Editorial - સંપાદકીય
સાહિત્યસેતુને આપના તરફથી ઉમળકાભેર આવકાર મળ્યો તેથી અમે સૌ ઉત્સાહિત થઈને આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ. પહેલા જ અંકને આઠસો ઉપર વાચકો દ્વારા વાંચવામાં આવે અને સો જેટલા વાચકો દ્વારા આનંદ વ્યક્ત કરતાં, સૂચનો આપતાં પ્રતિભાવો સાંપડે એ અમારા માટે ગૌરવરૂપ ઘટના લેખીએ છીએ. દર બે મહિને અમે આપ સૌ માટે સાહિત્યિક રચનાઓનો રસથાળ લઈને આવવા પ્રયત્નશીલ રહીશું. વિવિધ સ્વરૂપોમાં લેખન કરતાં લેખકો-કવિઓ તરફથી પણ અમને સકારાત્મક પ્રતિભાવો મળી રહ્યાં છે. હજી સિનિયર લેખકોની મુશ્કેલી એ છે કે કોમ્પ્યૂટર પર રચનાઓ મોકલવી એમના માટે અગવડરૂપ બની રહે છે. અમે પ્રયત્નશીલ છીએ કે એમની રચનાઓને આરંભના તબક્કામાં મુદ્રિત કરી આપીને પણ વાચકો માટે સુલભ બનાવવાનો પ્રયત્ન કરીએ.
વિદેશમાં વસતાં વાચકો-કવિ-લેખકોના પ્રતિભાવો પણ મળ્યાં છે. તેમ છતાં એમને પણ જાણ થાય તે માટે અમે દરેક સાહિત્યરસિક મિત્રોને આગ્રહભરી વિનંતી કરીએ છીએ કે, આપ આ ઈ-જર્નલની લિન્ક આપના વિદેશમાં વસતા મિત્રો, સ્વજનો અને ગુજરાતી કે સાહિત્યપ્રેમીઓને મોકલી આપી આભારી કરશો.
વિદ્યાર્થીઓ, સાહિત્યના અધ્યાપકો દ્વારા અમને વધારે અભિપ્રાયો, સૂચનો મળે તેવી અપેક્ષા છે. અત્યારે એમનું સર્વ સામાન્ય સૂચન એ છે કે, આઈ.એસ.એસ.એન. નંબર મેળવવો. તો એ બાબતે જણાવવાનું કે, એ પ્રોસિઝર એના અંતિમ તબક્કામાં છે અને એક-બે અંકમાં એ પ્રાપ્ત થઈ જશે. ભવિષ્યમાં ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓમાં ચાલતા સાહિત્યિક વિષયોના અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને એક અલગ જ વિભાગ ઊભો કરવામાં આવશે. પરોક્ષ રીતે શિક્ષણ આપવાનો પ્રયાસ પણ કરવામાં આવશે. આ સિવાય વિવિધ સાહિત્ય, ભાષા અને કલાઓના વિદ્વાનો દ્વારા ચલાવાતો ચર્ચા-વિમર્શ મંચ ઊભો થાય તેવી ઈચ્છા પણ છે. આ ક્ષેત્રોમાં ચાલતાં વિવિધ વિચારપ્રવાહોની વિચારણા અને જાણકારી અહીંથી મળે તે માટે વિદ્વાનોના સહકારની અમે અપેક્ષા રાખીએ છીએ.
આ અંકમાં કવિતા, વાર્તાઓ, લેખો આપવામાં આવ્યાં છે. અનુવાદકાર્યને વધારે પ્રોત્સાહન મળે તે માટે દુનિયાભરમાં કાર્યરત અનુવાદકોને આમંત્રિત કરીએ છીએ. આવો, વિશ્વની ઉત્તમ રચનાઓને વિવિધ ભાષામાં લઈ જવાનો અને એ રીતે આનંદાનુભૂતિને વિસ્તારવાનો પ્રયાસ કરીએ.
ડો. નરેશ શુક્લ
મુખ્ય સંપાદક