પુરાકલ્પન અને વાસ્તવિકતા

સાહિત્યદર્પણમાં વાસ્તવજગત ક્યારેક સ્થૂળ તો કયારેક સંકુલ રીતે પ્રતિબિંબિત થતું આવ્યું છે. વાસ્તવિકતા જ્યારે રૈખિક સપાટી પર પ્રસ્તુત થાય છે ત્યારે તેમાં કલાતત્વ જોખમાવવાની ભીતિ સહેજે રહેતી હોય છે. આથી તે બહિર્ગત વાસ્તવને તિર્યક્તાપૂર્વક સહિત્યકૃતિમાં સંગોપવા કેટલીક યુક્તિ-પ્રયુક્તિઓ ખપમાં લે છે. તે પૈકી, પુરાકલ્પન દ્વારા થતી ધારદાર અભિવ્યક્તિ સર્જકચેતનાને ભાવકના ભાવવિશ્વ સાથે એક તાંતણે ગૂંથે છે.

સર્જકચિત્તની મનોગ્રાહય વાસ્તવિકતા પુરકલ્પનને જોરે મૂર્ત અને ઇન્દ્રિયગ્રાહયરૂપ ધારણ કરે છે ત્યારે એ પણ ઇચ્છનીય છે કે તે વાસ્તવ વૈયક્તિક ચેતનાની ક્ષિતિજોને અતિક્રમી સામૂહિક ચેતનાના ફલક પર વિસ્તરે. વળી, આ વાસ્તવિકતા અને પુરાકલ્પન વચ્ચે સાતત્ય જળવાવું જોઇએ. પુરાકલ્પનનુ વાસ્તવિક્તામાં વિગલન થવું આવશ્યક છે. અન્યથા તે એક લટકણિયાસમુ જ બની રહે. જેમકે, રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ ની ગઝલના એક શે’રમાં પ્રયોજેલુ સીતાહરણનું પુરાકલ્પન પૂર્ણતઃ સાર્થકતાને વરતું નથી.

“હર પળ સીતાહરણ થતું રહે છે જોઉં છું
હર પળ જટાયુ જેટલો લાચાર હોઉં છું.”

અહિં નારીની અસહાયતા- લાચારીનું બયાન સીતાહરણના Myth માધ્યમે થયુ; છતાં જે અસરકારકતા સિદ્ધ થવી જોઇએ તે ખોડંગાય છે. કારણ કે, સીતાહરણ જેવી ઘટના વાસ્તવમાં બને છે તે સાચુ, પણ ‘હર પળ’ શબ્દ વાસ્તવિકતને ચરિતાર્થ કરવામાં ઊણો ઊતરે છે. પુરાકલ્પન અને વાસ્તવ એકરૂપતા ધારણ કરી શકતા નથી. બન્નેની એકરૂપતાનું યથોચિત નિરૂપણ ચિનુ મોદીના ‘અફવા’ સંગ્રહની ‘તપાસીએ’ ગઝલના આ શે’રમાં થયું છે:

“વાહન બનેલા દેહની કેવી દશા થશે?
ભડભડ બળેલા કૃષ્ણના રથને તપાસીએં.”

ગઝલકાર આ શે’રમાં માનવજીવનની નરીવાસ્તવિકતા-મૃત્યુને ઇંગિત કરે છે. ‘દેહરૂપી વાહન’ માંથી ‘આત્મારૂપી વાહક’ નીકળી જાય છે ત્યારે આત્માવિહોણો દેહ અંતે પંચમહાભુતોમાં વિલીન થાય છે. આ વાસ્તવિક્તાને ‘મહાભારત’ ની ઘટના – યુદ્ધાંતે રથ પરથી પ્રથમ અર્જુન ઉતરે છે ત્યાર બાદ શ્રીકૃષ્ણ ઉતરે છે અને શ્રીકૃષ્ણના ઉતરતાની સાથે જ તેનો રથ ભડભડ સળગવા લાગે છે તે પૌરાણિક સંદર્ભની ગૂંથણી કરી પોતાની વાત અપૂર્વતા અને નવીનતાનું કલારૂપ પામી રજૂ કરી છે.

મૃત્યુની સામે પાર જન્મ તથ જન્મની સાથે જ જન્મતી વેદના,નિરાશા, લાચારી, સંઘર્ષની પરાકાષ્ઠા- આદિ ભારને કારણે એક જન્મમાં અનેક વખતે મરતાં, મરણને ઝંખતા, મરતા મરતાં જીવતા કે જન્મબોજ શીરે ઉઠાવી ફરતા વ્યક્તિઓ એ સાંપ્રત સમયની કટુ ને દારૂણ વસ્તવિક્તા. આ વસ્તવને યજ્ઞેશ દવે ‘અશ્વત્થામા’ કાવ્યમાં અશ્વત્થામાના Myth દ્વારા શબ્દદેહે મૂર્ત કરે છે. જુઓ:

“આ એક જન્મની ઓરમાં જ
વીંટળાઈ વીંટળાઈને મળ્યા છે અનેક જન્મો
ને જન્મે જન્મે અનેક મૃત્યુ.
તે દિવસે ધર્મરાજા,યુધિષ્ઠિરે તો કહેલું
’અશ્વત્થામાં હતઃ
પણ, સત્ય હોત જો એ મૃત્યુ!
ભાગ્યવાન છે.
મહાભગ્યવાન છે એ હાથી
ને હું?
હું હત્ત ભગ્ય.”

પુરાકલ્પન અને વાસ્તવિક્તામાં આવુ જ સુખદ પરિણામ કવિ રાજેશ પંડયાનું ‘સુવર્ણમૃગ’ દીર્ધકાવ્ય સર્જે છે. રામ-સીતા-મૃગનું Myth મનુષ્યની આસક્તિને યથાર્થને કરવા માટે સક્ષમ ભાસે છે. રાજેશ પંડ્યાનું કવિકર્મ પણ તેમની કાવ્યનિષ્ઠાનું દ્યોતક બન્યું છે.

પદ્યસાહિત્યની સમાંતરે જ ગદ્યમાં પણ પુરાકલ્પનનો સમુચિત પ્રયોગ વાસ્તવિક્તાને વ્યંજિત કરવામાં બળવત્તર ભૂમિકા ભજવે છે. સર્જક ક્યારેય વ્યંગ-વિનોદનો આશરો લઇ વાસ્તવને વાચા આપે છે. આ સંદર્ભે તુષાર વ્યાસના ‘ગોઠડી’ નિબંધસંગ્રહમાં ‘સાભાર, આભાર, તરત,પરત…’ શીર્ષકનો હાસ્યનિબંધ ધ્યાનાર્હ છે. નવોદિતો જ્યારે લબ્ધપ્રતિષ્ઠિત સમયિકોમાં તેમની કૃતિ મોકલવાનું સાહસ (કે દુઃસાહસ?) કરે છે ત્યારે પ્રત્યુત્તરરૂપે આવતો ‘સાભાર પરત’ નો ‘દિલગીરી પત્ર’ ઓછો આઘાતજનક નથી હોતો. તુષાર વ્યાસે તેમના આ હાસ્યનિબંધમાં સંપાદક સામેની વ્યૂહરચનાઓ, નીતિ-કૂટનીતિઓ પ્રયોજી; છતાં જીતતો સંપાદકની જ! છેલ્લે ‘લેટરપેડ’ ની ટેક્નીક પણ કારગર ન નીવડતા લેખક કહે છેઃ

“સંપાદકને મિતાક્ષરી લખાણ કરી કવરમાં કૃતિ સાથે લેટરપેડ પણ ઝીંક્યું. ઈન્દ્રજિતે લક્ષ્મણ પર છોડેલાં ત્રણેય દિવ્યાસ્ત્રો તેના પ્રણામ સ્વીકારી પરત ફર્યા હતાં, તેવી જ રીતે મારું ‘લેટરપેડાસ્ત્ર’ પણ સંપાદકના પ્રણામ સ્વીકારી પરત ફર્યુ. (ઈન્દ્રજિતનો હેતુ તો ખરાબ હતો, પરંતુ મારો હેતુ તો ક્યાં…) થ્યુ! એ બહાને હજાર પાનાં તો વસાવાયા! બી પોઝિટિવ, યાર!
પછી તો સ્ટેમ્પ, ફાઉન્ટનપેન, કાળી શાહીનો ખડિયો, ઝભ્ભો, બગલથેલો- બધાં ઉપકરણો વસાવ્યાં . ખાસ્સું એવું રોકાણ થઈ ગયું. પણ વિશ્વામિત્ર ચલિત ન થયા તે ન જ થયા! (આ બધું વસાવ્યાની સાઇડ ઈફેક્ટથી ઘરનાં બધાં ચલિત થઈ ગ્યાં!)

ઉપર્યુક્ત નિબંધમાં ઈન્દ્રજિત નવોદિતોના ક્રૃતિ પ્રકાશનના ઉધામાં તથા લક્ષ્મણ, વિશ્વામિત્ર સંપાદકના વલણને રમૂજી શૈલીમાં રજૂ કરે છે. આ સંદર્ભે તુષાર વ્યાસનું જ ‘કર્મણ્યેવાધિકારસ્તે…’ એકાંકી પણ ઉલ્લેખવું ધટે. તેમાં બ્રહ્માજી, નારદજી, વિષ્ણુ ભગવાન, લક્ષ્મીજી, ઇન્દ્ર-વગેરે પૌરાણિક પાત્રો થકી ‘દાંડિયા રાસ’માં થતો ‘દાંડિયા હ્રાસ’ પણ વર્તમાન પરિસ્થિતિને ઉજાગર કરે છે. પરંતુ વૈશ્વિક ચેતનાનો આવિષ્કાર ચિનુ મોદીના ‘હુકમ, માલિક!’ એકાંકીમાં સુપેરે થયો છે. મનુષ્યનું યંત્રવત્ જીવન, સુખાકાંક્ષા અર્થે કંઈ પણ કરી છુટવાની મથામણ, બંધિયારપણાની વેદના-વગેરે વાસ્તવદર્શી ચિત્ર દોરવા જીન-બ્રહ્મરાક્ષસનું Myth વિલક્ષણ રીતે પ્રગટ્યુ છે.

પુરાકલ્પન ચરિત્રની મહત્તા ચરિતાર્થ કરવામાં પણ કડીરૂપ બનતું હોય છે. નારાયણ દેસાઈનું બૃહદ્ ફલક પર વિકસતું- વિસ્તરતું ગાંધીચરિત્ર- ‘મારું જીવન એ જ મારી વાણી’ ભાગ-૪ ના પ્રકરણ-૪ માં ગાંધીજી નિમિત્તે મહાદેવભાઈ દેસાઈનું વ્યકિત્વ વિનોબાના કથનમાં પ્રયોજેલ Myth નેપથ્યે ઉપસતું કળાય છેઃ

“લક્ષ્મણ વિના રામનું કામ થાત જ નહીં. એ સમજીને જ રામ લક્ષ્મણને પોતાની સાથે લઈ ગયા હતા. તુલસીદાસે લખ્યું છે : ‘રામના યશના ઝંડા સારુ લક્ષ્મણ દંડ સમાન બન્યા.’ મહાદેવભાઈની એવી યોગ્યતા હતી એમ કહી શકાય.”

અહિંયા રામનું પુરાકલ્પન ગાંધીજી સંદર્ભે અને લક્ષ્મણનું મહાદેવભાઈ દેસાઈ માટે નિ:શંક યોગ્ય છે; જે ગાંધીજી પ્રત્યેની મહાદેવભાઈ દેસાઈની આધારસ્તંભસમી કામગીરીનો વાસ્તવિક પરિચય આપે છે.

વાસ્તવિકતાને પ્રતિબિંબિત કરવામાં નવલકથાકારોએ પણ ગંભીર પુરૂષાર્થ કર્યો છે. વિહંગાવલાકેન માટે ક.મા.મુનશી- ‘કૃષ્ણાવતાર’,પન્નાલાલ પટેલ- ‘નગદનારાયણ’, રધુવીર ચૌધરી – ‘એકલવ્ય’, હસમુખ બારાડી – ‘ગાંધારી’ – આદિમાં પુરાકલ્પન વાસ્તવને સાદૃશ્ય કરવાના ભાગરૂપે આવે છે ખરું, પણ જેમ્સ જોઈસની ‘યુલિસિસ’ કક્ષાએ પહોંચવા હજી થોડો સર્જનાત્મક પુરૂષાર્થ ઝંખે છે.

ટૂંકમાં, પુરાકલ્પનનો વિનિયોગ ભાવક ચિત્તના અતલ ઊંડાણમાં ખૂંપેલા પૌરાણિક સંદર્ભો – સંસ્કારોને જાગૃત કરી, સાંપ્રત વાસ્તવના સંવેદનની ભૂમિકાએ પહોંચાડી પોતાની વાતને સર્જકત્વના નૂતન ઉન્મેષો દાખવી અભિવ્યક્ત કરે છે. પુરાકલ્પનની ખરી સાર્થકતા પણ તેની ભીતર જ ગોપિત છે.


ધવલ વ્યાસ, ‘યોગીરાજ’, ભરતનગર – ૧, બ્લોક -૧, બોટાદ -૩૬૪૭૧૦, જિ.બોટાદ. મો. ૯૮૨૪૬૬૦૦૧૦

Print Friendly, PDF & Email

Leave a Comment