લઘુકથા

બંધન

વાલીમાના જીવાનો દા’ડો પત્યો.મહેમાનો એમને મળી , હૈયા ધારણ આપી વિખરાતા ગયા. બધાયના મોંઢે એક જ વાત – એ બીચારોય પીડામાંથી છૂટ્યો, ને તમેય છૂટ્યા. બધાની વાતેય સાચી.

ત્રણ દીકરીઓ ઉપર વાલીમાને અધૂરે મહીને દીકરો જન્મેલો. માંડ માંડ જીવ્યો એટલે નામ પાડ્યું જીવો. જીવાની ઉમર વધી પણ મગજ ઠેરનું ઠેર. બાવીસ વરસે બાવીસ મહિનાના બાળક જેટલીય બુદ્ધિ ન મળે. કોઈ વાતનું ભાન સાન નહિ.- કપડા-લત્તા, ખાવા પીવાનું કે ઝાડા પેશાબનું. ગમે ત્યારે ગમે ત્યાં કરી બેસે. વાલીમા બધી જ કાળજી લે. દીકરીઓને સાસરે અને બાબુડોસાને પરધામ વળાવી એકલા જીવાની ચાકરી કરે.

ઓરડાની વચાળે ટોળે વળેલી સ્ત્રીઓનો ચણભણાટ એમના કાને પડતો રહ્યો. બિચારા માડી મોટા બંધનમાંથી છૂટ્યા, ઘરડેઘડપણ મંદબુદ્ધિના જુવાન છોકરાને પાલવવો રેઢો પડ્યો? હા ભાઈ નાના બાળક જેવી ચાકરી આ તો જનેતા જ કરી જાણે.

શક્ય એટલી સહાનુભૂતિ દેખાડી સ્ત્રીઓ ધીમે ધીમે વિખરાઈ. દીક્રીઓય રસોડે લાગી. ઓરડામાં એકલા પડેલા વાલીમા ઉઠ્યા, ને વાંકા વાંકા જીવાના રૂમમાં ગયા. જીવાનો ખાટલો એમ ને એમ પડ્યો હતો. એ ખાટલાના પાયા પાસે બેસી પડ્યા, ને દસ દસ દિવસથી બાંધેલા વ્હેણ છૂટી પડ્યા.

‘જીવા, મારા જીવા બધાય કે છે કે હું બંધનમાંથી છૂટી ગઈ. પણ મારે ક્યાં છૂટું થાવું’તું?તારી ગોવાળી તો મારા જીવતરનો ટેકો હતી. હવે કેમ કરી દા’ડા કાઢીશ?….માબે બાંધી ડે, ફરીથી તારી હરે બાંધી દે….’

ખાટલાનો પાયો નહિ પણ જીવો હોય અમ અને બાથમાં લઇ વાલીમા અનરાધાર વરસી રહ્યા.

નસીમ મહુવાકર, (મામલતદાર, કલેકટરશ્રીની કચેરી, બોટાદ,ગુજરાત. ફોન: 9426 22 35 22 )