Download this page in

‘વનાંચલ’માં પ્રકૃતિનું આલેખન

‘વનાંચલ’(૧૯૬૭)એ ગુજરાતી આત્મકથા સાહિત્યમાં આગવી ભાત પાડતી સ્મૃતિકથા છે.જયન્ત પાઠક હાડે કવિ છે. તેમની એક રચનામાં લખે છે.-
“થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં,
પ્હાડોનાં હાડ મારા પિંડમાં ને
નાડીમાં નાનેરી નદીઓનાં નીર;
છાતીમાં બુલબુલનો માળો ને
આંગળીમાં આદિવાસીનું તીણું તીર;
રોમ મારાં ફરકે છે ઘાસમાં ,
થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં.”

કવિતામાં પ્રકૃતિની આવી ઉત્તમ આરાધના કરનાર જયન્ત પાઠક ‘વનાંચલ’ જેવી ગદ્યકૃતિમાં પણ પ્રકૃતિ સાથેનો તેમનો નાતો અકબંધ રહ્યો છે. ગોઠ ગામ લેખકે બાળવયે જ છોડ્યું હોવા છતાં પોતાના વતન ગામ ગોઠની પ્રકૃતિ,તરુઓ,નદી,જંગલ,ડુંગરા અને ભલાભોળા આદિવાસીઓને સર્જક ક્યારેય છોડી શક્યા નથી.

‘વનાંચલ’(૧૯૬૭)માં શિશુવયના આનંદપર્વના વિષાદમધુર સંસ્મરણો રૂપે માણવા મળે છે.પૂર્વ પંચમહાલની નિબિડ પ્રકૃતિ, ત્યાંનું જનજીવન, વન્યપ્રકૃતિ પર થઇ રહેલું નગર સંસ્કૃતિનું આક્રમણ, શિશુવયના સાથીઓ –એ સૌં સાથેના બાળક બચુના નિર્મળ હૃદયસંધાનની આ ભાવાર્દ્ર કથા છે. કથાના બીજા પરિચ્છેદમાં પોતાના વતનગામની નજીકમાં જ પસાર થતી કરડ નદી અને આસપાસનો પ્રાકૃતિક પરિવેશ આલેખતા લેખક લખે છે-
“પાસે જ નાનકડા ગોઠ ગામને ઘસાઈને વહી જાય છે એક નાની નદી કરડ, બારેમાસ પાણીથી ભરપુર. એ નદીને સામે કાંઠે ઉત્તર દિશામાં એક ડુંગરો નામે મોરડીયો, ઘાટીલો ને ગૌર – મુગ્ધાના સ્તન જેવો . એની ઉપર અસ્ફુટ ભાવોના આછા રોમાંચ જેવા સાગના સોટા, આ રાજ્યનું સોનું, વનનું મહામૂલું ધન. ને એમ તો મોરડીયાની માટી પણ સોના જેવી; એને માથે ચડીને ગામલોકો માટી ખોદી લાવે ને એનાથી ઘરની કાળી ભીંતોને સોનાની ચળકતી ભીંતો બનાવે ......એ પહાડની પડખે ઊભો છે બીજો જરા વધારે ઊંચો ડુંગર કાનપુરિયો . પાડાની પીઠ જેવા કાળમેશ પથ્થરોનો બનેલો. ઉપર ઝાઝાં ઝાડ નથી . તળેટીમાં વસતાં કાનપુર ગામના લોકો ત્યાં ઢોર ચારવા ને લાકડાં વીણવા જાય.” (‘વનાંચલ’ પૃ -૧૪ )

“....છેક ઈશાનમાં એક કાળો –ભૂરો પહાડ છે. ઝાઝી વનરાજીથી હાડ ઢાંકતો એ ધેજગઢીયો ડુંગર......એ પહાડની પેલી બાજુ ગાઢ જંગલો ને અસંખ્ય નાની –મોટી ટેકરીઓને વીંધીને નજર આગળ જઈ શકતી નથી.” (પૃ-૧૪ )

આમ પ્રારંભમાં જ લેખક પ્રકૃતિના વિવિધ તત્વોનું આલેખન કરે છે. કરડ નદી, ડુંગરો, ગ્રામ્યજીવનમાં તેમનું મહત્વ, જંગલની ગીચતા અને પર્વતોનો થતો રંગનિર્દેશ વગેરે કાવ્યાત્મક બાનીમાં યોગ્ય ઉપમાઓ દ્વારા પ્રકૃતિનું આલેખન કરે છે.

લેખકના ઘરની પાછળ મોટો વાડો હતો. આ વાડા અને વગડા વચ્ચેનું અંતર ખૂબ ઓછું હતું.આમ વાડાથી વગડાનું સખ્ય લેખકને કાયમનું રહેતું હતું.લેખક લખે છે.-
“પૂર્વમાં ને દક્ષિણમાં આછો વગડો છે; ત્યાં શિયાળ ને સસલાં, રાની બિલાડા ને ફાલુડી ફરે છે.રાતે શિયાળની લાળી ને ફાલુડીના રુદનથી ઘરમાં સૂતેલાં બાળકો જાગી જાય છે અને મોંઢેમાથે ઓઢી લે છે.” (પૃ.૧૪)

ઉપરોક્ત વર્ણનમાં વગડામાં રહેતા પ્રાણીઓ અને રાત્રી વેળાએ થતા તેમના અવાજો બાળમાનસમાં કેવો ભય ફેલાવતાં તેનો નિર્દેશ પણ મળી રહે છે.

‘વનાંચલ’નાં પ્રકૃતિવર્ણનોમાં આગવો વૃક્ષમહિમા પણ દ્રષ્ટિગોચર થાય છે. દલસુખરામ અને ગણપતરામના આંગણાનું કાશીબોરનું વૃક્ષ હોય કે પછી વાડાની આંબલીનું વૃક્ષ હોય, ધરાના કાંઠાનાં કણઝીનાં વૃક્ષ હોય કે પછી લટિયા તલાવડીની આજુબાજુ ઝૂકેલાં અનેક વૃક્ષ હોય –સર્વત્ર લેખકનો તરુરાગ એક યા બીજી રીતે પ્રગટ થતો રહે છે.

“એના વાડામાં પીળી કરેણનું એક ઝાડ. એનાં ફૂલ અને લીંબુ જેવડાં લીલાં ફળ અમારી રમતનાં સાધનો. ફૂલથી અમે ધૂળનાં ઢબુમાતાને શણગારીએ ને ફળો અમારાં કોડિયાંનાં ત્રાજવાનાં કાટલા બને.”
“.......એમના આંગણામાં કાશીબોરનું ઝાડ. મીઠાં લાંબા બોર અમારે બારણેથી દેખાય ને મોંમાં પાણી આવે; ક્યારેક ચંચી ફોઈ થાળી ભરીને મોકલાવે. ઝાડ ઉપર એક ઘંટડી બાંધેલી. રાતે વનવાગળા બોર ખાવા આવે એટલે એમની હલચલથી ઘંટડી વાગે. સામે ઘેર પથારીમાં પડ્યાં પડ્યાં એનો અવાજ ને વાગોળની પાંખોનો ફફડાટ સંભળાય.....”(પૃ.૧૫ )
“.......આંબલી ના પાલાની ને મોરની રસોઈ બનાવી અહીં અનેક વાર જમ્યા છીએ ...”
“......ધરાને કાંઠે કણઝીનાં બે ઝાડ, બરાબર પાણી ઉપર એની ડાળીઓ ઝૂકેલી. ઉપર ચડીને પાણીમાં ભૂસકા મારવાના; જાણે પાતાળમાં ઊતરીએ છીએ ને પાછા ઉપર નહિ અવાય એવું લાગે;
“....હોળીના દિવસો નજીક આવે એટલે ગેડીદડાની રમત માટે તૈયારીઓ ચાલે. દાદા સાથે જંગલમાં જઈએ. ’ધોહેડી’ નામથી ઓળખાતી વનસ્પતિના જાડા વેલા ખાસ કરીને ઊંડી નેળની ધસ ઉપર ઊગેલા જોવા મળે....” (પૃ.૪૧)
“.......પણ અમને આ ઝાડનું એક ખાસ આકર્ષણ હતું. એની સફેદ છાલ ઉપર સાગની સળીથી કે બાવળના કાંટાથી અમે નામ લખીએ. થોડા દિવસ એ અક્ષરો ઉપર પડ બાજે ને પછી એ ઉખાડતા નામ સ્પષ્ટ ઊઘડે. મહાદેવ જતાં રસ્તામાં આવતું એ નામાંકિત વૃક્ષ આજેય સ્મરણમાં અકબંધ ઊભું છે.” (પૃ.૨૯ )
“......વાડામાં આંબલીનું એક મોટું ઝાડ છે. એની ઝૂકેલી ડાળીએ દોરડાં બાંધી, વચ્ચે એક દંડો રાખી હીંચકો બનાવ્યો છે....” (પૃ.૪૨ )
“......ઉનાળામાં પડિયાં –પતરાળા કરવા માટે ખાખરાનાં પાન લાવવાનાં હોય ત્યારે અમે જ ખાખરે ચડીએ. દાતણ લાવવાનાં હોય ત્યારે પસાયાતામાં આવેલા બાવળિયે, હાથમાં ટૂંકા હાથાનું ધારિયું લઈને મારે જ ચડવાનું.” (પૃ.૪૩ )
“......કરડ નદીના રેતાળ પટમાં વચ્ચે-વચ્ચે માટીના બેટ હોય. એમાં દરુગડાનો છોડ ઊગે. પાતળી ચારેક ફૂટ ઊંચી લીલા રંગની સોટી, માથે પાતળી પત્તીઓનું છોગું, દરુંગડાનાં છોડને મૂળ સાથે ઉખાડીએ તો સફેદ મૂળમાંથી સુખડ જેવી સુગંધ આવે; અમને બહુ ગમે.” (પૃ.૪૩ )

આમ,ઉપરોક્ત અવતરણોમાં લેખકનો તરુરાગ પ્રગટ થાય છે.લેખકની બાળપણની રમતો સાથે આ વૃક્ષોનું આગવું સાયુજ્ય જોવા મળે છે.તો સાથે સાથે કથામાં ઋતુવર્ણનો પણ સુંદર રીતે થયેલા છે.
“......ઝરમર વરસાદ વરસતો હોય ને લોકો વગડો ગજાવતા, પાણીમાં છબછબિયાં કરતાં જતાં હોય. છેક અમારે ઘેર રહ્યે રહ્યે મેળાનો કોલાહલ સંભળાય.” (પૃ.૩૨ )
“વરસાદના એ દિવસો યાદ આવે છે. પસાયતામાં નજર કરીએ તો લીલાં લીલાં તૃણની પત્તીઓ હવામાં થરકી રહી છે. કૂવાડિયાનાં પાન ઉપર ઝીલાયેલાં વરસાદનાં ટીપાંનાં મોતી આંગળીઓ વડે નીચે ખેરવી નાંખવાની કેવી મજા આવે છે!” (પૃ.૪૪ )
“ઉનાળામાં કોઈ વાર બપોરે ગામડેથી ઘેર આવવાનું થાય કે બપોર પછી ઘેરથી નીકળવાનું થાય ત્યારે અમારી ઉઘાડપગાની માઠી દશા થાય...” (પૃ.૪૮)
“ઉનાળો આવતાં પહેલાં તો દાણા ખૂટી ગયા હોય. લોકો ઝાડનો પાલો ને કંદમૂળ ઉપર ગુજારો કરે છે.જંગલમાંથી સસલાં ,તેતરનો શિકાર કરી લાવે છે. નીચા ઝાડ ઉપર કે જાળમાં પક્ષીઓનાં ટોળા રાત ગાળે.” (પૃ.૫૬)
“ઉનાળાનો બપોર ધખતો હોય, વગડો રવ -રવ થતો હોય, ધૂળ ઉડતી હોય, મંડળીના માણસો પરસેવે રેબ ઝેબ થઇ ગયા હોય- આખું દ્રશ્ય અતિશય અવસાદ પ્રેરે એવું.” (પૃ.૬૨)

અહીં લેખકે વરસાદી દિવસોનું નાજૂક સંવેદન,તેનું આગમન થતાં સૃષ્ટિ પર છવાતી હરિયાળી અને ઉનાળાના આકરા તાપની લોકો પર થતી અસર સુંદર રીતે આલેખી છે.
ગોઠ ગામની પૂર્વ દિશામાં આવેલ જંગલનું વિગતે વર્ણન કરે છે.
“ગોઠ ગામની પૂર્વ દિશામાં, પસાયતું મૂકીએ એટલે તરત જંગલ આવે; સાગ, ખાખરા ,બાવળ,આમલી ,અનૂરીઓ,કોઠી ,આંકોલ ને કડાનાં નાનાંમોટાં ઝાડ. એમાં એક-બે કઢાઈનાં તોતિંગ સફેદ રંગના વૃક્ષો , કાળી પરજની વચ્ચે આર્યજનની જેમ ઊભેલાં....” (પૃ.૨૯ )

આમ ઉપરોક્ત વર્ણનમાં લેખકે ગામ અને જંગલ વચ્ચેનાં અંતરને પોતાની આગવી શૈલીમાં દર્શાવે છે.સાથે સાથે જંગલમાં આવેલાં વૃક્ષોને પણ દર્શાવે છે.

અંતે સાડા ત્રણ દાયકા પછી ફરી વતનમાં ગયેલા લેખક પ્રકૃતિ પર આધુનિક સભ્યતાની –સંસ્કૃતિની સરસાઈ જુએછે. અને પોતાના જ વતનમાં અજાણ્યા અનુભવે છે. આવા વર્ણનોમાં લેખકની વિષાદમય ભાવદશા પ્રગટ થાયછે.
“આજે તો આ જંગલ આછું આછું થઇ ગયું છે. ભયને વસવા માટે અનુકૂળ જગા જ નથી. ગણ્યાંગાંઠ્યા ઝાડવાં ઊભાં છે; ખેતરો ને વસ્તીના વધતા જતા આક્રમણથી વગડો છિન્નભિન્ન થઇ ગયો છે......” (પૃ.૭૩)
“......ક્યાં માણસને આશ્રય આપતો પેલો વનાંચલ ને ક્યાં આ માણસને આશ્રયે, એની દયા ઉપર જીવતાં ઝાડવાં ! હવે તો જાણે પ્રકૃતિને સંસ્કૃતિની મહેરબાની ઉપર જ જીવવાનું!” (પૃ.૭૩)
“....પણ ચોમાસામાં ગાંડી થતી નદીનું પેલું સૌંદર્ય? ઝાડ ઉપરથી ધરામાં ભૂસકા મારવાનો એ આનંદ ? એ તો ગયાં તે ગયાં જ. ઉપયોગિતાના આદરમાન થાય ત્યાં સૌંદર્યની અવગણના ઓછી વતીયે થવાની જ.” (પૃ.૭૩)

આમ ‘વનાંચલ’ સ્મૃતિકથામાં નિસર્ગશ્રીની વિવિધ લીલાઓનું સુંદર રીતે નિરૂપણ થયું છે.કૃતિનું શીર્ષક જ લેખકના વતન પ્રદેશનાં વનવૈભવને ચીંધી બતાવે છે. આ પ્રકૃતિનું આકંઠ પાન બાળક બચુએ કર્યું હતું. વાગોળની જેમ ઊંધા લટકાઈને વરસાદને માણ્યો હતો.ઉનાળાનાં આકરાં તાપ સહન કર્યા હતાં.આમ વિવિધ ઋતુઓની રમણાઓને અનુભવી હતી. ‘હાથિયા ધરા’માં ભૂસકા મારવાનો આનંદ માણ્યો હતો.આંબલીનાં ઝાડ પર પકડદાવની રમતો રમી હતી. એ સમયમાં આરોગ્યની કૂંચી પણ ઔષધીમાં જ હતી. આ બધું ‘વનાંચલ’માં અભરે ભરાયું છે. પ્રકૃતિના આલેખનમાં આવતાં વિવિધ અલંકારો, ટૂંકા-ટૂંકા વાકયોવાળી ગદ્યશૈલી, તેમાં રહેલ ચિત્રાત્મકતાનો ગુણ એ બધામાં કવિ જયન્ત પાઠક ડોકાયા વિના રહેતા નથી.

સંદર્ભસૂચિ:-

  1. ’વનાંચલ’-લે.જયન્ત પાઠક (પ્ર.આ.૧૯૬૭) અભ્યાસલેખ સાથે પ્રગટ થતી આવૃત્તિ:૨૦૦૬,૨૦૧૧ પુનર્મુદ્રણ : ૨૦૧૬, શબ્દલોક-પ્રકાશન

ડૉ.અશ્વિનકુમાર વી. બારડ, મદદનીશ પ્રાધ્યાપક, ગુજરાતી વિભાગ, સરકારી વિનયન અને વાણિજય કોલેજ-તાલાલા, મો.૯૯૨૪૬૫૮૮૪૬, ઈ-મેઈલ- ashvinbarad98@gmail.com