ગીતા હિન્દુસ્તાનનું કુરાન છે અને કુરાન અરબસ્તાનની ગીતા છે

ખૂબુલ્લાહ શાહ કલંદરનું એક વાક્ય હૃદયપૂર્વક સ્પર્શી ગયું “ સત્ય આ છે કે એક જ બ્રહ્મનાદ સકળ બ્રહ્માંડમાં ગુંજી રહ્યો છે. ગીતા હિન્દુસ્તાનનું કુરાન છે અને કુરાન અરબસ્તાનની ગીતા છે “ પંડિત સુંદરલાલ લિખિત ‘ગીતા અને કુરાન’ નો અનુવાદ ગોકળભાઇ દૌલતભાઇ ભટ્ટે કર્યો છે, અને તેમાં ટાઇટલ પેઇઝ પર આ વાક્ય ટાંકેલું છે. ગૂજરાત વિદ્યાપીઠઃ અમદાવાદના પુસ્તક વેચાણ કેન્દ્ર પરથી નવજીવન પ્રકાશન મંદિર દ્વાર પ્રકાશિત ‘ધર્મોને સમજો’ એવા સાત પુસ્તકનો સેટ લાવી એમાંથી તરત જ ‘ગીતા અને કુરાન’ પુસ્તક આખુંય એક જ બેઠકે વાંચી જવાયું. અને તેમાંનો કેટલોક અંશ અહીં લખવાની ઇચ્છા થઇ આવી.

દુનિયાના જુદા જુદા છ મુખ્ય ધર્મો, ધર્મની વ્યાખ્યા ઉપરાંત ગીતા અને કુરાન વચ્ચેનું કેટલુંક સામ્ય અહીં રજૂ કરવામાં આવ્યું છે. શરૂઆતમાં જ કબીરજીનો એક દોહો આપવામાં આવ્યો છે –

हिन्दू कहैं राम मोहिं प्यारा,
तुरुक कहैं रहिमाना ;
आपस में दोअु लरि लरि मूअे
मरम न काहू जाना.

ધર્મના નામે ચાલતા પાખંડ અને વ્યભિચાર ઉપરાંત વૈમનસ્ય દ્વારા ફેલાતા કોમવાદ પર ગંભીર કટાક્ષ કરે છે. પણ આખરે ધર્મનું સ્વરૂપ સમજી અને તેનો સાર પ્રત્યેક મનુષ્યને આવા પુસ્તકો અને તેના ઉપદેશ દ્વારા સમજાવી શકાય છે.

‘ધર્મ’ શબ્દ સંસ્કૃત ‘धृ’ ઉપરથી થયો. તેનો અર્થ ધારણ કરવું અથવા સાંધી દેવું એવો છે, મનુષ્યને જુદા પાડતા રોકે તેનું નામ ધર્મ. સંસ્કૃત પુસ્તકોમાં પણ ધર્મનો આ જ અર્થ આપવામાં આવ્યો છે.

“ ધર્મ શબ્દ ધારણ કરવા સાથે સંબંધ ધરાવે છે. તેનો અર્થ સાંભળી રાખવું કે સાંધી દેવું એવો છે. ધર્મથી સૌ સાવધ રહે છે તથા મળતાં રહે છે. જે કાર્યથી સર્વ લોકો એકમેક સાથે સંકળાયેલા રહે તે જ સાચો ધર્મ છે. સર્વના ભલા માટે ધર્મને વર્ણવવામાં આવ્યો છે. જે કાર્યથી સર્વનું કલ્યાણ થાય તે જ મૂળમાં ધર્મ છે. કોઇપણ પ્રાણીને દુઃખ કે નુકસાન ન પહોંચે તેવું ધર્મનું વર્ણન છે. જે કાર્યથી કોઇને પણ હાનિ ન પહોંચે તે જ સાચો ધર્મ છે. જે મનુષ્ય સૌનું ભલું ચાહે છે તથા સૌના કલ્યાણનાં કામોમાં કાયા, વાચા અને મનસા મંડ્યો રહે છે, હેજાજલે ! તે જ ધર્મને જાણવાવાળો છે.” ( -મહાભારત )

‘મજહબ’ શબ્દનો અર્થ છે ‘માર્ગ’. જે રસ્તો સહુની ભલાઇનો છે તે જ સાચો ધર્મ-મજહબ છે.

‘સાચોસાચ તમે સૌ મનુષ્યો એક જ પ્રજાના છો, અને એક જ પ્રભુ તમારો માર્ગદર્શક છે, તેથી તેની પૂજા કરો. લોકોએ પોતપોતાના વાડાઓ બાંધ્યા છે. પણ સહુને એક જ પ્રભુ પાસે જવાનું છે.’( કુરાન, અમ્બિયા, 92-93 )

એકવાર મહંમદ સાહેબને કોઇએ પૂછ્યું : ‘ધર્મ શું છે ?’ એમણે ઉત્તર આપ્યો : ‘ધીરજથી સહન કરવું અને બીજાઓનું કલ્યાણ કરવું તે. ”  (અહમદ)

મહંમદ સાહેબની એક બીજી ઉપદેશ કથા છે :

“ સકળ સૃષ્ટિ પ્રભુનું કુટુંબ છે. જે આખા કુટુંબનું ભલું કરે છે તે પ્રભુને વહાલો છે ”  (બેહકી)

અંગ્રેજી શબ્દ ‘રિલીજયન’ જે ધાતુ ઉપરથી નીકળ્યો છે તેનો અર્થ છે ‘બાંધવું’. જે વસ્તુ એકબીજાને બાંધી રાખે છે તે જ ધર્મ (રિલીજયન).

આ રીતે ધર્મ, મજહબ કે રિલીજયનની મોટામાં મોટી આવશ્યકતા તથા તેનું મોટામાં મોટું કામ મનુષ્ય માત્રને આપસની ફૂટથી, લડાઇ ઝઘડાથી બચાવે ; તેમને કુટુંબીજનોની જેમ પ્રેમને દોરે બાંધી રાખે તથા પરસ્પર સાથે વ્યવહાર કરવાનો, રહેણી કરણીનો અને જીવન ગુજારવાનો એવો સિદ્ધાંત તથા એવો નિયમ દાખવે જેથી સૌનું કલ્યાણ થાય. તે નિયમ કે સિદ્ધાંત સદગુણના માન્ય સિદ્ધાંતો છે. જેનો દુનિયાના સર્વ ધર્મોએ અને તેને સ્થાપિત કરનારાઓએ તથા જણાવનારાઓએ આરંભથી આજ સુધી કસરખો આગ્રહ રાખ્યો છે.

આજે દુનિયામાં અનેક ધર્મો અને સંપ્રદાયો છે પણ આ સહુમાં છ ધર્મોની ખાસ ગણતરી કરવામાં આવી છે. તેમાં સૌથી પ્રથમ સ્થાપિત થયેલ હિંદુ ધર્મ અને સૌથી છેલ્લે સ્થપાયેલ ઇસ્લામ ધર્મ. આ સિવાયના અન્ય ધર્મોમાં યહૂદી, પારસી, બૌદ્ધ અને ઇસાઇ અથવા ખ્રિસ્તી. આ છ ધર્મોના ધર્મગ્રંથોમાં હિંદુઓનો ત્રિપિરક, ઇસાઇઓનું બાઇબલ અને ઇસ્લામોનું કુરાન.

આ છ પવિત્ર ગ્રંથોને સાથે રાખીને જો શ્રદ્ધાથી વાંચવામાં આવે તો તેમાં દર્શાવેલ મૂળભૂત વાતો એકસરખી મળી આવશે. ક્યાંક ક્યાંક તો એમાંના કથા, વાર્તા, પ્રસંગો અને ભાગો મળતા આવે છે. આ ધર્મોની દરેક શાખા પોતપોતાના સ્થળકાળમાં સત્યની શોધ કરનાર કરોડો આત્માઓને શાંતિ, શીતળતા તથા આશરો દેતી રહી છે.

ભારતમાં ગીતાનો તથા આરબ દેશમાં કુરાનનો ઉપદેશ જે સંજોગોમાં આપવામાં આવ્યો હતો તે એકબીજાને મળતા આવે છે. મહાભારતમાં કૌરવો તથા પાંડવો વચ્ચે યુદ્ધ થયું હતું ; લડનારા એક જ કુટુંબના હતા તથા એક જ દાદાના પૌત્રો હતા. એ જ પ્રમાણે કુરાનમાં મુસલમાન તથા ગૈરમુસલમાન વચ્ચેની લડાઇની જે વાત છે તે આરબ દેશના એક જ મોટા તથા પ્રસિદ્ધ કુરેશ કુટુંબના સંતાનોની છે. ‘કુરેશ’ અને ‘કુરુ’ એ બંનેમાં માત્ર શાબ્દિક માત્ર શાબ્દિક નહીં પણ ઐતિહાસિક સામ્ય છે.

જે રીતે કૌરવોએ પાંડવો પર જુદી જુદી જાતનો કેર વર્તાવ્યો તથા એમને દુઃખો દીધા. એમની મિલ્કત પડાવી લીધી, તેમને ઘર અને વતનથી બહાર કાઢી મૂક્યા, ઘરને આગ લગાડી તથા ઝેર પાવાની કોશિશ રી તે જ પ્રમાણે મક્કાના કુરેશોએ મહંમદ સાહેબને તથા તેમના સગાં સંબંધીઓ કે જેમણે મહંમદ સાહેબના ઉપદેશોને કારણે જૂના ધર્મને છોડીને ઇસ્લામનો સ્વીકાર કર્યો તે સર્વને લગભગ તેવી જ (પાંડવ જેવી) યાતનાઓ આપી હતી.

યુદ્ધ માટે જે પ્રમાણે શ્રીકૃષ્ણએ અર્જુનને સમજાવ્યા હતા : “   જો તું લડાઇમાં માર્યો જઇશ તો સ્વર્ગને પામીશ ને જો તું યુદ્ધ જીતીશ તો પૃથ્વીનું રાજ્ય ભોગવીશ  ” (2.37) તે જ પ્રમાણે મુસલમાનોને કુરાનમાં કહેવામાં આવ્યું છે : “જે ઇશ્વરને રસ્તે લડતાં લડતાં મરી જાય કે જીતે, તેને અલ્લાહ બહુ મોટો બદલો આપશે” (નેસાય, 74). ગીતામાં ધર્મ અને ન્યાય માટેની લડતને ‘ધર્મયુદ્ધ’ કહેવામાં આવ્યું છે. કુરાનમાં ધર્મરક્ષણાર્થે અને ન્યાય માટેના યુદ્ધને ‘के ताल की सबलल्लाह’ અથવા ‘અલ્લાહને રસ્તે લડવું’ એમ કહેવું છે.

ગીતા અને કુરાનના કેટલાક સિદ્ધાંતોનું અવલોકન અહીં એક વાક્ય દ્વારા રજૂ કરવામાં આવ્યું છે.

ગીતામાં ઇશ્વરને કેટલીક જગ્યાએ ‘પ્રકાશમાંનો પ્રકાશ’, ‘ચંદ્ર અને સૂરજનો પ્રકાશ’, જ્યારે કુરાનમાં ‘પ્રકાશો પર પ્રકાશ’, ‘ધરતીનો તથા આકાશનો પ્રકાશ’ કહ્યો છે. ઇશ્વરના પરિચય માટે ગીતામાં “ જનસમાજને અંધકારમાંથી અજવાળામાં લઇ જાય છે.” (10-11) કુરાનમાં  “ તે લોકોને અંધારામાંથી પ્રકાશ ભણી વાળે છે.  ” (બકરહ, 257).

ગીતામાં ઇશ્વરને ‘सर्वलोक महेश्वरम्’ (5-29) અને સત્યરૂપે વર્ણવાયો છે, તેમ કુરાનમાં ‘रबबुल आलमीन’ (ફાતેહા, 1) અને ‘अल्लाहोअल हक्को’ (હજ્જ, 62)

ગીતામાં “ઇશ્વર એ સર્વ પ્રાણીમાત્રનો આદિ, મધ્ય અને અંત છે, ”  (10-20), કુરાનમાં “  તે (અલ્લાહ) જ સર્વનો આદિ છે, તેજ સૌનો અંત છે, તે જ સર્વનો બાહ્ય છે, અને તે જ સૌનું અંતર છે. તે સર્વ વાતોનો જાણવાવાળો છે.” (હૂદૈદ, 3)

ગીતામાં કહ્યું છે : “ઇશ્વર સર્વ પ્રાણીઓના અંતરમાં વસેલો છે ” (18-61), “ઇશ્વર ભક્તોના હૃદયમાં વસેલો છે” (10-15), : “જે ભક્તિપૂર્વક મારી પૂજા કરે છે તે મારામાં રહે છે અને હું એનામાં વસું છું” (9-19). મહંમદ સાહેબે કહ્યું છે :  “માનવનું હૃદય અલ્લાહ માટે રહેવાનું સ્થાન છે.”

હિંદુ વિદ્વાનો अहंब्रह्म (હું બ્રહ્મ છું) અને सर्व खश्चिदं ब्रह्म (આ સર્વ બ્રહ્મમય છે) તથા મુસ્લીમ સૂફી ‘अनलहक’ (હું ઇશ્વર છું) અને ‘हमां ओस्त’ (સર્વ ઇશ્વરરૂપ છે) દર્શાવે છે.

સૃષ્ટિની ઉત્પત્તિ અંગે ગીતામાં ઉલ્લેખ છે : “ભૂત માત્રની જન્મ પૂર્વની અને મરણ પછીની સ્થિતિ જોઇ શકાતી નથી ; તે અવ્યક્ત છે, વચ્ચેની સ્થિતિ જ વ્યક્ત થાય છે. આમાં ચિંતાનું શું કારણ હોય ?” (2-28) કુરાનનું જાણીતું વચન છે :  “અમે સૌ ઇશ્વરના છીએ અને એમાં જ ભળી જવાના છીએ” (બકરહ, 156)

જુદા જુદા ધર્મો વિશે ગીતા કહે છે : “જે લોકો મને જે રીતે શોધે છે તે રીતે તેમને હું મળું છું. સર્વ દિશાઓથી આવીને લોકો મને જ મલે છે.”  (4-11) કુરાનમાં આ જ વિષય અંગે કહ્યું છે : “અલ્લાહે સર્વ માટે નિરનિરાળા રીતરિવાજો તથા પૂજાવિધિઓ નિર્માણ કર્યા છે. અલ્લાહની ઇચ્છા હોત તો તમને સૌને એક જ ન્યાતના બનાવી દેત પરંતુ અલ્લાહની ઇચ્છા હતી કે જેને જે માર્ગ દેખાડ્યો છે તે રસ્તે જ તે ચાલે; તેથી આ ભેદભાવોમાં ન પડો ને સત્યાર્યોની હોડ કરો. સર્વેને અલ્લાહની સમીપ જવાનું છે.” (માયદા, 48)

એક સૂફીએ આ અંગે કહ્યું છે :

“ हमा कस तालिबे वारन्द ये हुशियार ये मस्त
हमा जा खानए अिश्क अस्त ये मसजिद ये कुनिश्त ”

(શું ચતુર, શું મત્ત, સર્વ એ જ પ્રીતમને શોધે છે. શું મસ્જિદ શું મંદિર, સર્વ એનાજ પ્રેમ આસનો છે.)

ગીતામાં સંસારના પરમ ધર્મ વિશે કહેવાયું છે : “તે જ માણસ પ્રભુ પાસે પહોચી શકે છે જે કોઇ પ્રાણી સાથે વેર રાખતો ન હોય.” (11-55) “જે ભલો પુરુષ બીજાને ખવડાવીને શેષ રહેલું ભોજન કરે છે તે સર્વ પાપોમાંથી છૂટી જાય છે; અને જે પાપીઓ પોતા માટે જ રાંધે છે તેઓ પાપનું ભોજન કરે છે.” (3-13). કુરાનમાં પણ આ જ વિચારબોધનું આવર્તન કરવામાં આવ્યું છે : કુરાનમાં : “अिन्नल्लाह युहिबबल मुहसनीन” (એટલે કે ખરેખર પ્રભુ તેને જ ચાહે છે જે બીજાની સાથે ભલાઇથી વર્તે.) તેનાથી આગળ કહે છે : “હે ધર્માવલંબીઓ ! અલ્લાહને ખાતર સીધા, સરળ તથા સત્ય અને ન્યાયને માટે સાક્ષી દેનારા બનો. જો તમારે કોઇની સાથે દુશ્મનાવટ હોય તો તે કારણે કોઇને અન્યાય થાય તેવું કૃત્ય ન કરો; ન્યાયથી વર્તો; આ જ વસ્તું પવિત્રતાની બહુ સમીપ છે; અલ્લાહના આદેસોનું હમહંમેશ ધ્યાન રાખો; ખરેખર અલ્લાહ જાણે છે કે તમે શું શું કરો છો” (માયદા, 8) આ ઉપરાંત દુશ્મનો સાથે ભલાઇ કરવાની બાબતમાં પણ કુરાનમાંથી વચનો મળે છે : “જો કોઇએ તમને અલ્લાહની પાક મસ્જિદમાં જતાં રોક્યા તો તમે તે દુશ્મનીને કારણે મર્યાદા ઓળંગશો નહીં. એકબીજા સાથે ભલાઇ કરવામાં તથા પવિત્રતા પૂર્વકનું જીવન કોઇને મદદ ન કરો; અને અલ્લાહથી ડરીને ચાલો.” (માયદા, 2)

ગીતા અને કુરાન બંનેમાં કહેવાયું છે કે દરેક ધર્મ ઇશ્વરને નામે તથા તેને સમર્પીને કરવું જોઇએ (9-27) તેમજ (અનઆમ, 163)

ગીતા અને કુરાનની મૂળભૂત વાતોમાં કેટલું બધુ સામ્ય ઊંડે ઊંડે રહ્યું છે. એનો અર્થ એ નથી થતો કે હિંદુઓમાં અને મુસલમાનોમાં કે જેઓ ગીતા અને કુરાનને પોતપોતાના ધર્મગ્રંથો માને છે તેમાં એકતા અને પ્રેમ છે. આથી વિપરીત સ્થિતિ વરતાય છે. આ દુનિયામાં એક કુટુંબભાવના પોષવાને બદલે ધર્મના વાડાઓ બાંધવામાં, ઝઘડાઓ ઊભા કરવામાં મદદરૂપ થાય છે. આ એક આશ્ચર્ય તથા દુઃખની વાત છે. પરંતુ આજ સુધી દુનિયા આ રોગનો પૂરેપૂરો ઉપચાર નથી કરી શકી.


ડૉ. સંજય મકવાણા, મદદનીશ પ્રાધ્યાપક, ગૂજરાત વિદ્યાપીઠઃ રાંધેજા. 94274 31670 ઈમૅલઃ sanjaymakwana@gujaratvidyapith.org

Print Friendly, PDF & Email

3 thoughts on “

  1. ગીતા અને કુરાન વચ્ચેનો તત્ત્વતઃ સમભાવ સરળ રીતે સમજનામાં ઉપયોગી પુસ્તક અને લેખ છે.

  2. ધર્મ કોને કહેવાય ? એવી સરસ અંદ સરળ શબ્દોમાં છણાવટ કરી છે. પંડિતજીનું પુસ્તક જેટલું સરસ છે એટલો જ ભાવવાહી આ લેખ પણ છે. અભિનંદન સંજયભાઈ.

  3. ‘ગીતા અને કુરાન’ જેવા પુસ્તકો અને એના વિશેનાં આવાં લેખો થતાં રહેવા જોઇએ. કોઇ પણ સારો લેખ ભાવકને પુસ્તક સુધી જવા પ્રેરે છે, અને કોઇ પણ સારું પુસ્તક એમાં આલેખાયેલ સત્ય સુધી પહોંચાડે છે. પુસ્તકનાં મૂળ લેખકને તથા આ લેખના લેખક સંજયભાઈને અભિનંદન.

Leave a Comment