હું
બારીમાંનો ટૂકડો છું ; આકાશ નથી હું
ઝાંખો પાંખો અક્ષર છું ;ઇતિહાસ નથી હું
લાભ મળ્યો છે મને તમારી ઉદારતાનો
બાકી એની જાણ મને કે 'પાસ' નથી હું !
પવનના જેવી ગઝલમાં મારી અવરજવર છે
મરીઝ, બેફામ, મનોજનો કોઈ શ્વાસ નથી હું!
મનગમતા એકાદ ખૂણામાં પડી રહું છું
ઈશ્વર તારી જેમ કંઇ ચોપાસ નથી હું !
થોડાક શબ્દો થોડા સ્વરનો છે સથવારો
હું દિવાને આમ છું કોઈ ખાસ નથી હું !
કાચા પાકા પોતીકા એહસાસના સમ છે
મળ્યો પરાણે ગઝલમાં એવો પ્રાસ નથી હું !
(2)
તું નથી તો .....
આ શહેર પણ અજનબી છે ; તું નથી તો -
સાવ સુની જિંદગી છે ! તું નથી તો.
ગુમ થયો છું હું પરિચિત માર્ગ માં પણ-
જાત માહિતી ખૂટી છે! તું નથી તો.
ફૂલની દુકાન સૌ ખુલ્લી જ છે; પણ-
ખોટ ખુશ્બુની પડી છે; તું નથી તો!
ઓઢણી લહેરાય છે તો પણ હવામાં-
રંગની કેવી કમી છે! તું નથી તો.
કાનમાં ગુંજ્યા સતત હોંકારા તારા
હર કદમ પર તું મળી છે! તું નથી તો.
આ નગર તસ્વીર મારી લઇ શક્યું ના
એક છાયા સંચરી છે! તું નથી તો!
મુક્તક:
તોડી શકે તો શબ્દના કવચને તોડી નાંખ
સર્જક! પુરાના અર્થને પહેલા મરોડી નાંખ
જેમાં ફક્ત તારું જ બિંબ ભાસતું રહે
એ એક પક્ષી આઈનો હમણાં જ ફોડી નાંખ!
રિષભ મહેતા