લોકસાહિત્ય અને લોકસંસ્કૃતિ વિમર્શમાં આપણાં લોકનૃત્યો

માનવ સમુદાયનાં તેજ, વ્યક્તિત્વ અને લાગણીઓનો અભિવ્યક્તિ માટે સંપત્તિ, બુદ્ઘિ અને દેહબળ બહુઉપયોગી થતાં નથી. માનવમાત્રને આનંદ મળે લોકમસ્ત જેમાં ભાગ લઈ શકે અને પોતાનામાં રહેલ વિશિષ્ટ કૌશલ અને ઊર્મિઓને પ્રગટ કરી શકે તેમાં પોતાનાં આંતરિક તેજનો અન્ય લોકોને પરિચય કરાવી શકે તેમાં અને તે દ્વારા અદના માનવીને પોતાના વ્યક્તિત્વને વિકસાવી શકે તેનો અવકાશ માત્ર કળાઓમાં છે.

આ કળાઓનો પ્રાર્દુભાવ અને વિકાસ લાગણીઓમાંથી થયો છે. આ ધાર્મિક લાગણીઓનો આપણા ભજન, કિર્તન, કથા, આખ્યાન, જીવનને ઉન્નત ભાવનાઓ અને પ્રત્યેક માણસમાં પડેલી નિજાનંદની ઊર્મિઓએ પોષણ આપ્યું છે. શરીરનું પોષણ અનંત છે. આત્માનું પોષણ આનંદ છે. આ આનંદ જેટલો સત્વિક જેટલો ઉન્નત એટલો આત્મા પણ ઉન્નત બને છે અને આત્માનો આ આનંદ કળા દ્વારા પ્રગટ થાય છે. કળાએ આત્માનો આનંદ પ્રગટ કરવાનું ઉત્તમોત્તમ સાધન છે. આ  કળા પછીએ ભરત ગૂંથણની હોય કે ચિત્ર આલેખનની હોય, લાકડું, પત્થર કે હાથી દાંતની કોતરણીની હોય કે ગીત-સંગીત, ગાયન-વાદનની હોય, સ્થાપત્યની હોય કે કાવ્ય સાહિત્યની હોય. આ કળાઓમાં વધુને વધુ લોકો રસ લઈ શકે. વધુમાં વધુ લોકોને આનંદ મળતો રહે એવી એક કળા તે લોકનૃત્યની કળા છે. જેમાં નર્તન સાથે ગાયન-વાદન અને કાવ્ય સાહિત્યનો પણ સમાવેશ થાય છે. બહુ ઉંડાણપૂર્વક વિચારીએ તો પશુ-પંખી કે પ્રાણીઓ પણ નર્તન કરે છે. બાળકો તો ખેલતાં નાચતાં જ મોટા થાય છે. પશુ-પંખીઓ નર્તન દ્વારા પોતાનો નિર્વ્યાજ આનંદ પ્રગટ કરે છે. મનુષ્ય પાસે વિશિષ્ટ બુદ્ઘિશાળી અને વિવેક છે. મનુષ્ય સમુહમાં જીવે છે. એટલે સમુહમાં પોતાનો આનંદ લેવા, પ્રગટ કરવા અને અન્યને સદ્દભાગી બનાવવાં ક્રમશ: સમુહનૃત્યની યોજના કરે, પુરૂષો-સ્ત્રીઓ ગોળાકારે રાસ-રાસણા, ગરબો કે ગરબી લે છે. આ ગોળાકાર નર્તન આજે પણ આપણને એટલું જ સ્વાભાવિક લાગે છે. આપણને એની મૂળ ખૂબીઓ ખ્યાલમાં નથી આવતી. માણસનો ગમે તેવડો સમુહ ગોળાકારે નાચે એટલે એક જ જગ્યાએ નક્કી કરી હોય એટલી જગ્યામાં તે નાચી શકે. વળી તેમાં જેટલો વેગ-ઝડપ લાવવા હોય એટલી લાવી શકે અને છતાં એટલી જ જગ્યામાં ગતિ ઘટાડી પણ શકાય. આ ગોળાકાર સિવાયના પણ લોકનૃત્યો છે. પણ એ ચોક્કસ વર્ગ પૂરતા મર્યાદિત છે. લોક સમસ્તનાં નથી.

સૌરાષ્ટ્રના લોકનૃત્યના આદિ સ્થાન વિશે નૃત્યના દેવનું આ નટરાજ મહાદેવે સૌ પ્રથમ આ નૃત્ય પાર્વતીને શીખવ્યું અને ત્યાર પછી ક્રમશ: પાર્વતીએ નારદને બાણાસુરની પુત્રી ઉષાને શીખવ્યું, ઉષા ભગવાન શ્રી કૃષ્ણના પૌત્ર અનિરુધ્ધને પરણીને દ્વારકા આવી ત્યાં તેમણે દ્વારકાની ગોપીઓને શીખવ્યું. આ ગોપીઓએ સૌરાષ્ટ્રની અન્ય નારીઓને શીખવ્યું અને સૌરાષ્ટ્રમાંથી ભારતના  વિભિન્ન પ્રદેશોમાં આ નૃત્ય પ્રસરી ગયું.

નાટ્યશાસ્ત્રના પ્રણેતા ભરતમુનિના સમકાલીન ગણાતા ‘નંદીકેશ્વર’ ના ‘ભર્તર્ણવ’ અને ‘અભિનવદર્પણ’ માં સૌ પ્રથમ સૌરાષ્ટ્રના લાસ્ય પ્રકારના નૃત્યોનો ઉલ્લેખ જોવા માળે છે.

“પાર્વતીએ બાણાસુરની પુત્રી ઉષાને એ લાસ્ય (નૃત્ય) ઉષાએ દ્વારકાની ગોપીઓને અને આ ગોપીઓએ સૌરાષ્ટ્રની સ્ત્રીઓને અને એ સ્ત્રીઓએ પરંપરાથી વહી રહેલું લાસ્ય ભારતના જનપદોમાં પ્રતિષ્ઠિત બન્યું.”

બાણાસુરની પુત્રી ઉષા સૌરાષ્ટ્રમાં આ લાસ્ય નૃત્ય લાવી તે પહેલા સૌરાષ્ટ્રમાં વસેલા વૃષ્ણી અને સપ્તાંત કૂળમાં યાદવોમાં ‘ગોપકનામકિય’ પ્રકારનું ‘હલ્લચક્ર નૃત્ય’ પ્રચલિત હતું. આમ, સૌરાષ્ટ્રમાં ‘હલ્લીચક્ર’ અને ‘લાસ્ય’, ‘તારક’ એ બંને પ્રકારના  નૃત્યો પાંચેક હજાર વર્ષ પૂર્વેથી પ્રચલિત છે. આ બંને પ્રકારના નૃત્યોના કાળાંતરે ભેદ પડતાં આવ્યાં અને ધીમે-ધીમે તેમાંથી પેટા પ્રકારો રાસ, રાસડો, ગરબો, ગરબી, ટિપ્પણી, ટિટોડો,, મટકી, મંજીરા, મેર, હિંચ, ટપ્પો વગેરે ‘હલ્લીચક્ર’ અને લાસકના સુમેળમાંથી થયેલા લોકનૃત્યોના જ પ્રકાર છે. જેમાં સીદી બાદશાહના ઘમાલાનો સમાવેશ કરવો રહ્યો. સમય જતાં પ્રત્યેક પ્રકારના લોકનૃત્યોમાં નાનાં-મોટાં ફેરફારો આવતાં ગયા અને વધુમાં ભૌગોલિક ભેદ કે જાતિગત ભેદને લઈને અનેક પ્રકારો અસ્તિત્વમાં આવ્યાં છે.

હવે સૌરાષ્ટ્રના લોકનૃત્યની વાત કરીએ તો આ લોકનૃત્યોને ચાર વિભાગમાં વહેંચી શકાય (૧) સાગરજીવન (૨) ગોપજીવન (૩) કૃષિજીવન અને (૪) ક્ષાત્રજીવનના લોકનૃત્યો જોવા મળે છે. ‘નૃત્’ – વૈવિધ્ય અને એના કલા સ્વરૂપોના વર્ગીકરણમાં અત્યારે ઉંડા ન ઉતરતા સ્થૂળ દેહો જોઈએ તો સાગરજીવનમાં ખારવા અને સાગર સંસ્કૃતિને ધરાવતાં કોળીઓના લોકનૃત્યોનો સમાવેશ કરી શકાય. ગોપજીવનમાં ભરવાડ, રબારી, ચારણ, ભોયા, ભીલ વગેરે. માલધારી કોમોના લોકનૃત્યોનો આવરી લઈ શકાય. જ્યાં સુધી ક્ષાત્રજીવન ગોપજીવનથી જૂદું નહોતું પડ્યું ત્યાં સુધી તમામ ક્ષત્રિય કોમોના નૃત્યો ‘ગોપનૃત્યો’ તરીકે સ્વીકારાયા હતા. રાજપૂતો, મેર, આયરો, કાઠી, કોટિલા, ખાંસિયા, ખાટ, બાબરિયા વગેરેનો સમાવેશ કરી શકાય. જ્યારે કૃષિજીવનમાં કણબી, ખરક, પંચોળી, સથવારા, ઘાંચી, વોરા અને એવી બીજી ખેતીકામ કરતી કોમોના નૃત્યોનો સમાવેશ કરી શકાય.

એકના એક ગીત એકનો એક તાલ છતાં વ્યવસાય અને સંસ્કારભેદે એ ગીત અને તાલ જુદા સ્વરૂપે પકડે છે. એટલું જ નહીં તેનો સમગ્ર ઢાળ જુદો. ભાવ જુદો, અંગલટ અને પગલાં પણ જુદા. આ અંગભંગી અને ભાવના જુદાપણામાં જે તે તે કોમાનો વ્યવસ્યા કારણભૂત છે. આ રીતે વ્યવસાય ભેદને કારણે એકના એક ગીત કે નૃત્યમાં અદ્દભૂત વૈવિધ્ય પ્રગટતાં જોવા મળે છે. સૌરાષ્ટ્રમાં વસવાટ કરી રહેલી સમસ્ત પ્રજાના વિવિધ પ્રકારનાં લોકનૃત્યો અને સૌરાષ્ટ્રના લોકનૃત્યો તરીકે ઓળખીએ છીએ. આપણા આ લોકનૃત્યોની લાક્ષણિક્તાઓ તપાસીએ તો ખેતી કરતી કોમોનું શરીર, મનનું જેવું ઘડતર થયું હોય તેનાથી જુદા પ્રકારનું ઘડતર માલધારી કોમનું હોય અને તેનાથી જુદાં પ્રકારનું ઘડતર દરિયાખેડુ કોમનું  હોય જ્યારે અન્ય બેઠાડુ કોમનું શરીર, મનનું બંધારણ જુદુ હોય છે. આને પરિણામે અંગનું સ્વભાવનું, ઉચ્ચારનું અને અવાજનું જૂદાપણું જોવા મળે છે. કારણ કે માણસના વ્યવસાય પ્રમાણે શરીર-મનનું ઘડતર થતું હોય છે. ખેતી કરનારો વર્ગ આખો દિવસ સતત કામ કરે છે. તેમના શરીર અત્યંત ગતિશીલ હોય છે. પરિણામે શરીરને હિલ્લોળવા પડે. વાળવા પડે, લાંબા-ટૂંકા પગલાં ભરવા પડે. ક્યારેક ડાંખ ભરવી પડે. હાથને જે રીતે કામ કરવું પડે. માથુ જે રીતે વળે, ઉંચા-નીચા કરવા પડે એ રીતે એમના શરીરનો બાંધો ઘડાય. ખેતીકામ કરતાં વર્ગનું સ્વભાવનું ઘડતર મનની લાગણીઓ જેવી કે તાણ અનુભવે, ઉદ્દગાતા કે ઉતાવળ આવે. તડકુડ કરવાની વૃત્તિ કેળવાય. આ બધી બાબતોનો પડઘો તેની તમામ પ્રવૃત્તિઓમાં પડે છે. શરીર અને મનની અતુલ શક્તિઓ તેમના પ્રત્યેક કામમાં અનુભવાય છે. પરિણામે આવી વ્યવસાય ભેદે ઓળખાતી જાતિઓમાં લોકોના રૂપો પણ મનના ઘડતર જેવા હોય છે. દા.ત. ખેતી કરતી કોમમાં કણબી, કોળી, પંચોળી, સથવારા, આહિર, ખાટ, ખરક, ખેડવાળ, વોરા, રાજપૂત, હરિજન, ચારણ, ઓસવાલ, ગરાસિયા, કુંભાર, કાઠી વિગેરે… આ કોમોની જુદી-જુદી ખાસિયતો હોય છે. એટલે એમના કામ કરવામાં બીજાઓ સાથેના વ્યવહારમાં, બોલવા-ચાલવામાં, હલન-ચલનમાં, ઉચ્ચારોમાં અને હાવભાવમાં એના પડઘાં અવશ્ય પડે. પરિણામે વારસો. વ્યવસાય અને ખાસિયતો પ્રમાણે અંગ વળે. અવાજ અને ઉચ્ચારણ પણ એ મુજબ ઘડાય. વળી, પ્રાદેશિક ખાસિયતો ભળે આપણા લોકનૃત્યોમાં જે લાક્ષણિક્તા અને વિવિધતા જોવા મળે છે. તે ઉપર્યુક્ત કારણોને લઈને પછી તેને સુવ્યવસ્થિત બનાવવામાં આવે છે અને કેટલુંક વિશિષ્ટ તત્વ ઉમેરાતું જાય છે.

સાંપ્રત સમયમાં આ લોકનૃત્યોનું અનુકરણ થાય છે. અનુકરણ કરવું એટલે ‘પોતાનું છોડીને પારકું સ્વીકારવું’ તે પરિણામે વિવિધતા, લાક્ષણિક્તા અને વિશિષ્ટતાનો લોપ થાય. લોકનૃત્યોમાંથી આ વિશિષ્ટતાઓ લોપ પામે તો પછી તે ‘લોકનૃત્યો’ જ રહેતા નથી અને તેમાંથી શાસ્ત્રીય નૃત્યો કાંઈ બનતા નથી. પરિણામે ‘બાવાના બેય બગડવા’ જેવું થાય છે. નૃત્ય એ જીવનનો આર્વિભાવ છે. શાસ્ત્રીય નૃત્યોનું એક આગવું પ્રેરકબળ છે. અહીં સવાલ એ ઉભો થાય છે કે લોકનૃત્યનું મુખ્ય પ્રેરકબળ કયું ? આ સંદર્ભે વિચારીએ તો જોવા જાણવા મળે છે કે સમગ્ર પ્રકૃતિ આપણા લોકનૃત્યનું પ્રેરકબળ છે. પ્રકૃતિના વિભિન્ન અંગો  તેના ધ્વનિ, અવાજ, ઉચ્ચાર, ભાવ, ગતિ, અભિનય વગેરેના લોકસંગ્રહમાંથી ઉઠાવીને નૃત્યકાર એના શાસ્ત્રનું બંધારણ રચે છે. જ્યારે નગરોની પ્રજા પ્રકૃતિને ખોળે આળોટી શકતી નથી. એટલે પ્રકૃતિથી જે વિચ્છેદ ઉભો થાય તેને કલાકાર કલા દ્વારા પૂરે છે. જ્યારે પ્રકૃતિને ખોળે રમનાર લોકો પ્રકૃતિગત ભાવો જ પોતાના નિત્યના વ્યવહારમાં વ્યક્ત કરે છે. એને શાસ્ત્ર રચવાની જરૂર નથી. તેમ અન્યને રિઝવી દેવા કોઈ કૃત્રિમતા લાવવાની જરૂર પણ નથી. એ તો નિજાનંદમાં જ નાચતાં-નાચતાં આનંદ લૂટે છે અને એને જોનારા પણ એ આનંદની તલ્લીનતા અનુભવે છે. એમાં વ્યવસ્થા અને વિચાર હોવા જોઈએ અને પોતાની પ્રકૃતિને અનુકૂળ એવો સહજભાવે જે વિકાસ થતો આવે તે થવા દેવો જોઈએ. પરંતુ આ વિકાસ એટલે ‘વાનર નકલ’ નહીં.

કોઈ પ્રજા જાતિ કે વર્ગનો વારસો. વ્યવસાય અને ખાસિયતોને અનુરૂપ વિકાસ થતો હોય છે. પરંતુ પોતાનો વારસો જુદો, વ્યવસાય જુદો અને ખાસિયતો જુદી તો એને નાચવાની પધ્ધતિઓની એમાંથી એકેય સાથે મેળ ન થાય ત્યારે એમાં નથી શાસ્ત્રીયતા રહેતી કે નથી લોકનૃત્ય રહેતું એ લોકનૃત્ય નહીં પણ ‘નૃત્’ કહે છે. પરિણામે લોકનૃત્ય પ્રકારોનો ધર્મ પ્રેક્ષકો જે રીતે રીઝે તે રીએત નૃત્ય કરવાની નથી પણ પોતાનામાં જે કાંઈ સારું હોય તે તે લોકો સમક્ષ રજુ કરવાનું હોય કે અને પ્રેક્ષકોએ આ લોકનૃત્ય એ રીતે જોવાના હોય છે કે આ નૃત્યકારો (નર્તકો) કાંઈ શાસ્ત્રીય નૃત્યકારો નથી. હજારો વર્ષોથી જે રીતે લોકો પોતાના જીવનનો આનંદ મેળવવા મથતા હોય એ લોકજીવનને જ પ્રગટ કરતાં આ સ્વાભાવિક નૃત્યો જન્મ્યા, જેમાંથી લાખો માણસો આપમેળે આનંદ લેતા રહ્યાં છે. વળી છેલ્લા પાંચેક દાયકાથી જ્યારે પ્રજાનું રાજ્ય થયું છે ત્યારે આ લોકનૃત્યો ‘પ્રજા સમસ્તની મૂડી’ સમસ્ત પ્રજાનો આનંદ બન્યા છે અને એ રીતે આ લોકનૃત્યો દરિયાને કાંઠેથી, પહાડઓની ગોદમાંથી અને ગામડાંઓની ધરતીમાંથી બાકીની પ્રજા વચ્ચે આવીને સ્થિર થયા છે. આ એક સહિયારા જીવનનું, સહિયારી આશા-આકાંક્ષા અને વિકાસનું પરિણામ છે. લોકનૃત્ય પ્રજાની સહિયારી મિલ્કત બની રહે છે. એટલે એનો પરિચય મેળવીને એના આનંદમાં ભાગ લઈને આપણે એને ઉત્સાહિત કરી રહ્યાં છીએ. લોકનૃત્યકારોની જુદી-જુદી ટુકડીઓએ પ્રેક્ષકોને એની પ્રાદેશિક્તાનો  વારસો, વ્યવસાય અને ખાસિયતોની નજરે જોવા જોઈએ. સ્પર્ધા તો માત્ર પ્રોત્સાહન પૂરતી જ રખાય અને લોકનૃત્યકારો પણ પોતાને પરંપરાગત જે સ્વાભાવિક હોય તેવા નૃત્યોમાં જ ખીલી શકે. પણ પોતાની પ્રકૃતિને પ્રતિકૂળ હોય તેવા આ નૃત્યોની અપેક્ષા રાખી શકાય નહીં. દા.ત. રાસડો અને ગરબાનો ભેદ એક દ્રષ્ટાંત તરીકે તપાસીએ તો આ બાબત વધુ સ્પષ્ટ થશે. આજે ગરબાનું સ્વરૂપ એના ગીતો, તાલ, લય, વેશભૂષા, અંગભંગી અને અભિનય તથા એની ગતિ અને પગલાં વગેરે એવા તો બદલાઈ રહ્યાં છે કે એ નામ માત્રનો ગરબો રહ્યો છે. એ કાંઈક બીજું જ બની રહ્યું છે. પ્રાચીન ગરબા સાથેનો એનો સંબંધ નામ સિવાય લગભગ પૂરો થવા આવ્યો છે. પ્રાચીન સમયના નગર જીવનનાં ગરબા અને ગ્રામજીવનના રાસડા મૂળ એક સ્વરૂપના હોવાનો સંભવ છે. સૌરાષ્ટ્રના ગ્રામપ્રદેશના રાસડામાં રાસનું તત્વ વિશેષ છે. ગામ વિસ્તારની બહેનોના ગતિ-વેગ અને જોમ (જુસ્સો-તાકાત) એમાં ઉતર્યા છે જ્યારે નગરોની બહેનોએ પોતાના ગરબામાં ગુજરાતણનું લાવણ્ય ઉતાર્યું કછે. એ રાસડાં અને ગરબાના પ્રગટ ભિન્ન-ભિન્ન સ્વરૂપો પ્રદેશભેદ અને સંસ્કારભેદ બંધાયા છે. આ બંને સ્વરૂપને એના વિશિષ્ટ સ્વરૂપે જાળવીને નીકળ લાવી શકાય. એ માટે વિવેક ભરી સુક્ષ્મ માવજત જોઈએ અને જો એમ ન બને તો તે બંનેને એમના મૂળ સ્વરૂપે જ વિલસવા અને વિકસવા દેવા જોઈએ. પરંતુ એની ભેળ-સેળ ન થવા દેવી જોઈએ. કારણ કે આ ભેદ જીવનપધ્ધતિનો છે. નગરની બહેનો ગમે તેટલા પ્રયાસો કરે તો પણ ગામડાંની બહેનોના ગતિ, વેગ અને તાકાત પોતાના ગરબામાં લાવી શકે નહીં અને તેનાથી ઉલટુ ગામડાંની બહેનો ગમે તેવા પ્રયાસો કરે તો પણ નગરની બહેનોના હાવભાવ, મૃદુતા, લાવણ્ય રાસડામાં ઉતારી શકતી નથી. કારણ કે બંનેના શરીરનાં બાંધા અને વ્યવસાયી જીવન જુદાં છે. ગ્રામજીવન અને શિક્ષણ પામેલ નગરજીવન વચ્ચેનો એ ભેદ છે. જીવનના ઉછેરનો અને ગ્રામ-નગરજીવન વચ્ચેનો એ ભેદ છે. અજીવનના ઉછેર શિક્ષણ પામેલ નગરજીવન વચ્ચેનો ભેદ છે. આ ભેદને સમજીને રાસડો કે ગરબો શીખવા કે લેવા જોઈએ. આજકાલ કરતાં છેલ્લા ૨૫ (પચ્ચીસ) વર્ષથી ગુજરાતના નગરોની બહેનો પોતાના ગરબામાંથી શ્રમજીવી એવા ગ્રામજીવનનો આભાસ આપતાં વેશ-પરિધાન, ગીતો, તાલ, લય વગેરે તેમનાં ‘નાગરી ગરબા’ માં ઉતારવાની કોશિષ કરે છે. પરંતુ ખરેખર તેમને જોઈતું લોકકલાનું, ગ્રામજીવનનું કલાત્મક એમને નગરોમાંથી મળતું એ તત્વ લોકજીવનમાંથી જ મળે. એટલે ગરબા માટેની પ્રેરણા આ ગ્રામજીવનમાંથી જ તે લે છે. અને તેમાંથી આજના ગરબા, નૃત્યો આકાર લઈ રહ્યા છે. એ એમના પોતાના જીવનો આવિષ્કાર નથી. સામે પક્ષે ગ્રામવાસી બહેનો આ વાત સમજે સ્વીકારે કે નગરોના ગરબાનો આધાર ગ્રામજીવન છે તો તેમણે નગરજીવનના ગરબામાં રંગઢંગનું અનુકરણ કરવાની જરૂર રહેશે નહીં. પોતાનું જોમવતું રાસડાનું નૃત્ય છોડીને નકલની નકલ તેમણે ન કરવી જોઈએ અને આવી નકલ કરવાની બાબતોમાં ગામડાંની સ્ત્રીઓ નગરની સ્ત્રીઓને પહોંચી જ શકે નહીં. લોકનૃત્ય તો જયાં છે તે જ સ્વરૂપે વધારે લોકભોગ્ય બની શકે. જન સમસ્ત અને પોતાનું કરી શકે. અપનાવી શકે તેવું જ રહેવું જોઈએ. સાધનોના અભાવે અટકીને ઉભુ રહે તેનું નામ ‘લોકનૃત્ય’ નહીં. સૌરાષ્ટ્રમાં લેવાતા રાસ-રાસડાનો સમાવેશ લોકનૃત્યમાં થાય છે. એટલે રાસ-રાસડાંનું સ્વરૂપ લોકનૃત્યનું જ રહે એ રીતે એનો વિકાસ થવો જોઈએ. ગરબાને સાધનોની જરૂર પડે છે જ્યારે રાસડાંને સાધનો મળે તો ઠીક નહીં તો વગર સાધને પણ લઈ શકાય. વળી ઓછામાં ઓછા સાધનોથી પણ રાસડો લઈ શકાય. એક માત્ર તાલ માટે ઢોલ હોય તો પણ બસ. જ્યારે આજના ગરબા તો અનેક પ્રકારની સજાવટથી રૂપાળાં દેખાવા મથે છે ત્યારે તેની સરખામણીમાં આપણાં ગામડાંની બહેનોએ પોતાના રાસડાંમાં વગર સાધને વૈવિધ્ય આણ્યું છે. ત્રણ, ચાર, પાંચ કે સાત પગલાંના રાસડા લે છે. તેમજ એક ત્રણ અને આઠ તાળીના રાસડાં પણ લેવાય છે. વળી, એમાં વચ્ચે ટિટોડો, હમચી, મટકી, વિંછીડો, ટિપ્પણી વગેરે ઘણા નૃત્ય પ્રકારો પ્રવેશ પામે છે. અત્યંત સુલભ એવા રોજ-બરોજના સાધનોની પણ તેમાં ભાગ્યે જ જરૂર પડે છે. લોકસમુદાય માટે તાલીમ આપનારા વિશારદો, વાદ્યકારો અને માર્ગદર્શકો ભાગ્યે જ મળે છે. એતો પરંપરામાંથી તાલીમ પામે છે અને નિજાનંદે ખીલે છે. સૌ સાથે મળીને મસ્ત બનીને આનંદ ઉઠાવે છે.

ઉપર જોયું તેમ આજનો આપણા લોકનૃત્યનો વારસો શ્રી કૃષ્ણના કુટુંબમાંથી ઉતરી આવ્યો છે. પરંપરાગત કેટલાંક અંશે આપણે તેને જાળવી પણ રાખ્યો છે. સૌરાષ્ટ્રમાં આદિવાસી નૃત્ય નથી. જ્યારે ગુજરાતના કેટલાક પ્રદેશોમાં તે સુંદર સ્વરૂપે જળવાય રહ્યાં છે. આપણાં રાસ-રાસડાંઅ તે ‘લોકનૃત્ય’ આદિવાસીઓનું વન, જંગલ અને પહાડી વિસ્તારનું પ્રચંડપણું લોકનૃત્યમાં ન પણ હોય. આઝાદી બાદ ‘પ્રજાસત્તાક દિવસ’ ની ઉજવણી પ્રજા દ્વારા થવા લાગી. આઝાદી મળ્યાના આરંભના વર્ષોમાં તત્કાલીન વડાપ્રધાન પં.નહેરુંએ સમગ્ર દેશના ‘લોકનૃત્યો’ ને દિલ્લીને આંગણે ઉતાર્યા. આખું ભારત આશ્ચર્યમાં ગરકાવ પામ્યું. જેમાં દરિયાખેડુઓ, પહાડવાસીઓ, વનવાસીઓ, ખેડુતો, પશુપાલકો અને શ્રમિકોના લોકનૃત્યોમાંની તાકાત, અતેજ, ગતિ, જોમ અને સૌંદર્ય શહેરીજનોને પ્રથમ વખત જોવા મળ્યું, અભણ, અબુધ, અજડ અને લોક તરીકે જેમની ગણતરી થતી એવા લોકોમાં આત્માનું તેજ, અંગોનું હલન-ચલન અને કલામયતા હોવાનો સ્વીકાર જેટલો આ લોકકળાથી થયો છે. એવો કોઈ પણ અન્ય પ્રકારની બુદ્ઘિ શક્તિથી નથી થયો. એમની બુદ્ઘિ અને શક્તિનો પરિચય પણ આ કલા દ્વારા આ અબુધોનો આદર થવા લાગ્યો. જ્યાં જ્યાં જંગલોમાં, પહાડઓમાં, સાગરતીરે અને ગામડાંઓમાં કળા પડી હતી. ત્યાં-ત્યાં તેઓનું સન્માન થવા લાગ્યું. લોકોને આવડાં મોટા સમૂહનું સન્માન આ લોકનૃત્યો બાદ કરતા હજી સુધી બીજી કોઈ તાકાત કે બીજી કોઈ સ્વાધન દ્વારા થતું નથી. આપણી ભૂતપૂર્વ સૌરાષ્ટ્ર સરકારે પણ લોકજીવનન વિકાસમાં આપણા લોકનૃત્ય અને આપણી લોકકલાઓનું સ્થાન પારખ્યું હતું કારણ કે લાખો માણસસોની ઊર્મિઓને આ લોકનૃત્યોથી મોકળુ મેદાન મળતું રહ્યું છે. લાગણીઓ અને ઊર્મિઓની જે ઉલટ માણસ માત્રમાં પડી હોય છે તેને પ્રગટ થવા દેવાનો અવકાશ ન મળે ત્યારે માણસ ઊર્મિજડ બને છે અને આવી ઊર્મિ જડતા હોય ત્યાં ગમે તેટલી સમૃધ્ધિ ખડકી દેવામાં આવે તો પણ માણસને સમૃધ્ધિનો સંતોષ ન થાય. આવો માણસ તેજસ્વી બુદ્ઘિનઓ હોય શકે પરંતુ તેની વૃત્તિઓ તો જડની જડ જ રહે, કોઈપણ રાષ્ટ્રના આયોજનનો અંતિમ હેતુ માણસને માણસ બનાવવાનો અને સાચા સુખનો સરકારે તથ પરમ આનંદનું આત્મભાન કરાવવાનો જ હોઈ શકે. એટલે આપણી આ ભૂતપૂર્વ સૌરાષ્ટ્ર સરકારે લોકજીવનની નાડ પારખી લોકનૃત્યોને પ્રોત્સાહન આપી રાસોત્સવનું આયોજન કર્યું હતું. સૌરાષ્ટ્રના પ્રાચીન અને પરંપરાગત લોકનૃત્યો દિલ્લીના પ્રજાસત્તાક ઉત્સવમાં તથા રાજ્ય સરકારના અને યુનિવર્સિટીઓના યુવક મહોત્સવમાં અવાર નવાર બહુમાન મેળવતાં રહ્યાં છે.

સૌરાષ્ટ્રના કચ્છના આપણા લોકનૃત્યોનું બહુમાન એની પ્રાચીન પરંપરા, વિશિષ્ટતા અને વૈવિધ્યને કારણે છે. સૌરાષ્ટ્ર-કચ્છ પ્રાચીન જાતિઓનો પ્રદેશ છે. બહુવિધ જાતિઓ-વળી. આ જાતિઓમાં સંસ્કારિક એક્તા હોવા છતાં જાતિગત ખાસિયતો જળવાતી આવી છે. એકનો રાસ જાતિએ જાતિએ જુદાં ઢાળમાં ગવાતું જોવા મળે છે. પોષાકમાં કેડિયું, ચોરણો, પાઘડી અને ભેટિયું છતાં જાતિએ જાતિએ એનાં જુદાં જુદાં ઘાટ અને જુદાં જુદાં રંગરૂપ જોવા મળે છે. આ જાતિઓમાંથી કેટલીક મિશ્ર જાતિ બનતાં સંસ્કારી એક્તામાં અનુપમ વિવિધતા આવી. પછી એ એક્તામાં વિવિધતાના સંસ્કાર જાતિગત સાથે ચોક્ક્સ પ્રદેશનો બની રહ્યો છે. પરિણામે સંસ્કારિક એક્તામાં પ્રાદેશિક વૈવિધ્યમાં સંસ્કારોની ભાતિગળ ફુલગુંથણી રચાઈ છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં રમાતાં રાસમાં પણ વૈવિધ્ય જોવા મળે છે. ખાસ કરીને બરડાના (દ્વારકા આસપાસનો વિસ્તાર) રાસનો એક ઢંગ ગોહિલવાડના કાંઠાળ પ્રદેશનો બીજો ઢંગ અને પાંચાળનો તીજો તો વળી, તળકાંઠાનો એથીય જુદો તેમ સોરઠ, હાલાર અને ઝાલાવાડન અલગ-અલગ પ્રકરો જોવા મળે છે અને સૌરાષ્ટ્રને એક છેડે આવેલો કચ્છનો પ્રદેશ અને એનો રાસ તો સાવ વિશિષ્ટરૂપે વિલસી રહ્યો છે. આમ, સૌરાષ્ટ્ર કચ્છના પ્રદેશોમાં (નૃત્ય) એક જ પણ તેના અલગ-અલગ પ્રકારો, અલગ વેશભૂષા, અલગ ગીત-સંગીતની વિવિધતા અને અલગ ભવ્યતા, ભાવ પ્રગટ કરવાની અલગ ખાસિયતોથી એ લોકનૃત્યો માન-સન્માન પામે છે. આ લોકનૃત્યો એના મૂળ સ્વરૂપે ટકી રહે ત્યાં જ એના માન-સન્માન ટકે. કારણે કે એની પરંપરાગત વિશિષ્ટતા અને વૈવિધ્યને કારણે એનામાં નૈસર્ગિક સૌંદર્ય નિખરે છે. એ પરંપરામાં સમજ્યા વિના ફેરફારો કરવામાં આવે એ રાસનું સમગ્ર રૂપ ખંડિત થાય એવી રીતે એની રજૂઆત કરવામાં આવે ત્યારે એનો આત્મા હણાય છે અને રાસનો નિસ્તેજ દેહ ફેરફૂદરડી ફર્યા કરતો લાગે. આમ, ન થાય તે માટે જાગૃતિપૂર્વક આપણી પરંપરાને જાળવવી રહી. આ દ્રષ્ટિએ વિચારતાં કચ્છ-સૌરાષ્ટ્રના લોકનૃત્યોની પરંપરાગત પ્રણાલિકા હજી એટલી જ્વલંત છે પણ આ લોકનૃત્યોમાં સમજ્યા વગર જે નવા અંશો ઉમેરાતાં જાય છે એને કારણે અને બહારથી આવેલાં ગીત-સંગીત, નૃત્ય, વેશભૂષા અને રજૂઆત ફિલ્મી આક્રમણને કારણે આપણી પ્રાચીન અને પ્રણાલિકાગત લોકનૃત્યોમાં કેટલાંક ભયસ્થાનો ઉભા થયા છે. આપણા લોકનૃત્યોમાં આપણે આપણાપણું ગુમાવશું તો રાસના પ્રણાલિકાગત સંસ્કારની સાથે ભારતભરમાંથી જે માન-સન્માન મળે છે તે ગુમાવવો પડશે. પરંપરાગત સચવાતી લોકકળા સંદર્ભે સ્વર્ગસ્થ પં. નહેરુંએ ઉચિત કહ્યું છે કે “લોકજીવનમાં જે વિશિષ્ટ સંસ્કૃતિ રહેલી છે તેનું આધુનિકીકરણ કરતાં એના વૈવિધ્ય-વૈશિષ્ટય અને મૂળસ્વરૂપોમાં જ ભારતમાતાનો વાસ છે.” લોકકળાઓમાં થતાં અનુચિત પરિવર્તનોથી એક ધારતી (બીક) રહ્યા કરે છે કે આપણે લોકકળાઓનું મૂળ સ્વરૂપ એની વિશિષ્ટતા અને વિવિધતા ગુમાવી બેસીશું અને આમ, થાય તે પહેલા જાગૃતિ થવું અનિવાર્ય છે એને માટે  આજે લોકોના સમૂહમાં લેવાઈ રહેલા રાસમાં ક્યાં ખૂબી છે ? ક્યાં ખામી છે ? કઈ એની વિશિષ્ટતા છે અને શેમાં એનું  વૈવિધ્ય રહેલું છે. તેનું દિગ્દર્શન સૌએ સાથે મળીને કરી લેવું જોઈએ. આપણાં પરંપરાગત રાસમાં શું જળવાવું જોઈએ. એની ચર્ચા કરતાં પહેલાં રાસ-નૃત્યમા સમગ્ર પણ કયા ઉણપ આવતી જાય છે. ક્યાં બિનજરૂરી ફેરફાર પ્રવેશતા જાય છે. પરિણામે રાસનું રૂપ રાસનો ભાગ અને રાસનો રસ ક્યાં ભંગ થાય છે તેનો વિચાર પ્રથમ કરી લેવો જોઈએ. જેથી ઉચિત-અનુચિતનો સ્પષ્ટ ખ્યાલ મેળવીને તે પ્રમાણે પરંપરાગત, પ્રણાલિકાગત રાસનૃત્યને જાળવી લઈ શકાય.


જાગૃતિ મહેતા
10, ઓમ નમઃ શિવાય, યોગી પાર્ક, ખાડિયા ચોક, દાદાની વાવ,
સિહોર – 364240, મો. 09427750859  )