Download this page in

અમલદારશાહીનાં અપલક્ષણોને વાચા આપતું એકાંકી: ‘ડીમ લાઈટ’

કવિ,વાર્તાકાર, નવલકથાકાર, નિબંધકાર, વિવેચક, અનુવાદક તરીકે બહુમુખી પ્રતિભા ધરાવનાર સર્જક રઘુવીર ચૌધરી નાટક- એકાંકી ક્ષેત્રે પણ મહત્વનું પ્રદાર્પણ કરે છે. ‘સિકંદર સાની’, ‘અશોકવન’ અને ‘ઝૂલતા મિનારા’ નાટ્યસંગ્રહો તેમજ ‘ડીમ લાઈટ’ ‘ત્રીજો પુરુષ ’ જેવાં તેમના એકાંકીસંગ્રહો નોંધપાત્ર છે. ગુજરાતી ભાષામાં એકાંકી એ પશ્ચિમમાંથી આવેલું ગુજરાતીમાં ૧૮૭૫-૮૦ની આસપાસ પારસી લેખકોએ એકાંકી લખેલાં અને ભજવેલાં. પરંતુ શુદ્ધ રૂપમાં જેને આપણે એકાંકી તરીકે ઓળખી શકીએ એવું એકાંકી યશવત પંડ્યા પાસેથી ૧૯૨૫માં ‘ઝાંઝવા’ મળે છે. ઉમાશંકર જોષી, જયંતિ દલાલ, ચુનીલાલ મડિયા, ગુલાબદાસ બ્રોકર, શિવકુમાર જોષી વગેરે આપણ ઉલ્લેખપાત્ર સર્જકો અન્ય સાહિત્ય સ્વરૂપના સર્જન સાથે એકાંકીક્ષેત્રે પણ મહત્વપૂર્ણ પ્રદાન કરતા રહ્યા .

૧૯૬૫ પછી ગુજરાતી એકાંકીક્ષેત્રે નવો વળાંક આવે છે. પાશ્ચાત્ય એબ્સર્ડ વિચારધારાનો પ્રભાવ ગુજરાતી એકાંકીક્ષેત્રે પણ પડે છે તો બીજી બાજુ મહારાષ્ટ્ર અને બંગાળની રંગભૂમિનો પ્રભાવ પણ આપણે ત્યાં ઝિલાયો છે. રામલીલા, ભવાઇ, જાત્રા જેવાં લોકનાટ્યોનો આધાર પણ આ નવાં એકાંકીમાં લેવાવા લાગ્યો. આદિલ મન્સુરી, લાભશંકર ઠાકર, સુભાષ શાહ, ચંદ્રકાંત શેઠ, ચિનુ મોદી, મધુરાય, ઇન્દુપુવાર, રઘુવીર ચૌધરી જેવા એકાંકીકારો એ નવીન શૈલીવાળાં મુક્ત રંગભૂમિવાળાં એકાંકીઓ લખ્યાં. સાતમા-આઠમા દાયકામાં શાળા-મહાશાળાંઓની સ્પર્ધાઓમાં પણ એકાંકીઓ રજૂ થવા લાગ્યાં પરિણામે એકાંકીની સમૃદ્ધિ વધી.

રઘુવીર ચૌધરી એકાંકી ક્ષેત્રે ‘ડીમ લાઇટ’ અને ‘ત્રીજો પુરુષ’ એમ બે એકાંકી સંગ્રહો દ્વારા પ્રવેશ કરે છે. આ સંગ્રહોમાં ‘ડીમ લાઇટ’, ‘ઢોલ’, ‘પસંદગી’, ‘સાતમો કોઠો’, ઉલ્લેખનીય એકાંકીઓ છે. ‘ડીમ લાઈટ’ (૧૯૭૩) વિશે ડૉ. ઉત્પલ ભાયાણી નોંધે છે: ‘‘ડીમ લાઈટ’નું મહત્ત્વ એટલે વિશેષ છે કે એબ્સર્ડના ગાડરિયા પ્રવાહમાં તણાયા ન હોય છતાં નોંધપાત્ર બની શક્યાં હોય એવાં જૂજ એકાંકીઓમાં પણ એ મુખ્ય છે.” (આઠમો દાયકો પૃ. 104-105) વળી, ‘ડીમ લાઇટ’ ઉત્તર ગુજરાતની બોલીમાં ગ્રામજીવનના વાતાવરણને ખૂબીપૂર્વક વાચા આપતું હોઇ શાળા–મહાશાળામાં વધુ વાર ભજવાયું છે.

‘ડીમ લાઇટ’ એકાંકીમાં રામુ અને લખમણ મુખ્ય પાત્રો છે. વાયર જોડવાની નાનકડી ઘટનાનો તંતુ લઇને લેખકે આઝાદી મળ્યા પછી પણ ગામડાઓની સમસ્યાઓમાં ખાસ મોટો ફરક નહીં પડ્યાની વાતને ઉપસાવી છે. દેશની સ્વાતંત્ર્ય પ્રાપ્તિ માટે કેટકેટલાં બલિદાન અપાયાં, કેટલી લડતો ચલાવી પણ છેવટે તો ઠેરના ઠેર. સરકારી અમલદારોની ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારથી દેશ આખો ખદબદતો રહ્યો છે. ઘણીવાર તો અંગ્રેજોને પણ સારા કહેવા પડે તેવી દેશની બદ્તર દશા જોવા મળે છે. દેશના છેવાડાનાં ગામડાં સુધી આઝાદીનો પ્રકાશ પહોંચી શક્યો નથી. કચડાયેલા દિન–દલિત લોકોની હાલત જેમની તેમ છે. એમના ભાગ્યમાં તો હજુયે કેવળ ડીમ લાઇટ છે. આ માર્મિક રહસ્ય ને સર્જકે પોતાના વતન માણસા આસપાસના ગામડાંનાં પાત્રો અને તેમની લોકબોલીમાં વ્યંજના પૂર્વક એકાંકીમાં પ્રગટ કર્યું છે.

‘ડીમ લાઇટ’ એકાંકીની શરૂઆત પડદો ઉઘડતાં રામુના ખડકીબંધ ઘરના દૃશ્ય સાથે થાય છે. એકાંકીના પ્રારંભે રામુ અને લખમણ વાયરોને જોડવા માટે વાયરનાં ગૂચળાંને ઉકેલવાનો પ્રયત્ન કરે છે. પરંતુ તે ગૂંચ ઉકેલી શકતા નથી . આ વાત તો માત્ર પ્રતિકાત્મક છે. લેખક આ નાનકડી ઘટનાને નિમિત્તે આઝાદી પછીના દેશના ગામડાંની પરિસ્થિતિનું પ્રતિબિંબ ઝિલાયું છે. વાયરનો છેડો ન જડવાની વાતમાં દેશની સમસ્યાઓના ઉકેલનો છેડો પણ જડતો નથી એવો ભાવ ગર્ભિત ર્રીતે રહેલો છે. રામુ અને લખમણના સંવાદથી આગળ વધે છે. રામુ વાયર જોડી આપવા માટે મગનને બોલાવવા માટે લખમણને કહે છે. મગન શરૂઆતમાં ‘ના’ પાડે છે, પરંતુ ત્રણ રુપિયા ફી મળે તો વાયર જોડી આપે એમ જણાવે છે. ત્રણ રૂપિયાની માંગણીથી રામુ છંછેડાય છે. મગન અનિચ્છાએ રામુને વાયર જોડી આપવાની તૈયારી બતાવે છે. પરંતુ જોડી આપતો નથી. અવનવા બહાના કાઢી ને કામને ટાળવાનો પ્રયત્ન કરે છે. મગન આખી અમલદારશાહીનો એક નમુનો માત્ર છે. જે સમસ્યા ઉકેલવા કરતાં જેને ગૂંચવવામાં વધુ રસ દાખવે છે . અવનવા બહાનાં કાઢી ને કામને ટાળવાનો પ્રયત્ન કરે છે. રામુ અને મગન વચ્ચેનો આ સંવાદ જુઓ:
“મગન : આનો છેડો જડતો નથી . તમે આ ગૂંચળું છોડેલું ?
રામુ : ના,તારી ભાભી અમણાં કાંક ગડમથલ કરતી’તી !
મગન : બસ તો છેડો નંઇ જડે !
રામુ : [મગનના હાથમાંથી વાયરનું ગૂંચળું ઝૂંટવી લેતાં ] ના શું જડે ? છેડો વોય તો પછં જડે ચેમ નઇ ? કંઇ આખો વાયર ગોળ તો નઇ હોય નં ?
મગન : મન તો એ ગોળ હોય એવું લાગે છે !
રામુ : ચેમ નાં લાગે ? તું તો અનુભવી ખરો નં ! લે આ રયો છેડો !
મગન : એ તો નીચેનો છેડો છે !” (પૃ:74 )

અહીં જોઇ શકાય છે કે મગન કામ ટાળવા કેવાં જાતભાતનાં બહાનાં ઉપજાવી કાઢે છે . દેશમાં સરકારી કચેરીઓમાં પ્રજાને મગન જેવા કર્મચારી-અધિકારીઓની આડોડાઇ, સ્વાર્થ, લાલચ ભોળી પ્રજાને કેવું કનડે પીડે છે તેનો અંદાજો અહીં લગાવી શકાય તેમ છે. રામુ મગનને છેડો આપે છે તો કોના ત્યાંથી ક્નેકશન જોડવાનું છે ? તેની સંમતિ લીધી છે કેમ ? છેવટે બધુ જ હાજર થતાં મગન ‘મારે કામ છે રામભાઇ!’ કરશનકાકાના કૂવા પર મોટર મંજૂર થઇ છે ને ત્યાં વાયર નાંખવા જવું પડે તેમ છે એમ કહી ચાલતી પકડે છે. પરંતુ રામુ મગનને છોડે તેમ નથી. તો મગન દમદાટી આપીને રામુને ડરાવાનો પ્રયત્ન કરે છે. ‘લે બુધુ ને કર સીધું’ માં માનનારો રામુ ગભરાય એમ નથી. મગનના હાથનું કાંડું પકડી મરડે છે પછી મગનની જોરથી હથેળી દબાવી પાંચ ઉઠબેસ કરાવે છે. ત્યારે મગન વાયર જોડી આપવાની તૈયારી કરતાં જણાવે છે. મગન : આ તમારી ગાય છું, મૂકી દો ભૈશાબ. હવે તમારી સામે કદી નહીં બોલું . રામુ : બોલ વાયર કાપી આલં છં ક નઇ ?

મગન : તમે કેશો એ બધું કરીશ ........” (પૃ :75) રામુ કોઈનું ખોટું સાંખી લે તેવો માણસ નથી. બીજું મગન જેવાની ભૂંડાઈથી ડરે એમ પણ નથી. એમને કઈ રીતે પાઠ ભણાવવો તેની કળા રામુ બરાબર રીતે જાણે છે. લેખક જાણે દેશના રેઢિયાળ સરકારી તંત્ર, અમલદારશાહીને રામુ જેવા લોંઠકા માણસો જ પહોંચી શકે તેમ સૂચવે છે.

રામુ અને પ્રધાન વચ્ચેના સંવાદોમાં તેમના પ્રસન્ન દામ્પત્યની છબી ઝિલાઈ છે. ગામની નવવધુ મણિવહુનું પાત્રપણ ધ્યાનાકર્ષક છે. મગનની રાહ જોતા રામુ અને લખમણ વળી પાછી વાયર જોડવાની પ્રક્રિયા હાથ ધરે છે. મગન થોડાક જ વર્ષોમાં પૈસાદાર થઈ જવાનો કેમકે “લાંચોમાં ઈની ચોથા ભાગની દલાલી હોય છે.” ( પૃ.77) એ વાત લખમણ કરે છે. ગામમાં કોઈ ખોટાં કનેકશન લે કે તરત મગન વીજળી ખાતાના સાહેબને ફોન કરીને બોલાવે છે. ગામના અભણ અને ભોળા લોકોને દંડના નામે ડરાવીને મોટી રકમથી મગન અને સાહેબ પોતાનાં ખિસ્સાં ભરે છે. લાંચ લીધા પછી પણ મગન જેવા ગામના લોકોનું ભલું કરતાં હોય એમ દેખાડી વટ પડતા હોય છે. જુઓ આ સંવાદ
“મગન: રામલા, જરા ભાનમાં આવ, તારા ભલા માટે કહું છું. આ તો બહુ મોટા સાહેબ છે!
રામુ: દેશમાં દિયોર કોઈ નાંનું રયું જ ચ્યાં છ !’’(પૃ:79)

તખ્તા પર એકાંકી ભજવતાં આ સંવાદ પર પ્રેક્ષકોની ખૂબ જ તાળીઓ પડી છે. રામુના સંવાદમાં રહેલો વ્યંગ દરેકને સ્પર્શી જાય છે. રામુ મગન જેવા દલાલ કે વીજળી ખાતાના મોટા સાહેબથી ડરે કે ફસાય એવો નથી. તે અમલદારોને સારી રીતે ઓળખે છે. મગન સાહેબના નામે રામુને ગભરાવવાની વાત કરે છે પણ રામુને ખબર છે કે તે વીજળીની ચોરી નથી કરતો. રામુ વીજળીખાતાના સાહેબના એકે એક પ્રશ્નોના નીડરતાથી જવાબ આપે છે. ગુસ્સે થયેલા સાહેબ રામુને વશ કરવા કેવો મિજાજ છાંટે છે અને ડરાવવા કેવી કેવી તરકીબો અપનાવે છે એનો ખ્યાલ એ વચ્ચેના સંવાદમાંથી આવે છે. ‘મગન, આણે જેલના સળિયા જોયા લાગતા નથી!’, (પૃ : 79) ‘તમે અમારા ગ્રાહક નથી, તમારી સાથે હું વાત નહિ કરું,’ (પૃ:79) ‘ગામનો આ પહેલા નંબરનો ગુંડો છે,’ (પૃ:79) ‘આને મામાને ઘેર મોકલવો પડશે’, ‘તું જાતે હવા કાઢી નાખે તો જોઉં કે તું બહાદુર છે!’ (પૃ:79) વગેરે સંવાદમાં અમલદારી મિજાજ બરોબર પ્રગટ્યો છે. અમલદારોની તુમાખી, તોછડાઈથી, મિજાજીપણું અહીં આબેહૂબ પ્રગટ્યું છે. આવા કડવા અનુભવો આમ નાગરિકોને રોજબરોજના સરકારી કામકાજમાં થતા જ હોય છે. સાહેબ સાથેની જીભાજોડીમાં રામુ ક્યાંય પાછો પડતો નથી. એટલું જ નહી સાહેબની જીપમાં પૈડાની હવા કાઢી નાખવા છોકરાંને ઉશ્કેરે છે. સાહેબ મગનને પુરાવા તરીકે વાયર સાથે લઈ લેવાનું જણાવે છે પરંતુ રામુ મગનને તેમ કરતો અટકાવે છે. પરંતુ મગન રામુએ જેના ઘરમાંથી કનેક્શન લીધું હતું એ જોઈતાકાકા પાસે સાહેબને લઈ જઈને સાહેબનું કામ પતાવી આપે છે. આવા કામને મગન ‘માનવતા’નુ કામ ગણે છે જુઓ :
“લખમણ: ચેટલામાં પત્યું?
મગન: એટલા શાના? સમજો ને કે ચા-પાણીમાં પત્યું! સાહેબનામાં કઈ માનવતા જ નહીં હોય?
રામુ:માનવતાતો દિયોર તમારામાંય ચ્યાં ઓછી છ? .......”[પૃ:81 ]

આવી ‘માનવતા’ દેશ આખામાં ખૂબ ઉડે સુધી વ્યાપેલી છે. કરશનકાકા,મગન,વીજળીખાતાના ઉપરી જેવાં પાત્રો દ્વારા દેશમાં લાંચરુશવત રૂપી સડો તળિયેથી ઉપર સુધી ફેલાયેલા હોવાનો પુરાવો પુરો પાડે છે. અમલદારીનાં અપલક્ષણો મગન અને વીજળીખાતાના સાહેબના પાત્ર દ્વારા બરોબર ઉપસ્યાં છે.

કેટલીયે મથામણ કર્યા પછી રામુના ઘરના દરવાજે વીજળીનો સોનો બલ્બ ગોઠવાયો તો ખરો ને બટન દબાવતાં લાઈટ પણ થઈ પરંતુ એ ‘ડીમ લાઈટ’ હતી. એના અજવાળામાં માણસનાં મોઢા પણ ઓળખી શકાય એમ નથી. આ ડીમ લાઈટ જોઇને રામુને થાય છે: “ધન છ આપણન? આના માટે લડ્યાય ખરા, આટલો તો વખત બગડ્યો,તોય દિયોર ડીમ લાઈટ!” [પૃ: 81] એકાંકીનું આ અંતિમ વાક્ય ભારતને આઝાદી મળ્યાને આટલાં વર્ષો થયાં છતાં ગામડાંઓનો વિકાસ જોઇએ એટલો થયો નથી. કેટલાંક ગામડાંમાં હજુ સુધી વીજળી પહોચી નથી. હજીય ગ્રામપ્રજાને તો અંધારામાં જ જીવવું પડે છે. સમગ્ર દેશ જાણે ડીમ લાઈટ થઈ ગયો છે તેવું સૂચવે છે.

આઝાદી પછી યંત્રો આવ્યાં, વિવિધ મશીનો આવ્યાં, વીજળી આવી, મોટરો અને ટ્રેક્ટર આવ્યાં; આથી તો ગ્રામપ્રજા આળસુ અને માયકાંગલી બની ગઈ છે.એમનાં વ્યસનો વધ્યાં છે અને બીજી બાજુ લાંચરુશવતે પગપેસારો કર્યો છે. તેથી ગ્રામપ્રજા ક્યારેય ઉચી નહીં આવે એ રામુના સંવાદમાં પ્રગટ થાય છે.

રામુ, લખમણ, મગન, પ્રધાન અને મણિવહુ વગેરે પાત્રોની બોલીમાં ઉત્તર ગુજરાતની ગ્રામપ્રજાની લાક્ષણિકતાઓનું આબેહુબ પ્રતિબિંબ ઝિલાયું છે. વળી આ બોલીના પ્રયોગથી દરેક પત્રોના ચરિત્રનું નિર્માણ થાય છે. ‘નેંનળિયા’, ‘દિયોર’, ‘હગલાં’ જેવાં શબ્દો ‘દિવાહળી મેલીએ’, ‘ટૈણપૈણ ચાલવી’, ‘બુહાગીરી ચલાવવી’, ‘લેણમાં હોવું’ જેવા રૂઢિપ્રયોગ દ્વારા અહીં બળકટ સ્વરૂપ પ્રગટે છે.

સંદર્ભગ્રંથો :

  1. આઠમો દાયકો,સંપાદક: ભોળાભાઈ પટેલ
  2. એકાંકી સ્વરુપ અને સાહિત્ય,નંદકુમાર પાઠક
  3. ડીમ લાઈટ : રઘુવીર ચૌધરી
  4. ‘નાટક અને હું’ –દિપોત્સવી વિશેષાંક :૨૦૧૨ ‘શબ્દસૃષ્ટિ’

ડો. ચેતના એલ.ચૌધરી, વ્યાખ્યાતા સહાયક, સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, થરાદ, જિ. બનાસકાંઠા. મો. ૯૪૨૮૧૬૮૭૯૭ ઈમેલ: chetnachaudhari85@gmail.com