Editorial - સંપાદકીય
જોતજોતાંમાં સાહિત્યસેતુનો ચોથો અંક આપ વાંચી રહ્યાં છો. કવિતા, વાર્તા, વિવેચન, અને આત્મચરિત્રાત્મક લેખો દ્વારા આપ સાથે નાતો રચાયો છે. અત્યારે ગુજરાતમાં સાહિત્યક્ષેત્રે બહુ ઉત્સાહપૂર્ણ વાતાવરણ નથી. સારી નવલકથા પ્રગટ થયાને વર્ષો થયા. વાર્તાઓ પણ છેલ્લા દાયકામાં કુણ્ઠિત થતી અનુભવાઈ છે. કવિતાઓમાં અછાંદસ અને કંઈક અંશે ગઝલ મુખ્યત્વે મોટા પાયે ઉત્પાદિત થાય છે. એમાંથી વાળીચોળીને કરવામાં આવતા સંપાદનો પર નજર નાંખીએ ત્યારે સંપાદકો દ્વારા પણ બહુ આશાસ્પદ ઉદગાર નીકળતા નથી. અનુઆધુનિક- સંજ્ઞાને મારી મચડીને છેલ્લા ત્રણ દાયકાના સાહિત્ય પર લાદવાના પ્રયાસો થઈ રહ્યાં છે. પણ એમાંય હજી સર્વમાન્ય કશુંય ચિત્ર નીપજતું નથી. માર્જિલન વિષયો અત્યારે કેન્દ્રમાં આવ્યા હોવા સીવાય ખાસ કશી વિશેષ અને વિશિષ્ટ ગણી શકીએ એવી લાક્ષણિકતા ઉભરી આવી નથી. સીવાય કે આધુનિક ગાળાથી જ શરુ થયેલી વાચકોની ઉદાસીનતા વધતી ચાલી છે.
લેખકો અને કલાજગત સાથે સંકળાયેલા સૌ માટે ચિન્તાપ્રેરક વાતાવરણ છે. કવિસંમેલનો, સેમિનાર, વાર્તાવાચન, વ્યાખ્યાનો આદિની સંખ્યા પ્રમાણમાં વધી છે. કેમકે, સગવડો વધી છે, વિવિધ સંસ્થાઓની ગ્રાન્ટ અને હળવું-મળવું સહેલું થયું હોવા ઉપરાન્ત એક આબોહવા રચવાની મન્છા પણ આ બધું કરાવે છે. તેમ છતાં એમાં લેખકો, અધ્યાપકો, એવા જ લેખક બનતા રહી ગયેલા શ્રોતાઓ, કંઈક ગણીએ તો વિદ્યાર્થીઓ અને નિવૃત્ત થઈને પ્રવૃત્તિ શોધતાં વયસ્કોને બાદ કરતાં આ બધાં સમારંભોમાં ખરેખર સમાજને કેટલી નિસ્બત છે તે શોધવાનો વિષય છે. ખરેખર કોઈએ સાચી રીતે સર્વે કરવા જેવો છે.
આવી જ હાલત યુનિવર્સિટીઓમાં પણ થઈ છે. વ્યવસાયિક શિક્ષણને બાદ કરતાં બાકીની બધી જ શાખાઓમાં વૈશાખી વંટોળિયા ઊડે છે. સાહિત્ય, ફિલોસોફી, ઈતિહાસ, માનસશાસ્ત્ર, તર્કશાસ્ત્ર, ભૂગોળ, ગણિત જેવા વિષયોની હાલત દયાજનક બની રહી છે. જે એમાંથી રોજીરોટી કમાય છે એ સીવાયનાને એની ચિન્તા કરવા જેવી બાબત પણ જણાતી નથી. યુનિવર્સિટીઓનું વ્યપારીકરણ હવેના સમાજને કઈ દિશામાં દોરી જશે એ ભગવાન જાણે.
અતિ જનસંખ્યા, શહેરીકરણની ગતિ, ભૈતિક સગવડો પાછળની દોડ, મોંઘવારી, નીતિ-મૂલ્યોમાંથી સાવ ગુમાવી દીધેલી શ્રદ્ધા અને નિરંકુશ પ્રજા તથા એવું જ દિશાહિન, અતંત્રતાભર્યું રાજ્યતંત્ર – જાણે શતમુખ પતનનો ગાળો શરુ થયો છે. ગતિ આનંદનો અનુભવ કરાવે છે, પણ એ કઈ તરફની ગતિ છે એ પણ એટલી જ અગત્યની બાબત છે. આજે સૌ- ભારત જ નહીં, સમગ્ર વિશ્વ જાણે કશીક પતનોન્મુખ ગતિમાં મુકાઈ ગયું છે. જીવ અને જીવન માત્ર કોઈપણ વ્યવસ્થાના કેન્દ્રમાં હોવું ઘટે – એના બદલે જાતભાતના હિતો, વ્યવસ્થાઓ, વાડાઓ, વાદો અને વિચારો કેન્દ્રમાં આવતા જાય છે. એના પરિણામે અન્ય જીવોનું તો ક્યાં જોવું...? માનવ પોતે જ હાંસિયામાં ધકેલાઈ ગયો છે. જીવન જીવવું – નો અર્થ જ હવે બદલાઈ રહ્યો છે.
ખેર, મૂળ વાત પર આવીએ.
સાહિત્યસેતુમાં કેટલાક બદલાવ કરવાની યોજના છે. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીભાષા સાથે સંકળાયેલા સૌ વાચક મિત્રોને આમંત્રિત કરીએ છીએ નિયમિત લેખન અભિવ્યક્તિ માટે. આપ ઈચ્છો તો વિવિધ વિષયો પર ખાસ કરીને જીવન-કલાઓ અન સમાજ અને શિક્ષણને કેન્દ્રમાં રાખીને ચર્ચા-મંચ ઊભો કરીએ. આપના મંતવ્યો જણાવો, આપ કોઈ સરસ રચના વાંચો કે અન્યને વંચાવવા માંગતા હો તો એના વિશે એકાદ પેરેગ્રાફ જેટલો ટૂંકો આસ્વાદ અમને મોકલો, એ રચનાનું પ્રાપ્તિસ્થાન, કિંમત, પ્રકાશન વર્ષ, લેખકનો ટૂંકો પરિચય પણ એમાં મોકલવો. જેથી અમે એ માહિતીને સાહિત્યસેતુમાં પ્રગટ કરીને બહોળા વાચક વર્ગ સુધી લઈ જવાનો પ્રયાસ કરીશુ.
વિદેશોમાં વસતા મિત્રો ધીમે ધીમે સાહિત્યસેતુથી માહિતગાર થઈ રહ્યાં છે, એ માટે વાચક મિત્રો સાહિત્યસેતુની લિન્ક એક-બીજાને મોકલી રહ્યાં છે એ વાતનો આનંદ છે. સાથો સાથ લેખો, રચનાઓ, સરસ ચિત્રો, કોઈ નવીન સમાચારો, કોઈ કલાકાર-કવિ-લેખકનો પરિચય, આપના દેશમાં બનતી સાહિત્યિક ઘટનાઓ પણ આપ અમને મોકલશો. આવો, માહિતીનો વિસ્તાર કરીએ અને દરેક સારી રચનાને એના વાચક સુધી પહોંચાડીએ ને એમ આપણા આનંદની વિસ્તારીએ...
આભાર
ડૉ. નરેશ શુક્લ
મુખ્ય સંપાદક