આદિવાસી સાહિત્યમાં પુરાકલ્પનનો પ્રયોગ અને વિનિયોગ (ભીલોના ધાર્મિક ગીતોના સન્દર્ભે)

પ્રકૃતિના ખોળે વસતા અને નૃત્યના શોખીન જનસમાજને ભારતની ‘આદિમ જાતિ’ કે ‘આદિવાસી’ તરીકે ગણના થાય છે. ‘આદિવાસી સાહિત્ય’ શબ્દ ‘આદિવાસી’ અને ‘સાહિત્ય’ના સમન્વયથી બનેલો છે. ‘આદિવાસી સાહિત્ય’ એટલે ‘આદિજાતિના લોકોનું સાહિત્ય’ એવો સામાન્ય અર્થ કરી શકાય. ગુજરાતીમાં ‘આદિવાસી લોકસાહિત્યના’ મૂળમાં અંગ્રેજી ‘Tribal Folk-Literature’ છે. ‘Literature’ એ અર્થની સાથે લિપિમાં લખાતી ભાષાના સાહિત્યનો પણ સમાવેશ થાય છે. પરંતુ મુખ્ય બાબત મૌખિક પરંપરાના ‘આદિવાસી લોકસાહિત્ય’ની છે. લિખિત પરંપરાનો વિશેષ પ્રભાવ આદિવાસી કંઠપરંપરાના સાહિત્ય પર પડ્યો નથી જેથી એનું મૂળ આજ સુધી જળવાયું છે. આદિવાસી સાહિત્ય જે તે આદિવાસી જાતિની ભાષાઓમાં છે.

ગુજરાતમાં અનેક આદિવાસી જાતિઓ વસવાટ કરે છે. તેમાં સૌથી વધુ વસતિ ભીલ અને દુબળા આદિવાસીઓની છે. ભીલો મુખ્યત્વે સાબરકાંઠા, બનાસકાંઠા, વડોદરા, પંચમહાલ, ભરૂચ, સુરત અને ડાંગ જિલ્લામાં વસે છે. આમ ભીલોમાં ઘણી પેટા જ્ઞાતિઓ જોવા મળે છે જેમકે, ભીલ ગરાસિયા, સોખલા ગરાસિયા, ભીલાલા, મેવાસી ભીલ, ઢોલીભીલ, ડુંગરીભીલ, ડુંગરી ગરાસિયા, રાવળ ભીલ, તડવી ભીલ, વસાવા, પાવરા, તડવી વગેરે ને ગણાવી શકાય. ભીલોને પોતાની ભાષા છે, જે ભીલી ભાષા તરીકે ઓળખવામાં આવે છે. આ ભાષા પર ગુજરાતી, રાજસ્થાની, હિન્દીનો પ્રભાવ જોવા મળે છે. ભીલ આદિવાસીઓનું લોકસાહિત્ય પરંપરાથી મૌખિક ઊતરી આવ્યું છે. અને મૌખિક-કંઠપરંપરા દ્વારા સચવાયેલું છે. એક ગાયક-વાહક પાસેથી બીજા ગાયક-વાહક પાસે આ સાહિત્ય આવે છે. ભગત, ભૂવાઓ, કથકોનો એવો વર્ગ છે જેના પર લિખિત પરંપરાનો પ્રભાવ નથી તથા દેવપૂજા અને અન્ય વિધિવિધાનોમાં આ સાહિત્ય કહેવાતું કે ગવાતું હોવાથી તેમાં પરિવર્તન ભાગ્યે જ આવે.

ડૉ. ભગવાનદાસ પટેલ દ્વારા સંપાદિત ‘ભીલોના ધાર્મિકગીતો’ના આધારે ખેડબ્રહ્મા અને દાંતા તાલુકામાં વસતા ડુંગરી ભીલોના ધાર્મિકગીતોમાં પુરાકલ્પનનો પ્રયોગ અને વિનિયોગ તપાસીએ. ભીલોના કંઠ્ય સાહિત્યમાં ઋતુચક્ર પ્રમાણે આવતા પર્વ-પ્રસંગમાં ગવાતા યા કહેવાતાં લોકસ્વરૂપો ‘અરેલો’, ‘ભજનવારતા’, ‘વતાંમણાંના ગીતો’, ‘હગનાં ગીતો’, ‘વારતા’, ‘બેઠોર ગીતો’, ‘કોંણી’, ‘વઈ’, ‘રાહરો’, જેવા કથાગીત, લોકાખ્યાનો, મહાકાવ્યો વગેરેનો  સમાવેશ થાય છે. જુદાજુદા પર્વ-પ્રસંગે વાતાવરણ અને રાગિયાની સહાયથી કિશોરાવસ્થાથી મૌખિક રૂપે પાપ્ત કરેલ, શીખેલ સાહિત્ય કથક કે વાહક્ના ચિત્તમાંથી પ્રગટે છે.

 ભીલ સમાજનાં ગીતોની વાત કરીએ તો આ ગીતો લોકવાધો, લોકનૃત્ય અને લોકનાટ્ય સાથે સંકળાયેલાં છે. એટલું જ નહિ વિવિધ પ્રસંગે ઢોલના તાલે પાડવામાં આવતી કિકિયારીઓ પણ આ ગીતોના સ્વરૂપને પ્રગટાવવામાં સહાયભૂત થાય છે. આ કિકિયારીઓ માટે ‘રિવરિયો’ શબ્દ  ભીલ સમાજમાં પ્રયોજાય છે. આ રિવરિયો ગાયકને ગીત ગાવા ઉત્તેજે છે. જુદાજુદા પ્રસંગનુરૂપ આ રિવરિયો પાડવામાં આવે છે. જે ભિન્નભિન્ન ભાવઅર્થ પ્રગટાવે છે. “ગેયતા-સંગીત અને નૃત્ય ભીલોના ગીતોનાં પ્રાણભૂત તત્વો છે. આ તત્વો જ ગીતને વાચિક આકારમાં બાંધી પ્રગટાવવામાં સહાયક થાય છે.” (‘ભીલોના ધાર્મિકગીતો’ પૃ. 5) આ ગીતો પર્વ-પ્રસંગ વગર ગાવામાં આવતાં નથી. વળી, આ ગીતોને ગાવામાં અમુક ચૌકકસ સામાજિક-ધાર્મિક નિયમોનું પાલન કરવાનું હોય છે. જો નિયમનો ભંગ થાય તો સામાજના રોષનો અને દંડનો  ભોગ બનવું પડે  છે. પ્રત્યેક ગીત સાથે વાધ પણ નિશ્ચિત હોય છે.  આ ગીતોને  વિષયની દૃષ્ટિએ બે ભાગમાં વહેંચી શકાય:  (1) સામાજિક ગીતો (2) ધાર્મિક ગીતો. સામાજિક ગીતો જીવનના વિવિધ પ્રસંગો સાથે સંકળાયેલા છે.  જેમકે, જન્મ, લગ્ન અને મૃત્યુ આદિ. આવા ગીતોમાં ગોઠિયાનાં ગીતો, હાલરડાં- ઈલો, લગ્નગીતો, મેળાનાં ગીતો, રાતીઝગાનાં ગીતો, તેળખીનાં ગીતો વગેરેનો સમાવેશ થાય છે. જીવનમાં બનતી ઘટનાઓ-પ્રસંગો પરથી સામાજિક ગીતો રચવામાં આવે છે.

ધાર્મિક ગીતોની રચના પૂર્વકાલીન હોય છે. વર્ષો પહેલાં  રચાયેલાં આ પ્રકારનાં ગીતોના પાઠ મૌખિક પરંપરા દ્વારા સ્થિર થઈ રૂઢ થયા હોય છે. આવા ગીતોમાં હોળીનાં ગીતો, ગોરનાં ગીતો, દિવાળીનાં ગીતો, વતાંમણાંનાં ગીતો, હગનાં ગીતો, કૉબરિયા ઠાકોરનાં ગીતો, દેવરાના ઠાકોરનાં ગીતો આદિનો સમાવેશ થાય છે. આ ગીતોમાં દેવ-દેવતાની ઉત્પત્તિ, તેમના પરાક્રમ, સાહસ અને વીરત્વ ભર્યા કાર્યોનું  તેમનો મહિમા ગાતાં અલૌકિક, અદભુત અને ચમત્કારી પ્રસંગોનું આલેખન કરતી  ઘણી કથાઓ મળી આવે છે. ભીલોનું સાહિત્ય પુરાકથઓ યા પુરાકલ્પનોથી ભર્યુંભર્યું છે.

અદ્દભુત તત્વોવાળી પુરાણી કથાઓ કે જેને આપણે મિથ તરીકે ઓળખીએ છીએ, તેનું સર્જન ક્યારે કઈ રીતે થયું હશે ? એવો પ્રશ્ન આપણને થાય. મિથની નિર્માણ પ્રક્રિયા વિશે રમેશ ગૌતમ કહે છે, “મિથ ખરેખર તો એ વિજ્ઞાન છે, જેના દ્વારા આદિમાનવે પ્રકૃતિના રહસ્યોનું ઉદઘાટન કર્યું. એટલે મિથની કલ્પના આદિમાનવ સાથે જોડાયેલી છે આદિયુગમાં મનુષ્યે પ્રકૃતિનાં સર્જન અને વિસર્જન સંબંધી પરિવર્તિત દૃશ્યો જોઇને, એના સૌન્દર્યથી મુગ્ધ અને વિકરાળ સ્વરૂપથી દુ:ખી થઈને પોતાની સંપૂર્ણ ભાવનાત્મક અને બૌદ્ધિક ક્ષમતા સાથે કુતૂહલપૂર્વક જે શ્રદ્ધા અને ભાવોની અભિવ્યક્તિ કરી હશે , શક્ય છે મિથની નિર્માણ પ્રક્રિયા ત્યાંથી શરૂ થઇ હશે.”.(2)  (गौतम, रमेश ,हिंदी नाटक : मिथक और यथार्थ. अभिरुचि प्रकाशन, नई दिल्ही. १९९७ पृ.२२)ભારતીય લોકસાહિત્યના વિજ્ઞાનીઓના અગ્રજ એવા  ડો. સત્યેન્દ્ર મિથ માટે ‘ધર્મગાથા’ પર્યાય પ્રયોજે છે. “ડો. સત્યન્દ્ર પ્રમાણે ધર્મગાથા મિથમાં 1. દેવતા અથવા પરાપાકૃતિક શક્તિનું વિવરણ હોય છે. ૨. એમાં આદિમ માનસ વિધમાન રહે છે. ૩. એમાં ધાર્મિક મહત્ત્વ હોય છે, જે કોઈ એનું વાંચન કરે કે વારંવાર પાઠ કરે તો એથી ધાર્મિક લાભ થાય છે એમ માનવામાં આવે છે. અને ૪. એના નિર્માણમાં મુખ્ય બે કારણ હોઈ શકે. ૧. માનવીને સૃષ્ટિ સાથેના વિવિધ સંબંધને વ્યાખ્યા કરવાનું  અથવા ૨. કોઈ સામાજિક સંસ્થા, પ્રથા આદિની વ્યાખ્યા કરવાનું એટલેકે સમજવા  સમજાવવાનું. આવી ધર્મગાથા  પશુઓ, અન્ય પદાર્થો કઈ રીતે ઉત્પન્ન થયા, કોઈ પ્રાણીમાં કઈ વિશેષતા છે, પ્રાકૃતિક ધટનાઓ કેમ  બને છે. દા.ત. ચંદ્રને રાહુ ગળી જતાં ગ્રહણનું  થવું.” ( લોકસાહિત્ય વિજ્ઞાન  પૃ. 49 )  પરંતુ આપણે પુરાકલ્પન કે મિથને ફકત ‘ધર્મગાથા’ કહીએ એટલું એ સીમિત નથી કારણકે મિથ એ પુરાકથા, દંતકથા, રહસ્યકથા, આદિકથા, ઐતિહાસિકકથા, સામાજિકકથા, ધાર્મિકકથા,મનોવૈજ્ઞાનિકકથા વગેરેના સમૂહથી  બને છે. આ શાખાઓ એકબીજાથી ભિન્ન છે પણ કોઈ એક સંવેદનબિંદુએ એમની વચ્ચે સંબંધ સ્થપાયેલો જોવા મળે છે.

ભારતીય લિખિત અને મૌખિક-વાચિક સાહિત્યમાં મહાજળપ્રલયની કથા મળે છે. ભીલોની ધાર્મિકજીવનરીતિમાં અને ધાર્મિકગીતોમાં જળપ્રલય અને સૃષ્ટિની ઉત્પત્તિની પુરાકથા મુખ્ય સ્થાને છે. ગોર મહોત્સવ, કોબરિયા ઠાકોરના પાઠ માંડતી વખતે, ધૂળાના પાટના અનુષ્ટાનમાં, દેવરા ઠાકોરના ‘રાતીઝરા’ના અનુષ્ઠાનમાં, સમાધિ પઢતી વખતે, રોગ દૂર કરવા ઝારો કે ભૂત-પ્રેતનો વળગાડ દૂરા કરવા વગેરે ધાર્મિક વિધિવિધાન પહેલા  જળપ્રલય અને સૃષ્ટિની ઉત્પત્તિની  પુરાકથા કથવા ગાવામાં આવે છે. ગોરનાં ગીતો, મોટીચરાનાં ગીતો, દેવરાનાં ગીતો, કોબારિયા ઠાકોરનાં ગીતો, હગ અને વધામણાનાં  ગીતો અને દેવ-દેવીઓનાં ગીતોમાં પણ જળપ્રલય અને સૃષ્ટિની ઉત્પત્તિની કથા  વત્તાઓછા અંશે  જોવા મળે છે. જેમકે,

“ એંમાઝળની દીકરી રે , હવઝી પરમ વાલેરું !  એંમાઝળની….
વસતાં પેયાળખંડમાં રે,  હવઝી પરમ વાલેરું ! વસતાં પેયાળખંડમાં…
હું ખાતાં હું પેરતાં રે,   હવઝી પરમ વાલેરું !  હું ખાતાં હું પેરતાં
ઝળ ખાતાં ઝળ  ઓમતાં રે, હવઝી પરમ વાલેરું ! ઝળ ખાતાં…”

(પૃ. ૨૪ ભીલોના ધાર્મિકગીતો )

************************************************

દેવળાના  આ ગીતના શબ્દો જુઓ:
“ઝળ ખાતાં ઝળ પીતાં રે માઝી….(૨)
હેંણાન પેખ રમતાં રે માઝી…..(૨)
માસલીન પેખ રમતાં રે માઝી….
ઝળમા વદળો કરતાં રે માઝી… (૨)”

(પૃ. ૬૭ ભીલોના ધાર્મિકગીતો )

ઋગ્વેદના અનેક સૂકતોમાં સૃષ્ટિ પૂર્વેની સ્થિતિનું વર્ણન આવે છે તે મુજબ જ્યારે કઈ નહોતું ત્યારે જળ હતું.  અંધકાર હતો અને ગહન અંધકાળમાં જળ ઢંકાયેલું હતું. બુહદારણ્યમાં પહેલા જળ ઉત્પન્ન થયું એવા ઉલ્લેખ મળે છે. તો  ભીલોમાં પ્રચલિત પુથ્વીની  ઉત્પત્તિ કથા પ્રમાણે  પ્રથમ જળુકાળ વખતે પથ્થર,   પર્વત, આકાશ , સૂરજ, ચાંદો કે તારા ન હતા. બધે જળ જ જળ હતું. એ વખતે ઈંડા ખાણ હતી.  સાતમા પાતાળમાં વાસુકિ નાગ વસતો હતો અને ભગવાન કીડા રૂપે જળમાં વસતા હતા.વીસ યુગે ઈંડું ફૂટયું અને ઈંડારૂપી પરમેશ્વર પેદા થયા.  તેમની આજ્ઞાથી કાચબીનો વેશ લઈને ‘અમિયા’ (ઉમિયા ) સાત પાતાળ વીંધી ને વાસુકિ નાગના મુખ પાસેથી ધરતીનાં બીજ લાવવા શક્તિમાન થઈ, અને આ ધરતીની રચનામાં મદદરૂપ થઈ ભગવાન ધરતીબીજ, કમળનું ફૂલ તેમજ પગ ભાંગીને તેમાંથી નીકળેલી માટી – આ ત્રણેને મસળી તેમાંથી રોટલી બનાવી અને રોટલી પર ભગવાનનો હાથ પડતાં પૃથ્વીની રચના થઇ. ત્યારબાદ ભગવાને પવનદેવ, અગનદેવ વગેરે ઉત્પન્ન કર્યા. આદિવાસી માન્યતા પ્રમાણે માનવ જાતની ઉત્પત્તિ પણ આવી જ રીતે થઇ. “ભગવાને ભરી નજર નાખી; વૈકુંઠપુરી પેદા થઇ. ભરી નજરે કેતકી, કેવડા, કદળી, રાય, ટુંડણિયા પેદા કર્યા. ભરી નજરે આંબાવાડી પેદા કરી. ભરી નજરે કૈલાસપુરી પેદા કરી. અગનકોટ પેદા કર્યો. ભરી નજરે મનખાવતાર પેદા કર્યો.” (પૃ. 4. આ. ઓળખ) ભીલોની  પૃથ્વીની ઉત્પત્તિની  આ કથા ભૂસ્તરશાસ્ત્રીઓ અને ઉત્ક્રાંતિવાદીઓની ધારણા જેવી છે. વનસ્પતિસૃષ્ટિ (કમળ), જલચરસૃષ્ટિ ( કીડો, માછલી), ભૂચરસૃષ્ટિ ( વાઘ, ઘોડો, મનુષ્ય) નો ક્રમિક વિકાસ સૂચવે છે. ભીલોમાં આ વિકાસને પ્રથમ ‘જળુકાળ’, બીજો ‘દેવિયાવાળો’ કે ‘સતઝુગવાળો’, અને ‘કળજુગવાળો’ કે ‘મનખીવાળો’ કહી ઓળખાવે છે.

આદિમકાળમાં માનવી કુદરતનાં કરાલ-કોમળ બળો વિશે આશ્ચય, અહોભાવ, આદર, તિરસ્કાર , ભય, વગેરે અનુભવતો હશે અને કદાચ એમાંથી જ પુરાકાલ્પન રચાયાં હશે. કોઈ આદિ પૂર્વજોએ જળપ્રલયના દર્શન કર્યાં હશે  અને તેની ભયંકરતા અનુભવી હશે ને એટલે જ ભીલોના મૌખિક સાહિત્યમાં જળપ્રલયની કથાઓ પ્રાપ્ત થાય છે.

સૂર્ય, અગ્નિ, વરુણ, પવન જેવાં પ્રાકૃતિક તત્ત્વોમાં દેવત્વનું આરોપણ થયું છે અને  તેની કથાઓ બની છે. પ્રાકૃતિક તત્વોમાંથી જ  ભીલોની અંબાવ,ચામુંડા, કુંવારકા, ટુંટી-ટાવળી, ખાંડી_ખાપરી જેવી આદિ દેવીઓ અને આગળ જતાં કુંતી,  દ્રૌપદી,જેવી માનવી ડાકણ દેવીઓ તથા ગુણકો, ભેરવ, ધૂળનો ઠાકોર, દેવરાનો ઠાકોર અને કૉબરિયા ઠાકોર આવિર્ભાવ પામ્યા છે. ધાર્મિક પ્રસંગે આ દેવ–દેવીઓની સ્તુતિ યા કથાઓ ભક્તિ ને શ્રદ્ધાથી ગવાય છે. માનવી અને પ્રકૃતિ સાથેનું ઘનિષ્ઠ તાદાત્મ્ય ભોપા અને સાધુ દ્વારા કહેવામાં આવતી પુરાકથાઓ અને ગીતોમાં જોઈ શકાય છે. ઉદા. જોઈએ:

“ અસાડ મઈનો ઉગિયો’લી બાઈ કોવરલી….
 સેંમ બોલે’લી બાઈ, કોવરલી રૉમ…. ઝો…હો….
થૂરમા કાટાં આપે’લી બાઈ કોવરલી…..
  સેંમ બોલે’લી બાઈ, કોવરલી રૉમ…. ઝો…હો….
લેઈ નગારું એંદર સેરિયો’લી બાઈ કોવરલી….. 
સેંમ બોલે’લી બાઈ, કોવરલી રૉમ…. ઝો…હો..

(પૃ.123-124 ભીલોના ધાર્મિકગીતો )

સીમ- ખેતર બાઈ કોવરલીને (કોયલ) રામ રામ કરીને અષાઢ મહિનો આવવાની વાત કરે છે. અષાઢ ઉગવાની કલ્પના એટલી રમણીય છે. વરસાદનો દેવ  ‘એંદર’ નગારું લઈને નીસર્યો છે. વરસાદની જાહેરાત કરવાને! ઋગ્વેદનું ‘નદી-વિશ્વામિત્ર’   સંવાદસૂક્ત અહીં યાદ કરી શકાય.

ભીલોના ધાર્મિક ગીતોમાંનાં પુરાકલ્પનમાં વાસુકી નાગ, નોળિયો, માછલી, ગાય, બકરી ભેસ  જેવાં જળચર-ભૂચર જીવોની વાત આવે  આવે છે. જુઓ:

“ગાય વાસરું સોડ રે, ડોળમણી રે….”

(પૃ. ૫૨ ભીલોના ધાર્મિકગીતો )

*************************************************
“પાડાની અસવારી મહાદેવઝી રે, પોપાં પાડાની ….”

(પૃષ્ઠ.૬૪ ભીલોના ધાર્મિકગીતો )

****************************************************
 “માસલીને પેખ રમતો પેરવ નાથુઝી રે…” 

(પૃષ્ઠ.૬૮ ભીલોના ધાર્મિકગીતો )

*************************************************
 “કેતા તારો વાસો હેં રે, ગાયુ માતા …” 

(પૃષ્ઠ.૮૯ ભીલોના ધાર્મિકગીતો)

પૂર્વકાળથી ભીલોના ધાર્મિક ગીતોમાં પ્રયોજાતાં જળચર-ભૂચર જીવો, દેવ-દેવીઓ અને તેને લગતા  પ્રસંગો ઘટના કે ચરિત્રો સાથે  લોકોની અતૂટ આસ્થા જોડાયેલી છે. તે પ્રસંગો અને દેવદેવીઓ આદિવાસી લોકો સત્ય જ માને છે. આ ગીતોમાં પ્રકૃતિનાં વિવિધ તત્ત્વો, વિવિધ જીવો અને દેવ-દેવીયોનું માનવીકરણ થયેલું જોઈ શકાય છે. તેઓ માનવ જેવા જ ક્રિયા કલાપો કરતા જોઈ શકાશે. વળી, વિવિધ જીવો માનવી અને દેવોને ચમત્કારી  રીતે સહાય કરતા જોઈ શકાય છે. તેવી પુરાકથાઓના કેટલાક પ્રસંગ દર્શાવતાં ગીતો પણ મળે છે.

ભીલોના ધાર્મિક અનુષ્ઠાનમાં ગોરનાં ઉત્સવમાં સાંબેલાનાં પ્રતીકરૂપે  કરવામાં આવતી ‘લિંગપૂજા’, દેવરા ઠાકોરની મૂર્તિઓ સ્થાપતી વેળાએ કરવામાં આવતી ‘નાગપૂજા’, વિવિધ પ્રસંગે કરવામાં આવતી ‘વૃક્ષપૂજા’નાં મૂળ તામ્રશ્મકાળની સંસ્કૃતિ સાથે ઘણા વિદ્વાનો યોગ્ય રીતે જોડી આપે છે.

ડુંગરી ભીલ આદિવાસીઓ અનેક પરાપ્રાકૃતિક શક્તિઓમાં વિશ્વાસ ધરાવે છે.  તેથી તેઓ ખેતર, ઘર, ડુંગર, વહેળા વગેરે જગ્યાએ આ ગૂઢ શક્તિઓની સ્થાપના કરી વારતહેવારે પૂજા-પ્રાથના કરી નૈવેધ ચડાવે છે.  ભીલો ઘર અને આંગણામાં ‘રગતિયા’, ‘દૂતિયા’ જેવા એકસોને સાઈઠ વીર અને ‘હિરું- રાંપું’, ‘ટુટી-ટાવરી’, ‘ખોડી-ખાપડી’, ‘મેલાની મેંલરી’ વગેરનો વાસ હોવાનો વિશ્વાસ ધરાવે છે. રોગ-દોગ વખે  તેમની માનતા રાખે તે પૂરી થતાં  હગ કે વધામણાં કરે તે વખે તેમનો મહિમા  કરતાં ગીતો ગવાય છે. જે પુરાકાલ્પનથી સભર હોય છે.  ‘સવ’ (શિવ), ‘અમિયા’(ઉમિયા), ગુણકો (ગણપતિ), વાસંગ (વાસુકિનાગ), એંદર (ઈન્દ્ર), સૉમળૉ (કૃષ્ણ), રૉમ (રામ), ‘ધમ્મરાઝા’ (ધર્મરાજા), પેંમો (ભીમ), અરઝણ (અર્જુન), સૉદેવ (સહદેવ)  વગેરે દેવો- પાત્રોનાં પ્રસંગ પાંખડી આ ગીતોમાં વણાયેલી હોય છે. કેટલીક પંક્તિઓ જુઓ:

“દેવીઓનો આગેવૉણ રે, ગુણકો રિહાંણો રે..
રેટીલો-પેટીલો, ગુણકો રિહાંણો રે….
દેવીઓ વાતો સોળે , ગુણકો રિહાંણો રે..” 

(પૃષ્ઠ.૧૪૦ ‘ભીલોના ધાર્મિકગીતો’ )

*********************************
    “પેંમો ન અરજણ રે માઝી…….(૨)
દેવિયાવાળા માંય રે માઝી…. (૨)
પેંમો ન અરજણ રે માઝી…….(૨)
આઝ તો મેનખીવાળો માઝી…..(૨)”

(પૃષ્ઠ.૧૪૪ ‘ભીલોના ધાર્મિકગીતો’ )

ભોપાઓ વિવિધ લોકાખ્યાનો કે મહાકાવ્યોમાંથી પાંખડીઓ સાંગા પર ગાવા લાગે છે, અને બાકીનો લોકસમુદાય જુદાજુદા લોકવાધો દ્વારા સૂરસંગત પુરાવે છે.

આમ, ખેડબ્રહ્મા અને દાંતા તાલુકામાં વસતા ડુંગરી ભીલોના ધાર્મિકગીતોમાં પુરાકલ્પનનો પ્રયોગ અને વિનિયોગ વૈવિધ્ય સભર છે. દેવદેવીઓ સન્મુખ કરવામાં આવતાં વિધિવિધાનો વખતે ગવાતાં કે કહેવાતાં કંઠસ્થ સાહિત્યના મૂળ, છેક પ્રાગૈતિહાસિક યુગથી આરંભી શૈવસંપ્રદાય, અગોરપંથ નાથસંપ્રાદાય, બૌદ્ધધર્મ, જૈનધર્મ, મહાપંથ અને પુરાણકાળ આદિ સુધી વિસ્તરેલાં જોઈ શકાય છે. 


સંદર્ભગ્રંથ સૂચિ

  1. ‘આદિવાસી ઓળખ’ સંપા.  ડો. ભગવાનદાસ પટેલ, માહિતી ખાતુ, પ્રથમ આવૃત્તિ: ૧૯૯૯
  2. ‘આદિવાસી લોકાખ્યાનો’    સંપા. ડો. ભગવાનદાસ પટેલ, પાર્શ્વ પબ્લિકેશન, પ્રથમ આવૃત્તિ જુલાઈ ૨૦૧૧
  3. ‘ઉત્તર ગુજરાતની લોકકથાઓ સ્વાધ્યાય અને સર્વેક્ષણ’ સંપા. ડો. બળવંત જાની અને અન્ય, પાર્શ્વ પબ્લિકેશન, પ્રથમ આવૃત્તિ: ૨૦૦૮
  4. ‘ગુજરાતની લોકવિદ્યા’ લે. હસુ યાજ્ઞિક, નેશનલ બુક ટ્રસ્ટ, પ્રથમ આવૃત્તિ: ૨૦૦૦
  5. ભીલોના ધાર્મિકગીતો, સંપા.  ડો. ભગવાનદાસ પટેલ, પ્રકાશક પોતે,  પ્રથમ આવૃત્તિ: ૨૦૦૯
  6. લોકસાહિત્ય-વિજ્ઞાન, લે. હસુ યાજ્ઞિક, ડિવાઈન પબ્લિકેશન્સ, આવૃત્તિ: ૨૦૧૨

ડૉ. બિપિન ચૌધરી, સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ થરાદ, જિ. બનાસકાંઠા

Print Friendly, PDF & Email

Leave a Comment