હિન્દુ ધર્મની સહિષ્ણુતા તેમજ તેનું ગત્યાત્મક સ્વરૂપ– એક મિથ: સમાજશાસ્ત્રીય અધ્યયન સ્વરૂપે

‘મિથ’ શબ્દ ઉપરછલ્લી રીતે જોઈએ તો સંદિગ્ધ અને ગૂંચવાડા ભર્યો લાગે છે.  કારણ કે ‘મિથ’ સંજ્ઞા તેનું અર્થઘટન કે તેને વ્યાખ્યાનબધ્ધ કરવાનો પ્રયત્ન એ એક રહસ્યમય ‘મિથ’ બની રહે તેવી સંકુલતા એ દાખવે છે. પાણીમાં ઊઠતા વમળની જેમ તે પતાનો ગુણધર્મ અને આકાર સતત બદલે છે.  તે તો રમકડાંના દૂરબીનમાં નાખેલા કાચના ટૂકડાની જેમ તેને ગોળ ગોળ ફેરવો તેમ તે અલગ અલગ આકાર, રૂપ ધારણ કરે છે.  આમ ‘મિથ ની સમજ વિશે પહેલેથી આવા પાર વિનાના ગૂંચવાડાઓ છે જે.

‘મિથ નો શાસ્ત્ર સાથે એટલે કે logos સાથે વિરોધ રહ્યો છે.  કારણ કે શાસ્ત્ર એ વાસ્તવિકતામાં, ઈહલોકમાં જેને જ્ઞાનેન્દ્રિયો દ્વારા અનુભવી કે પારખી શકાય તેમાં માને છે.  જ્યારે ‘મિથ’ એ ભૂતકાળ, કલ્પના, કિવંદતી સાથે સંબંધ ધરાવે છે.  આમ છતાં, તે ઐતિહાસિક દસ્તાવેજ સ્વરૂપે શાસ્ત્રને મદદરૂપ થાય છે.

ઓગષ્ટ કોંતે ત્રણ સ્તરના તેના સિધ્ધાંતમાં આડકતરી રીતે ‘મિથ’ ને દર્શાવેલ છે.  સમાજ અને મનુષ્ય વિવિધ બૌધ્ધિક સ્તરોમાંથી પસાર થયેલ છે, અને તેમાં સામાજિક સ્વરૂપ અલગ અલગ સ્તર અને કક્ષામાંથી પસાર થાય છે.  આદિ અવસ્થામાં માનવી ધાર્મિક સ્તરમાં જીવતો જેનો છેલ્લો તબક્કો એટલે જડત્વવાદ કે જેમાં ભયને પ્રકૃતિના તત્વો જોડી દેતો અને તેની પૂજા કરતો.  આમ સૂર્ય, ચંદ્ર, તારા, પર્વતો, નદીઓ, પક્ષીઓ, પ્રકાશ-અંધકાર, ગ્રહો, સાગર, જળ, અગ્નિ, વૃક્ષો જેવા તત્વો થી ભય પામતો અને આ તત્વોતેની ચેતનામાં પ્રવેશે જેમાં મૃત્યુ અને જીવન પણ તેના રસના વિષયો બન્યાં.  આમ, જ્ઞાનેન્દ્રિયો દ્વારા જે જે અનુભવો થયાં તે તેના મનોજગતમાં રૂપકો-પ્રતિકો દ્વારા મૂર્તિમંત થતાં ગયા અને તેને તે પોતાની સાથે જોડીને અભિવ્યક્ત કરતો ગયો.  આમ લોકશાસ્ત્રના તજજ્ઞો, સમાજશાસ્ત્રીઓ અને નૃવંશશાસ્ત્રીઓ માને છે કે, પુરાકલ્પન કે ‘Myth’ નો જન્મ તેમાંથી થયો.

  • પુરાકલ્પન માનવ ચેતનાનું – એની પોતાની સંરચના, કાર્ય અને અભિવ્યક્તિવાળુ, લાગણીઓ અન્વિત – એક સ્વાયત્તરૂપ છે. – કેસિરેર
  • પુરાકલ્પન હેતુલક્ષી હોય છે. તેમાં વૈયક્તિક ઈચ્છાદૂષિત ચિંતનને સ્થાન નથી.  પ્રકૃતિ અને જીવનના મહાત્મયને સમજવાની માટેની શોધ હોય છે. – વેરિયર એલ્વિન

આમ ટૂંકમાં પુરાકલ્પન સ્વનિર્ભર, સ્વતંત્ર કલ્પના છે, મનુષ્ય સમાજની સામૂહિક સંવેદનાઓનું એ એક એવુ વિશિષ્ટ મૂર્તિસ્વરૂપ છે જેમાં પ્રચ્છન્નરૂપે પ્રકૃતિ-મનુષ્યના અદ્રૈતનો તાર ખેંચાયેલો હોય.  મિથમાં કલ્પનાનું સ્થાન રહેલું છે, પણ વાસ્તવિકતાને અનુષંગે એટલે કે કલ્પના અને સત્યની સહસ્થિતી  =  મિથ

હિન્દુ ધર્મની સહિષ્ણુતા – એક મિથ સ્વરૂપે જોઈએ તો હિન્દુઓ દુનિયાના સૌથી સહિષ્ણુ અને શાંતપ્રિય લોકો છે.  સ્વામી વિવેકાનંદે શિકાગો ખાતે અમેરિકામાં ચેતના પ્રવચન (1893) માં કહ્યુ હતું.  મને એ ધર્મના અનુયાયી હોવાનો ગર્વ છે, જેણે પૂરા વિશ્વને સહનશીલતા અને સાર્વભૌમ સ્વીકૃતિનો સંદેશો આપ્યો છે.

ડૉ. રાધાકૃષ્ણનન્ નોંધે છે કે ‘એક સાચો હિન્દુ કોઈપણ જગ્યાએ ચૂપચાપ કોઈપણ પ્રકારની પ્રાર્થનામાં ઈશ્વરની પૂજા કરી શકે છે.  આ સહનશીલ દ્રષ્ટિકોણના કારણે હિંદુ ધર્મ તમામ ધાર્મિક આંકાક્ષાઓને જોડવાનું કામ કરે છે.

જગતના તમામ ધર્મો શાંતિ અને ભાઈચારાની વાત કરે છે.  છતાં એક હકીકત એ પણ છે કે  ધર્મો એ જ સૌથી વધુ યુધ્ધો અને સંઘર્ષ પેદા કર્યા છે.  ઈસાઈ અને ઈસ્લામ ધર્મની સરખામણીમાં હિન્દુ ધર્મની અસહિષ્ણુતા અને હિંસા ઓછી રહી છે એના બે કારણો છે, એક હિન્દુ ધર્મ શરૂઆતથી પ્રકૃતિ (ઝાડ-પાન, નદી, પહાડ, પશુ-પક્ષી) સાથે જોડાયેલો રહ્યો છે એથી એનામાં આંતરિક માનવીય સંઘર્ષ રહ્યો છે.  બીજું એમાં આસ્તિક અને નાસ્તિક બહુદેવવાદ અને ઈશ્વરવાદ, અધ્યાત્મ અને ભૌતિક ચિંતનધારા સમાંતર ચાલતી રહી છે.

એનો મતલબ એવો પણ નથી કે હિન્દુ ધર્મ હિંસાથી સંપૂર્ણપણે મુક્ત રહ્યો છે, અન્ય ધર્મોની જેમજ ધર્મની રક્ષા માટે હિન્દુઓએ પણ હિંસાનો સહારો લીધો છે.  વેદ, રામાયણ, મહાભારત અને અન્ય પુરાણો સાક્ષી છે કે, હિન્દુ ધર્મમાં પ્રાચીન કાળથી લગાતાર હિંસાત્મક સંઘર્ષ થતાં રહ્યા છે.  શૈવ, વૈષ્ણવ અને શક્ત જેવા સંપ્રદાયો પ્રત્યે અસહિષ્ણુતા પણ જોવા મળે છે.  રામાનુજ અને રામાનંદી સંપ્રદાયે એકબીજાને નીચા પાડવાની કોઈ કસર છોડી ન હતી.  વૈદિક અને બૌધ્ધ, જૈન વચ્ચેના સંઘર્ષથી ઈતિહાસ ભરેલો પડ્યો છે.

મર્યાદા પુરષોત્તમ રામે શમ્બુકની હત્યા કરેલી કેમ કે, દલિત વર્ગનો હોવા છતાં એણે તપસ્યા કરીને જીવતે જીવ સ્વર્ગ જવાની ઈચ્છા રાખી હતી.  આર્ય સમાજના સ્થાપક સ્વામી દયાનંદે કબીરને નીચ કહ્યાં હતાં અને ગુરૂનાનકનું પણ અપમાન કર્યુ હતું.  ગાંધીજીએ એટલા માટે જ સ્વામી દયાનંદનું ‘સત્યાર્થપ્રકાશ’ વાંચ્યા પછી આર્ય સમાજીઓને અસહિષ્ણુ અને સત્યાર્થપ્રકાશ ને નિરાશાજનક પુસ્તક ગણાવ્યું હતું.

સહિષ્ણુતાનો આ અભિગમ ખાસ્સો નવો અને નજીકના ભૂતકાળનો જ છે.  ભારતની અદભૂત સંત અને યોગ પરંપરાના કારણે જ હિન્દુ ધર્મના મૂલ્યો સમજમાં અને વ્યવહારમાં આવ્યો છે.  વેદોમાં પણ યુધ્ધોનું વર્ણન જોવા મળે છે. રૂગ્વેદમાં આર્યો અને અનાર્યો વચ્ચેના ધમાસણ યુધ્ધોનું વર્ણન આજે પણ વંચાય છે.

ભાગવત પુરાણ મુજબ પરશુરામે પૃથ્વીને 21 વખત નક્ષત્રિયાણી કરી હતી.  રાજાનો ધર્મ વૈદિક જીવનનો પ્રચાર-પ્રસાર કરવાનો છે, નહીં કે પ્રજા પાસે બળજબરીથી તેની આજ્ઞાનુ પાલન કરાવવાનો. વૈદિક સંસ્કૃતિ એ પરશુરામને આભારી છે.

બુધ્ધ યુગ પહેલાં આપણે ત્યાં ઈતિહાસ લેખન નહીંવત્ હતું.  સેંકડો વર્ષ સુધી દરબારી, ચારણ, ગઢવી અને ભાટ લોકો એ જ ઇતિહાસની વાતો કરી હતી.  એટલે હિન્દુઓની હિંસા અને અસહિષ્ણુતાની વાતો દબાઈ ગઈ હતી.

સહિષ્ણુતાને લઈને એક મિથ પ્રવર્તે છે કે બીજા ધર્મોથી વિપરીત હિન્દુ ધર્મના પ્રાચીન યુધ્ધોથી આમ જનતા પ્રભાવિત થઈ ન હતી.  એ યુધ્ધો સૈનિકો અને સેનાપતિઓ સુધી જ સીમીત હતાં અને સામાન્ય જનજીવન યથાવત્ ચાલતું.   આના પરિણામે હિન્દુ ધર્મના સંઘર્ષો બહાર ન પડ્યાં.

હિંસાથી કોઈ સમાજ દુર રહ્યો નથી – મુક્ત રહ્યો નથી, છતાં ભારતનું નામ શાંત અને અહિંસાથી જોડાયેલુ રહ્યુ છે, એનુ કારણ છે કે ભારતનો આમ આદમી હિંસાથી દૂર રહ્યો છે.

હિન્દુઓની અસહિષ્ણુતાની મિથ પાછળ બીજું એક કારણ એ છે કે વિશ્વના અન્ય ધર્મોથી વિપરીત હિન્દુવાદની વ્યાખ્યા અને વ્યવસ્થા દરેક વ્યકિત કે વ્યક્તિઓના સમુહમાં જુદી-જુદી છે.  હિન્દુવાદ કોઈ એક સિંગલ ધાર્મિક વ્યવસ્થા કરાતા તેની અનેક જીવનશૈલી વધુ છે, સંસ્કૃતિ વધુ છે.  ખ્રિસ્તી, મુસ્લીમોના બાઈબલ – કુરાનની જેમ હિન્દુઓના કોઈ એક ગ્રંથ કે શાસ્ત્ર પણ નથી.  રામાયણ, મહાભારત અને રામચરિતમાનસ ઉપરાંત હિન્દુઓની માર્ગદર્શિકા તરીકે વેદ, ઉપનિષજ અને ભગવદ્ ગીતા છે જેમાં અનેક વ્યાખ્યાઓ અને આખ્યાનો છે.

આપણા હિંદુ ધર્મમાં આજે પણ એક સાત્વિક શાલીનતા જે આપણી ઉપાસના બની જાય, એ સાચો ધર્મ અને પ્રેમ છે.  આજે પણ આપણા ધર્મમાં વિકૃત્ત પ્રેમ નહીં પણ સંસ્કૃત પ્રેમ આવકાર્ય છે, આજે પણ હિન્દુ ધર્મની જગપ્રસિધ્ધ ભગવદ્ ગીતાના સોળમાં અધ્યાયમાં પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિનો ભેદ અને સમજ સ્પષ્ટ પણે આપેલ છે.

સમાયોજન, અનુકુલન અને નિયમન નાનપણથી જ બાળકને ધર્મના સંસ્કાર સ્વરૂપે શીખવાય છે.  માણસ એટલે પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિના અંશોનો શંભુમેળો, એ રાવણ પણ બની શકે અને રામ પણ બની શકે, કંસ પણ બની શકે અને કૃષ્ણ પણ બની શકે, દુર્યોધન પણ બની શકે અને અર્જુન પણ બની શકે, સીતામાતા પણ બની શકે અને શૂપર્ણખા પણ બની શકે.  માણસમં અડખે પડખે વસેલા જેકિલ અને હાઈડને ઓળખી લેવામાં ભગવદ્ ગીતામાં સોળમો અધ્યાય ખૂબ જ  ઊપયોગી થાય તેમ છે.  કૃષ્ણની ખૂબી જ  એ કે, તમ્મર ચડે તેવું ઊડું તત્વજ્ઞાન રજૂ કર્યા પછી તરત જ અર્જૂનને (આપણને) સમજ પડે તે માટે એની આચારલક્ષી બાજુ રજૂ કરવાનું તેઓ ચૂક્યા નથી,  આવુ ભગવદ્ ગીતામાં વારંવાર બન્યુ છે.

માણસમાં એક સાથે દેવ અને દાનવના લક્ષણો દેખાય છે.  જેને ભગવદ્ ગીતામાં નોંખા તારવીને બતાવ્યાં છે.  સંસ્કૃતિને પોષક તત્વો એટલે દૈવી સંપતિ અને વિકૃતિને પોષક તત્વો એટલે આસુરી સંપતિ.  ભગવદ્ ગીતામાં સોળમો અધ્યાય જાણે બે રસ્તાઓ ચીંધે છે.  જેમાં એક રસ્તો દિવ્યતા તરફ લઈ જનારો કલ્યાણપથ છે અને બીજો રાક્ષસીવૃતિઓને બહેલાવનારો અધોગતિનો છે.  સદીઓથી માણસ સારૂ-નરસું, શુભ-અશુભ, દૈવી-દાનવીય, ઉન્નતિ-અવનતિ, ઉચિત-અનુચિત, સજ્જનતા – દુર્જનતા, સદ્દગુણ-દુર્ગણ જેવા પ્રત્યોનાં સંદર્ભમાં વિચારતો રહ્યો છે.  માણસ સામે ફંટાતા સદગતિ અને દુર્ગતિના બે માર્ગોમાંથી સદગતિનો માર્ગ પસંદ કરવાની સમજ એટલે વિવેક, વિવેક સંસ્કૃતિને પોષે છે અને વિકૃતિને ખાળે છે.  આમ, શાશ્વત મૂલ્યોની પ્રતિષ્ઠા એ જ ધર્મ અને તેને જ હિન્દુ ધર્મની સહિષ્ણુતા કહી શકાય.

જે માનવને સાચા અર્થમાં માનવ બનાવે છે, દાનવ નહીં.  માનવીય પ્રકૃતિને સંસ્કૃતિ તરફ લઈ જાય છે વિકૃતિ તરફ નહીં.


 સંદર્ભસૂચિ

  1. સામાજિક વિચારકો   :  લે.: પ્રા.એસ.આર.પટેલ અને પ્રા.ડી.જી. ચોવટિયા(રચના પ્રકાશન)
  2. ધર્મનું સમાજશાસ્ત્ર   :  લે.: .જી.શાહ અને જે.કે.દવે (અનડા પ્રકાશન)
  3. વિજ્ઞાન જાણો ધર્મ માણો લે.: ડૉ. કૌશિક મહેતા
  4. કર્મનો સિદ્ધાંતલે.: હીરાભાઈ ઠક્કર
  5. કૃષ્ણનું જીવનસંગીત લે.: ગુણવંત શાહ
  6. દિવ્ય ભાસ્કર રસરંગ પૂર્તિ
  7. પુરાકલ્પન લે.: ડૉ. પ્રવિણ દરજી

ડૉ.ગીતાબેન ડી. લાડવા, એસોસીએટ પ્રોફેસરઅધ્યક્ષ, સમાજશાસ્ત્ર વિભાગ, ગુજરાત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, (સાંજની), અમદાવાદ.

Print Friendly, PDF & Email

Leave a Comment