ભાષાનું શિક્ષણ અને શિક્ષણની ભાષા
પ્રસ્તાવનાઃ
વિશાળ વિશ્વમાં સૌ પ્રાણીને પ્રભુએ વાણી આપેલ છે જેના થકી તેઓ પોતાની લાગણીઓ રજૂ કરે છે, પરંતુ માણસ જ એક એવી વ્યક્તિ છે જેને ભાષાનું વરદાન પ્રાપ્ત થયેલ છે. અન્ય પ્રાણીઓની વાણીને શબ્દો નથી, જેથી તેની અભિવ્યક્તિ સૌ માટે સરળ રહેતી નથી. કૂતરાં, બિલાડાં, વગેરે પ્રાણીઓના રુદનનો અર્થ જે તે પ્રાણીઓ જ જાણી શકે છે. અન્ય માટે તે અઘરું અથવા અશક્ય બને છે, પરંતુ માનવીને પ્રાપ્ત ભાષા અને તેના શબ્દો દ્વારા થતી અભિવ્યક્તિ અન્ય માનવીને સમજવામાં ઉપયોગી અને સુગમતાભર્યુ રહે છે. તે માટે માનવીએ ભાષા શીખવી પડે છે.
ભાષા-એક વિજ્ઞાન તરીકેઃ
વિજ્ઞાન એટલે વિશિષ્ટ જ્ઞાન કે જેના કેટલાંક ચોક્કસ સિદ્ધાંતો હોય. ભાષા પણ એક વિજ્ઞાન છે કારણ કે ભાષાના પણ આગવા, ચોક્કસ સિદ્ધાંતો રહેલા છે. ભાષાના વ્યાકરણ, બંધારણ, પુરુષ, કર્તા, કર્મ, વિભક્તિ, વગેરેના સિદ્ધાંતો તથા નિયમો રહેલા છે. દરેક ભાષાના આ નિયમો કંઇ કેટલાંક અંશે સરખા કે જુદા હોઇ શકે છે, પરંતુ નિયમો ચોક્કસપણે હોય છે. ભાષાને શીખવા તથા શીખવાડવાના નિયમો હોવાથી ભાષા-એક વિજ્ઞાન તરીકે પ્રતિપાદિત થાય છે.
ભાષાનું શિક્ષણઃ
ભાષાએ “શું શીખવવું?” તે પ્રશ્નનો ઉત્તર છે અને તે “શું શીખવવું?” તેનું માળખું તથા વિષયવસ્તુ પાઠ્યક્રમના સ્વરૂપમાં ભાષાશાસ્ત્રના વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે. આ વિદ્યાર્થીઓ ભાષાશાસ્ત્રનું અધ્યયન ઊંડાણપૂર્વક કરતાં હોય છે.
ભાષાશાસ્ત્ર “કેવી રીતે શીખવવું?” તે પ્રશ્નનો ઉત્તર આપી શકતું નથી. તે માટે શિક્ષણશાસ્ત્ર પાસે જવું પડે છે અને શિક્ષણશાસ્ત્ર તે પ્રશ્નના ઉત્તર માટેની વિવિધ પદ્ધતિઓ, પ્રયુક્તિઓ તથા સાધનોનો નિર્દેશ કરે છે. ભાષાનું શિક્ષણ એ અઘરું કાર્ય છે કારણ કે વિદ્યાર્થીઓમાં તે અભિપ્રાય અને માનસિકતા પ્રવર્તે છે કે કાં તો માતૃભાષા કે રાષ્ટ્રભાષા આવડે જ છે તેવી અવહેલનાની લાગણી અને અન્ય ભાષા અઘરી જ છે તેવી ડરની લાગણી. આવા કારણોને લીધે ભાષાના શિક્ષણને રસપ્રદ બનાવવા શિક્ષકોએ સવિશેષ પ્રયાસ કરવો પડે છે. માતૃભાષા પ્રત્યેનો ઉપેક્ષિત ભાવ જ તેના અધ્યયનમાં ઓછા રસનું કારણ બને છે. વિદ્યાર્થીઓ પોતાની માતૃભાષામાં પોતાના વિચારો રજૂ કરતી વખતે કરેલી ભૂલો પ્રત્યે સહેજ પણ દોષ-ભાવ કે ગ્લાનિ-ભાવ અનુભવતા નથી, જ્યારે અંગ્રેજી વગેરે વિદેશી ભાષામાં ભૂલ કરતા શરમથી માથુ ઝુકી જાય છે. સ્વતંત્રતાનાં આટલા વર્ષો બાદ ભાષાની ગુલામીમાંથી હજુ પણ આપણે આઝાદ થઇ શક્યા નથી. મેકોલેની કૂટનીતિ અત્યારે પણ સફળ થતી જણાય છે અને તેના શબ્દો “કાળા રંગનો ભારતીય તૈયાર થશે જેના લોહીમાં ગોરાપણું/ અંગેજીયત રહેશે.”- તે ચરિતાર્થ થતા જણાય છે.
વિવિધ બૉર્ડના અભ્યાસક્રમમાં પણ ભાષાની ઊંડાણપૂર્વકની રજૂઆત અને સમજણનો અભાવ જણાય છે. આ માટે સવિશેષ અન્ય પ્રયત્નો જરૂરી જણાય છે. ધોરણ-૧૦ કે ધોરણ-૧૨ સુધીનું શાળાકીય ઔપચારિક શિક્ષણ લેનાર કોઇ વિદ્યાર્થીને અભ્યાસક્રમમાં જોડણી, અનુસ્વાર કે હ્રસ્વ-દીર્ઘના કોઇ નિયમનું વિગતવાર અધ્યયન કરાવવામાં આવતું નથી, જે ઘણા ખેદની વાત છે. આ માટે સમાજે જાગૃત બની યોગ્ય પગલાં લેવા જોઇએ. આમ, ભાષાના શિક્ષણ પૂર્વે સાચી ભાષા શીખવવાની ચિંતા કરવી જોઇએ.
સમાજમાં આવા ઘણા અનુભવો થાય છે કે વિદ્યાર્થીને ગુજરાતી શબ્દ સમજાવવા માટે તેનો અંગ્રેજી પર્યાયવાચી (સમાનાર્થી) શબ્દ કહેવો પડે છે. ખરેખર થવું ઉંધુ જોઇએ કે અંગ્રેજીને સમજવા માટે ગુજરાતી સહાયક થવી જોઇએ, પરંતુ વિપરિત પરિસ્થિતિ જોવા મળી રહી છે. ધોરણ-૯માં આવેલા વિદ્યાર્થી પોતાની માતૃભાષાનાં વાંચન કરવા અસક્ષમ છે. આ માટે કોણ જવાબદાર છે? વિદ્યાર્થી, શિક્ષક કે સમાજ. કોઇપણ સિદ્ધિ માટે જેમ સમૂહ જવાબદાર હોય છે તેમ જ કોઇપણ નિષ્ફળતા માટેની જવાબદારીપણ સામૂહિક જ હોય છે. એટલે આવી નિષ્ફળતાનું કારણ પણ આપણે છીએ અને આપણે જ તેનું સમાધાન કરી શકીએ.
વિદ્યાર્થીને અભ્યાસકાળથી અંગ્રેજી શબ્દકોશની જેમ ગુજરાતી શબ્દકોશ જોવાની તથા તેનો અભ્યાસ કરવાની ટેવ પાડવા માટે પ્રયત્ન કરવો જોઇએ. ગુજરાતી ભાષામાં શિક્ષણ માટે પાયાથી કામ કરવું પડશે. પાંદડે-પાંદડે પાણી છાંટવાથી છોડ પલ્લવિત થતો નથી, પરંતુ તેના મૂળ સિંચવાથી તેનો વિકાસ થાય છે. આમ, ગુજરાતી ભાષાના છોડને વિકસાવવા મૂળથી કામ કરવું અતિ આવશ્યક છે. ગુજરાતી શબ્દકોશમાં રાજા ભગવતસિંહજીના નામથી “ભગવદ્-ગોમંડળ” ભાગ-૧ થી ૯ એ ઘણું મોટું અને મહત્ત્વનું કાર્ય થયેલ છે. આ ગ્રંથ ખૂબ દળદાર હોવાથી કદાચ દરેક લોકો તેને ઘરમાં વસાવી ન શકે, પરંતુ દરેક શાળામાં તથા કૉલેજનું પુસ્તકાલય આ ગ્રંથથી શોભાયમાન કરવું જોઇએ. ગુજરાતી વિષયના શિક્ષક અને પ્રાધ્યાપક દ્વારા તે જોવા માટેની ટેવનો વિકાસ કરવા અભ્યાસ આપવો જોઇએ તથા જે વિદ્યાર્થી આર્થિક રીતે સક્ષમ છે તેણે તો આ ગ્રંથ વસાવવો પણ જોઇએ.
આર્થિક રીતે નબળા અભ્યાસુઓ વસાવી શકે તેવો ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા પ્રકાશિત “સાર્થ જોડણીકોશ” ખૂબ સુંદર પુસ્તક છે. આના થકી વિદ્યાર્થીઓ જોડણીના નિયમો તથા પદ્ધતિ પણ સમજી શકશે. ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા નાનો ખિસ્સાકોશ પણ પ્રકાશિત કરવામાં આવેલ છે જે ગમે તે સમયે સંદર્ભ માટે હાથવગો થઇ શકે છે.
ભાષાના શિક્ષણ માટે આપણે સૌએ પ્રયત્ન કરવો જ પડશે. આ કાર્ય અઘરું છે, અશક્ય નથી. આપણી આસપાસના લોકોમાં માતૃભાષા પ્રત્યેની સજ્જતા, સજાગતા અને પ્રેમની લાગણીનો જન્મ થશે તો કાર્ય સરળતાથી અને ઝડપથી થઇ શકશે. આ કાર્યને અભિયાનની જેમ હાથ પર લેવું પડે તો જ ઇચ્છિત પરિણામ મેળવી શકાય અથવા તે પરિણામની નજીક જઇ શકાય.
શિક્ષણની ભાષા
શિક્ષણની ભાષા કઇ હોવી જોઇએ? આ પ્રશ્નનો ઉત્તર નિઃશંકપણે માતૃભાષા છે. વિદ્યાર્થીને શિક્ષણ તેની માતૃભાષામાં જ આપવું જોઇએ. જો વિદ્યાર્થીનું પ્રારંભિક શિક્ષણ તેની માતૃભાષામાં હશે તો તેની પાયાની સંકલ્પનાઓ વધુ સ્પષ્ટ થશે, જ્યારે વર્તમાન પરિસ્થિતિમાં અંગ્રેજી માધ્યમને લીધે બાળકને કોઇ પણ વિષયને સમજતા પહેલા અંગ્રેજી ભાષા સમજવી પડે છે. અંગ્રેજી ભાષા માટેની માનસિક ગુલામી આપણા સૌના માનસપટ ઉપર એવી તો છવાઇ ગઇ છે કે આપણને આપણી ભાષા પ્રત્યે ન માન છે, ન ગૌરવ અને ન સ્વાભિમાનની લાગણી. શ્રી ચંદ્રકાન્ત બક્ષીના શબ્દોમાં આ ભાવનાના પ્રત્યાઘાત મળે છે- “જગતમાં કોઇ અક્કલવાળી પ્રજા પોતાના બાળકન પહેલા અક્ષરો માતૃભાષા સિવાયના શીખવતી નથી. જગતમાં દરેક સંસ્કારી પ્રજા પાંચ-છ વર્ષ સુધી બાળકને માતૃભાષા જ શીખવે છે. કાયદો છે, સંસ્કાર છે, પરંપરા છે. આ એક જ એવો મૂર્ખ દેશ છે જ્યાં બાળક એ.બી.સી.ડી. મૂતરતાં મૂતરતાં કડકડાટ બોલી જતું હોય છે! ગુજરાતી કે માતૃભાષા શીખવ્યા વિના જ અંગ્રેજીની શરૂઆત કરી દેવી એ દેવાળિયાપણું છે.”
દુનિયાની કહેવાતી પ્રગતિની દોડમાં આપણું બાળક પાછળ ન પડી જાય એવા આશયથી લાખો બાળકોને પહેલા ધોરણથી અંગ્રેજી શીખવવાનો પ્રયત્ન થઇ રહ્યો છે. આ એક અક્ષમ્ય ભૂલ હશે. માતૃભાષાના શિક્ષણથી વિદ્યાર્થીમાં જે સમજ અને વૈચારિક સ્પષ્ટતા કેળવાય છે તે અન્ય કોઇ ભાષાથી થઇ શકતું નથી. આ માટેની અનેક દલીલો તેમજ તર્ક પ્રસ્તુત કરી શકાય તેમ છે અંગ્રેજી ભાષા પાછળની ઘેલછાએ વ્યક્તિને અન્ધ બનાવી દીધો છે. અંગ્રેજી ભાષા વૈશ્વિક ભાષા નથી વિશ્વના ૨૦૦ જેટલા દેશમાંથી માત્ર ૧૨ દેશો જ અંગ્રેજીમાં વ્યવહાર કરે છે. આર્થિક-તુલાના સંદર્ભમાં જે રાષ્ટ્ર વિકસિત છે તેમાના લગભગ બધા જ રાષ્ટ્રો પોતાની માતૃભાષામાં સૌ કામ કરે છે અને તેમને પોતાની ભાષા પ્રત્યે ગૌરવ હોય છે. ફ્રાન્સમાં ફ્રેન્ચ, જર્મનીમાં જર્મની, રશિયામાં રશિયન, ચીનમાં ચીની, ઇઝરાયેલમાં હિબ્રુ અને જાપાનમાં જાપાનીઝ ભાષામાં જ જીવનવ્યવહાર ચાલે છે. એ બધા દેશોએ પણ ખૂબ પ્રગતિ સાધી છે. અંગ્રેજીના અભાવે એ દેશો કંઈ પછાત તો નથી રહ્યા. ઊલટું, એ બધા દેશો અત્યંત સ્વાભિમાનથી જીવે છે. સ્વાભિમાન જગાડવાની પૂર્વશરત છે સ્વભાષા. પારકી ભાષા સ્વત્વ જગાડી શકે નહીં. માટે નાનપણથી બાળકને પારકી ભાષા સાથે ન જોડાય.
ઉપસંહાર
ભાષાના શિક્ષણ અને શિક્ષણની ભાષા માટે આપણે સૌએ વિચાર-વિમર્શ કરવાની જરૂર છે. ભાષાને ગૌણ ન ગણતા, તેના થકી સ્વવિકાસ અને અંતે રાષ્ટ્રવિકાસ શક્ય છે. આઝાદીના ૭૧ વર્ષ વીતી ગયા બાદ પણ આપણે હજુ અંગ્રેજો નહીં તો અંગ્રેજિયતની ગુલામીમાંથી બહાર આવી શક્યા નથી. આપણે સૌએ રાષ્ટ્રના રક્ષક અને સંસ્કૃતિના સંવાહક બની દેશના વિકાસ માટે માતૃભાષાને પ્રોત્સાહન આપવું જોઇએ.
સંદર્ભ:
- શાહ, હર્ષદ (૨૦૧૪), ‘મા’ની બોલી સૌથી વહાલી, નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ.
- રાવલ, નટુભાઇ અને અન્ય, ગુજરાતીનું અભિનવ અધ્યાપન, નીરવ પ્રકાશન, અમદાવાદ.
- સોની, ડિમ્પલબેન અને અન્ય(૨૦૧૬), ગુજરાતી, અક્ષર પ્રકાશન, ગાંધીનગર.