હું કેમ પરણ્યો?
લેખક: રમણલાલ શંકરલાલ ભટ્ટ (નારદ)

હું ઉમરેઠનો રહેવાસી છું ને બે પૈસે સુખી છું. મારો ધંધો ધીરધારનો છે. ઉમરેઠ ને આસપાસનાં ગામોમાં મારાં ઘરાક છે. અવારનવાર ઉઘરાણીએ મારે જવું પડે છે. ચાલુ સાલે ધાડપાડુઓ, લૂંટારા ને બહારવટીઆનો ત્રાસ વિશેષ છે, તેથી મારે ઘણી સાવચેતી લેવી પડતી હતીમહિનામાં ડાકોરના એક આસામીનો વાયદો હતો, તેથી મારે ત્યાં જવું પડ્યું. રૂપીઆની રકમ મોટી હતી. હજાર કે બે હજાર લાવવાના હતા. તેથી ઘેરથી સાદાંને ફાટ્યાંતૂટ્યાં લૂગડાં પહેરી હું નીકળ્યો. માથે સાધારણ ટોપી હતી. મારું ગામ એવું સાદું છે, કે ગમે તેવાં કપડાં પહેરો તોયે ચાલે. મહાત્મા ગાંધી હજી હવે ખાદી માટે લડત ચલાવે છે, પરંતુ અમે તો મૂળથી ગજીઉં પહેરવામાં માન સમજીએ છીએ. એવાં કપડાં પહેરી આપણે નીકળ્યા. શકન સારા થયા, એટલે જતાં કાંઈ અડચણ પડી નહિ. ઘરાકને ઘેર મિષ્ટાન ઝાપટી રૂપીયા બે હજાર તેના પાસેથી કઢાવ્યા. મારી ફાટલી ટોપીની અંદરના અસ્તરમાં બે હજારની નોટો સેરવી દીધી ને બંડા ડાકોરથી ચાલી નીકળ્યા. ડાકોરથી ઉમરેઠનો રસ્તો એકાકાર છે : જાણે ડાકોર ઉમરેઠનું પરૂં ન હોય ! ઉમરેઠમાંથી ઘણાંને રોજ ડાકોરરાયનાં દર્શન કરવાનો નીમ હોય છે, ને તેવા લોકો પગે ચાલી રોજ ડાકોર જઈ આવે છે. એ કારણે રસ્તે કંઈ ખાસ ભો હોતો નથી. પરંતુ હાલમાં બહારવટીઆના ત્રાસથી જવર અવર ઓછો થયો છે, ને મને નીળતાં કાંઇક મોડું થયું, એટલે મનમાં પાકી દહેશત હતી. તેથી સાવચેતીના ઉપાય તરીકે નોટો ટોપીમાં ઘાલી ઝપાટાબંધ હું ચાલ્યો.

ડાકોરથી ઉમરેઠ આવતાં સૃષ્ટિસૌંદર્ય જોવાનું ખાસ મળૅતું નથી તોપણ શિયાળાનો દહાડો હતો, એટલે ખેતરોમાં લીલો હરીયાળો પાક હતો. પાકના દાણા જળક્યા નહોતા. કોઇના હુંડામાં દૂધ ભરાયું હતું. એવા દૂધભર્યા કેસરનો પરાગ સાંજના પવનને સુવાસ આપી રહ્યો હતો. આંબાના મોરની કણીઓ વિકસીને એ પવનને વધારે મઘમઘાવી રહેલી હતી. ઊંચા મહુડાના ઝાડ ઉપર સવારે ટપકવાનાં મહુડાં પાકીને ગક થઇ એ ઝાડોની શોભામાં ઓર વધારો કરતાં હતાં. આથમતા જતા સૂર્યના છેવટનાં રંગબેરંગી અને મોટે ભાગે લાલ કિરણો ઠેઠ સુધી રસથી ભરેલા એ ફળો ઉપર પથરાઇ પાછાં ફરતાં હોવાથી ઝાડો ઉપર અનેરા તેજનો અમલ થયો હતો અને તેથી, આકાશમાં જણાતા રંગો સામે ઝાડ સ્પર્ધામાં ઉતરેલાં હોય, એવો ભાસ થતો હતો. અહીંતહીં વાડો ઉપર વેલાએ ને વેલીઓ ચઢી શેઢાના ઝાડ ઉપર લચી રહ્યાં હતાં. ચોમાસું તરતનું ગયેલું, તે પાછોતર વરસાદ, એટલે એ કુદરતી લતામંડપો ઉપર નાનાં સુરેખ બહુરંગી ફૂલો ખીલેલાં હતાં: હમણાં જ ખીલેલાં એટલે તેમની મીઠી ને તાજી વાસ આપણા નાકમાં થઈ ઠેઠ મગજ ઉપર તાજગી પાથરતી હતી. કવિઓ કે ચિતારા ચિતરે તેવું સૃષ્ટિસૌંદર્ય આ નહિ હોય, પરંતુ ગામડામાં જે દેખાવો જોઇએ અને મોજો માણીએ છીએ, તેનું ચિત્ર આ વખતે મારી આંખે પડ્યું.

સૃષ્ટિસૌંદર્ય સાથે પ્રકૃતિ ગાન સુણાતું હતું હતું પોપટ મેના ત્યાં મધુરવાણી બોલતાં નહોતાં; પરંતુ ચકલીઓ ચીંચીં ને કાગ કા કા કરતાં. પ્રીતના પાક હવે ઓછા થયા છે તોપણ ઉંજેલા દીવેલથી હળવા થયેલા કોસનો મીઠો ધ્વનિ દૂરથી ખેંચાઈ આવતો હતો ; ને કોઇક દૂરના કોલ્હાના શેરડીના રસ જેવા મધુર સ્વર તેની સાથે હરિફાઇમાં ભેળાઈ કાન ઉપર અથડાતાં હતા. મારું મન ચકડોળે ચઢ્યું : પ્રેમના ઉલ્લાસના તરંગો આવવા લાગ્યા. શેઢીનો પુલ મેં ક્યારનો વટાવ્યો હતો, પણ મોડું ન થાય એ માટે આવાં નકામાં શમણામાંથી જાગ્ર્ત થઈ મેં ઝપાટાબંધ ચાલવા માંડ્યું.

()

મોટા પગલાંએ આવી પહોંચ્યો. ‘આખા લીમડામાં એક ડાળ મીઠું, કે રણછોડ રંગીલોએ ગોપકાવ્ય મને સાંભર્યું. લીમડો દૂર હતો; ડાળ મીઠું હતું કે નહિ તે જોવાની પરવા નહોતી. પગલાંને નમીને ઝટ ચાલ્યો. એથી થોડે આઘે વાવ આવી તે જોવા ન ઊભો રહ્યો, ને આગળ જ ચાલ્યો. પાંચેક મિનિટમાં સતા તલાવડી આવશે. હાલ તો ખાડો રહ્યો છે. પાણીએ નહોતું એ તલાવડીની જગા ચોર ને લૂંટારાને ફાવે તેવી છે. બે ત્રણ રસ્તા ભેગા મળે છે ને તલાવડીનો ખાડો દૂરથી જણાતો નથી. આ વખતે ભગવાન સૂર્યનારાયણ બરોબર ક્ષિતિજ આગળ આવ્યા હતા. વખત રોળીકોળીનો હતો. જેવો હું તલાવડી નજીકથી જતો હતો, તેવામાં બુકાની બાંધેલા ને હાથમાં ભાલો લીધેલા ત્રણ જણ બાજુ ઉપરની વાડેથી નીકળી મારી સામે આવ્યા. મારા હોંસકોંસ ઊડી ગયા. અમારી વચ્ચે દશેક કદમનું અંતર રહ્યું હતું. ત્રણમાં જે મુખી જેવો હતો તેણે ફરમાવ્યું, “ખબરદાર ! ત્યાં જ ઉભો રહે.” હું ખમચ્યો ને દેખીતી હિંમત ધારણ કરી બોલ્યો : ” આ ઊભો, શું છે. “

શું છે, તે સમજતો નથી ? પાસે જે હોય તે ધરી દે.”

આટલી વાત દરમ્યાન મને કાંઇક ધીરજ આવી હતી. મેં યુક્તિથી મારી ટોપી આઘે અફાળી ફેંકી ને કહ્યું : ” લો આ ફાટી સરખીટોપી ને આ લૂગડાં

એટલું બોલી લૂગડાં ઉતારતાં ઉતારતાં મેં કાંઇક રોફ સાથે વિનવવા માંડ્યું : “ભિક્ષુક બ્રાહ્મણના આટલાં લૂગડાં લઈ તમે આલેવાન થજો.”

આ ટોળ સહ કરેલી વિનવણીની અસર થઇ. કદાચ એમ પણ હોય કે લૂગડાંનો ઢાળકો જોઈ તેમની ખાત્રી થઈ હોય, કે મારી પાસે કાંઈ નથી. ગમે તેમ હોય, પણ મુખીએ કહ્યું : “જા, તું બ્રાહ્મણ છે, તેથી તને જવા દઈએ છીએ.” લૂગડાં પહેરી ટોપી ઉપાડી મેં ચાલવા માંડ્યું, કે તુર્ત પાછો મુખી મારી પાસે આવ્યો, ને પાછળથી મારી પીઠ ઉપર હાથ મૂકી તેણે પૂછ્યું : ” ઓ લાડુ ભટ્ટ, આ પાછળ આવે છે તે કોણ છે.” મેં પાછા વળી જોયું તો કોઇ સ્ત્રી આવતી હતી. સૂરજ અડધો ક્ષિતિજમાં પહોંચ્યો હતો, એટલે હજી પુષ્કળ અજવાળું હતું, તેથી તે બાઈએ ઘરેણું ગાઠું પહેરેલું હતું. એમ જણાતું હતું. મને બીક લાગી કે રખેને આ લોકો તેને સતાવે કે લૂંટે,તેથી કે કોણ જાણે કેમ, મારા મોંમાથી નીકળી ગયું કે મને શું કામ પૂછો છો એને જ પૂછોને !

એવામાં તે બાઇ પાસે આવી પહોંચી. તેને ઉદેશીને મુખીએ પૂછ્યું બાઇ આ તારા કોણ થાય ? “

મારું કહેવું સાંભળ્યું હોય, અગર હથિયારબંધ ધાડપાડુઓ જોઇ તે ત્રાસી ગઈ હોય : ગમે તેમ હોય, પણ તેણે જવાબ વાળ્યો, ‘કોણ તે વળી મારા ઘરવાળવરથાય.’

આ નવાઈ સાંભળીને હું તો આશ્ચર્યથી દિગમૂઢ થઈ ગયો. સાથે બાઇની હિંમત ઉપર ફિદા થઈ ગયો. મેં ધીમે ધીમે આગળ ચાલવા માંડ્યું, એટલે મુખીએ નિર્ણય જાહેર કર્યો: જા, બેન જા, તું બ્રાહ્મણની સ્ત્રી છે, ને તારા વરને અમે હમણાં છોડી દીધો છે, તો તને પણ જવા દઈએ છીએ. તારી જોડે માલમતા તો ઠીક છે, પણ ભગવાન તેનો બદલો અમને આગળ ઉપર આપશે.”

એ બાઇ ઉતાવળે મારી પાસે આવી લાગી. પાંદડાની માફક તેનું આખું શરીર ધૃજતું હતું. તેને ઘણી બીક લાગી હતી. મને પકડી પાડી તે બોલી : ” મને સારો સંગાથ મળ્યો : ઠેઠ સુધી. ઇશ્વરના પાડ.”” તેના બીકથી થરથરતા ઘાંટામાં કાંઇક અજબ મોહિની મને લાગી. રૂપાની ઘંટડીનો અવાજ કાંઇ હિસાબમાં નહિ. સ્વરનાં કાંઇ અપૂર્વ મોજાં મારા કાનને અથડાયાં. મેં તેના સામું જોયું, ને તે જ ક્ષણે તેણે કોણ તે વળી મારા ઘરવાળાએવો આપેલો જવાબ યાદ આવ્યો. તે નીચું જોઇ આવતી હતી, તેથી મેં બારીકાઈથી તેને જોઈ.

()

આ મૂર્તી અજબ હતી. કવિઓ કે સૌન્દર્ય પ્રેમીઓ વખાણે તેટલું રૂપ એનામાં નહોતું : પરંતુ રૂપથી પણ કાંઇક અધિક તેનામાં હતું તે અવર્ણ્ય હતું.તે મદમાતી નીડર ચાલતી હતી ; હું માત્ર ખેંચાતો હતો. બ્રહ્માએ તેને થોડી કણકે ઘડી નહોતી, પરંતુ તેના દરેક અંગમાં અને ઉપાંગમાં જોબન ખીલી નીકળેલું હતું. ગુલાબી સફેદાઇને બદલે ચંપકવર્ણી છાંટ તેના શરીર ઉપર હતી. વીંધેલું નાક, રંગેલાં દાંત અને છુંદેલાં છુંદડાં ઉપર મને સ્વાભાવિક અણગમો છે, છતાં તે બધાંની હાજરી અહીં બાધકારક લાગી નહિ. હસુંહસું થતું તેનું મોં, ભરાવદાર ગાલમાં પડતાં ખાડાં. બેપરવાઇથી હોળેલા માથાની ઉડતી લટો, અતિ વિશાળ અણીયાળી આંખો, મને પરવશ બનાવવા બસ હતી, હું પરણ્યો હતો, પણ મારી વહુ નાનપણમાં ગુજરી ગયેલી ને કન્યાની અછત એટલે ફરી કાંઇ વિવાહ થયેલો ન હોવાથી રાંડ્યા છતાં હું કુંવારો હતો. મારું લક્ષ ચાલવામાં નહોતું. હું તો આ સ્ત્રી તરફ ઘડી ઘડી જોઈ રહેતો. મને ઠોકરો વાગતી તેની પરવા નહોતી. ‘ઠોકર વાગે ત્યારે મને સમજણ આવે.’ એવું અત્યારે નહોતું.

એક પવનનો ઝપાટો આવ્યો ને તેનું માથું ઉઘડી ગયું. અહાહા ! કેવો મોટો ચોટલો ને કેવા સુંદર વાળ ! તે માથું ઉઘાડું રાખે તો જ ઠીક ! પણ તેણે માથું ઓઢી લીધું. તેણે સહજ પાતળો કાળો બંજીડો પહેર્યો હતો. તસતસતું કાપડું સુંદર હતું. કાપડું શરીરને ટાઇટ રાખે છે, ને તેથી કેડ ને છાતી બંને અરસપરસ પ્રમાણમાં રહી શકે છે. હાલના કોસેંટની માફક બંજીડાની આસપાસ તેનું નાજુક પેટ કાપડાના ઉપલાણ સુધી અડૅધું સ્પષ્ટ દેખાતું હતું. આપણે તો ભાન ભુલી ગયા, ને પૂછ્યું બાઇ, ક્યાં રહો છો ?’

ઉમરેઠટૂંકો જવાબ આપ્યો.

ઊમરેઠમાં ક્યાં ? “

પોળમાંફરી ટૂંકો જવાબ મળ્યો.

कामातुराणां न भयं न लज्जाએ પ્રમાણે આપણે પૂછ્યું : ” પરણેલાં છો ?”

આ શબ્દો સાંભળી તે ઘણી ચીઢાઇ, ને બોલી : ” આવું શું કામ પૂછો છો ? મેં લૂંટારાને કહ્યું કે તમે મારા ઘરવાળા છો તેથી ? કહ્યું માટે કાંઇ થઇ ગયા ? બોલ્યા તો બોલ્યા, પણ હવે મને સતાવશો નહિ. તમે તમારે રસ્તે ને હું મારે રસ્તે. લો આ વડાઆવ્યા.”

ગર્વથી, તિરસ્કારથી, આટલું બોલતાં આ ગામરેની ગોરીની ભ્રમર ઊંચી ચઢી. તેથી તે વધારે ખુબસુરત જણાઈ. કુદરતી સુંદરતા જેને મળી હોય છે તેને ચીઢવવાથી તેની મોહકતા વધે છે. ગર્વઘેલડી, અલબેલડી, કનકની વેલડીઆબેહુબ પ્રેમાનંદે વર્ણવ્યા પ્રમાણે,

વેલ જાણે હેમની, અવેલ ફેલ ફુલી;

ચકિત ચિત્ત થયું મારું, ને ગયું દુતત્વ ભૂલી.”

લાગવાથી તેણે મારું તેના રક્ષણ કરનારનું જે અપમાન કર્યું તે હું ભૂલી ગયો. તેને હજુ ઓર ચીઢવી તેનું રૂપ ખીલવવાનો મને વિચાર આવ્યો. સુંદર માનુનીને ચીઢાયેલી તમે કદી જોઈ છે ? આ તો ચંપકવર્ણી હતી. ને ગુસ્સાની લાલી ફરી વળવાથી તેનું મોં સુવર્ણમય કાંતિથી ઝગમગી ઊઠ્યું. કેમ જાણે મારો ભાવ સમજી હોય, એમ તેણે ક્રોધભર્યે અવાજે કહ્યું : “મળ્યા ભાઇની પ્રીત ! તમે મારા ઉપર ઉપકાર કર્યો છે, પણ તેના બદલામાં હું કાંઇ અપમાન સાંખીશ નહિ, સમજ્યા ? તમારે ને મારે શું ?”

તે આ બોલ ભાગ્યે જ બોલ રહી હશે, એટલામાં બાજુની વાડ પાછળ ખડખડાટ થયો, ને નજીકના છીંડામાંથી એક આકૃતિ બહાર આવી. એકદમ મારી નજીક તે દોડી આવી. પાસે આવતા જણાયું કે એ પેલો મુખી હતો. આવતાં જ તેણે ગુસ્સામાં પ્રશ્ન કર્યો : કેમ અલી ! તું તો કહેતીતીને, કે એ મારા ઘરવાળા છે ? ને હવે કેમ કહે છે કે તમારે ને મારે શું ? એમ દાગીના લઈ છટકી જવાશે નહિ. મને પહેલેથી જ શક હતો કે દાળમાં કાંઇક કાળુંછે તમે બંને વરવહુ નથી. ઉતાર તારા દાગીના.”

હું છોભીલો થઈ ગયો. ને પેલી તો શિયાંવિયાં થઈ ગઈ. તેનું મોઢું રડું રડું થઈ ગયું. કાંઇ દયા રાખ્યા વિના મુખીએ ભાલો ઊગામ્યો ને પોકાર્યો : “માને છે કે નહિ ? એ તારા વર થતાનું કાંઇ ચાલવાનું નથી.”

કોઇ પણ એશાઅરો ન રહેલો હોવાથી કંપવાયુ થયો હોય એમ ધૃજતી તે આવીને મારી કોટે વળગી. છેક દીન મુખ કરી જાણે મને વિનવતી હોય તેમ મારા મોં સામું જોઈ તે મૂંગી ઉભી.તેના બંને હાથ મારા ગળા આસપાસ વીંટાયેલા હતા. તે દરેક પળે વધારે સખ્ત બંધનમાં મારું ગળું ભીડતા હતા. હવે શું કરવું ? મેં તેના સામું જોયું મેં શું જોયું ? તેના કપાળે ચાલ્લો નહોતો ને હાથે માત્ર એકએક સોનાની બંગડી હતી. શું તે વિધવા હતી ? વધારે વિચાર કરવાનો કહ્યું : ” વહાલી લૂંટારા પોતે જુઠ્ઠા હોય એટલે બીજાને જુઠ્ઠા માને. તેઓ વળી લોભી, એટલે આપણે કહીશું તે માનવાના નથી. હશે: ઉતારી આપ તું તારા દાગીના.”

એક પળ વિચાર કરી અપૂર્વ શાંતિ ધારણ કરી મેં ઉત્તર આપ્યો : “તમે રજેરજ સાચું બોલો છો, પણ મૂળ વાત એમ છે કે અમે બંન્ને ધણીધણીયાણીને બનતું નથી, ને ક્યારનાં જુદાં રહીએ છીએ, ને તેથી જ તમે સૌથી પહેલાં મને પૂછ્યું કે, ‘એ તમારી શી સગી થાયત્યારે મેં કહ્યું કે એને પુછો. અહીં અચાનક અમારો ફરી ભેટો થવાથી સમાધાન માટે હું એને સમજાવતો હતો, ને તે માનતી નહોતી; દરમ્યાન તમે ઠીક આવી લાગ્યા. તમે અમારો ફરી સંબંધ કરી આપ્યો. તમે જોયું ને, કે એ કેવી મારે તાબે થઇ !”

મારા બોલવાને એ બાયડીને ટેકો આપ્યો : “મેં મારી ભૂલ જોઈ છે. હવે હું પસ્તાઉં છું.” અને ગળામાંથી કંઠી ઉતારી મુખી તરફ ફરી તેણે આગળ ચલાવ્યું : ” લે ભાઇ, આ એક કંઠી. મને બહુ બીક લાગે છે. તારો ભાલો દૂર મૂક,”

આ વાતચીતથી મુખીનું હ્રદય પીગળ્યું. ગળગળો થતાં તે બબડ્યો : ‘બળ્યો વર ને બળી જાન. જાઓ ભાઇ. જાઓ મારે કાંઇ નથી જોઇતું પણ યાદ રાખજો. કે તમે લડી પડેલાં વરવહુ હવે જો અહીંથી જૈ એકઠાં એક જ ઘરમાં નહિ રહો, તો તમે બન્ને જુઠાં છે, એમ માની તમને બન્નેને ઘેર આવી આ ભાલાથી ઠાર કરીશ, ને ઘરબાર લૂંટી લૈશ. એમ ન કરું તો મનેની આણ છે.’

આટલું બોલી એ ઝટ દોટ મુકી નાસી ગયો.

()

લૂંટારાથી છૂટ્યા તો ખરા, પણ અમારી ખરી મુસીબત તો હવે ખરી શરૂ થઈ. અમને આ શું સૂઝ્યું ? હવે શું કરવું. ક્યાં જવું ને કેમ વર્તવું ? મને પસ્તાવો થયો. મારું અંત:કરણ મને ડંખવા લાગ્યું. મેં આ શું કર્યું ? અને હવે શું કરવું ? એટલામાં તે બાઇ બોલી : ” ભાઇ, તમારો ઉપકાર માનું છું. તમે ન હોત તો એ મુવો મને મારી નાખત, કે આબરૂ લેત. એનો ભાલો જોઈ હું તો થરથરી ગઈ છું.

હું સાંભળી રહ્યો. ઘોર અંધારી રાત શરૂ થઈ હતી. અમે વડાંમાં હતાં. એ લગભગ ગામની ભાગોળ કહેવાય. ત્યાં ઊભાં રહ્યે કાંઇ વળે તેમ ન હતું, તેથી છેવટે મેં કહ્યું : ” ચાલો બેન, આપણે. હવે જતાં રહીએ.”

હા, પણ હવે પેલા મુવાની ધમકીનું શું ? આપણે શું કરીશું ?” “ગામમાં તો ઘેર જવું જ પડશે. એમ એની ધમકીથી ડરી ગયે કંઈ પાર આવશે ? તમે તમારે ઘેર જાઓ; હું તમને મૂકવા આવીશ.”

ના ભાઇ, એમ ન થાય, ને તે પણ આજે ને આજે ? તમે જોયું ને, કે એ રડ્યો કેવો હમણાં ફૂટી નીકળ્યો હતો ? પાછો મુવો આપણી પુંઠે લાગેલો હોય તો ? “

ત્યારે શું કરવું ? આજનો દિવસ કાં તો તમારે ઘેર આવું, કે કાંતો…” એટલું બોલી હું અચકી ગયો.

કે કાંતો હું તમારે ઘેર આવુંતેણે વાક્ય પુરું કર્યું ને ઉમેર્યું હા,ચાલો.”

અમે ચાલવા માંડ્યું. ‘નાનાં પગલાંએ આવી. દર્શન કરી, મન સાફ કરી અમે બંને મારે ઘેર આવી પહોંચ્યા. એ વખત રાતનો પૂર્ણ અમલ શરૂ થયો હતો.

ઘેર તો આવ્યો. હવે જ મારી મૂંઝવણ શરૂ થઈ હતી. શરૂઆતમાં રમણીય હોવા છતાં એ મૂંઝવણ હવે મને ખરેખર સાલતી હતી. સાવિત્રી જેટલી નિર્દોષ અને પવિત્ર સ્ત્રી આમ એકાએક મારા ઘરમાં આવી બેઠી હતી. ઘર ઘણું નાનું હતું ને હું એકલો હતો. આ મારી કસોટીનો વખત હતો. રાત તો ગમેતેમ પસાર કરી, પણ સવારમાં તેણે એને ઘેર જવા ચોખ્ખી ના પાડી. એને તો હજી બહારવટીયાનો ભાલો દેખાયા કરતો હતો ! એને માટે ખાવા પીવાની તથા કપડાંલતા લાવવાની ગોઠવણ મારે કરવી પડી. મૂળે વાંઢો અને બૈરાંના લૂગડાં ખરીદવા, એ કેટલી શરમનું કામ ? સવારમાં તેને પૂછ્યું કે રસ્તામાં એકલી કેવી રીતે આવી ચઢી. તેણે ખુલાસો કર્યો : ‘ડાકોરથી સંગાથ જોઈ હું સાડાપાંચ વાગે નીકળી. અમે સૌ શેઢી ઉપર વિસામો ખાવા બેઠાં. હું જરા કળશીયો લઇ શેઢીની અંદર ઉતરી ને સૌ મને ભૂલી ગયાં, ને ચાલ્યા ગયાં; ને હું એકલી પડી ગઈ.’

આમ ને આમ એક દિવસ, બે દિવસ ચાલ્યા ગયા. મારી મૂંઝવણ વધતી ગઈ. મને હવે લોકનિંદાનો ડર લાગ્યો. આવી રીતે ઘરમાં બૈરી છૂપી ક્યાં સુધી રહે ? ને એમ સાપનો ભારો જાળૅવી શી રીતે રખાય ? એ તો ડરની મારી એને ઘેર જવાની વાત કરતી જ નહોતી. છેવટે મારે ખુલ્લે ખુલ્લું કહેવું પડ્યું : ” જુઓ લક્ષ્મી !” – તેનું નામ લક્ષ્મી હતું, “આમ ને આમ દહાડા કઢાય નહિ. તમો ને મેં શી ચોરી કરી છે, કે આમ છાનું રહેવું ?”

ત્યારે શું કરવું ?”

તમે તમારે ઘેર જાઓ, ને મને છૂટો કરો.”

એ કેવી રીતે બને ? બહારવટીઆએ આપણને એકજ ઘરમાં રહેવાનો હુકમ કર્યો છે. જુદા પડીએ તો જીવ ખોઈએ.”

પણ સાથે અપવાદ આવે તેનો વિચાર કર્યો ?”

કાંઇક ખીસીઆણી પડી તે બોલી : “હા, એ વાત ખરી. પણ શું ભાઇ બેન એકલાં ઘરમાં નથી રહેતાં.”

આપણે કાંઇ ભાઇ બેન નથી; ને આપણે કહીએ તે કાંઇ લોકો માને નહિ. હવે માત્ર બે રસ્તા છે. કાંતો છુટા પડવું – કાં તો …”

કે કાંતો – શું ? કેમ અચકી ગયા ?”

કહું, તમને ખોટું લાગશે ?”

ના, કહો :મને ખોટું નહિ લાગે.”

કાં તો છુટાં પડવું કે કાં તો ભેગા રહેવું.”

પણ ભેગાં રહેવાની તો તમે ન કહો છો ને ?”

આવી રીતે નહિ.”

ત્યારે વળી કેવી રીતે ?”

જે રીતે રહેવાય તે રીતે –દુનિયાની ચાલતી રીતેપરણીને.”

મેં ક્યારે ના કહી છે ? હું તો ક્યારની એમ કહું છું. પણ તમારા લક્ષમાં ક્યાં વાત આવી છે ?”

આમ વાત નક્કી થઈ. ઉમરેઠમાં નાતજાત સમક્ષ એ કાર્ય થાય નહિ. વળી બાઇ કોણ છે તેની પણ મને ખબર નહોતી, એટલે છાનામાંનાં મુંબાઇ જઈ શેઠ ભગવાનદાસ માધવદાસના આશ્ચર્ય નીચે પુનર્લગ્ન કરવાનું નક્કી કર્યું. રતોવાઈ અમે ડાકોર જઈ ત્યાંથી ટ્રેનમાં બેસી મુંબાઇ ગયાં.મુંબાઇમાં પુનર્વિવાહના હોલમાંમહિનાની સુદ પાંચમે અમારું લગ્ન છડેચોક થયું. આગેવાન સુધારાવાળા સમક્ષ અમારો હસ્ત મેળાપ થયો. પહેલું મંગળં ફરી રહ્યાં કે તુર્ત બુકાની બાંધેલો ને હાથમાં ભાલો ઝાલેલો એવો એક માણસ હોલમાં દાખલ થયો. તેંને જોઈ મારાં તો હાજાં ગગડી ગયાં ! બહારવટીઆનો મુખી આમ ત્રીજી વખત અમને સતાવવા અણીની વખતે ક્યાંથી ફૂટી નીકળ્યો ? અમને જોઈને તેણે ભાષણ કર્યું : “અલ્યા, બ્રાહ્મણ ! વાહ તારી ચતુરાઈ !! તું કહેતો તો કે તમે પરણેલાં છો ? એવું જુઠું બોલી આ બાઇનું ઘરેણું બચાવ્યું ને કહેતો ગયો કે અમે લૂટારા જુઠા. તું જુઠો કે અમે ? ને પાછું ઘરેણું બચાવવાના બદલામાં એ બાઇને આજે પરણવા નીકળ્યો છે ! તમને શી શિક્ષા કરવી ?”

અમે બંન્ને લેવાઈ ગયાં. કેમકે એણે ભાલાવાળો હાથ ઊંચો કર્યો હતો. અમારાં ઉતરેલાં મોઢાં જોઇ એણે ઉમેર્યું ; “અશે, તમે પરણેલાં નહોતાં તે હવે પરણ્યાં. ચાલો વિધિ પૂરી કરી નાખો. મારે જવાની ઉતાવળ છે કેમકે, નહિ તો અહિં તમે અધિકારીઓ બોલાવ્યા છે તે મનેબહારવટીઆને –પકડવાનો આ પ્રસંગ જવા દેશે નહિ.”

અમે ચારે મંગળ ફેરા પૂરા કર્યા અને પરણી ઉઠયાં. એક હજાર રૂપીઆની નોટ લક્ષ્મીના હાથમાં મૂકીને જતાં જતાં મુખીએ આશીર્વાદ આપ્યો : “લો આ મારો ચાલ્લો. રામ રામ. હું જૌં છું મારાથી ભીશો નહિ. હવે હું પ્રસન્ન થયો છું. તમે ભલે પરણ્યાં. ઈશ્વર તમારું જોડું સુખી રાખો. લક્ષ્મી ! તારું હેવાનત કુશળ રહો. બેન આવજે !”

અમે કાંઇ પણ બોલીએ તે પહેલાં તો જેમ આવ્યો હતો તેમ તે પોબારા માપી ગયો.

અમે અમારે મુકામે ગયાં. મુખી બરાબર લગ્ન પ્રસંગે ક્યાંથી આવી ચઢ્યો અને તેણે ચાંલ્લો શા માટે કર્યો એ હું કાંઇ સમજ્યો નહોતો. મારા મનમાં એ વાત ધોળાયા કરતી હતી, તેથી ઘેર પહોંચતાજ મેં લક્ષ્મીને પૂછ્યું :” વહાલી, મુખી વિચિત્ર માણસ જણાય છે. તે આવ્યો કે શું ન ગયો શું ? તેણે આપણને ડરાવ્યા શું ને ચાલ્લો કર્યો એ શું ? માન ન માન, પણ કાંઇક વહેમ પડતી વાત છે.”

આ સાંભળી તે હસી પડી. આ વિચારવાની વાત હતી; આમાં હસવા જેવું કશું નહોતું. તેથી મેં સવાલ કર્યો: “હસે છે શું ? આમાં મશ્કરી જેવું શું છે ?

ઘણુંયે. તમે ન સમજો.”

કહે જોઇએ, મારા રામ.”

લો ત્યારે કહું છું હવે છૂપાવવા કાંઇ કારણ નથી. એ મુખીને હું ઓળખું છું, કેમકે તેની વહુને ને મારે બેનપણાં છે ; ને મેં જ તેને અહીં તેડાવ્યો હતો.”

એ સાંભળી હું સડક થઇ ગયો. તેણે આગળ ચલાવ્યું : “મેં તમને જોયા ત્યારથી જ હું મોહી પડી

હતી. કહું, પહેલાં ક્યારે જોયા ?…કાકાએ નાત કરી ત્યારે હું જમવા આવી હતી, ને તમે પીરસતા હતા. તે પહેલાં મેં તમને કદી જોયેલા નહિ. ઉઘાડે શરીરે તમે કેવા કામણગરા લાગતા હતા ? વિચારોની કરચલીઓથી શોભીતું મોઢું ને ઉપસેલું તમારું કપાળ ; મસ્તીખોર અણીઆળી ભુખરી આંખો ; વાંકી લાંબી ચોટલી ; મોટાં કાનૌછરીઆં ; ભરાવદાર, ગુચ્છદાર વાંકડી મૂચ્છ; પાતળું શરીર; માંસલ સ્નાયુઓ ; એ સૌથી હું મારું ભાનસાન ગુમાવી બેઠી. જેમ જેમ પછી તમને વધારે વાર જોયા, તેમ તેમ ઉન્માદ વધતો ગયો. ગમે તેમ કરીને તમને પરણવું એ નિશ્ચય કર્યો. અને તે વાત મારી બેનપણીને કહી. તેણે તેના ધણીની મદદ માગી. એ તમારા ઉપર દેખરેખ રાખતો અને જે દિવસે તમે ડાકોર ગયા તે દિવસે તેણે શિખવ્યા પ્રમાણે તમારી સાથે લગ્ન કેવી રીતે ગોઠવાય ? તેથી આવો રસ્તો બેળેબેળે શોધવો પડ્યો.”

હવે મારાથી છાના રહેવાયું નહિ ; તેથી વચમાં સવાલ કર્યો પણ મેં તે વખતે મુખીને એવું ન કહ્યું હોત કે એ મારી કોણ છે તે બાબત એને જ પૂછોતો શું થાત ? પછી તારા કાવત્રાનો મેળ કેમ ખાત ?”

ઈશ્વર પાધરો હોય તે સહાય કરે જ, ને તમને ભુલાવી તમારા મોંમા એવા શબ્દો મુકાવે જ. આમ થયું હોત તો શું થાત, એ પ્રશ્ન હાલ નથી. તમે જવાબ આપતા ભૂલ્યા તે પકડાયા – મારી જાળમાં ફસ્યા ! એ વાત ઉઘાડી પાડવા મેં મુખીને અહીં બોલાવ્યો. વળી તેણે મદદ કરી એટલે તે હાજર રહે તો સારું. પકડાવાના ડરથી તેને બિચારાને ચાલ્યું જવું પડ્યું. ઠીક ચાંલ્લો કરતો ગયો ! પણ એ ચાંલ્લો કરતાં પણ મારા કપાળમાં થયેલા નવા ચાંલ્લાને હું વધારેકિંમતી ગણું છું. “

હું પણ તને મેળવી સુખી છું. પરંતુ વહાલી મારાથી તું જબરી તો ખરી. અસલના વારામાં સ્ત્રીઓમાંકન્યાઓનાંહરણ થતાં. આજે તેં પુરુષનું હરણ કરી બતાવ્યું છે !”

તમે પક્કા છો. તમે પહેલું મારું હરણ કર્યું તે ભૂલી જાઓ છો. તમે પહેલું મારું મન હર્યું એટલે હરણ કરનાર તમેસ્તો.”

તે મેં કાંઇ જાણી જોઈ કર્યું નહોતું. તું મારા પર મોહી પડી હતી, તેની મને ક્યાં ખબર હતી ? “

હશે, પણ મને ઘેર લઇ જનાર પહેલાં તમે હતા એ વાત તો ખરીને ?”

લે, હું હાર્યો ને તું જીતી, થયું ? ફેરા ફરી તું પહેલી બેસી ગઈ હતી, એટલે તું જ જીતવાની.”


Print Friendly, PDF & Email

Leave a Comment