જીવન-આકાશનાં વાદળોમાં રંગ પૂરાવા મથતી ઈરાની કથા ‘રંગ રંગ વાદળિયા

“ના, દીદી! હું સુંદર નથી! હું ડાઘવાળી છું! મારામાં ખોટ છે ખોટ!તમે મને ઠાલું આશ્વાસન આપો છો! ક્યાં સુધી તમે મારું મન રાજી રાખવા આવું કરશો?! ને તમે મને રાજી રાખશો પણ દુનિયાના લોકો તો પળે પળે મને,મારી મર્યાદાનું ભાન કરાવશે! કારણ કે દુનિયા તો રૂપની પૂજા કરે છે! ગુણનું કોઈ મૂલ્ય નથી,દીદી! રૂપ હોય તો પ્રેમ, લાગણી,માન ,મોભો…..બધું મળેછે ! ને રૂપ ન હોય તો ફક્ત ઠેસને ઠોકર!”

કિરીટ ગોસ્વામી કૃત ‘રંગ રંગ વાદળિયા’ લઘુનવલની નાયિકા ઈરાએ જિંદગીભર વેઠેલી વેદનાને પોતાની જિંદગીની આખરી પળે,આશ્રમનાં મૃણાલદીદીને લખેલા કાગળની માત્ર ઝલક ઉપરના વિધાનોમાં રજૂ કરી છે.આટલા વિધાનો વાંચતા જ ઈરાની મનોવ્યથા ભાવકમન-હૃદયને સ્પર્શે છે. જોકે ઈરા તો કથાના પ્રારંભથી જ ભાવકચિત્તમાં પોતાનું સ્થાન જમાવી લે છે.ઈરાની વેદના-સંવેદનાને વાચા આપવામાં કિરીટ ગોસ્વામી સુપેરે સફળ થયા છે.આ લઘુનવલ વિષે થોડી વાત કરવાનો અહીં ઉપક્રમ છે.

પ્રથમ ‘રંગ રંગ વાદળિયા’ની આકૃતિ વિષે વાત કરીએ તો આ કૃતિ કથાસાહિત્યના ‘લઘુનવલ’ પ્રકારમાં સમાવિષ્ટ છે.લઘુનવલના લક્ષણ મુજબ ‘રંગ રંગ વાદળિયા’માં પણ ઓછા પ્રકરણ, એક કે બે મુખ્ય પાત્ર,એ પાત્રના મન:સંચલનો,મુખ્ય પાત્રની વેદના-સંવેદનાનું સુપેરે પ્રગટીકરણ,ખૂબ ઓછા અને મહત્વના ગૌણપાત્રો, જરૂર મુજબના વર્ણનો,અનુરૂપ ભાષાવૈભવ- જેવા મહત્વનાં ગુણલક્ષણ ધરાવતી લઘુનવલ છે. અહીં ‘ઈરા’એ સમગ્રકથામાં પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે છવાયેલી રહે છે,અને સમગ્ર કથાનકમાં ઈરાની વેદના- ઈરાના શરીર પર રહેલો કોઢ-ઈરા પાસે સમાજને જે અપેક્ષા છે તેવું ‘રૂપ’ નથી પણ શરીર પર કોઢના ડાઘ છે અને આ ડાઘ ઈરાની વેદના બની સમગ્ર કૃતિમાં છવાયેલો રહે છે;અને આ નાનકડો કોઢનો ડાઘ માસુમ ઈરાને કઈ ચરમસીમાએ પહોચાડે છે એ જાણવું રહ્યું!આ કથામાં ઈરાનું આટલું પ્રભુત્વ હોવાથી આ લઘુનવલની નાયિકા-મુખ્ય પાત્ર ઈરા જ છે એવું મારું માનવું છે.પછી ભલે પ્રકરણ ૧ થી ૧૦ માં જયદેવ પ્રત્યક્ષ  હોય કે ૧૧થી૧૫ પ્રકરણમાં સચીન પ્રવેશ પામતો હોય.મારા મતે જયદેવની જે મનોવ્યથા છે તે પોતાની વિદ્યાર્થીની ઈરા તરફની લાગણીને કારણે –ઈરાની સતત ચિંતાને કારણે અનુભવે છે. મારો કહેવાનો મતલબ એ છે કે કથામાં પ્રત્યક્ષ જયદેવ ભલે હોય પણ જયદેવના મનમાં તો ઈરા જ હોય છે! એવું જ સચીનની બાબતમાં છે.આ બાબતોને કારણે કહી શકાય કે ‘રંગ રંગ વાદળિયા’નું પ્રમુખપાત્ર ઈરા જ છે. હવે આપણે આ કૃતિના ભાવવિશ્વ તરફ દૃષ્ટિ કરીએ.

આઠમાં ધોરણમાં અભ્યાસ કરતી ઈરા જીવરાજ અને તરલાની દીકરી છે.દારૂડિયો બાપ અને રૂપનો વેપાર કરતી મા.આ બેની વચ્ચે પોતાનું અસ્તિત્વ ટકાવવા મથતી ઈરા.પણ ઈરાને આ મા-બાપ દૂર દૂર હડસેલી દે છે.કથાના પ્રથમ પ્રકરણમાં જ ઈરાનો પ્રવેશ થાય છે.વરસાદી માહોલ, સ્કૂલમાંથી વિદ્યાર્થીનીઓને વહેલી રજા,અચાનક સ્કૂલના પટ્ટાવાળા રામજીનું જયદેવસાહેબને બોલાવવા આવવું કારણ કે જયદેવના ક્લાસની એક છોકરી હજુ વર્ગમાં બેઠી છે-ઘેર નથી ગઈ.અનેક અટકળો કરી જયદેવ ક્લાસમાં જાય છે તો નીચું મો કરીને બેઠેલી ઈરાને જુએ છે.જયદેવે પૂછેલા સવાલોના જવાબ આપવાના બદલે ઈરા બારીના સળિયા પકડીને બહાર આકાશ તરફ જોવા લાગે છે.જયદેવના ફરી ફરી પૂછાયેલા સવાલના બદલામાં તે બારીના સળિયા કચકચાવીને પકડી રાખે છે અને બોલે છે, ‘મારે નથી જવું, મારે ઘેર !’ અહીં ઈરાનો દૃઢનિશ્ચય  અને  પોતાના મા-બાપ તરફનો રોષ દેખાય આવે છે.ઈરા સાથેના થોડા વાર્તાલાપથી જયદેવ ઈરાની મન:સ્થિતિથી જ્ઞાત થાય છે. જયદેવ ઈરાને ઘરે જવા મનાવે છે ત્યારે ઈરા- જયદેવ વચ્ચેના એ સંવાદ જોઈએ:

જ.-‘પણ શા માટે?! શા માટે તારે,તારા ઘેરે નથી જવું?!’

ઈ .- ‘બસ , નથી જવું, નથી જવું ને નથી જવું!’

જ.-‘ પણ કોઈ કારણ તો હોયને, બેટા! ત્યાં ઘેર , તારા મમ્મી અને પપ્પા , તારી રાહ-’

ઈ.- ‘નામ જ ના લેશો, મમ્મી કે પપ્પાનું તો!  તમને ખબર છે સર! મારા મમ્મી અને પપ્પા કેવા છે?! સાવ       ગંદા છે, ગંદા! મને રોજ રોજ ખુબ મારે છે!’

જ.-‘એ તો તું તોફાન કરતી હોઈશ એટલે મારે કે વઢે!’

ઈ.-‘ના, ના,હું તોફાન કરતી જ નથી!તોય મને માર પડે છે,સાવ વગર વાંકે જ સર!’

જ.-પણ તારો કઈ વાંક તો હશેને, ઈરા! મમ્મી-પપ્પા સાવ વિના વાંકે તને સજા કરે એવું તો ક્યાંથી બને?!  (જયદેવની આ વાત સંભાળીને ઈરાએ ફટ દઈને પોતાનો દુપટ્ટો હટાવીને ગરદનનો ભાગ બતાવતા કહ્યું)

ઈ .- ‘આ મારો વાંક છે,સર! આ કોઢ!’

અને જયદેવને ખ્યાલ આવે છે કે ઈરાને કઈ સમસ્યા છે? એને આ જીવાતા જીવનમાં ક્યાં સમસ્યા છે?ઈરાને આ જ સમાજના લોકો દ્વારા કાબરી ડાકણ, કોઢણી જેવા અણગમતા નામ મળે જ છે, એટલે જ એને આ સમાજ તરફ તિરસ્કાર છે.બીજા દિવસે ઈરાનું સ્કૂલે ન આવવું, ઈરાનું ઘર શોધતા-શોધતા જયદેવનું ત્યાં જવું, ઈરાની મા તરલાને મળવું,તેનો હલ્કો અને છીછરો વ્યવહાર તથા ઈરા તરફની તેમની માનસિકતા જયદેવને  અને સાથે સહૃદય ભાવકને પણ હચમચાવી નાખે છે.છેલ્લે જયદેવ તરલાને પૂછે છે,

‘તો હવે તમે શું કરશો ઈરાનું?!’

તો તરલા બેફિકરાઈથી થી કહે છે:

‘કરવાનું શું હોય?! કોઈ આશ્રમ-બાશ્રમમાં મૂકી આવીશું! એટલે કાયમની બલા ટળે !’

 તરલા કશાય છોછ વિના,મો મરડતાં આવું બોલે છે,ઈરા તરફ તરલાની વિચારધારા જ કૈક એવી છે કે એને ‘કોઢ’ છે એટલે એ સાવ નકામી! ‘મા’નું આ પણ એક ‘રૂપ’ છે !

સતત વરસતો  વરસાદ બંધ થયો ને ઉઘાડ થાય છે.જયદેવને ખબર પડે છે કે ઈરા પોતાની સ્કૂલમાંથી નામ કઢાવી નાખ્યું છે અને ઈરાને હવે ક્યાંક આશ્રમમાં મૂકી આવવાના છે.હવે જયદેવની મનોવ્યથા ચરમસીમાએ પહોચે છે.જયદેવના એકેએક વર્તન-વિચારમાં ઈરાની ચિંતા જ રહેલી જણાય છે. સ્ફૂલ નો સ્ટાફરૂમ હોય કે ચૂંટણીમાં પ્રિસાઇડિંગની ભૂમિકામાં હોય.આખરે ચૂંટણીબૂથ પર એક સ્ત્રીએ તેડેલી બાળકી પર જયદેવ ની નજર પડે છે.એ નાનકડી બાળકી પણ કોઢ નો ભોગ બનેલી હોય છે, અને અચાનક જયદેવને ઈરાનો વિચાર આવે છે, ઈરાના વિચારમાં ખોવાઈ જાય છે, ઈરા ક્યાં હશે?કઈ હાલતમાં હશે? આમાં જયદેવ દ્વારા મતદાનની કામગીરીમાં કૈક ભૂલ થાય છે.ઉપરી અધિકારીઓ દ્વારા જયદેવને ચૂંટણીની કામગીરી ઉપરાંત જયદેવને  શિક્ષક તરીકેની ફરજમાંથી છૂટો કરવામાં આવ્યો.જયદેવના માથે વજ્રાઘાત પડ્યો, સૂનમૂન જયદેવ ઘરે આવતા માતા –પિતા દ્વારા પૃચ્છા થતા અંતે જયદેવ ખરી હકીકત બતાવે છે. આ આઘાત એના પિતા સહન કરી શકતા નથી ને જયદેવ અને એની માને નોધારા છોડી પિતા અનંતની વાટ પકડે છે.

 આગળના પ્રકરણોમાં સચીનનો પ્રવેશ થાય છે.વકીલ દેવયાનીનો આ પુત્ર હોસ્ટેલમાં રહી ભણે છે. હોસ્ટેલમાં રહી ભણતાં નબીરા જેવા બધા જ ગુણ-અવગુણ આ ‘સચીન’માં છે.એનામાં સારી બાબતો પણ છે કે એ ઈરાને પ્રેમ કરે છે,ઈરામાં રહેલા ગુણ ને તે જુએ છે.સચીનના મમ્મી આજ એને મળવા વિદ્યાનગર આવે છે, ઘણી વાતો પછી સચીન મા દેવયાનીને ઈરા સાથેના તેના પ્રણય અને એની સાથે જીવન વિતાવવા  વિષે વાત કરે છે અને રાતે ઈરાને (ઈરા ના જન્મદિવસે)મળવા બોલાવે છે.ઈરા આવતા જ દેવયાની તેની નજીક ગઈ, કંઈક બોલવા ગઈ પણ ઈરાના ચહેરાને જોઈને તેનો બધો જ ઉત્સાહ ઓસરી જાય છે, કારણ કે તે ઈરાના ચહેરા પર કોઢના ડાઘ જુએ છે અને દેવયાનીનો ગુસ્સો આસમાને પહોંચે છે અને તેનો ‘રૂપ’ ને પ્રાધાન્ય આપતો અભિગમ  સચીન સાથેના સંવાદમાં દેખાય આવે છે :

દે.-‘સચીન ! તું તો કહેતો હતો,કે ઈરા ખૂબ જ સુંદર છે! પણ આ તો-’

સ.-‘તો ઈરા સુંદર જ છે ને, મમ્મી!’

દે.-‘સુંદર?આ કોઢણી છોકરી ,તને સુંદર લાગે છે? સચીન,તારું ચસકી તો નથી ગયુંને?!

સ.-‘મમ્મી!મમ્મી! આ તું શું બોલે છે? આ તો ઈરાનું અપમાન કહેવાય!’

દે.-‘અપમાન?! અરે,તારીપસંદની આ છોકરી માન આપવાને લાયક છે જ ક્યાં? આવડી મોટી દુનિયામાં તને,આ કોઢવાળી છોકરી જ મળી,પ્રેમ કરવા માટે?! તું આટલો રૂપાળો છે,દેખાવડો છે ને આપનો મોભો?! જરા તો વિચાર કરવો હતો તારે! અરે,હું શોધી દેત તને સુંદરમાં સુંદર છોકરી!’

સ.-‘ઈરા સુંદર જ છે,મમ્મી!’

દે.-‘શું ધૂળ સુંદર છે આ છોકરી?! આવી કોઢણીને તું સુંદર કહે છે?! તને એના ચહેરા પરના ડાઘ દેખાય છે કે આંધળો છે તું?!’

સ.-‘ડાઘ ઈરાના શરીર પર છે,મમ્મી! તેના દિલમાં તો કોઈ ડાઘ નથી! દિલથી તો તે ખૂબ જ સારી છે! અને શરીરની સુંદરતા તો તકલાદી હોય છે!એવી સુંદરતા દેખીને કરવામાં આવતો પ્રેમ પણ ખોખલો જ હોય છે,મમ્મી!’

અહીં દેવયાનીના સંવાદ દ્વારા આપના સમાજ માં વસ્તી ‘દેવયાનીઓ’ નું પ્રતિનિધિત્વ કરતી જણાય છે. એના જ પુત્ર સચીનના વિચાર,વાણી,વર્તનમાં ઈરા તરફનો શુદ્ધ-સાત્વિક પ્રેમ  પમાય છે.

દેવયાનીની સમાજમાં સોસાયટીના લોકોમાં આવી કોઢણી વહુ હોવાથી કેવી છાપ પડશે? શું જવાબ આપીશ સોસાયટી નાં લોકોને? જેવા વાહિયાત પ્રશ્નોથી સચીનને ધમકાવે છે,સચીનને તમાચો પણ લગાવી દે છે.ને અંતે ઈરાને ત્યાં સુધી કહે છે કે,

”અરે, એક વાર તારું મોઢું તો જોઈ લેવું હતું અરીસામાં ! તારા જેવી કોઢણીને તો હું કામવાળી તરીકે પણ પસંદ નાં કરું! ને તું છેક મારા ઘરની વહુ બનવાના સપના જોવા લાગી?”

 દેવયાનીનો રોષ-સચીનનાં લગ્ન બાબતે પોતે શું વિચારતી હતી તે બધું સાંભળી સચીનનો જવાબ રસપ્રદ છે: “મારા અને ઈરાનાં અરમાનો નું શું? મારો વાંક તો માત્ર એટલોજ છે કે મેં જે છોકરીને પ્રેમ  કર્યો તેની ચામડી ગોરી નથી?!” પણ દેવયાની કહે છે આ એક રોગ છે. સચીન કેટલું કરગર્યો પણ દેવયાની કશું ગણકારતી નથી અને નિરાશ વદને સચીન ઈરા સામે જોયા વગર ત્યાંથી જતો રહ્યો.અહીં  લેખકે ઈરાને કશો જ પ્રતિભાવ કે પ્રત્યુત્તર આપતી બતાવી નથી.અહીં ઈરા શાંત છે,ઈરા ની આ શાંતિ યુદ્ધ પહેલાની શાંતિ જેવી છે.

ભાવકોને એ કૂતુહલ અવશ્ય રહે છે કે  ઘણા વખત થી ગાયબ ઈરા સચીનને કેવી રીતે મળી? ભાવકોની આ જિજ્ઞાશા લેખકે પ્રકરણ ૧૩ માં એક સુંદર પ્રયુક્તિ અજમાવીને સંતોષી છે.અને એ છે ફ્લેશબેક પ્રયુક્તિ. સિગારેટ સળગાવી,ઊંડો કસ લઈ,ધુમ્રસેર હવામાં ફેંકતો સચીન આકાશ તરફ જોઈ રહે છે અને હૃદયનાં ઊંડાણમાંથી ‘ઈરા’ એવો ઉદ્ગાર સરી પડે છે અને ઈરા સાથેની પ્રથમ મુલાકાતથી માંડીને આજ સુધીની વાતો તેના મનમાં ઘુમરાય છે. સચીનને આ બધું બેચેન બનાવી દે છે.ભાવકોને આ પ્રકરણથી  ખબર પડે છે  કે જીવણે વેચી દીધેલી ઈરા આઠ-આઠ વર્ષથી ક્યા હતી?સચીનનાં આ ફ્લેશબેકમાં આ બધી વાતની ખબર પડે છે.અહીં ફ્લેશબેક પ્રયુક્તિ ધ્યાનાર્હ છે.

 પોતાના દિલનાં દર્દથી ત્રસ્ત સચીન જિંદગીને પૂર્ણ કરવાના વિચારથી રેલ્વે સ્ટેશન પહોચે છે.રેલ્વેનાં પાટા તરફ જોરથી દોડવું,ટ્રેનનું નજીક આવવું અને અચાનક પાછળથી કોઈનું પકડવું-આ પકડનાર- સચીનનો જીવ બચાવનાર બીજું કોઈ નહિ પણ સચીન જેને ખૂબ આદરભાવથી જોતો હતો તે જ ‘બાબા’ હતા. સચીને આ બાબાને શહેરમાં ઘણી વાર જોયેલા હતા, તેમને કંઈ ને કંઈ મદદ પણ કરતો હતો, અને તેમના પ્રત્યે સચીનને હકારાત્મક ભાવ પહેલી મુલાકાતથી જ હતો અને આ જ બાબા તેને બચાવે છે. જિંદગીથી હારેલા સચીનને જિંદગીની વાસ્તવિકતા વિષે આ બાબા ઊંડાણથી સમજાવે છે.ઘણા વાર્તાલાપ પછી બાબા ચૂપ થઈ જાય છે તો સચીન બાબાને પૂછે છે  કે ‘શું વિચારો છો બાબા? ક્યાંક તમે પણ મારી જેમ,જિંદગીથી હારી તો નથી ગયા ને?!’ પ્રત્યુત્તર માં બાબા કહે છે: ‘હાર્યો તો ઘણું છું,બેટા! પણ જિંદગીથી નથી હાર્યો!’  બંને ના વાર્તાલાપથી બાબાની ખરી ઓળખ થાય છે,આ તો આઠ-આઠ વર્ષથી ઈરાની શોધમાં ભટકી રહેલા ‘જયદેવસર’ છે.સચીન હવે જયદેવને  ઈરાને મળ્યા ત્યારથી આજ સુધીની બધી માંડીને વાત કરે છે.સચીન –ઈરાનું કાયમી મિલન કરાવવાનું જયદેવ વચન આપે છે અને  જયદેવ ઈરાના આશ્રમમાં જવાની ઉતાવળ કરે છે…કારણ જે વ્યક્તિની શોધમાં આ ભેખ ધર્યો એના આજ સગડ મળ્યાં  છે.આઠમાં ધોરણમાં ભણતી,કોઢના ડાઘવાળી, મા-બાપ દ્વારા વેચાયેલી, અમદાવાદથી શબનમબાનુના હાથથી ભાગેલી ઈરા અજાણી ટ્રેનમાં ચડી જાય છે અને ટ્રેનમાં ‘હરે રામ હરે કૃષ્ણ અનાથાશ્રમ’ ના સંચાલિકા મૃણાલદીદીનો મેળાપ થતા દીદી ઈરાને આશ્રમમાં લઈ આવે છે અને સમય જતા ઈરા ‘આનંદ ફાઈન આર્ટ કોલેજ’ માં કલાત્મક ચિત્રો બનાવી ,યુવા ચિત્રકારોમાં પોતાનું સ્થાન જમાવી લે છે. આ ‘ઈરા’ ને મળવા-લેવા એના ગૂરૂ અને ભાવિ ભરથાર આશ્રમમાં આવે છે. બંને સીધા જ ઈરાના રૂમવાળી લોબીમાં જાય છે, જ્યાં મૃણાલદીદી પણ ઈરાને મનાવવા તતેના રૂમનું બારણું ખખડાવતા હોય છે…ઘણા પ્રયાસો છતાં બારણું ન ખુલ્યું,છેવટે બારણું તોડી નાખ્યું,બધા ઈરાની અંધારી રૂમમાં પ્રવેશ્યા,ટ્યુબલાઈટ શરુ કરી અને ત્રણેયની નજર છત તરફ ચોટી ગઈ! કારણ હસતી-કૂદતી-રમતી ઈરા, આનંદ ફાઈન આર્ટ કોલેજમાં ભણતી અને સુંદર ચિત્રો દોરતી ઈરા, જિંદગીરૂપી આકાશના વાદળોમાં રંગ પૂરવા મથતી ઈરા લાશ બનીને છત પરના પંખામાં લટકતી હતી! જોનારા ત્રણેયની ચીસ ફાટી ગઈ.ઈરાના પલંગ પર ઈરાએ મૃણાલદીદીને લખેલો કાગળ નજરે પડે છે,જેનથી આપને સુવિદિત છીએ..ઈરા પોતાના મા-બાપ, જયદેવસર, દેવયાનીઆન્ટી, સચીન વગેરેનો જુદા-જુદા સંદર્ભે આ કાગળમાં ઉલ્લેખ કર્યો છે.ઈરાના જીવનમાં આ વ્યક્તિઓએ શી ભૂમિકા ભજવી છે એ આપણે જાણીએ છીએ.

ઈરા આ સ્ટેજસુધી કેમ પહોંચીએ ભાવકો સુપેરે સમજે છે. એ માટે જવાબદાર કહેવાતો ‘સુંદર’ સમાજ છે, જે ‘કોઢણી’ છોકરીને સ્વીકારવા તૈયાર નથી, આ સમાજને ‘ગુણવાન’ વ્યક્તિની કદર નથી, એને તો ‘સ્વરૂપવાન’ વ્યક્તિનો જ મોહ છે.આ જ માન્યતાનો ભોગ ઈરા બની છે. રૂપ અને ગુણની સતત તુલના આ કૃતિમાં થતી રહે છે, અને ‘ગુણ’ને અંતે આપઘાત કરવાનો વારો આવે છે-આ સમાજ જ  એને આપઘાત કરવા મજબુર કરે છે. જીવણ-તરલા હોય કે દેવયાની-શબનમબાનુ કે શેરીવાળા સુધામાસી યા કોકિલામાસી. બધા આ ‘સુંદર’ સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. આપણે પણ વિચારવું જ રહ્યું કે આપણી જ આસપાસની કોઈ ‘ઈરા’ સાથે આવો વર્તાવ નથી કરતાને? જેનાથી એના આત્માને ઠેસ પહોંચે !

 ‘રંગ રંગ વાદળિયા’નું બીજું મહત્વનું પાત્ર છે જયદેવસર. ભાવુકહૃદયના આ શિક્ષકે પણ જિંદગીમાં ખૂબ જ ચઢાવ-ઉતાર જોયા છે, ખૂબ વેઠયું છે. વિદ્યાર્થીઓ પ્રત્યે સારો વ્યવહાર, હંમેશા બધા વિદ્યાર્થીઓની મદદ માટે તૈયાર રહેવું વગેરે તેમના લોહીમાં છે.એક આદર્શ શિક્ષકની પરિભાષામાં આવી શકે એવા છે આ જયદેવસર !લગ્નજીવનના પ્રારંભમાં જ પોતાની પત્ની વિશ્વા સાથે અંબાજી ફરવા ગયા ને રોપ-વે અકસ્માતમાં પોતાની પ્રાણપ્રિયાને ગુમાવે છે.માંડ પોતાના જીવનમાં સ્થિર થાય છે ત્યાં પોતાની આઠમાં ધોરણની વિદ્યાર્થીની ઈરાની બાબત નજરે ચડે છે અને ઈરા સાથે જે બન્યું છે- બનવા જઈ રહ્યું છે એનાથી જયદેવ વિહ્વળ થઈ જાય છે. જયદેવને વારંવાર સાથી શિક્ષકો કે આચાર્યનું સંભાળવું પડ્યું છે. ક્યારેક પોતાના ભાવુક સ્વભાવના કરને હાસ્યાસ્પદ પણ બનવું પડ્યું છે. હદ તો ત્યારે થાય છે કે કોર્પોરેશનની ચૂંટણીમાં નાનકડી ભૂલ થતા નોકરીમાંથી સદાયને માટે હકાલપટ્ટી !!! આ આઘાતથી  પિતાનું મૃત્યુ, થોડા મહિના પછી મા ને હરિદ્વારની યાત્રાએ મોકલ્યા પણ માએ તો ગંગામાં જળસમાધિ લઈ લીધી હતી…હવે વધ્યો માત્ર જયદેવ, બાબાના વેશમાં રખડતા-ભટકતા જયદેવને વર્ષો પછી સચીનનો મેળાપ થાય છે, ઈરાને મળવાનું ગોઠવાય છે પણ કમનસીબ જયદેવ જેને શોધવા આઠ-આઠ વરસ થી ભટકે છે તે ઈરાને જયદેવ જુએ છે પંખા સાથે લટકતી લાશરૂપે!!જયદેવ માટે સહાનુભૂતિના ક્યા શબ્દ વાપરવા એ જ વિચારવું રહ્યું! જયદેવ-ઈરાના પવિત્ર સંબંધ સંદર્ભે પ્રકરણ-૭માં ઈરાએ સરને લખેલો પત્ર મહત્વનો છે. ઈરાએ પત્રમાં જયદેવને પોતાના સ્વપ્નની વાત કરી અને આગળ લખે છે: ‘અત્યારે પપ્પા મને ક્યાંક લઈ જવાના છે-એટલે આ ડાયરી તમે સાચવજો! હું પાછી આવીશ ત્યારે લઈ જઈશ! મને થયું કે,મારા આ સપનાની વાત બીજા કોને કહું?! તમે મારા સારા સર છો એટલે તમને કહ્યું! તમે મને મદદ કરશો તો હું,પેલી ધોળી વાદળીઓને રંગોથી ભરી દઈશ! તમે મને મદદ કરશોને,સર?! -તમારી ઈરાનાં પ્રણામ.’

‘રંગ રંગ વાદળિયા’ લઘુનવલના બે પ્રધાન પાત્રો – જયદેવ અને ઈરા-બંનેને આ જિંદગી પાસેથી  કશું જ સાંપડતું નથી.આ કથાનું અન્ય મહત્વનું ચરિત્ર સચીન પણ જિંદગીમાં જેને પ્રેમ કરતો,જેનો  સાથ જીવનભર  ઝંખતો એ વ્યક્તિને મેળવી શકતો નથી. આ છે વિધિની વક્રતા!  આ ત્રણેય પાત્રોના આલેખનમાં લેખક સફળ થયા જ છે, સાથે સાથે ગૌણ પાત્રોના આલેખનમાં લેખક એટલા જ સફળ થયા છે. આ લઘુનવલનો વિષય જ નાવિન્યસભર છે.વિષયનાવિન્યતા, ધારદાર સંવાદો,સ્પષ્ટ-સુરેખ પાત્રાલેખન, વેગવાન વાર્તાપ્રવાહ જેવી બાબતો આ કથાને વધુને વધુ આસ્વાદ્ય બનાવે છે, ભાવકને એકી બેઠકે વાંચી જવા મજબુર કરે એવી આ કૃતિ છે જ એમાં બે મત નથી.કૃતિમાં ક્યાંક જિંદગીની ફિલસુફી કે સ્થળ-કાળનું બિનજરૂરી વર્ણન ક્યારેક ખૂંચે છે પણ આટલી સફળ કૃતિમાં એ ઝડપથી નજરે પડતું નથી. સમગ્રતયા જોઈએ તો ‘રંગ રંગ વાદળિયા’ લઘુનવલ દ્વારા કિરીટ ગોસ્વામી સાહિત્યકલાના મહત્વના બધા જ પ્રયોજનો સિદ્ધ કરે જ છે અને સાથે સમાજને એક સુંદર ‘મેસેજ’ પણ આપે છે.


સંદર્ભ ગ્રંથ:

  • ‘રંગ રંગ વાદળિયાં’ (લઘુનવલ)[૨૦૧૨]   લેખક- કિરીટ ગોસ્વામી

પ્રા.વિપુલ ગણેશભાઇ  કાળિયાણિયા, વ્યાખ્યાતા સહાયક ગુજરાતી, ગુજરાતી વિભાગ, સરકારી વિનયન કોલેજ,ચોટીલા  જિ. સુરેન્દ્રનગર

Print Friendly, PDF & Email

Leave a Comment