નાટ્યપ્રયુક્તિમાં રહેલી નારી મનની અભિવ્યક્તિ-‘બત્રીસ પૂતળીની વેદના’
[‘બત્રીસ પૂતળીની વેદના’(૧૯૮૨) – ઇલા આરબ મહેતા, હર્ષ પ્રકાશન, પુનર્મુદ્રણ-૨૦૦૭, પૃ.૪+૧૮૦, મૂ.૮૦.]
‘બત્રીસ પૂતળીની વેદના’એ આધુનિકયુગના આઠમા
દાયકાની નોંધપાત્ર નવલકથા છે. ગુજરાતી સાહિત્યમાં ૧૯૮૨માં પ્રગટ
થયેલી આ નવલકથા ઇલા આરબ મહેતાએ નારી સમસ્યાઓને અભિવ્યક્તિ કરતી
ઐતિહાસિક કૃતિ છે. તે મધ્યકાળની કૃતિના શીર્ષક હેઠળ રચાયેલી છે. આ
કૃતિના નિવેદનમાં સર્જક નોંધે છે: ‘જે સમાજમાં પરાક્રમો ફક્ત
પુરુષોના હોય, સિંહાસનો ફક્ત પુરુષો માટે હોય ને સ્ત્રીઓ જ્યાં
કેવળ સિંહાસનની શોભા વધારનારી પૂતળીઓ હોય, જેનું કામ ફક્ત પુરુષોની
ગુણ ગાથા ગાવાનું હોય ત્યાં જો એ પૂતળીઓ પોતાની વેદનાને વાંચા આપે
તો……. સર્જાય છે ‘બત્રીસ પૂતળીની વેદના.’
ઈલા આરબ મહેતાની ‘બત્રીસ પૂતળીની વેદના’એ તેના વિષય વસ્તુને કારણે
ધ્યાનકર્ષક બને છે. જેમાં સમાજના વાસ્તવને, નારી પાત્રોની વ્યથાને
દ્રશ્યગત કરી છે. કૃતિનું કથાવસ્તુ નારીના અસ્તિત્વની ઝંખનાને તાકે
છે. સર્જકે તેમાં અનુરાધા નામની સ્ત્રીસર્જકેને નાયિકા તરીકે સર્જી
છે. જેને એક પ્રતિષ્ઠિત એવા શાસ્ત્રીજી પાસેથી નાટયસર્જનનું કાર્ય
મળે છે. જેમાં કથાની ગતિ સાથે અન્ય સ્ત્રીપાત્રો ઉમેરાય છે. કથાના
મધ્યમાં સ્ત્રીનું વાસ્તવિક જગત અને તેની સાથેનો સંઘર્ષ ઉઘડે છે.
કથાન્તે કૃતિના અંદર રહેલ નાટયસંવાદોમાં કૃતિના પાત્રો વચ્ચેના
આંતર સંવાદોની સેળભેળનો સંઘર્ષ નારી વ્યથાની અભિવ્યક્તિનું માધ્યમ
બની રહે છે. કથાનો મુખ્ય પ્રવાહ કથાનાયિકા અનુરાધાથી આરંભાય છે અને
તેની સાથે અન્ય નારી પાત્રો એ જ પ્રવાહમાં જોડાતા આવે છે એવા
વસ્તુસંકલનમાં સર્જક્તા જોવા મળે છે. કથાનો અંત નાયિકા અનુરાધા
પાસે આવીને વર્તુળમય રીતે જોડાય છે. નવલકથામાં નાવીન્યપૂર્ણ
વિષયવસ્તુ બાદ તેના પાત્રચિત્રણમાં સર્જક્ની સર્જક્તા રહેલી છે. જે
ભાષાના સૌંદર્યને જીવંત બનાવે છે.
કૃતિના આરંભમાં સર્જક એવી અનુરાધાનો પતિ(રસેશ) તેની કૃતિ વાંચી
રહ્યો છે. બે થી ત્રણ ફકરાના વાંચન બાદ તેને મનમાં થઈ આવે છે કે
‘અનુરાધાએ આવું લખવાની શી જરૂર હતી? કોઈ વાંચે તો શું કહેશે? જાતીય
વૃતિનું બેફામ વર્ણન? (પૃ.૪) તે જ સમયે મિત્ર(પ્રદીપ) આવી
અનુરાધાને અભિનંદન આપતા પ્રશંસા કરે છે ત્યારે ‘ચાલ હવે, બહુ થયું
અનુ, ચા તો કર; પ્રદીપ પણ પીશે (પૃ.૪) આમ, બોલતો rરસેશ અનુરાધાને
ગૃહિણી તરીકે જોવા ચાહે છે. તેને બૌધ્ધિક એવી અનુરાધાને બદલે રસેશ
શાહની પત્ની તરીકે જોવામાં રસ છે. પરંતુ, લખવાનું છોડી ન શકતી એવી
નાયિકા અનુરાધા ગુપ્તા નામે સ્વયંને જીવાડી રહી છે. નારી તરીકે,
વ્યક્તિ તરીકે, કલાકાર તરીકે પોતાની ઓળખ ઊભી કરવા મથામણ કરે છે.
પરંતુ ‘કંઈ સારું લખોને’ (પૃ.૫) જેવા ઉદ્દગારો નારીની મનોવ્યથા તથા
મનોસંઘર્ષોનું પ્રથમબિંદુ બની રહે છે.
નારી ગૃહિણી હોવી જોઈએ; ઘર અને વર સિવાયની પ્રવૃતિ ગૌણ બની રહે છે.
નારીમાં ત્યાગ અને સહનશીલતા હોવી જોઈએ એવી અપેક્ષા આપણા
પુરુષપ્રધાન સમાજમાં રહેલી છે. જેનું નેતૃત્વ સર્જકે ‘આર્યનારી
હિતવર્ધક મંડળ’ના શાસ્ત્રીજી પાસે કરાવ્યું છે. કૃતિમાં ભાવક તરીકે
આપણે શાસ્ત્રીજીના શબ્દોને પ્રથમ અહીં પામીએ છીએ. ‘આપણા પુરાણો
જુઓ, શાસ્ત્રો જુઓ, કુંતા માતા અને ગાંધારી! અનસૂયા ને
સાવિત્રી!’(પૃ.૧૮) શબ્દો દ્વારા શાસ્ત્રીજી આર્યનારીની વિભાવના
કૃતિમાં કરતાં રહ્યા છે. આર્યનારીના શીલ, ધર્મ અને સતીત્વના રક્ષણ
અને સંવર્ધન માટે આ મંડળી સ્થાપના થાય છે. તેના સાંસ્કૃતિક મહોત્સવ
પ્રસંગે કથાનાયિકાને એક નાટકની રચના અર્થે બોલવામાં આવે છે. સર્જન
માટેના પ્રસ્તાવને નાયિકા સ્વીકારી લે છે. સર્જકે અહીં
શાસ્ત્રીજીનું બાહ્ય વ્યક્તિત્વ ‘રેશ્મી પહેરણ, ખભે ખેસ, લાંબા ખભા
સુધી ઝૂલતા વાળ’ (પૃ.૨૦) જેવા ઓછા શબ્દોમાં આલેખ્યું છે.
શાસ્ત્રીજીની પુરુષપ્રધાન વાતનો છેડો પકડી કથાનાયિકા(અનુરાધા)
પ્રશ્ન કરતી રહે છે. જેમાં પુરુષપ્રધાન સમાજમાં નારી વિષયક
વિભાવનાઓ જોવા મળતી રહે છે. કેટલાંક સંવાદો જોઈએ , ‘વિધવા સ્ત્રી
પુનર્લગ્ન કરે તે મારી દ્રષ્ટિએ એટલા માટે યોગ્ય નથી કે તેમાં
પ્રેમની ઊંચી ભાવનાનો હ્રાસ થાય છે. આપણે ત્યાં શું જેકી કેનેડીઓ
સર્જવી છે?’
જેકી કેનેડી એક સુંદર બુધ્ધિશાળી ને મહત્વકાંક્ષી સ્ત્રી છે.
પોતાનું જીવન કેમ ગાળવું તે એની પોતાની અંગત વાત છે. જાહેર જનતાએ
નક્કી કરવાની વાત નથી એમ આપને નથી લાગતું?’ [અનુરાધાનો વળતો
પ્રશ્ન]
‘ભારતીય નારીનો આદર્શ છે ત્યાગ, તપ અને સમર્પણ’ જેવા ગુણો ગણાવતા
નાટક વિશેની ચર્ચા કરતાં અનુરાધા કહે છે ‘શાસ્ત્રીજી, સ્ત્રીઓના
ઊંચા ગુણો ને પુરુષોના નહીં? સ્ત્રીપુરુષ વચ્ચે આવો તફાવત શા
માટે?’ (પૃ.૨૨) ત્યારે શાસ્ત્રીજી ‘ઠીક, ઘા કર્યો દીકરી અમારા
પુરુષો પર! પર શું કરીએ? સ્ત્રી તો સમાજની ધારક છે, પોષક છે, માતા
છે. (પૃ.૨૩) આમ, પુરુષપ્રધાન સમાજમાં પુરુષનું સ્થાન ડગી જતું લાગે
ત્યારે શાસ્ત્રીજી સ્ત્રીને આધાર અને પોષક બનાવી વાળી લે છે.
પ્રકરણ ૩માં અનુરાધાનું મનોજગત ઊઘડે છે, જે રસેશ તેને રાધાની જેમ
ચાહતો હતો તે ક્યારે તેની અનુ (પાછળ ચાલનારી) બની ગઈ તેનું
કથાનાયિકા મંથન કરે છે. રસેશ તેને કહે છે ‘ અનુ, તું મને જોઈએ તેવો
સાથ નથી આપતી હો!’ એટલે કે મારી કલ્પના પ્રમાણેની આદર્શ જીવનસંગિની
તરીકે ઘડવાના મારા પ્રયત્નો છે. તારે એમાં પૂરો સાથ આપવો જોઈએ.’
(પૃ.૨૮) ત્યારે કથાનાયિકા સ્વયંને માટીનો એક લોંદો કહે છે. જેને
પુરુષ પોતાની ઇચ્છા અનુસાર ઘડી શકે? જેમાં બુધ્ધિ,ચેતના અને
આત્માની કોઈ કિંમત નહીં? જેવા પ્રશ્નોમાં સરી પડી આત્મમંથન અનુભવે
છે. આ બધા વચ્ચે કથાનાયિકા અગોચર એવા વિશ્વમાં સરી પડે છે. જેમાં
કુબડી, કૈકેય, સીતા, સાવિત્રી જેવા પાત્રોનું વિશ્વ રચાય છે.
સ્વપ્નપ્રયુક્તિના ઉપયોગથી કૃતિના આગળની કથાના ઇંગિતો અહીં રોપાય
છે. અનુરાધા અચાનક સ્વપ્નના વિશ્વમાંથી બહાર આવી મનનાં ખળભળાટને,
સંવેદનને કલમના માધ્યમથી નાટકરૂપે અભિવ્યક્ત કરે છે. આમ, અહીં
લેખિકા અનુરાધાની સર્જનપ્રક્રિયાના પાસાને પણ સર્જકે વણી લીધું છે.
અનુરાધા કૈકેય, કૌશલ્યા, સીતા, મંથરા જેવા નારીઓના જીવનનો આધાર
લઈને નાટયમંચનની ક્ષણોનું નિર્માણ કરે છે. કૃતિમાં અન્ય ચાર નારી
પાત્રો નાટકની ભજવણી અર્થે ઉમેરાય છે. જેમાં સર્જકે પૌરાણિક ચાર
પાત્રો થકી ચાર નારી સમસ્યાઓના સંવેદનાને ઉજાગર કરે છે.
નાટયપાત્ર | કૃતિપાત્ર | કૃતિગત વિશ્વ(વાસ્તવિકતા) |
---|---|---|
કૈકેય | રેખાબહેન | જાણીતા ઉદ્યોગપતિની પત્ની |
સીતા | છાયાબહેન | એક્સપોર્ટ-ઇમ્પોર્ટ કંપનીની સેલ્સમેનેજર |
મંથરા | વિભાવરી | નાટક અને ફિલ્મોમાં કામ કરતી અભિનેત્રી |
કૌશલ્યા | વિનોદની | સંતાન પ્રાપ્તિ ન કરી શકી તેવી નારી |
આ ચાર નારી પાત્રોની સમસ્યાઓ વિષે જાણીએ. પ્રથમ રેખાબહેનની ઓળખ, જાણીતા ઉદ્યોગપતિની પત્ની તરીકેની છે. ગરીબ ઘરની રેખાનું સૌંદર્યને એવુને એવું રહે એવી પ્રબળ ઈચ્છા સેવનાર પતિ તેને ડાયટિંગ કરાવે છે. ફિગર મેન્ટેન કરવાની વાતને તેણી ચુસ્ત વળગી રહે છે. માતા ક્ષયના રોગને કારણે સેનેટોરિયમમાં છે પરંતુ તે પતિની ના હોવાથી મળી શકતી નથી. આ ઉપરાંત, ઘરમાં પાર્ટીનું આયોજન કરી પતિના મિત્રોને ખુશ કરવા બ્રાન્ડેડ એવા વસ્ત્રો, શણગારો સજવા એ જ રેખાનું કાર્ય. જ્યારે રેખાનો પતિ તેના મિત્રને ‘શિકાર ઘરમાં છે જ’ જેવા સંવાદો કહે છે, ત્યારે રેખા માત્ર એક મેળવવાની વસ્તુ બની રહે છે. અને સો રૂપિયાની શરતરૂપે એને આ શિકાર ફસાવ્યો હતો તે પણ પ્રગટ થાય છે. નારીની આવી દૈનિય સ્થિતિનું આલેખન અહીં થયું છે.
એનાથી વિપરીત તો નહીં પરંતુ પોતાની એક સેલ્સ મેનેજર તરીકેની ઓળખ ધરાવનાર છાયાનું તેના પતિની નજરમાં કોઈ જ મૂલ્ય નથી. છાયાનો પતિ કમાવાનો શોર્ટકટ શોધતો રહે છે જ્યારે છાયા પોતાની આવડતને કારણે કંપનીની મેનેજર બને છે. ઘરની બહાર જ તેની એક ઓળખ છે, પરંતુ ઘરમાં પ્રવેશતા તે માત્ર ઘર કામ કરનાર અને પતિની સંભાળ રાખનાર ગૃહિણી જ છે. સ્વયંની પ્રગતિ પતિ માટે જરૂરિયાત છે; પણ સ્ત્રીની આ ઓળખ તે સ્વીકારી શકતો નથી. તે સતત છાયાને કટાક્ષમાં કંઈ ને કંઈ સંભાળવતો રહે છે. જેમકે; ‘ઓફિસમાં બહુ વટ મારીને જાય છે ને એટલી અક્કલ નથી?’ (પૃ.૭૧)
વિભાવરી એક એવી સ્ત્રી છે જે ફિલ્મજગત સાથે જોડાયેલી છે. જે સુંદર છે. જેને પોતાના ચરિત્રને દાગ લાગવા દીધો નથી અને એવી એક દિગ્દર્શકની ઓફરને પણ ઠુકરાવે છે. પતિ મયંકને અન્ય સ્ત્રી ગીતા સાથે સંબંધ બંધાય છે. મયંક વિભાવરીને છોડી ગીતા સાથે ગૃહસ્થી માંડે છે. વિભાવરી ઠુકરાવેલી ઓફર ગીતા સ્વીકારે છે અને પેલા દિગ્દર્શક સાથે એક રાત માટે હોટલમાં જાતિય સંબંધ બાંધે છે.
વિનોદીની એવી સ્ત્રી છે કે જે સંતાનપ્રાપ્તિથી વંચિત રહી છે. આ કારણસર તેને પોતાના કુટુંબના સભ્યો અને સમાજના મેણાં સાંભળવા પડે છે. સંતાનપ્રાપ્તિ અર્થે ડોક્ટરો, જ્યોતિષો, તાંત્રિક એવા કેટકેટલા નુસખાઓ કરી ચૂકેલી વિનોદીનીનું આંતરમન કહે છે કે ‘સ્ત્રીએ સંતાન પેદા કરવાનું એક મશીન છે. ખોટકાઈ પડે તો રીપેર કરવું જ પડે. નહીં તો સ્ત્રીની સંતાનઘેલછા એને પાગલ બનાવી દેશે. બીજાના બાળકો પર નજર નાખશે.’(પૃ.૧૦૯) આ બધી રૂઢિગત બાબતોથી દૂર રહી વિનોદીની અંધશાળાના બાળકોને ભણાવે છે, મહિલા ગૃહઉદ્યોગમાં મદદ કરે છે. તે અન્ય ત્રણ-ચાર મંડળો સાથે પણ જોડાય છે.
આ ચારેય પાત્રો અનુક્રમે કૈકેય, સીતા, મંથરા અને કૌશલ્યાના વિરોધભાસી પાત્રોરૂપે ભાવક સમક્ષ મૂક્યા છે. આ ચારેય પાત્રોની સમસ્યાઓનાં સંદર્ભે અન્ય ગૌણ પાત્રો સર્જકે રચ્યા છે. ઘરની નોકર એવી સ્ત્રી, પુત્ર હોવા છતાં પોતાના ભાઈને મોકલેલ સોભાગ્ય ચિહ્ન સમી બંગડી દ્વારા ભાઈની લાગણીને કારણે જીવતી સ્ત્રીની વ્યથા રેખાના જીવન સાથે સામ્યતા સાધે છે. છાયા સાથે તેની ઓફિસમાં કામ કરતી મારશિયા ધર્મની ભિન્નતાને કારણે પોતાનો પ્રેમ ન મેળવી શકી. લગ્નબાદ હિન્દુ ધર્મ જ પાળાવો એવા બંધનને તે તોડી શકે છે. જ્યારે છાયા પોતાના ચારિત્ર્ય પર ઊઠવેલા પ્રશ્નનો ઉત્તર પતિ(પરાશર)ને થપ્પડ રૂપે આપી શકે છે. જે રેખા નથી કરી શક્તી.
વિભાવરીના પતિ વિચ્છેદ પછી તેણીને કોલેજની જૂની મિત્ર મળી રહે છે. જે પોતાના પતિના ઈલાજ અર્થે આવી હોય છે પરંતુ પૈસાની અગવડતા તેના પતિના મૃત્યુને સ્વીકારી, ગામ લઈ જાય છે. આ પ્રસંગ વિભાવરીને જીવન જીવવા તરફ ટટ્ટાર બનવાની પ્રેરણા આપે છે.
કૌશલ્યા સમી વિનોદીની, ઘરના કામ કરતી છોકરી કુંદી, લૂકેમિયાથી પીડાતી માતપિતાના ડિવોર્સને કારણે છૂટી પડી ગયેલી પાયલ, દુબઈ ચાલી ગયેલી માતાને વારંવાર પત્ર લખતો જ્હોની જેવા પાત્ર-પ્રસંગો દ્વારા વિનોદીનીના માતૃસંવેદનને સર્જક દર્શાવે છે.
કૃતિમાં અનુરાધા સાથે બડી અમ્માનું પાત્ર પણ જોડાતું રહે છે. વૃધ્ધ એવા બડી અમ્મા જૂના જમાનાનું પ્રતિનિધિત્વ કરતું પાત્ર બને છે જેને સમયના પ્રવાહને ખૂબ નજીકથી જોયો છે. દસ વર્ષનું વૈધવ્ય ભોગવનાર બડી અમ્મા સતત તંદ્રામાં રહે છે જીવનના સિત્તેર વર્ષ જાણે રણમાં ગાળ્યા છે. આ પાત્રને જોઈને સ્ત્રીની સ્થિતિમાં કોઈ ફરક નથી પડ્યો માત્ર નવા જમાનાના વસ્ત્રો અને આભૂષણો જ બદલાયા, જમાનાની વિચારધારા નહીં એનો કૃતિમાં સતત અહેસાસ કરાવે છે. હસવાના કારણે ડામ તથા જીવનની વ્યથાને ભગવાન આગળ પ્રગટ કરતાં પત્રમાં ‘તે અમને બહુ દુ:ખ દીધા. બહુ દુ:ખ, ન હસવા દીધું. ન કપડાં પેરવા દીધા, રો રો ને રો. હવે ઉપાડી લે. એમ લખવાનું’ કહે ત્યારે ભાવક તરીકે આખોમાં અશ્રુ ફરી વળે તેવી કરુણા ઉપસાવે છે.
કૃતિમાં અંતિમ એવા પ્રકરણમાં નાટ્યમંચન થાય છે જેમાં સ્ત્રી પાત્રોના આંતરમનોમંથનો નાટ્યમંચન સમયે સ્ફોટક રીતે પ્રગટે છે ઉદ્યોગપતિ (દશરથ)ની પત્ની રેખા(કૈકેયી) ને પોતાની માતાની તબિયત નાદુરસ્ત હોવાન સમાચાર મળે છે આ અસહાય સ્થિતિમાં તે બોલી પડે છે ‘ હું માંગુ છું વનવાસ. મને આ મહેલમાંથી મુક્ત કર. મારા રૂપાળા દેહને ડામ દઈ કોયલો કરી મૂક જેથી એના શિકાર માટે કોઈ પુરુષ પાછળ ન પડે. એની છાતી ચીરી અંદર બેઠેલો એક માનવ આત્મા માંસભક્ષીઓને બતાવને કહે આ સ્ત્રી છે, લલચાવનાર માંસનો ટુકડો નથી. રામને ગાદી હો, મારે તો વનવાસ જોઈએ છીએ.’(પૃ.૧૭૩) પતિના મેણાં વચ્ચે જીવતી છાયા(સીતા) ‘ હું રામને પગલે પતિના નહીં જાઉં, હું જઈશ મારી કેડીએ એ છે એના પુરુષપણાને પિતાના વચન ખાતર ગાદી છોડનાર પુરુષ સ્ત્રી ખાતર કશુંય છોડવા તૈયાર થાય? લક્ષ્મણ, આઘો ખસ, તારી રેખા ઓળંગવાની મારે કોઈ ચિંતા નથી, કારણ કે મારો સુવર્ણમૃગ હું જ મારવા જઈશ.’(પૃ.૧૭૪) ‘હું રાજીનામું નહીં આપું મંથરા, નહીં આપું’(પૃ.૧૭૪) આ સંવાદો વચ્ચે હાહાકાર મચી જાય છે આ નાટકને સાંભળી લેવા શાસ્ત્રીજી અનુરાધાને વિનવણી કરે છે. અનુરાધા સ્ટેજ પર જઈ નાટક સમાપ્ત થાય એમ કહે છે અને શાસ્ત્રીજી(પુરુષપ્રધાન સમાજ) સમક્ષ ‘આ ત્યાગ! આ સમર્પણ! જે સ્ત્રી આ સ્ત્રીધર્મ પાળે તેનો મહિમા. મહિમાનું નાટક. આ નાટક માટે બોલવાના સંવાદો અમે ભૂલી જઈએ એટલી હદે તમે નાટકના સંવાદો ગોખવ્યા.’(પૃ.૧૭૬) ‘હવે આ નાટક બંધ કરી અમને અમારી જાત શોધવા દો’, ‘ન દેવી, ન રાક્ષસી, અમેન માત્ર સ્ત્રી રહેવા દો.’(પૃ.૧૭૬) આમ નારીને મનોવ્યથા વિદ્રોહરૂપે પ્રગટ થાય છે આ પરંપરામાથી છૂટતા હોય તેમ બડી અમ્મા ગણ ગણે છે ‘ બહુ બહુ વારસો પહેલા એ ફાડી નાખવાની જરૂર હતી’ કૃતિમાં રહેલી સર્જકની આ નાટ્યપ્રયુક્તિ ઉપયોગી નીવડે છે અહીં ‘લજ્જા’ ફિલ્મના કેટલાક અંશો યાદ આવી જાય છે. આમ, આ કૃતિમાં નારીની સમસ્યાઓનું ચિત્રણ, તેનું કથાગુંફન તેમજ પાત્રોચિત ભાષાનો પ્રયોગ કળાત્મક રીતે થયો છે જેમકે શાસ્ત્રીજીની ભાષામાં તત્સમ એવા શબ્દ પ્રયોગ, મિસ્ટર કૌલ અને ડ્રાઈવરની હિન્દી ભાષા અને મરશિયાની અંગ્રેજી ભાષાપ્રયોગ. ‘ઝૂકી પડેલી ડાળ પર એક ચકલી કુદવા લાગી’ (ક્ષણિક આનંદ)
‘રેલવેના મયસૂચક સિગ્નલ જેવા ચંદલા વગરના ભાલપ્રદેશો’, ‘વૈધવ્યના યુનિફોર્મ’, ‘એનો સમય ફળોમાં ફરતી ઈયળ જેવો અંદરોઅંદર ઘૂમરાયા કરે છે ધીરે ધીરે ફળ સડવા માંડે તેમ તેનો દિવસ સડવા માંડે છે’(પૃ.૪૮), ‘વાતોથી વેક્યૂમ ભરતા હતા’(પૃ.૭૧), ‘સહુના ચહેરા કબ્રસ્તાનની બંધ કબરો જેવા’(પૃ.૭૩), ‘કોશેટો ભેદી બહાર ઊડી નીકળતા પતંગિયા પાસે શબ્દો નથી હોતા’(પૃ.૭૬) વગેરેમાં નારી મનની વ્યથા, નાવીન્યતાપૂર્વક કાવ્યાત્મક ગદ્યમાં રજૂ થઈ છે. આ ઉપરાંત ‘બોસ’, ‘સાહેબ’ જેવા શબ્દ પ્રયોગમાં પુરુષનો માલિકીભાવ દર્શાવે છે. પાત્રોનો વિકાસ સાહજિક રીતે કૃતિમાં થતો આવે છે જેમકે સર્જક એવી અનુરાધાની સર્જનપ્રક્રિયા સ્ત્રીવિષય લઈ લેખ લખવો, તોફાની એવા સ્વભાવમાં રહેલ ઠરેલ પ્રશ્નવૃતિમાં સર્જકની પાત્ર નિરૂપણકળા પ્રગટ થયા વિના રહેતી નથી. શાસ્ત્રીજીના સજાતીય સંબંધો પ્રસંગ કેમ રચ્યો એ ભાવકને અસહજ લાગે. પરંતુ, એમ પણ થાય કે કદાચ ‘સંપૂર્ણ પુરુષ’ એમ કહેતા પુરુષપ્રધાન સમાજ પર કટાક્ષ હોઈ શકે. તથા ‘વ્હાઈટી કૂતરો’, ‘માછલી’, ‘પિંજરની મેના’ નારીના મનની વ્યથાને તેના સમાંતર મૂકી આપે છે. ક્યાંક સર્જક કૃતિમાં મુખર બની ગયેલા જોવા મળે છે. તેમ છતાં આ કૃતિ ભારતીય મધ્યમ વર્ગની નારીના દાંપત્યજીવનની સમસ્યાને કેન્દ્રમાં રાખીને પોતાના અસ્તિત્વના પ્રસ્થાપનને માટે પુરુષપ્રધાન સમાજ સમક્ષ ખડી રહેતી વિરલ કૃતિ બની રહે છે.