કૃષ્ણ ‘જન્મોત્સવ’નું વરવું વાસ્તવ પ્રગટાવતી ટૂંકીવાર્તા

આધુનિકોના અગ્રણી સુરેશ જોશીએ ગુજરાતી સાહિત્યક્ષેત્રે અનેક સ્વરૂપો દ્વારા ખેડાણ કર્યું છે. કવિતા, વાર્તા, નવલકથા, નિબંધ, વગેરે ક્ષેત્રોમાં પ્રયોગલક્ષી રહી નવી કેડી કંડારી છે. સુરેશ જોશીએ ‘ગૃહપ્રવેશ’,  ‘બીજી થોડીક’, ‘અપિ ચ’, ‘ન તત્ર સૂર્યો ભાતિ’, ‘એકદા નૈમિષારણ્યે’ જેવાં વાર્તાસંગ્રહો આપ્યાં છે. ઈ. સ. ૧૯પ૭માં ‘ગૃહપ્રવેશ’ વાર્તાસંગ્રહ દ્વારા તેમણે નવલિકાક્ષેત્રે આરંભ કર્યો. આ સંગ્રહના પ્રારંભે તેમણે નૂતન વાર્તાપ્રવાહની દિશા તરફ અંગુલિનિર્દેશ કર્યો. તેમણે વાર્તાકલાને સર્જકની લીલા ગણી છે.

‘ગૃહપ્રવેશ’ વાર્તાસંગ્રહની પહેલી વાર્તા ‘જન્મોત્સવ’ દીનદલિતોના ભૂખમરો અને ઉપલા વર્ગની શ્રીમંતાઈ જેવું વસ્તુ ધરાવતી, સુન્દરમ્‌ની વાર્તાસૃષ્ટિની યાદ અપાવતી, વર્ગવિષમતાની વાર્તા છે. પણ ટેક્‌નિકની દૃષ્ટિએ આ વાર્તા ‘નવીન’ વાર્તા બની રહે છે.

‘જન્મોત્સવ’માં એક તરફ અસીતના ઈલેકટ્રિકલ એન્જિનિયરના વિશિષ્ટ જ્ઞાનને પ્રતાપે કારાગૃહમાં ભગવાન કૃષ્ણનો જન્મ, વરસાદ, વીજળીના ચમકારા, વસુદેવનું કૃષ્ણ સાથે ગોકુલગમન વગેરે ઘટનાઓ તાદૃશ થાય છે, તો બીજી બાજુ ઝૂંપડાંઓની દુનિયામાં સબડતી માણકીને છોકરાનો જન્મ પ્રતાપગંજના (ગંદા-ગટરની ગંધથી ભરેલાં) નાળામાં થાય છે. જન્મની સાથે નાળાના ઘૂંટણસમાં પાણી ડહોળીને નવજાત શિશુને અપંગ કરવા લઈ જતાં દેવજી–કાનજી નજરે પડે છે. ‘જન્મોત્સવ’ની બંને ઘટનાઓને એકીસાથે નિરૂપવામાં વાર્તાકારની સર્જકશક્તિ સક્રિય બની છે. બે ભિન્ન સ્થળની સહોપસ્થિતિ અને જેનાં વિસ્ફોટથી વ્યંગનું એક તેજસ્વી વર્તુળ સ્ફૂટી રહે તેવી વિષમ પરિસ્થિતિઓનું સન્નિધિકરણ અહીં ટેક્‌નિક વડે સિદ્ધ કરવામાં આવ્યું છે.

‘જન્મોત્સવ’ વાર્તામાં સુરેશ જોષીએ જન્મોત્સવ નિમિત્તે એકત્ર થયેલ જુદાં જુદાં સમાજના બે વર્ગોનાં પાત્રો મૂકયાં છે. એક અમીર વર્ગનાં પાત્રો અને બીજા ગરીબ વર્ગનાં પાત્રો. આ બન્ને પાત્રોના માનસને અહીં સુક્ષ્મ સૂઝથી વર્ણવ્યાં છે. અમીરીની છોળોમાં ઉછરેલાં અસીત અને વિશાખા જેવાં લોકો કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે ઉજવણી કરીને આનંદ–ઉલ્લાસ માણવા એકઠાં થયાં છે-પૈસાનો ધૂમાડો કરીને આનંદ માણવા બેઠાં છે. જયારે ગરીબ વર્ગનાં પાત્રો કાનજી, તેની પત્ની માણકી અને દેવજી-જે પુત્રજન્મ નિમિત્તે સુખને બદલે દુઃખમાં ગરકાવ થાય છે. આનંદ માણવાને બદલે પુત્રના ભવિષ્યના રોટલાની ચિંતા કરે છે. ગરીબીમાંથી છૂટકારો મેળવવા, રોજી–રોટી મેળવવા તાજા જન્મેલ બાળકના પગને ભંગાવી નાખે છે. બાળકની કરુણ ચીસો, માના માતૃત્વની તડપ વગેરે વર્ણવી લેખક આપણને કરુણ સંવેદનામાં વહેતા કરી મૂકે છે.

અસીતના ઈલેકટ્રીકલ જ્ઞાનની કરામતથી ગોઠવણ કરેલી હતી કે ઘડિયાળના બન્ને કાંટાઓ બાર ઉપર આવે કે તરત જ એ કૃષ્ણજન્મનો પડદો ઊંચકાવાનો હતો. આ છે કૃષ્ણના જન્મોત્સવની વાત. તો ઝૂંપડપટ્ટીની કંગાલ અને લાચાર દુનિયામાં જીવતી માણકીના પેટે અવતરતા કૃષ્ણ જેવા જ, પણ કૃષ્ણ નહીં તેવા નવજાત શિશુના જન્મની બીજી વાત.

પેલી તરફ સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી છે. સૌ ઘડિયાળનાં કાંટાને તાકી રહ્યાં છે. આ તરફ માણકી પીડાઈ રહી છે. અસીતની કૃષ્ણજન્મની માયાવી સૃષ્ટિની અદ્દભૂત કરામત જોઇ સૌ સ્તબ્ધ થઈ જાય છે. કૃષ્ણજન્મ પછી કંસથી રક્ષવા વસુદેવ કૃષ્ણને લઈને ગોકુળ જાય છે, ગોકુળમાં કૃષ્ણજન્મનો ઉત્સવ રચાય છે, પાલકમાતા જશોદા કૃષ્ણને નજર ન લાગે તે માટે ગાલે કાળું ટીલું કરે છે, ગોકુળ આખું ટોળે વળે છે, પ્રસાદ વહેંચાય છે, ગીતો ગવાય છે અને સર્વત્ર આનંદ આનંદ છવાઈ જાય છે.

બીજી બાજુ માણકીના પેટે જન્મેલા કૃષ્ણ જેવા જ રૂપકડાં બાળકનો જન્મ તેના બાપ કાનજીને વ્યથામાં ગરકાવ કરી મૂકે છે. ગરીબાઈ અને ભૂખમરા જેવી કફોડી સ્થિતિમાં જયાં માંડ બે પેટ પળાતાં હોય ત્યાં ત્રીજા પેટને કઈ રીતે પાળવું તેની ચિંતા-વ્યથા જ બાપને મજબુર કરે છે, બાળકને અપંગ બનાવવા.

વરવી વાસ્તવિકતા છે કે વર્ષો પહેલાં કોઈ સર્જકની કલમમાંથી જન્મેલાં એક કાલ્પનિક પાત્ર-કૃષ્ણને યાદ કરીને આજે પણ આપણે તેનો જન્મ ઉત્સવરૂપે મનાવીએ છીએ, પણ આજના-તરોતાજા વાસ્તવમાં જન્મેલાં બાળક-કૃષ્ણને આપણે અંધકારભર્યા ભવિષ્ય તરફ ધકેલી દેવા વસુદેવ(કાનજી)ને વિવશ બનાવી દઈએ છીએ. કેવું વિચિત્ર નગ્ન વાસ્તવ !

આમ, આ રીતે કૃષ્ણજન્મનું પુરાકલ્પન પ્રયોજી સુરેશ જોશી સાંપ્રત સમયની કરુણ વાસ્તવિકતાને પ્રગટાવે છે. પુરાકલ્પનને આધુનિક સંદર્ભમાં યોજી સર્જકે સમાજની વિચારસરણી ઉપર કટાક્ષ કર્યો છે. કૃષ્ણજન્મનું પુરાકલ્પન સર્જકચેતનાને-સંવેદનાને સફળ રીતે પ્રગટાવી આપે છે, ધાર્યું પરિણામ પણ આપે છે. આ વાર્તામાં પ્રયોજાયેલ સહોપસ્થિતિ પણ ધ્યાન ખેંચે છે.


ડૉ. ભરત એમ. મકવાણા, અધ્યક્ષ, ગુજરાતી વિભાગ, શ્રી ડી.કે.વી. આર્ટ્સ & સાયંસ કૉલેજ, જામનગર

Print Friendly, PDF & Email

Leave a Comment