બીજવર

લે.ધનસુખલાલ મહેતા

‘વાજાંવાળા આવ્યા કે નહિ ?’ ‘વરરાજા તૈયાર થયા કે નહિ ?’ ‘અરે છગનભાઇ ! મગનભાઇને તમે દીઠાં છે ?’ ‘ અણીને જ વખતે મણીબહેન બહાર ચાલ્યાં જાય છે, એમનેય પછી કહીશું તો ગુસ્સે લાગશે,’ આવાં સેંકડો વાક્યો, હજારો ઉદગારો, વિહ્વળ બનેલાં, ઉશ્કેરાયેલાં મનુષ્યોના હ્રદયમાંથી નીકળતાં જતાં હતાં. ‘વાજાંવાળાં આવ્યા’ની બૂમો થઇ રહી. વાજાંવાળા આવ્યા પણ ખરા અને કાન ફાડી નાખે એવે અવાજે વાજું શરૂ પણ થઇ ચુક્યું. આ વાજાંના અવાજને ભેદીને ઘાંટો નીકળે તો જ સંભળાય એમ હોવાથી સ્ત્રીપુરુષોના અવજ પણ મોટા થયા. કોલાહલ ઘણો વધ્યો. બેનો ખોવાઇ ગઇ, વળી જડી એટલામાં ગોર જણાયા નહિ. એ જણાયા એટલામાં મામા રીસાઅણા. અને મનાયા એટલે વરરાજા યોગ્ય વસ્ત્રાભૂષણ પહેરી, ગળામાં મોટો હાર ઘાલી ધીમે પગલે બહાર નીકળ્યા. વરઘૉડો ચાલ્યો. વરઘોડો કેવી રીતે ચાલ્યો, રસ્તામાં કેવી અડચણો પડી, ક્યે રસ્તે વરઘોડો લઇ જવો એ બાબતમાં વરરાજાના ત્રણ સગા અને બે સ્નેહીઓ વચ્ચે કેવી ઝપાઝપી થઇ અને આખરે મોડું થઇ જવાથી રસ્તામાં જ કેવી રીતે કીટ્સનો મંગાવવામાં આવ્યાં, અને છેવટે વરઘોડો કેવી રીતે કંઇ પણ વધુ હરકત વિના કન્યાના ઘર આગળ આવી પહોંચ્યો એનું વર્ણન બહુ રસમય થઇ શકે. પણ વરઘોડા કોનાથી અજાણ્યા છે ?

વરરાજાને મામા હાથ પકડીને તોરણે બાજઠ ઉપર લઇ ગયા. તેમને પોંકવાને માટે સાસુને બોલાવવા ગોરનો ઘાંટો, સ્ત્રીઓમાં હજાર જુદા જુદા સૂરથી ગવાતાં ગીત, વાજાં અને ત્રાંસાનાં ઘોંઘાટને ભેદીને સાસરીયા પક્ષને કંપાવતો વાતાવરણમાં પ્રસરી રહ્યો. સાસુને આવતાં જરા વાર લાગી.

બીજવરના હ્રદયમાં વિચાર તાંગ ઉદભવ્યા.તેની પળેપળ તેના હૈયાને વીંધવા લાગી. આસપાસનો ઘોંઘાટ, સગાં સંબંધીઓ વગેરે તેના હ્રદયચક્ષુથી અદ્ર્શ્ય થઇ ગયાં. તેને સ્થાને ગતકાલનાં સ્મરણોએ પોતાનું સામ્રાજ્ય પ્રસરાવ્યું.

“ઓહ ! હું અહીં શા માટે ? ક્યા નવા સુખને માટે ? ક્યા નવા દુ:ખને માટે ? સુખ અને દુખ માણવાને માટે અમુક સમયની મર્યાદાની જરૂર છે ? કોઇ મનુષ્ય અમૂક સુખદુ:ખ ત્રીસ વર્ષમાં માણે કોઇ મનુષય તેટલાં જ સુખદુ:ખ ત્રીસ મિનિટમાં પણ માણી શકે છે. તો હું પાછો શેની શોધમાં નીકળ્યો છું ?”

‘હું યુવાન હતો. સંસારને બદલે સ્વપ્નસૃષ્ટિમાં રાચતો, સ્ત્રી એ શબ્દમાં પવિત્રતા ને તેજના અર્ક જોતો, એવી મનોદશામાં મારા વિવાહ થયા અને એ જ મનોદશામાં મેં પ્રથમ એને જોઇ.’

“પ્રાત:કાલનો સમય, અમારાં અર્ધનિદ્રાવશ ગામમાં લોકો પૂરાં જાગ્રત પણ થએલાં નહિ. ગંદી શેરેઓ પણ પોતાના વતનની હોઇ કેવી દિવ્ય લાગતી હતી ! ટાંગો ખડખડ ભડભડ કરતો ચાલ્યો જતો હતો એટલામાં એનું ઘર આવ્યું. સહસા મારી દ્રષ્ટિ એના ઘર તરફ ગઇ : મેં એને દીઠી.”

“માત્ર એક ક્ષણ જ મેં એને દીઠી પણ એ પ્રસંગ હજી એવો ને એવો મારાં હ્રદયચ્અક્ષુ સમીપ જીવંત ઊભો છે. નહિ પૂરી બાલિકા નહિ પૂરી યુવતી. સ્વપ્નસૃષ્ટિમાં ઘડાયેલ, પવિત્ર ભાવનાઓથી જ રચાયેલ જે પ્રતિમા યુવકની આંખ આગળ અહોનિશ ‘આઇડિયલ’ તરીકે તર્યા કરતી તે પ્રતિમાનું સ્થાન આ નહિ પૂરી બાલિકા કે નહિ પૂરી યુવતીએ લીધું. હા, મેં એને તે દિવસે એ જ પ્રમાણે દીઠી. તે ક્ષણનો આનંદ ! તે દિવસે સુખ ! હા, મને તે આનંદ, તે સુખ પ્રાપ્ત થયાં હતાં.”

“થોડો સમય વહી ગયો. રાત્રિ હતી પૂર્ણિમા હતેએ. ચન્દ્રિકાનો પ્રકાશ અમારા ગૃહને અજવાળતો સારા જગતને પોતાના પ્રકાશથી સ્નાન કરાવી રહ્યો હતો. મનુષ્યજીવનના ત્રણ દિવ્ય, ગૂઢ પ્રસંગોમાંથી જન્મ, લગ્ન અને મૃત્યુમાંથી દ્વિતીય પ્રસંગ હું અનુભવી રહ્યો હતો. શું દ્રવ્યમાન કે શું દીન મનુષ્યો એ ત્રને પ્રસંગોમાંથી ઉત્પન્ન થતી ઊર્મિઓ-સુખ અને દુ:ખની અંતિમ સીમાઓ ઉઘાડતી ઉન્મત ઊર્મિઓથી અજાણ્યા નથી. સુખ ને દુ:ખ તેમના અતિતીવ્રસ્વરૂપમાં લગભગ એકજ પ્રકારની મનોદશા ઉત્પન્ન કરે છે. હું તેવા મનોદશામા ગોથા ખાતો ચન્દ્રપ્રકાશ નીરખી રહ્યો હતો તેવામાં સહસા મારા ગળામાં પુશ્પનો હાર પડ્યો. હું ચમક્યો. પાછળ ફરીને જોઉં છું લગ્ન પછીનું આ પ્રથમ દર્શન ! ”

“ઘણાં વર્ષો થઈ ગયાં. આજ પણ હું એ દ્રશ્ય જોઈ શકું છું. સુન્દર વસ્ત્રો, સુંદરતર આભૂષણો અને સૌથી સુંદર, સર્વોત્તમ, તે વસ્ત્રો અને તે આભૂષણોને ચીરી નીકળતી તેની આકૃતિ ! એઆકૃતિના અણુએ અણુમાંથી ઝરતા પ્રેમનાં પાન મેં કર્યાં છે. હવે કેવાં પાનની ઇચ્છા છે ? હૈયાની તરસ હજી છીપી નથી ? ”

“વળી થોડો સમય ગયો. ચોમાસાની સાંજ હતી. વરસાદ નહોતો આવતો જાણી અમે બે બહાર નીકળ્યાં હતાં. જઇને એક એકાંત ઝાડીમાં એક વૃક્ષની છાયામાં બેઠાં. અચાનક વાદળાં ચઢી આવ્યાં. આકાશ ઘનઘોર થઇ ગયું. વીજળીના ચમકારા સ્નેહી હૈયામાં સ્નેહનાં અદભૂત આંદોલનો ઉત્પન્ન કરતા હ્રદયમાં ભયથી મિશ્ર આનંદના કારણભૂત થઇ પડ્યા. ‘પાચાં જઇએ ? પાછાં જવાશે ?’ એ પ્રશ્નો એકેકને પૂછીએ તે પહેલાં તો વરસાદ તૂટી પડ્યો.

ઝાડીમાં કે તેની આસપાસના માર્ગ ઉપર કોઇ પણ માણસનો પગરવ નહોતો. બે વચ્ચે અમારે એક જ છત્રી હતી. વૃક્ષની છાયા નીચે આ એક છત્રી ધરી અમે બે લપાઇને જ બેઠાં. છત્રી નામનું જ રક્ષણ કરતી હતી. પવન ફુંફાડા મારતો એટલે વરસાદનું પાણી અમને ઉભયને પલાળી નાખતું હતું.નબળી પ્રકૃતિને લઇને એ ધૃજવા માંડી. મેં એને મારા ભુજપાશમાં લીધી. મારો કોટ એના ધૃજતાં અંગની આસપાસ વીંટાળ્યો….

“હ્રદયની મસ્ત ઊર્મિઓને તાદ્રશ્ય રૂપ આપતાં કુદરતનાં તે દિવસનાં અનેરાં સ્વરૂપ ! મદોન્મત હાથીની પેઠે ઉછળતો પવન, સ્વચ્છંદે પ્રેમમત્ત થયેલો હોય તેવો પ્રચંડ વરસાદ, દિવ્યતાનું ભવ્ય સ્વરૂપે ભાન કરાવતી કાયમી વીજળી, ભીષણ સ્વરૂપે અનંતતાનું સ્મરણ કરાવતો વધતો જતો, અંધકાર અને આ સર્વની વચમાં વૃક્ષના થડ પાસે પવનથી ધૃજતાં, પાણીથી તરબોળ થતાં, વીજળીથી છળતાં અમે બે સ્નેહીઓને આથી વધુ શું જોઇએ ? સારા જગતમાં અમારા સિવાય કોઇ અન્ય મનુષ્ય જ નહિ હોય, એમ અમને ભાસતું હતું ત્યાં બેઠે બેઠે સુખના યુગના યુગ વહી ગયા હોય્અ એમ અમારાં હૈયાને થતું હતું. સુખની પરાકાષ્ઠા તે દિવસે અનુભવી. ઉભય આત્મા પોત પોતાનું ભિન્નત્વ ભૂલી જઇને એક થઇ ગયા હોય એમ લાગ્યું. તે વખતે વીજળી તે ઝાડ ઉપર કેમ ન પડી ? આટલું અનુભવ્યા પછી હું ક્યું નવીન સુખ અનુભવવાની ઇચ્છા રાખું છું ?….

“રાત્રિના દોઢેકનો સુમાર હતો. બંગલાની ચોકી કરવા ફરતા ભૈયા અને પઠાણોના પડકાર રાત્રિએ બિહામણા લાગતા કોઇ કોઇ જગ્યાએથી સંભળાતા હતા. વચમાં વચમાં એન્જિનોની કારમી ચીસો અને કેબીનના ઘંટા મૃત્યુના દૂતોના જુદા જુદા શંખનાદ હોય તે પ્રમાણે હ્રદયને સાલતા હતા.

વાડામાં કોઇ કોઇ વખત કૂતરાં ભસતાં હતાં-રડતાં હતાં. આકાશમાં પૂર્ણિમા સ્નાન કરતાં અને પ્રેમી યુગલ આ સમયને પોતાના ઊગતા પ્રેમમાં પ્રતિબિંબ સામે ધારતાં હશે. અહીં એ મૃત્યુશય્યા ઉપર હતી. અમે પાંચસાત મનુષ્યો નિહાળી રહ્યાં હતાં. ઘડીકમાં તેનાથી ડરતાં, ઘડીકમાં તેના દિવ્ય તેજમાં અંજાતા, ઘડિકમાં મૃત્યુ જેને પોતાના પરમ શાંતિમય પડખામાં બોલાવી લે છે તેની ઇર્ષ્યા કરતાં, આ લોકમાંથી સરી જતી એન્ને જોઇ રહ્યાં હતાં. “પ્રલયકાળ સમા તોફાનની આપણે વાતો સાંભળી હશે. પ્રચંડ મહાસાગરના પટ ઉપર ઝોલાં ખાતી નાની, ક્ષુદ્ર કીસ્તી. દરેક પળે તે પ્રચંડ મહાસાગર આ નાની, ક્ષુદ્ર કીસ્તીને પોતાના ઉદરમાં ગળી જવાનો હોય તેવાં દ્રષ્યોના વર્ણનો ઘણાંએ સાંભળ્યાં હશે-અનેકોએ જોયાં પણ હશે. ભયાનક અગ્નિની જવાલામાં સપડાયેલાં કોઇ મહા ઇમારત, તેમાં સપડાતાં કોઇ દીન મનુષ્યનું દ્રશ્ય ઘણાઓએ નીરખ્યું હશે. આવા પ્રસંગો વર્ણવવા એ સહેલા છે – પ્રમાણમાં સહેલા છે ; પણ પ્રત્યેક ક્ષણે મૃત્યુનો આમંત્રણનાદ સાંભળી આ જગતને છોડી જતાં સ્નેહીનું દ્રશ્ય જોવું અને એનું વર્ણન કરવું એ અશક્ય છે. તે સમયે આપણાં હૈયાં શાને તૂટી જતાં નથી ? આ દુ:ખની પરાકાષ્ટાએ-આ ઊંડો જખમ મારા હૈયાને સહ્યો છે.”

“લગ્ન પછી ચન્દ્રિકાએ પ્રથમ દર્શન કરાવી પ્રેમામૃત પાયાં. તેજ ચન્દ્રિકાએ અંતિમદર્શન ( અંતિમ લખું ? મૃત્યું પછી પુનર્મિલન થશે ? ) કરાવી વિયોગામૃતનું પાન કરાવ્યું. સુખની અવધી જોઇ, દુ:ખની પરાકાષ્ઠા જોઇ. હવે શેની સંપૂર્ણતા સાધવાને હું તલસી રહ્યો છું ? હવે કઇ તૃષા છીપાવવી બાકી છે ?….”

“લ્યો, આ સાસુ આવ્યાં – કેમ આટલી વાર લાગી !” ગોરનો કર્કશ ઘાંટો નીકળ્યો. બીજવર ચમક્યો – હ્રદયના વિચાર તરંગની પરંપરા તૂટી સાસુએ જમાઇને વધાવ્યા. બીજવરે માંહ્યરામાં પગ મૂક્યો.

સાભાર : નવલિકાસંગ્રહ ‘પુસ્તક પહેલું’, સંપાદક : રામચંન્દ્ર દામોદર શુક્લ, બીજી આવૃતિના સંપાદક: જયેશ ભોગાયતા, ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર

ચયન તેમજ ટાઈપ સહયોગ : ડો. ભાવેશ જેઠવા, કે.એસ.કે.વી. કચ્છ યુનિવર્સિટી, ભુજ- કચ્છ