Download this page in

મૈત્રી અને મહેફિલનાં સંભારણાં - ‘જલસા અવતાર’
[‘જલસા અવતાર’: ચીનુ મોદી, પ્રથમ આવૃતિ;2016, પ્રકાશક: બુકપબ, નવરંગપુરા, અમદાવાદ,]

‘મારી હકીકત’થી શ્રીગણેશ કરતી ગુજરાતી આત્મક્થા ‘સત્યના પ્રયોગ’ કરતી ‘સ્વપ્નસિદ્ધિની શોધમાં’ ‘જલસાઅવતાર’ સુધી પહોંચી છે. ‘જલસા અવતાર’ શીર્ષક વાચતાં ભગવાન વિષ્ણુના દસ અવતારો યાદ આવે. સાથે પ્રશ્ન થાય કે ભગવાન વિષ્ણુના દસ અવતારમાં આ ‘જલસા’ નામે કોઈ અવતાર નથી. હા, પરંતુ આ અવતાર છે કવિ, નાટ્યકાર, વિવેચક અને અધ્યાપક ડો. ચીનુ મોદીનો. અગિયારમો અને ‘છેલ્લો અવતાર’. લેખક ચીનુ મોદીને ‘કોઈ પૂછે કે ‘કેમ છો? તો કાયમ કવિનો એક જ જવાબ હોય ‘જલસા.’ આ ફકત કહેવા ખાતર કે ઔપચારિક રીતે જ નહિ હકીકતમાં પણ તે જલસાથી જીવ્યા છે. આ આત્મક્થાના પ્રવેશમાં નોંધે છે: ’’જલસો” એ મારે મન સુખદુ:ખથી પર આનંદનો પર્યાય છે.....મારા જેટલી આર્થિક સંપત્તિ અને દેહસંપત્તિ ધરાવતા કોઈ પણ ગુજરાતીથી સાવ નોખું, ક્ષણેક્ષણે જલસાનું વાતાવરણ મેળવનાર કોઈ હશે કે કેમ એ પ્રશ્ન છે. મને સુસંવાદી રીતે જીવન જીવવું ગમ્યું જ નથી. સતત બધું ઈમ્પ્રોવાઈઝ થયા કરે, તો ગમ્મત પડે.” [પૃ.195] લેખક જીવનની પ્રત્યેક ક્ષણને પ્રબળ જિજીવિષાથી જલસામાં પરિવર્તિત કરવાની કળાને જાણે છે. આ વાતની પ્રતીતિ વાચકને પુસ્તકમાંથી પસાર થતાં થશે. આ પુસ્તકના મુખપૃષ્ઠ પરના ચાર કાર્ટુન પ્રતીકાત્મક રીતે આત્મક્થાકારના જીવન મિજાજને સૂચવે છે. ‘લેખકના બે બોલ’ની અઢી લીટીમાં સવાત્રણસો પાનાના જીવનવૃતાંત આલેખનનો અનુભવ છે: ‘સત્યને શબ્દની સૂગ છે! ખબર છે. આ લખતાં મને એની પ્રતીતિ થઈ છે.’’ સત્યની અભિવ્યક્તિ માટે નીડરતા હોવી જોઈએ. આત્મકથાકાર ચિનુ મોદીમાં સત્યકથન માટેની નીડરતાને નિખાલસતા બન્ને છે. નિખાલસતા આ આત્મકથાના સઘળાં પ્રકરણોની કરોડરજ્જુ સમાન છે. ‘મારી બહેન ફાંગું જોતી.’થી શરૂ થતી આત્મકથા---
“સુખી છું આમ તો હું સર્વ વાતે
છતાં, ઊંડે ઊંડે કોઈ રડે છે.” (પૃ.247)

પંક્તિઓ દ્વારા પૂર્ણ થાય છે. અઢ્યાસી પ્રકરણો અને બે પરિશિષ્ટોમાં વિભાજિત આ ‘જલસાઅવતાર’ ‘આત્મકથા’ સ્વરૂપની દૃષ્ટીએ સુસ્ત છે, ચુસ્ત નથી. અલબત્ત, આ ક્થામાં સગાં-વહાલાં, મિત્ર-સ્વજનોની લાક્ષણિકતા-વિશેષતાની વાતો છે. સંસ્કૃત શબ્દ ‘ચિનુ’નો અર્થ ‘જે એકઠું કરે છે તે.” (પૃ.24) લેખક કસ્બાતી નાનાજીની કૃપાથી જન્મતાં જ ધોળકા પાસે 1650 વિઘા જમીન અને 15-20 મકાનોના વારસદાર બનેલા. આથી જીવનમાં ધન નહિ સબંધો- મૈત્રી એકઠી કરી છે.

આ આત્મકથામાં લેખકે સુહાગરાતથી લઈ સ્મશાન સુધીની વાતો, શરાબની સંગત અને ચિકનની રંગતથી મહેફિલો, જાહેર ખાનગી સ્મરણો નિખાલસ રૂપે આપણી સમક્ષ મૂક્યા છે. એમાંથી એમનું બહુ આયામી વ્યક્તિત્વ પ્રગટ થાય છે. ‘નાગરોના નાગર’, ‘પોતડીદાસોને પડકારનાર’, ‘રે મઠીયા, બૌદ્ધિક કવિ, દ્રવિડ સંસ્કૃતિના ઉપાસકોની ગાળ પામેલા ગોઠિયા, પ્રતિપળ સંવેદનાથી છલકતા માનવી, પ્રેમ ભૂખ્યા ઇન્સાન, વિધાર્થીપ્રિય અધ્યાપક –શિક્ષક એમ બહુવિધ રૂપ-સ્વરૂપ આત્મકથામાં નજરે ચડે છે.

આત્મકથાનો આરંભ તો નાનાજી-નાની, દાદીમા, માતા-પિતા, ભાઈ-બહેનો જેવાં કુટુંબીજનોના વ્યક્તિચિત્રોથી થાય છે. આ ચરિત્રોના આલેખનમાં બાળ ચિનુ મોદીનો પરિચય થતો જાય છે. માતા શશીકાંતા ઉર્ફે બબુબાને ત્રણ દીકરીયો પછી વિજાપુરમાં જન્મેલ ચોથુ સંતાન તે લેખક ચિનુ મોદી. માતાની વિધવિધ મુદ્રાઓ વિશે લેખક નોંધે છે: “ સાડી પહેરીને બેડમિંટન રમતી, લેડીઝ ક્લબની સેક્રેટરી થતી, વાડી-ખેતરમાં ઊભા મોલમાં ભેળાણ થતાં, ભાલો લઈને દોડી જતી, અને જરૂર પડ્યે પિયતમાં પાણી વાળતી, શેવ્રોલેટ કાર પણ ચલાવે ‘પાંચ પુરુષ ભાંગીને ઘડેલી બા’ (પૃ. 32) જ્યારે લેખક બીજીવાર લગ્ન કરીને આવે ત્યારે ધારિયું લઈને મારી નાંખવાય ધસી આવે છે. ‘આવી જનનીની જોડ કયાંય જડે?” `(32) લેખક નાના નાના વાક્યોમાં, વાતચીતની હળવી શૈલીમાં વ્યક્તિચિત્રો આલેખતાં, પોતાની જાતને પણ ઉકેલતા આલેખતા જાય છે.

નાના રણછોડલાલ મથુરદાસ કસ્બાતીને સંતાનમાં પુત્રની ખોટ હતી તેથી ભાણેજ ચિનુને વારસદાર બનાવે છે. સમગ્ર ઉત્તર ગુજરાતમાં ‘મોદી વકીલ’ તરીકે જાણીતા પિતા ચંદુલાલ મોહનલાલ મોદી વિજાપુર મ્યુનિસિપાલિટીના પ્રમુખ, મહેસાણા લોકલ બોર્ડના ઉપપ્રમુખ પણ રહેલા. લેખકના પ્રાથમિક શિક્ષણની શરૂઆત વિજાપુરથી થાય છે. આગળ પાછળ ગાયક્વાડી લિબાસમાં બે પટાવાળા ચાલતા હાયને વચ્ચે શરમાતાં શરમાતાં લેખક ચિનુ મોદી. જનોઈ ધારી શિક્ષકની ચૂંટલીઓ ન ખમાતાં બહેનો સાથે વખારિયા સ્કૂલમાં પિતાજીએ ભણવા બેસાડ્યા. લેખક નોંધે છે: “કન્યાઓની આદત મારા બાપુજીએ જ પાડેલી, જે મોટપણે ભારે નડી એ આખું ગુજરાત જાણે છે.”(38) રંગીલા- રંગદર્શિ મિજાજ ધરાવનાર ચિનુ મોદી પોતાના ગુણ-અવગુણ, સ્વભાવનું પગેરું આમ બાળપણમાં શોધી આપે છે.

દર અઠવાડિયે એક દિવસ ઘોડેસવારીનો શો જોવા પૂના જનાર પિતા ‘સી.એમ. મોદી’ વકીલને ‘ખેડે તેની જમીન’નો કાયદો આવતાં વિજાપુર છોડી ધોળકા રહેવું વસમું રહ્યું. પરંતુ કિશોર ચિનુ માટે આનંદનો અવસર હતો. કસ્બાતીના ‘શાહજાદા’ ‘ભાણાબાપુ’ તરીકે ધોળકામાં વટ રહ્યો. આર.એસ.એસ.ના બાળકાર્યકર ચિનુ, ભાઈ અરવિંદ સાથે ભૂતની ચોટલી કાપવા જવું, હોળીની મોડી રાતે બન્ધ મકાનોના બારણા કાઢી હોળીના ભડકામાં નાખવા લાવવાં, કસ્બાતી પૂર્વજોના માળીયામાં ભંગાર રૂપે પડેલા તલવાર, ભાલા, બરશી, બખ્તર જેવાં આયુધો જોવાં ચલાવતા પ્રયોગ કરવા, પિતાજીએ સાચવી- સંતાડીને મુકેલું સ્રી-પુરુષના ગુહ્યાંગની છબી દર્શાવતું ‘કોકશાસ્ત્ર’ ચોરી-છૂપીથી જોતાં પકડાવવું પિતાજીના બૂટનો સ્વાદ ચાખવો વગેરે પરાક્રમોના કિસ્સાઓનો ખજાનો આ પુસ્તકમાં ભર્યો ભર્યો પડ્યો છે. લેખક નોંધે: “આજે યાદ કરું છું ત્યારે લાગે છે કે ‘રે’ મઠ માટે હું યોગ્યતા કેળવી રહ્યો હતો.”(73)

આટલે પહોંચતા આપણને થાય કે સાલ્લુ ભણવાની વાત કેમ આવતી નથી ? તેનો જવાબ આપતાં લેખક નોંધે છે: “ ભણવા વિશે બહુ વાત કરાય એમ નથી, કારણ કે ઘરે માસ્તર આવે અને મને ભણાવીને થાકે અને પછી થાકીને મારા બાપુજીને કહે, ‘આ તમારા છોકરાને ભણાવું ને તો મને ટી.બી. થઈ જાય.” (78) કુદરતની બલિહારી તો જુઓ થોડા વર્ષો પછી ધંધૂકામાં એ જ શિક્ષક એમ.એ.માં ભણવા લેખક પાસે જાય છે. અંગ્રેજીયતમાં નખશીખ રંગાયેલા વકીલ પિતાની ઇચ્છા તો લેખકને આઈ.એ.એસ. અધિકારી બનાવાની હતી. પાંચ શિક્ષકો ઘરે આવીને ભણાવતા ત્યારે ૩૯% ગુણે મેટ્રિક થયા. છતાંય પિતાજીનો ઉત્સાહ તૂટયો ન હતો. પરંતુ સુધીર માંકડ જેવા મિત્રના સંઘે ‘કવિતાના રવાડે’ ચડયા છે તે જાણી ત્યારે પિતાજીએ કહ્યું: “ જુઓ આપણે આઈ.એ.એસ. થવાનું છે, એટલે તમે જે કવિતા- કવિતા લખો છો એ આજથી બંધ, સમજ્યા?” (પૃ.૨૨) ઘણીવાર બૂટનો માર સહન કર્યો ને એક દિવસ બાપુજીને રોકડું પરખાવ્યું ‘એ નહિ બને’. ચતુર વકીલ બેટાના બળવાને ઓળખીને કહે “ગુજરાતી લો ને માસ્તર થજો’ની પરવાનગી આપી.

લેખક ઘણી નોકરીઓ છોડી-બદલી છેવટે અધ્યાપક થાય છે. તેમની વિદ્યાર્થી પ્રીતિ ઊડીને આંખે વળગે તેવી છે. ચાહે ફી બાકી હોય, પ્રમમાં નિષ્ફળતા કે ગમતા છોકરા સાથે માબાપ લગ્ન કરાવવા રાજી ન હોય કે ઉધાર- ઉછીના પૈસા લેવા હોય પિતાતુલ્ય ગુરૂ લેખક પાસે વિદ્યાર્થી ભાઈ-બહેનો નિસંકોચ પહોંચી જાય. લેખક પોતાની વિદ્યાથી પ્રીતિ વિશે નોંધે: “વિદ્યાર્થી વગરનો હું પીંછા વગરનો મોર છું. હું મારી જંગમ મિલકત એવા વિદ્યાર્થીના કારણે તો કવિરાજ છું, કુબેર છું.” (પૃ.137) લેખકે પોતાના વિદ્યાથીઓને અહીં ઠેરઠેર યાદ કરી ગૌરવ કર્યું છે.

અમદાવાદમાં નવચેતન હાઈસ્કૂલ, સેન્ટઝેવિયસ કોલેજ, ભાષા ભવન વગરે સંસ્થાઓમાં અભ્યાસ અને તોફાન મસ્તીની ઘણી બધી વાર્તાઓ આલેખી છે. દિગીશ મહેતાને વિદ્યાર્થી સમાજનાર, ચીમનભાઈ પટેલ એક લેકચરમાં ‘વાસ્તે’ શબ્દ કેટલીવાર બોલે તેની ગણતરી કરનાર, કોલેજકાળમાં ‘સંસ્કૃતિમાં’ કાવ્ય છાપનાર ગુરુ ઉમાશંકર જોશી સામે ‘કૃતિ-સંસ્કૃતિ નહીં’ સામયિકમાં સક્રીય થનાર, એન.સી.સી.ના ઠપકાનો બદલો લેવા રમણલાલ ચી. શાહના બેસણાની જાહેર ખબર ગુજરાત સમાચારમાં છપાવનાર વગેરે વિદ્યાર્થી અવસ્થાની ટીખળ-મસ્તી અને અધ્યાપકોની નિર્દોષ પજવણી ને લેખક અહીં સ્મરે છે. તેમાં તોફાની વિદ્યાર્થી તરીકેની લેખક ઉપસી આવે છે. અમદાવાદમાં નવાસવા રહેવા આવેલા ધોળકાના ભાણાભાઈ લઘુતાગ્રંથિથી પીડાતા ક્રિકેટ પર થોડૉ સમય હાથ અજમાવી વિનોદભટ્ટની સાથે સાયકલ પર ઘણા સામયિકોની ઓફિસના ઉંમરા ઘસ્યા પછી “કુમાર”માં ઠરીઠામ થયા. અમદાવાદમાં રાવજી પટેલ, લાભશંકર ઠાકર, મનહર મોદી, રાધેશ્યામ શર્મા, રતિલાલ દવે, આદિલ મન્સૂરી વગેરે સાથે મિત્રતા જામી. (આ યાદી હજુ અધુરી છે હજુ આમાં ઘણાં નામો ઉમેરી શકાય.)

અમદાવાદ ઉપરાંત, વડોદરા, તલોદ, કડી, માણસા, મોડાસા, ધંધુકા, કપડવંજ આ બધા સ્થળો અને ત્યાંના જનો સાથે લેખકનો ઘરોબો હતો ચિત્ર, શિલ્પ સિનેમા, સંગીત, શિક્ષણ, રાજકારણ એમ બહુવિધ ક્ષેત્રોના માણસો સાથે લેખકને સંપર્ક સહવાસમાં આવવાનું બન્યુ. વળી, લેખક મહેફિલ અને મૈત્રીના માણસ એટલે પછી પૂછવું જ શું? લગભગ 281 જેટલા વ્યકિત વિશેષને તેમણે આ આત્મકથામાં યાદ કર્યા છે. અરુણા ચોકસી લેખક વિશે નોંધે છે: “ચીનુભાઈ મેળના માણસ છે. તાલમેલના માણસ છે મહેફીલના માણસ છે. “કરો જલસા’’ એ તેમનો જીવનમંત્ર છે. ઈર્ષ્યા આવે એટલી હદે અધધધ મિત્રોનો અઢળક વૈભવ ધરાવે છે. તેમના પરિચયવર્તુળમાં હોવું એ પણ કંઈ નાનીસૂની વાત ના ગણાય. ચીનુ નામધારી શખ્સના ‘‘મોદીવર્તુળ’’ના કેન્દ્રમાં હો કે પરિધમાં – તેમના ‘‘મીડાસ ટચ’’થી ક્યારેય વંચિત ન રહી શકો.’’ [પૃ.319]

રમેશ પારેખ, લાભશંકર ઠાકર , આદિલ મન્સુરી, ઈન્દુ પુવાર વગેરે સર્જક મિત્રોની વિદાયથી પોતાનાના જીવનમાં સર્જાયેલો ખાલીપો દિલો દિમાગમાંથી ખસતો નથી તેનું આલેખન કાવ્યમઢ્યું છે:
“ એકલો ‘ઈર્શાદ’ કેવો એકલો?
શબ્દથી અક્ષર થયે વરસો થયાં.”

પતિ અને પ્રેમી લેખકના પ્રસંગોપણ વિરલ છે. સત્તર અઠાર વર્ષની ઉંમરે ચિનુ –હંસાનું નવપરણિત યુગલ અમદાવાદના નવા બનેલા બોટનિકલ ગાર્ડનમાં હળવા-ફરવા જાયા છે. ત્યાં ગેલગમ્મત કરતાં આ દંપતીને પોલીસ ઇલલિગલ કપલ ગણી પકડીને પોલીસ સ્ટેશને લઈ જાય છે. ત્યાં ઘણી આજીજી કરી પરંતુ કંઈ પરિણામ ન આવ્યું છેવટે વકીલ પિતાએ રૂબરૂ આવી લગ્ન પ્રમાણિત કરી આપ્યું છેવટે પોલીસ માની. વકીલ પિતાએ પોલીસવાળાને બરોબાર ખખડાવ્યા ત્યાં એક પોલીસવાળાએ શું કહ્યું તે લેખકના શબ્દોમાં જોઈએ: “ આ તમારો દીકરો કોઈ બીજી છોકરી સાથે ત્યાં બેઠેલો અગાઉ મેં પકડેલો.’’ ‘હા’ –એણે એ કહ્યું નહિ કે પૈસા લઈ મને ને જોલીને એણે અગાઉ છોડી મૂકેલાં.’’ (પૃ.98) આ વાંચીને આપણને રમૂજ થાય પરંતુ લેખકની એ વખતે શી હાલત થઈ હશે તે કલ્પી શકાય છે. વળી, આ પ્રસંગોની નિખાલસ રજૂઆત કરવી એ ઘણી હિમ્મત માંગી લે એવી વાત છે. આ આત્મકથામાં પત્ની હંસાબેનનું વ્યક્તિચિત્ર ભાવસભર બન્યું છે. પતિના મિત્રો માટેની આત્મીયતા અને આતિથ્યભાવના કેવી કે રાજેન્દ્ર શુકલ જેવા જેઠ અડધી રાતે શીરો બનાવવા ઊભાં કરે ને કહે ‘હવે થોડું ઘી નાખો –સાવ વાણિયા ન થાઓ’ ત્યારે હંસાબેન હસતાં હસતાં કહે ‘મારે પાંચ નણંદ છે તો તું છઠ્ઠી નણંદ છે.’ (પૃ.42) લેખકની ગેરહાજરીમાં રાવજી પટેલ ગાદલું, ચાદર, ઓઢવાનું લઈ જાય ને દોસ્ત ચિનુને ગમતું ઓશીકું ભાભી પાસેથી હઠપૂર્વક લઈ જાય. મણિલાલ બેનપણી સાથે આવે ને અંગત પળોમાં કોઈ ખલેલ ન પાડે તેનું ધ્યાન રાખવાની ભલામણ કરે. હંસાબેનની સહનશીલતા, વિષય પળોમાં પણ હસતાં રહેવાનો સ્વભાવ, પતિના બધા દોષો જાણ્યા પછી પણ બિનશરતી વ્હાલ અને અસીમ માતૃત્વ વગેરે ગુણો નિરૂપણ આપણને ભીંજવી જાય છે. લેખક પત્નીને જીવનભર જોઈએ એટલો આદર-પ્રેમ ન આવી શકયાનો પશ્ચાતાપ કરતા અહીં જોઈ શકાય છે.

લેખક ચિનુ મોદીના પ્રેમ પ્રકરણો જગજાહેર છે. તેમ છતાં ઈર્ષાના માર્યા કેટલા પુરુષો મરચું મીઠું ભભરાવીને વાત કરે. લેખક પોતાના પ્રેમ પ્રસંગોની આ પુસ્તકમાં નિખાલસ રજૂઆત કરે છે. લેખક રોમેન્ટિક મિજાજના છે પણ અનૈતિક નથી. તેની પ્રતીતિ વાચકને થાય છે. પોતે એક સ્ત્રીવ્રતા નથી તે પણ કબુલે છે. લેખકે સિદ્ધાંતના ભોગે ક્યારેય કોઈના સાહચર્યનો સ્વીકાર કર્યો નથી. લેખક પોતાના પ્રેમ વિશે નોંધતા લખે છે: ”હું મર્યાદાપુરુર્ષોત્તમ રામ નથી. હું મારી લવમેરેજની જૂઠી ઈચ્છા પાછળ અનેક કુંવારિકાઓ સાથે સંબંધાયો અને એમની ભીતિને કારણે સંબંધ તૂટતા વગોવાયો. માત્ર મીનાક્ષી પરણવા તૈયાર થઈ તો મેં ત્રણ સંતાનોના પિતાએ મુસ્લિમ થઈને પણ એની સાથે લગ્ન કરેલાં”[પૃ.૨૪૭] પરંતુ લેખક માટે ૧૯૭૭ ના સપ્ટેમ્બરના આ દિવસો મૃત્યુની પણ વધારે દારુણ હતા. તેમની સાહસકથાનો ઝડપથી અંત આવ્યો. અંતે તો સાર એટલો જ આવ્યો. “કિસી નવટંકી વાલે સે પ્યાર મત કરના”[પૃ.૧૧૨ ] પ્રેમના આવા મધુર કટું અનુભવો- પ્રસંગોમાંથી ગઝલો લખાઈ છે. જેમ કે:
“કોઈ ઈચ્છાનું મને વળગણ ન હો
એય ઈચ્છા છે, હવે એ પણ ન હો,
કોઈનામાં પણ મને શ્રધ્ધા નથી ,
કોઈની શ્રધ્ધાનું હું કારણ ન હો.”[ [પૃ.૧૧૫-૧૧૬ ]

આત્મકથાકારની ગઝલોના કેન્દ્ર સ્થાને કોઈ એક નાયિકા નથી. ગણી બધી નાયિકાઓ છે તે વાતનો ઉલ્લેખ પણ આ પુસ્તકમાં જોવા મળે છે. લેખક પત્ની હંસાબેનના નિષ્પાપ અને નિર્વ્યાજ પ્રેમ ને વ્યવહારને યાદ કરી અજંપો અનુભવતા ઘણીવાર દેખાય છે.

ગામ, શેરી, ઘર, હોટેલ્સ, ભઠીયાર ગલીથી લઈ રેમઠ, આ કંઠ સાબરમતી, હેવમોર, ગુજરાતીસાહિત્ય પરિષદ, હઠીસિંગ વિઝ્યુઅલ આર્ટ સેન્ટર, કનોરિયા, ભાષાભવન, સ્પીપા, ઉપાસના વગેરે જેવાં અનેક સ્થળોએ એની જામતી ગોઠડી અને તેની ગતિવિધિનાં સંભારણાનું સુભગ આલેખન અહીં થયું છે.

સહજ વાતચીત રૂપ ભાષાશૈલી પ્રયોજાઈ છે.પરંતુ આવશ્યકતા પ્રમાણે સંવાદ રૂપે કે આલંકારિક ભાષાનો પ્રયોગ પણ થયો છે.ક્યાંક નવલકથા કે ટૂંકીવાર્તાનો તો ક્યાંક નાટકના ગદ્યનો અનુભવ પણ થાય છે.તો લઘુકથાનું લાઘવ વ્યક્તિચિત્રોના આલેખનમાં જોઈ શકાય છે. અલબત્ત, આ આત્મકથા મર્યાદાથી મુક્ત નથી. સ્વરૂપગત ચુસ્તીની જગ્યાએ ઘણીવાર વિશુંખલતા પ્રેવેશી છે. આત્મકથાના આત્મચરિત્ર કરતાં અન્ય વ્યક્તિનાં સ્મરણચિત્રો વધી જાય છે. સ્વકીય અર્થઘટનો જોઈએ એટલા નથી મળતા. એકની એક વાતનું કે મન:સ્થિતિનું પુનરાવર્તન થતું પણ જોવા મળે છે.

જીવનમાં બનેલા સારા ખોટા અનેક પ્રસંગો આબેહૂબ રજૂ કર્યા છે. કેટલા બધા લોકોની કેટલી બધી વાતો. એ દરેકના જીવનમાં આ પણને ડોકિયું કરાવે ને એ તમામની લાક્ષણિક્તાઓ પણ બતાવે. લેખક ચિનુ મોદી આપની યાદ શક્તિને સો સો સલામ તમારી સ્મૃતિસંદૂકમાં કેટકેટલો ખજાનો સચવાયેલો છે. પણ ફરીયાદ એ પણ છે કે એ ખજાનો અર્ધ ખૂલ્લો જ છે, આ ખજાનાના રત્નોની વાતો એવી તો રસપ્રદ છે કે અસંતોષ જ રહે છે. હજૂ તો જાણે ભાવતી મીઠાઈ આરોગતા હોય ને મોજ આવતી જાય છે ત્યાં જાણે વચ્ચે છાશ આવી ગઈ હોય એમ લાગે છે.

ડો. બિપિન ચૌધરી, સરકારી વિનયન કોલેજ, બેચરાજી જિ: મહેસાણા મો. 9428168797 ઈમેલ: bipinchaudhry617@gmail.com