એબ્સર્ડીસ્ટ આયોનેસ્કોનું એક્સલન્ટ એબ્સર્ડ-‘ધ ચેર્સ’

સાહિત્ય મનુષ્યજીવનને પ્રતિબિંબિત કરે છે. જમાને જમાને આ પ્રતિબિંબ બદલાતું રહ્યું છે. બુદ્ધિજીવીઓ પાસે જીવનની શૂન્યતાનો રસ્તો નથી. માણસ લાચાર અને નિરાશ છે એનું વરવું ચિત્ર સાહિત્ય દ્વારા સમયે સમયે પ્રગટ થતું રહ્યું છે. બબ્બે વિશ્વયુદ્ધને કારણે સમસ્ત વિશ્વમાં ફેલાયેલી મનુષ્યજીવનની નિરર્થકતાને સાહિત્યમાં વિવિધરૂપે સર્જકોએ રજૂ કરી છે. એબ્સર્ડીટી પણ એ નિરર્થકતા દર્શાવવાનો અરીસો બને છે. આ એબ્સર્ડ માટે ગુજરાતીમાં ‘અસંબદ્ધ’, ’અયુક્ત’, ’અસંગતિવાદ’, નિઃસારતાવાદ’, ’વ્યર્થતાવાદ’, ’અર્થહીનતાવાદ’ જેવા પર્યાયો છે. ખાસ કરીને રંગભૂમિ-નાટકોના સંદર્ભે આ સંજ્ઞા ચર્ચાઇ અને અસ્તિત્વમાં આવી. નાટકને જુદી જ રંગભૂમિ આપીને એબ્સર્ડ નાટકો રચાવા લાગ્યા. M.H.Abrams આ એબ્સર્ડ વિશે નોંધે છે-

“the current movement however emerged in France after the horrors of World War II(1939-45) as a rebellion against basic beliefs and values in traditional culture and literature. This tradition had included the assumptions that human beings are fairly rational creatures who lived in an at least partially intelligible universe that they are part of an ordered social structure, and that they may be capable of heroism and dignity even in defeat.

After the 1940’s, however, there was a widespread tendency, especially prominent in the existential philosophy of men of letters such as Jean-Paul Sartre and Albert Camus, to view a human being as an isolated existent who is cast into an alien universe; to conceive the human world as possessing no inherent truth, values, or meaning; and to represent human life-in its fruitless search for purpose and significance, as it moves from the nothingness whence it came toward the the nothingness where it must end-as an existence which is both anguished and absurd. Ionesco also said, in commenting on the mixture of moods in the literature of the absurd; people drowning in meaninglessness can only be grotesque, the is sufferings can only appear tragic by derision.” (A Handbook Of Literary Terms, M.H.Abrams, Cengage Learning India Private ltd., Delhi,  2011, Page-11 )

આધુનિક સાહિત્યસંજ્ઞાકોશના સંપાદકોએ ‘એબ્સર્ડ’સંજ્ઞા વિશે જે નોંધ્યું છે તે પણ ઉપરોક્ત વાતનું જ સમર્થન છે-

“માનવ અસ્તિત્વ અંગેના આધુનિક ચિંતનમાં એક એવું વલણ બહાર આવ્યું કે વ્યક્તિ અન્ય વ્યક્તિઓથી અલગ પડી ગયેલી છે, કશુક પણ અર્થપૂર્ણ કાર્ય કરવામાં તે અસમર્થ છે, અને તે પોતાનાથી કાબૂ બહારના બાહ્ય બળોનો ભોગ બનેલી છે. વીસમી સદીની યુરોપીય વિચારસરણીના એક ભાગ તરીકે વિકસેલું આ વલણ સાર્ત્ર અને કામુના ચિંતનશીલ લખાણોમાંથી પણ બહાર આવ્યું. ત્યારબાદ સેમ્યૂઅલ બેકેટ, આયોનેસ્કો, હેરલ્ડ પીન્ટર આદિ નાટ્યલેખકોએ રંગભૂમિ ક્ષેત્રે આ વિચારધારાને આગળ વિકસાવી, જેના પરિણામરૂપ થિયેટર ઓવ ધી એબ્સર્ડનો ઉદભવ થયો.” (આધુનિક સાહિત્યસંજ્ઞાકોશ, ચંદ્રકાંત ટોપીવાળા અને અન્ય, ગુજરાતી સાહિત્ય પરિષદ-અમદાવાદ, પ્ર.આ-૧૯૮૬, પૃ.૦૨)

અહી એબ્સર્ડીસ્ટ યુજીન આયોનેસ્કો કૃત એબ્સર્ડ નાટક ‘ધ ચેર્સ’ની વાત કરવી છે જેનો અનુવાદ દિગીશ મહેતાએ ‘ખુરશીઓ’ શીર્ષકથી કર્યો છે. દિગીશ મહેતાએ આ અનુવાદ ડોનાલ્ડ એમ. એલનના અંગ્રેજી અનુવાદને આધારે કરેલ છે. આયોનેસ્કોનો જન્મ રૂમાનિયા ખાતે ૧૯૦૯માં થયો હતો અને નાટ્યકાર તરીકે ખ્યાત છે. કેટલાક સ્રોતો મુજબ તેમનું જન્મ વર્ષ ૧૯૧૨ પણ દર્શાવાય છે એનું કારણ એ કે તેઓ પોતે તેમના આદર્શ લેખક Ion Luca Caragialeના મૃત્યુ દિવસ ૦૯/૦૬/૧૯૧૨ને પોતાના જન્મ દિવસ તરીકે ઓળખાવવા માગતા હતા. તેઓ સેમ્યૂઅલ બેકેટ અને ફ્રાન્જ કાફકાથી પણ પ્રભાવીત હતા. શરૂઆતમાં કવિતા અને વિવેચન કરનાર આ સર્જકે ’ધી બાલ્ડ પ્રાઈમા ડોના’, ’ધી લેસન’, ’રાઈનોસરોસ’, ’ધી ચેર્સ’, ’ધી ન્યુ ટેનેન્ટ’, ’એક્ઝિટ ધ કિંગ’, ’ધ કિલર’, ’એમેડી’ જેવા મહત્વપૂર્ણ નાટકો રચ્યા છે. ભ્રષ્ટ વ્યવહારોથી ખદબદતા આ મૂર્ત વિશ્વમાં મનુષ્યની પડતીને આયોનેસ્કો વિષય બનાવે છે. તેમના મત મુજબ તો આ જીવન માત્ર અને માત્ર અર્થહીન પુનરાવર્તિત ક્રિયાઓનુ ઝૂમખું છે. સર્જક તરીકે યુજીન આયોનેસ્કોના વિચારો સાવ ભિન્ન રહ્યા છે. નંદકુમાર પાઠક આ સર્જક વિશે લખે છે-

“માનવજીવન એક સનાતન કોયડો છે. બુદ્ધિ એ કોયડાનો ઉકેલ લાવી શકતી નથી. બુદ્ધિની આ મથામણ હાસ્ય પ્રેરે છે. બુદ્ધિની આ મથામણ એક વિચિત્ર, અર્થહીન પરિસ્થિતી છે. આ પરિસ્થિતીમાં દુખ, દૈન્ય, વિષાદ અને માનવ અસ્તિત્વની હેતુશુન્ય કરુણતા રહેલી છે. વાસ્તવિકતાના આવા ખ્યાલને લીધે, સમાજે નક્કી કરેલાં મૂલ્યો અને પરંપરાને આધીન રહેવામાં આયોનેસ્કોને નિરર્થકતા સમજાય છે. અંતે તો બધુ નિરર્થક છે, વ્યર્થ છે એ જ્ઞાન પ્રાપ્ત થતાં પરંપરાગત જરીપુરાણા મૂલ્યો પ્રત્યેનો આદર પણ હાસ્યાસ્પદ બની જાય છે. આથી ભદ્રજનસમાજ, સંસ્થાઓ, ચોક્ઠાબંધી, રૂઢ આચરણસંહિતા અને વિવિધ માનવીય સંબંધો વિશેના ખ્યાલો સામે એ બંડ પુકારે છે. આની પાછળ એનો હેતુ માનવઅસ્તિત્વનો અંતિમ અર્થ શોધવાનો અને સમજવાનો છે; સનાતન સત્યને પુનઃ શોધી વર્તમાન સમય જોડે એનો મેળ મેળવી વાસ્તવિકતાની એક નૂતન અને અજ્ઞાત રહેલી ભૂમિકા પ્રકટ કરવાનો છે.” (પાશ્ચાત્ય નાટ્યસાહિત્યના સ્વરૂપો, નંદકુમાર પાઠક, ગુજરાત વિદ્યાપીઠ-અમદાવાદ, પ્ર.આ-૧૯૮૬, પૃ.૨૪૯)

આ નાટકમાં એક મકાન છે અને એ ચોતરફ પાણીથી ઘેરાયેલું છે. આ મકાનમાં બે મુખ્ય પાત્રો વૃદ્ધ દંપતિ-પતિ પત્ની છે. પાણીથી ઘેરાયેલા મકાનનું સ્થળ પણ અહી વિશેષ બની રહે છે. અહી કથાવસ્તુના રૂઢ ખ્યાલોને અવકાશ નથી. વૃદ્ધ પતિ શહેરીજનોને કઇંક સંદેશો આપવા માગે છે એટ્લે તેમણે સમગ્ર શહેરના લોકોને આમંત્રણ આપીને બોલાવ્યા છે. એ મહેમાનો માટે મકાનમાં ખુરશીઓ ગોઠવાયેલી છે અને આ બંને પાત્રો મહેમાનોને આવકારવાનો અભિનય કરતાં રહર છે. તેમણે કારકુન, વેપારી, ટેકનીશ્યન, મિકેનિક, ફિટર, પ્રૂફરીડર, એડીટર, ડૉક્ટર, પાદરી, પોલીસ અને પ્રેસિડન્ટ તેમજ શહેનશાહ જેવા મહત્વના બધા જ લોકોને આમંત્રણ આપ્યું છે. હકીકતમાં પડદા ઉપર અહી કોઈ આવતું નથી અને તખ્તા ઉપર કોઈ મહેમાનો દેખાતા નથી પણ આગતા- સ્વાગતાના અભિનય દરમિયાન પતિ-પત્નીની વાતચીત આ એબ્સર્ડનું રણ રચે છે. પોતે લાગણીઘેલા થઈને બોલી ન શકાય એવા ભયને લીધે પતિએ એક પ્રવક્તાને પણ બોલાવ્યો છે પણ અંતમાં આપણને ખબર પડે છે કે પ્રવકતા તો મૂંગો હતો. અંતમાં પતિ-પત્ની બારીમાથી કૂદકો મારીને મૃત્યુને વહાલું કરે છે ત્યારે આપણને એક આશા બંધાય છે કે પતિનો સંદેશો પેલા પ્રવકતા દ્વારા આપણને જાણવા મળશે પરંતુ પ્રવકતાનું મૂંગા હોવું એ આ એબ્સર્ડને એક્સલન્ટ બનાવે છે. પતિનું સંદેશો કહેવાનું સ્વપ્ન અધૂરું જ રહે છે. નાટકની શરૂઆતમાં જ વૃદ્ધ પત્ની પતિને કહે છે-

“જો,જો… મારા ડાર્લિંગ..! જો આમ આવો. એમ આઘે સુધી ન ઝુકાય. નીચે પાણી છે, પડાશે.” (ખુરશીઓ, યુજીન આયોનેસ્કો, અનુવાદક-દિગીશમહેતા, પ્રકાશક-રન્નાદેપ્રકાશન, અમદાવાદ, પ્ર.૨૦૦૦,પૃ.૦૪)

શરૂઆતમાં પાણીમાં પડવાનો ભય એ સાચો છે અને અંતમાં સ્વેચ્છાએ પાણીમાં પડવું એ વાસ્તવિકતા છે, તો આ બધી ખુરશીઓની ગોઠવણ-મહેનતનો અર્થ શું? બધુ જ વ્યર્થ એ જ સત્ય અને એ જ સત્ય આયોનેસ્કોએ રજૂ કર્યું છે.

વૃદ્ધની વેદના અહીં એ છે કે આજ સુધી તેને કોઈએ સાંભળ્યો નથી, જુઓ વૃદ્ધનો સંવાદ-

‘મને કોઈએ જ સાંભળ્યો નથી… નથી મને કોઈએ આમંત્રણો મોકલ્યા… અને તો પણ હું… આપ સાંભળો, હું માનવજાતને બચાવી શક્યો હોત. આ માનવજાત કે જે અત્યારે આટલી સંતપ્ત છે. આપ નામદાર તો આ સમજો છો જેમ હું સમજુ છું…કે પછી ઓછામાં ઓછું, આ છેલ્લા દાયકા-બે દાયકાઓથી એ જે શાપોથી ઘેરાયેલી છે તેને દૂર તો હું જરૂર કરી શક્યો હોત; હું હજુ હિમંત નથી હાર્યો, હજુ સમય….મારી પાસે એક યોજના છે….માફ કરજો, મારે કહેવાનું હું મહામુશ્કેલીએ સ્પષ્ટ કરી શકું છું….(એજન,પૃ.૪૯)

પોતાના સંદેશાને અત્યંત મહત્વ આપનાર આ વૃદ્ધે એટ્લે જ પ્રવક્તાને બોલાવ્યો છે જે એનો સંદેશો આમંત્રિત મહેમાનો સુધી પહોચાડી શકે. પ્રવકતા વૃદ્ધ માટે મહત્વપૂર્ણ વ્યક્તિ છે એટ્લે જ નાટકમાં એને ચિંતાપૂર્વક તેની રાહ જોતો દર્શાવાયો છે. આત્મહત્યા કરતાં પહેલા વૃદ્ધ પ્રવક્તાને કહે છે-

“તને ભવિષ્યની પેઢીઓ પર મારા મનનો પ્રકાશ પહોચે તેની જવાબદારી સોંપતો જઉં છું….અને આમ ગગનમંડળોને મારુંદર્શન પહોંચતું કરવાની મારી અંગત જીવનની બધીય વિગતો. એ સઘળીય વિગતોમાની એક પણ ભૂલતો નહીં… કેહજે બધુ જ કહેજે…. મારી પત્નીની વાત કરજે….” (એજન,પૃ.૫૭)

વૃદ્ધ અને વૃદ્ધાએ એકમેકને જીવનભર સહકાર આપ્યો છે અને વૃદ્ધાવસ્થાની અવસ્થામાં પણ એકમેકને સાચવી રહ્યા છે. ખરેખર તો નાટકમાં અદ્રશ્ય મહેમાનો વચ્ચે આ બે પાત્રોને જ એકમેકના અસ્તિત્વને ટકાવી રાખવા માટેના ફાંફા મારતા આપણે જોઈ શકીએ છીએ. વૃદ્ધાવસ્થા વખતે જાણે કે જીવનના સરવાળા-બાદબાકી માંડવા બેઠેલ આ દંપતિના દામ્પત્યજીવનની વિફળતા પણ અહીં આલેખિત છે મહેમાનો સાથેની વાતચીત-આવકારમાં બંને પોતાના જીવનનું ભૂતકાળનું સરવૈયું જેમાં ખુશી અને ગમ બધું જ છે- જુઓ વૃદ્ધનો વૃદ્ધાને ઉદ્દેશીને બોલાયેલો સંવાદ-

“તું મારી લયલા, ને હું તારો મજનુ છે કબુલ! સોંદર્યના જાદુ તો બહુ ઊંડા વસે છે, એ તો છે ઠેઠ હૃદયમાં…..સમજી તું….સમજી તું!આપણે કેટકેટલું સાથે રહી શક્યા હોત, આનંદ ને સોંદર્ય ને અનંતને ખુદને…ને અનંતને ….તો આપણે કેમ ન કર્યું? આપણામાં ગુંજાયશ નહીં ત્યારે જ ને …ગયું, બધું ગયું, ખોયું, ખોયું… ઓહ આપણે બધું જ ગુમાવ્યું છે. આપણે એટલા તો સુખી થાત.. (એજન,પૃ.૨૬)

પોતાનો સંદેશો લોકો સુધી પહોચાડવા માટે મથામણ કરનાર આ વૃદ્ધ તેમના આમંત્રણને માન આપીને પધારેલા સૌનો વિગતપૂર્વક આભાર માને છે તે આભારવચનો પણ નાટકના મહત્વપૂર્ણ સંવાદો બની રહે છે We have not the time to take our time એવું કહેનાર આયોનેસ્કોના આ નાટકમાં સમય કાઢીને આવેલા બધા કાલ્પનિક મહેમાનોનો આભાર વૃદ્ધ આ રીતે માને છે-

“હું આપ સર્વને વય, જાતિ, દરજ્જો, સામાજિક સ્થાન, વ્યાપાર કે બીજા કોઈપણ ભેદભાવ સિવાય, મારો આભાર પાઠવું છું. આ ઈમારતના માલિકોને, સ્થપતિને, કડિયાઓને કે જેઓએ આ દીવાલો ઊભી કરવાની તકલીફ લીધી છે!  અને છેલ્લે હું સુથારોને માટે મારા અત્યંત આભારની લાગણી પ્રદર્શિત કરું છુ, તેમણે આજે તમે બેસી શક્યા છો તે પેલી ખુરશીઓ બનાવી છે; એ સૌથી ચડિયાતા એવા સુથારને…. કાગળો બનાવનારને, છાપખાનાવાળાને, પ્રૂફરીડરોને, એડીટરોને કે જેમણે આવા મજાના આજના પ્રોગ્રામ સજાવી આપ્યા.  મારી પત્ની, મારી સહધર્મિણી. એ બધાનો આભાર જેમણે એમનો મહામુલો અને કુશળ, એવો આર્થિક કે નૈતિક, ટેકો મને આપી આજ સાંજની આ સભાની આવી ભવ્ય સફળતામાં પોતાનો ફાળો આપ્યો છે….”(એજન,પૃ.૫૪-૫૫)

આમ મહેમાનોનો-પત્નીનો આભાર માનીને ખાસ કરીને શહેનશાહનો વિશેષ આભાર માને છે. અંતમાં શહેનશાહને ઉદ્દેશીને જ સંવાદો બોલીને આ દંપતિ આપઘાત કરે છે અને ત્યારે નાટકમાં જેને મહત્વતા આપવામાં આવી છે તે પ્રવક્તાની કામગીરી શરુ થાય છે-સંદેશો પહોચાડવા માટે આ પ્રવક્તા પણ અસમર્થ છે કારણ કે તે બહેરો-મૂંગો છે. પ્રવક્તા કાળા પાટિયા ઊપર ચોકથી “ANGEL FOOD, NNAA NNM NWN WNW V MMM MMM Grence, HADIEU ADIEU ADA” જેવા અક્ષરો લખીને અદ્રશ્ય સમુદાય તરફ જોઈ રહે છે પણ તેને ખ્યાલ આવી જાય છે કે પ્રત્યાયન થઇ શક્યું નથી એટલે નિરાશ થઈને પ્રવક્તા અદ્રશ્ય મહેમાનોને – શહેનશાહને નમન કરીને મુખ્ય બારણાની બહાર નીકળી જાય છે અને અદ્રશ્ય મહેમાનોનો અવાજ, ગણગણાટ અને ખોંખારા સંભળાય છે (નાટકમાં પહેલીવાર હકીકતમાં વાસ્તવિક અવાજ આવે છે જેને પ્રેક્ષકો સાંભળી શકે છે) ત્યાં આ નાટક પૂર્ણ થાય છે. મૃત્યુ એ જ સત્ય અને પ્રત્યાયન હમેંશા અશક્ય જ રહેવાનુ એ વાતનો જાણે કે પડઘો પ્રેક્ષકોના મનમાં પડતો રહે છે. નંદકુમાર પાઠકે નોંધ્યું છે-

“આ નાટકનું સારતત્વ એ કે જેઓ સાંભળી શકતા નથી તેઓને શબ્દો વિના કહેવાની વાત તે સત્ય. માનવ-માનવ વચ્ચે પ્રત્યાયન-કોમ્યુનિકેશન શક્ય નથી. આ નાટકમાં નિરાશાવાદનું તત્વજ્ઞાન છે.” (પાશ્ચાત્ય નાટ્યસાહિત્યના સ્વરૂપો, નંદકુમાર પાઠક, ગુજરાત વિદ્યાપીઠ-અમદાવાદ, પ્ર.આ-૧૯૮૬, પૃ.૨૫૩)

No society has been able to abolish human sadness, no political system can deliver us from the pain of living, from our fear of death, our thirst for the absolute એમ કહેનાર આયોનેસ્કો સ્પષ્ટ રીતે માને છે કે માનવીય કરુણતાને નાબૂદ કરવામાં મનુષ્ય-સમાજ અસમર્થ છે, તેમ છતાં આ નાટકમાં આયોનેસ્કોએ આખા સમાજને કાલ્પનિક રીતે હાજર રાખ્યો છે. આ સમાજના વિવિધ લોકો જ જાણે આ વૃદ્ધનો સહારો બની રહે છે પરંતુ એ વાસ્તવિકતા નથી, નરી કલ્પના છે અને એ તથ્ય આ નાટકના સર્જક્ને એબ્સર્ડીસ્ટ એટલે કે વ્યર્થતાવાદી-અર્થહીનતાવાદી તરીકે સાબિત કરે છે. આયોનેસ્કો આ નાટકમાં એબ્સર્ડીસ્ટ તરીકે એક્સલન્ટ બની રહે છે.


સંદર્ભ-

૧-ખુરશીઓ, યુજીન આયોનેસ્કો, અનુવાદક-દિગીશ મહેતા, રન્નાદે પ્રકાશન, અમદાવાદ,પ્ર.આ-૨૦૦૦

૨- A Handbook Of Literary Terms, M.H.Abrams, Cengage Learning India Private ltd. Delhi, Ninth Indian Reprint 2011

૩- આધુનિક સાહિત્યસંજ્ઞાકોશ, ચંદ્રકાંત ટોપીવાળા અને અન્ય, ગુજરાતી સાહિત્ય પરિષદ-અમદાવાદ, પ્ર.આ-૧૯૮૬

૪- પાશ્ચાત્ય નાટ્યસાહિત્યના સ્વરૂપો, નંદકુમાર પાઠક, ગુજરાત વિદ્યાપીઠ-અમદાવાદ, પ્ર.આ ૧૯૮૬

૫- http://mobile.brainyquote.com


ડો. મનોજ માહ્યાવંશી, આસિ. પ્રોફેસર, ગુજરાતી વિભાગ, ડો. એ.પી.જે. અબ્દુલ કલામ ગવર્મેન્ટ કોલેજ-સિલવાસા, સિલવાસા, યુ.ટી.ઓફ દાદરા એન્ડ નગર હવેલી, મો- ૯૮૯૮૬૮૪૬૦૧, E-mail: mahyavanshimanoj@yahoo.co.in

 

Print Friendly, PDF & Email

Leave a Comment