સંસ્કૃત સાહિત્યમાં વર્ણિત “દૂતધર્મ” અને “દૂત પ્રસંગોની” સમીક્ષા
સંસ્કૃત સાહિત્ય અતિ વિશાળ અને સમૃધ્ધિ પામેલો
આપણો ભવ્યતમ વોરસો છે. જેમાં વૈદિક અને લૌકિક એવા બે પ્રકારો પડે
છે. વૈદિક સાહિત્યમાં વૈદ, ઉપનિષદ, પુરાણો, બ્રાહ્મણ ગ્રંથો, દર્શન
શાસ્ત્રો, મીમાંસાઓ, આરણ્યકો, સ્મૃતિ શાસ્ત્રો રામાયણ મહાભારત
ઈત્યાદિનો સમાવેશ થાય છે. જ્યારે લૌકિક સાહિત્યમાં ગદ્યગ્રંથો,
પદ્યો અને નાટકોની રચના દ્રષ્ટી ગોચર થાય છે. આવા વિપુલ સંસ્કૃત
સાહિત્યમાં વિવિધ પંડિતો દ્વારા વિવિધ વિષયો પર અખુટ સાહિત્ય
પ્રદાન જોવા મળે છે. તેમાં ધાર્મિક, આધ્યાત્મિકગ્રંથો, રાજ નૈતિક
ચર્ચાઓ, અર્થ પ્રધાન અને શ્રૃંગારપ્રધાન રચનાઓ તથા ન્યાય અને દંડ
જેવા વિષયોને પ્રાધાન્ય આપીને વિદુરનીતિ અર્થશાસ્ત્ર અને સ્મૃતિ
શાસ્ત્રોમાં વિવિધ વિષયો પર ચર્ચાઓ થયેલી જોવા મળે છે જેમાં
દૂતધર્મ કેવો હોવો જોઈએ ઉત્તમ દૂતના લક્ષણો, દૂતના પ્રકારો, દૂતનું
કર્તવ્ય અને દૂતાધિકાર વગેરે વિષયોનો પણ સમાવેશ જોવા મળે છે.
:-દૂત ધર્મ:-
દૂત શબ્દની વ્યાખ્યા– અમરકોશમાં દૂતશબ્દની વ્યાખ્યા “સ્યાત્ સન્દેશ
હરો દૂત” દર્શાવવામાં આવેલ છે. જ્યારે આચાર્ય હેમચંદ્રાચાર્યે
અભિધાન ચિંતામણીમાં “દૂત સંન્દેશ હારક” એમ પ્રતિપાદિત કરેલ છે. આ
રીતે એક વ્યક્તિનો સંદેશ બીજી વ્યક્તિ ને પહોચાડવાનું કાર્ય કરે છે
તે દૂત એવો અર્થ થાય છે તથા માત્રસંદેશ જ નહી પણ નાયક-નાયિકાના
અર્થમાં એકબીજાની મનનીસ્થતિ અને મનોભાવો અનુસાર આચરણ તથા વર્તન કરે
છે અને તેનું યથોક્ત સંદેશ વાહક થઈને કાર્ય કરે છે તે “દૂત” એવી
વ્યાખ્યા થાય છે.
દૂતના પ્રકારો :- ચાણક્યે દૂતના મુખ્ય ત્રણ પ્રકારો દર્શાવ્યા છે
1. નિસૃષ્ટાર્થ – એટલે જેમાં અમાત્યના બધાજ ગુણો રહેલા હોય
2. પરિમિતાર્થ – જેમાં અમાત્યના ગુણોનો ચોથો ભાગ ઓછોહોય એટલે કે
1/3 ગુણો હોય
3. શાસ્કનહાર – જેમાં અમાત્યના અડધા ગુણો ½ જોવા મળે તે ને
શાસ્કનહાર કહેલ છે (કૌટીલ્ય અર્થશાસ્ત્ર પ્રકરણ-11 અધ્યાય-15)
દૂતનું લક્ષણ:- દૂત કેવો હોવો જોઈએ એ બાબતે કહ્યુ છે કે રાજાનાંજ
રાજ્યામાં જન્મેલો એટલે કે સ્વદેશી, તથા કુલીન હોવો જોઈએ,
ઉચ્ચકુળમાં જન્મેલ હોવો જોઈએ. બુરાઈઓથી દુર રહેનાર, સ્મરણ
શક્તિવાળો, ત્વરીત નિર્ણય શક્તિ યુક્ત, વાતચીતમાં કુશળ, તર્ક
શક્તિવાન, યુક્તિ પ્રયુક્તિથી કામ લેવાવાળો, પ્રભાવશાળી વ્યક્તિત્વ
ધરાવનાર, પ્રભાવી વાણી અને વર્તન યુક્ત, સ્નેહાળ, ભક્તિવાન,
શીલવાન, બળવાન, આરોગ્યવાન, ધૈર્યયુક્ત, ગર્વરહિત, ચંચળ, સૌમ્ય,
વૈરભાવ રહિત, વેદશાસ્ર નો જાણકાર, દંડનીતિપ્રખર દેવી અને માનવીય
આફતો નો નાશ કરવામાં સમર્થ હોવો જોઈએ.
દૂત લક્ષણ બાબતે ગરુડ પુરાણમાં દર્શાવેલ છે કે,
બુધ્ધિમાન મતિમાશ્વૈવ પરચિત્તોપ લક્ષક:I
ક્રુરોયથોક્ત વાદિચ એષ દૂતો વિધિયતેII
અર્થાત્ બુધ્ધિમાન, સામાવાળાના મનનો તર્ક-વિતર્ક જાણવાવાળો ક્રુર,
કહ્યા પ્રમાણેજ કાર્ય કરવા વાળો દૂત હોવો જોઈએ તથા દૂત કાર્યમાટે
આવા દૂતની નિયુક્તિ કરાય.
મહાભારત ના શાંતિ પર્વમાં દૂત લક્ષણ નિમ્ન પ્રમાણે નિર્દિષ્ટ કરેલ
છે
કુલિવકુલ સંપન્નો વાગ્ભીદક્ષ: પ્રિયંવદ: I
યશોક્તવાદી સ્મૃતિમાન્ દૂત:સ્યાત્ સપ્તભિગુળૈ: II (શાંતિપર્વ
અધ્યાય 185 શ્લોક 78)
કુળવાન, વાણીમાં દક્ષતા યુક્ત, પ્રિયવાણીબોલવાવાળો, જે પ્રમાણે
સંદેશ કહ્યો હોય તે જ કહેવાવાળો, યાદશક્તિ યુક્ત વગેરે ગુણો દૂતમાં
હોવા આવશ્યક છે.
ચાણક્યનીતિ શાસ્ત્રમાં દૂત લક્ષણ દર્શાવતા જણાવેલ છે કે
મેઘાવી વાક્ પટુ: પ્રાજ્ઞ: પરિચોતપલક્ષક: I
ધીરો યથોક્તવાદી ચ એષ દૂતો વિધીયતે II
જ્યારે મનુસ્મૃતિમાં મનુમહારાજે
દૂતં ચૈવ પ્રકુર્વીત સર્વશાસ્ત્ર વિશારદમ્ I
ઈંગીતાર ચેષ્ટજ્ઞં સુચિંદક્ષ કુલોદગતમ્ II (મનુસ્મૃતિ અધ્યાય-7
શ્લોક-63)
સર્વે શાસ્ત્રો તથા ભાષાઓ અને બોલીઓ ને જાણવાવાળો તથા યુક્ત
ચેષ્ટાવાન અને સૂચિયુક્ત પ્રવિત્ર તથા કાર્યદક્ષ હોવો અનિવાર્ય
માનવામાં આવે છે.
દૂતના વિવિધ સ્વરૂપો:-
દૂત શબ્દતો મુળ રાજનૈતિક શબ્દ છે. પરંતુ ધર્મશાસ્ત્રે,
સાહિત્યશાસ્ત્રે કે રાજનૈતિક દ્રષ્ટીએ દૂતકાર્ય તો સમાન જ રહેતુ
હોવાથી કેવા દૂતની નિયુક્તિ કરવી જોઈએ તે અતિ આવશ્યક છે. દૂતની
નીયુક્તિ પૂર્વે તેની યોગ્ય ચકાસણી કરી નાની પદવી આપવી જોઈએ અને
તેની કાર્યદક્ષતા યોગ્ય લાગે તો આકરી કસોટી કરી તેમાં ઉતિર્ણ થયે
યોગ્ય દૂતની રીત પ્રમાણે નિયુક્ત કરવો જોઈએ દૂત તરીકે જો ઉપદેશથી
કામ થઈ શકે તેમ હોય તો કુલટા, વૈશ્યા, વિશકન્યા, મંત્ર વગેરેનો
ઉપયોગ દર્શાવેલ છે. સામેના રાજાના પદાધીકારી, પ્રિયજનો, અને
ગુપ્તચરો નો પણ સમાવેશ થાય છે. કેમ કે તે વિરોધ પક્ષની બધીજ
જાણકારી ધરાવતો હોય છે. પક્ષીરૂપી દૂતનો તથા યંત્ર દૂતનો ઉપયોગ પણ
થઈ શકે છે. શત્રુના ગૂપ્તચરો-દૂતોને કેવી રીતે પોતાના બનાવી શકાય?
આવા પ્રશ્નોત્તર રૂપે સામેના રાજાએ જેને ધન આપવાનું કહીને આપ્યુન
હોય, જાહેરમાં જેનું અપમાન કરેલુ હોય, રાજાના કાર્યો અને પ્રવાસથી
ત્રસ્ત થયેલ હોય, સ્વધર્મ અને વારસાઈ થી દૂર કરેલ હોય, પોતાના પદથી
દુર કરવામાં આવેલ હોય એટલેકે પદભ્રષ્ટ કરેલ વ્યક્તિ, નિર્દોષને સજા
કરેલ હોય વગેરેને દૂત બનાવવા યોગ્ય છે.
દૂત કર્તવ્ય:-
સૌ પ્રથમ શત્રુરાજાના રાજ્યમાં પ્રવેશ કરતા પૂર્વે દૂતે જે તે
રાજાની પરવાનગી-અનુમતી લેવી આવશ્યક છે અને પોતાના રાજાકે સ્વામિ નો
મત સામા પક્ષે વિવેકથી રજુ કરવો જોઈએ પોતાના સ્વામિની સામેના પક્ષે
શું પ્રતિક્રિયા થાય છે તે પણ ધ્યાનમાં રાખવું અતિ આવશ્યક છે.
1. દૂતના કર્તવ્ય તરીકે પોતાના સ્વામિનો સંદેશો શત્રુરાજાને વિનય
પૂર્વક અને નિડરતાથી પહોંચાડવો જોઈએ અને તેનો પ્રત્યુત્તર પોતાના
રાજાને તરત જ પહોંચાડવો આવશ્યક છે.
2. દૂતે ભુતકાળમાં કરેલ સંધિ વગેરેનું પાલન કરવું આવશ્યક છે.
3. પોતાના રાજાના ઉત્તમ પરાક્રમોથી સામેના રાજાને વારંવાર મોહિત
કરી નિર્બળ બનાવવો જોઈએ.
4. શત્રુ પક્ષના જેટલા વ્યક્તિઓને તોડી પોતાના પક્ષે લઈ શકાય તેટલા
ઉત્તમ રીતે ફુટ અને કુટનો નિયમ અપનાવી પોતાના પક્ષે કરવા.
5. શત્રુ પક્ષમાં સિફતાઈથી ફાટ પડાવવી.
6. શત્રુઓના ગુપ્તચરોના સંવાદોનો સંહાર કરી તેમની કમજોરી શોધી વળતો
યોગ્ય વાક્ પ્રહાર કરવો.
આમ સામ, દામ, દંડ અને ભેદ નીતિનો ઉપયોગ કરી પોતાના સ્વામિનું
સંદેશા વાહક બની પોતાનું કર્તવ્ય પૂર્ણકરવું જોઈએ.
દૂતના અધિકાર:-
રાજદૂત કઈ રીતે પ્રસ્થાન કરે છે ? તથા તેનો આચાર વ્યવહાર કેવો હોય
છે કે કેવો હોવો જોઈએ એ બાબતે ચાણક્યે ખુબજ સરસવાત કરી છે કે
પોતાના પ્રાણ ત્યાગ થાય તો પણ પોતાના સ્વામિનો સંદેશ સામે જ્યા
પહોચાડવાનો હોય ત્યાં યથા યોગ્ય રીતે પહોચાડવો. જ્યારે રાજદૂતનું
આવુ આ ગંભીરતા સભર કાર્ય હોય ત્યારે પોતાના અંત સમય સુધી પણ
વિપત્તિઓ પડી શકે છે. ત્યારે તેના માટે દૂતની સુરક્ષા માટે વિશેષ
અધિકાર અર્થે આત્મ રક્ષણનો અધિકાર આપેલ છે. બધાજ ધર્મ શાસ્ત્રો અને
રાજનૈતિક શાસ્ત્રોમાં રાજદૂત માટે “દૂત વધ” નિષેધ માનવામાં આવેલ
છે. કોટીલ્યે તો એટલા સુધી પણ કહેલ છે કે રાજદૂત ચાંડલ હોય તો પણ
તે નિરવધ્ય છે.
આજ વાતનું સમર્થન કરતા રામાયણમાં દર્શાવવામાં આવેલ છે કે દૂત સજ્જન
હોય કે દૂર્જન તે ને બીજા વ્યક્તિ દ્વારા મોકલવામાં આવેલ હોવાથી
અને અન્ય નો સંદશાવાહક હોવાથી “દૂતવધ” નિષેધ છે. (રામાયણ. સુ.સ.52
શ્લોક 13)
“જે ક્ષાત્ર ધર્મરત રાજા સત્યનું આચરણ અને સાચાદૂતનું કાર્ય કરનાર
દૂતનો વધ કરે છે તેના પિતૃઓ તથા પોતે ભૃણહત્યાના ભાગીદાર બને
છે.”(મહાભારત શાંતિપર્વ અધ્યાય 85 શ્લોક 27)
પૂર્વકાલે સમસ્ત વિશ્વમાં રાજદૂત માટે આવા વિશેષ નિયમો દર્શાવવામાં
આવેલા અને તે નિયમો સર્વ સ્વીકૃત હતા. ક્યારેક કોઈદૂત મહાઅપરાધ
કરે, તેની ભૂલો અક્ષમ્ય હોય તોપણ તેને પ્રાણદંડ આપવો ન જોઈએ. જે
રીતે રામાયણમાં રાવણના કહેવાથી રાજસભામાં હનુમાનજી માટે વિભીક્ષણે
દંડ નિર્ધારીત કર્યો.
દૂત નિયુક્તિ બાદ દૂત જ્યારે અન્ય રાજ્યમાં જાય છે ત્યારે પોતાની
બુધ્ધિથી અને સમય સંજોગ અનુસાર કયારેક નિર્ણય પણ કરવાનો થાય ત્યારે
જે પોતાની નિર્ણય શક્તિથી પોતે નિર્ણય લઈ શકે છે. જ્યારે આવા
લેવામાં આવેલા નિર્ણયો જે તે મુખ્ય વ્યક્તિ કે રાજા ઈત્યાદી એ પણ
માન્ય રાખવા. આ પ્રમાણે દૂતને એક વિશેષ અધિકાર પણ પ્રદાન કરેલ છે.
:- દૂત પ્રસંગો :-
ધર્મ શાસ્ત્રો અને સંસ્કૃત સાહિત્યમાં દૂતને માધ્યમ બનાવી અનેક
જગ્યાએ દૂત ચર્ચાઓ દ્રષ્ટી ગોચર થાય છે. સૌ પ્રથમ દૂત પરંપરા
ઋગ્વેદમાં મળે છે. જેમાં સરમા નામની કુતરી દેવોની દૂત બની પણીજનો
પાસે મોકલવામાં આવેલ. સંસ્કૃત સાહિત્યમાં પણ દૂત કાવ્ય સાહિત્ય
વિશાળ પ્રમાણમાં રચના પામ્યુ છે. અત્યાર સૂધીમાં 100 થી વધારે દૂત
કાવ્યોની રચનાઓ જોવા મળે છે. જૈન મુનિઓ દ્વારા વિશેષ રૂપે
મેઘસંદેશ, યક્ષોલ્લાસ, ઘનવૃતમ, ઈન્દુદૂતમ,જૈન મેઘદૂતમ, નૈમ દુતમ,
મયુરદૂતમ, શીલદૂતમ વેગેરે વિવિધ દૂત કાવ્યોમાં દૂત પ્રસંગોની
ચર્ચાઓ કરેલ છે.
વેદમાં દૂત વિષયક મંત્રોની ચર્ચા:-
ઋગ્વેદમાં અગ્નિધ્યાન અને તેના સ્વરૂપ બાબતે 200 સૂક્તો આવેલા છે
જેમાં
અદ્યાદૂતં વૃળીમહે વસુમગ્નિં પુરુ પ્રિયમ I
ધૂમકેતુ ભાઋજીકં વ્યષ્ટિષુ યજ્ઞાના મધ્વર શ્રિયમ II (મંડલ 1 સુક્ત
44 મંત્ર3)
ભાવાર્થ – મનુષ્યો એ વિદ્યા રાજ્ય અને સુખની પ્રાપ્તિ માટે ચારેય
વેદોના જ્ઞાતા વિધ્વાનને દૂત બનાવીને અનેક ગુણોથી યુક્ત હોવાના
કારણે અનેક ગુણોની પ્રાપ્તિ કરાવનારી વિદ્યુતનો સ્વીકાર કરીને સર્વ
કાર્યોને સિધ્ધ કરવા જોઈએ.
મન્દ્રો હોતા ગૃહપતિ રગ્ને દૂતો વિશામસિ I
ત્વે વિશ્વા સંગતાનિ વ્રતા ધ્રુવા યાનિ દેવા અકૃળ્વન II (1/36/5
મંડલ સુક્ત મંત્ર)
ભાવાર્થ – ઉત્તમ રાજદૂત અને સભાસદ જ રાજ્યની રક્ષા કરી શકે છે,
તેનાથી વિપરીત મનુષ્યો કરી શક્તા નથી.
અગ્નિ વો દેવમગ્નિભિ: સજોખા યજીષ્ઠં દૂત મધ્વરે કુળુધ્વમ્ I
યો મર્ત્યેષુ નિધ્રુવિઋતાવા તપુર્મુર્ધા ધૃતાન્ન: પાવક: II (7/3/1
મંડલ સુક્ત મંત્ર)
ભાવાર્થ – હે વિદ્વાનો ! જે વિદ્યુત્ સર્વત્ર સ્થિત, વિભાગ
કરવાવાળી પ્રકાશ ગુણવાળી અને સાધનો દ્વારા પ્રગટ કરવા યોગ્ય છે તે
ને તમે દૂત ની સમાન બનાવી ને યુધ્ધ આદિના કાર્યો માં સિધ્ધ કરો.
ઓમ અગ્નિદૂતં પુરો દધે હવ્યવાહ મુપ બ્રુવે I
દેવાં આસાદયા દિહ II
આ મંત્રનો સામાન્ય ભાવ એવો થાય છે કે હે અગ્નિ અમારા દ્વારા તમને
આપવામાં આવેલી આહુતિ તમે દેવો પ્રતિ દૂતના સ્વરૂપે પહોચાડો.
આમ વેદમાં દેવ દૂત તરીકે અગ્નિ દૂતનો ઉપયોગ બતાવવામાં આવ્યો છે. આ
ઉપરાંત ઋગ્વેદ ભાષ્યમાં દૂતના વિવિધ અર્થો બતાવતા નિમ્ન મંત્રો
જોવા મળે છે.
મંડલ | સુક્ત | મંત્ર | |
---|---|---|---|
યસ્ત્વા મગ્ને ………….ભવ I | 1 | 12 | 8 |
જુષ્ટો હિ દૂતો અસિ ………………બ્રૃહત I | 1 | 44 | 2 |
નિત્વા યજ્ઞસ્ય …………દૂતમમર્ત્યમ્ I | 1 | 44 | 11 |
અગ્નિદૂતં પ્રતિ ……….કૃત્યમસિ I | 1 | 161 | 3 |
યસ્ય દૂતો અસિ……ધ્વરમ I | 1 | 74 | 4 |
ત્વાં દૂત મગ્ને ……. નિષેદિરે I | 6 | 15 | 8 |
અના વો અગ્નિં…….દૂતમમૃતમ્ I | 7 | 16 | 1 |
ઈલેગિરા……..હવ્યવાહનમ I | 8 | 19 | 21 |
પુરાણોમાં દૂત પ્રંસંગો :-
શીવ પુરાણમાં શીવજી દ્વારા જટામાંથી ઉત્પન્ન કરેલ શીવગણો (શ્રૃંગી અને ભૃંગી)ને શીવદૂત તરીકે દક્ષ યજ્ઞનો ધ્વંશકરવા માટે મોકલવામાં આવે છે. જે “રૌદ્રદૂત” નુ વર્ણન પણ અતિ સુપ્રસિધ્ધ છે. શ્રીમદ્ભાગવત પુરાણમાં કંશદ્વારા અક્રુરજીને મથુરાથી ગોકુલ રાજદૂત બનાવીને કૃષ્ણ પ્રતિ સંદેશ મોકલવામાં આવે છે. તથા કંશ દ્વારા બકાસુર, પુતના ઈત્યાદિ અસૂરો ને પણ કૃષ્ણવધ માટે તથા વિશકન્યા રૂપે પુતના ને દૂત બનાવી ગોકુલમાં મોકલવામાં આવે છે. ઉધ્ધવજીને દૂત બનાવી કૃષ્ણ ગોપીઓ પ્રતિ સંદેશ તથા સાંત્વના આપવા મોકલે છે. આમ પુરાણોમાં દૂત પ્રસંગોનો નિર્દેશ કરેલ છે.
રામાયણમાં વર્ણીત દૂત પ્રસંગો :-
રામાયણમાં ઉત્તમ દૂત કાર્યના દર્શન કરાવવામાં આવેલ છે, જેમાં મુખ્ય બે પાત્રોના દૂત કાર્યો જગ પ્રખ્યાત છે. સૌપ્રથમ અંગતને દૂત બનાવી રામદૂત તરીકે લંકામાં મોકલવામાં આવે છે ને ત્યાં વિષ્ટીની વાત દર્શાવવામાં આવેલી છે. તથા રામદૂત હનુમાનજીને સીતા પ્રતિ સંદેશ મોકલવા માટે દૂત કાર્ય અર્થે મુદ્રિકા આપી લંકમાં પ્રેસીત કરેલ કથા નિર્દેષ્ટ છે. તથા રામાયણમાં સીતાજીની શોધમાટે વિવિધ ચાર દિશાઓમાં સૈન્યને પણ મોકલવામાં આવેલ છે. રામાયણની વાત હોય ત્યારે સેતુબંધ વખતે સૌથી નાની રામદૂત ખીસકોલી ને શુ ભુલી શકાય ? આમ દૂત નાનો કે મોટો હોય તે મહત્વનું નથી પણ તેનુ કાર્ય મહત્વનું છે.
મહાભારતમાં દૂત કાર્ય :-
પાંડવ દૂત શ્રી કૃષ્ણ મહાભારતમાં જગ વિખ્યાત છે, જેમાં પાંડવ પક્ષના દૂત બનીને દૂર્યોધનની રાજસભામાં વિષ્ટીકારના સ્વરૂપે જાય છે. અને યુધિષ્ઠિરનો ઉક્ત સંદેશ દુર્યોધન ને કહે છે જે સંદેશ મહાભારતની કથાને આધાર બનાવી કવિ કલ્પના દૂતઘટોત્કચ નાટકમાં ઉક્ત શ્લોક અનુસાર દર્શાવવામાં આવેલ છે.
અનુભુતં મહદ દુ:ખં સંપુર્ણ સમય: સ ચ I
અસ્માકમપિ ધર્મ્ય યદ્ દાયાધં તદ્ વિભજયતામ્ II (દૂતવાક્યમ શ્લોક-20)
આમ કેવલ પાંચ રાજ્યો આપવાની વિષ્ટીની વાત લઈ આવનાર શ્રી કૃષ્ણનું પણ દૂત કાર્ય ઉત્તમ રૂપે દર્શાવવામાં આવેલ છે.
સંસ્કૃત લૌકિક સાહિત્યમાં દૂત પ્રસંગો :-
1. મેઘદૂત ખંડ કાવ્યમાં મેઘને ઉત્તમ દૂત બનાવી પોતાની પ્રિયા પ્રતિ યક્ષ સંદેશ મોકલે છે. આમ અહિ એક નિર્જીવ એવા મેઘને પણ સજીવારોપણ કરી ઉત્તમદૂત સ્વરૂપે મહાકવિ કુલગુરુ કાલિદાસે દર્શાવ્યો છે.
2. દૂત ઘટોત્કચ નાટકમાં કૃષ્ણદ્વારા ઉક્ત સંદેશ ઘટોત્કચ ધૃતરાષ્ટ્રને કહે છે કે “હે ! પિતામહ કૃષ્ણએ કહ્યુ છે કે શું તમે વડિલ થઈને તમારા કુરુકુલના પુત્રોનો વિનાશ જોવા ઈચ્છા રાખો છો ? આ વિષ્ટી માટેનો ઉત્તમ સમય છે હજુ પણ વિષ્ટી કરી લો” આમ વિષ્ટીદૂત ઘટોત્કચ નું કાર્ય દર્શાવવામાં આવેલ છે.
3. નલ દમયંતી આખ્યાન આધારીત નલચંપુમાં રાજા નલ નારદજી પાસે દમયંતીના સ્વરૂપનું વર્ણન સાંભળીને હંસને દૂતબનાવી દમયંતી પાસે મોકલવાની કથાનું સુંદર વર્ણન જોવા મળે છે.
આ ઉપરાંત ઈન્દુદૂતમ્, ચંદ્રદૂતમ્, જૈનમેઘદૂતમ્, નેમિદૂતમ્, પવનદૂતમ્, મનોદૂતમ્, મયુરદૂતમ્, શીલદૂતમ્, સિધ્ધદૂતમ્, કોકિલસંદેશ, હંસસંદેશ, ઉધ્ધવદૂતમ્, પિકદૂતમ્, પાદાંકદૂતમ્, તુલસીદૂતમ્, ગોપીદૂતમ્, વાતદૂતમ્, પાદપદૂતમ્, મેઘપ્રતિસંદેશ, ઘનવૃત્તમ્ વગેરે જૈન સાહિત્યમાં પણ દૂત પ્રસંગોનું વર્ણન જોવા મળે છે. આમ સંસ્કૃત સાહિત્યના મંથન દ્વારા સુંદર દૂત પ્રસંગોનું નિરૂપણ દ્વષ્ટિગોચર થાય છે.
વર્તમાન દૂત અને દૂત કાર્ય પ્રણાલી :-
આ પ્રમાણે સંસ્કૃત સાહિત્યમાં વર્ણિત દૂત પ્રસંગો અને દૂત કાર્યો ઉપરાંત પુર્વે રાજાઓ દ્વારા રાજદૂતો અને ગપ્તચરો તથા રાજકવિ, ભાટ-ચારણ અને રાજપુરોહિતોની પણ દૂત સ્વરૂપે નિયુક્તિ કરવામાં આવતી તેમના દ્વારા સુરાજ્ય શાસન માટે વિવિધ શંદેશાની આપલે અને દુશ્મન રાજાની ગુપ્ત નીતિ અને ભેદો જાણવા માટે જાસુસોની વરણી પણ કરવામાં આવતી હતી આજ પ્રમાણે વર્તમાન સમયમાં પણ આવી જાસુસી સંસ્થાઓ કાર્યરત છે પરંતુ સુશિક્ષીત વ્યક્તિઓને પણ જો પુછવામાં આવે કે આપણી જાસીસી સંસ્થા કઈ છે ? તો ખુબ જ ઓછા આંગળીના વેઢે ગણી શકાય તેવા લોકોજ સાચો પ્રત્યુત્તર આપી શકે તેવી વર્તમાન સ્થિતિ છે.જાસુસી સંસ્થાઓ મોસાદ, એફ.બી.આઈ, રિસર્ચ એનાલિસીસ વિંગ(ROW) રો વગેરે નો કાર્યો ના કારનામા અને કાર્ય પધ્ધતિ વિશે ક્યારેક તો કઈક સાંભળ્યુ જ હશે. જેમાં જાસુસી માટે સુંદર સ્ત્રીઓનો, ગીધ, કબુતર, ઝેરીસાપ, અજગર તથા પ્રાણી-પક્ષીઓનો પણ ઉપયોગ કરી જાસુસ બનાવી કાર્ય પ્રણાલી અપનાવવામાં આવી રહી છે. પહેલા પણ ગીધ દ્વારા જાસુસીની વાત અને શાર્કના હુમલા પાછળ મોસાદનો હાથ હોવાના સમાચાર અને આક્ષેપો થયેલા છે. પાડોશીદેશ દ્વારા કબુતર થી જાસુસી કરવાના સમાચારો પણ સાંભળવા મળેલ છે. આ ઉપરાંત શત્રુઓ પર જાપ્તો રાખવા “રિસાટ” જેવા આધુનિક ઉપગ્રહોનો ઉપયોગ પણ જગ વિખ્યાત છે. ભીડ-ભાડ વાળી જગ્યાઓ પર “ડ્રોન” જેવા આધુનિક કેમેરાવાળા ઉપકરણોનો ઉપયોગ અને કાર્ય પ્રણાલી દ્વારા જાસુસીની ભુમિકા અદા થઈ રહી છે. અરે વધુમાં વર્તમાન સમયમાં પતિ દ્વારા પત્ની અને પત્ની દ્વારા પતિની જાસુસી કરવાના કિસ્સાઓમાં જાસુસો રાખી ને પોતાના પ્રિયજન પર ચાંપતી બાઝ નજર રાખવાના પણ કિસ્સા આકાર લઈ ચુક્યા છે.
આ પ્રમાણે સંસ્કૃત સાહિત્યમાં વર્ણિત પૂર્વકાલિન દૂત પ્રણાલીનો યોગ્ય અભ્યાસ કરી આધુનિક ઉપકરણો દ્વારા વર્તમાન જાસુસી પ્રણાલી માં ઉપયોગ કરવામાં આવે તો બન્નેના સમન્વય થી શુભ ફળની પ્રાપ્તિ થઈ શકે છે. તેથી આ વિષય પરનો ઉંડો અભ્યાસ અતિ આવશ્યક છે આમ સંસ્કૃત સાહિત્યનું મંથન કરી વેદકાળથી છુપાએલો અમુલ્ય ખજાનો નવનીત સ્વરૂપે પ્રાપ્ત કરવાની એક ચેષ્ટા માત્ર છે.
સંદર્ભ સાહિત્ય :-
- કૌટીલ્યનું અર્થશાસ્ત્ર
- ગરુડ પુરાણ
- મહાભારત
- મનુસ્મૃતિ
- વાલ્મીકી રામાયણ
- ઋગ્વેદભાષ્ય ભાગ-1,2,3 પ્રકાશક વાનપ્રસ્થ સાધક આશ્રમ રોજડ(ગુજરાત)
- શ્રીમદ્ ભાગવત પુરાણ
- દૂતવાક્યમ્
- દૂતઘટોત્કચ
- મેઘદૂતમ
- મોસાદના જાસુસી કાર્યો