ગતાંકથી ચાલુ …….  ભાગ-1 અહી વાંચો.

ક.મા.મુનશીની આત્મકથા- કેટલાક વિલક્ષણ ઉન્મેષો. (ભાગ-2)

(4)

સ્વપ્નસિદ્ધિની શોધમાં મુનશીની આત્મકથાનો ત્રીજો ખંડ એમના જીવનની 1923થી 1926 દરમ્યાનની જીવનગતિનું આલેખન કરે છે. મુનશી જણાવે છેઃ સમત્સ જીવનનો આ સમય સૌથી અગત્યનો ને સર્જનાત્મ માનું છું. એ વર્ષોમાં જીવન નવું ઘડાયું. અને તેથી મારી દૃષ્ટિએ એનું મહત્વ અધિક છે.-

પત્રો અને રોજનિશીની નોંધોનો આધાર કથનશૈલીનું વૈવિધ્ય ઊભું કરે છે. મુનશી, અતિલક્ષ્મી અને લીલાવતી વચ્ચેના વિલક્ષણ સંબંધો અને હ્ય્દયમંથનોને અહીં પારદર્શી અભિવ્યક્તિ મળી છે. મુનશી દ્વિધાના દ્વીપ વચ્ચે આવી ઊભા છે. એક તરફ પત્ની, બાળકો, સમાજ લોકાપવાદ અને કર્તવ્યધર્મ છે. બીજી તરફ નાનપણથી ઝંખેલી દેવી- જેમાં વસી છે એ જાણે સાક્ષાત પુનર્જન્મ લઈ આવીને ઊભી છે એ લીલાવતી. એને કોઈ કાળે જતી નથી કરવી. અવિભક્ત આત્મા-ના બે અર્ધાંગ એક થવા મથે છે. મુનશી શુદ્ધ સહચાર રાખવા કૃતનિશ્ચયી છે. લક્ષ્મીની જાણ વિના કશું ન કરવું. એવા સંકલ્પથી અશ્રુસભર આંખે અતિલક્ષ્મીને સઘળી વાત માંડીને કરી દે છે. અને યોગ્ય નિર્ણય માગે છે. ઉદારચરિતા અતિલક્ષ્મીનું આત્મસમર્પણ મુનશીના હૈયામાં પૂજ્યભાવ જગાડે છે.

મુનશી-લીલાવતીના પત્રોમાં અપૂર્વ એકાત્મકતા અને હ્ય્દયસંવાદ-હ્ય્દયમંથનનો આલેખ પ્રાપ્ત થાય છે. ત્રેવીસ વર્ષની લીલાવતી સાહિત્યરસિકતા, વ્યવહારબુદ્ધિ, અગડ અને આત્મગૌરવસભર છે. તો એના હૈયાની ભયંકર એકલતા મુનશીને દઝાડી જાય છે. લીલાના સંસાર વિશે મુનશી નોંધે છેઃ એના ઘરને ચાર ભીંતો ને છાપરું હતાં. તેમાં પ્રાણ નહોતો, પતિ-પત્ની વચ્ચે હેતુ વિના ઘસડાયા કરતો સંબંધ હતો. આ ઘર નહોતું વેરાન હતું. આ કીચડમાંથી કમલિની કેમ ઊગી તે મને સમજાયું નહીં…

મુનશી-લીલાવતી પત્રો દ્વારા માનસિક એકતા ઊભી કરવાના પ્રયોગ શરુ કરે છે. સાહિત્યમાં બન્નેનો સહધર્માચાર વધે છે. એકમેકની ઠેકડી કરતાં, પ્રણયાલાપ કરતાં અંતરાયો ભેદાતા જાય છે.

લીલા પ્રત્યેના સઘન-રાગાવેગને મુનશીએ બારીકાઈથી વર્ણવ્યો છેઃ રૂપ, રસ ગંધ, સ્પર્શ અને શબ્દની મારી શક્તિ, લીલાના વિષયમાં અતીવ સૂક્ષ્મ બની ગઈ. જરા જરામાં- કોઈ બીજામાં સુદ્ધાં-એના વાળ, એની ચાલ, એની કપડાં પહેરવાની ઢબ મને દેખાવા માંડ્યા. એનો અવાજ મને સંભળાયા કરતો, એટલું જ નહીં, પણ એ નીચે એના ઘરમાં કે બાગમાં હોય ત્યારે મારી કર્ણેન્દ્રિય એનો અવાજ ગમે તેટલે દૂરથી પણ સાંભળી શકતી. દાદર પર આવતાં પગલાઓમાંથી હું એનું પગલું તરત પારખી શકતો. ઘણીવાર તો એ આવતી હોય તે પહેલાં તે હમણાં આવશે એવું ભાન થઈ આવતું. જાગતાં કદી ન અનુ-ભવેલો સ્પર્શ મને થતો હોય એવું લાગ્યાં કરતું. એક વિશિષ્ટ પ્રકારની સુવાસ લીલા લઈ આવતી. મારે મન. ખરી વાત એ હતી કે પ્રણયે મારી બધી શક્તિઓને તીવ્ર ને અસામાન્ય બનાવી દીધી હતી.

પરસ્પર વિરોધી ભાવોના શાબલ્યનો શારી નાંખે એવો દ્વન્દ્વાત્મક અનુભવ મુનશીએ આલેખ્યો છે. સંબંધમાં કર્તવ્યભ્રષ્ટ થવું નથી. પોતાનો સંસાર અભેદ્ય રાખવો છે. પત્ની અને છોકરાઓને અન્યાય કરવો નથી. સમાજમાં પ્રતિષ્ઠા ખોવી નથી અને –દેવી-ને જતી કરવી નથી..તો બીજી તરફ સંયમ કે દુઃખ શા માટે, કોને માટે વેઠવા…-એવો અતૃપ્તિનો ભાવ ઉછાળા મારતો હોય. ભાવનામયતા કર્તવ્યની કસોટી પર ચઢતી હોય. ભાવજગતનાં કંપનો વ્યક્ત કરતો વાર્તાલાપ કોઈ નવલકથામાંથી લીધો હોય એવો મુનશીએ નોંધ્યો છેઃ

જો આપણો સહચાર શુદ્ધ રાખવો હોય તો એક જ રસ્તો મને દેખાય છે. લક્ષ્મીની જાણ વગર આપણે કાંઈ કરવું નહીં. એ મોટામાં મોટી તપશ્ચર્યા છે… હું એને બધું હ્ય્દય ખોલી કહેવા માગું છું.- આપણા પત્રો પણ બતાવીશ. એ જો અનુમતિ આપશે તો આપણે સમાગમ રાખીશું. જો એ ખુશીથી કબૂલ કરશે તો આપણે સાથે વિલાયત જઈશું. જો એ ના પાડે તો તમારે મુંબઈ છોડવું જ રહ્યું. હું સૂને હૈયે કર્તવ્ય આચરીશ. પછી અવિભક્ત આત્માનું તપ શરુ કરીશું- દૂર હીને-

લીલાવતીનો ઉત્તર પણ કેવો છેઃ

અતિલક્ષ્મી બહેનને બધું કહેજો ને કહેજો કે નિર્ભય રહે. જે એમનું છે તે મારે જોઈતું નથી. જે એમને મળ્યું નથી અને મળવાનું નથી તે જો એ આપશે તો હું સ્વીકારીશ. અને મારા વસિષ્ઠને હું કદી પડવા નહીં દઉં.–

મુનશી લક્ષ્મીને સઘળું વૃત્તાંત કહી લીલાના આવેલા પત્રોય આપે છે. ત્રીજા દહાડે રાતના અતિલક્ષ્મી પતિ પાસે આવી મુનશીની કહે છે.-

મેં ઘણો વિચાર કર્યો. મેં તો મારું સર્વસ્વ તમને આપ્યું છે. તમે મને બન્યું એટલું આપ્યું છે. વધારે તમે ન આપી શક્યા કારણ કે મારામાં તે ઝીલવાની શક્તિ નથી. ભલે તમે મિત્ર રહોએ રીતે તમને જીવનમાં અધૂરાપણું લાગે છે તે નહીં લાગે. આપણે ત્રણે વિલાયત જઈશું. તમારામાં મને સંપૂર્ણ વિશ્વાસ છે.’

મુનશી નોંધે છેઃ ‘આ અદભુત સ્ત્રી આગળ હું ક્ષુદ્ર હતો, એનું મને ભાન થયું.’

યુરોપનો ત્રણેજણાનો સહપ્રવાસ કેવો વિરલ ગણાય. જગત વેરી બન્યું હતું છતાં ત્રણે મિત્રો વચ્ચે અતૂટ શ્રદ્ધા બની રહી છે. પ્રવાસ દરમિયાન ‘હર્ડલ કુલ્મ’ને શિખરને રસ્તે ફરતાં, બીઑટ્સના આશ્રમની રમણીયતા નિહાળતાં, ઇન્ટરલાકનનું સૌન્દર્ય માણતાં સમાજમાં સ્ત્રીપુરુષના ઐક્યનો ભાવ, વ્યક્તિગત પ્રણય, લગ્નમાં મૌલિક તત્ત્વ, ઘરદામ્પત્ય ને પ્રણયજીવનની ભવ્યતા સિદ્ધ કરવાનું ચિન્તન શ્રવ્યા કરે છે.

આપણે જે સાહચર્ય ઝંખ્યું હતું તેની છેલ્લી પળ છે. અત્યારે પળવાર માની લે કે તું જ ‘દેવી’ તનમનબાળપણની સખી. પહેલેથી જ આપણે પરણ્યા છીએ. આ હર્ડલ કુલ્મ આપણું ઘર..

ઇન્ટરલાકન તો છે જ આપણાં હૈયામાં..કોઈભવે હર્ડલ કુલ્મ વસાવીશું.’

બ્રીઍંઝ અને ટૂનાબે સરોવરો નહેરથી જોડવામાં આવ્યાં હતાં તેથી એ સ્થળનું નામ ‘ઈન્ટરલાકન’ પડ્યું છે. બન્નેના સ્નેહસંબંધનો આ રૂપકાત્મક સંદર્ભ બની રહે છે. માર્સેલ્સને રસ્તે છેલ્લી મુસાફરી હતી. સહપ્રવાસની અંતિમ રાતે લીલાને મદદ કરવા એના ખંડમાં મુનશી ગયા એ ક્ષણોની ભાવાવેગભરી અનુભૂતિને પણ સંવેદ્ય વાચા મળી છેઃ

રાતે લક્ષ્મી ને મેં પેટીઓ ગોઠવી અને લીલાને મદદ કરવા હું એના ખંડમાં ગયો. અમે ક્યાંય સુધી કાંઈ બોલી ન શક્યાં. પેટીઓ બંધ થઈ ગઈ. અમે એકબીજાની સામે જોઈ રહ્યાં. અને નયનો આંસુભર્યા હતાં..

બોલી નાંખલીલાએ વેદનાના આવેશમાં તુંકારીને કહ્યું. મેં ધ્રુસકું ખાધું. સ્વપ્ન પૂરું થયું. અમારા હાથ મળ્યા. હવે જાગીએ. કૂકડો બલ્યો. લીલાનો હાથ તરછોડી હું આવતો રહ્યો.’

એ પછીના દિવસોમાં પણ અંતર વેઠી ન શકાય, અધીરાઈ તીવ્ર થતી જાય. જીવન ભયંકર, શુષ્ક અને વિયોગકર બનતું ભાસે એવા વેદનાસિક્ત સહજીવનના મનોવિવર્તો અફળાતા રહે છે. બળતાં હૈયાનો તરફડાટ અને વ્યગ્રતા, પત્રોમાં વ્યક્ત થતાં રહ્યે છે.

બે કેદીઓને પાંજરામાં પૂરી એકબીજાની સામે જોયા કરવાની તેમને શિક્ષા થઈ છે. આ તે કઈ દશા..! મગજમાં એટલું ઊભરાય છે..! હું છેક થાકી ગયો છું. શા માટે તે હું કહેતો નથી. થોડા દહાડા પછી કહીશ. મારું થાક્યુંહાર્યું માથું તારા ખોળામાં મૂકી મારે મરવું છે.’

પતિની વધતી જતી ઉદ્દિગ્નતા નિહાળી ઉદારચરિતા લક્ષ્મી વિનવતીઃ ‘તમને કાંઈ ગમતું નથી. મને ઠીક નથી. મોટરમાં લીલાબહેન જોડે ફરી આવો.’

મુનશીને ઘડીભર આ ઉદારતાનો લાભ લેવાનો મોહ જાગે છે પરન્તુ પત્નીના આત્મસર્જનથી વિનંતી કરતી ભવ્યતા રોકે છે. મુનશીલીલાવતીના સંબંધો બધે જ ચર્ચાયા હતા. ઘરની પડોશણોય વાત કરવાનો એક જ વિષય હોયઃ ‘અતિબેન આ લીલાબહેન અને મુનશીભાઈનું બોલાય છે તે હવે મારાથી સંભળાતું નથી.’

લક્ષ્મી એને સંભળાવે છેઃ ‘તો સાંભળો છો શું કામ…? મારાથી સંભળાય છે ને તમને શું થાય છે..?

મુનશી લીલા પાસે બેઠા હોય તો વગર બોલ્યે કચરાઈ રહેલી લક્ષ્મીનો વિચાર સતાવે. ત્રણમાંથી કોઈ એકબીજાની પાસે આવી શકતું નહોતું કે એકબીજાથી દૂર પણ ખસી શકતું નહોતું. લીલા અને મુનશી તો એકબીજાને પત્રો દ્વારા આક્રંદ ગૂંગળામણ ઠાલવી નાખતાં પણ લક્ષ્મી તો ઠરી ગયેલાં અશ્રુબિન્દુની ભવ્ય કારુણ્યમૂર્તિ બની રહે છે. મુનશી દ્વિધાના દ્વીપ પર મંથન કરતા રહેઃ ‘લીલા જોડે સાહિત્યનો સહચાર રાખીશ ને લક્ષ્મી જોડે જીવનનો સહચાર રાખીશ. મહાદેવજી બની પાર્વતી અને ગંગા જોડે મહાલીશ..પણ મારે તો રગે રગે હળાહળ ભર્યું છે…”

આ એવો વિદનાસિક્ત સહચાર રહ્યો કે એ સહચાર વિના જીવી ન શકાય. સહચારથી દુઃખ જ થાય, પ્રણયી હૈયાનું કોકડું એટલી હદે ગૂંચવાય છે કે બંનેને સાથે આપઘાત કરવાના વિચારો આવતા રહે છે. લક્ષ્મીને છૂટાછેડા થાય તો બધું છોડી માલસર જઈ રહેવું. લક્ષ્મી ને છોકરાં માટે ટ્રસ્ટ કરવુંએ પ્રકારના વિચારોય તરંગાતા રહે છે.

આ વિલક્ષણ પ્રણયસંઘર્ષમાં અણધારી ઘટના ઘટે છે. કસુવાવડમાં લક્ષ્મીને સુવારોગ લાગુ પડે છે. જીજીમા ખડેપગે ચાકરી કરે. મુનશીને કોર્ટની પળેપળની વ્યસ્તતા.. ‘નાથ’ને સંભારવા સિવાય લક્ષ્મીનો સમગ્ર સંસાર લય પામી ગયો હતો. આખરે લક્ષ્મીનો દેહ પડ્યો. મૃત્યુ પછીના દિવસોમાં લક્ષ્મીએ મુનશીને સંબોધીને લખેલો પત્ર હાથમાં આવે છેઃ

વહાલા સાગરરાજ,

તારા તીરે આવી. તેં મને શાન્ત કરી. મને નમારી કરી મારા હાથ ભાંગી નાંખ્યા. જે નડ્યું તેને આઘું કરી હું તારી પાસે આવી પણ સાગરરાજ..! તું તો શાન્ત રહ્યો. એકવાર પણ તારું ઊછળતું મોજું તેં મારા પર ન નાખ્યું. એકવાર પણ પ્રેમથી દોડી મારા તરફ તારું મોજું મોકલ્યું હોત તો તે સંભારી પડી રહેત. વહાલાતારે મારું પાણી જોવું હતું…?’

મુનશી નોંધે છેઃ ‘હું પાણીનો જોનાર કોણ..? પાણી તો એ સતીશિરોમણિ બતાવી ગઈ…! ‘દેવી’ને ઝંખનારો હું જેમાં ‘દેવી’ ન જોઈ શક્યો તે પોતાના ભવ્ય આત્મવિસર્જનથી ખરેખર ‘દેવી’ બની, અને મને જીવવાનું દાન દઈ અલોપ થઈ ગઈ. લક્ષ્મીએ મને સર્વસ્વ આપ્યું. મેં એને બધું આપ્યું પણ પ્રણય ન દઈ શક્યો.’

વિધુર થયેલા મુનશીને લીલાવતી મળવા આવે છે. મુનશી લોકલાજનો ભય બતાવે છે. પરંતુ નીડર લીલા હસીને જણાવે છેઃ ‘ગાંડા થયો છો. હવે હું તમારી ને અતિબહેનના છોકરાંની. એ હવે મારાં છોકરાં…’

હ્યદયની મથામણો પરાકાષ્ઠાએ પહોંચે છે. મુનશીનો નિશ્ચય હતોઃ ‘જો હું પડું તો મારી જીવનસખીને અપવિત્ર બનાવું. હું જાણતો હતો કે જો અમે સ્થૂળ સંબંધ બાંધીશું તો તલસાટને બદલે તૃપ્તિ આવવાની. અને તૃપ્તિ આવી કે હર્ડરકુલ્મ અમે નહીં સર્જી શકીએ…’

નવલકથામાં જ બને એવા આકસ્મિક પ્રસંગ મુનશીના જીવનમાં આવ્યા કર્યા છે. દીકરીના ઉછેર સંદર્ભે લીલાવતીને પતિ લાલભાઈ સાથે રકઝક થાય છે. પોતાનાં માન, પ્રતિષ્ઠા અને સ્વાતંત્ત્રય ઉપર આળ વતાં લીલાવતી-‘હવે પળવાર પણ હું એના ઘરમાં નહિ રહું’એવા દૃઢ નિર્ધાર સાથે અલગ થાય છે. એને બળજબરીથી અમદાવાદ લઈ જવાનો પતિનો પ્રપંચ જાણી જતાં લીલાવતી પંચગની જઈને રહે છે. આગળ અભ્યાસ કરીને વિલાયત જઈ બેરિસ્ટર થઇ મુનશી સાથે વકીલાત કરવાનો મનસૂબો ય પાકો થાય છે. મુનશીનાં માતા નમાયાં બાળકોને લઈ પંચગની રહે છે. લીલાવતી એમની સાથે રહી બાળકોની સંભાળ રાખે છે. જીજીમાના સધિયારાથી મુનશી તથા લીલાવતીના સંબંધને અનન્ય સમજ તથા ઉદારતાપૂર્વક સ્વીકૃતિ મળે છે. વિધિ વક્રતા એવી નિર્મિત થાય છે કે લીલાવતીનો જીવ દીકરીમાં છે, એને વિધવા માતા પાસે લાલભાઈના સંબંધીઓ કેમ રાખે…? બે વિકલ્પ હતાઃ કાં તો દીકરીને ખોવી, અન્યથા મુનશી સાથે લગ્ન કરી સમાજને પડકારી દીકરીને મેળવવી.

લગ્નનો નિર્ણય કરવામાં જીજીમા સંમતિ આપે છે. ‘મારે નામે કંકોત્રી છપાવશું. આપણે જરા પણ શરમાવા જેવું નથી કરતાં.’

અતિલક્ષ્મીના પાત્રના ગૌરવ સાથે લીલાવતી અને જીજીમાનાં પાત્રોના પણ યથોચિત ગૌરવ જળવાયાં છે. લીલાએ પોતાની પ્રતિષ્ઠાને હોડમાં મૂકી ઘર છોડ્યું. પૈસા છોડ્યા. દીકરી છોડી. પરઘરને પોતાનું બનાવ્યું. મુનશીને સર્વસ્વ સોંપી ન કદી વિવેક ચૂકી કે ન કદી સંયમ ત્યજવાની વૃત્તિ દાખવી. પરમ ઉદાર ડાહ્યી સ્ત્રી જીજીમાએ પણ પુત્ર માટે સર્વ કર્યું. પુત્રવધૂ સદગત થતાં પુત્રના સંસારની પુનર્વયવસ્થા માંડી આપી. લીલાને પુત્રી બનાવી બન્નેનો સુવર્ણદ્વીપ રચવામાં મદદ કરી, વિકટ સમયે સંયમ ખોયા વિના બંનેની એકતા અખંડ રહે એ જોવામાં શાણપણ રાખતાં જીજીમા સ્નેહનો અભિનવ આદર્શ રચી જાય છે.

મુનશીલીલાવતી અતિલક્ષ્મીના મર્મવિદારક સ્નેહસંઘર્ષની ગાથા સમાંતરે મુનશીની સામાજિકસાહિત્યિક પ્રવૃત્તિઓના વણથંભ્યા વિસ્તારવિકાસની પણ ગાથા આલેખાતી રહી છે. સાહિત્ય પરિષદનું આયોજન મંબઈમાં થાય છે. મુંબઈ યુનિવર્સિટીની સૅનેટમાં તેઓ ચૂંટાય છે. પરિષદની પણ કેટલીક ગતિવિધિ મુનશીએ માંડી આપી છે.

(5)

મુનશીની આત્મકથાના ખંડો-‘અડધે રસ્તે’, ‘સીધાં ચઢાણ’ તથા ‘સ્વપ્નસિદ્ધિની શોધમાં’આત્મકથનાત્મક વૃતાંતનો સીધો આવિષ્કાર છે. જ્યારે પરોક્ષપણે પ્રચ્છન્ન આત્મનિવેદનનું કથન ‘શિશુ અને સખી’ તથા ‘મારી બીનજવાબદાર કહાણી’આ બે ગ્રંથોમાં પણ મળે છે. જેને સ્પષ્ટરૂપે આત્મકથા કહી ન શકાય.

શિશુ અને સખી’માં સ્થૂળ આત્મકથનને ગાળી નાખી નિરાળી આત્મકથારૂપે એનું કાવ્યમય શિલ્પ કંડારવામાં આવ્યું છે. એક ચિત્રાત્મક કથારૂપે મુનશીએ ઓળખાવેલી આ કૃતિ ઈન્દ્રિય સંવેદ્ય પ્રકૃતિચિત્રોથી રમણીય બની છે. શિશુ, સતી અને સખી એવાં પાત્રનામો થકી નાયકનાયિકા નિમિત્તે પ્રણયોર્મિ અને કલ્પનાના રંગો ભર્યા છે. શૈશવમાં કનુએ બાલસખી ‘દેવી’ સાથે રોમાંચક દિવસો પસાર કરેલા. શિશુના સ્વપ્નજગત, એકની પ્રણયજંખના તથા સ્વપ્નસિદ્ધિની આ કથામાં પ્રણયમૂર્તિને પામવાનો તલસાટ છે. લગ્નનો અર્થ પૂરો સમજે એ પૂર્વે જ શિશુનાં સતી સાથે લગ્ન થઈ ગયાં છે. સતીત્વનો આદર્શ સેવતી સતી શિશુની સહધર્મચારિણી થવા મથી રહે છે. ‘સખી’નો પ્રવેશ સ્વપ્નમૂર્તિરૂપે થાય છે. ‘શિશુ અને સખી’ બન્નેને પોતપોતાનું પરિણીત જીવન છે. બન્ને સાહિત્યસેવી છે. શિશુને સખીના સાહચર્યથી જે સુખ ઉપલબ્ધ થાય છે એ છીનવી લેવા સતીની રજમાત્ર ઈચ્છા નથી. ત્રણેમાં અન્યોન્ય માટે સ્વાર્પણની ભાવના છે. મુનશીના વાસ્તવિક જીવનમાં ઘટે છે એમ ત્રણે એકમેકનાં મિત્રો બનીને યુરોપનો પ્રવાસ કરે છે. પ્રણયસંબંધ ગાઢ થતો જતાં સખી અને શિશુ દારૂણ મનોવ્યથા વેઠે છે. મુનશીના વાસ્તવજીવનના પ્રસંગોમાંથી ઘટનાની Grossness ગાળીને કલ્પનપ્રવણતા તથા કાવ્યમય છટાઓનું ઉમેરણ આલેખનમાં થયું છે. તેજભર્યાં વર્ણનો, ડોલનશૈલીની નજીક પહોંચતા કાવ્યમય ઉદગારો તથા લયલઢણો આ કૃતિને આસ્વાદ્યતા અર્પે છે.

મારી બીનજવાબદાર કહાણી’ મુનશીના જીવનસંદર્ભો અંગે લખાયેલ નોંધપોથીનું સ્વરૂપ છે. લીલાવતી તથા અતિલક્ષ્મી સાથે કરેલ યુરોપના પ્રવાસસંસ્મરણોને હળવી શૈલીમાં આલેખવાનો આ પ્રયાસ છે. છ ખંડોમાં વર્ણવાયેલ પ્રવાસસંસ્મરણો રસપૂર્ણ અને ગતિશીલ કથનરીતિનું વૈવિધ્ય ધરાવે છે. યુરોપના ઐતિહાસિક સંદર્ભો સાથે શિલ્પવિધાનની માહિતી આપતાં જઈ મુનશી સમાંતરે પોતાની ભીતરી મનોમંથનો, આનંદઉદ્વેગ વગેરે ભાવજગતને આલેખતા ગયા છે. અહીં કેટલાંક વ્યક્તિચિત્રો અને પ્રકૃતિચિત્રો ભાવાભિવ્યક્તિને કારણે સભરતાનો અનુભવ કરાવે છે. ખાસ કરીને લેખકની સૂક્ષ્મ અવલોકનશક્તિ, મનુષ્યસ્વભાવને પારખવાની કુનેહદૃષ્ટિ, વ્યંગરમૂજ તથા વિનોદવૃત્તિ તથા કલ્પના પ્રવણતા આ નોંધપોથીને સુવાચ્ય બનાવે છે.

ગુજરાતી આત્મકથા સાહિત્યમાં મૌલિક તથા લાક્ષણિક અર્પણ કરનાર ક.મા.મુનશીની આત્મકથાકાર તરીકેની સિદ્ધિઓને બિરદાવવા છતાં વિવેચકોએ મુનશીની આપવડાઈ, અહમ્વૃત્તિ તથા સ્વનું ગ્લોરિફિકેશન કરવામાં સત્યનું શુદ્ધ સ્તરે પ્રગટીકરણ થવા અંગે શંકા સેવી છે. આત્મકથાના સ્વરૂપમાં સત્યકથન તથા પ્રામાણિક નિખાલસ નિરૂપણકેન્દ્રસ્થ ઘટક ઓળખાયાં છે. વાસ્તવમાં આત્મકથાકાર જીવનનાં સત્યોને પારદર્શીપણે આલેખવા મળે ત્યારે પણ વિવેકની અનિવાર્યતા રહે છે. સત્યકથન દ્વારા કોઈનું અહિત થતું હોય ત્યારે ઈષ્ટ વિવેક નર્મદ જેવા આત્મકથાકારે જાળવ્યો છે. મુનશીની આત્મકથામાં સત્ય પ્રગટતું નથી એવો અભિપ્રાય પણ વજૂદ વિનાનો છે. પ્રણાલિકાવાદનો વિરોધવક્તવ્યમાં મુનશીએ સ્પષ્ટ કહ્યું છેઃ ‘સાહત્યમાં નગ્ન સત્ય માટે સ્થાન નથી.’ – વાસ્તવમાં કોઈપણ આત્મકથામાં એવું નગ્ન સત્ય અપેક્ષિત કે ઈષ્ટ ન હોઈ શકે. જીવન ગતિવિધિના આલેખનમાં નિખાલસતા તથા પ્રામાણિકતા પ્રતીત થાય એ મહત્વનું છે. અને એવી પ્રતીતિ મુનશીની આત્મકથા કરાવે છે. પોતાના ચરિત્રને ઝાંખપ લાગશે એનો ખ્યાલ હોવા છતાં મુનશી જીવનસંદર્ભે કશું ગુપ્ત રાખવા માંગતા નથી.

જીવનના નિર્ણાયક પ્રસંગોમાં અનુભવેલાં સૂક્ષ્મ મનોવિવર્તો, પરસ્પર વિરોધી વૃત્તિઓનાં ભાવશાબલ્યને આલેખવાનો પડકાર આત્મકથાકાર સામે હોય છે. આવા પ્રસંગો થકી પોતાના ચિત્ત ઉપર શો પ્રભાવ પડ્યો તે આલેખવાનું દુષ્કર હોય છે. મુનશીની આત્મકથામાં કેટલાંક વિષયાન્તર, દીર્ઘસૂત્રતા તથા કલ્પનામિશ્રિત રસમયતા ઉમેરણની નોંધ લઈએ તથા એમના સંઘર્ષમય ઉત્તરજીવનનો આલેખ મળી શકતો નથી એવી અધૂરપનોય ઉલ્લેખ કરીએ, પરંતુ ગૃહજીવન તથા પ્રણયજીવનના આંતરસંઘર્ષની આકરી તાવણીનું આલેખન કરવામાં પારદર્શી આત્મપરીક્ષણ કર્યું છે એ મુનશી જેવા જાહેર જીવનની વિરાટ પ્રતિભા માટે તો જબરી હિમ્મત માગી લે એવો પડકાર છે. આત્મકથાનકને પ્રામાણિક, નિખાલસ તથા સત્યનિષ્ઠ બનાવવાની સાથે આગવી સર્જકતા ધરાવતી ગદ્યછટાઓ વડે રસમય કરી દેવાની ક્ષમતા ક.મા.મુનશીને એક યુગવર્તી આત્મકથાકાર તરીકે સ્થાપે છે એ સ્વીકારવામા કોઈને સંશય નથી.


જગદીશ ગૂર્જર, અધ્યક્ષ, ગુજરાતી વિભાગ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત

Leave a Comment