૧
પીંડીઓના કળતર જેવો સૂરજ
કોઠાના ઝાડ પાછળથી
ડોકાયો
ત્યારે
કાગડાઓએ પંજા નીચે દાબેલા પ્રવાહને
કોચીને
ખેંચીને
ચાવવાનું શરૂ કર્યું.
બગાસાં ખાતી હવાનાં
વળ ખાતા મરોડોની
ખાંચાખૂંચીમાં
અટવાયેલા
બગલાના તીણા ચિત્કાર
અવકાશને ખોતર્યા કરે છે.
દિવસની શિરાઓમાં
સમય વહેવાનું શરૂ કરે છે;
સંકેલાઇ ગયા પછી પણ
ધીમું ધીમું ફરક્યા કરતા
વહાણના સઢની જેમ જ.
આંકડા પાડી
સમીકરણો માંડી
ગણતરીપૂર્વક
પૂરી ચોકસાઇથી
સૂરજ તસુ તસુ ચઢે છે
ઊંચે...ઊંચે...વધુ ઊંચે
ઝીણા રાગે વહેરાતી ક્ષણો
કોઇનેય
ખલેલ પહોંચાડ્યા વિના
પથરાતી જાય -
ત્વચાની પથરાળ કળચલીઓમાં
ઘર કરીને બેઠેલા
કળતરને
મીઠાના નવશેકા પાણીથી ઝારી ઉતારી દેવાય.
મેલા ઘેલા પાણીમાં
ઉતારાયેલા
દયામણા સૂરજને
ઘડીભર પંપાળી લેવાની ઇચ્છા થઇ આવે
ત્યારે-
ત્રાંસી ડોકે જોતા કાગડા
વળી પાછો કોઇ પ્રવાહ પંજા નીચે દબોચી લે છે.
તસુ તસુ
સરકતો સૂરજ
રાતવાસો કરવા
ઊતરી આવે છે
મારી પીંડીઓમાં.
૨
જેને
કોઇ પગડંડી, કેડી કે રસ્તો અડતાં નથી
એવા એ ઘરની
ખાંસતી બારીઓ
પછડાઇ પછડાઇને
હવે અધમૂઇ થઇ ગઇ છે.
બારણાં સ્થૂળ થઇ
વધતાં જ જાય છે અંદરની તરફ
ગૂંગળાઇ જતી દિવાલો
વળ ખાઇ ખાઇને જમીન ઉપર આળોટે છે.
ઘરનો અંધારો ખૂણો
એના ઝીર્ણ અવકાશમાં
વસ્ત્રો સંગોપીને બેઠો છે સભરતાનાં.
હાંફતાં વસ્ત્રોમાંથી ડોકિયાં કરતી
પરસેવાની ગંધને જેની અપેક્ષા છે
તે ઠંડી મીઠી લહરખીને
કાખમાં દબાવીને વહેતો
અંતરિયાળ પવન
એની ઘેરી યાળ ઝટકતો
હવે ચાલી ગયો છે
હથેળીઓના વેરાનમાં
અશ્મીભૂત થવાની અણી પર આવેલા
ઘરની રિક્તતાએ
છેવટે
રેલાઇને
પગદંડી, કેડી બનવા માંડ્યું છે.
૩
સ્વપ્નના પરિઘ પર
વર્તુળાતી સ્થિતિનાં સીકરો ઊડ્યા કરે
હંમેશાં દઝાડે
એવું ન બને
શીળો લેપ કરી જાય
ત્યારે ચમકી ઊઠતી
શૂન્યતાને
પાંગરે સ્નિગ્ધતાની આલીલીલી કૂંપળો.
ઊગી નીકળવાના કેન્દ્રમાં
વર્તુળાયા કરતી
ક્ષણોની ધરી
ઊંડી ઊતરતી જાય
તેમ તેમ
નકરી જમીનમાં
વધુ ને વધુ મજબૂત પકડ ધરી લે.
પછી
વિસ્તરતો વેગ
ઘૂમરાતી ચેતનાનું
ભીતરે
વધતું દબાણ
ભુલાવી દે બધું ય
અનંત કાળ સુધી.
સુસ્મિતા જોશી