લોક દુહામાં પુરાકલ્પનનો વિનિયોગ

અંગ્રજીમાં Myth શબ્દ ગ્રીક શબ્દ Methos ઉપરથી ઉતરી આવેલો છે. તેનો અર્થ ‘મુખેથી કહેવાયેલ’ એવો થતો. અંગ્રેજીમાં ‘Myth’ નો અર્થ પહેલા ‘દેવકથા’ જેવો હતો, સમય જતાં તેનો વિકાસ થતાં તેનો સંબંધ સાહિત્ય સાથે જ નહિ પણ ધર્મ, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, લોકસાહિત્ય ઈત્યાદિ સાથે જોડાઈ ગયો. આપણે ત્યાં ગુજરાતીમાં ‘ Myth’ ના પર્યાય તરીકે ‘પુરાકલ્પન’ , ‘પુરાણકથા’, ‘કલ્પકથા’ જેવા શબ્દો પ્રયોજાય છે. હરિવલ્લભ ભાયાણી નોંધે છે. ” Myth (મિથ) એટલે અમુક કથા કે કથાતત્વનો ગુચ્છ, જેને પાર્થિવ અને અપાર્થિવ તત્વોના ઊંડાણમાં રહેલાં પરિબળોની લીલાના અભિવ્યંજક કે સૂચક પ્રતીક તરીકે લઈ શકાય. આવી કથા પણ કોઈક પરંપરાના લોકોનો સહિયારો વારસો હોય એ જરૂરી છે”. એનસાયકલોપિડિયા ઓફ બ્રિટાનિકામાંર Myth (મિથ)ની વ્યાખ્યા આ પ્રમાણે આપવામાં આવી છે, ‘મિથ સામૂહિક શ્રધ્ધાને અભિવ્યકિત અને વિકસિત કરે છે. નીતિનું રક્ષાણ અને ફેલાવો કરે છે. તે ધાર્મિક અનુષ્ઠાનનું સાક્ષી બનીને મનના માર્ગદર્શન  માટે વ્યવહારુ નિયમો નકકી કરે છે. આ રીતે મિથ માનવ સભ્યતાનું ખૂજ જ જરૂરી ઉપાદાન છે. આ કોઈ પાયા વગરની પ્રથા નથી, પરંતુ એક સુપરિચિત શકિત છે જે કોઈ બુધ્ધિ કે કલાત્મક પ્રકાર ન કરી શકે. અર્થાત તે પ્રાચીન વિશ્વાસો અને નૈતિક વિવેકનો એક વ્યવહારુ દસ્તાવેજ છે.”   અર્થાત પુરાકલ્પનમાં સાહજિકતા અને સામૂહિકતાનો સમન્વય થયેલો હોય છે. પુરાકલ્પન જેટલું સાહજિક હોય છે તેટલું જ એ સમૂહમાં પ્રચલિત પણ હોય છે.

એક સાહિત્યિક પ્રયુકિત તરીકે પુરાકલ્પનનો પ્રયોગ કરીને સર્જક પોતાના ઉદેશ્યો સિધ્ધ કરી શકે છે. પુરાણની કથાનો વર્તમાન સમયમાં પ્રયોગ કરીને એક નવું અર્થઘટન કરી શકે છે. પુરાકલ્પન અને સાહિત્યનો ઘનિષ્ઠ સંબંધ પ્રાચીન કાળથી ચાલ્યો આવે છે. આપણા વેદોની ઋચાઓ અને સૂકતોમાં પુરાણોની આખ્યાયિકાઓ તેમજ રામાયણ, મહાભારત જેવા ગ્રંથોમાં સાહિત્યિક મૂલ્ય ધરાવતા અનેક પુરાકલ્પનો પડેલા છે. જેનો પ્રયોગ સંસ્કૃત ભાષાના કવિઓ, પ્રાકૃત ભાષાના કવિઓ અને અર્વાચીન કવિઓ પણ કરતા રહયા છે.

લોકસાહિત્યના સ્વરૂપોનો જયારે વિચાર કરીએ ત્યારે તેમાં સૌથી વધારે લોકપ્રિય “સ્વરૂપ તરીકે દુહાનો ઉલ્લેખ કરવો રહયો, કારણ કે દુહાની દુનિયા સંસાર જેટલી વિશાળ છે. સંસારના તમામ ભાવસંવેદનો દુહામાં પડઘાય છે. આથી જ જયમલ્લ પરમારે દુહાનું મહત્વ બતાવતા લખ્યું, ‘ દુહો પોતાના મલમલી દુપટ્ટાથી પ્રેમીઓના દિલને જેટલી સહજતાથી ડોલાયમાન કરે છે, એટલી જ સહજતાથી વૈરાગ્યનો ભગવો નેજો લહેરાવે છે, તો વીરરસને દુહા જેવો ચગાવણહાર બીજો એકેય પ્રકાર આપણને  સાંપડતો નથી, શૌર્યના ઉચ્છરંગ, સમરજાદ શૃંગાર અને મસ્ત પ્રણયની બરછિયુંના મીઠા ઘા મારતો આવે, ઋતુએાની લીલાના અણસારે ચિત્રો ઉઠાવતો આવે, પ્રમત કે મુરઝાઈ ગયેલા હૈયાને આટલી મોકળાશ એકેય કાવ્યપ્રકારે નથી આપી. એમાં ગુંજન પણ છે ને ગહેકાટ પણ છે. એનો પમરાટ સીધો પ્રાણને સ્પર્શે  છે. એની હલકમાં જેટલી મધુરતા છે  એટલું જ દર્દીલાપણું છે. એનો કરુણ ઢંગ તો કલેજા-વિંધણ હોય છે. વાર્તાઓ અને કથાગીતોને  તે આ દુહાએ જ જીવતાં રાખ્યાં છે.” દુહામાં સંસારના તમામ ભાવો આલેખન પામ્યાં છે. વ્યકિતગત પ્રણય, દર્દની  ઊંડીં લાગણી, બિરદાવલીઓ, ઋતુસૈાંદર્ય, પ્રદેશસૌંદર્ય, વ્યકિતગત ખમીર, બોધ- ઉપદેશ એમ જીવનના તમામ ક્ષોત્રોમાં દુહો ફરી વળ્યો છે. દુહાથી પરિચિત ન હોય એવી ભાગ્યે જ કોઈ વ્યકિત આપણે મળે. ટૂંકમાં લોકસાહિત્યમાં સૌથી નિરાળું અને ઠાવકું સાહિત્ય સ્વરૂપ દુહાનું છે.

દુહો લોકસમાજની વચ્ચેથી આવતો હોવાથી લોકોમાં પ્રચલિત એવા આખ્યાનો, ધામર્િક કથાનકો, રામાયણ, મહાભારતના પ્રસંગો  કે અન્ય ધાર્મિક વિધિ- વિધાનો સાથે જોડાયેલી બોધકથાઓ નો ઉપયોગ કરીને દુહામાં લોકકવિ અર્થની ચમત્કૃતિ સાધી જાય છે. ઉદાહરણથી તપાસીએ.

જેનાં  સાચાં  શીલ,  વરણ કાંઉ વખોડિએ,
પ્રલ્હાદ નહિ પવિત્ર, દેવ મનાણો દાદવા!

(જેનું  આચરણ પવિત્ર હોય એનું કુળ કયારેય જોવા ન બેસવું કારણ કે પ્રહલાદનો જન્મ ઉતરતા કુળમાં થયો હોવા છતાં તે દેવ તરીકે પૂજાય છે.) પ્રસ્તુત દુહામાં સંસારના ઉચ્ચ-નીચના ભેદભાવને વખોડવા માટે પ્રહલાદની પુરાણકથાનો ઉપયોગ થયો છે.પ્રહલાદ ઉતરતા કુળમાં જન્મ્યો હોવા છતાં તે ઈશ્વર તરીકે પૂજાય છે કારણ કે તેના આચારવિચાર પવિત્ર હતા.

સબકું  રસમે રાખીએ, અંત લીજીએ નહિ,
અંત લીયે વખ નીકળ્યો, રત્નાગર કે માંહિ.

(સર્વને  રસમાં રાખવા કોઈનો અંત ન લેવો, અંત લેવાથી ઝેર ઉપજે છે. સમુદ્રનો જયારે  અંત લીધો ત્યારે રત્નાકરમાંથી પણ ઝેર નીકળ્યું હતું.) પ્રસ્તુત દુહામાં સમાજમાં કોઈપણ વ્યકિતના જીવનમાં અંત સુધી ન પહોચવું કારણ કે જયારે અંત સુધી પહોચીએ છીએ ત્યારે તેમાંથી સારું કશું જ નથી નીકળતું માત્ર ઝેર વધે છે. તે સમુદ્રમંથનના પ્રસંગ દ્વારા સમજાવ્યું છે. સમુદ્ર રત્નાકર હોવા છતાં દેવો અને દાનવોની અતિ લાલચાએ  એમાંથી પણ ઝેર જ નીકળ્યું.

મનની  મીઠપ  હોય, ભોજનમાં ભાજી ભલી,
અંગે ઉમળકો ન હોય, કડવા ઘેબર કિશનીયા.

(મનમાં  મીઠપ હોય તો ખાવા – જમવામાં ભાજી પણ મીઠી લાગે પણ મનમાં ઝેર હોય તો ખાવામાં ઘેબર પણ કડવું લાગે.) પ્રસ્તુત દુહામાં માણસ પ્રેમનો ભૂખ્યો છે ભોજનનો નહીં. એ વાત મહાભારતના પ્રસિધ્ધ પ્રસંગ કૃષ્ણવિષ્ટિ દ્વારા સમજાવ્યું છે. સંધિ કરવા આવેલા શ્રીકૃષ્ણ દુર્યોધનના બત્રીસ ભાતના પકવાનોને બાજુ પર મૂકી વિદુરજીને ત્યાં ભાજી જમે છે. સમાજમાં પણ માણસ વચ્ચેના માણસના પ્રેમથી બીજી એકપણ મોટી વસ્તુ નથી. ઈશ્વરને પણ પ્રેમથી જીતી શકાય છે. એ દુહામાં સમજાવ્યું છે.

કાળ કોઈને છોડતો નથી, ભલે હોય ભગવાન,
ભીલે  ભાલો  ભોકયો, શ્રીકૃષ્ણ હતા બળવાન.

(સમય કોઈને છોડતો નથી ભલે પછી ભગવાન હોય, કૃષ્ણનો સમય પૂરો થયો ત્યારે ભીલના ભાલાએ વિંધાવવું પડયું હતું.) પ્રસ્તુત દુહામાં સમયની સર્વોપરિતા દર્શાવવા માટે ભારતખંડના સર્વ શકિતમાન ભગવાન શ્રીકૃષ્ણનો વધ એક સામાન્ય ભીલ દ્વારા થયાનું કથાનક ગૂંથી લઈને કવિએ ચમત્કૃતિ સાધી લીધી છે. સમયના હાથમાં મનુષ્ય માત્ર કોણ ?  પ્રશ્નનો જવાબ લોકકવિએ ખૂદ ઈશ્વરના જીવનમાંથી શોધી આપ્યો છે.

સાચો  મિત્ર સચેણ, કહો કામ ન કરે  કશો,
હરિ અર્જુન રે હેત, રથ કર હાકયો રાજીયા.

(સાચો  મિત્ર મિત્ર માટે શું કામ નથી કરતો ? હરિ(શ્રીકૃષ્ણ)ને અર્જુન સાથે પ્રેમ હતો એટલે જ તો એમણે અર્જુનનો રથ પણ હાંકયો હતો.) પ્રસ્તુત દુહામાં મિત્રતામાં વચ્ચે સ્થાન, માન અને મોભો કશું જ આવતું નથી એને સમજાવવા માટે મહાભારતમાંથી શ્રીકૃષ્ણ અને અર્જુનની મિત્રતાનું દ્રષ્ટાંત આપ્યું છે.

કર  વિચારી કાજ, જરૂર એવા જાણિયા,
ગયું રાવણનું રાજ, વણ પ્રધાને વાણિયા.

( જીવનમાં પ્રત્યેક કાર્ય સમજદાર વ્યકિતને પૂછીને કરવું જોઈએ  નકરવામાં આવે તો રાવણ્ાનું રાજ પણ સારા પ્રધાન વગર ગયું હતું.) પ્રસ્તુત દુહામાં સજજનને પૂછેને કરવું જોઈએ તેની સમજુતી માટે રામાયણમાંથી રાવણનું દ્રષ્ટાત આપીને સમજાવવામાં આવ્યું છે.

સંપત દેખી ન રાચિયે, વિપત પડે ન રોય,
રાજા   હરિચંદ યું કહે,  હરિ કરે  સો હોય.

(જિંદગીમાં સારો અને ખરાબ સમય તો બધાનો આવે છે. રાજા પણ રાંક બેને રાજા હરિચંદ્રના દ્રષ્ટાંત દ્રારા સમજાવવામાં આવ્યું છે.) જિંદગીમાં પ્રત્યેક વ્યકિતના જીવનમાં સારો અને ખરાબ સમય આવે છે તેની સમજુતી રાજા હરિચંદ્રના ઉદાહરણ દ્રારા સમજાવવામાં આવ્યું છે.

શિવ ભૂતનકે સંગમે, ચૂક ગયો નિજ સ્થાન,
કૈલાસ કો છાંડ કે, કીયા  વાસ  સમશાન.

( ખરાબ વ્યકિતની સંગતમાં સારા વ્યકિતની પ્રતિષ્ઠા જતી રહે છે. ભગવાન શંકરે ભૂતોની સાથે વાસ કર્યો તેા તેને પણ કૈલાસ છોડીને સ્મશાનમાં વાસ કરવો પડયો.) પ્રસ્તુત દુહામાં વ્યકિતએ કયારેય ખરાબ વ્યકિતની સંગત ન કરવી જોઈએ અન્યથા સારી વ્યકિત આબરૂ પણ જાય છે.

લોકદુહાઓમાં સમયની બલિહારીતા, પ્રેમ, સત્યનિષ્ઠા, મિત્રતા, ઈશ્વરની સર્વોપરિતા વગેરેના નિરૂપણ વખતે લોકકવિ રામાયણ, મહાભારત, ભાગવત જેવા ગ્રંથોમાંથી ભાવને યોગ્ય દ્રષ્ટાંત આપે છે. એને આપણે શિષ્ટ સાહિત્યના પુરાકલ્પન સાથે મૂકી શકીએ.


સંદર્ભ સૂચી:-

 1. સોરઠસ દુહાની રમઝટ – ગોકુલદાસ રાયચુરા – મેરૂભા ગઢવી, પૃષ્ઠ -૧૪૪
 2. એજન – પૃષ્ઠ – ૩૧
 3. એજન – પૃષ્ઠ – ૩૪
 4. ગુજરાતી કહેવત સંગ્રહ – આશારામ દલીચંદ શાહ – પૃષ્ઠ – ૩૪૯
 5. એજન – પૃષ્ઠ – ૩૩૮
 6. સોરઠસ દુહાની રમઝટ – ગોકુલદાસ રાયચુરા – મેરૂભા ગઢવી, પૃષ્ઠ – ૧૪૪

સંદર્ભ ગ્રંથો :-

 1. પુરાકલ્પન : ડો.પ્રવીણ દરજી, પ્રકાશક: નટવરસિંહ પરમાર, યુનિ.ગ્રંથનિર્માણ બોર્ડ
 2. સાહિત્યમીમાંસા: ડો. બહેચરભાઈ ર. પટેલ, પ્રકાશક:પ્રકાશક:  યુનિ.ગ્રંથનિર્માણ બોર્ડ
 3. સોરઠસ દુહાની રમઝટ – ગોકુલદાસ રાયચુરા – મેરૂભા ગઢવી, : સસ્તુ સાહિત્ય સુરત
 4. ગુજરાતી કહેવત સંગ્રહ – આશારામ દલીચંદ શાહ
 5. દુહો દશમો વેદ – જયમલ્લ પરમાર : પ્રવીણ પ્રકાશન – રાજકોટ

પ્રા. હરેશ પી. વરૂ, આસિ. પ્રોફેસર, ગુજરાતી, સરકારી વિનયન અને વાણિજય કોલેજ, આહવા-ડાંગ

Print Friendly, PDF & Email

Leave a Comment