પુરાકલ્પન: સંજ્ઞા અને વિવરણ

Myth (પુરાકલ્પન) સંજ્ઞાનું અર્થવિવરણ કરવું થોડું કપરું તો છે જ,છતાં તેની સમજ મેળવવી પડશે એ પણ સ્વીકારવું પડશે.સરળ શબ્દોમાં કહીએતો ‘પુરા’ એટલે ‘જે થઈ ગયું છે તે’ અથવા’પ્રાચીન’ અને કલ્પન શબ્દ માટે,સર્જક એ થઈ ગયેલી ઘટનાકે પાત્રમાં પોતાનું કલ્પન ઉમેરણ કરે તે એટલે પુરાકલ્પન. પરંતુ સર્જક અહીં જે કલ્પન કરે છે તે વાસ્તવને અનુષંગે હોય એ જરૂરી છે.
પુરાકલ્પન આમ કથાનો પ્રાચીન પ્રકાર છે, જેમાં માનવજીવનનાં સ્થૂળ સત્યો અને ઘટના પ્રવાહોને ઓળંગી જઈ માનવ સબંધોને કોઈ અલૌકિક, અતિ પ્રાકૃતિક અને અમાનવીય શક્તિઓ સાથે જોડી દઈને માનવજાતની આમ પરંપરાગત સ્વપ્નોની ગંભીર આલોચના કરે છે.
આ ‘Myth’ પુરાકલ્પન વિશે ઘણા સર્જકો વિવેચકોએ પોતપોતાના મંતવ્યો આપ્યા ખરાં,પરંતુ હજૂ સુધી Myth ને બે ચાર કે દશ-બાર શબ્દોની વ્યાખ્યામાં બાંધી શકાયું નથી,એ જ તો એની વિશેષતા છે. છંદ,અલંકાર,સમાસ,દ્વિરુકપ્રયોગો,પ્રતિક વગેરે શાબ્દિક બંધનમાં આવી જાય તેવાં કૃતિને ઉત્કૃષ્ઠ બનાવતા સર્જકના હથિયાર છે,જે સર્જક ધારે ત્યારે તેનો અજમાયશ કરી શકે,પરંતુ ‘Myth’ શબ્દને સમજવા માટે તેનું વિશ્લેષણ કરતાં – શાખા પ્રશાખાઓથી ઘટા ટોપ એવું વૃક્ષ બને કે જેમાં નવસંસ્કૃતિ, સમાજ, પ્રેમતત્વ, નૃવંશવિજ્ઞાન, મનોવિજ્ઞાન, ધર્મ, ભાષા, ઈતિહાસ, ભાષવિજ્ઞાન વગેરે હરિતકણો બની ઓળઘોળ બને અને તે બધુ જ જેના આધારે તાજગીમય રહે તેવાં પાણી માટી ખાતરથી મિશ્રિત જમીન સમાન આધુનિકયુગ સાથે ઉભય જોડાણ થાય છે.
પ્રિ. ડૉ. બહેચરભાઈ Myth વિશેનો અભિપ્રાય આપતાં નોંધે છે : “કલ્પન અને પ્રતિક ઉભયનાં લક્ષણો ધરાવતું અને બંનેનો સમન્વય કરતું પણ પુરાવૃત્તોની સૃષ્ટિ સાથે સંકળાયેલું ઘટક તત્વ પુરાકલ્પન છે. ’પુરાકલ્પન’ માટે અંગ્રેજીમાં ‘Myth’ શબ્દ છે. તે પુરાવૃત્તો, દંતકથાઓ, પુરાણોની કથાઓનો સુચક છે. Myth ઉપરથી Mythology અને Mythological stories આવે છે.તે સઘળી પૌરાણિક કથાઓની સૃષ્ટિ છે. Myth નો પ્રચલિત પર્યાય ‘પુરાકલ્પન’ છે. હરિવલ્લભ ભાયાણી ‘દેવકથા’પર્યાય આપે છે. પણ Myth એ માત્ર દેવોની જ કથા નથી, દાનવો, યક્ષો, કિન્નરો,અપ્સરાઓ, ભૂત-પ્રેત, નાગ વગેરેની એટલે કે દિવ્ય ને અતિન્દ્રિય, અલૌકિકને પારલૌકિક, અદ્દભૂત અને અવાસ્તવિક એવી માયાવી સૃષ્ટિ છે. આદિમતવાદી સ્વપ્નો, પરિકથાઓ, આર્ધરૂપો આદિમ શ્રધ્ધાઓ ને આદિમ પાપોની દુનિયા છે. દરેક દેશ પ્રજા, સંસ્કૃતિ પાસે એના પુરાવૃત્તોની સંપતિ હોય છે. પ્રાચીન સંસ્કૃતિના એ પુરવૃત્તોમાં ઈશ્વર, દેવ, દેવીઓ, દાનવો, રાક્ષસો, અપ્સરાઓ, પારીઓ, યક્ષો, કિન્નરો, ગાંધર્વો, પશુપંખીઓ, જાદુઈ પદાર્થો, જડીબુટ્ટીઓ, સૃષ્ટિસર્જનને પ્રલય, જન્મ, મૃત્યુ, પાપ, પુણ્ય, સ્ત્રીની ફળદ્રુપતા વગેરે વિશે જાતજાતની કથાઓ હોય છે. પૌરાણિક સાહિત્ય એ દ્વારા ધર્મતત્વોનો બોધ કરે છે. આ પણ પ્રજાનો વારસો અને વૈભવ છે. એમાં જીવન જગતના રહસ્યો, શ્રધ્ધાઓ, અંધશ્રદ્ધાઓ, વહેમો, વિચિત્રતાઓ હોય છે.પુરાવૃતોના ચોક્કસ અર્થ પણ છે. આ પ્રાચીન પુરાવૃત્તોના ભંડારનો ઉપયોગ કરીને, તેમાં અર્વાચીન અને આધુનિક જીવન જગતના જ્ઞાન વિજ્ઞાનના અર્થો સંભરીને આધુનિક સર્જકો નવી નવી સંરચનાઓ કરે છે, તેને પુરાકલ્પન કહેવામા આવે છે.” ડૉ.બહેચરભાઇએ અહી આપેલી પ્રથમ વ્યાખ્યારૂપી સમજનું અર્થઘટન માત્ર પુરાવૃતો પૂરતું સીમિત રહેતું હોય, તેની આગળની ચર્ચામાં આપેલા આવાં પુરાવૃતોમાં ઈશ્વર, દેવ, દેવીઓ, દાનવો, રાક્ષસો, અપ્સરાઓ, પારીઓ, યક્ષો, કિન્નરો, ગાંધર્વો, પશુપંખીઓ, જાદુઈ પદાર્થો, જડીબુતીઓ, સૃષ્ટિસર્જનને પ્રલય, જન્મ, મૃત્યુ, પાપ, પુણ્ય, સ્ત્રીની ફળદ્રુપતા વગેરે લઈને, અર્વાચીન અને આધુનિક જીવન જગતના જ્ઞાન વિજ્ઞાનના અર્થો સાંભળીને આધુનિક સર્જકો નવી નવી જે સરચનાઓ કરેછે તેને પુરાકલ્પન કહી mythને યોગ્ય ન્યાય આપે છે.
આગળ જોઈ ગયા તેમ ‘myth’ અંગ્રેજી શબ્દ છે, ગુજરાતીમાં તેના માટે સર્વસ્વીકૃત શબ્દ ‘પુરાકલ્પન’ રહયો છે. આ સંજ્ઞાનો વિચાર વિમર્શ કરતાં ડૉ. પ્રવિણ દરજી નોંધે છે:
“ ‘મિથ’ ‘myth’ અંગ્રેજી શબ્દ છે. Myth શબ્દનો મૂળ સ્ત્રોત ગ્રીક શબ્દ ‘મુથોસ’ Mythos માં અને લેટિન ‘મિથસ’ Mythoas માં છે. કેટલેક સ્થળે Muthosને બદલે ‘મિથોસ’ કે ‘માઈથોસ’ Mythos એવો શબ્દ પણ મળે છે. ગ્રીક ભાષામાં એનો અર્થ છે વાણી, કથા, વાર્તા, Fable, tale, talk કે speech એવો એરિસ્ટોટલે કથાવિધાનના (fable) અર્થમાં એનો પ્રયોગ કર્યો છે. ’મિથ’ને ‘logos’ સાથે અને પાછળથી ‘historia’ સાથે સીધો વિરોધ રહ્યો છે. ’લોગોસ’ કે ‘હીસ્ટોરીયા’ ‘સંગતિ’નો ‘વાસ્તવ’નો ‘તથ્ય’નો અર્થ વ્યક્ત કરે છે તો ‘મિથ’ વાત્સવમાં જે ખરેખર અસ્તિત્વ ધરાવતું નથી અથવા તો ‘વાસ્તવનો વિરોધ કરતી કોઈપણ વસ્તુ એવો અર્થ અભિવ્યક્ત કરે છે.

 • Myth સંજ્ઞાની ઉપર્યુક્ત ચર્ચાનુસર તેના અર્થને આપણે જોઈએ:

ગ્રીકભાષા: વાણી, કથા, વાર્તા fable, tale, talk, speech
એરિસ્ટોટલ : ‘વાત્સવમાં જે ખરેખર અસ્તિત્વ ધરાવતું નથી’ અથવા ‘વાત્સવનો વિરોધ કરતી કોઈ પણ વસ્તુ (એન્સાયક્લોપીડિયા-બ્રિટાનીકા)
કોન વેબસ્ટર ડીક્ષનરી : ‘જૂની પરંપરાગત વાર્તા’ અથવા ‘કિવદન્તિ’
Mythology કે Mythomanai જેવા શબ્દો પ્રામાણે : ‘ઈશ્વર સાથે સબંધિત’,લોકોના ઈશ્વર કે અધિનાયકો સાથે સબંધિત’કે ‘જૂઠું’બોલવાની વૃતિ’
ઓક્સફર્ડ ડીક્ષનરી : ‘અમાનુષ કે અભિમાનવની સંડોવણીવાળી કાલ્પનિક કથા’,’પ્રાકૃતિક ઘટનાઓને પ્રચલિત આદર્શરૂપે મૂર્ત કરતી કથા’અથવા ‘કાલ્પનિક વ્યક્તિ કે વસ્તુ’
સંસ્કૃત : ‘મીથ’ રહસિ – ‘જેનાથી રહસ્ય સર્જાય છે’,અથવા ‘એકાંત’,’નિર્જનતા’,’
પિન્સટન એન્સાક્લોપીડિયા ઓફ પોએટ્રી એન્ડ પોએટીક્સ’: “મનુષ્ય કે પરા મનુષને તાકતી,ઊંડારસ-રહસ્યોવાળી,ગર્ભિત –પ્રતિકાત્મક વાર્તા કે વાર્તા તત્વોનું સંકુલ એટલે ‘મીથ’”
પુરાકલ્પનની વ્યાખ્યા
પુરાકલ્પન વિષયક સંજ્ઞા વિચાર અને તદવિષયક જુદા જુદા તારણોના અભ્યાસની ચર્ચા પછી સ્પષ્ટ કરવા પ્રયત્ન કરીએ પુરકલ્પન વિષેની અસ્પષ્ટ એવી વ્યાખ્યાઓ વિશે. અસ્પષ્ટ એટલા માટે કે Myth ને કોઈ બેચાર શબ્દોની વ્યાખ્યાના પરિધમાં મૂકી ન શકાય.ડૉ.પ્રવીણભાઈ એ વિશે મેળવેલ કેટલીક મહત્વની નોંધો જોઈએ:
“પુરકલ્પન’ કથાત્મક અને અબૌધિક હોય છે. એમાં નિયતિ અને ઉદ્દભવની કથા કહેવાયેલી હોય છે. વિશ્વ શા માટે છે અને આપણે જે કરીયે છીએ, તે એમજ કેમ કરીએ છીએ ? પ્રકૃતિ અને માનવભાગ્ય શું છે? વગેરેને તે આગળ ધરે છે.”

 • વોરેન અને વેલેક

“પુરાકલ્પન’ થોડાક નિ:શંક સત્યો અને થોડીક કલ્પનાઓનું વર્તગુચ્છ છે. માનવીય વિશ્વના આંતરમર્મનો એમાં નિર્દેશ મળે છે.”

 • એલન વોટસ

“પુરાકલ્પન’ એ એક વિશ્વસંસ્કૃતિક ઘટના છે. ધ્યર્થો અને ચિત્રશક્તિઓની તેમાં સંડોવણી હોય છે .”

 • ડેવિડ બિડને

“પુરાકલ્પન‘ માનવચેતનાનું એની પોતાની સંરચના કાર્ય અને અભિવ્યક્તિવાળું, લાગણીઓ અનિત્વ એક સ્વાયતરૂપ છે.”

 • કે સિરેર

“પુરાકલ્પન’ સમગ્ર માનવના અખિલ અનુભવોની અભિવ્યક્તિ છે.”

 • ફિલિપ વ્હીલરાઇટ

“પુરાકલ્પન’ મનુષ્યની સર્વ પ્રવૃતિઓની એક અનિવાર્ય ઉપસંરચના છે.”

 • નિત્શે

“પુરાકલ્પન એ પેઢી દર પેઢી ચાલી આવતી કથા તો છે જ , તે સાથે માનવમને રચી કાઢેલી એક તાર્કિક પદ્ધતિ પણ છે, જેમાં માનવ સન્મુખ વિભિન્ન સ્તરે ઊભી થતી સમસ્યાઓનો ઉત્તર રહેલો છે.”

 • કલોડ લેવી સટ્રાઉસ

“પુરાકલ્પન એક કથા છે, એક વાર્તા કે કાવ્ય છે.”

ઉપર્યુક્ત વ્યાખ્યાઓ પરથી પુરાકલ્પન વિશે નીચે મુજબના તારણો કાઢી શકાય.

 1. એ કથાત્મક અને અબૌધિક હોય છે.
 2. એમાં નીતિ અને ઉદ્દભવની કથા કહેવાયેલી હોય છે.
 3. પ્રકૃતિ અને માનવભાગ્ય વિષેની વાતો હોય છે .
 4. એમાં થોડક નિ:શંક સત્યો અને થોડી કલ્પનાઓ હોય છે.
 5. માનવીય વિશ્વના આંતરમર્મનો એમાં નિર્દેશ જોવા મળે છે.
 6. તે માનવચેતનાનું એક સ્વાયતરૂપ છે.
 7. સમગ્ર માનવના અખિલ અનુભવોની અભિવ્યક્તિ છે.
 8. તે મનુષ્યની સર્વે પ્રવુર્તિઓની એક અનિવાર્ય ઉપસંરચના છે.
 9. તે માનવીય જ્ઞાનકોષનો પ્રતિકારત્મક અહેવાલ છે.
 10. તે અસીમતનો અનુભવ કરાવતી સ્વાયત ભાવના અને સત્યનું વિશ્લેષણ રૂપ છે.
 11. તેમાં માનવ સન્મુખ ઊભી થતી સમસ્યાઓનો ઉત્તર રહેલો છે.
 12. તે એક કથા છે, એક વાર્તા કે કાવ્ય છે.
 13. તેમાં વૈયક્તિ ઈચ્છા દૂષિત ચિંતનને સ્થાન નથી.
 14. એમાં પ્રકૃતિ અને જીવનના મહાત્મયને સમજવા માટેની શોધ છે.
 15. એ સર્જકના સર્જન(વિષયનો) ઈતિહાસ નથી.તેના રચયિતાનો ઈતિહાસ છે.

આમ,પુરાકલ્પન શબ્દનું અર્થ વિવરણ જોતાં એવુ ફલિત થાય છે કે, આ શબ્દમાં ઘણું સામર્થ્ય અને વૈવિધ્ય સમાયેલું જોવા મળે છે.


સંદર્ભ ગ્રંથો
• પુરાકલ્પન: ડૉ પ્રવીણ દરજી
• સાહિત્ય મીમાંસા : ડૉ બહેચરભાઈ પટેલ
• કાવ્યનું સંવેદન : ડૉ હરિવલ્લ્ભ ભાયાણી


ડૉ. રામસિંગ એલ. ઝાલા (આશિ. પ્રોફેસર, ગુજરાતી), સરકારી વિનયન કોલેજ, તળાજા, જી. ભાવનગર ઈ-મેઈલ-: zalaramsing@gmail.com

Print Friendly, PDF & Email

Leave a Comment