“રમેશ પારેખનાં બાળકાવ્યોનો કલરવ”

ગુજરાતી સાહિત્યમાં વિવિધ સાહિત્ય સ્વરૂપોથીભાવક અને વાચકવર્ગ પરિચિત છે જ. કવિતા, નાટક, નવલિકા, નવલકથા, આત્મકથા, જીવનચરિત્ર, નિબંધ ઈત્યાદિસ્વરુપો અવનવી ટેક્નિકથીખેડાતા રહ્યાં છે. આ સ્વરુપો વચ્ચે ‘બાળસાહિત્ય’ની વિભાવના એક જુદાં જ ભાવકવર્ગમાંવિકસે છે. સાહિત્યિક કાર્યક્રમો અને સેમિનારોમાંબાળસાહિત્ય વિશે બોલાય, લખાય, કે વંચાય એવું નહિવત તો નહીં જ પણ ઓછું ઉલ્લેખાય છે. અન્ય સાહિત્ય સ્વરૂપોનીજેમ બાળસાહિત્યપણ પરદેશી સ્વરૂપ છે. પુરાણોમાં જોઈએ તો પંચતંત્રની વાતો,હિતોપદેશનીકથાઓ, રામાયણ, મહાભારતની વાર્તાઓ, ઈસપની વાતો, અરેબિયન નાઈટ્સની વાર્તાઓ ઈત્યાદિ સંદર્ભો બાળસાહિત્યના ઉદ્દ્ભવ અને આરંભના પાયામાં છે.

હિન્દી સાહિત્યમાં સુભદ્રાકુમારી ચૌહાન, પ્રેમચંદ, રમેશદવે, મન્નુભંડારી, ઈત્યાદિ સર્જકો બાળસાહિત્યકાર તરીકે જાણીતાં છે. અંગ્રેજી સાહિત્યમાં ‘એલિસ ઇન વંડર લેંડ’-લ્યૂઈકકેરોલ, ‘ડકટેઈલ’-રોબિંસન ક્રુઝો, ‘ધી જંગલબુક’- રુદીયાર્ડ્ઝ કીપલીંગ,‘ધી બ્લૂ અંબ્રેલ્લા’- રસ્કિન બૉન્ડ,‘હકલીંગ ડકલીંગ’,‘થમ્બલીના’’- હેંસક્રીસ્ટીઅન, કાર્લોકોલાડી, જ્યૉર્જ મેકડૉનાલ્ડ, રોબર્ટ લુઈસ વગેરે વિશિષ્ટ સર્જકોનો ઊલ્લેખ થાય છે. ગુજરાતી સાહિત્યમાં બાળસાહિત્યકાર તરીકે દલપતરામ, નહાનાલાલ, ખબરદાર, નરસિંહરાવ, ઝવેરચંદ મેઘાણી, સુંદરમ, ત્રિભુવના વ્યાસ, નરહરિપ્રસાદ ભટ્ટ, ગિજુભાઈ બધેકા, નટવરલાલ માળવી, સોમાભાઈ ભાવસાર, કવિ ભવાનીશંકર, ભાનુભાઈ પંડ્યા, રતિલાલ નાયક, બેલા શુક્લ, જયંત શુક્લ, દેશળજી પરમાર, પિનાકિન પંડ્યા, સ્નેહરશ્મિ, વેણીભાઈ પુરોહિત, બાલમુકંદ દવે,રમણ સોની, શ્રદ્ધા ત્રિવેદી, સુરેશ દલાલ, રમેશ પારેખ, ધીરુબહેન પટેલ, હરિકૃષ્ણ પાઠક, નટવર પટેલ, સુધીર દેસાઈ, રઘુવીર ચૌધરી જેવાં ઉત્તમ સર્જકોનો સમાવેશ થાય છે.

તાજેતરમાં બાલસાહિત્યના વિકાસમાં માત્ર બાળકાવ્યો, બાળવાર્તાઓ, બાળનવલકથા કે બાળનાટકોનો જ ઉલ્લેખ નથી થતો, બલ્કે સમાચારપત્રોમાં આવતી પૂર્તિઓ, સીરીયલો, ફિલ્મો અને બાળ લાઈબ્રેરીનો ય સમાવેશ થાય છે. ફિલ્મી જગતમાં ‘અંજલી’, ‘બાલ ગણેશા’, ‘ભૂતનાથ’, ‘ભૂતનાથ રીટર્ન’, ‘વીર હનુમાન’ ઈત્યાદિ ફિલ્મો લોકપ્રિય છે. બાળ-સામાયિકોમાં ‘બાળ ભાસ્કર’, ‘ઝગમગ’, ‘કાર્ટુન શૉ’માં ‘છોટા ભીમ’,‘ટૉમ એન્ડ જેરી’, ‘નીન્જાહથોરી’, ‘ડોરેમોન’, ‘ઑગી એન્ડ કોક્રોચીસ’ વગેરે ટી. વી. પ્રસારણો વડે બાળ ભાવકવર્ગમાં અતિ ચર્ચિત છે.

બાલસાહિત્યની વિભાવના સમજવા માટે બાળમાનસનો અભ્યાસ તથા બાળ મનોવિજ્ઞાનને સમજવું પણ જરુરીછે. ‘બાળસાહિત્ય’ માટે ગિજુભાઈ બધેકા ‘બાલમાનસગમ્ય’ શબ્દપ્રયોગ કરે છે. જ્યારે રમણ સોની કહે છે તેમ બાળકોને નજર સમક્ષ રાખી સાહિત્ય રચવું જોઈએ. આ બંન્ને વિવેચકોની બાળસાહિત્ય વિશેની વિભાવના ‘બાળકને ગમે તેવું’ સાહિત્ય રચવા તરફ સંકેત કરે છે. ગમે તે પ્રકારનું વિષયવસ્તુ બાળસાહિત્યમાં ન પ્રવેશી શકે. ‘બાળસાહિત્ય’ને સમજવાં આટલાં મુદ્દાઓ તરફ ધ્યાન કેંદ્રિત કરવું જોઈએ –
1. બાળસાહિત્ય ‘બાળક’ કેન્દ્રી હોવું જોઈએ.
2. બાળસાહિત્યનું વિષયવસ્તુ બાળકની વય,રસ, રુચિ, સ્વભાવ, પસંદગી અને બાળમાનસ આધારિત હોવું જોઈએ.
3. બાળસાહિત્યની ભાષા બાળમાનસને સમજાય તેવી નૈસર્ગિક હોવી જોઈએ. તેમાં બૌદ્ધિક પ્રયોજનો ન પ્રવેશે તેનો ખાસ ખ્યાલ રાખવો ઘટે.
4. બાળસાહિત્ય બાળકને આનંદ આપનારું હોવું જોઈએ.
5. બાળસાહિત્યકાર બાળકનાં મનનો સાચો અભ્યાસુ હોવો જોઈએ.

બાળસાહિત્યનું પગેરું શોધવા ઈતિહાસમાં નજર નાંખીએ તો નરસિંહ મહેતા કૃત “ઓ પેલો ચાંદલિયો ! આઈ મુને રમવાને આલો, તારા ને નક્ષત્ર લાવી મા ! મારા ગજવામાં ઘાલો !”, “જળકમળ છાંડી જાને બાળા !” જેવી રચનાઓ નોંધપાત્ર નીવડે છે. સુધારક યુગમાં દપલતરામ કૃત બાળગીતો જેવા કે, ‘ઉંટ કહે’, ‘શરણાઈવાળો શેઠ’ જેવી લોકપ્રિય રચનાઓ છે. પંડિતયુગમાં કવિ ન્હાનાલાલ પાસેથી ‘મા ! મને ચાંદલિયો વહાલો!’, ‘ગણ્યાં ગણાય નહીં, વિણ્યાં વિણાય નહીં, તોંય મારે આંગણે ન્હાય!’ જેવી ઉત્તમ બાળરચનાઓ મળે છે. સુંદરમકૃત ‘હું તો પુંછું કે મોરલાની પીંછીમાં રંગરંગવાળી આ ટીલડી કોણે જડી !’, ત્રિભુવન વ્યાસ કૃત ‘દાદાનો ડંગોરો લીધો’, ‘મેં એક બિલાડી પાળી છે.’, ‘તું અહીંયા રમવા આવ મજાની ખિસકોલી !’ જેવી રચનાઓ અવારનવાર એક થી પાંચ ધોરણમાં મૂકાતી રહી છે.

બાળસાહિત્યની વિભાવના સંદર્ભે ગુજરાતી સાહિત્યનાં નોંધપાત્ર સાહિત્યકારોમાં રમેશ પારેખનું બાળસાહિત્ય ઉલ્લેખનીય છે. તેમનાં સર્જનમાં બાળકાવ્યો, બાળવાર્તા તથા બાળનવલકથાનો સમાવેશ થાય છે. તેમનાં બાળ કાવ્યસંગ્રહમાં ‘હાઉક’, ‘ચીં’, ‘ચપટી વગાડતાં આવડી ગઈ’, ‘હસિએ ખુલ્લમ ખુલ્લાં’(સચિત્ર), ‘દરિયો ઝુલ્લમઝુલ્લાં’(સચિત્ર) ઈત્યાદિ સમાવિષ્ટ છે. તેમની બાળવાર્તા કૃતિઓમાં ‘દે તાલ્લી’, ‘હફરકલફરક’, ‘કૂવામાં પાણીનું ઝાડ’, તથા ‘જંતર મંતર છૂ’ જેવી સચિત્ર કૃતિઓ મળે છે. ‘જાદૂઈ દીવો’ એ તેમની સળંગ અથવા દીર્ઘ કહી શકાય તેવી વાર્તા કૃતિ છે. તેમણે ‘અજબ ગજબ ખજાનો’ નામે એકમાત્ર બાળનવલકથા રચી છે.

કવિ રમેશ પારેખે બાળસાહિત્ય સિવાય બીજું કઈં ન રચ્યું હોત તોંય ગુજરાતી સાહિત્યમાં તેમનું નામ અમર થઈ ગયું હોત. ગુજરાતી સાહિત્યનાં વિવેચકોએ એવી નોંધ લીધી છે તે ખરેખર યોગ્ય છે. બત્રીસ વર્ષની વયે તેમણે બાળસાહિત્ય રચવાનો આરંભ કર્યો. બત્રીસ વર્ષે પોતાના ચિત્તમાં બાળસ્મૃત્તિઓને સલામત રાખવી અને તેને સર્જનમાં ઢાળવી એ એક મોટો પડકાર છે. તેમનાં સર્જનમાં બાળરુચિ, બાળવૃત્તિ, બાળચેષ્ટા, તથા બાળભાષાનો ઉત્તમ યોગ સધાયો છે. તેમની પાસે બાળકોને રુચે એવો બાળપ્રદેશ છે. તેમની કૃતિઓનાં શીર્ષકો એટલે જ તો મોહક અને અસરકારક છે. જેમકે,‘ચીં’ એ પક્ષીઓના અવાજને ધ્વનિત કરતો કાવ્યસંગ્રહ છે. ‘ચપટી વગાડતાંઆવડી ગઈ’ એ બાળરમત અને બાળચેષ્ટાને પ્રકટ કરે છે. ‘હફરકલફરક’ એ બાળ તોફાનોને અભિવ્યક્ત કરતી બાળવાર્તા કૃતિ છે.

બાળકના અનુભવ જગતમાં પ્રાણી અને પક્ષીઓનો સમાવેશ થતો હોવાથી તેમણે પાત્રોરૂપે પ્રાણીઓ અને પક્ષીઓનાં નામ પસંદ કર્યા છે. આમ કરવા પાછળ બાળકમાં કુતૂહલ અને આકર્ષણ જન્મે તે કારણભૂત છે. વળી, સચિત્ર કાવ્યો બાળકોને વધુ પસંદ પડે છે. રમેશ પારેખનાં બાળકાવ્યોમાં રવાનુકારી શબ્દપ્રયોગો વધુ હોવાથી બાળકોને તે વધુ પસંદ પડે છે. કારણ કે તેવાં કાવ્યો સંગીતાત્મકતાં જન્માવે છે. તેમનાં બાળ કાવ્યોને વિષયવસ્તુ પ્રમાણે આ રીતે વહેંચી શકાય-
1. નેહા-નીરજનાં કાવ્યો.
2. પ્રાણીજગતનો પરિચય કરાવતાં કાવ્યો.
3. પક્ષીઓનો પરિચય કરાવતાં કાવ્યો.
4. ફળોનો પરિચય કરાવતાં કાવ્યો.
5. જ્ઞાન સાથે ગમ્મત ધરાવતાં કાવ્યો.
6. વાર્તાત્મકકાવ્યો.
7. બાળપ્રવૃત્તિ દર્શાવતાં કાવ્યો.

અભિવ્યક્તિની દૃષ્ટિએ રમેશ પારેખના બાળ કાવ્યોમાં જોવા મળતી વિશેષતા આ રીતે નોંધી શકાય –
1. કલ્પનાશીલતા
2. લયાત્મકતા અને લાઘવ
3. રવાનુકારી અને દ્વિરુક્ત શબ્દપ્રયોગો

‘હાઉક’, ‘ચીં’ તથા ‘ચપટી વગાડતાં આવડી ગઈ’ જેવાં કાવ્યસંગ્રહો રમેશ પારેખનું ઉત્તમ સર્જન કહી શકાય તેમ છે. તેમનું ‘બાળપણાનું રૂસણું’(‘ઈટ્ટા કિટ્ટા’) કાવ્ય અત્યંત અસરકારક છે. જેમાં બાળક મા સાથે ઈટ્ટા કિટ્ટા રમે છે. બાળકના મનોજગતની સાચુકલી પરી તરીકે તો તે ‘મા’ ને જ જુએ છે. બાળહઠ, બાળરીસ, તથા બાળભાષાનો ઉત્તમ પ્રયોગ આ કાવ્યમાં આસ્વાદ્ય નીવડ્યો છે. ર. પા. ની બાળછટા જુઓ,
“જા, નથી પહેરવાં કપડાં, મારે નથીપહેરવાં !
લે, ખમીસ… લે, ચડ્ડી…… કપડાં નથી પહેરવાં !”
અહીં ‘જા’ નો પ્રતિકાર ધ્વનિ બાળકોમાં તીવ્રપણે જોવા મળે છે. ‘નથી પહેરવાં‘માં બેવડાતો શબ્દપ્રયોગ બાળરીસને વ્યક્ત કરે છે. બાળકો હંમેશા કુદરતી પ્રકૃતિ જેવાં હોય છે. તેમને મન પવન, ફુલ, તડકો … આ સમગ્ર જીવંત છે. માટે જ તે દલીલપૂર્વક કહે છે,
“પવન અને તડકોય કપડાં ક્યાં પહેરે છે
ક્યાં પહેરે છે ખમીસ ચડ્ડી નાગુંપૂગું ઝરણું ?”
———-
“ફળિયાનો ઊંઘણશી લીમડો સાવ ઠોઠ છે, તોંય
કેટલો વ્હાલુડો છે ?” (‘હાઉક’માંથી)
પહેલી-બીજી પંક્તિમાં બાળક પ્રકૃતિના તત્વોને મળેલી સ્વતંત્રતા પ્રત્યે પોતાને સરખાવે છે. માટે જ તેને ફળિયાના લીમડાને મળતા વ્હાલ બદલ રોષ છે. વળી, લીમડો ઊંઘણશી હોવાં છતાં વ્હાલ મેળવી શકતો હોય તો પોતાને શા માટે ભણતરનો ભાર લાદવામાં આવે? આવી તો અનેક દલીલો આ ‘ઈટ્ટાકિટ્ટા’ કાવ્યમાં જોવા મળે છે.

નેહા અને નીરજ એ રમેશ પારેખનાં સંતાનો છે. તેથી કવિએ નેહા-નીરજનાં પાત્રોને કાવ્યમાં પ્રયોજી રચનાઓ લખી છે. જેમકે,‘પકડદાવ’, ‘મોટ્ટોમોટ્ટોથાઉં’, ‘ઘોડો ઘૂઘરિયાળો’, ‘તરબૂચમાંથી ગામ’, ‘નેહાબેનની ઢીંગલી’, ‘નેહા-નીરજનો ગરબો’ ઈત્યાદિ નોંધપાત્ર રચનાઓ ‘હાઉંક’માં છે. જ્ઞાન સાથે ગમ્મત ધરાવતાં કાવ્યોમાં ‘એકડોસાવ સળેકડો’, ‘સાત વાર અને શરદી’ જેવાં કાવ્યો બાળકોને ગણિત જેવાં વિષય સરળતાથી અને ગમ્મત પૂર્વક શીખવવામાં મદદરૂપ બને છે. પ્રાણી અને પક્ષી જગતનાં કાવ્યોમાં ‘જીવાજી ઊંદરડો’, ‘હાથીભાઈ અને ફુગ્ગો’, ‘મ્યાઉં મ્યાઉંમ્યાઉં’, ‘દેડકો બોલે’, ‘વંડી ઉપર’, ‘બા, મને ચપટી વગાડતાં આવડી ગઈ’ ઈત્યાદિ રચનાઓ બાળકોને રસ જન્માવે તેવી છે. એક – બે પંક્તિ જોઈએ :
“બા, મને ચપટી વગાડતાં આવડી ગઈ !
મારી ચપટી વાગે છે પટ્ટ પટ્ટપટ્ટ,
જાણે ફૂટે બંદૂકડી ફટ્ટફટ્ટફટ્ટ,
પેલી બિલાડી ભાગે છે ઝટ્ટઝટ્ટઝટ્ટ
બા, મને બિલ્લી ભગાડતાં આવડી ગઈ.”
(‘ચપટી વગાડતાં આવડી ગઈ’, રમેશ પારેખ)

આ ઉપરાંત,‘મારો પડછાયો’,‘હું નાનો છું તોંય’, ‘દરિયા પાસે જાવું છે’, ‘ફિલમ જોવા બેઠાં’, ‘ઊંઘણશી લીમડો’ વગેરે રચનાઓ બાળમાનસને અત્યંત પ્રિય નીવડે તેવી છે.

‘હાઉક’ બાદ ‘ચીં’ એ રમેશ પારેખનાં બાળકાવ્યોમાં વિલક્ષણ સર્જન બની રહે છે. ‘ચીં’નો કલરવ બાળકોના કોમળ હૃદયને ખુલ્લાં મનોઆકાશમાં પંખી સહજ વિહાર કરાવે છે. બાળકો ખૂબ ચંચળ હોય છે. બાળકને બિલાડી, કૂતરાં, ઘોડો, દેડકો, હાથી, પોપટ, ચકલી, મોર, મેના જેવાં પક્ષી-પ્રાણીઓ પ્રિય હોય છે. ‘ચીં’ના કાવ્યોમાં ખાસ કરીને પક્ષીજગતનો પરિચય મળે છે. જેમકે, ‘નાનું કબૂતર’, ‘કચ કચ’, ‘ઉજાણી’, ‘ચકલી અને ફરરફરર’, ‘પાંચ ભાઈબંધ’, વગેરે.‘નેહા-નીરજનાં કાવ્યો’માં મહત્વની રચનાઓ તરીકે ‘નેહાનું ગીત’, ‘નીરજભાઈ જમે’, ‘હિપહિપહુર્રે’, ‘નેહા-નીરજનો ગરબો’, ‘જંગલ જંગલ રમીએ’ જેવી રચનાઓનો સમાવેશ થાય છે. વાર્તાત્મકકાવ્યોમાં ‘બકરી ખોવાણી’, ‘શરદી અને શાક’, ‘ગૉરની ચોટલી’, ‘કાકડીની ટૂર’, ‘ચણો પહેલવાન’, ‘નવલાભાઈની નવાઈ’ તથા ‘નાથાભાઈ અને ખાઉંખાઉં’ કાવ્યો નોંધપાત્ર છે.

જ્ઞાન સાથે ગમ્મત ધરાવતાં કાવ્યોમાં ‘જમ જમાજમ’, ‘આવડે છે’, ‘ધમાચકડી’, ભલે ભાઈ ભલે’ ઈત્યાદિ કાવ્યો નોંધનીય છે. ‘ચીં’ કાવ્ય સંગ્રહની લોકપ્રિય રચનાઓની એક-બે પંક્તિ જોઈએ:
“એકડો સાવ સળેકડો ને બગડો ડિલે તગડો
બન્ને બથ્થંબથ્થા બાઝી કરતાં મોટો ઝઘડો” (‘ચીં’,પૃ. ૧૫)

“નાથાભાઈ ટકો મૂંડો ટાઉં ટાઉં ટાઉં
આખો દિવસ કરતા એ તો ખાઉં ખાઉં ખાઉં” (‘ચીં’,પૃ.૪૭)

“ફુગ્ગામાંથી બને કબૂતર, ફુગ્ગામાંથી ચક્કો
ફુગ્ગામાંથી બનતો જોકર, એને માથે ટક્કો” (‘ચીં’, પૃ.૨૩)

રવાનુકારી શબ્દપ્રયોગો એ રમેશ પારેખની એક વિલક્ષણ અભિવ્યક્તિ છે. તેમના બાળકાવ્યોમાં એ ઝળકી ઉઠે છે. જેમકે ‘ચક ચક’,‘રક ઝક’,‘ખીર ખીર’,‘ચીંચીં’,‘કિરકિર’,‘કચ કચ’,‘ફરરફરર’ વગેરે.

‘ચપટી વગાડતાં આવડી ગઈ’ કાવ્ય સંગ્રહમાં ફળોનો પરિચય કરાવતાં કાવ્યોમાં ‘તરબૂચ’, ‘લીચી’, ‘ચીકુ’, ‘સાકરટેટી’, ‘કેરી’, ‘પપૈયું’ જેવાં કાવ્યો બાળકોને ફળોનો પરિચય પૂરો પાડે છે. જેમકે,
“આંબાપુરથી આવી છું હું પીળી સાડી પહેરી,
અંગ્રેજીમાં મેંગો છું ને ગુજરાતીમાં કેરી.”

આ કાવ્યોથી બાળકોને ફળોમાંથી મળતાં વિટામીન, પોષકતત્વો અને તંદુરસ્તી અંગેની જાણકારી મળે છે. ખરેખર તો આ એક સારી શિક્ષણ પદ્ધતિ પણ છે. હાસ્યરસ ધરાવતાં કાવ્યોમાં ‘ભોપો અને ટોપો’, ‘જીવાજી ઊંદરડો’, ‘ફિલમ જોવા બેઠાં’,‘વંડી ઉપર’ જેવાં કાવ્યો નોંધપાત્ર છે. એક-બે પંક્તિઓ જોઈએ:
“હું ને ચંદુ છાનામાના કાતરીયામાં પેઠા”
“એક ઊંદરડો ચૂંચૂંચૂં
એ ઘોઘર ઘરડો ચૂંચૂંચૂં
એનું નામ જીવાજી ચૂંચૂંચૂં
કરે ગરબડ ઝાઝી ચૂંચૂંચૂં”

બાળકો હંમેશાં પોતાના માતાપિતાનું અનુકરણ કરતાં હોય છે. કવિ એવાં બાળજગતનો પરિચય આ રીતે કાવ્યમાં આપે છે,
“દોરાની હું દાઢી ચોડું, રૂ ની મૂંછ બનાઉં
તપેલીની ટોપી પહેરી દર્શન કરવા જાઉં
મોટ્ટોમોટ્ટો થાઉં, દાદા બની જાઉં.”

દાદા, દાદી, પપ્પા, કાકા, દીદી અને મમ્મી – આ બધા બાળકોના વ્યક્તિત્વમાં ભાગ ભજવનારા પાત્રો છે. એમાં પણ મમ્મી એ બાળકની સાચી પરી છે. આમ,‘હાઉંક’ અને ‘ચીં’માં પક્ષીઓનો કિલકિલાટ છે. તો ‘ચપટી વગાડતાં આવડી ગઈ’માં જ્ઞાન, ગમ્મત અને મનોરંજનનું આલેખન છે. લયાત્મકતાં, અનુરણનો, ગેયતા, કુતૂહલ, હાસ્ય, મનોરંજન, જ્ઞાન અને આનંદ – આ બધું એકસાથે તેમના કાવ્યોમાં પ્રવર્તે છે. વળી, તેમના કાવ્યો ત્રણથી સાત વર્ષનાં બાળકોની માનસિકતા ધરાવે છે. ગુજરાતી સાહિત્યમાં ર. પા. ના ગીતોમાં મોરનો થનગનાટ છે, તો બાળસાહિત્યમાં કલરવની અનુભૂતિ થાય છે. રમેશ પારેખને ઓળખવા માટે તેના બાળ મનોજગત અને યુવાન પ્રણયી હૈયાંને જાણવું પડે. એ માટે બહોળી અનુભૂતિઓ અને સ્મૃતિની ક્ષમતા હોવી ઘટે.. અંતે તેમના જ શબ્દોમાં તેમની ઓળખ આપીને વિરમું છું.
“ચીંધ આખું વિશ્વ તું એને રમેશ,
જેને સરનામુ ર. પા.નું જોઈએ.”

સંદર્ભ :::

  1. ‘બાળસાહિત્ય: સ્વરૂપ અને સર્જન’– લે.રતિલાલ સા. નાયક
  2. ‘હાઉંક’- કવિ રમેશ પારેખ
  3. ‘ચીં’ – કવિ રમેશ પારેખ
  4. ‘ચપટી વગાડતાં આવડી ગઈ’ – કવિ રમેશ પારેખ

ડૉ. વર્ષા એલ. પ્રજાપતિ, ગુજરાતી વિભાગ, એસ.એલ.યુ. આર્ટ્સ & એચ. &પી. ઠાકોર કોમર્સ કૉલેજ ફોર વિમેન, અમદાવાદ.