ભાષાપરિવર્તન એક સાહજિક પ્રક્રિયા
માનવજીવનમાં ભાષાનું સ્થાન મહત્ત્વનું છે. ભાષા વિના પણ માનવ જીવન તો જીવી શકે છે, પરંતુ આજના જેટલો સરળ માનવવ્યવહાર તો ભાષાના માધ્યમથી જ શક્ય બને. ભાષા એ માત્ર ને માત્ર સામાજિક વ્યવહાર અને વ્યવસ્થા માટેનું એક માધ્યમ છે. એટલે કોઈપણ ભાષાનું અસ્તિત્વ જે-તે સામાજિક જૂથના સભ્યોની જીવનશૈલી પર નિર્ભર છે. એ દષ્ટિએ દરેક સામાજિક જૂથના સભ્યોની સંસ્કૃતિ અને ભાષા વચ્ચે ઘનિષ્ઠ સંબંધ રહેલો છે.
વર્તમાન સમયમાં બૌદ્ધિક વર્ગમાં ખૂબ જ ચર્ચાસ્પદ વિષય છે. – 'શિક્ષણનું માધ્યમ માતૃભાષા'. ગુજરાતમાં આજે અંગ્રેજી ભાષાનો પ્રભાવ વધતો જાય છે. અંગ્રેજી માધ્યમની શાળાઓમાં ઊંચી ફી આપીને પણ પોતાના બાળકને અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ અપાવવાનું વલણ વાલીઓમાં વધી રહ્યું છે. બીજી બાજુ ગુજરાતી માધ્યમની શાળાઓમાં પણ વિદ્યાર્થીઓની સંખ્યામાં કોઈ નોંધપાત્ર ઘટાડો થયો નથી. ઘણા બધા વાલીઓ પોતાના બાળકોને સરકારી અથવા અર્ધસરકારી કે ખાનગી શાળાઓમાં ગુજરાતી માધ્યમમાં શિક્ષણ અપાવી રહ્યા છે. બંને માધ્યમમાં ભણતાં વિદ્યાર્થીઓ છેવટે તો પોતાની મહેનતથી જ ઊંચી સિદ્ધિઓ પ્રાપ્ત કરતાં હોય છે નહી કે ભાષાના માધ્યમથી. હા, એટલું ચોક્કસ કે મનુષ્યનાં ભૌતિક વિકાસની સાથે માનવ આજે વિશ્વમાનવ થવા જઈ રહ્યો છે ત્યારે તેને અંગ્રેજી ભાષાની જાણકારી ઉપયોગી થાય છે, પરંતુ એ અમુક દેશો પૂરતું સીમિત છે. વિશ્વમાં એવાં કેટલાંય દેશો છે જ્યાં અંગ્રેજી ભાષાની જાણકારી પણ આ વિશ્વમાનવને કોઈ ખપમાં આવતી નથી. ઉમાશંકર જોષીએ કહ્યું છે : 'ઘરને ત્યજી જનારને, મળે વિશ્વ તણી વિશાળતા'. – એ વિશાળતા પ્રાપ્ત કરવા માટે વિકાસ ઝંખતા ગુજરાતી નાગરિકે અંગ્રેજી સિવાયની ભાષાઓ પણ શીખવી જોઈએ.
માનવજીવનના વિકાસ અને પરિવર્તનની સાથે - સાથે જ ભાષા પણ પરિવર્તન અથવા તો વિકાસ પામતી રહે છે. ગુજરાતી ભાષાનો ઉદ્ભવ અને વિકાસ જોતા આ બાબત સ્પષ્ટ સમજાય છે. ગુજરાતી ભાષાનું આજે જે સ્વરૂપ છે એ વર્તમાન પ્રજાજીવનના સંસ્કારોથી જ ઘડાયેલું છે. આમેય કોઈપણ સમયનું સાહિત્ય જેમ તેના સમયનાં પ્રજાજીવન/સમાજજીવનનું પ્રતિબિંબ ઝીલે છે એટ્લે કે તે સમકાલીન સમાજનું દસ્તાવેજી મૂલ્ય ધરાવે છે. તેવું જ ભાષાની બાબતમાં પણ જોવા મળે છે.
સંસ્કૃત ભાષાને આપણે ગુજરાતી અને અન્ય ભગિની ભાષાઓ (હિન્દી, મરાઠી, બંગાળી વગેરે ) ની જનની કહીએ છીએ. આ સંસ્કૃત ભાષા એક સમયે બોલચાલની ભાષા તરીકે જીવંત હતી. એ સમયનો ઈતિહાસ કે કોઈ ઐતિહાસિક પુરાવાઓ મેળવીએ તો જણાશે કે આ સંસ્કૃત ભાષા બોલતી પ્રજાનું જીવન પણ 'સંસ્કૃત' જ હતું. એ સમયના સંસ્કારો આજે પણ જ્યાં જળવાયા છે ત્યાં સંસ્કૃત ભાષાનો જ પ્રયોગ થાય છે. ( જેવા કે યજ્ઞ, યજ્ઞોપવિત, લગ્ન વગેરેની વિધિ - અર્થ ન સમજાય છતાં - સંસ્કૃત ભાષામાં જ થાય છે.) કાળક્રમે એ પ્રજા પોતાની જીવનશૈલી પ્રમાણેની પ્રાકૃત ભાષાનો ઉપયોગ કરવા લાગી. પ્રજાના સંસ્કારો બદલાતા સંસ્કૃત ભાષા માત્ર સાહિત્ય અને ધાર્મિક ગ્રંથોમાં જ સચવાઈ રહી. એ સંસ્કૃત ભાષાનો આજે આપણે અભ્યાસ કરીએ છીએ, એના માટે ગૌરવ અનુભવીએ છીએ, એનું મહત્ત્વ સમજીએ છીએ પરંતુ બોલચાલની ભાષા તરીકે આપણે સંસ્કૃત ભાષાનો ઉપયોગ કરતાં નથી કારણ કે સંસ્કૃતિ બદલાતાં ભાષા આપોઆપ બદલાઈ જાય છે. આપણે જોઈએ છીએ કે જેટલાં સંસ્કારો - ભલે બાહ્ય દેખાવ પૂરતાં પણ - રહ્યા તેની સાથે આપણે એ જ ભાષાનો ઉપયોગ કરીએ છીએ. મોટાભાગની શાળા - મહાશાળાઓમાં પણ પ્રાર્થના તો સંસ્કૃત ભાષામાં જ થાય છે. જ્યાં જ્યાં વૈદિક કાળના સંસ્કારો જળવાયા છે ત્યાં ત્યાં મોટાભાગે સંસ્કૃત ભાષાનો જ ઉપયોગ થાય છે.
ગુજરાતી ભાષાનાં અસ્તિત્વ અંગે ચિંતા થાય એ સ્વાભાવિક છે કારણ કે જે આપણું છે તે હંમેશા ટકી રહે એવું આપણે ઈચ્છતા હોઈએ છીએ. પરંતુ વાસ્તવમાં એવું બનતું નથી. એટલે આપણે પરિવર્તનને સંસારના એક નિયમ તરીકે સ્વીકારીને ગુજરાતની પ્રજાની બદલાતી જીવનશૈલી પર નજર કરીશું તો ભાષાની બહુ ચિંતા કરવાની જરુર નહીં લાગે. માન્ય ગુજરાતી ભાષાનો ઉદ્ભવ અને વિકાસ જોતા ભાષાકીય પરિવર્તન થતું જ રહેતું હોય છે તે સ્પષ્ટ રીતે સમજાય છે. નરસિંહથી નર્મદના સમયગાળાની ગુજરાતી ભાષાનું સ્વરૂપ પણ એકસરખું જોવા નહીં મળે. નર્મદે પ્રયોજેલી ગુજરાતી ભાષા કરતાં ગાંધીજીએ પ્રયોજેલી ગુજરાતી ભાષામાં ઘણોબધો ફેરફાર જોવા મળશે. વર્તમાન ગુજરાતી ભાષાનું સ્વરૂપ તો તદન જુદું જણાશે.
ભાષાનું સમગ્ર બંધારણ સમૂહજીવનમાંથી ઘડાતું હોય છે. સમાજમાં એ ટકી રહે છે. કોઈ એકાદ વ્યક્તિ કે સંસ્થાથી ભાષાનો બચાવ ક્યારેય થઈ શકે નહીં. એ ભાષા સંસ્કૃત હોય કે પછી પ્રાકૃત, પાલિ, અપભ્રંશ કે ગુજરાતી. ગુજરાતી ભાષાના રક્ષણ માટે આપણે એને નરસિંહ, પ્રેમાનંદ, નર્મદ કે ગાંધીજીની ભાષા કહી તેનું ગૌરવ કરીએ છીએ અને 'નરસિંહથી નર્મદ'ની માતૃભાષા વંદનાયાત્રા યોજીએ છીએ. અનેક કાર્યક્રમો કરીએ છીએ. એ દ્વારા એક ગુજરાતી તરીકે ગુજરાતી ભાષા પ્રત્યેનો આપણો પ્રેમ પ્રગટ થાય છે પરંતુ આપણે એ યાદ રાખવું જ રહ્યું કે સંસ્કૃત તો ઋષિમુનિઓ, વ્યાસ, વાલ્મીકિ, કાલિદાસ, ભવભૂતિ વગેરેની ભાષા હતી. છતાંય બુદ્ધ અને મહાવીરે પોતાના સમયમાં લોકોમાં પ્રચલિત પ્રાકૃત, પાલિ ભાષાનો મહિમા કર્યો ! એ ભાષામાં ઉપદેશ આપ્યો. ત્યારબાદ એ પ્રાકૃત, પાલિ ભાષા બુદ્ધ, મહાવીર જેવાની હોવા છતાં એને સ્થાને સમયાંતરે લોકોએ અપભ્રંશ ભાષાનો સ્વીકાર કર્યો. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે અપભ્રંશ ભાષાનું વ્યાકરણ પણ રચ્યું. મધ્યકાલીન સમયગાળાની પ્રજાને કદાચ શાસ્રોકથિત આદર્શો, મૂલ્યો – વટ, વચન, વ્યવહાર, ખાનદાની, શૌર્ય, પ્રેમ, સ્વાર્પણ – વગેરેને વ્યક્ત કરવા માટે સંસ્કૃત કરતાં પ્રાકૃત, પાલિ, અપભ્રંશ ભાષા વધુ યોગ્ય જણાઈ હશે. મધ્યકાલીન પ્રજાજીવન આજની તુલનાએ સાંકડું અને મર્યાદિત હતું. છતાંય ભાષામાં પરિવર્તન તો આવ્યું જ. એટલું જ નહીં એ પરિવર્તન અગાઉની ભાષા કરતાં સાવ જુદું જ ભાષાસ્વરૂપ લઈને આવ્યું.
વર્તમાન સમયમા પ્રજાજીવન વધુ વ્યાપક બન્યું છે. અન્ય ભાષા બોલનારી પ્રજા સાથેનો સંપર્ક વધ્યો છે. સમૂહ - માધ્યમોએ ઘરમાં પણ પૂજાઘરનું સ્થાન લઈ લીધું છે. આથી જે - તે ભાષાનો કે શબ્દોનો પ્રયોગ ગુજરાતી ભાષકો કરવાના જ. આવું તો મુસ્લીમ શાસન દરમિયાન પણ બનેલું. મુસ્લીમ પ્રજાના રીત - રિવાજો, ખાણી - પીણી, પહેરવેશ અપનાવવાની સાથે ફારસી શબ્દપ્રયોગો પણ આપણે ગુજરાતી શબ્દભંડોળમાં જોઈએ જ છીએ.
ગુજરાતી પ્રજાની સંસ્કૃતી આમેય 'બાવા સંસ્કૃતી' જેવી છે. 'બાવો બેઠો જપે ને જે આવે એ ખપે' – એ કહેવત મુજબ ગુજરાતીઓ અન્ય પ્રજા પાસેથી બધું અપનાવી લે અને ન ગમે કે ન ફાવે તો ફેંકી પણ દે ! આપણે ત્યાં સ્રીઓ લાજ કાઢતી. આજે પણ ગામડાંઓમાં એ પ્રથા છે. કદાચ એ પ્રથા મુસ્લીમોની બુરખા-પ્રથામાંથી પણ આવી હોય. છતાંય ગુજરાતી લોકજીવનમાં એ પ્રથા કેટલી સહજ બની ગઈ હતી. તેના ઉદાહરણ આપણા અનેક લોકગીતોમાં જોવા મળે છે. એક ઉદહારણ :-
'સાંકડી શેરીમાં સસરાજી સામા મળ્યા રે,
મને લાજુ કાઢ્યાની ઘણી હોંશ રે,
લીલી લીલી ઈંઢોણી હીરની રે.'
સ્ત્રીહ્રદયનાં નાજુક ભાવોને વ્યક્ત કરતી આ લાજ પ્રથા આજે તો છૂટતી જાય છે. લાજ કાઢવાની હોંશ ધરાવનારી એ જ ગુજરાતણ ક્યારેક જીન્સ – શર્ટમાં સજ્જ થઈ ગાડી ચલાવતી હોય અને તેના સસરાજી બાજુમાં પણ બેઠા હોય ! આટલું બધું પરિવર્તન આપણે જો જીવનમાં અપનાવતાં હોઈએ તો ભાષામાં અન્ય ભાષાના શબ્દો અપનાવવામાં શું વાંધો ? શબ્દભંડોળનું આદાન-પ્રદાન તો થતું જ રહેવાનું. અન્ય પ્રજા – એ પછી મુસ્લીમો હોય કે અંગ્રેજો, ચીની, જાપાની, કોઈ પણ – ના સંપર્કથી આપણે જીવન જીવવા માટેની સુવિધાઓ કે અન્ય સંસ્કારો અપનાવીએ છીએ જ. ગુજરાતી ભાષાનું સ્થાન કોઈ અન્ય ભાષા લેશે ? ગુજરાતી ભાષાનું સ્વરૂપ તદન બદલાઈ જશે ? ગુજરાતી ભાષામાં માત્ર અન્ય ભાષાનાં શબ્દો જ ઉમેરાશે ? કે પછી અન્ય ભાષાના સંપર્કથી ગુજરાતી ભાષા વધુ વિકાસ પામી સમૃદ્ધ થશે ? એ બધા પ્રશ્નોના જવાબ તો આવનાર સમય જ આપશે. ઘરમાં બાળકની મા જો પાણીને બદલે વોટર, સફરજનને બદલે એપલ, પિતા-બાપા-બાપુ-પપ્પાને બદલે ડેડ, માતા-મા-બા-મમ્મીને બદલે મોમ બોલતી હશે તો એ બાળકની એ જ માતૃભાષા થઈ ને ? જે ભાષા એની માતા બોલે છે એ બાળકની માતૃભાષા. એટલે કે ગુજરાતની પ્રજાએ જીવન જીવવાની પદ્ધતિમાં પરિવર્તન સ્વીકાર્યું છે તેમ ભાષામાં પણ પરિવર્તન સ્વીકારવું જ રહ્યું. કવિ અખાએ તો કહ્યું જ છે કે –
'ભાષાને શું વળગે ભૂર
જે રણમાં જીતે તે શૂર.'