૂર્ણ અને વૈકલ્પિક વિચારોની ઉપસ્થતિમાં જ આ વિભાવનાને આત્મસાત કરવાનો પ્રયત્ન થવો જોઈએ. ભિન્ન આશયો અને પ્રયોજનોથી દોરવાતી, ભાષામાં આકૃત થતી, સાહિત્યના પ્રગટીકરણની પ્રક્રિયા ગહન, સંકુલ અને બહુપરિમાણી છે. વ્યક્તિએ વ્યક્તિએ એ નિરાળી અને આગવી પણ ખરી! પશ્ચિમની કે પછી પૂર્વની વિચાર પરંપરાને સ્વીકારીને ચાલીએ તો પણ કેટલીક બાબતો સ્વીકારવી જ રહી કે – સાહિત્યનો સીધો સંબંધ મનુષ્ય સાથે છે. મનુષ્ચની અભિવ્યક્તિથી લઈને મનુષ્યની અનુભૂતિનું મનોવૈજ્ઞાનિક વિશ્વ એનું કાર્યક્ષેત્ર છે. અનુભવોથી પ્રેરાઈ, અભિવ્યક્ત થઈ, અનુભવોનું નિર્માણ એ સાહિત્યની પ્રમુખ લાક્ષણિકતા છે. આમ, સાહિત્યને મનુષ્યજીવન સાથે ઊંડો સંબંધ છે અને એમાંથી જ એનું સ્ફુરણ અને ભાવન થતું હોય છે.

‘મહિલા’ એમ જ્યારે કહીએ છીએ ત્યારે શું અભિપ્રેત છે? સ્થૂળ રીતે જોઈએ તો વિજ્ઞાન સમજાવે છે કે ચોક્કસ પ્રકારનાં શારીરિક લક્ષણો ધરાવતો મનુષ્ય એટલે ‘મહિલા.’ આ તો થઈ એની દૈહિક ઓળખ. ‘મહિલા’ હોવું એ માત્ર શારીરિક ઘટના નથી, એ સાંસ્કૃતિક બાબત પણ છે. સમાજની વ્યવસ્થા અને સમાજમાં વર્ચસ્વ ધરાવતા મનુષ્યોએ વિકસાવેલી વિચાર-પરંપરા થકી પણ ‘મહિલા’ વ્યાખ્યાયિત થાય છે. આમ, એક વ્યાપક સામાજિક દૃષ્ટિ સુવિકસિત છે જે ‘મહિલા’ને અસ્તિત્વના સંદર્ભે, એની સાંસ્કૃતિક ઓળખના સંદર્ભે રૂપબધ્ધ કરે છે. આ વિચાર-દૃષ્ટિ એટલી પ્રભાવક છે કે ‘મહિલા’ આપઓળખની પ્રક્રિયામાં આ દૃષ્ટિથી દોરવાઈને આગળ વધતી હોય છે અને ક્યારેક સ્વહાનિ કરે એવાં તારણો સુધી પણ પહોંચતી હોય છે. કારણ કે, ચોક્કસ પ્રકારની શારીરિક અને સામાજિક ‘ઓળખ’ ધરાવતી હોવાને કારણે, ‘મહિલા’ની સમાજ અને સ્વનું આકલન કરવાની એક આગવી અને પોતીકી ભૂમિકા રચાય છે જે એનાં આંતરિક વિશ્વને આકાર આપે છે. આમ, શારીરિક, સામાજિક અને વ્યક્તિગત રીતે આગવી ઓળખ ધરાવતી ‘મહિલા’ સંજ્ઞા એક વિભાવના સૂચવે છે જે સાંસ્કૃતિક સંરચનાનું પરિણામ છે. આ લેખમાં ‘મહિલા’ શબ્દ આ અર્થસંકેતને લક્ષે છે.

હવે જો આ બે વિભાવના ‘સાહિત્ય’ અને ‘મહિલા’ના સંબંધ વિશે વિચારીએ તો શું જણાય છે? અનુભવોથી પ્રેરાઈને ચાલતી અને અભિવ્યક્તિમાં સિધ્ધ થતી સાહિત્યની ઘટના મહિલા માટે એક સુંદર વિકલ્પ છે વ્યક્ત થવાનો. સમાજ વ્યવસ્થાના ભિન્ન સ્તરોમાં જીવતી મહિલાને અનેક કારણોને લીધે નિતાંત અને નિર્ભેળપણે વ્યક્ત થવાનો અવકાશ ઘણો જ ઓછો રચાય છે. સંક્રમણની અસર અને પરિણામોની ચિંતાથી ઘેરાયેલી એની અભિવ્યક્તિ સહજ, નૈસર્ગિક કે સંપૂર્ણપણે સ્વને પ્રામાણિક ન પણ હોય. આ પ્રકારની ગોઠવાયેલી અભિવ્યક્તિ એ સમાજની એક એવી ઘટના છે જે મનુષ્યને-મહિલાને અકળાવે, ગૂંગળાવે અને આંતરસંઘર્ષમાં લઈ જાય. આવા સંજોગોમાં, સાહિત્ય મનુષ્ય-મહિલા માટે બિનશરતી, સર્જનાત્મક અને નિઃશેષ અભિવ્યક્તિનો માર્ગ રચી આપે છે. મીરાનું જ ઉદાહરણ લઈએ તો વાત વધુ સ્પષ્ટ થાય. એણે પદ ન રચ્યાં હોત તો એ કઈ રીતે અને ક્યાં અભિવ્યક્ત થઈ હોત?

‘મહિલા’ અને ‘સાહિત્ય’ વચ્ચેનો સંબંધ એક એવો સર્જનાત્મક અવકાશ છે જેમાંથી અનેક પ્રકારના અને અનેકવિધ સ્વરૂપોનાં પરિણામો પ્રાપ્ત થઈ શકે. ‘મહિલા’ને અભિવ્યક્તિ માટેનું બિનશરતી માધ્યમ મળે જે નિઃશેષ, નિઃસંકોચ અને નિર્ભિક રજૂઆતનું વહન કરી ‘મહિલા’ના ભીતરને અને વાસ્તવને યથાતથ અથવા થોડા ફેર સાથે રજૂ કરી આપે. ‘મહિલા’ની ઓળખનાં વિવિધ પાસાંઓને સંગ્રહિત કરતું ‘સાહિત્ય’ ઉત્તરોત્તર ભાવકને, ‘મહિલા’ હોવાના અનુભવની વધુને વધુ નિકટ લઈ જાય અને એમ સમાજમાં પ્રચલિત અને રૂઢ થઈ ગયેલી માન્યતાઓથી વિશેષ કશુંક જાણવા-સમજવાનું શક્ય બને. બીજી તરફ, ‘મહિલા’ની અભિવ્યક્તિથી ‘સાહિત્ય’ સમૃધ્ધ થતું જાય. આમ, ઉભયપક્ષે સમૃધ્ધ કરતો આ સંબંધ નિતાંત સર્જનાત્મક અને મૂળગામી સ્પષ્ટતાઓ કરી આપનારો બની રહે અને માટે ‘સાહિત્ય’ના અભ્યાસીઓ હોય કે સમાજશાસ્ત્રના, ‘મહિલા’ વિષયક/લિખિત ‘સાહિત્ય’નો અભ્યાસ ઉઘાડ કરી આપનારો બની રહે અને માટે એનું મહત્વ અને મૂલ્ય અવગણી ન શકાય.

*****

૨. ગુજરાતી સાહિત્ય પરિષદ અને પ્રમુખીય ભાષણો

સાહિત્ય થકી સમાજનો ઉત્કર્ષ સિધ્ધ કરવાનો પ્રશસ્ય પ્રયત્ન એટલે ‘ગુજરાતી સાહિત્ય પરિષદ.’ પરિષદ દ્વારા જ પ્રકાશિત ‘ગુજરાતી સાહિત્ય કોશ’ (ખંડ – ૩)માં પરિષદનો પરિચય અને આશય સ્પષ્ટ કરતાં વિધાનો આ પ્રમાણે છે : ‘સ્ત્રી-બાળકો, વેપારીઓ, કારીગરો વગેરેને વિનોદ સાથે ઉન્નત કરે તેવું સાહિત્ય શી રીતે ઉપજાવવું, રંગભૂમિ અને વર્તમાનપત્રો જેવી પ્રજાજીવન ઘડનારી પ્રણાલિકાઓમાં કર્તવ્યાકર્તવ્ય શી રીતે નક્કી કરવાં, આપણા પ્રજાજીવનને ઉન્નત, શીલવાન, રસિક અને ઉદાર શી રીતે કરી શકાય, આપણી પ્રજાનો ઉત્કર્ષ શાથી થાય, એ પ્રશ્નના ઉત્તર અને નિરાકરણ માટે રણજિતરામ વાવાભાઈ મહેતાએ ૧૯૦૫માં સાહિત્ય પરિષદની સ્થાપના કરેલી.’ (પૃ. ૨૮૭)

આ વર્ણનની શરૂઆતનો પહેલો શબ્દ જ ‘સ્ત્રી’ છે. ‘મહિલા’ઓના વિકાસ માટે સ્થપાયેલી સંસ્થા જેનો કાર્યકાળ ૧૧૩ વર્ષનો છે, સ્વાભાવિક રીતે જ જિજ્ઞાસા પ્રદીપ્ત કરે છે, જાણવા-સમજવા માટે કે, આ સંસ્થા દ્વારા ‘સાહિત્ય’ થકી ‘મહિલા’ના ઉત્થાન માટે કેવા પ્રયત્નો આ સુદીર્ઘ કાળ દરમ્યાન કરવામાં આવ્યા. અપેક્ષાઓ વિશેષ બંધાય છે, કારણ કે ગુજરાતની એક માત્ર આ જ સંસ્થા એવી છે, જે આ પ્રકારના આશય સાથે સ્થપાયેલી છે. ઉપરાંત, ગુજરાતી ભાષા-સાહિત્યના સારસ્વતો – ગોવર્ધનરામ ત્રિપાઠીથી લઈને ગાંધીજી સુધીના સાક્ષરોએ જેનું સૂત્ર સંભાળ્યું છે, એવી પરિષદ પાસેથી અપેક્ષાઓ અનેકગણી વધી જાય છે.

આ જિજ્ઞાસાને કેવી રીતે સંતુષ્ટ કરી શકાય? – ગુજરાતી સાહિત્યની પરંપરા રહી છે કે પ્રમુખીય ભાષણોમાં પરિષદની કામગીરી અને પ્રકલ્પો વિશેના સંકેતો અપાયા હોય. એનો અર્થ એમ પણ કરી શકાય કે જે-તે પ્રમુખના કાર્યકાળમાં પરિષદ કઈ દિશામાં કાર્યરત રહેશે એનો સીધો આલેખ વાચકને મળે. એટલે આ લેખમાં પરિષદ પ્રમુખોનાં ભાષણોમાંથી ‘મહિલા અને સાહિત્ય’ વિષયક બાબતોને તારવી એક અંદાજ મેળવવાનો આશય છે કે પરિષદના સ્ત્રી-ઉન્નતિના આશયને સાકાર કરવા માટે પરિષદ પ્રમુખો દ્વારા કેવા અને કઈ દિશાના પ્રયત્નો વિશે વિચારણા કરવામાં આવી છે.

ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત ‘પરિષદ-પ્રમુખોનાં ભાષણો’ (ખંડ ૧, ૨ અને ૩)માં કુલ ૪૫ લેખ છે. ઈસવીસન ૧૯૦૫થી શરૂ કરીને ઈસવીસન ૨૦૦૯ સુધીનાં પ્રમુખીય ભાષણો અહીં પ્રકાશિત કરવામાં આવ્યાં છે. પ્રથમ ગ્રંથમાં ૧૯૦૫થી ૧૯૩૭ સુધીના ૧૩ લેખો, બીજા ગ્રંથમાં ૧૯૪૧થી ૧૯૭૩ સુધીના ૧૪ લેખો અને ત્રીજા ગ્રંથમાં ૧૯૭૬થી ૨૦૦૯ સુધીના ૧૮ લેખો ગ્રંથસ્થ થયા છે. આ પુસ્તકોનાં ૧૫૨૩ પૃષ્ઠોમાં ગુજરાતી સાહિત્ય પરિષદની ગતિવિધિના સંકેતો પ્રમુખીય સ્થાનેથી રજૂ કરવામાં આવ્યાં છે અને માટે ગુજરાતી ભાષા-સાહિત્યના ઇતિહાસ-ભૂતકાળને તપાસવા માટેના આ અત્યંત મૂલ્યવાન ગ્રંથો છે. લેખમાં આ ત્રણ ગ્રંથોમાં પ્રકાશિત વિગતોને સ્રોત તરીકે સ્વીકારી ‘મહિલા’ અને ‘ગુજરાતી સાહિત્ય’ના આંતરસંબંધોને તપાસવાનો ઉપક્રમ હાથ ધર્યો છે.

*****

૩. પ્રમુખીય ભાષણોમાંથી મહિલા/મહિલા-સાહિત્ય સંદર્ભે અંશો

પરિષદ-પ્રમુખોનાં ભાષણો – ૧ [1]

  1. સાહિત્યનો ઉત્કર્ષ સાધવાનો એક ઘણો ફળદાયક માર્ગ સ્ત્રી-કેળવણીનો પ્રચાર કરવાનો છે. તે સ્ત્રી-કેળવણીનો થોડોઘણો પ્રારંભ સર્વત્ર થયો છે, પણ તે બસ નથી. હાલ શિક્ષણનો લાભ માત્ર કાચી વયની કન્યાઓ લે છે, તેથી વધારે વયની કન્યાઓનો બહોળી કેળવણી આપવાનો આ સૂચનાનો આશય છે. આવું ઊંચા પ્રકારનું શિક્ષણ આપણી સ્ત્રીઓને ગુજરાતી ભાષા દ્વારા આપવું જોઈએ, ને તેવું આપવાને સ્ત્રીઓ સારુ ઉચ્ચ શાળાઓ (high schools) સ્થાપવી જોઈએ. [...] આ અર્થે સ્થાપેલી સ્ત્રીઓની ઉચ્ચ શાળાઓનો લાભ આપણા સંસારના રિવાજોને લીધે ઘણી સ્ત્રીઓ તુરતમાં લઈ શકશે નહિ, તો પણ કન્યાશાળાનો અભ્યાસક્રમ થોડે થોડે વધારી, તે માર્ગે માર્ગે ચાલી ઉચ્ચ શિક્ષણનો આરંભ કરવાનું હાલ બની શકે એમ દીસે છે. [...] ...અને સ્ત્રીઓ વાચકવર્ગમાં દાખલ થશે, ત્યારે લેખકના લેખોના સત્ત્વમાં સુધારો થશે, એટલું જ નહિ પણ ભાષાની શુધ્ધિ ને સરળતા પણ વૃધ્ધિ પામશે, ને લેખકોને ઘણું ઉત્તેજન મળશે. વળી સ્ત્રીઓ પોતે પણ સાહિત્યના સમૂહમાં કીમતી વધારો કરશે, ને પાછી મીરાંબાઈ, ગાર્ગી, મૈત્રેયી જેવી અલૌકિક નારીઓ આ દેશમાં અવતરી, સર્વત્ર સદ‍્ગુણ, દેશભક્તિ, પાતિવ્રત્ય, ધર્મ અને સુજ્ઞાનની ક્રાંતિ પ્રસારશે. [2]
  2. પારસી-કોમમાં સ્ત્રી તથા પુરુષો ઉભયમાં અંગ્રેજી ભાષાનો પ્રસાર સારો થતો જાય છે. અને તેથી તેઓ બને તેટલો લેખક થવા ઉપર પ્રેમ રાખે છે. તેઓ વસ્તીના પ્રમાણમાં યુનિવર્સિટીની પદવીઓ વધારે મેળવે છે, એ આપણે અનુકરણીય છે. ‘સ્ત્રીબોધ’ ચોપાનિયું સર્વત્ર માન્ય છે. અને તે અમારા મિત્ર કાબરાજીનાં પુત્રી શિરીનબાઈ ચલાવે છે. [3]
  3. સ્ત્રીજનોની કૃતિઓમાં ઑન. લલ્લુભાઈ શામળદાસના સુપુત્રી સદ‍્ગત અ. સૌ. સુમતિના લેખો તથા સમાલોચકમાં એક સ્ત્રીજનની સંજ્ઞાથી લખનાર ગં. સ્વ. સવિતાની કવિતા આદિ સારા; ચિત્તાકર્ષક થયાનું જાણ્યામાં છે. તેઓની મનોહારિણી સરળ વાણીમાં સારો રસ અને ઉપદેશ રહેલા છે. સદ‍્ગત સુમતિએ ‘દિવ્યમેષપાલબાલ’ એવા નામનું એક કાવ્ય લખ્યું છે. તેમાં એક હરિગીત જાતિ તેમણે રચી છે. તે તેમને જ લાગુ પડતી હોવાથી આ સ્થાને ઉમેરું છું. [...][4]
  4. [...] આજથી પચાસ વર્ષ પહેલાં તે પ્રકારનો વાચકવર્ગ અને લેખકવર્ગ હતો તેથી બહુ ઉચ્ચ પ્રકારનો હાલનો ઉભય વર્ગ અનેક કારણોથી થયો છે, એ નિર્વિવાદ પ્રત્યક્ષ જણાઈ આવે છે. તેનાં, સામાન્ય કેળવણીનો અધિક પ્રચાર, યુનિવર્સિટીમાં અપાતું શિક્ષણ, મુદ્રણાલયોની સહાયતા, વાચકોની વધતી જતી અભિરુચિ અને અનુકૂળતા અને તે કારણોથી વધતો જતો લેખકોનો ઉત્સાહ તેમ જ સ્ત્રીકેળવણીનો વિસ્તાર એ આદિ કારણો છ. [5]
  5. [...] વગેરેનાં ઘણાં પુસ્તકો પ્રસિધ્ધિ પામ્યાં નથી. બીજા છૂટક કવિઓ જે જાણવામાં આવ્યા છે, તેમની સંખ્યા લગભગ ૫૦૦ (તેમાં સ્ત્રી કવિઓ)ની થાય છે. [6]
  6. આધુનિક સમયમાં કાવ્ય, નાટક, નવલકથા, જીવનચરિત્ર, ઇતિહાસ ને વિજ્ઞાનના સાહિત્યમાં કેવી પ્રવૃત્તિ થઈ છે, કેવી થાય છે, ને કેવી ઇષ્ટ છે, તેનું દિગ્દર્શન કરાવીશ. પારસી ને મુસલમાન લેખકોએ, સ્ત્રીલેખકોએ, તેમ જ દૈનિક ને માસિક પત્રોએ કેવી સાહિત્યસેવા બજાવી છે ને બજાવે છે તે પણ આપના મોં આગળ મૂકીશ. [7]
  7. ‘નાગર સ્ત્રીઓમાં ગવાતાં ગીત’ પણ રીતભાતની સમજુતી સાથે કવિએ એકઠાં કર્યાં છે. એ પુસ્તકને અનુસારે અમદાવાદમાં હાલ સ્વર્ગવાસ પામેલાં બાળાગૌરીએ ને નડિયાદમાં રા. નરહરિરામે પણ આચાર ને રીત રિવાજનાં પુસ્તકો પ્રસિધ્ધ કર્યાં છે. [8]
  8. એમનું ‘બાળવિલાસ’ એ વડોદરા રાજ્યે રચાવેલું સ્ત્રીઓ માટેનું નીતિપુસ્તક છે. રાજ્યે નીમેલી મંડળી ને ગ્રંથકાર વચ્ચે વિચારમાં સંમતિ ન થવાથી ગ્રંથકારે તે ખાનગી રીતે પ્રસિધ્ધ કર્યું. એ પુસ્તકમાં કન્યા, પુખ્ત સ્ત્રી, ને માતા માટે ઉપયોગી લેખો ને સતી આર્ય સ્ત્રીઓનાં જીવનચરિત્ર છે. ભાષા શિષ્ટ ને સરળ છે. એ પુસ્તક ઘણું લોકપ્રિય થયું છે. [9]
  9. સ્ત્રી એ હૃદયની અધિષ્ઠાત્રી દેવી છે અને કોમલ મનોભાવનું ભાજન છે. એની ભાવનાઓ સ્વાભાવિક રીતે જ લલિત અને સુકુમાર પદોમાં આવિર્ભાવ પામે છે. મીરાંદેવીનાં ભજનો અત્યન્ત હૃદયંગમ થયા છે. ઈ.સ.ના ૧૮ ને ૧૯મા સૈકામાં ડભોઈની દીવાળીબાઈ તથા વડનગરની ને ડુંગરપુરની નાગર સ્ત્રીઓ કૃષ્ણાબાઈ અને પુરીબાઈએ સુંદર કાવ્યો રચ્યાં છે. આધુનિક સમયમાં શ્રીયુત લલ્લુભાઈ સામળદાસની પુત્રી સ્વ. સુમતિબહેને ‘હૃદયઝરણાં’ નામનું ઉત્તમ કાવ્ય રચ્યું છે, તેમાં ટેનિસન ને બ્રાઉનિંગનાં કાવ્યોનું ઉત્તમ રૂપાન્તર છે. સૌ. બહેન વિદ્યાગૌરી, સૌ. બહેન શારદાગૌરી, તથા સૌ. લીલાવતી, સૌ. બહેન હંસા, અને બીજી સ્ત્રીઓ માસિકોમાં ઉત્તમ લેખ લખી ગુર્જરસાહિત્યની સેવા કરે છે. એ સ્ત્રીકેળવણીનું શુભ લક્ષણ છે. એ દિશામાં રા. રા. રામમોહનરાય જસવન્તરાયના ‘સુંદરીસુબોધ’ની સેવા અતિસ્તુત્ય છે. [10]
  10. સ્ત્રીમંડળને ખાસ ઉપયોગી સાહિત્ય રચવાની દિશામાં પણ પ્રયત્ન આદરાયો છે એ ઘણી ખુશીની વાત છે. સદ‍્ગત શાસ્ત્રી પ્રાણજીવન હરિહર અને રા. મણિલાલ છબારામ ભટ્ટનું ‘પતિવ્રતા સ્ત્રીઓ’ નામનું પુસ્તક પ્રાચીન ને અર્વાચીન સતી સ્ત્રીઓનું ચારિત્ર્યનિરૂપણ ઉત્તમ રીતે કરે છે. સ્વ. અમૃતલાલ સુંદરજી પઢિયારનાં ‘સંસારસ્વર્ગ’, ‘સ્વર્ગની સુંદરીઓ’, વગેરે પુસ્તકો ઉત્તમ છે. વિષય ઘણો સારો છે ને તે એમણે ઓજસ્વી ને પ્રૌઢ ભાષામાં નિરૂપિત કર્યો છે. ગ્રંથકારની ભાષાનો પ્રવાહ અતિવેગે અવિચ્છિન્ન ચાલ્યો જાય છે. એમની સરળ, શુધ્ધ ને તેજસ્વી ભાષા અનુકરણીય છે. રા. ડાહ્યાભાઈ રામચન્દ્ર મહેતાએ ‘સ્ત્રીસુબોધ ગ્રંથમાળા’ રચવાની યોજના કરી છે ને એ ગ્રંથમાળામાં ‘સીતાદેવી’નું પુસ્તક પ્રસિધ્ધ થયું છે, તે સારું છે. એમણે ‘રામકૃષ્ણ પરમહંસ’ અને ‘સ્વામી વિવેકાનંદ’ની હકીકતોનાં અત્યુત્તમ પુસ્તકો પૂરાં પાડી સાહિત્યસેવા સારી કરી છે. [11]
  11. સ્ત્રીઓ ને બાળકો માટે સારાં સંક્ષિપ્ત નીતિનો બોધ પરોક્ષ રીતે આપે એવાં પુસ્તકોની ખોટ છે. ‘સ્ત્રીબોધ’ અને ‘બાલમિત્ર’ જેવાં માસિકો નીકળે છે, તેમ જ ‘સુંદરીસુબોધ’ અને બે વર્ષ થયાં સૌ. વિદ્યાગૌરી ને સૌ. શારદાગૌરી ‘મહિલા મિત્ર’ નામનું ઉપયોગી પુસ્તક પ્રગટ કરે છે, તે પ્રયત્નો સ્તુત્ય છે; પરંતુ સ્ત્રીઓને ને બાળકોને લગતું સાહિત્ય હજી ખેડાવાની જરૂર છે. [12]
  12. આપણાં દેશનાં મહાન સ્ત્રીપુરૂષોની જીવનકથામાં રહેલું પ્રજાત્વ આપણે પ્રદર્શિત કરીશું નહિ તો એ કાર્ય બીજું કોણ કરશે? [13]
  13. ગુજરાતમાં ઘણાં વર્ષો જેણે સાહિત્યસેવા કરવા માંડી હતી તેવું અમદાવાદમાં સ્થપાયેલું એક યુવક મિત્રમંડળ ‘બન્ધુસમાજ.’ એ મંડળમાંથી ભોગીન્દ્રરાવ, શિવાભાઈ, ડાહ્યાભાઈ યુવાન વયમાં જ મૃત્યુથી ઝડપાઈ ગયા, રામમોહનરાય અને શંકરરાય સેવા કરે છે. પણ ઉચ્ચ ભાવના અને સેવાવૃત્તિથી પ્રેરાયેલા એ સાહિત્યપ્રેમી મંડળના કેટલાક બન્ધુઓ ઉપર ક્રૂર મૃત્યુનો હાથ ન પડ્યો હોત તો એ મંડળ ગુજરાતી સાહિત્યની સારી સેવા કરી શકત એમ લાગે છે. આ મંડળની મુખ્ય સેવા સ્ત્રી-ઉપયોગી સાહિત્યમાં તથા સંસારસુધારાની નવલકથા અને લઘુવાર્તા રચવામાં છે. [14]
  14. સ્ત્રીલેખકો એ આ યુગનું વિશિષ્ટ લક્ષણ છે. વિદ્યાબહેન અને સૌ. શારદાબહેનની ગંભીર અને ઉત્સાહી સેવા આ ત્રીજા ખંડના આરંભથી શરૂ થઈ ચૂકી છે. તેમાં એ જ માર્ગે સૌ. સરોજિનીબહેને પણ જોરદાર લખાણથી ઉમેરો કર્યો છે. કવિ તરીકે સ્વ. સુમતિબહેને પહેલ કરી હતી તે પછી સ્વ. કનુબહેન, ચૈતન્યબાળા અને સૌ. દીપકબાનાં નામ સુપ્રસિધ્ધ છે. સૌ. હંસાબહેને ત્રણ નાટક સારાં લખ્યાં છે. તે ઉપરાંત સૌ. જયમનબહેને પિતા અને માતામહના યશને શોભતી સાક્ષરજીવનની શરૂઆત કરી છે. સૌ. લીલાવતીએ લેખક તરીકે વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કર્યું છે અને સંસ્કારી ભાવના સાથે વિચાર અને કલ્પનાની હિંમતનો સંયોગ એમનાં રેખાચિત્રને સાહિત્યમાં વિશિષ્ટ સ્થાન અપાવે છે. સૌ. લવંગિકાબહેને એમની ડિગ્રીના વિષયને શોભતી રીતે પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનની સેવા આરંભી છે. [15]
  15. અહીં રા. રા. શિવપ્રસાદ દલપતરામ પંડિતના દુઃખદ અવસાનની સખેદ નોંધ લેવી જોઈશે. સ્વ. પંડિતે જીવનચરિત્રના વિષયને પોતાનો કરી ગુર્જર ભાષાના આ અંગને ‘ભારતનાં સ્ત્રી-રત્નો’, ‘ભારતનાં સંતપુરુષો’ વગેરે વાર્તાઓ લખી સમૃધ્ધ કરી ગુજરાતી ભાષાની ઉત્તમ સેવા કરી હતી. [16]
  16. જેમ જેમ સ્ત્રીકેળવણી વધતી જશે તેમ તેમ આપણા દેશનો ઉધ્ધાર થતો જશે. દેશના ઉધ્ધાર સાથે સાહિત્યનો વિકાસ સંકળાયેલો છે. સ્ત્રીઓ કેળવાશે એટલે બાળકો કેળવાશે. બાળકેળવણીના સવાલનો એની મેળે ફડચો આવી જશે. આજે આપણે ત્યાં બાળસાહિત્ય જોસથી આગળ વધી રહ્યું છે, તેમાં સ્ત્રીઓ કરતાં પુરુષોએ વધારે ફાળો આપ્યો છે. તો પછી જ્યારે સંખ્યાબંધ કેળવાયેલી ગુજરાતણો ને કાઠિયાવાડણો એમાં રસ લેતી થશે, ત્યારે સ્ત્રી અને પુરુષના સહકારથી, માતા અને પિતા બંનેના સામટા પ્રયત્નથી બાળજીવન, બાળકેળવણી, બાળસાહિત્ય કેટલે બધે દરજ્જે વિકસિત થશે તેનો ખ્યાલ આપ સૌ કરી શકશો. એ સ્ત્રીકેળવણીના વિષયને અગ્રસ્થાન આપવા સાહિત્ય પરિષદ શું કરી શકે તે વિચારવાનું છે. [17]
  17. આજે હું સેગાંવમાં જઈને પડ્યો છું. ત્યાં ૬૦૦ માણસો છે. તેમાંથી ૧૦ માણસો પણ વાંચી શકે એવા ભાગ્યે જ હશે. ૧૦ એ અલ્પોક્તિ હોય તો ૫૦ કહું, પણ પચાસમાં અતિશયોક્તિ જરૂર છે. ત્યાં હું શું કરું છું? વિદ્યાપીઠના કુલપતિનું પદ મારે શોભાવવું રહ્યું. એટલે મફત લાયબ્રેરી કાઢી ત્યાં પુસ્તકોનો સંગ્રહ કરવા માંડ્યો. પણ વાંચી શકે એવા દસમાંથી, સમજીને વાંચી શકે એવા બે ત્રણ અને બહેનોમાં તો એક પણ વાંચી શકે એવા નથી. ત્યાં ૭૫ ટકા હરિજનો રહ્યા. [18]
  18. ત્યાંની સ્ત્રીઓને જોઉં છું ત્યારે થાય છે કે આ સ્ત્રીઓને અમદાવાદની સ્ત્રીઓ સાથે શો સંબંઘ? પેલી સ્ત્રીઓ સાહિત્યને નથી ઓળખતી. રામધૂન ગવડાવું તો ઝીલી નથી શકતી. તેઓ સર્પવીંછીની દરકાર રાખ્યા વિના, વરસાદ કે ટાઢતડકાની દરકાર વિના મારે સારુ પાણી લઈ આવે છે, ઘાસ કાપી લાવે છે, બળતણ લાવે છે; અને એને હું પાંચ પૈસા આપું છું ત્યારે મને અન્નદાતા માને છે. તેમને પાંચ પૈસા આપનાર અંબાલાલભાઈ નથી. એ હિંદુસ્તાન અમદાવાદમાં નથી, સાત લાખ ગામડાંમાં છે. તેને તમે શું આપશો? એમનામાંથી પાંચ ટકા જેટલાં લખીવાંચી શકે છે. માંડ સોબસો શબ્દોનો એમની પાસે ભંડોળ છે. એની પાસે શું લઈ જવું એ હું જાણું છું. પણ હું તમને કહીને શું કરું? બોલીને બતાવવાનો મારો વિષય નથી કે બોલીને બતાવું. કલમ મેં બળાત્કારે લીધેલી છે. પરાધીન દશામાં ચલાવું છું. આજે બોલું છું તે પણ અમુક સંજોગોમાં. [...] સ્વરાજની ચાવી ગામડામાં છે. ગામડું પણ હું શોધવા ન ગયો, જેમ સત્યાગ્રહ પણ શોધવા નહોતો ગયો. આ ગામડામાંની અનેક સ્ત્રીઓ મને પરાણે આવીને વરે છે. પણ હું તેમને વરું તો મારું એકપત્નીવ્રત લાજે, એટલે મેં તેમને માતાઓ બનાવી છે. એમને માતા તરીકે ઓળખું છું. એ માતાના મંદિરમાં તમને નોતરું છું. (કેશવલાલ ધ્રુવને ઉદ્દેશીને – ‘કેશવભાઈ, આપને પણ નોતરું છું.’ કેશવલાલ – ‘સાથે આયુષ્ય પણ આપો તો.’ ગાંધીજી – ‘એ તો હું પણ જીવીશ તો ના? આપણામાં ક્યાં બહુ વર્ષોનો ફેર છે?’) [19]
  19. કાલે મેં વિષયવિચારિણી સભા આગળ એક વાત કરી હતી તે અહીં કરું. મારા ઉપર જ્યોતિસંઘ તરફથી શ્રીમતી લીલાવતી દેસાઈનો કાગળ આવ્યો હતો. એ કાગળનું તાત્પર્ય તો બરોબર હતું, જો કે એની ભાષા મને ન ગમે એવી હતી. એનો ભાવાર્થ એ હતો કે સ્ત્રીઓને વિષે જે લખાય છે તે સ્ત્રીઓને કઠે છે. જ્યોતિસંઘ અભણ સ્ત્રીઓને ગુજરાતી શીખવે છે. એ શીખવતાં તેની પાસે કાંઈક વાંચવું જોઈએ. આજનું સાહિત્ય વાંચીને તેમાં આવતાં સ્ત્રીઓનાં વર્ણન વિષે તેમણે મને લખ્યું હતું. આજનાં સાહિત્યમાં સ્ત્રીઓનાં જે વર્ણનો આવે છે તે વિકૃત છે. એ બહેનો અકળાઈને પૂછે છે કે અમને ઈશ્વરે ઘડી છે તે શું અમારાં શરીર તમે વર્ણવો એ માટે? અમે મરશું ત્યારે શું અમારાં શરીરમાં તમે વસાણાં ભરીને રાખવાના છો? અમે રાંધવા અને વાસણ માંજવા માટે સરજાયલી છીએ એમ પણ માની બેસવાની જરૂર નથી. મને એક માણસે ‘મનુસ્મૃતિ’માંથી વીણીવીણીને કેટલાક શ્લોકો મોકલ્યા છે. સ્ત્રીને વિષે જેટલું ખરાબ કહી શકાય એ બધું એણે ‘મનુસ્મૃતિ’માંથી કાઢ્યું છે. પણ સ્મૃતિમાં તો રત્નો પણ છે અને કાંકરા પણ છે. મિસ મેયોએ જેમ હિંદની ગટરોને જ હિંદ કહ્યું તેમ સ્મૃતિઓમાં સ્ત્રીઓને વિષે ખરાબમાં ખરાબ લખેલું ઘણુંય મળી આવે. એમ તો કેટલીક સ્ત્રીઓ પોતે પણ બાપડી કહે છે કે અમે અબળા, અમે અણઘડ, અમે ઢોર, તેથી શું સ્ત્રી માત્રને એ વર્ણન લાગુ પાડી શકાય? ‘મનુસ્મૃતિ’માં કોકે એવા ભૂંડા શ્લોકો ઘુસાડેલા કેમ ન હોય? હવે આ બહેનો પૂછે છે કે અમને આવાં સુંદર વર્ણનો આપીને છેતરે છે શા માટે? અમે છીએ એવી શા સારુ નથી ચીતરતા? અમે નથી રંભાઓ અને અપ્સરાઓ કે નથી અમે ગુલામડી દાસીઓ. અમે પણ તમારા જેવાં સ્વતંત્ર મનુષ્યો છીએ. શા માટે તમે અમને ઢીંગલી તરીકે વર્ણવો છો?
    મને સ્ત્રીના વિષે લાગણી છે, મેં તે વિષે વિચાર્યું છે. આધુનિક પુસ્તકો એક્કે એવાં નથી કે જે સાચી સ્ત્રીને વર્ણવતાં હોય! સ્ત્રીના શરીરના વર્ણન સાથે તમને શું નિસ્બત છે તે જાણી શકાતું નથી. પણ સ્ત્રીઓની પરાધીનતા કે સ્વરૂપ વિશે સાક્ષરો લખે અને સ્ત્રીઓ વાંચે તેની શી અસર થાય છે તે વિચારવાનું છે. શા માટે એને ઢીંગલી તરીકે ચીતરવામાં આવે છે? શા માટે એને માતા તરીકે નથી ચીતરવામાં આવતી? હું તો સ્ત્રીઓની વચ્ચે બેસનારો છું. એક કાળ એવો હતો કે જ્યારે મારી આગળ ઢગલો બહેનો રહેતી હતી. દક્ષિણ આફ્રિકામાં બધાં જેલમાં ગયાં ત્યારે ત્યારે ૬૦ કુટુંબોમાં હું જ એક બાપ થઈને બેઠો હતો. તે વેળા હું કાંઈ ૬૯ વર્ષનો ડોસો ન હતો, તે સ્ત્રીઓના ટોળામાં રંભા પણ હતી અને કુરૂપ પણ હતી, જુવાનોમાં ભામટાઓ પણ હતા. પણ કોઈની કોઈ સ્ત્રી ઉપર કુદૃષ્ટિ કરવાની હિંમત ન હતી. કોઈ અયોગ્ય કિસ્સા જ બન્યા હતા એમ મારું કહેવું નથી, એક કિસ્સાનું તો મેં વર્ણન આત્મકથામાં આપેલું છે. પણ સામાન્યરીતે કોઈની કોઈની સાથે છૂટ લેવાની કે કુદૃષ્ટિ કરવાની હિંમત નહોતી. એ અજ્ઞાન સ્ત્રીઓ હતી, અભણ હતી, પણ તેઓ જેલમાં જતા શીખી ગઈ. એ કાંઈ અશિક્ષિત હોઈ બીજાનાથી દોરવાઈને જેલમાં ગઈ એમ નહતું.
    એટલે હું તમને વિનયપૂર્વક કહેવા ઇચ્છું છું કે તમે તેમને – સ્ત્રીઓને અશિક્ષિત ગણી તેમનો અવાજ કાઢી નહિ નાખતા. જ્યોતિસંઘની ૫૦ કે ૧૦૦ બહેનો માટે હું નથી બોલતો, પણ સ્ત્રીનું હાર્દ વિચારી બોલું છું. તે જો તમે સાંભળી શકતા હો તો આને માટે વિચાર કરજો. સાહિત્યની કલમ ઉઠાવો તો એ જ વિચારથી ઉઠાવજો કે સ્ત્રીએ મારી જનની છે. એ વિચાર કરીને તમે લખશો તો તમારી કલમમાંથી જે ઝરશે તે સ્ત્રી સુંદર આકાશમાંથી વર્ષા ઝરે છે તેમ ઝરશે અને પૃથ્વીરૂપી સ્ત્રીને ફળદ્રુપ બનાવશે. પણ આજે તો તમે એ બાપડી સ્ત્રીને શાંતિ આપવાને બદલે એનું મન ઉત્તેજવાને બદલે એને ધગાવી મૂકો છો. એનામાં કદી ન હોય તેવા વિકારો ઉત્પન્ન કરવા તમે કેમ પ્રયત્નો કરો છો? સાહિત્યના વર્ણન પ્રમાણે તેનું નાક, તેના કાન છે કે નહિ તે જોવા માટે તેને અરીસામાં જોવાને માટે તમે પ્રેરો છો. તેના હૃદયમાં આ જ વિચાર ઘૂમી રહ્યો હોય, તેથી તે ખીસામાં અરીસો રાખતી થાય છે. એને શા સારુ મનમાં એમ થાય કે મને વર્ણવી છે તેવી હું છું કે નહીં? આવાં વર્ણનો એ સાહિત્યનો અનિવાર્ય ભાગ છે શું? તમે ચીતરો તો તેને વિકારી ન ચીતરો. ‘ઉપનિષદો’, ‘બાઈબલ’, ‘કુરાન’માં શું આવું વાંચવામાં આવે છે? તુલસીકૃત ‘રામાયણ’માં આવું છે? શું એ મહાગ્રંથો સાહિત્ય નથી? કહે છે કે અંગ્રેજી ભાષા પોણા ભાગ ‘બાઇબલ’ અને પા ભાગ શેક્સપીઅરની બનેલી છે. એ વિના અંગ્રેજી ક્યાં, કુરાન વિના અરબી ક્યાં અને તુલસી વિના હિંદી ક્યાં? પણ હજુ તમે વિચાર કરજો અને વિચાર કરતાં સાચું લાગે અને સૂઝો તો હજીય વિચારજો, ફરી વિચારજો, તમારા ખ્યાલ ફેરવવા પ્રયાસ કરજો, વિચાર કરતાં જો મારું કહેવું નિરર્થક લાગે તો મને માફી આપજો અને એને ફગાવી દેજો. [20]
  20. છેલ્લાં ત્રીસ વર્ષોમાં ગુજરાતમાં વ્યક્તિ સામુદાયિક પરાધીનતામાંથી છૂટી થઈ, વિકાસનાં ક્ષેત્રો શોધતી ચાલી છે. ન્યાતોના બંધન શિથિલ થયાં, કુટુંબની ઘટના બદલાઈ ગઈ. લગ્નની ગ્રંથિ પર ગુલામગીરીની મુદ્રા હતી તે ખરી પડી; સ્ત્રીઓના સ્વતંત્ર વ્યક્તિત્વનો સ્વીકાર થયો. પ્રેમે જનતાની કલ્પના મુગ્ધ કરી. સૂક્ષ્મ દૃષ્ટિએ જોતાં પ્રેમની ભાવના વ્યક્તિસ્વાતંત્ર્ય પર રચાઈ છે. પોતે જાતે ન સ્વીકાર્યા હોય એવાં સામુદાયિક બંધનોની એ વિઘાતક છે. કારણ કે એનો આખો ખ્યાલ ને કલ્પના વ્યક્તિગત છે, જીવનમાં એને સ્થાન મળ્યે મનુષ્ય તરીકે સ્થપાય છે. આ બધાં વ્યક્તિત્વ વિકાસનાં સીમાચિન્હો છે. [21]
  21. જેમ આ વિકાસ વધ્યો તેમ વ્યક્તિત્વ નિરૂપણ સમૃધ્ધ થતું ગયું. આ સદીની શરૂઆતમાં બે પાત્રો નવા સ્ત્રીત્વનું દર્શન કરાવે છે: શ્રી ગોવર્ધનરામની કુસુમ ને કવિ નાનાલાલની જયા – બંને સ્ત્રીઓ બંડખોર, વ્યક્તિત્વશીલ ને તેજસ્વી, શ્રી રમણભાઈનો ભદ્રંભદ્ર, અવિસ્મરણીય અને આડંબરધારી. શ્રી ધૂમકેતુનો ભૈયાદાદા ને શ્રી રામનારાયણ પાઠકની ખેમી, અને શ્રી દવે ને શ્રી ધનસુખલાલનાં વિપિન ને નિર્મળા – બધાં આબેહુબ મનુષ્યો. ઝીણી મોટી શક્તિ અને અશક્તિઓની જીવંત ને ચેતનવંત વ્યક્તિઓ. હું તો વ્યક્તિત્વ નિરૂપણનો જ રસિયો રહ્યો છું. જીવંત સ્ત્રીપુરુષો ચીતરાયાં છે કે નહીં એ સિવાય મને બીજી પરવા જ નથી. [22]
પરિષદ-પ્રમુખોનાં ભાષણો – ૨ [23]
  1. છેલ્લાં ત્રીસેક વરસથી ગુજરાતી સ્ત્રીઓનો વધી રહેલો મનોવિકાસ એ આપણી પ્રગતિનું શુભ ચિહ્ન છે. સ્ત્રીસાહિત્ય પણ ઠીક વિકસ્યું છે. પણ શિક્ષિત સ્ત્રીઓ જેટલી વધતી જાય છે તેના પ્રમાણમાં સ્ત્રીઓના લેખોમાં હજી વિવિધતા વધી નથી. વાર્તાઓ લખાય છે પણ સ્ત્રીઓને રસ પડે એવા બીજા વિષયોના લેખો ઓછા દેખાય છે. આપણી પદવીધારી સ્ત્રીઓએ લેખનકળામાં હજી જોઈએ તેટલો રસ લીધો નથી. પણ વાચનનો શોખ વધતો જાય છે એ આનંદની વાત છે. ગુજરાતી સ્ત્રીઓના માનસમાં વ્યાવહારિક બુધ્ધિ અને સમઝશક્તિનું પ્રમાણ સારું છે. અત્યારે ભારતનાં રાજકીય ક્ષેત્રોમાં આપણી ગુજરાતી સ્ત્રીઓએ જવાબદારીની પદવીઓ મેળવી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. બાળક અને સ્ત્રી એ દેશનું ધન છે અને હજી પણ સાહિત્યના ક્ષેત્રમાં સ્ત્રીઓના વિષયનું જ્ઞાન મળે તેવું ઉપયોગી સાહિત્ય સરજાય એ જરૂરી લાગે છે. સામાજિક ક્ષેત્રમાં સ્ત્રીઓએ પોતાનું સ્થાન ગૌરવવંતુ રહે તે માટે હજી ઘણું કરવાનું છે. [24]
  2. શ્રીમતી વિદ્યાબહેન અને શારદાબહેન બી.એ. થયાં. આવો મોટો ગુનો કર્યો તે માટે એમને જે સહેવું પડ્યું તેનો ખ્યાલ તમને ઘણાને આવે એમ નથી. સારા ઘરની સ્ત્રીઓએ ગરબા પણ વિસાર્યાં; એમાં તેમને અધમતાની ગંધ આવી. [25]
  3. નાટક એ સાહિત્ય ને કલાનું ઉત્તમાંગ છે અને સંસ્કારી જીવનમાં અવૈતનિક કલારૂપે એને સ્થાન ન અપાય ત્યાં સુધી સ્ત્રીની સમાનતા અધૂરી રહે અને વ્યવહારનું સુરુચીકરણ ન બને. સાહિત્યસંસદે નૃત્યને ગરબાને કલાત્મક સ્વરૂપ આપી તે પ્રવૃત્તિને ગૃહજીવનમાં અપનાવવાનો પ્રયત્ન કર્યો. તેણે ‘કાકાની શશી’નો સફળ પ્રયોગ કર્યો જેમાં પહેલીવાર આપણા સમાજમાં પ્રતિષ્ઠિત સ્ત્રીપુરષોએ નાટક ભજવી તેને એક આવશ્યક સામાજિક બળરૂપે સ્વીકાર્યું. [26]પૃ. ૧૯૨
  4. સંશોધનક્ષેત્રે કેટલીક વિદુષીઓનું અર્પણ વિસ્મય અને આનંદ ઉપજાવે છે. (સર્જન અને પાંડિત્ય બંનેમાં સ્ત્રીઓનું અર્પણ નોંધપાત્ર છે.) [27]
પરિષદ-પ્રમુખોનાં ભાષણો – ૩ [28]

પુરુષપ્રધાન વર્ણાશ્રમ વ્યવસ્થા ગોઠવી મનુસ્મૃતિએ સુખસમૃધ્ધિની એક સપાટ સમજણ આપી હતી. સ્વાતંત્ર્યની બેચેની ન જાગે તો પરાધીન દશામાં પણ માણસ પોતાને સુખી માની શકે. પણ છેલ્લી દોઢ-બે સદીમાં સ્ત્રીએ સુખના ભોગે સ્વાતંત્ર્યની વરણી કરી છે. આ સ્વાતંત્ર્યનું સ્વરૂપ કેવું છે? બહિર્મુખ અને ઐહિક-દૈહિક. અર્થાત‍્, પુરુષ પાસે છે એટલું જ? આત્મિક નહીં, તાત્ત્વિક નહીં. ભૌતિક, આધિભૌતિક અને અધ્યાત્મિક નહીં. ઈશ્વરમાં માનતા અસ્તિત્વવાદીઓએ કહ્યું કે વરણીનું સ્વાતંત્ર્ય છે જ નહીં. તમે જે કંઈ પામો છો એ તો છે પરમ તત્ત્વનો અનુગ્રહ. કિર્કેગાર્ડે ઈશ્વરને શ્રધ્ધા રૂપે જોવા કહ્યું. પોતાના જીવનને સત્યની પ્રયોગશાળા લેખીને ગાંધીજીએ સત્ય રૂપે પરમેશ્વરની ઉપાસના કરવા અને ગીતાને બે પક્ષોના કુરુક્ષેત્રમાંથી પ્રત્યેક જીવનના ધર્મક્ષેત્રમાં લઈ આવવા સૂચવ્યું. [29]

*****

૪. વિશ્લેષણ અને પ્રતિક્રિયા

અવતરણોની સઘન વાચના કરીએ તો નીચે મુજબનાં તારણો આપી શકાય એમ છે.

મહિલાઓના ઉત્કર્ષમાં જ સમાજનો વિકાસ છે એવી વિચારણાથી પ્રેરાઈને આપણને એવાં કેટલાંક નિરીક્ષણો મળે છે જે મહિલાઓના અક્ષરજ્ઞાન, કેળવણી અને સાહિત્યિક વિકાસ માટે દલીલ કરે છે. મહિલા-કેળવણીથી થનારો વિકાસ મહિલાઓને વાચક અને સર્જક તરીકે ખ્યાત કરશે એવી લાગણી પણ ક્યાંક આવી અભિવ્યક્તિમાં રહેલી જણાય છે. પરિષદ પ્રમુખો ભાષણ આપતી વખતે થઈ ગયેલાં કાર્યોના ઉલ્લેખો કરે છે. ઘણાં ભાષણોમાં આ પ્રકારનો અભિગમ જોવા મળે છે. સર્જાયેલાં સાહિત્યની નોંધ લેતી વખતે મુખ્ય પ્રવાહના સાહિત્યની સાથે મહિલાઓ વિશે/દ્વારા લખાયેલાં સાહિત્ય વિશે પણ નોંધ લેતા જણાય છે. આમ કરતી વખતે મહિલાઓ દ્વારા પ્રકાશિત થયેલાં પુસ્તકો, એમનાં દ્વારા ચલાવવામાં આવતાં સામયિકો અને એમનાં પ્રદાન વિશેની ટૂંકી નોંધો આ ભાષણોમાં જણાય છે. પુરુષો દ્વારા મહિલાવિષયક સાહિત્ય રચાયું હોય કે એના વિશે કોઈ તપાસ હાથ ધરવામાં આવી હોય તો તેના ઉલ્લેખો પણ પ્રમુખીય ભાષણોમાં થયેલા જણાય છે. [30]

તત્કાલીન સાહિત્યિક પ્રવૃત્તિઓનું વિશ્લેષણ કરતી વખતે મોટા ભાગના લખાણો મહિલાવિષયક અથવા મહિલા દ્વારા લિખિત સાહિત્યની પ્રશંસા કરતા જણાય છે. એમની કૃતિઓની ગુણવત્તા વિશે પ્રશંસા, મહિલાઓ દ્વારા થઈ રહેલી સાહિત્યસેવાનો માનભેર ઉલ્લેખ, મહિલાઓની શક્તિનો મહિમા કરી હજી સાહિત્યક્ષેત્રે એ ઘણું કરી શકે એમ છે અને એ માટે ઘણું કરવાનું છે એવા મત આ ભાષણોમાંથી ફલિત થાય છે. [31]

આ ભાષણોમાં મહિલાવિષયક થયેલી ચર્ચામાં વિશેષ ધ્યાનપાત્ર મહિલાવર્ગના વિકાસ અને કેળવણી માટે કરાયેલાં સૂચનો છે. જે અંતર્ગત કેટલાંક મહત્વનાં નિરીક્ષણો આ પ્રમાણે છે - સ્ત્રીઓને વિકાસ સાધવામાં સહાયક થાય એ માટેનાં સારાં પુસ્તકોની ખોટ છે, સ્ત્રીઓના શબ્દભંડોળ અંગેની ચિંતા પ્રગટ થઈ છે, સ્ત્રીઓ વિશેનાં વર્ણનોની વિકૃતિ તરફ સંકેત કરે છે અને અમે જેવા છીએ એવા શા માટે નથી ચીતરતા? અમને અપ્સરાઓ કે રંભાઓની જેમ જ શા માટે ચિતરવામાં આવે છે? સાક્ષરો સ્ત્રીઓને કેવી રીતે ચીતરે છે એ મહત્વનું છે જેવા ગંભીર મુદ્દાઓ, સ્ત્રીઓના સ્વતંત્ર વ્યક્તિત્વનો સ્વીકાર થયો છે, ડિગ્રી મેળવવા માટે સ્ત્રીઓએ શું કિંમત ચૂકવવી પડી, નાટકોમાં સ્ત્રીઓ આગળ આવી અને એને એક સામાજિક બળરૂપે સ્વીકાર્યું, સ્ત્રીઓએ સુખના ભોગે સ્વાતંત્ર્યની વરણી કરી છે... જેવાં તારણો પણ જોવા મળે છે. સ્ત્રીઓ માટેનું સાહિત્ય હજુ ખેડાવાની જરૂર છે, સ્ત્રીઓની જીવનકથામાં રહેલું પ્રજાત્વ આપણે પ્રદર્શિત નહીં કરીએ?, સ્ત્રીકેળવણી વધશે તેમ દેશનો ઉધ્ધાર થશે, દેશના ઉધ્ધાર સાથે સાહિત્યનો વિકાસ સંકળાયેલો છે. એ માટે પરિષદ શું કરી શકે એ વિચારવાનું છે, સ્ત્રીઓ વિશે લખવાનું નિમંત્રણ છે, સ્ત્રીઓને અશિક્ષિત ગણી એમનો અવાજ કાઢી ન નાખવો જોઈએ, સ્ત્રીઓ વિશે ઉન્નત ભાવોથી લખાવું જોઈએ – જેવાં સૂચનો પણ કરવામાં આવ્યાં છે. [32]

૪૫ લેખો, ૧૫૨૩ પૃષ્ઠોની પ્રમુખીય ભાષણોની સામગ્રીમાંથી આપણને મહિલા/મહિલા-સાહિત્ય સંદર્ભે મળેલા અંશો માત્રા, ગુણવત્તા, વ્યાપ અને ઊંડાણ – આ તમામ દૃષ્ટિએ જોઈએ તો શું સંતોષકારક જણાય છે? એક સદીની ગુજરાતી ભાષાની સાહિત્યયાત્રામાં કેટલીક મહિલાઓના નામોલ્લેખો, એમને પ્રોત્સાહન મળે એવાં વાક્યો, સૂચનો, કેટલીક ટીકાત્મક બાબતો અને મહિલા-સાહિત્ય વિષયક કામગીરીની નોંધથી આગળ વધીને કશું વિચારાયું નથી એ સત્યને આપણે કઈ રીતે અર્થઘટિત કરીશું? - નિર્ણય દરેક વાચકે કરવો રહ્યો.

ઈસવીસન ૧૯૦૫થી ઈસવીસન ૨૦૦૯ના સમયગાળામાં થયેલાં આ ભાષણોને વૈશ્વિક સંદર્ભે તપાસીએ. વીસમી સદી વૈશ્વિક ફલક પર મહિલાઓના અધિકાર અને સ્વવિકાસને વેગ આપનારી રહી. ફેમિનિસ્ટ કહી શકાય એવી ચળવળો, આંદોલનો અને રાજકીય - સામાજિક - સાંસ્કૃતિક ક્ષેત્રોમાં વિકસિત, અર્ધવિકસિત કે અલ્પવિકસિત દેશોની મહિલાઓ અને એમનાં જૂથોએ સક્રિય ભાગ ભજવ્યો અને સ્વને પ્રસ્થાપતિ કરવાનો એક આગવો અવાજ લઈને પરિવર્તનનો પવન ફૂંકાયો. ગુજરાતી સાહિત્યનું વલણ (પરિષદ પ્રમુખોનાં ભાષણોને સંદર્ભે) આથી વિપરીત દિશાનું જણાય છે. ઉદાહરણ તરીકે, પ્રથમ ખંડનાં ભાષણોની સરખામણીમાં બીજા ખંડના અને ત્રીજા ખંડના ભાષણોમાં મહિલા/મહિલા-સાહિત્ય અંગેનો ઘટતો જતો ઉલ્લેખ નિરાશ કરે છે. વાસ્તવમાં તો કદાચ એમ છે કે મહિલાઓનું સાહિત્ય સાથેનું જોડાણ આ જ સમયગાળામાં સંખ્યા અને ગુણવત્તા – બંને દૃષ્ટિએ વધ્યું છે. મહિલા/મહિલા-સાહિત્ય સાથેનો આ પ્રમાણેનો વ્યવહાર કેટલે અંશે ઉચિત ગણી શકાય? – આ પ્રશ્નનો ઉત્તર ટાળી શકાય એમ નથી.

“બાળક અને સ્ત્રી એ દેશનું ધન છે અને હજી પણ સાહિત્યના ક્ષેત્રમાં સ્ત્રીઓના વિષયનું જ્ઞાન મળે તેવું ઉપયોગી સાહિત્ય સરજાય એ જરૂરી લાગે છે. સામાજિક ક્ષેત્રમાં સ્ત્રીઓએ પોતાનું સ્થાન ગૌરવવંતુ રહે તે માટે હજી ઘણું કરવાનું છે...” શ્રી હરસિધ્ધભાઈ વજુભાઈ દિવેટિયાએ, ગુજરાતી સાહિત્ય પરિષદના અઢારમાં અધિવેશનમાં, નવસારી ખાતે ૧૯૫૨માં કહેલી વાત હજુ આજે પણ કેટલી સાચી અને આવશ્યક જણાય છે! આવનારા સમયમાં અભ્યાસીઓ મહિલા/મહિલા-સાહિત્ય વિશે ઉત્સુક બને, એ અંગે ઘટતું કરી સંશોધનની પ્રવૃત્તિને આગળ ધપાવે એ હવે અનિવાર્ય બાબત છે. આમ કરવાથી, ગુજરાતી સાહિત્યના ઇતિહાસની ખૂટતી કડીઓને જોડી શકાશે, મહિલા/મહિલા-સાહિત્યના પ્રદાનને યોગ્ય ઓળખ અને સન્માન મળશે, સમાજમાં મહિલા/મહિલા-સાહિત્ય વિશેનાં મંતવ્યોમાં શુધ્ધિ-વૃધ્ધિનો અવકાશ ઊભો થશે અને ગુજરાતી સાહિત્યની એક સદીની છબિ ઊજળી બનશે. વૈશ્વિક ફલક પર પણ એની નોંધ લેવાય એમ બને... તો એ આપણા સૌ માટે આનંદની ઘટના હશે.

અમેરિકન-આધુનિક ચિત્રકાર Georgia O'Kee કહે છે કે, “I feel there is something unexplored about women that only a woman can explore.” માત્ર મહિલાઓ જ શા માટે? સૌ મળીને મહિલાઓ અને એમનાં સાહિત્યસભર જીવન વિશે જે કાંઈ ઘટતું કરવાનું બાકી રહ્યું છે તે કરીએ, એ જ આજના સમયની તાતી જરૂરિયાત બનીને આપણી સામે ઊભી છે.

"How wonderful it is that nobody need wait a single moment before starting to improve the world." Anne Frank | The Diary of a Young Girl

સંદર્ભ :::
  1. ગુજરાતી સાહિત્ય પરિષદનાં ૧થી ૧૩મા અધિવેશનના પ્રમુખોનાં ભાષણોનો સંગ્રહ, આવૃત્તિ બીજી (માર્ચ, ૧૯૯૪), ગુજરાતી સાહિત્ય પરિષદ
  2. સ્વ. અંબાલાલ સાકરલાલ દેસાઈ, ત્રીજી ગુજરાતી સાહિત્ય પરિષદ, રાજકોટ, ઑક્ટૉબર ૧૯૦૯, પૃ. ૬૭
  3. સ્વ. રણછોડભાઈ ઉદયરામ દવે, ચોથી ગુજરાતી સાહિત્ય પરિષદ, વડોદરા, એપ્રિલ ૧૯૧૨, પૃ. ૯૯-૧૦૦
  4. સ્વ. રણછોડભાઈ ઉદયરામ દવે, ચોથી ગુજરાતી સાહિત્ય પરિષદ, વડોદરા, એપ્રિલ ૧૯૧૨, પૃ. ૧૦૧, ૧૦૨
  5. સ્વ. રણછોડભાઈ ઉદયરામ દવે, ચોથી ગુજરાતી સાહિત્ય પરિષદ, વડોદરા, એપ્રિલ ૧૯૧૨, પૃ. ૧૦૪
  6. સ્વ. હરગોવિંદદાસ દ્વારકાદાસ કાંટાવાળા, છઠ્ઠી ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ, એપ્રિલ ૧૯૨૦, પૃ. ૨૦૪
  7. સ્વ. કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદી, સાતમી ગુજરાતી સાહિત્ય પરિષદ, ભાવનગર, એપ્રિલ ૧૯૨૪, પૃ. ૨૪૪
  8. સ્વ. કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદી, સાતમી ગુજરાતી સાહિત્ય પરિષદ, ભાવનગર, એપ્રિલ ૧૯૨૪, પૃ. ૨૭૧
  9. સ્વ. કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદી, સાતમી ગુજરાતી સાહિત્ય પરિષદ, ભાવનગર, એપ્રિલ ૧૯૨૪, પૃ. ૨૮૨
  10. સ્વ. કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદી, સાતમી ગુજરાતી સાહિત્ય પરિષદ, ભાવનગર, એપ્રિલ ૧૯૨૪, પૃ. ૨૮૬
  11. સ્વ. કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદી, સાતમી ગુજરાતી સાહિત્ય પરિષદ, ભાવનગર, એપ્રિલ ૧૯૨૪, પૃ. ૨૮૬, ૨૮૭
  12. સ્વ. કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદી, સાતમી ગુજરાતી સાહિત્ય પરિષદ, ભાવનગર, એપ્રિલ ૧૯૨૪, પૃ. ૩૦૨
  13. સ્વ. રમણભાઈ મહીપતરામ નીલકંઠ, આઠમી ગુજરાતી સાહિત્ય પરિષદ, મુંબઈ, એપ્રિલ ૧૯૨૬, પૃ. ૩૩૩, ૩૩૪
  14. સ્વ. આચાર્ય આનંદશંકર બાપુભાઈ ધ્રુવ, નવમી ગુજરાતી સાહિત્ય પરિષદ, નડિયાદ, ઑક્ટોબર ૧૯૨૮, પૃ. ૩૬૬
  15. સ્વ. આચાર્ય આનંદશંકર બાપુભાઈ ધ્રુવ, નવમી ગુજરાતી સાહિત્ય પરિષદ, નડિયાદ, ઑક્ટોબર ૧૯૨૮, પૃ. ૩૭૦
  16. સ્વ. દી. બ. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી, અગિયારમી ગુજરાતી સાહિત્ય પરિષદ, લાઠી, ડિસેમ્બર ૧૯૩૩, પૃ. ૪૧૯
  17. સ્વ. દી. બ. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી, અગિયારમી ગુજરાતી સાહિત્ય પરિષદ, લાઠી, ડિસેમ્બર ૧૯૩૩, પૃ. ૪૩૯
  18. સ્વ. મહાત્મા મોહનદાસ કરમચંદ ગાંધી, બારમી ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ, ઑક્ટૉબર-નવેમ્બર ૧૯૩૬, પૃ. ૪૪૯
  19. સ્વ. મહાત્મા મોહનદાસ કરમચંદ ગાંધી, બારમી ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ, ઑક્ટૉબર-નવેમ્બર ૧૯૩૬, પૃ. ૪૫૨, ૪૫૩
  20. સ્વ. મહાત્મા મોહનદાસ કરમચંદ ગાંધી, બારમી ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ, ઑક્ટૉબર-નવેમ્બર ૧૯૩૬, પૃ. ૪૫૭, ૪૫૮, ૪૫૯
  21. સ્વ. કનૈયાલાલ માણેકલાલ મુનશી, તેરમી ગુજરાતી સાહિત્ય પરિષદ, કરાંચી, ડીસેમ્બર-જાન્યુઆરી ૧૯૩૭-૩૮, પૃ. ૪૭૫
  22. સ્વ. કનૈયાલાલ માણેકલાલ મુનશી, તેરમી ગુજરાતી સાહિત્ય પરિષદ, કરાંચી, ડીસેમ્બર-જાન્યુઆરી ૧૯૩૭-૩૮, પૃ. ૪૭૫
  23. ગુજરાતી સાહિત્ય પરિષદનાં ૧૪થી ૨૭મા અધિવેશનના પ્રમુખોનાં ભાષણોનો સંગ્રહ, આવૃત્તિ પ્રથમ (માર્ચ, ૧૯૭૪), ગુજરાતી સાહિત્ય પરિષદ
  24. શ્રી હરસિધ્ધભાઈ વજુભાઈ દિવેટિયા, અઢારમું અધિવેશન, ગુજરાતી સાહિત્ય પરિષદ, નવસારી, ૧૯૫૨, પૃ. ૧૩૯, ૧૪૦
  25. શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશી, ઓગણીસમું અધિવેશન, ગુજરાતી સાહિત્ય પરિષદ, નડિયાદ, ઑક્ટોબર ૧૯૫૫, પૃ. ૧૯૧
  26. શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશી, ઓગણીસમું અધિવેશન, ગુજરાતી સાહિત્ય પરિષદ, નડિયાદ, ઑક્ટોબર ૧૯૫૫, પૃ. ૧૯૨
  27. વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી, એકવીસમું અધિવેશન, ગુજરાતી સાહિત્ય પરિષદ, કલકત્તા, ઑક્ટોબર ૧૯૫૫, પૃ. ૨૯૦
  28. ગુજરાતી સાહિત્ય પરિષદનાં ૨૮થી ૪૫મા અધિવેશનના પ્રમુખોનાં ભાષણોનો સંગ્રહ, સં. ડૉ. નલિની દેસાઈ, આવૃત્તિ પ્રથમ (૨૦૧૦), વિદ્યાવિકાસ ટ્રસ્ટ, અમદાવાદ
  29. રઘુવીર ચૌધરી, એકતાલીસમું અધિવેશન, ગુજરાતી સાહિત્ય પરિષદ, પાટણ, ૨૦૦૧, પૃ. ૩૨૪, ૩૨૫
  30. અવતરણ ક્રમાંક - ૧, ૨, ૪, ૫, ૬, ૭, ૮, ૧૦, ૧૩, ૧૫, ૧૭, ૨૧
  31. અવતરણ ક્રમાંક - ૩, ૯, ૧૪, ૨૨, ૨૫
  32. અવતરણ ક્રમાંક - ૧૧, ૧૨, ૧૬, ૧૮, ૧૯, ૨૦, ૨૩, ૨૪, ૨૬

ડૉ. દર્શિની દાદાવાલા, ‘અનુગ્રહ’ પી-૪૦૩, શિવાભી લક્ઝુરિયા, માણેજા, વડોદરા – ૩૯૦ ૦૧૩, darshini.dadawala@gmail.com | +91 963 810 0452