બૂમરેંગ
બાળપણ આપણું
ઊગી આવે આપણા સંતાનોમાં.
મારી દિકરી
નવા આવેલા અંગ્રેજી મૂવી માટે
ઓલમોસ્ટ ક્રેઝી છે.
ડાઈનીંગ ટેબલ પર ભોજન લેતા
એ એની વાતો બહુ જ હરખથી કરે છે.
હું વાંચતો હોઉં ત્યારે
ન્યૂઝપેપરનું કટિંગ લઇ આવે.
રસોડામાં એની મા પાસે
ખભેખભા મિલાવી ઉભી રહીને
કહે: મા ડેડને કહેને કે
પિક્ચર જોવા લઇ જાય.
થોડીવાર પછી –
વાળમાં મહેંદી નાખતી માનો હાથ પકડીને કહે:
મા તે ડેડાને વાત કરી?
અહી તહી,
અમારી આગળ પાછળ,
આખોય દિવસ , સાંજ આખી,
એનું અંગ્રેજી મૂવી અમને ઘેરતું રહે.
‘કશું ખાસ નથી એમાં,
એવા ફિલ્મ આવ્યા જ કરે.’
‘ડેડા આમાં તમને સમજ ન પડે.’
‘નેક્સ્ટ ટાઇમ જોવા જઈશું.’
‘આવું નહિ આવે ડેડ –
પ્લીઝ…પ્લીઝ…પ્લીઝ…’
‘ઠીક છે વિચારીશ.’
એ જતી રહે છે
એના ખંડમાં.
ટાઇમ મશીન
લઇ આવે છે મારી માને.
મા પાસે આખોય દિ’
એક ફિલ્લ્મને સારું
કરગરતો હું મને ભળાઉ.
અને એને હું સાદ પાડું છું.
નદીની પૂર ગતિએ
આવી પહોંચી મારી સંમુખ.
‘ઓકે…ય …ચાલ,
આજ સાંજે તારું ફિલ્લમ, બસ?’
એની ફિલ્મનો હિરો
આકાશેથી ઉતાર્યો હોય એમ
એ મને તાકી રહે છે.