(1)
ભીંતો બધી ફફડી ઊઠી, આ ઘર હવે મારું નથી;
બસ લાગણી ખૂટી પડી, આ ઘર હવે મારું નથી.
મૂક્યુ હજી પે’લું ચરણ, કકળાટ કરતો હીંચકો;
સંબંધની સાંકળ તૂટી, આ ઘર હવે મારું નથી.
ઘરમાં ગયો, ઊભો રહ્યો, સૂની નજર સામે મળી
આંખો પછી સાથે રડી, આ ઘર હવે મારું નથી.
પ્રત્યેક ખૂણાને મેં અડકી અડકીને પૂછ્યું હતું,
કેવી વીતી રાતો બધી, આ ઘર હવે મારું નથી.
તૂટી ગયેલા ઓટલા પર આખરે બેસી પડ્યો,
પથ્થરને પણ પીડા હતી, આ ઘર હવે મારું નથી.
(2)
બાળકનાં પગલાં જ્યારથી આગળ પડે,
હા, શક્ય છે, કે બાપને રસ્તો મળે.
ભૂલી જવાની ક્ષણ હતી, અટકી ગયા,
તારાં સ્મરણની હેલી ત્યાં આવી ચડે.
તારી જ ઈચ્છાનું આવું પરિણામ છે,
નહીંતર છલકતી આંખ આ પથ્થર બને?
માથે પડી છે જિંદગી તારા વગર,
આવી સજા તો માત્ર તું આપી શકે!
ધ્વનિલ પારેખ