ક. મા. મુનશીના ‘અવિભક્ત આત્મા’ નાટકનું પૌરાણિક પાત્ર : અરુંધતી

ગુજરાતી ભાષાના મહામના કનૈયાલાલ મા. મુનશીએ તેમના પૌરાણિક નાટકો માટેનું વસ્તુ મહાભારત પુરાણમાંથી લીધું છે. શ્રી મુનશીએ તેમના નાટકોમાં વૈદિક-પૌરાણિક મિશ્રણ જેવું, બેયના સંધિ જેવું વાતાવરણ સર્જવાનો પ્રયત્ન કર્યો છે. વૈદિક સાહિત્યમાં તથા પુરાણોમાં એ જમાનાના રીત-રિવાજો વિષે કે રાજકીય, સામાજિક, આર્થિક વગેરે પરિસ્થિતિઓ વિશે વિવિધ મૂળમાંથી માહિતી એકઠી કરી અને પોતાની કલ્પનાશક્તિના બળથી એને મઠારી છે.

મુનશીના પૌરાણિક નાટકોમાં ‘પુરંદર -પરાજય’, ‘અવિભક્ત આત્મા’, ‘તર્પણ’ અને ‘પુત્ર સમોવન’ માં પાત્રોના નામો પણ પૌરાણિક છે. ‘અવિભક્ત આત્મા’ નાટકમાં વસિષ્ઠ અને અરુંધતી પૌરાણિક નામો છે. એ બેનાં લગ્ન પણ પૌરાણિક હકીકત છે. અરુંધતી- વસિષ્ઠને સપ્તર્ષિમાં પુરાણો પણ ગણે છે. પૌરાણિક વસ્તુ સાથે પૌરાણિક પાત્રો લઇને મુનશીએ કલાકૃતિઓ રચી છે.

મુનશી વૈદિક-પૌરાણિક સાહિત્યના એક સારા અભ્યાસી અને ઇતિહાસવિદ સર્જક છે, એ હકીકતની  પ્રતીતિ  તેમનાં  ખ્યાત  વસ્તુ  લઇને  રચાયેલાં ઐતિહાસિક/પૌરાણિક નાટકોમાં મળી રહે છે. વૈદિક ઋચાગાન, દેવ-દેવીઓનાં સ્તવન-આહ્વાન અને ચમત્કારક મંત્રવિદ્યાના પ્રતાપે થતાં તેમનાં પ્રત્યક્ષ દર્શન, તેમની આસપાસ રચાતાં દિવ્યતા-અલૌકિકતાદર્શક તેજવર્તુળ, તેમની કૃપા કે અવકૃપા સૂચવતાં અને અમોધ સંહાર-પ્રહારની શક્તિ ધરાવતાં વજ્ર-જામદગ્ન્યાસ્ત્ર આદિ દિવ્ય આયુધોના ચમત્કારયુક્ત પરચા, યજ્ઞ-હોમહવન વગેરે ધાર્મિક ક્રિયાકાંડ, આર્ય જાતિના વરુણ-ઇન્દ્ર-અગ્નિ આદિ દેવોની સાધના-ઉપાસના થકી ઋષિઓને પ્રાપ્ત થયેલ શાપ-વરદાનની અતીન્દ્રિય શક્તિના અગમ્ય ચમત્કારમૂલક નુસખાનું દ્રશ્યાત્મક અને નાટ્યાત્મક-કયારેક નાટકી પણ બની જતું- આલેખન કૃતિગત પરિવેશના નિર્માણમાં અને પૌરાણિક-વૈદિક કાળનાં પાત્રોનાં ચિત્રણમાં ભાગ ભજવે છે.

‘અવિભક્ત આત્મા’ નાટકમાં સ્ત્રીપુરુષના લગ્નસ્નેહનું, એ સ્નેહથી પ્રગટેલા અદ્વૈતના મહત્વનું ગાન ગાવામાં આવ્યું છે. ગમે તેવા મહાપદ કરતાં, સપ્તર્ષિપદ કરતાં પણ, લગ્નસ્નેહનું- બે ભિન્ન જીવાત્માઓના અદ્વૈતનું – મૂલ્ય વધારે છે. એ અદ્વૈત જ સ્ત્રીપુરુષને ઊઁચા પદને યોગ્ય બનાવે છે એ ભાવનાને સર્જકે વ્યકત કરી છે. અરુંધતી વસિષ્ઠની પત્ની છે. વસિષ્ઠ અને અરુંધતી બંને સપ્તર્ષિપદ માટે તપશ્ર્ચર્યા કરે છે. તપની સિદ્ધિના લોભથી અરુંધતી વસિષ્ઠનો અતિ પ્રિય સમાગમ છોડી દે છે. વસિષ્ઠ દાંપત્યની સિદ્ધિ આગળ આર્યોના પરમ વાંછનીય સપ્તર્ષિપદની પણ તુચ્છ ગણે છે અને કતુના શાપને વહોરી લે છે. છેવટે વસિષ્ઠ અને અરુંધતી પરણે છે અને પોતાના બેના અવિભક્ત આત્માનું દર્શન કરે છે, અને એ દર્શન જ એ બેયને એકરૂપે સપ્તર્ષિપદને યોગ્ય બનાવે છે.

ઋષિ વસિષ્ઠ આર્યસંસ્કૃતિના આદિ પ્રતિનિધિઓમાંના એક છે. સાતે ઋષિઓની સ્ત્રીઓનાં નામ પુરાણોમાં છે. છતાં તેમાંથી માત્ર અરુંધતી જ સાતે ઋષિઓની સમોવડી પદવીએ પહોંચી અને સપ્તર્ષિ-મંડળમાંના તારાઓમાં પણ એક તારો અરુંધતીનો છે. આપણા કર્મકાંડમાં પણ સપ્તર્ષિની સાત સોપારી સાથે અરુંધતીની આઠમી સોપારી મુકાય છે. પરણી ઊઠેલી સ્ત્રીને અરુંધતીનો તારો બતાવવાની રીત હજુ પણ ચાલે છે. અને સપ્તર્ષિઓની સાથે અરુંધતીને જોઇ, મહાદેવજીને પણ પાર્વતી સાથે પરણવાની ઇચ્છા થાય છે.

હિંદુ માન્યતા પ્રમાણે વસિષ્ઠ ને અરુંધતીનું સ્થાન અપૂર્વ છે. તેમનો આદર્શ અદ્વિતિય છે. વસિષ્ઠપત્ની અરુંધતી મહાભારત પુરાણ પ્રસિદ્ધ છે. રામાયણ અને પુરાણોમાં પણ અરુંધતી પ્રસિદ્ધ છે. મુનશીજી અરુંધતીને મેઘાતિથિની પુત્રી કહે છે. મેઘાતિથિ નામના એક કાણવ મંત્રદ્રષ્ટા ઋષિ ગણાય છે. પુરાણોમાં તો અરુંધતીને કશ્યપની પુત્રી અને નારદની બહેન કહેવામાં આવેલ છે. (વાયુ પુ. 79,80) ‘અરુંધતીએ પૂર્વજન્મમાં તપ કરેલું’ તેવું સ્મરણ પોતાને હોવાનું મુનશીએ નોંધ્યું છે. પરંતુ સ્વાયંભુવ મવિન્તરના સપ્તર્ષિઓ શંકરના શાપથી ફરી બીની મવિન્તરનાં જન્મ્યાનું પુરાણોમાં નોંધ છે. (વાયુ પુ. 65) અને વસિષ્ઠને દક્ષે ઉર્જા નામની પુત્રી આપી હતી અને એનાથી એને સાત પુત્રો થયા હતા. એવી નોંધ છે. (વાયુ.મ.9, શ્ર્લોક 32 તથા અ. 28, શ્ર્લોક 34) આ વાત વસિષ્ઠ – અરુંધતીના પૂર્વજન્મની જ હોવી જોઈએ.

મહાસતી ભગવતી અરુંધતીના નામથી ભારતીય નારી પરિચિત હોય જ. અરુંધતીએ પોતાના તપથી, સેવાથી અને અદ્વિતીય પાતિવ્રત્યથી સપ્તર્ષિમાં સ્થાન મેળવ્યું છે. સપ્તર્ષિ મંડળમાં સ્થાન પ્રાપ્ત કરનાર એક માત્ર નારી છે. અરુંધતીની પતિ પરાયણતા અને પતિ સેવાનો જોટો જગતમાં જડે એમ નથી. કામ, ક્રોધ, મોહ, લોભ, મદ અને મત્સર આ છ શત્રુને પરાજિત કરી મનોવૃતિને હથેળીમાં રહેલા આમળાના ફળની માફક જાળવનાર અરુંધતી એક માત્ર નારી રત્ન થઇ ગયાં. દેવી અરુંધતી દયા, ક્ષમા, લજ્જા, વિનય, વિવકે, વિદ્યા, જ્ઞાન-વિજ્ઞાનથી વિભૂષિત હતા. દેવીને મન કોઇ શત્રુ કે કોઇ મિત્ર ન હતું. નારી માત્ર માટે અરુંધતીનું જીવન એક આદર્શ બની રહે છે. ભગવતી અરુંધતીનું સ્મરણમાત્ર તન, મન અને પ્રાણને ઉર્જા-શક્તિ આપે છે.

સપ્તર્ષિમાં સ્થાન મેળવી મહાસતી અરુંધતી અજર અમર બની ગયાં છે. રૂપ, ગુણ અને તપસ્યા તથા પતિસેવામાં એની બરોબરી કરી શકે તેવી કોઇ નારી હજુ સુધી જન્મી નથી, અરુંધતીનું આયુષ્ય સાત કલ્પ સુધીનું માનવામાં આવે છે. લગ્ન પ્રસંગે વરવધૂને આજે પણ ભગવતી અરુંધતીનું દર્શન કરાવવામાં આવે છે. વહુમાં મા ભગવતી અરુંધતી જેવા ગુણ પ્રગટે માટે આમ કરવામાં આવે છે, અથવા તો જે સૌભાગ્ય અરુંધતીને મળ્યું એવું જ સૌભાગ્ય વધૂને મળે એમ માનવામાં આવે છે. ધર્મ એ આ ભગવતીનું આભૂષણ હતું. એ બાલિકા હતી ત્યારથી એણે ધર્મવિરુદ્ધ કોઇ કાર્ય કરેલું નહિં માટે જ એનું નામ અરુંધતી પડ્યું.

અરુંધતીના જન્મ વિષે જુદા જુદા મત પ્રવર્તે છે.

એક કથાનુસાર એ મહર્ષિ કર્દમ અને ભગવતી દેવહૂમાની કન્યા હતી. બીજી કથા પ્રમાણે એ મહામુનિ મેઘાતિથિને ત્યાં જન્મી હતી. પુરાણોની કથાઓને જોતાં જણાય છે કે, અરુંધતીનો જન્મ ભગવતી દેવહૂમાની કૂખે થયેલો અને એ મહર્ષિ કર્દમની કન્યા હતી. પણ છેક બાલ્કકાળથી અરુંધતીનો ઉછેર મેઘાતિથિના આશ્રમમાં થયેલો. માની શકાય કે, ભગવતી દેવહૂમાની નવ કન્યા પૈકી એકના ઉછેરની જવાબદારી મુનિવર મેઘાતિથિએ ઉઠાવી હોય ! હકીકતે અરુંધતીનો ઉછેર મેઘાતિથિના આશ્રમમાં થયેલો. ચાર વર્ષની આ બાલિકા જયારે મેઘાતિથિના આશ્રમમાં પ્રવેશી ત્યારે સારોય આશ્રમ હરિયાળો બની ગયો, પ્રકૃતિની શોભા વધી ગઈ, આશ્રમમાં ધેનુઓ વધુ દૂધ આપતી થઇ, પશું- પક્ષીઓ કલ્લોલી ઊઠ્યાં. કન્યા ધીમે ધીમે મોટી થતી ગઇ.

એક દિવસ બ્રહ્માજી મેઘાતિથિના આશ્રમે પધાર્યા. સર્વજ્ઞાન સંપન્ન બ્રહ્માજી જાણતા હતા કે, અરુંધતી અન્ય કોઇ નહિ પણ પોતાની પુત્રી સંધ્યા છે, જેણે ગત જન્મમાં યજ્ઞ – હવિ બની પોતાનું શરીર અગ્નિને સોંપી દીધું હતું.

અરુંધતીને જોઇ એણે તુર્ત જ મુનિવર મેઘાતિથિને અનુરોધ કર્યો; ‘મુનિવર, તમારા આશ્રમમાં સ્ત્રીઓ નથી તો હબવે અરુંધતીને શિક્ષણ શી રીતે આપી શકશો ? નારીને શિક્ષણ ફક્ત નારી જ આપ શકે. પવિત્ર સતી નારીઓના સંગમાં અરુંધતીને મૂકવાની જરૂર છે કે જેથી નારી જગતને લગતું શિક્ષણ એ આપો-આપ ગ્રહણ કરી શકે.’

બ્રહ્માજીની ઇચ્છાનુસાર મેઘાતિથિને સૂર્યમંડળ જઇ મહાસતી સાવિત્રી તથા બહુલા અને ગાયત્રીના હાથમાં અરુંધતીનો હાથ સોંપી દીધો.

‘આ પુત્રીને ઉચ્ચ શિક્ષણ, પતિધર્મ, માનવ ધર્મ, સમાજ વિદ્યા અને ધર્મશાસ્ત્રનું સંપૂર્ણ શિક્ષણ આપવા માટે બ્રહ્માજીએ મને આજ્ઞા કરી છે. તમે આ પુત્રીને સંભાળો.’

આ રીતે અરુંધતીને દેવલોકમાં દેવાંગનાઓના હાથ નીચે શિક્ષણ મળવા લાગ્યું. અરુંધતીની શક્તિ અને લગન જોઇ સાવિત્રીદેવી ચકિત બની ગયાં.

‘હે પુત્રી, તું પરમ ભાગ્યવતી છે. હવે તું એવા પદને પામી ચૂકી છે કે, દેવાંગનાઓ પણ તારી પાસે શિક્ષણ મેળવતાં ગૌરવ અનુભવશે.’

અરુંધતીને લઇ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સાથે મેઘાતિથિ વશિષ્ઠાશ્રમે પહોંચ્યા. ‘મહર્ષિ.’ મહામુનિ મેઘાતિથિએ પ્રસ્તાવ મૂક્યો; ‘આ મારી પાલક પુત્રી અરુંધતી છે. વેદ, વેદાંહનો અભ્યાસ, વ્રત, નિયમ, ધ્યાન, યોગ અને પાતિવ્રત્યનું શિક્ષણ એણે મહાદેવી સાવિત્રી અને ગાયત્રી પાસેથી મેળવ્યું છે. હું, મહર્ષિ કર્દમ, દેવાધિદેવ બ્રહ્મા અને ભગવતી દેવહૂતિની ઇચ્છા છે કે, તમે આ કન્યાનું પાણિગ્રહણ કરો. કારણ કે તમે એક જ એને માટે યોગ્ય વર છો.’

‘મહર્ષિ.’ વશિષ્ઠ પ્રસન્ન બની બોલ્યા; ‘અરુંધતી વિષે તમારે કશું જ કહેવાની જરૂર નથી. હું અરુંધતીને જાણું છું. અરુંધતીનું પાણિગ્રહણ કરી હું ધન્ય બનીશ. તમે મને ધન્ય બનાવવા પધાર્યા છો એથી હું કૃતાર્થ બન્યો છું.’

વશિષ્ઠ અરુંધતીનાં લગ્ન થયાં. દેવો અને દેવાંગનાઓએ એમાં ભાગ દીધો. ઇન્દ્ર, ચંદ્ર, મહેન્દ્ર, વરુણ, બ્રહ્મા અને નારાયણે દેવી અરુંધતીને વિવિધ અને દિવ્ય વરદાન આપ્યાં. નારાયણે, બ્રહ્માએ અને સદાશિવે વર-કન્યાના શિરે જળ અભિષેક કર્યોં. આ જળ ધારાઓ પાછળથી ગોમતી, ક્ષિપ્રા, સરયૂ અને મહા નદીમાં પરિણમી. લગ્ન પછી બ્રહ્માજીએ આપેલા દિવ્ય વિમાનમાં બેસી વશિષ્ઠ-અરુંધતીએ પૃથ્વી અને સ્વર્ગની સફર કરી.

વશિષ્ઠ આશ્રમ અરુંધતીના પ્રવેશથી નવપલ્લવિત થઇ ઊઠ્યો. આ આશ્રમમાંથી વસંત કયારેય હવે ખસતી ન હતી. દુર્ગંધ, દુરાચરણ અને પાપાચાર હવે આ આશ્રમથી સેંકડો કોસ દૂર રહેવા લાગ્યાં. હિમાલયની તળેટીની સપાટ ભૂમિમાં વનશ્રી લીલીછમ્મ રહેવા લાગી, ધાન્યથી ખેતરો ઉભરાવા લાગ્યાં, ધેનુઓ અપરંપાર દૂધ આપવા લાગી.

અગ્નિપત્ની સ્વાહાએ અરુંધતીની કીર્તિ સાંભળી અરુંધતી જેવાં બનવાની લાખ કોશિશ કરી પણ છેવટે એ હતાશ થઇ ગઇ. ભગવતી અરુંધતી પાસે આવી ક્ષમા માગતાં એણે કહ્યુ.‘ભગવતી, તમારા જેવું ચારિત્ર્ય મેળવવા મેં પ્રયત્નો કર્યા, પણ હું નિષ્ફળ ગઇ. હવે હું સમજી ગઇ છું કે, સતી નારીની નકલ થઇ શકતી નથી. મને ક્ષમા કરો, મહાસતી.’

‘ભગવતી,’ દેવતાઓ બોલ્યા; ‘અમારા હૃદયે એક પ્રશ્ર્ન છે. આ પ્રશ્ર્નના નિરાકરણ માટે અમે તમારી પાસે આવ્યા છીએ.’

ઇન્દ્ર ! સાક્ષાત્ મેઘ ! એણે પોતાની શક્તિ કામે લગાડી પણ કુંભનો ચોથો ભાગ માંડ ભરાયો. પછી સૂર્ય અને અગ્નિએ પ્રયત્ન કર્યો પણ કુંભ ન ભરાયો. પછી સૂર્ય અને અગ્નિએ પ્રયત્ન કર્યો પણ કુંભ ન ભરાયો. કુંભ ત્રણ ચતુર્થાંશ ભરાઇ અટકી ગયો.

‘દેવતાઓ, ’ અરુંધતી બોલ્યાં; ‘સતી નારીની સમય્સા તમેને મૂંઝવે છે ને  સતી એટલે શું એ તમારે જાણવું છું ને ? જુઓ, આ કુંભ તમને જવાબ આપશે.’

મહાસતી સીતાએ પણ જેનાં ચરણે વંદના કરી એ મહાસતી ભગવતી અરુંધતી આજે પણ સપ્તર્ષિ મંડળમાં વિરાજમાન રહી નારી માત્રને એનો નારી ધર્મ સમજાવી રહ્યાં છે.

આ રીત મુનશીજીએ પુરાણકથામાંથી પ્રેરણા લઇ ‘અવિભક્ત આત્મા’ નાટકની રચના કરી છે. સ્વેચ્છાથી પરસ્પર નિષ્ઠાવાળાં અને અવિભક્ત આત્માનું દામ્પત્યસુખ નિત્ય અનુભવતાં આ દેશનાં નિર્ભય અને અડગ સ્ત્રીપુરુષો પોતાના દેશની સ્વાધીનતા પોતાના પરાક્રમથી જ મેળવે અને સમગ્ર માનવજાત સાથે બંધુભાવવાળો સહચાર સાધે એ આ નાટકનું મુખ્ય ધ્યેય છે.


સંદર્ભ પુસ્તકો :

  1. ‘ભારતના નારી રત્નો’ ભાગ-1  લે. શાંતિલાલ જાની
  2. ‘મુનશી ગ્રંથાવલી-11’   નાટકો – ‘પૌરાણિક અને સામાજિક’ લે. કનૈયાલાલ માણેકલાલ મુનશી
  3. ‘કનૈયાલાલ મુનશી – વ્યક્તિત્વ અને વાઙમય’  લે. બાબુ દાવલપુરા

પ્રા. ડૉ. ઉષાબેન પી. લાડણી, ગુજરાતી વિભાગ, યુ. કે. વાછાણી મહિલા આર્ટસ એન્ડ હોમસાયન્સ કૉલેજ, કેશોદ, (જી. જુનાગઢ)

Print Friendly, PDF & Email

Leave a Comment