‘ગુજરાતી પદ્યમાં પુરાકલ્પન’

જુદા જુદા દેશોના પ્રાચીન સાહિત્યમાં એવી ઘણી કથાઓ આવે છે, જેમાં આપણા જીવનની વાસ્તવિકતાઓથી દૂર લઈ જતા, અસંભવિત અને ચમત્કારી પ્રસંગોનું આલેખન હોય છે. આ પ્રકારની અદભુત તત્વોવાળી પુરાણી વાર્તાઓ  Myth (મિથ) કહેવાય છે. એને માટે આપણે સાદી ભાષામાં દંતકથા કે દેવકથા જેવો પર્યાય વાપરીએ છીએ. આપણે ત્યાં સાહિત્ય-વિવેચનની પરિભાષામાં Mythના પર્યાય તરીકે પુરાકલ્પન શબ્દ પ્રયોજાય છે.

દુનિયાના લગભગ બધા પ્રાચીન ધર્મગ્રંથોે –બાઈબલ, કુરાન, વેદ-ઉપનિષદો જાતકથાઓ આદિ ને દેશ-વિદેશની લોકકથાઓમાં આવાં પુરાકલ્પનોનો તોટો નથી.

આ પુરાકલ્પનનો ખ્યાલ સ્પષ્ટ કરવા માટે એક-બે ઉદાહરણો લઈએ. મહાકવિ દાન્તે કૃત મહાકાવ્ય ‘ડિવાઈન કોમેડી’ માં કવિ વર્જિલના માર્ગદર્શન હેઠળ નવ નરકનું અને પછી નવ સ્વર્ગનું દર્શન કરે છે. નરકના પહેલા વર્તુળમાં જેઓ ઈશુ ખ્રિસ્તના અનુયાયીઓ ન હતા એવા લોકો સબડતા દેખાય છે. વિષયવાસનાવાળું જીવન જીવનારાને બીજા વર્તુળમાં સતત અંધારામાં અને ઘનઘોર વનમાં રહેવું પડે છે. ખાઉધરા લોકો ત્રીજા વર્તુળમાં હંમેશાં કાદવ-કીચડમાં હિમના વરસાદ નીચે રહી સજા ભોગવે છે. અને ત્યાં ત્રણ માથાવાળો એક કૂતરો તેમનાં શરીર ફાડી ખાય છે. ચોથા વર્તુળમાં લોભી અને પાંચમા વર્તુળમાં ક્રોધી તેમજ વિષણ્ણ લોકો જોવા મળે છે. આગળ જતાં ડિસ નામની નગરી આવે છે. તેમાં દાખલ થતાં દ્રારવાળો તેમને રોકે છે, પણ દેવની મદદથી તેઓ પ્રવેશ કરે છે. અહીં લોકો સતત સળગતી કબરોમાં સજા ભોગવે છે. સાતમા વર્તુળમાં હિંસક માનવીઓને પૂરવામાં આવ્યા છે, જેઓને અસંખ્ય ઝેરી નાગની વચ્ચે રહેવુ પડે છે. નરકના આઠમા વર્તુળમાં જુદી જુદી જાતના પાપીઓ કષ્ટ સહે છે. અને બેવફા કૃતધ્ન લોકો નવમા હિમમય વર્તુળમાં યાતના વેઠે છે. આવું નરક-દર્શન કર્યા પછી સૂર્યોદય સમયે એક વિરાટકાય સોનેરી ગરુડ આવી કવિને પાપમાર્જન લોકમાં લઈ જાય છે.. આ પ્રકારના નિરુપણમાં પુરા-કલ્પનનું તત્વ પૂરેપૂરું જોવા મળે છે.

મિથ કાવ્યસર્જન પ્રક્રિયાનું એક વિલક્ષણ ભાષાઓજાર છે. આધુનિકોએ એનો-પ્ર-ચૂર માત્રામાં ઉપયોગ કર્યો છે. મિથના ઉપયોગથી સંક્રમણના પ્રશ્નો થોડા હળવા બનવાની શક્યતા ઊભી થાય છે. પ્રજામાનસમાં એના સંસ્કારો પડેલા હોય છે. થોડી નિર્યકૂતા, થોડું નવું અર્થઘટન અને પોતાની ભાષાના થોડા જુદા શબ્દોથી પણ કામ નભી-બની જાય. અલબત્ત સજ્જ કવિ કે મોટો કવિ માત્ર આટલું કરીને અટકી ન જાય. નાવીન્ય કે ફેશનપરસ્તીને કારણે મિથપરસ્તી નહીં પણ સર્જનના અનિવાર્ય તકાડા તરીકે એણે એ પ્રક્રિયા સ્વીકારી હોય છે. એને મિથમાં માત્ર મિથ તરીકે નહીં પણ ‘મિથાઈ’ (મિથિકાલિટી) તરીકે રસ હોય છે. ‘જટાયુ’ શીર્ષક સમીપ જતાં પ્રારંભે આવા આવા વિચારો ઊઠે છે.

સિતાંશુ યશશ્ચન્દ્રે એમના પ્રથમ સંગ્રહનું નામાભિમાન ગ્રીક મિથને આધારે ‘ઓડિસ્યૂસનું હલેસુ’ એવું બાંધ્યું હતું. એમના સાહિત્ય અકાદમીપુરસ્કૃત આ બીજા સંગ્રહનું નામ ‘જટાયુ’ ભારતીય મિથ પર આધારિત છે. વિદેશથી સ્વદેશ સુધીની આ મિથયાત્રા બહારથી અંદર આવવાની યાત્રા પણ છે. પ્રસ્તુત સંગ્રહમાં શબરી, હનુમાન, પ્રહલાદ અને જટાયુને મિથ તરીકે સ્વીકારીને બનેલી રચનાઓ છે. એક કાવ્યમાં ઑર્ફિયસ પણ આવે છે પણ એ રચના બહુ પ્રભાવક નથી. ‘હનુમાન’માંની ‘છલાંગ જેટલું છેટું બીજું કંઈ યે નથી ઓ ભાઈ! ઉક્તિનું કવિત્વ જેટલું આકર્ષે છે એઠલું (ને એવું) શબરી અને પ્રહલાદ વિશેની રચનાઓમાં બની શક્યું નથી. એ રચનાએ જાણે ‘જટાયુ’ના સર્જન માટેનો પૂર્વાભ્યાસ છે. એમાં અને અન્ય કાવ્યોમાં પ્રયોજાયેલો દોહરો પણ આવા પૂર્વાભ્યાસનો ભાગ હોવાનું લાગે છે.

‘જટાયુ’ તો સાત ખંડોમાં, મધ્યકાલીન આખ્યાનશૈલીએ, રચાયેલું આધુનિક ગુજરાતી કવિતાનું એક અત્યન્ત નોંધપાત્ર કાવ્ય છે. એક તરફ જડ, સંવેદનરહિત, નિયમગ્રસ્ત વન અને બીજી તરફ એકાંકી, સંવેદનશક્તિ ‘ઉડવાની બહુ ટેવ’ વાળા કલ્પાનશીલ જટાયુની ઉપ-સ્થિતિ – આ બેનું સન્નિધીકરણ કાવ્યને ઘેરી નાટ્યાત્મકતા અર્પે છે. વનનિવાસની એક શરત છે કે, ‘વનનાં વાસી, વનના છેડા પાર દેખના મત’ પણ જટાયુએ તો ‘દીઠા વનના છેડા’ને ભોગવ્યું – વહોર્યું મોત! કાવ્યના છેલ્લા ખંડમાં એ ‘ઝટ કર ઝટ કર રાઘવા, મને મૌનનો કેફ ચઢે’ કહી ઈશ્વરી તત્ત્વને બોલાવતો લાગે છે, પણ છેલ્લી પંક્તિમાં એને પ્રતીતિ થાય છે કે, ‘નતી દશાનન દક્ષિણે ને ઉત્તરમાં નથી રામ’ મૃત્યુક્ષણે અસહાયતા, કાવ્યની અનુભૂતિને ને જટાયુને તોડી નાખતી હોય એવો અર્થ આપતી જણાય છે. એ એકાએક આવતું પરિવર્તન પ્રતીતિકારક પણ લાગે છે. નીચેની પંક્તિઓનાં ક્રિયારૃપોની (અન્ય) પક્ષીઓ સમી રચાયેલી હાર મનુષ્યજીવનની ઘટમાળને અત્યંત લાઘવપૂર્વક અને માર્મિકતાથી સ્પષ્ટ કરી આપે છે.

‘વનનો લીલા અંધકાર જેમ કહે તેમ સૌ કરે,
ફરે, ચરે, રતિ કરે, ગર્ભને ધરે, અવતરે, મરે!’

પણ આ પક્ષી અન્ય પક્ષી કરતાં નોખું કઈ રીતે છે એ કવિનું તાકવું છે અને એમાં જ એમનું કવિકર્મ નીખરે છે. ‘એ’કારાન્ત રુપોનું સાતત્ય અને નાદસૌંદર્ય પણ પૂરું પાડે છે.

રચનામાં દોહરાબંધને એ અનેક સ્થળે અતિક્રમી જાય છે, જેમ કે,

‘એક યુદ્ધે મચ્યો, એક યુદ્ધે મચ્યો, એક યુદ્ધે મચ્યો,
હા, હા ! હા, હા ! હાર્યો, જીવનનો હવે ઢૂંકડો અંત’

યુદ્ધની પ્રક્રિયામાં તો ‘ચરણ’ (દોહરાનાં યે) ક્યાંથી સ્થિર રહે ? માત્ર માત્રાઓ નહીં, ચરણ પણ અહીં તોજ્યાં છે – ઔચિત્યસભરતાથી. ‘ગોળ ગોળ મૂંઝાય’, ‘ખાલીપાની ઢીંક વાગી’ જેવામાં નવીન, સંકુલ પદાવલિનો ધ્યાનાર્હ વિનિયોગ છે.

‘જટાયુ’ સંગ્રહની બીજી લાક્ષણિકતા એનાં દીર્ઘ કાવ્યો છે. ‘પ્રલય’, ‘ઘેરો’, ‘ભાષા’ અને ‘મોંહે-જો-દડો’ માં કવિએ અછાંદસની લયાત્મક ધારાઓ દ્વારા કવિકર્મ દાખવ્યં છે. કવિનો બહુઆયામી ઉદ્ગાર કાવ્યને સહજતાથી દીર્ઘ પરિમાણમાં છાઈ દે છે. આ દીર્ઘતા કવિ જુદી જુદી રીતે સિદ્ધ સાહચર્યો, સમાન્તર પદાવલિઓ, આવર્તનો અને વાગ્મિતા, યદૃચ્છા વ્યાપાર અને આકસ્મિકતાઓ, નાટ્યત્મકતા, કથાવાર્તાશૈલી, અંગ્રેજી, હિન્દી, જૂની ગુજરાતી અને શિષ્ટમાન્ય ગુજરાતી ભાષાનાં સંકર રુપો, બોલીઓના અને બોલચાલના પ્રયોગો તો ક્યારેક ગીતરચનાઓના લય. આ બધાનો પ્ર-લય આપણને એવો તો ઘસડે –વહાવે છે કે એણે તિર્યક્ કરેલી, તોડેલી-મોડેલી ઉક્તિઓ પણ આપણને મર્મબોધ કરાવે. ‘પ્રલય’માં ‘આ’કારાન્ત શબ્દોની એક ભરમાર ગોઠવ્યા પછી કવિ આપણી ભાષામાં ‘આ’કારાન્ત ન હોય એવા શબ્દોને પણ ‘આ’કારાન્ત બનાવી કહે છે કે,

‘આ પા ણા આંધળા છા
આ પા ણા બહરા છા
આ પા ણા અવાચાકા છા
આ પા ણા ઊંડા છા
બા બા આ પા ણા ના પા
ભા ખા ખા ખા આ પા ણા’

-ખેલ જ તો ? આવો ભાષાખેલ – ભાષાક્રીડન સિતાંશુ યશશ્ચન્દ્રની આગવી વિશેષતા છે. એ જ રચનામાં ‘કશું નહીં’ શબ્દોના એકમોને જાળવીને સર્જેલા વાગ્મિતાપૂર્ણ આવર્તનો પણ અર્થઘન હોઈ આશ્વાદ્ય બન્યાં છે. એમાં ઊંડાણ સાથે ઘૂંટાતો સુદીર્ઘ પ્રાણાયમ છે.

‘મોંહે-જો-દડો’ માં ક્યાંક જલ્પના છે પણ પાત્રવિશિષ્ટ મગનને નિમિત્તે થોડો ઉપહાસ, થોડા કટાક્ષો છે. ભાષાલયોના ભાગીગળ ખંડકો છે પણ કાવ્ય ક્યાંક ક્યાંક બોલકું થઈ ગયું છે. ‘ભાષા’ નામનું કાવ્ય ભાષા પરનો પદ્યનિબંધ હોવાની છાપ ઊભી કરે છે. ‘હો ચી મિન્હ વિશેની ગુજરાતી કવિતા’ અને ‘ચ ગૂવેરા વિશેની ગુજરાતી કવિતા’ માં લિપિ જ માત્ર ગુજરાતી છે. વર્ણો ભષાને અથિક્રમી, અર્થને અથિક્રમી, નાદસિદ્ધિ દાખવે છે. યુદ્ધાંતર્ગત ટેન્કના અવાજોને એ મૂર્તિમંત કરે છે. વાચનને પઠનમાં રુપાન્તરિત થવાની ફરજ પાડતી એ રચનાઓ છે. મધ્યકાલીન સાહિત્યમાં જોવા મળતી રવાનુકારી રચાનાઓ કરતાં અહીનું કવિકર્મ આ અર્થમાં નોખી ભાત રચે છે. ‘ટેન્ક તળે કચડાતો હું તો’ જેવી એક જ પંક્તિને જુંદા જુદાં વર્ણસંયોજનો દ્વારા નાદલથી કરી છે. કવિએ આવા પ્રયોગો પછી અન્યત્ર કર્યા નથી. આમે ય સિતાંશુ પોતને પણ ન અનુસરનારા કવિ છે તેથી એમની પ્રત્યેક રચના અગાઉની રચનાઓ કરતાં જુદી જ તરેહ ઊભી કરતી હોય છે. એ આમ આપણા વર્ધમાન કવિ છે. જો કે ‘છોરી પંજાબની’, ‘કેરલ કન્યા’, ‘તમિળ નારી’ અને ‘કેરલ કામિનીનું ગીત’ જેવી રચનાઓ અત્યંત સામાન્ય કોટિની છે એમાં રંગદર્શિતાથી વિશેષ કશું સિદ્ધ નથી થતું. ‘પ્રવીણ જોશીને અલ્વિદા’ નામની રચના રંગભૂમિના એ નટને વિસ્તરિત દોહામાં સુપેરે અંજલિઆપે છે. ‘લાલ રંગનું પરોઢ’, ‘તને રાત મળી, નટ, અલ્પ’ જેવા શબ્દો કવિની આ દિગ્દર્શક પ્રત્યેની ભાવનાને ભીનાશ પૂરી પાડે છે એમાં અંગતતા પણ છે. (કવિએ આવી અંગતતા અન્ય કોઈ રચનામાં દાખવી નથી. ) ‘રંગરાજવી’, ખેલંદા’ અને ‘સાહ્યબા’ જેવાં સંબોધનો પણ ભાવૌચિત્ય નિરમે છે.

કવિને પાણીનું ખાસ્સું વળગણ છે. આ એક મહત્વના મહાભૂતનાં વિવિધ રુપો આ સંચયમાં અત્રતત્ર વિખરાયેલાં મળે છે. ‘પ્રલય’ જેવા કાવ્યમાં તો પાણી પાણી થઈ ગયું હોય  બધું, પણ અન્ય કાવ્યોમાં પણ આ જળલીલા વિસ્તરે છે.

છાંદસ રચનાઓમાં ‘જટાયુ’ નું એક શિખ તપે છે તો અછાંદસમાં તપે છે ‘ઘેરાે’ નું યુદ્ધકથાના પરિવેશમાં ભીતિ, રહસ્ય, અકળતા આદિ ભાવોને ગૂંથતું અહીંનું ભોષાલયકર્મ ભાવકને વાગ્મિતાવમળમાં ચકરાવે ચઢાવે એવું છેઃ

‘ભારે ભીંસ છે. ઘેરા પર ઘેરા છેઃ ડુંગરા
ડુંગરાના ઘેરામાં ફોજ, ફોજના ઘેરામાં ગઢ,
ગઢના ઘેરામાં માણસો. દરેક માણસના ઘેરામાં
ભીતરી મેદાન. ભીતરી મેદાનમાં ભીડ.
ભીતરી મેદાનમાં ભીડ ઃ પણ ભીડની વચ્ચોવચ ગઢ.
ગઢની એક તરફ અરધી ભીડ. અરધી ગઢની ભીતર.
બહારવાળી ભીડ પૂછે ડારતે અવાજે ટકાશે ?
ભીતરવાળી સાંભળે ચૂપચાપ.’

કોઈપણ કવિની બધી રચનાઓને આધારે હવાલા નાખી એનું ખાતું કે સરવૈયું કાઢી શકાય નહીં. એનાથી એનું સાચું મૂલ્યાંકન ન થાય. ‘ખેલ’ ચાલતો હોય ત્યારે પેંતરા અને પ્રયુક્તિ રુપે પાછા પણ જવું (હઠવું નહીં) પડે. પરંપરામાં પણ લટાર મારી આવવી પડે. કવિએ રચેલાં આઠ-દસ કાવ્યો પણ અને કવિતાના ઈતિહાસમાં ઊંચેરે સ્થાને અંકિત કરી દઈ શકે. ‘પૂર્વાલાપ’ ના કવિ કાન્તનું મૂલ્ય તો આવાં પાંચ-સાત કાવ્યોને આધારે જ છે ને? ‘જટાયુ’ સંગ્રહનાં ‘જટાયુ’, ‘ઘેરો’, ‘પ્રલય’ અને ‘મોંહે-જો-દડો. ‘એક સુરરિયલ’ અકસ્માત આ અણીશુદ્ધ રાષ્ટ્ર માટે એક અણીશુદ્ધ કવિતા’, કાવ્યો કાળપ્રવાહમાં, પ્રલયમાં પણ ટટ્ટાર ઊભાં રહી શકે એવાં છે. કવિ પાસે નક્કર બુનિયાદી વિચાર છે જેને એમણે સંવેદનશક્તિ કરી નિજી ભાષા પ્ર-લય-વિ-લયમાં ઢાલ્યો હોય છે. મૂલ્ય પ્રક્રિયામાં પણ નિહિત હોય છે, એ જ એની સિદ્ધિ પણ હોય છે પ્રક્રિયા અને સિદ્ધિ એ બે જુદી સ્થિતિઓ નથી, કાવ્યમાં તો પ્રક્રિયા એ જ સિદ્ધિ. આ કવિ-પ્ર-ક્રિયામાંથી પસાર થવાનો આહ્ લાદ- રોમાંચ પણ એક મોટા કાવ્યગઢના ઘેરામાંથી ભીતિ-પ્રીતિની સહોપસ્થિતિ સાથે પસાર થતાં હોઈએ એવો જ થાય છે.’


 સંદર્ભ વિવેચન

  1. સતીશ વ્યાસ
  2. નગીનદાસ પારેખ

પ્રો. ચૌધરી મુન્નાબેન બી., શ્રી પી.કે. ચૌધરી મહિલા આર્ટસ કોલેજ, ગાંધીનગર

Print Friendly, PDF & Email

Leave a Comment